ગીતામંથન
સંક્ષિપ્ત
કિશોરલાલ ઘ. મશરૂવાળા
અજ્ઞાન અને મોહનો નાશ
અધ્યાય અઢારમો
શ્રીકૃષ્ણ બોલ્યા :
“પ્રિય સુહ્રદ, હવે આ લાંબા સંવાદનો અંત લાવવાનો વખત થયો છે. થોડીક ક્ષણો પછી ઘોર યુદ્ધનો આરંભ થશે. તે માટે મારાં સઘળાં વચનોનું તાત્પર્ય ગ્રહણ કરી લે.
“અર્જુન, જે પરમાત્માથી આ સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ થયેલી છે અને એમની ક્રિયાઓ ચાલે છે, અને જે પરમાત્મા આ સર્વ વિશ્વમાં વ્યાપી રહેલો છે, તેનું પૂજન પોતપોતાના સ્વભાવસિદ્ધ ધર્મનું યોગ્ય રીતે આચરણ કરવામાં જ સમાય છે. સ્વધર્માચરણ એ જ પરમેશ્વરનું પૂજન, સ્વધર્મભ્રષ્ટતા એ જ એની અવગણના છે.
“પાંડવશ્રેષ્ઠ, તું સર્વ કર્મો પરમેશ્વરને અર્પણ કર અને એની જ ઇચ્છાને તું અધીન થા. એમ ચિત્તને પરમાત્માને અધીન કરવાથી જ તું જે સંકટો આવે તેને ધીરજથી સહી શકીશ, અને જે ધર્મસંકટો ઉત્પન્ન થાય તેમાંથી વિવેકયુક્ત માર્ગને શોધી શકીશ.
“આ મેં તને જ્ઞાનમાત્રનું અંતિમ રહસ્ય કહ્યું. હવે એનો વિચાર કરી, તને યોગ્ય લાગે તેમ કર.
“પરમ મિત્ર, એક છેલ્લું વાક્ય પણ સાંભળી લે : આજ સુધી તું સુખદુ:ખમાં નિરંતર મને અનુસર્યાે છે અને મારાં વચનોમાં તેં વિશ્વાસ રાખ્યો છે. સત્ય અને ધર્મથી બીજું કશું મને વધારે વહાલું નથી એમ તારી ખાતરી હોય, તો મારા પર વિશ્વાસ રાખી સર્વ ધર્માધર્મનો વિચાર છોડી દે અને ક્ષાત્રધર્મ પ્રમાણે લડ.
“મિત્રનંદન, આ રીતે અણધાર્યાે આપણી વચ્ચે ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય વગેરે સર્વેની સમાલોચના કરનારો અને સર્વે શાસ્ત્રોના સાર જેવો સંવાદ થયો છે. આવી વાતો ધારેલી નીકળતી નથી અને ધારેલી કહેવાતી નથી. ગુઋષિશ્યનો વિશુદ્ધ અને નિકટ સંબંધ થયો હોય અને બંને અતિશય સાત્ત્વિક ભાવોથી અંકિત થયા હોય તે વખતે જ આવો સંવાદ ગુરુમુખમાંથી યોગ્ય રીતે વહે છે, અને ત્યારે જ તે શિશ્યના હૃદયમાં સફળપણે જઈ સ્થિર થાય છે. માટે, આવી ચર્ચા વાચાળતાને વશ થઈ કેવળ વાર્તાભિલાશી પૂછનાર આગળ કરવી નહિ. એમ કરવાથી એનું રહસ્ય એના હૃદયમાં ઠરતું નથી અથવા વિપરીત રીતે જ ગ્રહણ થાય છે.
“પણ જે પરમેશ્વરનો અનન્ય ભક્ત હોય અને તેને વ્યાકુળતાથી શોધતો હોય, તેને આ જ્ઞાનનું રહસ્ય સમજાવવું એ મહાન ધર્મ જ છે. અર્જુન, આપણા આ ધાર્મિક સંવાદનું જે બરાબર અધ્યયન કરે તે પરમેશ્વરનો જ આરાધક બને. વળી, શ્રદ્ધાથી, નિર્મળ ભાવે જે સાંભળે તે પણ પુણ્યને અને શ્રેયને પંથે જ ચડે.
“હવે મારું કહેવાનું પૂરું થયું. બોલ, હું કહી ગયો એ તેં એકાગ્ર ચિત્તે સાંભળ્યું છે કે? એથી તારાં અજ્ઞાન અને મોહનો નાશ થયો એમ લાગે છે કે? હજુ તારા મનમાં કંઈ પૂછવાનું રહી ગયું છે કે?”
આ સાંભળી અર્જુન ગળગળો થઈ ગયો. એને હર્ષ થતો હતો કે શોક, તે કાંઈયે તે સમજી શક્યો નહિ. પરમજ્ઞાની વાસુદેવે પરિશ્રમપૂર્વક એની ઉપર જે બોધની અમૃતધારા વરસાવી, તેથી એને કૃતાર્થતા અને કૃતજ્ઞતાની લાગણીનો એવો ઊભરો આવ્યો કે, જેમ ઘણે દિવસે માતા-પુત્રનો મેળાપ થાય ત્યારે હર્ષના અતિરેકથી જ બંને રડી પડે છે તેમ, અર્જુન ડૂસકે ડૂસકે રડવા લાગ્યો. શ્રીકૃષ્ણની આંખમાંથીયે મોતી ટપક્યાં. શ્રીકૃષ્ણે ધનંજયને પોતાની છાતી સાથે ચાંપ્યો અને એના વાંસા પર પોતાનો વરદ હસ્ત ફેરવ્યો. થોડી વારે અર્જુન સ્વસ્થ થયો અને બે હાથ જોડી અત્યંત ભક્તિપૂર્વક શ્રીકૃષ્ણના ચરણમાં મસ્તક મૂકી બોલ્યો :
“ગુરુદેવ, મારા પર આજે તમે કૃપાની વૃષ્ટિ કરી મને કૃતાર્થ કરી મૂક્યો. આજે તમે જાણે મને નવો જન્મ આપ્યો છે. અહો! તમારા બોધનો આમ અનુગ્રહ પામ્યા વિના જ આજે જો હું યુદ્ધમાં પડયો હોત, અને તેમાં જો પંચત્વને પામ્યો હોત, તો કેટલી ખામી રહી જાત! તમે મને આજે નવો જન્મ આપ્યો છે એમ કહું, કે મારાં સર્વે જન્મમરણનો એક વારનો અંત આણી દીધો છે એમ કહું? મારી સર્વે શંકાઓ નિવૃત્ત થઈ છે, મારો મોહ નષ્ટ થયો છે, અને નિ:સંશય થઈ હું તમારી આજ્ઞાઓ ઉઠાવવા સજ્જ થયો છું.”
આ પ્રમાણે મહર્ષિ વ્યાસની કૃપાથી, વાસુદેવ અને અર્જુન આ બે મહાત્માઓની વચ્ચે થયેલા એક અત્યંત અદ્ભુત અને રોમાંચકારક સંવાદને મિશે, સર્વે શાસ્ત્રોના સારરૂપ આ ‘ગીતા’-શાસ્ત્ર જાણે યોગેશ્વર શ્રીકૃષ્ણને પોતાને મુખેથી જ નીકળતું હોય તેમ આપણને પ્રાપ્ત થયું છે. આ પવિત્ર સંવાદ સાંભળી આપણને વારંવાર હર્ષ થાય છે. આ શાસ્ત્ર વિશે આપણને કદી “હવે બહુ વંચાયું” એમ થતું નથી. નિત્ય નવા નવા અર્થોનો બોધ આપણા જીવનનો માર્ગ અજવાળે છે.
***