Geetamanthan - 2 books and stories free download online pdf in Gujarati

ગીતામંથન - 2

ગીતામંથન

સંક્ષિપ્ત

કિશોરલાલ ઘ. મશરૂવાળા

મૂંઝવણોનો ઉત્તર

અધ્યાય બીજો

અર્જુનની આવી દીન દશા જોઈ અને એના શબ્દો સાંભળી શ્રીકૃષ્ણ સડક જ થઈ ગયા. એ બોલ્યા : “વાહ રે ભાઈ, તું તો ઠીક ધર્મનો વિચાર કરતાં શીખ્યો છે! આર્યાેને ન છાજનારી અને કીર્તિનો નાશ કરનારી આવી કાયરતા તારામાં ક્યાંથી આવી? જો તારા જેવો પુરુશ મરણને જોઈ આભો બની જાય, તો હવે ક્ષાત્રવૃત્તિ આર્યાવર્તમાં ટકવાની નથી એમ જ કહેવું જોઈએ. ચાલ, હવે ડાહ્યો થઈને કામે લાગી જા અને આવી દુર્બળતાનો ત્યાગ કર.”

પણ શ્રીકૃષ્ણના ઠપકાની અર્જુન પર કશી અસર ન પડી. એ બોલ્યો : “કૃષ્ણ, તમે આ શું કહો છો તે હું સમજતો નથી. ધર્મ અને નીતિના તમે જાણનારા છો, યુદ્ધને ધિક્કારનારા છો. આ યુદ્ધ તમને જરાય પસંદ નથી, અને તેથી તો તમે શસ્ત્ર ન પકડવાની પ્રતિજ્ઞા લીધી છે. તે વખતે હું ઊંઘમાં, મોહમાં હતો. મને ધર્મનું ભાન થયું નહોતું. પણ હવે મોડો મોડોયે હું જાગ્યો છું. મરું તોયે મારું નહિ, એ વિચાર જ શ્રેષ્ઠ છે એમ મને આજે જણાઈ આવ્યું છે. ત્યારે એ જ વિચારમાં મને દૃઢ કરવાને બદલે તમે કેમ મને ડગાવવા ઇચ્છો છો?”

જવાબમાં શ્રીકૃષ્ણે પૂછયું : “જો, ફરી વિચાર કરી જો. તું તારો ધર્મ સમજી, લડાઈમાંથી નિવૃત્ત થાય, અને પછી બાકીના યોદ્ધાઓ લડાઈ શરૂ કરે, તો એ તું શાંતપણે જોઈ શકીશ? તારી મદદને અભાવે પાંગળા બનેલા ધર્મરાજાનો પરાજય થાય, તો તે પરિણામને તું શાંતિથી સહન કરી લઈ શકીશ? પાંડવોનો પરાજય કરીને કૌરવો ફરીથી દ્રૌપદીનું અપમાન કરે, તો તે વખતે તું શાંત ચિત્તે એ સમાચાર સાંભળી લઈ શકીશ?

“વહાલા મિત્ર, હું તને એક કસોટી આપું. ધર્મનો માર્ગ શારીરિક કે આર્થિક દુ:ખો લાવે ખરો, પણ એ ચિત્તની પ્રસન્નતામાંથી સૂઝે અને તેને વધારે. તું કહે છે કે તને તારો ધર્મ સૂઝી ગયો છે. તો હું તને પૂછી લઉં કે તને એ પ્રસન્ન ચિત્તમાંથી સૂઝયો છે ખરો? અને તેનું આચરણ તારા ચિત્તની પ્રસન્નતા ને શાંતિ વધારશે કે ઘટાડશે?”

શ્રીકૃષ્ણની પ્રશ્નાવલિથી અર્જુન ગભરાઈ ગયો. એ બોલ્યો : “મારા ચિત્તમાં પ્રસન્નતા નથી પણ ભારે ખેદ ભરેલો છે, એ મારે કબૂલ કરવું જોઈએ. વળી તમે જે જે પરિસ્થિતિ વર્ણવી તેમાં હું શાંતિ રાખી જ શકીશ અને લડવા મન નહિ કરું, તથા મારા મનમાં વેર ને ક્રોધનો અગ્નિ સળગી નહિ ઊઠે, એમ પણ હું ખાતરી ન આપી શકું.

“છતાં, કુળની આવી ઘોર હિંસા નર્યાે અધર્મ છે, એ વિશે મને શંકા નથી લાગતી. એટલે આવી કુલનાશક લડાઈમાંથી નિવૃત્ત થવું એ જ ધર્મ ગણાય. એ ધર્મનું આચરણ કરવા જતાં પૂર્વસંસ્કારો શાંતિને હરી લે, પ્રસન્નતા ન લાગે, માટે એ ધર્મ ઠરાવવામાં દોશ થયો છે એમ કેમ કહેવાય?

“એ પ્રશ્નનો શી રીતે નિકાલ લાવવો, તે મને સમજાતું નથી. ધર્માધર્મનો નિર્ણય કરવામાં સમગ્ર આર્યાવર્તમાં આજે તમારા જેવો કોઈ સુગ્ન નથી. મહર્ષિ વ્યાસ અને ભીષ્મ પિતામહ, તથા જ્ઞાની કાકા વિદુર અને મોટા ભાઈ ધર્મરાજા પણ તત્ત્વનિર્ણયમાં તમારા નિર્ણયને છેવટનો ગણે છે. તો કૃપા કરીને મારા મનની મૂંઝવણ ટાળો, અને જે સત્યધર્મ હોય તેનો જ મને બોધ આપો. જ્યાં સુધી તમે મારા મનનું સમાધાન ન કરો, ત્યાં સુધી હું લડવાનો નથી.”

ખિન્નવદન થઈ બેસી ગયેલા અર્જુનને શ્રીકૃષ્ણ ક્ષણેક કુતૂહલથી જોઈ રહ્યા. જ્ઞાની પુરુશોના જેવી જણાતી, પણ ભૂલભરેલી દલીલો સાંભળી એમને જરા હસવું આવ્યું. પણ એની પાછળ રહેલી અર્જુનની નિશ્ઠા અને સત્યધર્મ માટેની જિગ્નાસા જોઈ, એમને તેની ઉપર અતિશય પ્રેમ અને કૃપા ઊપજ્યાં. પોતાના પ્રિય મિત્રને પોતાનું સર્વસ્વ આપવા માટે શ્રીકૃષ્ણ તલસી રહેલા હતા જ. અત્યંત તપ, ચિંતન અને પુરુશાર્થપૂર્વક પોતે શોધેલા જીવનના સિદ્ધાંતો સમજવા અને જીવનમાં ઉતારવા અરજુન જેવા સર્વ રીતે લાયક મિત્રમાં જિગ્નાસા ઉત્પન્ન થાય, એની શ્રીકૃષ્ણ વાટ જોતા જ હતા. એ ક્ષણ આજે આવી લાગી હતી. આથી બહારથી કાંઈક વિનોદ કરી, પણ મનમાં અત્યંત પ્રસન્ન થઈ, શ્રીકૃષ્ણે પોતાના સિદ્ધાંતો સમજાવવાનો આરંભ કર્યાે :

“વાહ અર્જુન, તેં ધર્મશાસ્ત્ર સમજવા માટે ઠીક સ્થાન અને સમય શોધ્યાં! પણ તારે હવે તત્ત્વજ્ઞાનનું જ સમાધાન જોઈએ છે, તો ઊઠ, સાવધાન થઈ જા; બુદ્ધિને સુક્ષ્મ કર, અને નિશ્શંક થઈ જાય ત્યાં સુધી પ્રશ્નો પૂછી વિશયને છણી નાખ. હું બધી દૃષ્ટિએ તારું સમાધાન કરીને, તને તારી બુદ્ધિથી જ નિર્ણય કરાવીશ. તને ઊઠેલી મૂંઝવણોનો હું ત્રણ રીતે ઉત્તર આપવાનો છું : કેવળ તત્ત્વજ્ઞાનનો ઉત્તર, સાધારણ લોકો જે રીતે આવી બાબતો વિચારે છે એવો વહેવારુ માણસોનો ઉત્તર, અને તત્ત્વજ્ઞાન તથા વ્યવહારનો જેમાં મેળ બેસાડેલો હોય એવા કર્મયોગનો ઉત્તર. તેમાં પહેલો તત્ત્વજ્ઞાનનો નિર્ણય સાંભળ.

“તારી બધી દલીલોનું મંડાણ જીવતર અને મરણ વચ્ચેના ભેદ ઉપર, તેમ જ સગાં અને પરાયાં એવી ભેદદૃષ્ટિ ઉપર થયેલું છે. અર્જુન, દ્વારકામાં સાગરને કિનારે બેસી આપણે ઘણી વાર જોયું છે કે, સમુદ્રમાં પાણીના આધારે અનેક લહેરો અને પરપોટા થઈ આવે છે. એ ઘણાં ભેગાં થઈ એક મોટું મોજું કે પરપોટો બને છે. એવો કોઈ મોટો પરપોટો ફૂટી જાય, અથવા કોઈ મોજું અફળાઈને તેની નાની નાની લહેરો થઈ જાય, તેથી આપણને કદી શોક થતો નથી. કારણ, આપણે જાણીએ છીએ કે, એ આકારોના ઊપજવાથી કે નાશ પામવાથી સાગરના સાગરપણામાં કાંઈ ફરક પડતો નથી.”

સાગરના દૃશ્ટાંતને આત્મા સાથે સરખાવતાં, વળી શ્રીકૃષ્ણ બોલ્યા :

“પ્રિય અર્જુન, મોજાં અને પરપોટાની સરખામણીમાં જેમ સમુદ્ર વધારે સ્થિર અને સદ્ વસ્તુ છે, તેમ આ જગત અને ભૂતપ્રાણીઓની અપેક્ષાએ ચૈતન્યરૂપ આત્મા એ જ સ્થિર અને સદ્ વસ્તુ છે. એમ સમજ કે ચૈતન્યનો એક અપાર સાગર સર્વત્ર ભરેલો છે. જ્યાં કશું છે એમ દેખાય છે ત્યાંયે એ ચૈતન્ય રહેલું છે, અને જ્યાં કશું નથી એમ લાગે છે ત્યાં પણ એ છે જ. એ અપાર ચૈતન્યસાગરમાં બ્રહ્માંડોના ગોળાઓરૂપી અનેક પરપોટા ઊપજે છે. આ સર્વ ભૂતપ્રાણીઓ પણ એમાં જ ઊપજતા અનેક તરંગો અને નાનામોટા બુદ્બુદો છે. જેમ એક પરપોટો નાનાથી મોટો થઈને ફૂટી જાય તેથી કાંઈ પાણીનો નાશ થતો નથી, પણ એ પરપોટામાં વપરાયેલું પાણી બીજી જ ક્ષણે અન્ય આકાર નિર્માણ કરવા છૂટું થાય છે; તેમ દેહરૂપી એક આકાર નાશ પામતાં, ત્યાં વપરાશમાં આવેલો ચૈતન્યનો અંશ બીજો આકાર નિર્માણ કરવા છૂટો થાય છે. આથી મરણ નામની ક્રિયાથી બુદ્ધિમાન પુરુશ મોહ નથી પામતો.”

શ્રીકૃષ્ણ આગળ કહે છે : “બધી વાતોના સારરૂપે મારે તને જે કંઈ કહેવાનું છે તેની મતલબ આટલી જ છે કે, કોઈ પણ ઉપાયે સુખદુ:ખ, હર્ષશોક વગેરેથી પર થઈ જા. દરેક ક્ષણે ફેરફાર પામતા આ સંસારની પાછળ આધારરૂપે જે વસ્તુ રહેલી છે, તે સદા ચૈતન્યરૂપ આત્મા જ છે. એ આત્મા કદી હતો-ન-હતો થતો નથી.”

શ્રીકૃષ્ણનું આવું તત્ત્વનિરૂપણ અર્જુન એકચિત્તે સાંભળી રહ્યો, અને પછી વધારે સમજી લેવા માટે તે બોલ્યો : “પ્રિય મિત્ર, આ વિશય તમે મને ફરીથી સમજાવશો? ઘડીકમાં મને લાગે છે કે આ હું સમજી ગયો, ઘડીકમાં થાય છે કે આ કંઈક વિચિત્ર વાતો જ તમે કહો છો. પણ તમારી આ વાત સાંભળવામાં મને રસ તો બહુ પડે છે. આવી સુંદર તત્ત્વકથા છોડી, આ નરકમાં ધકેલનારા યુદ્ધમાં કોણ પડે?”

અર્જુનનાં આવાં વાક્યો સાંભળી શ્રીકૃષ્ણ ક્ષણેક મૌન રહ્યા અને કાંઈક વિચાર કરી બોલ્યા :

“અર્જુન, હું તને આત્માગ્Xનાત્માનો ભેદ સમજાવીશ તો ખરો જ. પણ મારે તને ચેતાવી દેવો જોઈએ કે હું તને કર્તવ્યભ્રષ્ટ કરીને તત્ત્વજ્ઞાન પણ સમજાવવાનો નથી. તારું કર્તવ્ય આજે તો આ આવી પડેલું યુદ્ધ લડી લેવાનું છે. એમાં તને જે મોહ ઉત્પન્ન થયો છે, તે દૂર કરવા પૂરતું જ હું તત્ત્વજ્ઞાનનું નિરૂપણ કરું છું. સ્પષ્ટ રીતે પ્રાપ્ત થયેલા કર્તવ્યને છોડીને તત્ત્વજ્ઞાનની પાછળ લાગવું, તેને પણ હું સ્વચ્છંદ જ સમજું છું. લડાઈનું કામ કઠણ હોય કે સહેલું હોય, સ્વર્ગમાં લઈ જનારું હોય કે નરકમાં લઈ જનારું હોય, તારાથી એમાંથી છટકી શકાવાનું નથી એટલું હું તને ચેતાવી દઉં છું.”

એમ ચેતવણી આપતાં શ્રીકૃષ્ણ આગળ બોલ્યા :

“તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ કોઈ મરતું નથી, અને કોઈ મારતું નથી. મેં હણ્યો એમ સમજનાર, કે હું હણાયો એમ સમજનાર, બન્ને અજ્ઞાની છે. આ આત્મા કદી જનમ્યો નથી અને કદી મરવાનો નથી. આથી આવો તત્ત્વજ્ઞાની પુરુશ સારું કે કઠોર જે કર્તવ્ય આવી પડે તે નિશ્શંક ચિત્તે, દૃઢ મનથી કરે છે અને તેના પરિણામ વિશે શોક કરતો નથી.

“અર્જુન, તું પૂછે છે કે, હું ભીષ્મ અને દ્રોણને કેમ હણું? વહાલા ભાઈ, આ સામે ઊભેલા જે ડોસાઓ દેખાય છે તેમાં ભીષ્મ અને દ્રોણ એ ધોળા કેશવાળાં શરીરોનાં નામ છે, કે તેમાં રહેલા એમના આત્માનાં નામ છે? જો એ શરીરો તારા પૂજ્ય પુરુશો હોય, તો એમાંથી આત્મા નીકળી ગયા બાદ તું જ એને સ્મશાનમાં લઈ જવા ઉતાવળો થવાનો છે. અને જો એમાં રહેલા ચૈતન્યને તું તારા દાદા અને ગુરુ સમજતો હોય, તો એમનો તો નાશ થવાનો જ નથી. એ જીવોએ તો પોતાની વાસનાઓને અધીન થઈને જેમ હાલનાં શરીરો ધારણ કરેલાં છે, તેમ આ શરીરો નાશ પામતાં નવાં શરીરો ધારણ કરી લેશે. જૂનાં કપડાં ઉતારી નવાં કપડાં પહેરવા જેવી માત્ર એ ક્રિયા કહેવાય. જે તારા દાદા અને ગુરુ છે તે તારા જોવામાંયે આવ્યા નથી અને તારાં બાણો એમને દૂરથીયે અડી શકવાનાં નથી. અને જે શરીરોને તું રાખવા મથી રહ્યો છે એ કોઈક રીતે, ક્યારેક તો પડવાનાં છે જ. તેમને પાડવાનું કઠણ કર્તવ્ય આજે તારે માથે આવી પડે છે, એટલા માટે તારે શોક કરવો ઉચિત નથી. આત્મા પ્રત્યે તું દૃષ્ટિ રાખ અને આ શરીરોને તું ભૂલી જા. કર્તવ્યકર્મ આગળ એ ક્ષણભંગુર દેહોને મહત્ત્વ આપવું ઉચિત નથી.

“પણ આ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિ તને બુદ્ધિમાં અને આચારમાં ઉતારવી બહુ કઠણ લાગતી હોય, તો તું કેવળ સામાન્ય પરંતુ શ્રદ્ધાળુ લોકોની દૃષ્ટિએ આનો વિચાર કરી જો. એ દૃષ્ટિએ પણ તારે માટે યુદ્ધ કરવું એ જ કર્તવ્ય છે, એમ જણાયા વિના નહિ રહે. આ અહીં લાખો સૈનિકો આવીને ઊભેલા છે તેમનો તું અભિપ્રાય લેશે, તો તેઓ તને એકે અવાજે કહેશે કે માણસ જે પરિસ્થિતિમાં જનમ્યો હોય અને આવી પડયો હોય, તે પરિસ્થિતિનાં કર્તવ્યો બજાવતાં બજાવતાં મરવું એ સિવાય કોઈ બીજો ધર્મ જ નથી, અને એથી કોઈ મોટો જીવનનો લહાવો નથી. જો તું આવા ધર્મયુદ્ધથી પાછો હઠે, તો અઢારે અક્ષૌહિણીમાંથી એકે સૈનિક તારા કામને યોગ્ય કહેશે નહિ. એ તને ધર્મભ્રષ્ટ, કાયર ગણશે. તારા શત્રુઓ તારાં બધાં પાછલાં વીર કર્મો ભૂંસી નાખશે, અને તું નિંદા તથા અકીર્તિને જ પ્રાપ્ત કરીશ. પ્રિય પાંડવ, આના કરતાં વધુ દુ:ખ તારે માટે શું હોઈ શકે? આવી અપકીર્તિ મેળવીને તું જીવે, તેના કરતાં તારું મરણ ઓછું દુ:ખકારક ગણાય. આમ લાખો લોકોનો અભિપ્રાય લેશે, તો તેઓ તને દૃઢનિશ્ચય થઈ લડવાનો જ માર્ગ બતાવશે.”

શ્રીકૃષ્ણે વર્ણવેલા સામાન્ય લોકોના દૃષ્ટિબિંદુની અર્જુન ઉપર બહુ અસર ન થઈ. એ બોલ્યો :

“અજ્ઞાની અને પામર એવા સામાન્ય લોકોની વિચારસરણીને આપ શું જોઈને મારી આગળ મૂકો છો? ભૂખ, નિદ્રા, ભય અને કામ એ ચાર જ વિશયોને સમજનારો સામાન્ય જનસમૂહ એ તે કાંઈ મનુષ્યજાતિ છે? હું તો એમને પશુ જેવા જ ગણું છું. જેમ મસ્ત કરેલા હાથી, ગેંડા, પાડા કે મેંઢા મૂઢપણે લડવાને આવે છે, પણ તેમાં પોતાનું શું હિતાહિત છે તે સમજી શકતા નથી, તેમ અઢારે અક્ષૌહિણી સેના અમારા ઉશ્કેરનારાં સંભાશણોથી અને સ્વર્ગની કે મોટાં મોટાં ઇનામોની અમે ઉત્પન્ન કરેલી લાલચોથી ઠગાઈને પોતાના નાશાર્થે જ અમારી પાછળ આવે છે. ધર્મ-અધર્મની જેવી સમજણ અમે એમને આપી છે, તે પ્રમાણે તેઓ એને પકડી બેઠા છે અને વર્તે છે. એમણે કરેલી કીર્તિ અને નિંદા એ બેયની કિંમત હું સરખી જ સમજું છું. સામાન્ય જનતાની વાહવાહથી પોતાના વર્તનની સત્યતા ઠરાવનારો અને એમના ફિટકારથી પોતાને અસત્યધર્મી માનનારો પુરુશ મૂર્ખ સમજવો જોઈએ. એમના દૃષ્ટિબિંદુથી મારો ધર્મ ઠરાવવાનું, કૃપા કરી, મને કહેશો મા.”

સામાન્ય પ્રજા વિશે અર્જુનના મનમાં આવી તુચ્છપણાની બુદ્ધિ રહેલી છે, એ જાણીને શ્રીકૃષ્ણને આશ્ચર્ય અને ખેદ થયાં. ગોવાળિયાઓના પ્રેમામૃત પર ઊછરેલા યશોદાનંદન મનમાં વિચારવા લાગ્યા :

“અહોહો, અર્જુનને સ્વબુદ્ધિનો આટલો બધો ગર્વ છે, એ તો મારા ખ્યાલમાં જ આવ્યું નહોતું. અર્જુનને આ કટોકટીને વખતે આવો મોહ ઉત્પન્ન થાય છે એનું હવે મને આશ્ચર્ય લાગતું નથી. આવા અહંકારી ચિત્તને સ્પષ્ટ ધર્મ ન જ સમજાય, અને જેમ જેમ એ બુદ્ધિ વાપરવાનો પ્રયત્ન કરે તેમ તેમ એ વધારે ગૂંચાતો જ જાય. આ અર્જુન એમ સમજતો લાગે છે કે, બુદ્ધિ એટલે તર્કશક્તિ. એ જાણતો નથી કે એકલી બુદ્ધિ એ તો વાસના કે આવેશની દાસી છે. ભાવનાની શુદ્ધિ અને નમ્રપણે સત્યશોધનની વૃત્તિ વિના, ગમે તેવો પંડિત હોય તોયે તે ધર્મનો માર્ગ જાણી શકે નહિ. માટે, મારે આ અર્જુનનું ગર્વખંડન પહેલું કરવું જોઈશે.”

પતિત, પામર, શ્રદ્ધાળુ તથા ભોળાં સ્ત્રીપુરુશોનું જ હિત જેમના હૈયામાં રહેલું હતું; જેમના પ્રેમનું માત્ર સ્મરણ થતાં જ જે, જ્ઞાની છતાં, ભાવવશ થઈ જતા, એવા શ્રીકૃષ્ણ અર્જુને કરેલી સામાન્ય લોકોની આવી નિંદાને સહન કરી શક્યા નહિ. અર્જુન પ્રિય સખા હતો, આજે શિશ્યભાવે શરણે આવેલો હતો, છતાં એમની વાણીમાં કાંઈક ભાવવિશેષતા અને રોશ જણાયા વિના રહ્યાં નહિ. એ બોલ્યા :

“ધજા ઉપર વાનરનું ચિહ્ન રાખનારા અને વાનરના જેવા ઢીંચણ સુધી લાંબા હાથ હોવાનો ગર્વ રાખનારા મારા પ્રિય ધનુર્ધર! પોતાના જાનમાલની પરવા ન કરી કેવળ સ્વામીભક્તિની જ ભાવનાને વશ થઈ આવેલા, ભલા ભોળા અને શૂર સૈનિકોનાં સ્વાર્પણની તેં કિંમત તો ઠીક આંકીને તારી સારમાણસાઈ સિદ્ધ કરી! તારા મનમાં એવું વસેલું છે કે, સંપત્તિ અને અધિકાર વિનાના આ લાખો સૈનિકો એ કેવળ પશુ જ છે. એમનામાં કશી બુદ્ધિ નથી, વિચારશક્તિ નથી, તથા પેટ ભરવું અને પોઢવું એ સિવાય કશી સમજણ નથી. પણ તમે સંપત્તિશાલી મૂઠીભર અધિકારીઓ અને ચતુર ગણાતા જનો એટલા જ અહીં માણસો વસો છો! અર્જુન, આવું મિથ્યાભિમાન તારા મનમાં ક્યારથી ઉત્પન્ન થયું વારુ? અથવા મારે એ પ્રશ્ન પૂછવાની જ જરૂર નથી. કારણ, જે બુદ્ધિની મલિનતાને લીધે આ કુસમયનો સંવાદ તેં ઉત્પન્ન કર્યાે છે, તેને અનુસરીને જ તારા આ વિચારો છે.

“પણ સામાન્ય લોકો વિશે મારા વિચારો જુદા જ છે તે હું તને સમજાવીશ.

“અર્જુન, સામાન્ય પ્રજાગણ બુદ્ધિહીન હોય છે, અને જે સંસ્કારો તમારા જેવા ડાહ્યા લોકો એમનામાં પોશે છે તેને મૂઢપણે પકડી રાખે છે, એવી તારી સમજ ઘણી ભૂલભરેલી છે એમ માન. સામાન્ય લોકો તર્કકુશળ નથી હોતા, એ વાત સાચી. એમણે પોશેલા સંસ્કારોને તેઓ શ્રદ્ધાથી વળગી રહે છે અને તેના સમર્થનમાં બહુ દાખલાદલીલોથી વાદવિવાદ નથી કરી શકતા, એ પણ સાચું. તમારા જેવા ન્યાય ભણેલા વિદ્વાનો એમની શ્રદ્ધા સામે શાસ્ત્રાર્થ કરે તો તેઓ બાપડા મૂંઝાઈ જાય અને ઉત્તર ન આપી શકે, એ પણ સાચું. પણ કોઈ માણસ પોતાની શ્રદ્ધા માટે તર્કનો આધાર ન બતાવી શકે તેથી એ શ્રદ્ધા મૂઢપણાની છે, અથવા એની પાછળ પોતાના હિત-અહિતની કંઈ પ્રતીતિ જ નથી, એમ માનવાનું નથી.

“તેઓ બુદ્ધિહીન પણ નથી હોતા અને ભાવનાહીન પણ નથી હોતા. ઊલટું, જેમને આપણે સામાન્ય રીતે બુદ્ધિમાન ગણવા લલચાઈએ છીએ એમના કરતાં એમની ભાવના તેમ જ બુદ્ધિ વિશેષ સ્થિર અને તીક્ષ્ણ હોય છે. સામાન્ય માણસો જેટલું ગ્રહણ કરે છે તેટલું એકદમ અને પૂર્ણપણે ગ્રહણ કરી લે છે.

“સામાન્ય, ભોળી અને બુદ્ધિ વિનાની ગણાતી પ્રજા, તેમ જ ભણેલીગણેલી અને સંસ્કારી ગણાતી પ્રજા, બન્નેની વચ્ચે મારું જીવન ગયેલું છે. આથી મારો બન્ને વિશેનો અનુભવ સાંભળવા જેવો થશે.

“વ્રજરૂપી અસ્થિર ગામડાંઓવાળા અને ગાડાંઓરૂપી ઘરબારવાળા ભોળા ગોવાળિયાઓ વચ્ચે મારી બાલ્યાવસ્થા ગઈ. દ્વારકાની સમૃદ્ધિની સરખામણીમાં એ જીવન અનેક જાતની હાડમારીઓ અને જોખમોથી ભરેલું હતું. નંદ-યશોદા એ કાંઈ મારાં જન્મદાતા માતાપિતા નહોતાં. ગોપ-ગોપીઓનો હું કોઈ સગોસંબંધી થતો નહોતો. મોટાભાઈને અને મારે લીધે એ ગરીબ ગોપોને ભારે જોખમમાં રહેવું પડતું હતું. પણ ગોકુળમાં મેં જે પ્રેમ અનુભવ્યો, જે લાડ મેળવ્યાં, જે ભક્તિ જોઈ — તેનું સ્મરણ કરું છું, ત્યારે મારું હૃદય ભરાઈ જાય છે, મારી આંખોમાં ઝળઝળિયાં આવે છે, અને આ વાત કરતાં કરતાંયે મને જાણે ગળે ડૂમો આવે છે.”

આટલું કહેતાં કહેતાં શ્રીકૃષ્ણ બે ક્ષણ અટકી ગયા. પછી પોતાની આંખોને લોહી નાખી પાછા સ્થિર થઈ બોલવા લાગ્યા :

“યાદવોને સમૃદ્ધ કરવા માટે મેં એક પણ ઉપાય યોજવો બાકી રાખ્યો નથી. એમના હિત માટે મેં નથી જોઈ રાત કે નથી જોયો દહાડો. એમાં મેં એક રતી જેટલોય કદી મારો સ્વાર્થ સાધ્યો નથી. એને પરિણામે યાદવોને અત્યંત યશ અને સમૃદ્ધિ મળ્યાં છે. પણ, એનું પરિણામ શું આવ્યું છે? અનેક પ્રકારનાં વ્યસનોમાં રચ્યાપચ્યા રહી પ્રજાને પીડવી અને પરસ્પર લડાઈટંટા વધારવા — એ સિવાય એ શો ધંધો કરે છે, વારુ?

“અરે! દેવકી-વસુદેવ તો મારાં સાક્ષાત માતાપિતા છે. પણ જે વિશ્વાસ અને હેત હું નંદ-યશોદામાં અનુભવતો, તે હું દ્વારકામાં નથી અનુભવતો. બાળક સ્વભાવને અનુસરીને અમે ગોકુળમાં કેટલું તોફાન કરતા! અર્જુન, દ્વારકામાં યાદવોને મન ચાંદીના બેડાની જે કિંમત ગણાય, તેથી ગોપીઓને મન માટીનું બેડું વધારે કીમતી હતું. પણ બાલ્યાવસ્થાની મસ્તીમાં અમે એને ઝટ લઈને ફોડી દેતા. એમાં પાણી હોય તો પાણી અને મહી-માખણ હોય તો તે ઢોળી નાખતા, મહી-માખણ ઉડાવી જતા કે વાનરોનેયે ખવડાવી દેતા. પણ એ બાલવત્સલ ગોપીઓ ક્ષણેક રોશ જેવું બતાવવા જાય, છતાં અંદરના હેતને લીધે હસી પડતી અને તેમનો રોશ નકામો જતો. ‘માખણચોર’ અને એવાં એવાં બીજાં નામો તેઓએ મને ચીડવવાને પાડર્યાં હતાં ખરાં, પણ એ નામો પાછળ પ્રેમ સિવાય બીજો ભાવ નહોતો.

“પાંડવ, ગોપોના અને યાદવોનાં પ્રેમ, ઉદારતા અને ખાનદાની વચ્ચેનો ફરક મેં તને કહ્યો. હવે તેમની વિચારશક્તિ તથા સત્યને અનુસરવાની શક્તિ વિશે મારો અનુભવ સાંભળ :

“આ યાદવો શૂર છે, સમૃદ્ધ છે, ડાહ્યા છે, સારા-નરસાનો વિવેક કરી શકનારા છે, નીતિગ્ન પુરુશોની સભાઓમાં ચર્ચા કરી શકે એવા છે, પરંતુ તેઓ દારૂના વ્યસનમાં કેવા ડૂબેલા છે તે તું સારી પેઠે જાણે છે. અરે, બીજાની શું કામ વાત કરવી? આ મોટાભાઈ પણ મદ્ય પીને ગાંડા બને છે. મદ્યની પાછળ જૂગટું, દ્રવ્ય-દારાનું હરણ વગેરે અપકૃત્યો તો, વસ્તુ પાછળ છાંયડો આવે તેમ, આવેલાં છે. આ દારૂ અમારા કુળના નાશનું કારણ થનાર છે, એ હું તને આજથી ભવિશ્ય કહી રાખું છું. એમાંથી એમને છોડાવવા વૃદ્ધ પિતાશ્રી દ્વારા મેં કેટલાયે આદેશો કઢાવ્યા છે, કેટલીયે વાર યાદવોને સમજાવ્યા છે, પણ બધું પથ્થર પર પાણી. હું તને ખાતરીથી કહું છું કે મારા ગોવાળોમાં જો કોઈ આવું વ્યસન હોત, તો તે હું એક શબ્દમાં જ છોડાવી શક્યો હોત. ઇન્દ્ર જેવાનો યજ્ઞ પણ મારા વચનને વિચારીને તેમણે બંધ કરતાં વાર લગાડી નહિ. ઇન્દ્ર કોપશે તો કેવી ભયંકર આપત્તિ આવી પડશે, એનો ડર એમની આગળ રજૂ કરનારા કાંઈ ઓછા નહોતા. પણ એમને મારી દલીલ સમજાતાં જ, કશાયે પરિણામની બીક રાખ્યા વિના, તેમણે તુરત જ તેનો અમલ કર્યાે.

“અધૂરામાં પૂરું, તેનો અમલ થયા બાદ થોડા જ દિવસમાં અણધારી વૃષ્ટિની હેલી આવી, આખું વ્રજ ડૂબી જવા બેઠું. માંડ માંડ ગોવર્ધન પર્વત પર ચડી જઈ બધાંએ આત્મરક્ષા કરી. ડાહ્યાઓ સમજાવવા બેઠા કે ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાવ્યાનું ફળ મળ્યું. પણ જેમને તું કેવળ ઉદરવિશય-પરાયણ પામરજન સમજે છે, તેમનામાં આથી બુદ્ધિભેદ ન થયો. ઇન્દ્રનો હિંસામય યજ્ઞ બંધ થયો તે થયો જ.

“અર્જુન, મેં તને પહેલાંયે કહ્યું, અને ફરીથી કહું છું કે માણસે સમજી-સમજીને એક જ વાત સમજવાની છે. તે એ કે, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એનો એક વાર નિશ્ચય થયો, પછી એ નિશ્ચય પ્રમાણે વર્તન કરવામાં સુખ આવે, દુ:ખ આવે, યશ મળે, અપયશ મળે, લાભ થાય કે હાનિ થાય, કશાની પરવા ન કરતાં એ પ્રમાણે વર્તવું એ જ ધર્મ.

“વળી એક બીજી વાત સાંભળ : મેં તને કહ્યું કે અભણ ગોવાળિયાઓએ તો ઇન્દ્રનો યજ્ઞ તત્કાળ બંધ કર્યાે; પણ એ જ સલાહ જો હું તમને લોકોને આપું, તો તમને સમજાવતાં હું ફાવું એમ મને ખાતરી નથી. કારણ કે તમે તો બધા ડાહ્યા, શાસ્ત્રોને જાણનારા, અર્થ બેસાડવામાં કુશળ પુરુશો રહ્યા. જુદા જુદા યજ્ઞોનાં ફળોનું શાસ્ત્ર તમે મારી આગળ વાંચી સંભળાવો અને મને નિરુત્તર બનાવી દો.

“આ ગોકુળના સમયનો જ એક દાખલો આપું. એક દહાડો અમે બધા ગોપબાળકો ગાયો ચરાવતાં ચરાવતાં થાકી ગયા. બપોર થઈ ગઈ હતી અને પેટમાં કકડીને ભૂખ લાગી હતી. કશું ખાવાનું પાસે હતું નહિ. પડોશમાં બ્રાહ્મણવાસ હતો. ત્યાં વિદ્યા પ્રાપ્ત કહેલા બ્રાહ્મણો યજ્ઞહવન વગેરેનાં કામોમાં મશગૂલ હતા. ત્યાં જઈ અમે અન્ન માગ્યું. પંડિતોએ કહ્યું, અન્ન તો યજ્ઞાર્થે તૈયાર થયું છે; તેમાંથી અપાય જ નહીં! અમે ભૂખ્યા પાછા ફરતા હતા. પરંતુ આ વેદ ભણીભણીને કર્મજડ બનેલા બ્રાહ્મણો જે યજ્ઞધર્મ સમજ્યા નહોતા, તે વેદના અધિકાર વિનાની એમની પત્નીઓ વધારે સારી રીતે સમજતી માલૂમ પડી. તેઓએ વિચાર્યું ‘અરે, આ ભૂખ્યાં બાળકો અન્ન વિના ટળવળે છે, તેમને ન આપતાં અગ્નિમુખે અન્ન નાંખવાનો યજ્ઞધર્મ તે ક્યાંથી આવ્યો? શું વેદોમાં માણસને આવો ધર્મ શીખવ્યો હશે? અમને તો લાગે છે કે અમારા પતિઓ ભલે વેદ ભણ્યા હોય, પરંતુ ધર્મને તો ભૂલ્યા જ છે. અમે તો ભૂખ્યાને ખવાડવારૂપી ધર્મ આચરીને જ કૃતાર્થ થઈશું, ભલે અમારા પતિ વૈશ્વાનરમાં ઘી અને ભાત હોમતા બેસે!’ આમ વિચારી તેઓએ અમને હેતથી બેસાડયા અને પેટ ભરીને જમાડી વિદાય કર્યા.

“સાચું પૂછતાં, આ અભણ વર્ગ ધર્માધર્મની બાબતમાં વિચાર કરી શકવાની શક્તિ ધરાવતો નથી એમ જો આપણને લાગતું હોય, તો તેનું કારણ એ અભણ વર્ગમાં બુદ્ધિ ઓછી છે એ નથી; પણ આપણા ડાહ્યા ગણાતા માણસો જ એનું કારણ છે. એમણે જાતે પોતાની બુદ્ધિને તર્કોમાં ગૂંચવી મેલી છે અને એ ગૂંચવણમાં તેઓ પ્રજાનેયે નાખવા ઇચ્છે છે. તેથી પ્રજા પણ કાં તો ગુંચવાય છે અથવા પંડિત ગણાતા લોકોને સમજી જ શકતી નથી.”

કૃષ્ણદેવની જનતા માટે અત્યંત પ્રેમ અને આદર દર્શાવનારી તથા ભાવનાના આવેશવાળી વાણીનો પ્રવાહ અર્જુનના મદને ક્યાંય ખેંચી ગયો. જે લાખો સૈનિકો એને માટે પ્રાણાર્પણ કરવા આવેલા હતા, તેને માટે એણે જે તુચ્છ ભાવ બતાવ્યો હતો તેથી એ હવે શરમાઈ ગયો. જેના બળ પર મુકુટધારીઓ પોતાના મુકુટની સ્થિરતા માટે આધાર રાખે, એવા જનાર્દનનો સામાન્ય પ્રજાગણ માટેનો પ્રેમ જોઈ, તેમના અપાર ઐશ્વર્ય અને ભાવનું જાણે રહસ્ય જોયું હોય એમ અર્જુનને લાગ્યું. લજ્જાથી નમ્ર બનેલો તે બોલ્યો :

“શ્રીકૃષ્ણ, પ્રિય સખા, સામાન્ય જનો પ્રત્યે મેં બતાવેલા અનાદર માટે મને ક્ષમા કરો. ધર્મનું તત્ત્વ ભણેલા જ સમજી શકે અને અભણ ન સમજે, એ મારા વિચારમાં રહેલી ભૂલ મને સમજાઈ છે. પણ ત્યારે હવે ધર્માધર્મ ઠરાવવાનો માર્ગ શો? વેદશાસ્ત્ર-સંપન્ન શાસ્ત્રીઓને પણ એ કાર્યને માટે તમે અયોગ્ય ઠરાવ્યા. ત્યારે હવે કર્તવ્ય શું એ ઠરાવવાનો જે ચોક્કસ માર્ગ હોય તે મને બતાવો, જેથી હું નિશ્ચિતપણે મારા ધર્મને સમજું.”

અર્જુનનો પ્રશ્ન સાંભળી શ્રીકૃષ્ણ પ્રસન્ન સ્વરે બોલ્યા :

“અર્જુન, પ્રજાનાં ધારણ અને પોશણ માટે આવશ્યક કર્મો અવશ્ય આચરવા યોગ્ય ગણાય. પરંતુ સામાન્ય માણસ એ કર્મોને એમાંથી નીપજનારાં ફળો પ્રત્યે દૃષ્ટિ રાખીને જ કરે છે. પણ કર્મો લાભદાયી જ થાય, એવું હમેશાં બનતું નથી. અનેક વિઘ્નો ઉત્પન્ન થઈ તે મનુષ્યની ગણતરી ખોટી પાડે છે. આ પરિસ્થિતિમાં, કર્મના ફળ વિશે આસક્તિવાળો મનુષ્ય ધીરજ ખોઈ બેસે છે અને પોતાના ચિત્તને ક્લેશ કરે છે.

“અમુક કર્મ કરવાની ફરજ છે એવો નિશ્ચય થવા છતાં, જે પુરુશ ફરજને મહત્ત્વ આપવાને બદલે એની સિદ્ધિ-અસિદ્ધિને મહત્ત્વ આપે છે, તે કર્તવ્યકર્મો કરવા છતાંયે સદા અશાંત અને ઉતૃપ્ત જ રહે છે. આથી કર્માચરણ એ જ સર્વસ્વ નથી, પણ એના ફળ વિશે અનાસક્તિ — અથવા કર્માચરણને અંતે લાભ થાઓ, ગેરલાભ થાઓ, યશ મળો, અપયશ મળો, એ બન્ને સ્થિતિમાં ચિત્તની જ્ઞાનયુક્ત સમતા — એ અતિશય મહત્ત્વની વસ્તુ છે.

“વળી, કર્મ પણ યજ્ઞ સિવાય બીજા હેતુથી કરવામાં આવે, તો તે વાસનાને પોશનારાં થાય છે. પણ, જો તે યજ્ઞાર્થે કરવામાં આવે તો બંધનકારક થતાં નથી. આથી તું કેવળ ફળ વિશેની જ આસક્તિ છોડીને નહિ, પણ યજ્ઞાર્થે તારાં કર્મો કર.”

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED