ગીતામંથન
સંક્ષિપ્ત
કિશોરલાલ ઘ. મશરૂવાળા
ભક્તનાં લક્ષણો
અધ્યાય બારમો
અર્જુને અત્યાર સુધી જે કાંઈ સાંભળ્યું, તે ઉપર હવે એ શાંતપણે વિચાર કરવા લાગ્યો. એમ વિચાર કરતાં તે બોલ્યો :
“તમે પહેલાં એમ કહ્યું કે સંન્યાસ એટલે સાંસારિક કર્મોનો ત્યાગ એમ નહિ, પણ કર્મનાં ફળોનો ત્યાગ તે સંન્યાસ. વળી તમે એમ કહ્યું કે અનન્ય ભક્તિની પરાકાષ્ઠા કર્યા વિના કર્મફળત્યાગ રૂપી પરિણામ ઉદ્ભવતું નથી. તો આવા અનન્ય ભક્તનાં સર્વ લક્ષણો જાણી લેવા હું ઉત્સુક થયો છું, અને તેનું નિરૂપણ કરવા તમને વિનંતી કરું છું.”
પોતાના પ્રિય મિત્રનું અત્યંત હિત કરવાને તથા તેના સઘળા શુભ કોડને પૂરા પાડવાને સદા તત્પર રહેનારા ભક્તવત્સલ શ્રીકૃષ્ણે અર્જુનની વિનંતીને તુરત જ માન્ય કરી. તે બોલ્યા :
“ચિત્તનો ભક્તિમાન અને શ્રદ્ધાવાન સ્વભાવ એ અનન્ય ભક્તની વિશેષતા છે. મારો પ્રિય સ્વામી, મારો હિતેશ્રી, મારો વહાલો દેવ, એ જ સર્વત્ર વસેલો છે, એને મારાથી રજ જેટલોયે ન દૂભવાય, એવા દૃઢ નિશ્ચયથી અને પ્રેમના જોરથી ઈશ્વરનો પરમ ભક્ત કોઈ ભૂતપ્રાણીને વિશે દ્વેશબુદ્ધિ રાખી જ શકતો નથી. જેમ સૂર્યને રાત્રીનો અનુભવ કરવો શક્ય થતો નથી, તેમ દ્વેશબુદ્ધિ કેમ ઊપજતી હશે એ ભક્તને સમજવામાં જ આવી શકતું નથી. પોતાનું ગળું કાપવા આવનાર પ્રત્યે પણ એના મનમાં દ્વેશ નથી વસતો, કરુણા વસે છે. તો, એ જ્યાં કાંઈક પણ સારું જુએ ત્યાં મિત્રભાવથી ભરેલો હોય, અને રજ જેટલી પણ પીડા જુએ ત્યાં કૃપાથી ભરાઈ જાય, એમાં શું કહેવું?
“જેમ બાળક માને આવતી જુએ એટલે એ પોતાના હર્ષને સમાવી જ શકતું નથી, અને માની સામે દોડી ગયા વિના એનાથી રહી શકાતું નથી, તથા આવા એના સ્વભાવ માટે એ કદી ગર્વ લેવા જેટલો વિચાર પણ કરવા બેસતું નથી; તેમ ભક્ત પોતાના પ્રેમના બળથી પ્રેરાયેલો જે કાંઈ સત્ક્રિયા કરે છે, તે વિશે મમતા કે અહંકાર અનુભવવા જેટલો વિચાર કરવા થોભતો જ નથી. એનાં સત્કર્મો માટે એની કોઈ પ્રશંસા કરે તો તેનું એને આશ્ચર્ય લાગે છે; કારણ કે એની તો એવી જ માન્યતા હોય છે કે એણે બતાવેલો સદ્ભાવ એ સામાન્ય માનવધર્મ જ છે, એટલે કોણ એવો બેપગો મનુષ્ય હશે કે જે એથી જુદી રીતે વર્તે? બીજા કરતાં કોઈ વિશેષ વર્તન કર્યાનું ભાન થયા વિના અભિમાન આવતું નથી. એવું ભાન જ એને ઊઠતું નથી. માટે એ નિરહંકાર રહે છે.
“પોતાના સ્વામીની ઇચ્છાને જ પોતાની ઇચ્છા માનીને તથા તેને વિશે જ પોતાનાં મનબુદ્ધિને અર્પણ કરીને રહેલો, તથા ઈશ્વરની ઇચ્છાને અધીન જ સર્વ તંત્ર ચાલે છે અને એના હલાવ્યા વિના સૂકું પાંદડું પણ હાલતું નથી, અને એ પ્રભુ પોતાના ભક્તનું હિત જ કરવાવાળો છે એવી દૃઢ શ્રદ્ધાવાળો, વળી એ નિયંતા જેમ રાખે તેમ રહેવાના દૃઢ નિશ્ચયવાળો ભક્ત પુરુશ સુખદુ:ખમાં સમ, ક્ષમાવાન અને સદા સંતોશી હોય એમાં શું કહેવું?
“એનાથી કોઈને ઉદ્વેગ થતો નથી; કોઈ એને ઉદ્વેગ પહોંચાડતું નથી. એ પ્રસન્ન થાય છે, પણ હર્ષઘેલો થતો નથી. ક્યાંક દુશ્ટતા જોઈ ખિન્ન થાય છે, પણ ક્રોધોન્મત્ત થતો નથી. કોઈક બાબતમાં શું પરિણામ આવશે એ વિશે શંકાશીલ થાય છે, પણ ભયાન્વિત થતો નથી. કાર્યમાં વિઘ્ન અથવા નિશ્ફળતા ઉત્પન્ન થવાથી વિચારમાં પડે છે, પણ ઉદ્વેગ કરતો નથી.
“પોતાના પ્રભુ પાસે પણ એના પ્રેમ સિવાય એ કોઈ કામનાની સિદ્ધિ ઇચ્છતો નથી, તો બીજા પાસેથી એ કશી અપેક્ષા ન કરે એમાં શું આશ્ચર્ય? પવિત્ર આચાર અને પવિત્ર વૃત્તિવાળો, પોતાના પ્રભુને ન ગમનારું કશું ન થાય એ વિશે અત્યંત સાવધાનતા રાખવાવાળો, ઐહિક તેમજ પારલૌકિક ભોગો અને સિદ્ધિઓ વિશે તૃશ્ણારહિત થયેલો, સર્વ વ્યથાઓને તુચ્છ સમજીને બેઠેલો, સર્વે સંકલ્પોનો સંપૂર્ણ સંન્યાસ કરીને બેઠેલો ભક્ત પુરુશ પ્રભુનોયે માનીતો થાય^છે.
“ભક્તને નથી રાગ, નથી દ્વેશ, નથી આશા, નથી શોક. કર્મનાં શુભ તેમ જ અશુભ સર્વે ફળો વિશે એને આસક્તિ જ નથી. એની દૃઢતા છે એક એની ભક્તિમાં અને તે વડે પરમાત્માની પ્રીતિ સંપાદન કરવામાં.”
***