ગીતામંથન
સંક્ષિપ્ત
કિશોરલાલ ઘ. મશરૂવાળા
જ્ઞાનનો સાર
અધ્યાય નવમો
સર્વ સંકલ્પના સંન્યાસનો અને સર્વત્ર સમબુદ્ધિનો યોગ — આ બધું અર્જુને ધ્યાનપૂર્વક સાંભળ્યું. પણ જેમ જેમ તે પર વિચાર કરતો ગયો, તેમ તેમ એને સિદ્ધ કરવાની શક્યતા વિશે એ સંશયિત થતો ગયો. તેને એમ લાગ્યું કે જો આ જ માર્ગે સરવે લોકોને જવું આવશ્યક હોય, તો સામાન્ય બુદ્ધિ અને શક્તિનાં હજારો સ્ત્રીપુરુશોએ પોતાના શ્રેયની આશા છોડી દેવી જોઈએ.
અર્જુનની મુખચર્યા પરથી, એના મનમાં શા વિચારો ચાલી રહ્યા છે તે ચતુરશિરોમણિ વાસુદેવ પામી ગયા. એમને લાગ્યું કે ભક્તિનું સાધન કેટલું બળવાન છે અને બુદ્ધિથી જે સિદ્ધ ન થઈ શકે તે ભક્તિથી કેટલું શીઘ્ર સિદ્ધ થાય છે, એ અર્જુનના સમજવામાં આવ્યું નથી. આથી એનો આત્મવિશ્વાસ વધારવા માટે શ્રીકૃષ્ણે આ વિશયનું વળી જુદી રીતે નિરુપણ કરવા માંડયું :
“જો પાર્થ, આ વિશ્વને સર્વ બાજુથી વ્યાપીને જે રહ્યા છે તે પરમાત્માનું સ્વરૂપ અત્યંત અપ્રકટ અને સૂક્ષ્મ છે. જેઓ જ્ઞાનયજ્ઞ કરવાવાળા ભક્તો છે, તેઓ પોતાનાં નિત્ય કર્તવ્ય- કર્મો દ્વારા પરમાત્માની ભક્તિ કરે છે. પરમાત્માની ભક્તિમાં એક જ વસ્તુની અપેક્ષા છે, અને તે સાચા ભાવની. ઈશ્વરનો એવો ભક્તિમાન ઉપાસક પોતાની પાસે પત્ર, પુશ્પ, ફળ કે પાણી જેવાં નજીવાં સાધનો જ હોય તોયે તે વડે ઈશનું આરાધન કરી શકે છે, અને મૂલ્યવાન સંપત્તિ અર્પણ કરનાર સમ્રાટ કરતાં વધારે કૃતાર્થ થઈ શકે છે. કારણ, પરમાત્મા કેવળ એના ભાવને જ તપાસે છે, એણે અર્પણ કરેલી સંપત્તિની કિંમત તપાસતો નથી.
“પણ આ પરથી રખેને તું એમ સમજતો કે પરમેશ્વર અલ્પસંતોશી અને છેતરી શકાય એવો છે, અને તુલસીપત્ર આપી, ફૂલ ચડાવી, ફળ અને પાણીનું નૈવેદ્ય ધરીએ એટલે એની ભક્તિ સંપૂર્ણપણે થઈ જાય છે. પરમાત્માની ભક્તિ તો સર્વસ્વાર્પણ વડે જ થઈ શકે છે. એટલે કે જો ભક્તની પાસે પત્રપુશ્પ જ સર્વસ્વ હોય, તે સિવાય બીજું કશું હોય જ નહિ, તો તે તેટલાં વડે યે પરમાત્માની ભક્તિ કરી શકે. પણ જો કોઈ પુરુશ સર્વસ્વ પોતા પાસે રાખી કેવળ પત્રપુશ્પ જ ઈશ્વરાર્પણ કરે, તો તેની ભક્તિથી ભગવાન ઠગાતો નથી.
“કોઈ લોભી પુરુશ પોતાને ઘેર આવેલા પરમમિત્રની પોતાની સારામાં સારી સામગ્રીથી પરોણાગત કરવાને બદલે પોતે મિશ્ટાન્ન ખાય અને મિત્રને ખીચડી આપે, તો તેણે મૈત્રી દર્શાવી એમ ન કહેવાય; તેમ જો ભકત પોતાની સર્વસ્વ અને શ્રેષ્ઠ સંપત્તિ પરમાત્મા- પ્રીત્યર્થ સોંપવાને બદલે તેનો નાનકડો અંશ જ અર્પણ કરે, તો તે કર્મ ભક્તિ નામને પાત્ર થતું નથી.
“આથી, ઈશ્વરભક્તિને માટે બીજો શબ્દ યોજીએ તો તે સર્વસ્વાર્પણ થાય. એટલે, અર્જુન, આ પરાભક્તિ માટે તો તારે તારું સમગ્ર જીવન જ ઈશ્વરાર્પણ કરવું રહ્યું. તું જે કરે, ખાય, ભોગવે, હોમે, આપે, તપ કરે, તે સર્વ જ પરમાત્માને અર્પણ કરવું જોઈએ.
“વળી, ઈશ્વરાર્પણ એટલે પરાર્થે જીવન. જગતમાં જે કોઈ દેવ, માનવ, પશુ, પક્ષી, જીવજંતુ હોય તે સર્વ પરમાત્મરૂપ હોવાથી તેમના હિતાર્થે જીવનવ્યવહાર કરી રાખવો, એ ઈશ્વરસમર્પિત જીવન થાય.
“આ રીતે સર્વસ્વ પરમેશ્વરને અર્પણ કરી દેનારો ભક્ત, અને મેં પહેલા કહ્યો તેવો સર્વસંકલ્પ-સંન્યાસી, એ બેમાં ભેદ નથી.”
***