એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 11 Pinki Dalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 11

એક ચાલ તારી

એક ચાલ મારી

- લેખક -

પિન્કી દલાલ

( 11 )

વન મિલિયન ડોલર્સ !

એટલે ઇન્ડિયન રૂપિયા થયા લગભગ છ કરોડ ?

આટલી જંગી રકમની જરૂર સલોનીને અચાનક શા માટે પડી !

ચીફ ફાઇનાન્સિંગ ઑફિસર ચતુર્વેદીએ જ્યારથી સલોનીએ માગેલાં પૈસાની વાત કરી ત્યારથી ગુરુનામ વિરવાનીનું મગજ રહી રહીને એક જ ચકરાવે ચઢી જતું હતું. સલોનીની સ્વિત્ઝરલેન્ડમાં ડિલિવરી થાય એ અંગેનો નિર્ણય પોતાનો હતો. ગુરુનામે આખી વાત મનમાં રિ-પ્લે કરવી હોય એમ સલોનીને પ્રથમ વાર મળ્યા પછી થયેલા ડેવલપમેન્ટ યાદ કરવા માંડ્યાં. ગૌતમના ગયા પછી સૌપ્રથમ વાર મળવા આવેલી સીધી સાદી સરળ લાગેલી સલોનીના બે રૂપ હોઇ શકે- એક, જે એ પોતે હતી. બીજી, જે પ્રોફેશનલ લાઇફ ડિમાન્ડ કરતી હતી એવું ગ્લેમર મઢ્યો વૈભવ. એમાંથી સાચું શું ?

આ સલોની પ્રકરણે તો પોતાની યાત્રામાં ખલેલ પાડી એવું ગુરુનામ વિરવાનીને લાગ્યું.

સામાન્ય સંજોગોમાં ઐયપ્પાની યાત્રા માટે કોઇ સમાધાન ન કરતા ગુરુનામ માટે વર્ષમાં એક વાર થતી આ યાત્રા ભારે મહત્વની હતી. પૂરાં એક્તાલીસ દિવસ સુધી શ્યામ કે ભૂરા રંગના વસ્ત્ર ધારણ કરવાથી લઇ ન શેવિંગ, ન આલ્કોહોલ, ન તમાકુ જિંદગીમાં તમામ શ્રેષ્ઠ ચીજોના શોખીન ગુરુનામ વિરવાનીને આ એક્તાલીસ દિવસનુ સંન્યસ્ત જીવન મંજૂર હતું, ફક્ત એકાદ અપવાદ સાથે આટલો બધો લાંબો સમય બિઝનેસ ઓપરેશન્સ દૂર રહેવું થોડું કઠિન હતું એટલે ઐયપ્પા સંસ્થાનના મુખ્ય મહંતે થોડી છૂટછાટ માટે રજા આપી હતી.

‘આખરે તો ગુરુસ્વામી ભાવ જોશે..’ મંહત ડો. પિલ્લાઇએ આટલી છૂટ વીવીઆઇપી ભક્ત માટે કરી આપી હતી.

એકતાલીસ દિવસ પૂરાં ભાવથી તપસ્યા સાથે ઑફિસનું કામકાજ ચાલતું. એમા બ્રેક આવતો માત્ર એક અટવાડિયાનો ગુરુનામ વિરવાની સબરીમાલા જાય ત્યારે... આ સંજોગોમાં ગુરુનામને કોઇ મોબાઇલ ફોનથી સંપર્ક કરી શકતું, ન કંઇ કામકાજની વાત પૂછી શકતું.

આટલાં વર્ષોમાં ક્યારેય ન બન્યું એ આ વખતે બન્યું. સલોનીની ડિમાન્ડ માટે કંપનીના ચીફ ફાઇનાન્સિંગ ઑફિસર ચતુર્વેદીએ કરેલા ફોનની વાત મગજ પર તાજી જ થઇ આવી.

એ તો સારું હતું યાત્રા પતી ગઇ હતી અને પોતે મુંબઇ પરત ફરી રહ્યા હતા. બાકી, જો પોતે ગીચ જંગલ વચ્ચે થઇ જતી કેડીઓ પર પરિક્રમામાં હોત તો ?

એક તો ત્યાં મોબાઇલ નેટવર્ક જ ન હોત ને એવા સંજોગોમાં ચતુર્વેદી શું નિર્ણય લેત ?

જોકે પોતાની જ તર્કશક્તિ પર ગુરુનામને જરા ત્રાસ થયો. પોતે સગા દીકરાને મોટી રકમ માટે ઑથોરિટી નહોતી આપી, તો ચતુર્વેદી કે બીજા કોઇ ડિરેક્ટર્સ પણ શું કરી શકવાનાં હતા ?

જોકે અહી પ્રશ્ન નાણાંંનો નહોતો. ગુરુનામના મગજમાં ચાલી રહેલો ચક્રવાત ફરી ફરીને એ જ વાત પર આવીને સ્થિર થતો હતો. જે વાતથી જ હવે હ્રદયમાં શૂળ ભોંકાતું રહ્યું. સલોનીને આટલી મોટી રકમની જરૂર પડી કયા કારણસર ?

કોચી ઍરપોર્ટ પર પહોંચી રહેલા ગુરુનામનું મન કોઇક ન સમજાય એવા ઉદ્વેગથી ભરાઇ રહ્યું :

ક્યાંક પોતે આ છોકરીને પારખવામાં–ઓળખવામાં થાપ તો નથી ખાઇ ગયા ને ? આ પ્રશ્ન સાથે જાણે પોતાનો ઇગો ઘવાયો હોય એમ ગુરુનામે સો કિલો મિટરની સ્પીડ પર દેડી રહેલી કારની વિન્ડોનો કાચ ખોલી નાખ્યો. બહારથી ચ... ર... ચ... ર... કરતાં પવન ઘસી આવ્યો. મન પરોવાયું એટલે થોડી શાંતિ લાગી, પરંતુ એ કેટલી કામચલાઉ હતી એ ગુરુનામ વિરવાની પોતે ક્યાં નહોતા સમજતાં ?

-અને એટલે જ કોચી ઍરપોર્ટ પર વીવીઆઇપી લાઉન્જમાં ગોઠવાયા પછી ગુરુનામે સૌથી પહેલું કામ કર્યું પોતાના વકીલમિત્ર ચોપરાને ફોન કરવાનું. યાત્રા પર હોય ત્યારે કોઇ ફોન ન કરવા કે ન રિસીવ કરવાની બાધા પોતે મનથી જ લઇ લીધી હતી અને આજે એનો ભંગ કર્યા વિના કોઇ કારણે થઇ રહ્યો હતો. આટલી બધી અધીરાઇની કોઇ જરૂર નહોતી. ગુરુનામે પોતાના મનને ટપાર્યું.

ચોપરાના મોબાઇલ ફોનની રિંગ વાગતિ રહી. કોઇ જવાબ ન મળ્યો ત્યારે સમજાયું કે હા. કદાચ મિટિંગમાં કે કોર્ટમાં હશે... પોતે એ કેમ ભૂલી ગયા ?

પોતાની એક વાતથી જાણે જાતમાં રહેલો આત્મવિશ્વાસ ડગી ગયો હોય એમ કેમ લાગતું હતું ? ગુરુનામ વિચારી જ રહ્યા હતા ને મોબાઇલ ફોનની રિંગ રણકી.. સામે ચોપરા જ હતો.

‘હલો, ચોપરા.... સૉરી, સવારમાં તકલીફ આપી. પણ કામ જ જરા એવું હતું.’ ગુરુનામે કેફિયત આપતા કહ્યું, જેની એમને ટેવ જ નહોતી.

‘અરે, નો પ્રોબ્લેમ... પણ મારું જરા ધ્યાનફેર થયું. મને થયું કે આજે તો તું હજી લૅન્ડ થશે. મને ખ્યાલ નહોતો કે યુ હૅવ ઑલરેડી લૅન્ડેડ...’

ચોપરાને ગુરુનામની મિત્રતા એ જમાનાની હતી જ્યારે ગુરુનામ મામૂલી કારકૂની સાથે નાના - મોટા કામકાજ કરતા હતા. જીવનમાં બે-ચાર જ પરિબળ એવાં હતાં કે બેસુમાર લક્ષ્મીવર્ષા પછી પણ ન બદલાયાં. એક હતો અમૃતાનો પ્રેમ અને આ ચોપરાની મિત્રતા.

‘ચોપરા, તારી કોઇ ગેરસમજ નથી થતી. હું કોચી ઍરપોર્ટ પર છું. બસ, પાંચેક મિનિટમાં ફ્લાઇટ બોર્ડ કરીશ... પણ એક ઇમર્જન્સી હતી. મારી ફ્લાઇટ લગભગ બે કલાક પછી મુંબઇ લૅન્ડ થશે અને ત્યાંથી ઘેર પહોંચતા લગભગ અડધો કલાક...’ ગુરુનામ અસ્ખલિત રીતે બોલી રહ્યા. જાણે ચોપરાને પ્રશ્ન પૂછવાની કે હુંકાર ભરવા જેટલી પણ ઘડી ન ફાળવવી હોય તેમ....

‘એ તો બરાબર છે, પણ ગુરુનામ....’ યાત્રા પર હોય ત્યારે ગુરુનામ ફોન કરે એ વાતનું આશ્ચર્ય ચોપરાને હજી મનમાં બેસતું નહોતું. એનો અર્થ કે નક્કી કંઇક જબરું ઊંચું-નીચું થઇ ગયું હશે.

‘ચોપરા, હોલ્ડ ઓન... હું ફ્લાઇટ બોર્ડ કરી રહ્યો છું..’ કોચીના નાનકડા ઍરપોર્ટના ટર્મેક પર ચાલી ને જઇ રહેલા ગુરુનામે કહ્યું :

‘હમણાં વધુ વાત કરી શકાય એવો સમય પણ નથી અને સંજોગ પણ... ” ગુરુનામે માત્ર દોઢ ફૂટનું અંતર રાખીને ચાલી રહેલા પોતાના સિક્યોરિટી કમાન્ડોની હાજરી ધ્યાનમાં લઇ દબાયેલાં અવાજે કહ્યું :

‘એટલે ટૂંકમાં, આપણે ત્રણ કલાક પછી મળીએ છીએ.. ઓકે.. ?’ ગુરુનામે આદેશ જારી કરી દીધો.

‘પણ....’ હજી ચોપરા કંઇ આગળ બોલે એ પહેલા જ ગુરુનામે ફોન કટ કરી નાખ્યો. જે સામે છેડે ચોપરાને વિચારમાં મૂકીતો ગયો : અચાનક આ વળી શું થયું ગુરુનામને ?’

* * *

ગુરુનામ વિરવાનીની મર્સિડીઝ બ્લુ બર્ડ મૅન્શમમાં પ્રવેશીએ સાથે ગુરુનામે નજર દોડાવી. હા, ચોપરાની કાર પાર્ક તો થયેલી દેખાઇ એટલે સમયનો પાબંદ બંદો આવી તો ગયો છે.

ગુરુનામે મૅન્શનમાં એન્ટ્રી તો કરી, પણ લિવિંગરૂમમાં નહીં, બલ્કે પોતાની રેસીડેન્શિયલ ઑફિસમાં, લિવિંગરૂમમાં રાહ જોઇ રહેલા ચોપરાને બદરીએ આવીને જાણ કરીને કૅમ્પ ઑફિસમાં લઇ આવ્યો. ચોપરા હજી આખી વાતથી વિસ્મિત હતો. એક વાર સબરીમાલા જાય પછી ગુરુનામ આવી નાની નાની વાત તો ઠીક, બલકે બિઝનેસમાં થતાં ધરતીકંપ જેવી ઊથલપાથલને ગણકારતો નહીં તો આજની આ પરિસ્થિતિ.... ચોપરાના મગજમાં ગડ બેસતી નહોતી.

‘ચોપરા... ધેર ઇઝ સમથિંગ વેરી સિરિયસ...’ હજી ચોપરા ગુરુનામના ટેબલ સામેની ચૅરમાં ગોઠવાય એ પહેલા ગુરુનામે કહ્યું.

‘વાત શું છે, ગુરુનામ ? તું ભારે અપસેટ લાગે છે... ઑલ વેલ ?’ ચોપરાએ આશ્વર્ય વ્યક્ત કરતાં પૂછ્યું.

‘ચોપરા, એ જ ચર્ચવા મારે તને આમ દોડાવવો પડ્યો....’ ગુરુનામે એક ઊંડો શ્વાસ ભરી એટલી જ ધીરજથી છોડતાં કહ્યું :

‘તું તો જાણે છે સલોનીવાળું ચેપ્ટર... રાઇટ ?’ ગુરુનામે ચોપરાની આંખમાં તાકીને પૂછ્યું.

‘યેસ... અફકોર્સ આપણે એ નિર્ણય પણ ઘણી વિચારણા પછી લીધો હતો કે ગૌતમના બાળકને સલોની અહીં જન્મ નહીં આપે. વિદેશ મોકલીશું... પણ એ પછી તો બધું થાળે પડી ગયું... તો ?’ ચોપરાના ચહેરા પર પ્રશ્નાર્થ ઝળકી રહ્યો.

‘વાત ત્યાં જ છે... તો... પર જ આવીને અટકી છે.’ ગુરૂનામે કૉલબેલનું બટન પ્રેસ કર્યું. કૉલબેલનાં ચીં.. ચીં.. ચીં. ચીં. ના તીક્ષ્ણ આવાજ સાથે બદરી દોડતો આવ્યો.

‘અમારી ગ્રીન ટી ને મારી પાઇપ...’ ગુરુનામને લાગ્યું કે કદાચ ઐયપ્પાની યાત્રા માટે લેવામાં આવતા ફરજિયાત નિયમરૂપ છેલ્લાં એકત્તલીસ દિવસથી તમાકું વર્જ્ય કર્યું હતું કદાચ એટલે દિમાગ નથી ચાલી રહ્યું.

જોકે વાત સાવ એવી નહોતી. ગ્રીન ટીના એક પછી એક કપ પતી ગયા અને પાઇપમાંથી ઊઠતી ધુમ્રસેર સીધી મગજને સ્પર્શી રહી હતી, છતાં આખી વાત પર જામેલું અસમંજસતાનું જાળું ન હટ્યું તે ન હટ્યુ હટ્યું જ.

‘ચોપરા... મને એ વાત સમજમાં આવી નથી રહી કે સલોનીને આટલી મોટી રકમની જરૂર કેમ પડી ?’ ગુરુનામનાં મનમાં આ પ્રશ્ન અવિરતપણે ઘૂમતો રહ્યો હતો.

‘ગુરુનામ... આપણે ક્યાં પૈસા આપી દીધા ? ‘ચોપરાએ પોતાના વ્યવસાયને અનુરૂપ પ્રેક્ટિકલ અપ્રોચ લેતાં કહ્યું. :

‘માન્યું કે સલોનીએ મિલિયન ડોલર માગ્યા, પણ સીએફઓએ પોતાની મર્યાદા કે અગમચેતી, જે પણ કંઇ હોય એ વાપરીને પૂરી રકમ ન આપતાં માત્ર પચ્ચીસ હજાર ડોલરથી મામલો સુલઝાવ્યો... રાઇટ ?’

ચોપરાએ પ્રશ્નના ઉત્તરની આશામાં ગુરુનામ સામે જોયું. ગુરુનામ તો હજી કોઇ જુદા જ વિચારોના વર્તુળમાં ઉલઝેલા હોય એમ લાગ્યું. એમની આંખો ઝીણી થઇ ગઇ હતી. કપાળ પર ખેંચાઇને તંગ થયેલી રેખા નિર્દેશ કરતી હતી કે ગુરુનામ જ્યાં સુધી આ મામલાની તલસ્પર્શી તપાસ નહીં કરે ત્યાં સુધી જંપશે નહીં.

‘ચોપરા.. જો તું અહી જ ચૂકે છે !’ ચોપરાને બોલતા ગુરુનામે આંતર્યો.

ગુરુનામે પોતાના મનમાં આકાર લઇ રહેલી શંકા ચોપરા સાથે ચર્ચવી યોગ્ય માની :

‘સલોની રહેતી હતી આપણી જ પ્રોપર્ટીમાં... રાઇટ ? પછી ત્યાંથી મૂવ થઇ નવા એપાર્ટમેન્ટમાં, કારણ કે એને ઝરમટમાં ગોઠતું નહીં... રાઇટ ? ‘ગુરુનામ જિગ્સો પઝલના એક પછી એક પીસ ગોઠવી સોલ્વ કરવી હોય એ રીતે વિચારી રહ્યા હતાં.

‘સલોની જે નવી જગ્યાએ શિફ્ટ થઇ એના લીઝ અગ્રીમેન્ટ પણ આપણે જ કર્યા હતાં. ત્યાં પણ કંઇ ચૂંકવવાનું હતું નહીં. એના ક્રેડિટ કાર્ડના બિલ જીનિવા ઑફિસથી ભરાતાં હતાં.. તો પછી આ રકમની જરૂર એને પડી કેમ ? અને એ પણ આ રીતે ? ઇમર્જન્સી ? એવી તે કેવી ઇમર્જન્સી ?’ ગુરુનામની પાઈપમાંથી ઊઠતો ધૂમાડો જાણે મગજની બંધ થયેલી બારીઓ વારાફરતી ઉઘાડી રહ્યો હતો :

‘ક્યાંક કોઇ સલોનીને બ્લેકમઇલ કરતું હોય એવું બની શકે ને ?’

હવે અવાક થઇ જવાનો ચોપરાનો હતો. જિંદગીભર વકીલાત કરી ચૂકેલા ચોપરા જીવનમાં એક પદાર્થપાઠ એના આ વગદાર ક્લાયન્ટ આસે જ શીખ્યો હતો : બધું જાણવા છતાં સાચી વાત કહેતાં પૂર્વે પણ સો વાર વિચારી લેવું.

ગુરુનામ મિત્ર હતા ને ક્લાયન્ટ પણ. એ પણ જેવા તેવા નહીં, બ્લુ ચિપ ક્લાયન્ટ. પોતે ગૌતમ સાથે નરમાઇથી વર્તવાની સલાહ આપી તો લગામ છોડી બેસી ગયા. ગુરુનામના સ્વભાવમાં હતી અતિશ્યોક્તિ. વાતને ખેંચે તો એવી ખેંચે કે તૂટીને જ રહે અને વરસે તો એવા વરસે કે.... એવું જ થયું સલોનીના કેસમાં....

ચોપરાએ ત્રીજી વાર આવેલી ગ્રીન ટીની મોટી ચૂસકી લીધી. ખરેખર તો વિચારવાનો સમય મળી જાય એટલે..

પોતે ત્યારે ગુરુનામને સલાહ આપતા કહેલું પણ ખરું કે સલોનીની વાતમાં ઉતાવળ કરવા જેવી નથી... પાંચ-પચ્ચીસ દિવસમાં કંઇ ખાંટુ-મોળું નહીં થઇ જાય... ને ત્યારે આ જ ગુરુનામ પોતે સલોનીના વકીલ હોય તેમ તૂટી પડેલા : ચોપરા, ખાંટુ–મોળું નહીં થઇ જાય ? એમ ? અરે ! મારા ગૌતમનો એકમાત્ર અંશ કોઇ ગાયનેકોલોજિસ્ટના ઑપરેશન થિયેટરમાં પડેલા કચરાભેગો થઇ જશે પછી શું કરવાનું ? ગુરુનામ કેટલા હાઇપર થઇ ગયેલા, પેલી છોકરી જાણે ગુરુનામને મળીને સીધી જ ગાયનેકોલોજિસ્ટને ત્યાં અબોર્શન કરાવવા પહોંચી જવાની હોય.

એવામાં પોતે સલાહ શું આપવાનો હતો ? ગુરૂનામની નબળાઇ જ એ હતી કે એમને એ જ સાંભળવું ગમતું., જે પોતાનો મત હોય....

‘ચોપરા... શું વિચારે છે ?’ ગુરુનામે ચોપરાની ચૂપકીદીને આંતરી.

‘ગુરુનામ... હવે હું જે કંઇ બોલીશ એ કદાચ તને નહીં ગમે છતાં પણ કહીં દઉં ?’ કશુંક અરૂચિકર બોલાય જાય અને ગુરુનામની ખફગી વહોરી લેવી પડે એ માટે પાણી પહેલાં પાળ બાંધવાના પ્રયાસરૂપે ચોપરા બોલ્યો.

ગુરુનામના ચહેરા પરથી લાગતું હતું કે એ આવું જ કંઇક સાંભળવાનું મન બનાવીને બેઠાં હતા.

‘ગુરુનામ.. થઇ ગયું એ થઇ ગયું.’ ચોપરાએ વાત તો હળવાશથી શરૂ કરી. પણ વાત હળવી હરગિજ નહોતી. એના મૂળમાં આરડીએક્સ લાગ્યો હોય એવી સ્ફોટક હતી.

‘મારો મત એ છે કે સલોની લગભગ છ મહિનાથી સ્વિત્ઝરલેન્ડ છે.. જે હવે કોઇપણ સમયે ઇન્ડિયા આવશે.. રાઇટ.. ?’ ચોપરાએ જરા અટકીને ગુરુનામ વિરવાનીનો ચહેરો વાંચવાની કોશિશ કરી.

ગુરુનામે એકચિત્તે ચોપરાને સાંભળી રહ્યાં હતાં. ટેબલ પર કોણીથી ટેકવેલો હાથ એમની ચિબૂકને વારે વારે સ્પર્શી રહ્યો હતો, એ વાત સૂચિત કરતી હતી કે ગુરુનામ જરા વધુ પડતા વ્યગ્ર થઇ રહ્યાં છે.

‘યેસ. ચોપરા.. એને ઇન્ડિયા તો આવવું જ પડેશે. ત્રણ મહિનામાં પૂરાં થતાં વિઝા એક વાર તો મેડિકલ ગ્રાઉન્ડ પર રિન્યુ થયા. હવે નો મોર એકસ્ટેન્શન...’

ગુરુનામે ચોપરાને માહિતી આપતાં કહ્યું, જેનાથી ચોપરા અવગત તો હતો જ....

‘એક્ઝેક્ટલી હું એ જ કહેવા માગું છું. ગુરુનામ. સલોની હૅઝ ટુ કમ બેક,પણ...’ ચોપરા પોતાની વાતનો ભાર વધારતો હોય એમ અટક્યો :

‘પણ... મારે એ પૂછવું છે કે તેં એ માટે શું વિચારી રાખ્યું છે ?’

ગુરુનામ વિરવાનીના ચહેરા પર ફરી એક વાર પ્રશ્નાર્થ અકાંત હોય તેમ એની ભ્રમરો જરા વકાઇ ને સીધી થઇ : એ સંદર્ભે તો ક્યાં હજી વિચાર્યું જ હતું ?

ચોપરાની સામે જોયું વિરવાનીએ,,, એમની આંખમાં એવો પ્રશ્નાર્થ રમી રહ્યો હતો, જેનો ઉત્તર એ ચોપરા પાસે ઇચ્છતા હતા.

‘જો ગુરુનામ, તને ફરી એક વાર કહું છું. હું હવે જે સલાહ આપું છું એ તને કદાચ નહીં ગમે, પણ મિત્રભાવે કહેવી જરૂરી છે..’

ચોપરા અટક્યો. ગુરુનામ સામે એ રીતે જોયું જાણે એ પરવાનગી માંગતો હોય.

‘તો બોલ ને... વાતમાં વધુ મોણ નાખ્યા વગર! ‘

ગુરુનામના સ્વરમાં હવે વ્યગ્રતા ઉપરાંત અધીરાઇ પણ ઉમેરાઇ ગઇ.

‘સાંભળ...’ ચોપરા એમની તરફ ઝુક્યો :

‘મારી વાત પૂરેપૂરી સાંભળી લે પછી રિએકટ કરજે..’ કહીને ચોપરાએ નીચા સ્વર, છતાં સ્પષ્ટ સમજાય એ રીતે બોલવાનુ શરૂ કર્યું ને ગુરુનામ એકાગ્રતાથી બધું સાંભળતા રહ્યા.

* * *

જીનિવાથી સ્વિસ ઍરની ફ્લાઇટ એલએક્સ-૨૮૦૧ મુંબઇ તરફ ફ્લાય કરી હતી. જેમ જેમ મુબંઇ પાસે આવી રહ્યું હતું તેમ સલોનીના દિલમાં ચાલી રહેલો ઉત્પાત માઝા મૂકી રહ્યો હતો. ફ્લાઇટમાં ઘણા બધા ઇન્ડિયન પ્રવાસી હતા, જેમની નજરથી છટકવું જરા મુશ્કેલ તો હતું જ.... બિઝનેસ ક્લાસમાં પણ બે-ચાર પ્રવાસી તો ટીકી ટીકીને જોવાવાળા મળી જ આવ્યા હતા. કદાચ ઝાઝી ઓળખાણ ન જાગી કે શું, પણ વાત ત્યાં જ પૂરી થયેલી સલોનીએ માની લેધી. આખરે બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કરતાં પ્રવાસીઓ હતાં, ઇન્ડિયન રોનાધોનાવાળી સોપ્સ નહીં જોતાં હોય એ શક્ય છે ! પણ ત્યાં જ પાછલી સીટ પર દબાયેલા અવાજમાં ચાલી રહેલી ગુસપુસ કાને પડી.

‘આ પેલી સલોની લાગે છે...’ એક પ્રોઢ દેખાતી મહિલાએ સાથે બેઠેલી ત્રીસીમાં પહોંચેલીને યુવતીને કહ્યું. કદાચ એની દીકરી કે વહુ હશે... સલોનીએ અટકળ કરી.

‘કોણ સલોની.. ?’ પેલી યુવાન સ્ત્રીએ પૂછ્યું. કદાચ સિરિયલશાસ્ત્રથી અજાણ હતી એ.

‘અરે... ! પેલી જીના યહાં, મરના યહાં... વાળી દેવયાની.... ! પ્રોઢ મહિલાએ પોતાનું જ્ઞાન સગર્વ પ્રદર્શિત કર્યું.

‘કેમ એસ્કિડન્ટમાં મરી જાય છે ને ! પછી એનો આત્મા પોતાની નાની બહેનમાં આવે છે...’ લાગતું હતું કે પેલી પ્રોઢ સ્ત્રી આખી કથા કહેવાના મૂડમાં હતી.

‘ઓહો... મમ્મી... બકવાસ સિરિયલ. જોકે હા, જ્યાં સુધી સલોની હતી ત્યાં સુધી હું જોતી હતી, પરંતુ હવે ફોગટમાં ખેંચે છે... પણ આ એ સલોની થોડી હોય ? પેલી દેવયાની બને છે એ સલોનીનું તો શું ફીગર છે ! આ તો કોઇ નાઇન્ટીઝની મોડેલ કે હિરોઇન હોય એવું લાગે છે....’યુવાન સ્ત્રી એક્સ-રે આંખોથી જોતી હોય એમ બોલી હતી.

સામાન્ય સંજોગોમાં તો આ પ્રસંગ સલોની માટે ખુશ થવાનું કારણ બની જાત, પણ એકસાથે બે વિરોધાભાસી વાત સલોનીને વિચાર કરતી મૂકી ગઇ.

‘મુંબઇ પહોંચીને વિરવાની પોતાને ગૌતમની વિધવા તરીકે સ્વીકારી લે... જે અત્યાર સુધી બરાબર બાજી ગોઠવાયેલી રહી છે ત્યાં સુધી તો ઠીક છે, પણ જે રીતે વિક્રમને પૈસા આપવામાં ઠાગાઠૈયા કરવા પડ્યાં એ રીતે ભવિષ્યમાં થાય તે વિક્રમ જો વિરવાની પાસે પેપર ફોડી નાખે તો ? તો ? આ એક વિચારમાત્ર સલોનીના શરીરમાં રીતસર કંપન પેદા કરી ગયો.

ક્યાંક એવું ન બને વિરવાનીની એસ્ટેટ – જાયદાદ તો બાજુ પર રહે. પોતે પણ નાના એવા સામ્રાજ્ય એવી સિરિયલોમાંથી પણ જાય... શરીર પર ચઢેલા ચરબીના થર તો એ જ નિર્દેશ કરી રહ્યા હતા ને !

સલોનીએ બ્લેન્કેટ સરખી રીતે ઓઢી લીધું. કાનમાં ઇયરપ્લગ નાખી આઇ માસ્ક પહેરી લીધું,નાહકની ચર્ચાઓ સાંભળી દિલ જલાવવું અને હજી તો છ કલાકની મંઝિલ કાઢવાની હતી. એ સંજોગોમાં એક બ્યુટી સ્લીપ જરૂરી હતી. કંઇ જ ન વિચારવાનું બનાવ્યું હોવા છતાં મનમાં એક ગુલાબી વિચાર તો ફરકી જ ગયો.

મુંબઇ ઍરપોર્ટ પર ઊભેલી બ્લેક મેબેક્માં સવાર થઇ,બેબી પરી સાથે એ બ્લુ બર્ડ મેન્શનમાં પ્રવેશી રહી છે.

સહાર ઍરપોર્ટ પર ઊતરતાંવેંત કોઇક ઇમિગ્રેશનમાં રાહ જોતું ઉભું જ હશે... સલોનીને આ વિચાર ફ્લાઇટ લેન્ડ થઇ રહી હતી ત્યારે આવ્યો હતો. ગૌતમ પાસે આવા બધાં વર્ણન કેટલીવાર અછડતા ઉલ્લેખ સાથે સાંભળ્યાં હતાં. દર અઠવાડિયે પંદર દિવસે વિદેશથી આવતા પ્રવાસીઓના ચહેરા જ પાસપોર્ટ બની જાય અને એમાં આ તો વિરવાનીઝ... બાકી હોય તેમ કંપનીના લાયઝન ઓફિસર એવી રીતે અંદર આવી જાય જાણે ઍરપોર્ટ પોતાની કંપનીના જ લાઉન્જ હોય.. !

પણ એવું કશું બન્યું નહીં. નક્કી પેલા શર્માના બચ્ચાએ ગુરુનામ વિરવાનીને પોતાની મુંબઇ આવવાની ડેટ કે ફ્લાઇટની વિગત નહીં પહોંચતી કરી હોય.. બાકી, ગુરુનામ વિરવાની પોતાને માટે નહીં, પણ પરી માટે તો કંઇ કરે જ ને !

જેટલી વાર પરી અને વિરવાનીનું નામ આવતું, હ્રદય એક હળવો થડકારો મારી જતું. એ બરાબર ન કહેવાય એવી સલોનીએ મનોમન નોંધ લીધી.

ઇમિગ્રેશનની વિધિ પતાવી સલોની બહાર આવી રહી હતી. પાછળ દોરવાઇ રહેલા ઍરપોર્ટના પોર્ટર અને અનીતાના હાથમાં રહેલી પરી ચોતરફ ઊભરાતાં પ્રવાસીઓ પોતપોતાની દુનિયામાં મશગૂલ હતા. એમની નજર હતી કન્વેયર બેલ્ટ પર ફરી રહેલા લગેજ પર. કસ્ટમ માટેની નહીંવત એવી લાઇન પર...,

સ્ક્રીનિંગ મશીન પર. સલોની તો કોઇની નજરે પણ ન ચઢી.

પોતાના જેવી ટીવી સેલિબ્રિટી શું માત્ર આટલા ટૂંકા ગાળામાં જ વિસરાઇ ગઇ ? વિચાર સાથે સલોનીના મોઢામાં ખારાશ ફૂટી આવી.

બહાર નીકળતાવેંત નજર દોડાવતાં જ વિરવાનીઝનો લોગોવાળી યુનિફોર્મ પહેરેલો ડ્રાઇવર નજરે ચઢ્યો, જેને પોતે ગૌતમ સાથે ક્યારેય જોયો નહોતો. એના હાથમાં હતું એક પ્લેકાર્ડ, જેની પર લખ્યું હતું : મિસ દેશમુખ....

ન સલોની. ન પરી... માત્ર મિસ દેશમુખ.. સલોનીના મસ્તકમાં આ નામ ખતરાની ઘંટડી વગાડી રહ્યું.

હજી આ રઘવાટ શમે એ પહેલાં જ લેન્ડ થતી વખતે ઑન કરેલો લોકલ સીમવાળો નંબર રણકવાનો શરૂ થઇ ગયો હતો. ઇમિગ્રશન અને બીજી વિધિઓ પતાવતાં તો ધ્યાન નહોતું આપ્યું પછી ખ્યાલ આવ્યો કે અરે ! ક્યાંક ગુરુનામ વિરવાનીને ત્યાં કોલ થઇ શકે ને ! પોતાને ક્યાં એમના લેન્ડલાઇન કે મોબાઇલ નંબરની જાણ જ હતી. હાથમાં પ્લેકાર્ડ લઇને ઉભેલા શોફરને હાથથી વેવ કરી સલોનીએ કાર લવવાનો આદેશ આપી દીધો. હવે ઇન્તેજાર થોડી ઘડીનો હતો. અડધા કલાકમાં એ એવી દુનિયામાં પહોંચવાની હતી, જ્યાં નામ, દામ, ઇજ્જત, શોહરતનું સામ્રાજ્ય એની રાહ જોઇ રહ્યાં હતાં. પાર્કિંગ પ્લોટમાં કાર લેવા ગયેલો શૉફર કાર લઇને આવે ત્યાં સુધીનો ઇન્તેજાર પણ સલોનીને સદીઓ જેવો લાંબો લાગી રહ્યો હતો ને ત્યાં જ ફરી મોબાઇલની રિંગ વાગી.

સલોનીનું દિલ ઘડીભર માટે ધબકારો ચૂકી ગયું. કદાચ... આ કૉલ વિક્રમનો તો નહી હોય ? પણ પરિસ્થિતિનો સામનો કર્યા વિના પણ છૂટકો નહોતો.

‘હલો...’ હજી તો સલોનીએ પૂરૂં કર્યુ નહોતું અને સામેથી એક ગંદી ગાળ કાને પડી.

‘તું માને છે કે સહેલાઇથી છટકી જઇશ.. એમ ?’ ધીમા, કાતિલ અવાજે બોલાઇ રહેલો પ્રત્યેક શબ્દ સલોનીના કાનમાં વહેર પાડતો ગયો.

‘નાઉ બી પ્રિપેડ ટુ ફેસ ધ મ્યુઝિક.. મૅમ !’ વિક્રમના અવાજમાં હાથમાંથી છટકી ગયેલા શિકાર માટે થતી શિકારીની પીડા તો હતી, પણ સાથે સાથે હારી ગયેલો જુગારી બમણું રમે એવી આશા.

‘સલોની... તને કદાચ લાગતું હશે કે વિરવાની નામ સાથે લાગવાથી તારી દુનિયા એક ક્ષણમાં બદલાઇ જશે તો તું મૂર્ખ છે. તું એ ભૂલે છે કે તારા માટે એ ભાવિ રાહ જોઇ રહ્યું છે, જેની તે હજી કલ્પના પણ નથી કરી. બેસ્ટ ઑફ લક, બેબી !’

***