ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની - 4 Harnish Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની - 4

હોરન પૂકારે–સમજો ઈશારે

હરનિશ જાની

એક સમાચાર છે કે રાજકોટમાં મોટર કારના હોર્ન નહીં વગાડવાની ઝેબેશ ચાલુ થઈ છે. આ તે કેવું ગાંડપણ! હોર્નના અવાજ વિના સવાર કેવી રીતે પડે? હોર્નના અવાજ જ શહેરને ધબકતું રાખે છે. હોર્નના અવાજ શહેરનો આત્મા છે. આપણી સવાર જ ઓટોરિક્ષાઓના અવાજથી પડે. અને રિક્ષાના કર્કશ અવાજ તો મહેતાજીના પ્રભાતિયાં જેવા જ મીઠા લાગે છે. આપણે તો ઘોંઘાટ પ્રિય પ્રજા છીએ જો આપણે ત્યાં યુરોપ–અમેરિકા જેવા શાંત નગરો થઈ જાય તો આપણે ત્યાં લોકોને ટેન્સન ટેન્સન થઈ જાય. આપણી ટ્રેનો, બસોમાં કે સિનેમા હૉલમાં શાંતિ થઈ જાય તો લોકોને બેચેની થવા માંડે. આપણે ટ્રેનમાં કે બસમાં બાજુવાળાની વાતો સાંભળીને જ આપણા નિરસ જીવનમાં ચેતન રેડીએ છીએ. કોઈના લગ્ન જીવનના પ્રોબબ્લેમ સાંભળીને આપણું લગ્ન જીવન સ્વર્ગ જેવું લાગે છે. અથવા તો બીજાના પ્રોબ્લેમ સાંભળીને આપણને લાગે કે આપણને એકલાને જ પ્રોબ્લેમ નથી.

હવે જો હોર્ન ન વગાડવાનો હોય તો બે કારના ડ્રાયવરો વાતો કેવી રીતે કરશે? પોતાના વિચારો બીજાઓને કેવી રીતે બતાવશે? આ તો આપણું જીવન બગાડી મારે. તમને ખબર છે હોર્નથી કેટલું કહી શકાય છે તે ? “ ઓ ગધેડા, તારાથી કાર સીધી ન ચલાવાતી હો ,તો બહાર જ કેમ નીકળે છે” “ ઓ બ્હેન, અરીસામાં જોવા કરતાં આગળ રસ્તા પર નજર રાખને!” “ઓ કાકા સ્ટિયરીંગ બરાબર પકડો. મારી લેનમાં ઘુસી આવો છો. તે!” હાઈ વે પર આપણા કરતાં પણ બેફામ ગાડી હાંકનારને “નફ્ફટ” કહેવો હોય તો હોર્ન વપરાય. અને આપણી આગળ ધીમી કાર ચલવનારને “ઈડિયટ” કહેવો હોય તો પણ હોર્ન કામ લાગે. કોઈ બેદરકાર રસ્તા વચ્ચે કાર પાર્ક કરીને જતો રહ્યો હોય તો બોલાવવો કેવી રીતે ? એને શોધવા થોડું જવાય છે? હોર્નથી જ બોલાવાય. અને તમે કહો છો કે હોર્ન ન વગાડો તે ન ચાલે. ઓટો રિક્ષાના મશીનના જ અવાજ જ કર્કશ અને મોટા હોય છે. છતાં અબુધ રાહદારીઓને બેસૂરા હોર્ન વગાડી કહેવું પડે કે તમારી પાછળ બે ઈંચ દૂર રિક્ષા છે. જો હોર્ન જ વગાડવાના ન હોય તો બીચારા રાહદારીઓને ખબર શું પડે કે તેમને શું અથડાયું? અને જ્યારે બેસૂરાની વાત નિકળે છે તો કોઈપણ શહેરમાં રાતે થતા કૂતરાંના સમુહ ગાન પણ ગણવા પડે . તે અવાજ તો મોટરના હોર્ન કરતાં વધુ મીઠ્ઠા હોય છે.

અરે! બીજાને કર્કશ ન લાગે તે માટે મધુરા સંગીતવાળા હોર્ન નિકળ્યા છે. અને ગીતો, કે ભજનો પણ સાંભળવા મળે. અમારા એક મિત્રે, વડોદરામાં પોતાના નવા મકાનમાં સાઉન્ડ પ્રુફ બારી બારણા મુકાવ્યા છે તો બન્ને પતિ પત્નીને બહારના ઓટોરિક્ષાના કે રાતે કુતરાઓનું કોરસ નથી સંભળાતું. તો જીવનમાં કાંઈ ખૂંટતું લાગે છે. તો તે કમી દૂર કરવા ભજન ગાતો ડોર બેલ રાખ્યો છે. એટલે દૂધવાળો આવે અને ડોર બેલ વગાડે તો અનુરાધા પોડવાલના મીઠા અવાજે “શ્રી ગણેશ, શ્રી ગણેશ દેવા”ની આરતી ચાલુ થાય. પછી આવે કામવાળી. અને ભજન ચાલુ થાય.પછી આવે ધોબી. જે કોઈ આવે ત્યારે ભજન સંભળાય. હવે એ મિત્રે મંદીરે જવાનું છોડી દીધું છે. આમેય આપણા મંદીરોમાં, હોર્નના અવાજ કરતાં વધુ અવાજ થતો હોય છે. આરતી ઉતારતા એકલા ઘંટડી કે ઘંટથી ન ચાલે. આપણે તો નગારાં રાખવા પડે. આપણે તો આપણે,પણ આપણા ભગવાનને પણ ઘોંઘાટ ગમે છે. કદાચ ભગવાનને ઘોંઘાટ ગમતો હશે એટલે તો આપણે આમ નહીં કરતા હોય! અથવા તો આપણે ઘોંઘાટ કરીએ છીએ એટલે તો ભગવાનને પણ ઘોંઘાટની ટેવ નહીં પડી હોય?

હોર્ન વગાડીને ડ્રાયવર પોતાનું ફ્રસ્ટ્રેશન દૂર કરે છે. અમેરિકા અને યુરોપમાં ડ્રાયવિંગ કરતા કરતા હોર્ન નથી વગાડતા. તેથી ત્યાંના ડ્રાયવરોના મગજ પર ટેન્સન બહુ હોય છે. પરિણામે પોતાની વાત બહાર નિકળીને ગાળો બોલીને સમજાવે છે. ક્યાં તો બે ધોલધપાટ મારીને સમજાવે છે. અમેરિકાના લોસ એન્જલિસ અને ન્યૂ યોર્ક જેવા શહેરોમાં તો ડ્રાયવર પાસે ડ્રાયવિંગ લાયસન્સ હોય કે ન હોય. પણ ગન જરૂર હોય છે. તે પોતાની ચાલુ કારે બીજાના પર ગોળીઓ છોડીને વાત કરે છે. હવે આવા બનાવ અમદાવાદ, વડોદરામાં ન બને. આપણે તો હોર્નથી ગાળો અને ગોળીઓ છોડીએ. એટલે આપણા મગજનું ટેન્સન દૂર થઈ જાય. ખરેખર તો હોર્ન એ બે ડ્રાયવરો વચ્ચેનું કોમ્યુનિકેશન છે. આમ જોઈએ તો અમેરિકનોએ કોમ્યુનિકેશન માટે ફોન વાપરવા જોઈએ. આમેય ફોનની શોધ અમેરિકામાં જ થઈ છે ને ! તમે માનશો, એલેકઝાન્ડર ગ્રેહામ બેલ જે મૂળ સ્કોટલેન્ડના હતા, તેમને પોતાનો ફોનનો આઈડિયા લોકોને વેચવા માટે આજીજી કરવી પડી હતી. એ તો રાણી વિક્ટોરીયાનો આભાર કે તેમણે બકિમહામ પેલેસમાં અંદરો અંદર વાપરવા માટે ફોન લાઈન નખાવી. હવે જે વસ્તુ રાણી પસંદ કરે તે તો બધા પસંદ કરે. પરંતુ ભારતમાં આપણે બે ડગલાં આગળ હતા. આપણે વાયરલેસ શોધ્યું હતું. જેના પ્રતાપે પાંચમા માળ પર રહેતા બ્હેન, ગ્રાઉન્ડ ફ્લોરની તેમની બ્હેનપણી જોડે વાતો કરી શકતી અને ચોથા માળવાળા બ્હેન શેરીમાં શાકભાજીવાળા સાથે પોતાના શાકભાજીનો ઓર્ડર નોંધાવી શકતી. અને એટલે જ બે કારના ડ્રાયવર એક બીજા સાથે વાયરલેસથી પણ વાત કરીને બે મિનીટ હોર્નને આરામ આપે છે.

ભારતની મારી છેલ્લી વિઝીટ વખતે મારા મિત્રની કારમાં વડોદરામાં હતો. હવે તે મિત્રએ નવી નવી કાર લીધી હતી અને નવા નવા શીખ્યા હતા. એટલે કાર ચલાવતા બહુ ડરતા હતા. એટલે તેમનો એક હાથ સ્ટિયરીંગ પર અને બીજો હાથ હોર્ન પર હતો. અને કાર ચલાવવા કરતાં ઊભી બહુ રાખતા અને હોર્ન વગાડતા, હોર્ન તો એટલો બધો વગાડતા કે લાગે કે હોર્ન વગાડવા જ કાર વસાવી છે. તેમની સાથે હું કંટાળી ગયો. પછી મેં જોયું તો અમારી પાછળ એક હોન્ડા એકોર્ડ કાર હતી અને તેનો ડ્રાયવર પણ પુષ્કળ હોર્ન વગાડતો હતો. મારા મિત્ર ગભરાઈ ગયા હતા. અને ઊભા રહી ગયા હતા. અને પેલો હોન્ડાવાળો પણ પોતાનું હોર્ન વગાડવાનું બંધ નહોતો કરતો. પછી મેં જોયું તો તે પોતાનો હાથ બહાર કાઢીને ઊંચે આંગળી કરી કાંઈ બતાવતો હતો. મારા મિત્રને કે મને કાંઈ દેખાતું નહોતું. તો એ ભાઈ ઉતરીને અમારી કાર પાસે આવીને ઈશારો કરીને કહે ,” પેલું બોર્ડ વાંચો.” અમે જોયું તો જે બોર્ડ અમારે વાંચવા માટે તે હોર્ન વગાડતા હતા. તેના પર લાખ્યું. હતું,”સાયલન્ટ ઝોન–ડો.મહેતાની હોસ્પીટલ–હોર્ન વગાડવાની મનાઈ છે.” ઘણી વાર હોર્ન કરતાં ઈશારા કાફી હૈ.

***