ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની - 6 Harnish Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની - 6

જોડણી એક-અફસાને હજાર

હરનિશ જાની

ગુજરાતી ભાષા બહુ નસીબદાર છે. એને શુધ્ધ રાખવા ઘણાં સ્વયંસેવકો સમય સમય પર મળી રહે છે. પૂજય ગાંધીબાપુને આશ્રમની બકરીની ચિંતા ઓછી પડતી હોય તેમ તેમણે ગુજરાતી ભાષાની ચિંતાનો ટોપલો પણ માથે ચઢાવી દીધો. અને જોડણી સુધારક પણ બની ગયા. તેમણે તો શબ્દ કોશ બનાવીને લખી દીધું કે હવે પછી કોઈને પોતાની મરજી મુજબ જોડણી કરવાની છુટ નથી. પરંતુ તેમાં એક વાત ઉમેરવાની રહી ગઈ. કે કોઈને છુટ નથી સિવાય કે ચિમનલાલ શીરવી સાહેબના ચોથા ધોરણના છોકરાઓને. એક વખતે સાહેબને મેં પૂછયું સાહેબ, ‘વિશેષણ‘ કેવી રીતે લખાય ? તો કહે ‘તને આવડે તેવી રીતે લખ. મારે જ વાંચવાનું છે ને.‘ હવે આ સાહેબના હાથ નીચે ભણેલાઓ લેખક કેવી રીતે બને ? અને બને તો એમને શીરવીસાહેબ સિવાય કોણ વાંચે?

આપણે ત્યાં ગુજરાતી બચાવોની બુમરાણ કરવાની છોડી દઈને લોકો જોડણી પાછળ પડી ગયા. આપણે ત્યાં તો ગુજરાતી પણ ઈંગ્લીશમાં બોલાય છે. જોડણીની વાત કરીએ તો સાર્થ જોડણી તો હતી જ. તેમાં ઊંઝા જોડણી જોડાઈ હજુ તેનો પરિચય લોકોને થાય ત્યાં આ સમીકરણમાં કમ્પ્યુટરવાળા ઘુસી આવ્યા. હવે મામલો બિચક્યો. આમાં મારા જેવા નિરક્ષરો, ડોબાઓ અને આળસુઓ અટવાણાં. આ કોમ્પ્યુટરના ગુજરાતી ભાષા લખવા માટે ગુજરાતીના અસંખ્ય ફૉન્ટ (જુદા જુદા મરોળ,જુદી જુદી પધ્ધતિથી મૂળાક્ષરો લખવાની ઢબ) સ્વયંસેવકોએ તૈયાર કર્યા. જેને જે આવડયા તે પ્રમાણે. પછી તેને નામ આપ્યા પોતાને ફાવે તેવા. આમાં કોઈએ નામ આપ્યું ગુરુ–તો કોઈએ નામ આપ્યું– શિષ્ય. કોઈએ નામ આપ્યું –ગોપી. તો કોઈએ નામ આપ્યું –કૄષ્ણ. ગોપી કૄષ્ણનું કાંઈ જામે તે પહેલાં –રાધા આવી અને તેમાં –મીરાં અટવાઈ. આવા કેટલાય ફૉન્ટ કોમ્પ્યુટરમાં ફરતા થઈ ગયા. અને જે કોઈ જે ફૉન્ટ વાપરતા હોય તે ફૉન્ટના વખાણ અને પ્રચારમાં તે લાગી ગયા. હવે ગમ્મત એ થઈ કે ગુરુ ફૉન્ટવાળાથી કલાપીમાં લખેલું ન વંચાય અને કૄષ્ણ ફૉન્ટવાળાને ગોપી, રાધા કે મીરાં ફૉન્ટમાં લખેલું ન વંચાય.

આપણાં દેશની, આપણી ભારતીય સંસ્કૄતિની કમ્બખ્તીએ છે કે આપણે વ્યક્તિગત રીતે સિધ્ધીઓ હાંસલ કરી શકીએ છીએ પણ સમુહમાં એક સરખી પ્રવૄત્તિ નથી કરી શકતા.આપણે સંગીતમાં પંડિત રવિશંકર કે પંડિત હરિપ્રસાદ ચૌરસિયા પેદા કરી શકીએ છીએ પણ ચાલીસ પચાસ સંગીતકારોની એક ફિલ્હારમોનિક બનાવી શકતા નથી. કારણકે હારમોનિ જેવો શબ્દ આપણે શીખ્યા જ નથી. આજે લંડન–વિયેના–ન્યુ યોર્ક ફિલ્હારમોનિકના સોએક જેટલા સંગીતવાદકો કંડક્ટરની એક નાની લાકડીને ધ્યાનમાં રાખીને એક સુરનું–એક રાગનું સંગીત પેદા કરી શકે છે. આપણે ત્યાં સમુહમાં સંગીત પેદા કરી શકાય ખરુ? બધાં સંગીતકારોને એક સ્ટેજ મળે તો સંગીત પેદા ન થાય– રાડા રાડી થાય. પંડિત અને ખાંસાહેબ એકબીજાની સાથે ન બેસે. તેમાં તબલચીને ઊંચી ગાદી જોઈએ.અને પીપુડીવાળો કયારે રીસાયને સ્ટેજ પરથી ઉતરી જાય તે કહેવાય નહીં.

આમાં ફાવી ગયા, ગુગલ મહારાજ કે તે યુનિકોડ લઈને આવ્યા. અને આ યુનિકોડના ફૉન્ટમાં લખેલું. બધાંના કમ્પ્યુટરમાં વાંચી શકાય છે. એટલે મારા જેવા નિરક્ષરોને નિરાંત થઈ. હવે મુશ્કેલી આવી ગુજરાતી જોડણીની .એમાં જુદી જુદી પધ્ધતિથી બારાખડી ટાઈપ કરવાની. આમાં કમ્પ્યુટર બનાવનારાઓએ ટાઈપરઈટર તો મૂળ ઈંગ્લીશ લિપીમાં રાખ્યું કારણકે કોઈ ગુજરાતીએ કમ્પ્યુટરની શોધ નથી કરી. નહીં તો તેની ટાઈપ કરવાની “કી” ગુજરાતીમાં હોત. હવે આ અંગ્રેજી કી બોર્ડમાં સાર્થ જોડણીવાળા– ઊંઝા જોડણીવાળા –અમદાવાદ જોડણીવાળા બધાં સપડાયા. વાત એમ છે કે તમને જોડણી તો આવડતી હોય પરંતુ તે કમ્પ્યુટરમાં ટાઈપ કેવી રીતે કરવી તે ન આવડતું હોય તો તમારી જોડણી રહી તમારી પાસે. હવે આમાં મારા જેવા નિરક્ષરોએ અને ડોબાઓએ હજુ સાચી જોડણી તો શીખી નથી. તેમાં ઉમેરાયું ગુજરાતી ટાઈપ કરવાનું. મારા જેવાને એક પાન ટાઈપ કરતાં દોઢ કલાક થાય છે.વચ્ચે વચ્ચે ફ્રેશ થવા ચ્હા પીવી પડે તે જુદી. હવે ગુજરાતી ટાઈપ કરતાં હોઈએ અને પ્રાધ્યાપક– કુરુક્ષેત્ર– આવૄત્તિ જેવા જોડાક્ષરો ટાઈપ કરવાના આવે ત્યાં હનુમાન ચાલિસા બોલતાં બોલતાં ગાઈડમાં શોધવું પડે કે ‘ વૄ‘ કેવી રીતે લખાય. બે મિત્રોને ફોન કરવા પડે. અને પ્રાધ્યાપકનું પાદ્યાપક થઈ જાય તો પાછા મર્યા. મારા જેવા કેટલાય કમ્પ્યુટર નિરક્ષરો ‘જ્ઞ‘ ની જગ્યાએ ‘ગ્ન‘થી કામ ચલાવે છે. આ પ્રમાણે અંગ્રેજીમાં ટાઈપિંગની સ્પીડ વધારવા કમ્પ્યુટરમાં નવી જોડણી ઘુસી ગઈ. You ની જગ્યાએ U. અને I am ની જગ્યાએ Im. અને B4 એટલે Before અને Gr8 એટલે Great.ઘણાં લોકોની અંગ્રેજી ઈ મેઈલમાં પણ આવી જ જોડણી જોવા મળે છે. ટેક્ષ મેસેજીંગની ભાષાની તો જુદી જ રમત છે. એવી જ રીતે જો કોઈ ગુજરાતી લખાણમાં ખોટી જોડણી જોવામાં આવે તો તે મેગેઝીનના સંપાદકને–તે લેખકને– કે ટાઈપ સેટરને વિશાળ દિલ રાખીને માફ કરી દેવાનું.કારણ કે તે ભાષાનું અપમાન નથી પણ તે લોકોમાં કમ્પ્યુટર નિરક્ષકતા છે. તેનો વાંક છે. હું જો સંપાદક હોઉં તો ટકે શેર ભાજીવાળા રાજાની જેમ પખાલીનો વાંક કાઢું અને કહું કે ભાઈ પેલા છાપવાવાળાનો વાંક. સાચી જોડણી એણે ખોટી છાપી. તમને ખબર છે ? આપણાં પ્રખર હાસ્ય લેખક બકુલ ત્રિપાઠીના અક્ષર તો ગાંધીજીના અક્ષરથી પણ ખરાબ હતા. બકુલભાઈને હું

કહેતો કે ‘તમારું પોષ્ટ કાર્ડ તો મ્યુઝિયમમાં મુકવા જેવુ છે.‘ એમના લેખોનું ટાઈપ સેટીંગ કરનારા વીરલા ગણાય. તેમ છતાં એમણે અતિશય લખ્યું છે.અને બહાદુર ટાઈપ સેટરોએ સેટ કરી છાપ્યું છે.

મને પોતાને અંગ્રેજી જોડણી કે ગુજરાતી જોડણી–સાચી– નથી આવડી. અમેરિકામાં મને કાયમ સેક્રેટરીનું સુખ હતું. મારા હાથે લખેલા રિપોર્ટ હોય કે લેટર હોય તેને સેક્રેટરી ભૂલો સુધારી અને ટાઈપ કરી આપે.. અને મારા ગુજરાતી લેખો મારા સંપાદકો સુધારી આપે છે. મને કાયમ ‘ળ‘ અને ‘ડ‘ના લોચા થાય છે. સાડી–સાળી–હોડી–હોળી લખીને મારે “ ગજરાતીલેકઝીકોન” પર ચેક કરવુ પડે. ભલુ થજો શ્રી રતીલાલ ચંદરયાનું કે જેમણે ઘરના લાખો રૂપિયા અને જીવનના વીસેક વરસ ખર્ચી ગુજરાતી સ્પેલચેકર અને કમ્પ્યુટરની આ ડિજીટલ ડિક્ષનરી તૈયાર કરાવી. મારા જેવા નિરક્ષર ગુજરાતીઓ એમના ઋણી રહેશે.

છેલ્લા પાંચ વરસમાં કમ્પ્યુટરે દુનિયા બદલી નાખી છે. અને દિવસે દિવસે બદલી રહ્યું છે. છપાયેલા પુસ્તકો અદ્રશ્ય થવા માંડ્યા છે. સાત ઈંચની એક પાટીમાં લાખો પુસ્તકો પ્રાપ્ય છે. વાંચ્યા જ કરો. એન્સાયકલોપિડીયાના થોંથાં હવે મઠ્ઠીમાં. સોળમી સદીમાં રૉમમાં જે પોપ હતા તે હાથે લખેલા પુસ્તકોના આગ્રહી હતા. તેમને કોઈએ કહ્યું કે હવે પછી હાથે લખેલા પુસ્તકો અદ્રશ્ય થઈ જશે અને છપાયેલા પુસ્તકો આવશે. ત્યારે તેમણે હસી કાઢ્યું હતું. આજે તો કમ્પ્યુટરને કારણે દુનિયા એટલી ઝડપથી બદલાઈ રહી છે કે ગુજરાતી ભાષા કયાં જશે .અને કઈ જોડણીમાં હશે તે ભગવાન નહીં –પણ કમ્પ્યુટર જાણે

***