એ તો એમ જ ચાલે !
હરનિશ જાની
અમેરિકામાં મોટર કાર જમણી બાજુ દોડે છે. ભારતમાં બધી બાજુ દોડે છે. ડાબી બાજુ દોડતા વાહનોની સામે પણ ટ્રાફિક આવતો હોય છે. જેની કોઈને નવાઈ નથી. કાયદેસર દોડતા વાહનોને સામેના વાહનોની કાયમ અપેક્ષા હોય છે. ઈન્ડીયામાં બધે –બધા જ ક્ષેત્રોમાં–આમ જ બનતું હોય છે. ફોરેનરને હમેશાં આપણે ત્યાં દોડતા વાહનોને જોઈને અચરજ થાય છે કે બે વાહનો અથડાતા કેમ નથી? મને કહેતા ગૌરવ થાય છે કે મારી પચાસ દિવસની મુશાફરીમાં મેં પાંચ શહેરનો ટ્રાફિક જોયો છે. દરરોજ કારમાં બેઠો છું. પરંતુ મોટો અકસ્માત એકે જોયો નથી.એકવાર મારા મિત્રની કાર બીજાની કાર સાથે હુંસાતુંસીમાં ઘસડાઈ હતી. બન્નેમાંથી કોઈ ઊભું રહ્યું નહોતું. કારણકે બન્ને કાર ચાલી શકતી હતી. અને બન્ને પાસે વાદ વિવાદનો સમય નહોતો. અને મોટો અકસ્માત થાય તો ય શું ? જો આપણે જીવતા હોઈએ તો ભૂલ કબુલવાની નહીં. ભૂલ હમેશાં સામાવાળાની જ હોય છે. અને એ વાતની બન્ને ડ્રાયવરોને ખબર હોય છે. અને પોલીસને પણ ખબર હોય છે.
આપણે ધ્યાનથી જોઈએ તો આ ટ્રાફિક આખા દેશનું નાનું મોડેલ છે. જો ઈન્ડીયાનું રાજતંત્ર સમજવું હોય તો ટ્રાફિકને બરાબર સમજવાનો. દેશના બધા જ ક્ષેત્રમાં બને છે તેમ. એકાદ ગાંધી ભક્ત કાયદાનું પાલન કરવા જાય તો તે આખી સિસ્ટમને અપસેટ કરી નાખે છે. અને એક્સીડન્ટ ઊભો કરે છે. તેમ અહીં જો એક્સીડન્ટ કરવો હોય તો જ બીજાનો વિચાર કરી કાયદેસર કાર ચલાવવી. આગલી સીટ પર બેસીને મેં જે જોયું છે. તે એ કે સરસ અને સરળ રીતે કાર કે મોટર સાયકલ ચલાવવી હોય તો બીજાની ચિંતા છોડી દેવાની. આપણે કાંઈ આદર્શ નાગરીક બનવા નથી નિકળ્યા. ખાલી જગ્યા દેખાતી હોય ત્યાં ઘુસી જવાનું અને તમારાથી નબળાને દબાવવાનો. નબળાનો અર્થ તમારાથી નાનું વાહન . અને મોટું વાહન હોય છતાં સ્પીડમાં ન જતું હોય તે. જો સર્કલ પર હો તો –જો ડર ગયા વોહ મર ગયા–ના નિયમ મુજબ આગળ વધ્યે જાવ. બાજુમાંથી ભલેને મોટું વાહન આવતું હોય. એને કયાંક જલ્દી જવાની ઉતાવળ છે ? એટલે એને તમારા વાહન જોડે અથડાવાનું ન પોષાય. એટલે એ વાહન ઊભું રહેશે અને તમને જવા દેશે. જો તમે સ્કુટર પર હો તો એક પગ ઘસડતાં ઘસડતાં જતા રહેવાનું. આપણે એટલું જ યાદ રાખવાનું કે આપણે આગળ વધીએ છીએ કે નહીં ! લાકડી લઈને પોલીસ ઊભો હોય ને લાકડી ઊંચી રાખી હોય તો તેના હાથ નીચેથી નિકળી જવાનું. એ આપણને મારવા માટે નથી રાખી પરંતુ જો ગાયો એ સર્કલમાં આવી જાય તો પ્રેમથી એને રસ્તાની કોરે મુકી દેવા માટે છે. પોલીસની બીજી જવાબદારી છે, આપણી કોર્ટોનો બોજો હલકો કરવાનો. ટ્રાફિક વાયોલેશનના કેસોનો ત્યાં જ ફેંસલો આપી દેવાનો. પેલા વાહન ચાલકને કાયદા ભંગ માટે ત્યાંને ત્યાં દંડ કરવાનો અને દંડ વસુલ કરી લેવાનો. આપણી કોર્ટોમાં પંદર પંદર –વીસ વીસ વરસના કેસ પડ્યા છે. આ ટ્રાફિકના મામુલી કેસનો તેમાં ઉમેરો કરીને દેશના ન્યાયતંત્રનો બોજો નહીં વધારવાનો. આપણા ટ્રાફિકમાં ડાર્વિનનો નિયમ લાગુ પડે છે.”સરવાયવલ ઓફ ધ ફિટેસ્ટ.” મોટું પ્રાણી નાના પ્રાણીને ખાઈ જાય. એકદમ જમણી લેઈનમાં બસ કે ટ્રક, હોન્ડા કે ટોયોટાને અથવા તો મોટર સાયકલ પરના જહોન અબ્રાહમને જવા દેવાના. તેઓ આલ્ટો, નેનોની દરકાર પણ નહીં કરે. દ્વિચક્રી વાહનોએ ચતુર્ચક્રીથી દૂર રહેવામાં જ માલ છે. પછીની ઉતરતી કક્ષામાં પોતાની સીટ પર બેઠા બેઠા પગથી સિગ્નલ કરતા ઓટો રિક્ષાવાળાઓ આવે અને છેલ્લે માથા પર ઓઢણી લપેટેલી સ્કુટર સવાર કોલેજ કન્યાઓ. આપણે જો ધ્યાનથી જોઈએ તો આ કન્યાઓની ઓઢણીની જુદી જુદી ફેશન ચાલુ થઈ છે. મને ચોક્કસ ખાતરી છે કે છોકરીઓ પોલીસને એ દુપટ્ટા માથાની હેલ્મેટમાં ખપાવતી હશે. અને પોલીસ એનો વાંધો ન લેતી હોય કારણકે એકસીડન્ટ ટાણે માથે પાટો બાંધવામાં એ દુપટ્ટો કામ લાગે. મને વિચાર આવે છે કે જો કોઈ છોકરો આવો દુપટ્ટો વીંટે તો પોલીસ એને રોકે કે ના રોકે? આપણો ટ્રાફિક તો જાણે યુધ્ધમાં આગળ વધતી સેના. જમણી બાજુ ઐરાવત પછી અશ્વો પછી પાયદળ. આ સ્કુટરવાળી કન્યાઓ તે પાયદળ. ટોયોટા, હોન્ડા બધા રથ. આ લશ્કરની ખૂબી એ છે કે તેમણે અંદરો અંદર લઢવાનું હોય છે.
હવે દેશમાં આ જ ટ્રાફિકના નિયમો બધે લાગુ પડે છે. સ્કુલ– કોલેજમાં એડમિશન લેવું છે.માર્કસ ઓછા છે. તો ગભરાવાનું નહીં. કોઈ સત્તાધારીની ઓથે ભરાવાનું. નહીં તો ડોનેશન કરો. એ જ આદર્શ વસ્તુ છે. તમારે ગેરકાયદેસર રાઈટ ટર્ન મારવો છે. તો મોટા વાહનની ઓથે ભરાય જાવ. જોઈએ તો પોલીસને માગે તેનાથી અડધું ડોનેશન આપી દેવાનું. પરદેશની જેમ જો આપણે રેડ લાઈટને માન આપીએ તો ટ્રફિક કેટલો વધી જાય? પછી આપણા ટ્ર્રાફિક પોલીસોની નોકરીનું શું? તમારે મકાન બનાવવું છે. બનાવી દો. મરજી પ્રમાણે માળ બનાવો. જેટલી જમીન દબાવવી હોય તેટલી દબાવો. ત્યાં પણ ટ્રાફિક પોલીસો જેવા સરકારી કર્મચારીઓ છે. અને એમને પણ ખબર છે કે ડોનેશન કેવી રીતે લેવાનું. આમ કોઈ બનેલું બિલ્ડીંગ તોડે ખરું? એ તો એમ જ ચાલે ! ભારતમાં કેટલી ય ગેરકાયદેસર કાર્ય પધ્ધતિઓ છે કે જે વરસોથી ચાલી આવી છે. તમારે મકાન ખરીદવું છે. તો બ્લેકના પૈસા આપો. હવે આ સત્ય દેશનો દરેક નાગરીક અને સરકારી કર્મચારી જાણે છે. મોટર બાઈક પર વગર હેલ્મેટે છ જણથી ન બેસાય એ પણ બધા જાણે છે. એટલે મઝા એ છે કે હવે આપણને શું કાયદેસર અને શું ગેરકાયદેસર એનું જ્ઞાન જ નથી. આપણે ત્યાં ગેરકાયદેસર રીતો જ કાયદેસર બની ગઈ છે. એ તો એમ જ ચાલે !
કોણ કહે છે કે આપણે ગાંધી બાપુને ભૂલી ગયા છીએ. તેમની જેમ આપણે પણ કાયદા ભંગમાં માનીએ છીએ. આ ટ્રાફિકના કેટ કેટલાય કાયદા બન્યા હશે. જમણી બાજુ વાહન નહીં ચલાવવાનું, કાયદાનો ભંગ કરો. “ એ તો ચાલે”. સીટ બેલ્ટ બાંધવો જોઇએ કાયદા કી એસી તેસી.” એ તો ચાલે.” . તમે રેલ્વે ફાટક પરનો ટ્રાફિક તો જોયો જ હશે. કોઈ ફોરેનર જુએ તો એને ચિંતા થાય કે ફાટક ખુલ્શે તો બન્ને બાજુ પર સૈન્યો સામ સામે આવી ગયા છે. તો ટ્રાફિક કેવી રીતે આગળ વધશે? કોણ પકડવાનું છે.? અને આ વાત બધા જ ક્ષેત્રમાં છે. અને એક રીતે જોઈએ તો તેમ ચાલે પણ છે.
સદીઓથી ગુલામ રહેલી પ્રજાને ખબર જ નથી કે આઝાદીનો અર્થ જવાબદારી છે. આમાં હોસ્પીટલો, સ્કુલો, અરે, આર્મી સુધ્ધાં આ ગેરકાયદેસર–કાયદેસર વાતોમાં ફસાયું છે. વીસ ત્રીસ વરસથી જાત જાતના આર્મીના કૌભાંડો બહાર આવે છે. એ દેશ માટે અશુભ છે. તકલાદી શસ્ત્રોથી આપણું સૈન્ય સજજ છે. હવે આ વાત મારા જેવા ડોબાને ખબર છે .તો તમે માનો છો કે ચીનને ખબર નહીં હોય ?
***