ચિત્કાર
( પ્રકરણ – ૧૦ )
શ્રેણીની તબિયતમાં કોઈ સુધાર નહોતો તેથી ફોરેનના ન્યુરોલોજીસ્તને ખાસ બોલાવવામાં આવ્યાં હતાં. શ્રેણીને ત્યાંથી બીજા દવાખાનામાં જ્યાં ટેસ્ટીંગના બીજા સાધનો હતાં ત્યાં લઇ જવામાં આવી. લગભગ બે ત્રણ કલાક બાદ ચિકિત્સા પૂર્ણ કરી પાછી લાવવામાં આવી.
હોસ્પિટલમાં દેવહર્ષ ના બેડ પાસે ડોક્ટરો કંઇક ગડમથલમાં હતાં. દેવહર્ષનું શરીર નિશ્ચેતન પડ્યું હતું કદાચ મૃત્યુ થયું હતું.
***
લગભગ ચાર વાગે એક રોડ એક્સીડેન્ટની બોડી હોસ્પિટલમાં લાવવામાં આવી. તરતજ એની પાછળ ઇન્સ્પેક્ટર અમિત સિંહની ગાડી આવી. એક્સીડેન્ટ થનાર વ્યક્તિ સીરીઅસ હતી. અમિત સિંહ એનાં રૂમમાં ગયાં અને નિરખીને જોયું તો આ શું ? સવારે જેના ઉપર શંકા થઇ હતી તે જ વ્યક્તિ ? કાળી ગાડીવાળો ? એ તરત સિક્યોરિટીના કેમેરા મોનીટરીંગ રૂમમાં ગયાં અને સવારના ફૂટેજ જોયા. વાત કન્ફર્મ થઇ. હાં.. એ જ વ્યક્તિ હતો. વિડીઓ રીવર્સ કરતાં તે શ્રેણીનાં રૂમની સામે ઉભો દેખાયો. તે અંદર ઝાંખી રહ્યો હતો. વધુ રીવર્સ કરતાં બે ત્રણ દિવસ પહેલાં પણ એ અહીં હતો અને એની સાથે કોઈક બીજી વ્યક્તિ પણ હતી. વળી વધુ રીવર્સ જતાં જોયું તો એની સાથે બે જણા હતાં. દરેક વખતે એમની નજર શ્રેણીનાં રૂમ તરફની ગતિવિધિઓ પર જ હતી. એ દિવસે જ શ્રેણીને હોસ્પિટલમાં દાખલ કરી હતી. હવે શંકા ઘેરી બની હતી. પહેલાં દિવસથી આજ સુધીના ફૂટેજની કોપી પોલિસ સ્ટેશને મોકલી આપવાં કહ્યું. પહેલાં દિવસે હોસ્પિટલમાં હાજર ત્રણે વ્યક્તિના ફૂટેજના પ્રિન્ટ લીધાં ઇન્વેસ્ટીગેશન માટે.
શ્રેણીનાં પિતાને સાથે લઇ ઇન્સ્પેક્ટર એમના રહેઠાણે પહોચ્યાં અને સામેની સોસાયટીના મોનીટર રૂમમાં ગયાં જ્યાં પહેલાં દિવસે એમને ફૂટેજ જોયા હતાં.
આ એજ ગાડી હતી. કાળા રંગની. એનાં ઉપર કાળી ફિલ્મ લગાડેલ હતી. ડ્રાઈવરની બાજુના દરવાજાની ઉપરની બાજુએ કંઇક સ્ટીકર ચોંટાડેલ હતું. ઝુમ કરીને જોયું તો KK લખેલ હતું. જે પહેલીવર એમનાં નજરમાં નહોતું આવ્યું.
મોડી સાંજે હોસ્પિટલ ઉપર આવ્યાં ત્યારે એક્સીડેન્ટ થયેલ વ્યક્તિ એટલે કે કિરીટ કટિયાર KK ની હાલત ગંભીર હતી. તે જીવન મૃત્યુ વચ્યે ઝોલા ખાઈ રહ્યો હતો એટલે એની જોડે વાત કરવી કે જાણકારી મેળવવી શક્ય નહોતું.
કિરીટના પરિવારના લોકોને ખબર પડતાં મોડું થયું. હવે બધાં ભેગાં થયાં હતાં. જરૂરી તપાસ બાદ ડોક્ટરોએ કહ્યું કે એક્સિડેન્ટથી એનું હાર્ટ અને ફેફસાં સખત ડેમેજ થયેલ છે. બનતી કોશિશ ચાલું છે. જરૂર પડ્યે મોડી રાત્રે ઓપરેશન કરવું પડે એમ છે. ઓપરેશન માટે પાંચ લાખ રૂપિયા જમા કરવાં કહ્યું અને જરૂરી કાગળો ઉપર કિરીટના પિતાજીની સહિયો કરાવી લીધી.
કિરીટના પપ્પા વેપારી હતાં એટલે બે કલાકમાં પાંચ લાખ રૂપિયા જમા કરાવી દીધાં.
***
દેવહર્ષના મૃત્યુની ખબર કોને કરવી તે ગડમથલ ચાલું હતી. એડમીટ કરતી વખતે એનો મિત્ર હોસ્પિટલનાં ફોર્મમાં પોતાનો મોબાઇલ નંબર લખવાનું ભૂલી ગયો હતો. ફક્ત પૈસા જમા કરાવ્યા હતાં એટલે હોસ્પિટલના કોઈ અધિકારીએ બીજી વિગતો ઉપર ધ્યાન આપ્યું નહિ. હોસ્પિટલવાળા પણ પેશન્ટ કરતાં પૈસાને મહત્વ આપે છે એ ફલિત થતું હતું.
રાત્રે દસ વાગે ઓપરેશન ચાલું થયું ત્યારે ડોક્ટરો અને નર્સની ટીમ શિવાય ત્યાં કોઈ હાજર હતું. ડોક્ટરોએ ઓપરેશન દ્વારા પોતાની જવાબદારી પૂરી કરી. સફળતાં ઉપરવાળાએ જ આપવાની હતી. પેશન્ટના માથા પાસે કોઈ ઉભું છે એવો સ્પર્શ એક નર્સને થયો. પેશન્ટને મોડી રાત્રે લગભગ બે વાગે ઓપરેશન થીએટરથી બહાર લાવવામાં આવ્યો અને આઈ.સી.યુ.માં દાખલ કરાયો. સગાવાલાઓને જવાબ આપતાં કહ્યું - ડોક્ટરોએ પોતાની જવાબદારી પૂરી કરી છે પણ સફળતાં ઉપરવાળા પર છે, એમ કહી છુટા પડ્યા. કિરીટના પરિવારને કંઇક આશા બંધાઈ.
વહેલી સવારે દેવહર્ષના શરીરમાં સળવળાટ થયો. શરીર ગરમ થઇ રહ્યું હતું. દરેક અંગ ચોક્કસ રીતે કામ કરી રહ્યું હતું. તે જ વખતે નર્સ રૂમમાં દાખલ થઇ. દેવહર્ષ ને પથારીમાં બેઠેલો જોઈ આશ્ચર્યચકિત થઇ. દેવે પીવા માટે પાણી માંગ્યું. નર્સે પાણી આપ્યું અને આ સમાચાર આપવાં તે રૂમની બહાર દોડી અને ડોક્ટરને પણ ફોન કર્યોં. બધાં માટે આ મોટું આશ્ચર્ય હતું કે જે શરીરમાં પલ્સ નહોતાં કોઈ ચેતન નહોતું તે શરીર એકદમ ચેતનવંતુ કેવી રીતે બને ?
ધીરે ધીરે શ્રેણીનાં શરીરમાં પણ કંઇક ચેતન આવી રહ્યું હતું. તે જ વખતે શ્રેણીનાં માતા અલકા રૂમમાં દાખલ થયાં. તેમણે શ્રેણીનાં માથા ઉપર પ્રેમનો હાથ ફેરવતા હતાં અને શ્રેણીએ આંખ ઉઘાડી. અલકાબેનના આંખોમાં અશ્રુ દોડી આવ્યાં અને એમણે નર્સને બોલાવી. શ્રેણીની આંખની કીકીઓ કોઈને શોધી રહી હતી.
કલાકોમાં ડોક્ટરો પણ હાજર થયાં અને આ અચંબો જોઈ રહ્યાં. બાજુના બેડમાં દેવહર્ષ બેડમાં આંખો બંધ કરીને બેઠાં હતા. આજે તેમનાં ચહેરા ઉપર આનંદ હતો. તેઓ પથારીમાંથી ઉભાં થયાં અને શ્રેણીને જોઈ રહ્યાં. શ્રેણી અને દેવહર્ષની આંખ મળી. દેવહર્ષ એ શ્રેણીને આંખ મિચકારી હાથથી કંઇ ઈશારો કર્યો અને શ્રેણી પણ તે સમજી ગયી. શ્રેણી હવે શાંતિ અનુભવી રહી હતી.
બહારના આઈ.સી.યુ. રૂમમાં ગમગીની હતી. કે કે એટલે કે કિરીટ કટીયાર પોતાનાં ગુનાની સજા પામી ચુક્યો હતો.
દસ વાગે ઇન્સ્પેક્ટર અમિત સિંહ હોસ્પિટલમાં આવ્યાં ત્યારે એમનાં ચહેરા ઉપર એક આત્મવિશ્વાસ છલકતો હતો. શ્રેણીનો કેસ સોલ્વ થશે એવી આશા હતી. પરંતું કિરીટની જુબાની નહિ લઇ શકવાને કારણે તેઓ હતપ્રત થયાં. તેઓ તરત શ્રેણીનાં રૂમ તરફ ગયાં. શ્રેણી ભાનમાં આવી છે એ જાણી ખુશ થયાં. એક બારી બંધ થઇ હતી તો બીજો દરવાજો ખુલ્યો હોય એવો આનંદ થયો. દેવહર્ષને જોઈ તેમણે કંઇક આંતરિક શાંતિનો એહસાસ થયો. એને જોતાજ રહીએ એવી ઈચ્છા થઇ. એની જોડે વાત કરવાની ઈચ્છા થઇ, પરંતું મહત્વનું કામ પતાવવાનું હોવાથી તે ત્યાંથી ગઇકાલે ભેગાં કરેલ ફૂટેજના ફોટા લઇ નીકળી ગયાં.
***
બીજા દિવસે દેવહર્ષને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો.
ઇન્સ્પેક્ટર અમિત પોતાની ફરજ માટે કટીબદ્ધ હતાં અને ગુનેગારોને શોધવાની ફિરાકમાં હતાં. રાત્રે મોબાઇલ ઉપર મેસેજ જોતાં હતાં ત્યારે એક એડીટ કરેલ વીડીઓ હતો. એમાં શ્રેણી, લલ્લા, ટાઈગર અને કિરીટ કટીયાર હતાં અને એમનાં મૃત્યુની વિગત હતી. રેકોર્ડ કરેલ ફોનની વાતો હતી. પરંતું અમિતને એ ગમ્યું નહિ. એને એ કાયદાની વિરુધ લાગ્યું. એનો અહં ઘવાયો હતો.
સવારે પ્રથમ ઇન્સ્પેક્ટર અમિત સિંહ લલ્લાના ઘરે ગયો. વાતવાતમાં કન્ફર્મ થતું હતું કે વીડીઓની ક્લીપ એમને મળેલ હતી. પુત્ર સજાપાત્ર હતો અને એને સજા મળી ગયેલ હતી અને સાથે પરિવારને પણ. પરિવારને કોઈ ફરિયાદ નહોતી. જે ગુનો પુત્રે કર્યો હતો એનો અફસોસ હતો અને શ્રેણીનાં પરિવાર પાસે માફી માંગવા ઇચ્છતાં હતાં.
ટાઈગરના માતા-પિતા જોડે વાત કરી રહ્યાં હતાં ત્યારે ટાઈગરની બહેન દાદર ઉપરથી રડતી રડતી નીચે ઉતરી. ભાઈનો રૂમ સરખો ગોઠવતા બેડની પાછળ ભાઈનો મોબાઇલ મળ્યો, પરંતું એનો આનંદ મોબાઇલના વિડીઓ ક્લીપ જોઈને ઓસરી ગયો. પ્રેમ ઘૃણામાં પરિણમ્યો હતો. થોડીક ક્ષણોમાં પરિવારનું વાતાવરણ બદલાયી ગયું. તેઓ પોતાને ગુનેગાર સમજતાં હતાં કે અમારાથી સંસ્કાર આપવામાં કચાસ રહી ગયી હોય.
ત્રીજા ગુનેગારના પરિવારને મળવાની જરૂર નહોતી છતાં મનને સમજાવવા જવું જરૂરી હતું. કિરીટનો મોબાઇલ ફોન કુરિયર દ્વારા કિરીટના પિતાજીને મળેલ હતો. એમાં સંપૂર્ણ વિડીઓ હતો અને તે કોઈને બતાવવો નહી એવી વિનંતી હતી. ઉપરાંત સિગ્નલ નજીક શ્રેણીની બોડી મૂકી જવાનો પણ વિડીઓ હતો. ઇન્સ્પેકટરને જોઈ એમનાં આંખમાંથી આંસુઓ વહી રહ્યાં હતાં. ઘરની બાકી બીજી વ્યક્તિઓ પુત્રના નરાધમ કૃત્યથી અન્જાન હતી.
***
ગુરુજીના આદેશ અનુસાર ઉત્તરખંડના એક શિવ મંદિરમાં શ્રેણી દેવને મળી હતી તે વખતે તે ચાર-પાંચ વરસની હતી. નીરવ અને અલકાએ એને ગોદ લીધી હતી. ગુરુભાઈએ દીકરી તરીકે ઉછરેલ શ્રેણીની રક્ષા કરવાની જવાબદારી પરોક્ષ રીતે દેવ એટલે કે દેવહર્ષને દેહ વિલય પહેલાં કરી હતી.
સિદ્ધિ અને શ્રધ્ધાએ શ્રેણીનું રક્ષણ કર્યું જે સમજવું બુદ્ધિથી પર છે અથવા ચમત્કાર શબ્દથી સમજી લઈએ. પરંતું એક વાત ચોક્કસ છે કે ડર અને ખૌફ માણસના માનસમાં હોય તો એ ગુન્હાઓથી બચી શકે છે. ડર અને ખૌફ માણસને ખોટું કરતાં અટકાવી શકે છે પરંતું આજે પૈસાના જોરથી માણસ બેખૌફ છે એને ડર નથી. પૈસાથી બધું ખરીદી શકાય છે એ સમજ છે એટલે નિર્દોષ પીસાય છે અને દોષિત મજા કરે છે.
(સમાપ્ત)