ચિત્કાર
( પ્રકરણ – ૯ )
ડોક્ટરો હવે દેવહર્ષની તબિયત અંગે પરેશાન હતાં. કોઇપણ ટ્રીટમેન્ટની અસર દેખાતી નહોતી. આજે દેવહર્ષને દાખલ કર્યાને આઠમો દિવસ હતો. એણે એકપણ અન્નનો કણ ગ્રહણ કરેલ નહોતો છતાં શરીર ઉપર કોઇજ અસર નહોતી. ચહેરો પ્રફુલ્લિત લાગતો હતો.
રાત્રે બે નો સમય હતો. રોજની જેમ ટાઈગર, ઊંઘ નહિ આવવાથી અને ચિંતાથી બાલ્કનીની દીવાલ ઉપર બેસી મોબાઇલ ઉપર વીડીઓ જોઈ રહ્યો હતો અને અચાનક એને એમ થયું કે કોઈક એની સામે ઉભું છે. આંખ ઉંચી કરીને જોયું તો એ શ્રેણી હતી. શ્રેણીને અચાનક સામે જોઈને ટાઈગર અચંબામાં પડ્યો, એનું મગજ સુન મારી ગયું, ગભરાટમાં એનો મોબાઇલ બાલ્કનીમાં પડી ગયો. શું થઇ રહ્યું છે એ સમજે તે પહેલાં જ....
શ્રેણી બોલી – “તારે ફોન જોઈએ ને ? લે ....” આમ કહી એણે મોબાઇલ ટાઈગર સામે ધર્યો. ટાઈગરે હાથ ઉંચો કર્યો અને એનું બેલેન્સ ગયું. કોઈક પડી ગયાનો અવાજ થયો. ધ....પ્... બિલ્ડીંગના ત્રીજા માળ ઉપરથી તે નીચે પટકાયો હતો. ડર અને ગુનાહનો ખૌફ પોતાનું અસ્તિત્વ સાબિત કરી ગયું.
ઠંડીના દિવસોનું શાંત વાતાવરણ હતું. બિલ્ડિગનાં બધાંના દરવાજા અને બારીઓ બંધ હતી એટલે કોઈ અવાજ સાંભળી શક્યું નહિ.
સવારે છાપાવાળાએ બુમાબુમ કરી. બધાં ભેગાં થયાં. ટાઈગરના શ્વાસ ચાલું હતાં. કાનમાંથી લોહી વહી રહ્યું હતું જે ઠંડીથી જામી ગયું હતું.
નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો. ડોક્ટરોએ તરત ટ્રીટમેન્ટ શરુ કરી, સીટી સ્કેન કર્યું. ટાઈગર બેભાન હતો. શરીરની હરકતો સલામત હતી. કોઈ ફ્રેક્ચર કે બહુ ઈજા નહોતી. બચવાના પુરેપુરા ચાન્સ છે એવું નિદાન કર્યું. પરંતું ચોક્કસ નિદાન અડતાલીસ કલાકના નિરીક્ષણ બાદ કરી શકાશે એ સ્પષ્ટ કર્યું. એક વધુ કુટુંબ દુઃખમાં ગરકાવ થયું. કોઈને પણ હકીકત સમજાઇ નહિ. બધાનું એક જ મત હતું કે બાલ્કનીની દીવાલ ઉપર બેસવાની આદત હોવાથી કદાચ બેલેન્સ ગયું હોય અથવા ઊંઘનું ઝોકું આવવાથી પડી ગયો હશે. ફરી હોસ્પિટલમાં હિતચિંતકોની ગીર્દી ચાલું થઇ ગયી અને સલાહ સૂચનાઓ અપાતી ગયી. ગુનેગાર બચી જાય એ માટે લોકો પ્રાર્થના કરતાં હતાં, કેવી અજાયબી ?
ટાઈગરની બહેન ડોલી ખૂબ રડી રહી હતી કારણ આજે ભાઈ ટાઈગર નો જન્મદિવસ ઉજવવાની હતી. બધીજ તૈયારીઓ એણે કરી રાખી જેની જાણ એણે ભાઈને કરી નહોતી. એક સરપ્રાઈઝ ભાઈને એણે આપવું હતું. માં-બાપ પણ એને જરૂરી મદદ કરી રહ્યાં હતાં. આનંદ ઉલ્હાસ અને મસ્તીનો આજનો દિવસ કંઇક માતમ જેવો લાગતો હતો. ખુશીઓ નષ્ટ થઇ હતી. જ્યાં બર્થડે કેકનું ક્રિમ ગાલ ઉપર હસી ઉપજાવવાનું હતું ત્યાં ચિંતાએ સ્થાન લઇ લીધું હતું.
બહેન ડોલીના રૂમમાં આમંત્રિતોનું લીસ્ટ પવનથી ફરફર ઉડી રહ્યું હતું. ડીશો, પેપર નેપકીન, વોલ પેપર, બર્થ ડે નું ભાઈના ફોટાવાળું ફ્લેક્ષ ગયી કાલે જ એ તૈયાર કરીને લાવી હતી. ભાઈનો એક સરસ પોઝ પ્રસંગ માટે ચાલાકીથી પોતાનાં મોબાઈલમાં શુટ કર્યો હતો. એની ઈચ્છા ભાઈની વરસગાંઠ ખૂબ જ અનોખી રીતે ઉજવવાની હતી કારણ કદાચ આ વર્ષે માતા-પિતા એનાં હાથ પીળા કરી એને સાસરે વળાવે એ નક્કી હતું. એ પિયરની કોઈ ખુશી જતી કરવા માંગતી નહોતી. તેનાં સપનાની દુનિયા લંડનમાં હતી. કદાચ દરેક પ્રસંગે તે ભારત આવી શકે એ શક્ય નહોતું પણ શું કહેવાય ? દરેક ઘડીને એ આનંદથી લુટવા માંગતી હતી.
એનાં જેવી જ એક ગુલાબ જેવી કળી - શ્રેણી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી વગર વાંકે ! એક તરફ કોઈ એને જોવા કે મળવા આવ્યું નહોતું. કોઈ એનાં સારા થવા માટે દુવા કે પ્રાર્થના કરતાં નહોતાં શિવાય કે એનાં માં-બાપ. શું ગુનો હતો એનો ? શું સ્ત્રી હોવું એનો ગુનો હતો ? સુંદર હોવું ગુનો હતો ? ગુનાહિત માનસ સુન્દરતા સાચવવાની કોશિશ કેમ કરતો નથી ? કેમ એને ચુંથવાં માંગે છે ? કેમ એનો ભોગ લેવાં માંગે છે ? ઘરની સુંદરતા અને બહારની સુન્દરતા વચ્ચે ફરક મૂલવી શકતો હોય તો આવાં વિચાર એને કેમ આવે ? સંબંધો સમજી શકતો હોય તો બીજાના સંબધોને કેમ તુચ્છ ગણે છે ? મા, બહેન, દીકરી ક્યાં જુદા છે ? જે મા છે તે મા છે. તે જ કોઈની દીકરી છે અને તે જ કોઈની બહેન પણ છે, તો કેમ વાસના ખાતર વર્ષોથી શરીરમાં લોહીની જેમ વહેતાં લોહીનાં સંબધો ભૂલી જાય છે ? અરે નરાધમ... સામાની કાચી ઉમરનો પણ ખ્યાલ કરતાં નથી ? એટલા અંધ બની જાય છે !
***
કિરીટ કટીયારને સામાચાર મળ્યા. એનાં પગ નીચેની જમીન સરકતી હોય એવું લાગ્યું. બે દિવસમાં એનાં બે મિત્રોની હાલત ગંભીર થઇ હતી. અરે ગંભીર નહિ મૃત જેવી. કદાચ પેલી શ્રેણી જેવી. હવે પોતાનો નંબર તો નહિ હોયને ?
કિરીટની માનસિક સ્થિતિ ગંભીર હતી. કોઈને કહી શકે તેમ નહોતો કે કોઈની મદદ લઇ શકતો હતો. પોતે જ પોતાનાં મોબાઈલમાં વીડીઓ શુટ કર્યો હતો. બ્લેકમેલ કરવા. જેથી કંઇક અઘટિત બને તો વાતને દબાવી શકાય. પણ સમય અને સંજોગોએ બાજી પલટી હતી. પોતે ચોક્કસ ફસાયો હતો. હવે સલાહ આપનાર, મોજ કરાવનાર, ઉસ્કેરાટ કરાવનાર, જીગરજાન મિત્રો, બેજાન-મૃતપાય દશામાં હતાં. ડરથી બેધ્યાન ને ડર સતાવી રહ્યો હતો. એક ખૌફ એનાં ઉપર હાવી થયો હતો.
મોબાઇલના બદલામાં પૈસા આપી માંડવાળી કરી લીધી હોત તો સારું થાત એવો એક વિચાર એનાં મગજમાં આવ્યો અને એણે પોતાનાં બીજા મોબાઇલ ઉપરથી ફોન કર્યો. પરંતું ફોન બંધ હતો. હવે કોઇ રસ્તો નહોતો.
તે શ્રેણીનાં હોસ્પિટલમાં ગયો પણ શ્રેણીની સ્થિતિમાં કોઈ ફેરફાર નહોતો. તે બેડ ઉપરજ હતી. તે શ્રેણીને નીરખીને જોઈ રહ્યો હતો અને તે જ વખતે દેવહર્ષની આંખ ખુલી. દેવહર્ષ એને જોઈ રહ્યો. કિરીટના મનમાં વિચાર ચાલતાં હતાં કે કોઈ ત્રાહિત વ્યક્તિ આવો અંજામ તો નહિ આપતી હોયને ? પણ એ વ્યક્તિ કોણ ? શ્રેણી નાટક તો નહિ કરતી હોય ? કે પોલિસ એની પાસે એવું કરાવતી હોય એવું બને ?
ડર અને ખૌફ્ને લીધે એનાં મનમાં વિચાર આવ્યો કે બચવું હોય તો ઘરે જવાનું માંડી વાળવું અને શહેરથી દુર દાદાના ઘરે જતાં રહેવું અને ત્યાં છુપાઈ રહેવું. એણે પાકો નિશ્ચય કરી લીધો.....પોતાનાં ઘરે જવું નહિ !!
એ કારમાં બેસવાં જતો હતો ત્યારે એક સ્પર્શનો એહસાસ થયો. કોઈક એની પાસે છે અથવા સ્પર્શ કરી સરકી ગયું હોય તેમ કે કારમાં બેસી ગયું હોય તેમ.
સ...રરર.. કરતી... પોલિસ ઇન્સ્પેકટર અમિતની ગાડી એની સામે આવી ઉભી રહી કિરીટને એક મીનીટ માટે ધ્રાસ્કો પડ્યો. ઇન્સ્પેક્ટર અમિત સિંહ અને એની નજર એક થઇ. સ્માર્ટ અમિત એને જોઈ મુસ્કુરાયા અને આંગળી વડે એક મીનીટ એમ કહી ઉતાવળે હોસ્પિટલમાં દાખલ થયાં. કિરીટ તરત ત્યાંથી નીકળી જવા માંગતો હતો પરંતું સામે ગાડી હોવાથી શક્ય નહોતું. એ ઉભો રહ્યો. Now he was under CCTV camera surveillance !
અમિત સિંહ બનતી બધી જ કોશિશ કરી રહ્યાં હતાં તેથી તેમની નજર તે દિવસે દાખલ થયેલ પેશન્ટ દેવહર્ષ ઉપર પણ હતી. સાવધાની રૂપે. પરંતું પેશન્ટની શારીરિક સ્થિતિ જ હલન-ચલન કરી શકે તેમ નહોતી તેથી એનાં ઉપર શંકા કરવી વ્યર્થ લાગતું હતું. બીજું કે કોઈપણ એને મળવા કે ખબર લેવાં આવતું નહોતું એટલે એનાં ઉપર તરસ આવતો હતો...બિચારો....
રોજની માફક અમિત સિંહ શ્રેણીના રૂમમાં દાખલ થયાં. ડોક્ટર હતાં નહિ એટલે નર્સને બોલાવી પેશન્ટના હાલતની પૃછા કરી. એક નજર દેવહર્ષ ઉપર કરી. બહાર આવી શ્રેણીનાં પપ્પાના ખભે હાથ મૂકી મુક આશ્વાશન આપ્યું અને ઝટપટ બહાર આવી ગાડી રીવર્સમાં લઇ જતાં જતાં કિરીટને વેટ કરવું પડ્યું તે માટે સોરી કહેતાં ગયાં. ઇન્સ્પેક્ટર માટે આ કેસ એક ચેલેન્જ હતો કારણ કે કોઈપણ ક્લુ કે સુરાગ હજુ મળ્યા નહોતાં. ફક્ત બહાર નીકળતી વખતે કાળી ગાડીવાળાને જોઈ કંઇક મનમાં વિચાર આવ્યો. હાં...એ શંકા જ હતી !
( ક્રમશઃ )