ચિત્કાર ARUN AMBER GONDHALI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચિત્કાર

ચિત્કાર

( પ્રકરણ – ૧ )

ભારતની ભૂમિ ઋષિઓની અને સાધકોની તપોભુમી છે. કાશ્મીરથી માંડી કન્યાકુમારી અને ગુજરાતથી માંડી આસામ સુધી પથરાયેલ પર્વતો અને ડુંગરોની ગુફાઓમાં તપસ્વીઓ તપ કર્યા છે અને સાધકોએ સાધના કરી અનેક જાતની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આ ડુંગરો અને પર્વત માળાઓએ તીર્થંકરો અને સિદ્ધ મુનિઓને એકાંત પ્રદાન કર્યું છે, સાધના માટે. ઝારખંડની ગિરિમાળા, ગીરનાર પર્વત, અરવલ્લીના પહાડોથી લઇ ભારતનાં સરતાજ હિમાલય અને કૈલાશ પર્વતોની ગાથાઓમાં ઉલ્લેખ છે. પૌરાણિક કાળમાં ઘણાં મુનિઓ તથા તપસ્વીઓ હિમાલય કે કૈલાસ પર્વત ઉપર જઈ સાધના કરતાં, વર્ષો સુધી. એમની પ્રાપ્તિઓ પણ અજબ ગજબની રહેતી. વિવિધ પ્રકારના તપ કરી અનેક પ્રકારનાં વરદાન અને આશીર્વાદ મેળવતાં. અનેક મુનિઓ અને યોગીઓ સિદ્ધિઓ મેળવતાં અને એનો ઉપયોગ લોક કલ્યાણ માટે કરતાં. જડીબુટ્ટીથી માંડી મૃત સંજીવની વિદ્યા અને પરકાયા પ્રવેશ જેવી ઘણી સિદ્ધિઓ છે.

દેવ બંગાળનો એક સિદ્ધ તાંત્રિક હતો. કેટલીક ઘટનાઓ દૈવી સંકેતોથી આકાર લેતી હોય છે અને એ ખાસ કરીને કોઈ તીર્થસ્થાનની મુલાકાત કે યાત્રા. દેવની બાબતમાં પણ આમજ બન્યું હતું. એક રાત્રે એને સપનું આવ્યું. વિશાળ બરફ આચ્છાદિત પહાડો અને ડુંગરો એને કંઇક સંકેત આપી બોલાવી રહ્યાં હોય. દુર દુર દુર્ગમ બરફ આચ્છાદિત પહાડો. પહાડોની વચ્ચેની કેડીઓ ક્યાંક સ્પષ્ટ દેખાય તો ક્યાંક ગાયબ થઇ જાય. કોઈ અવરજવર નહિ. ચારેકોર બરફ અને બરફ અને બરફ આચ્છાદિત ગુફાઓ. કોઈક એને બોલાવી રહ્યું હતું. છેલ્લા ઘણાં દિવસોથી આ સપનું એને વારંવાર આવતું હતું પરંતુ એની ગેડ એને બેસતી નહોતી. આખરે એક દિવસ એ છાપું વાંચી રહ્યો હતો ત્યારે એણે એક સરકારી જાહેરાત જોઈ. એ જાહેરાત અમરનાથ યાત્રાની હતી. યાત્રામાં છપાયેલ ચિત્ર એને સપનામાં દેખાતાં બરફ આચ્છાદિત પહાડનું હતું તેવું જ આબેહુબ હતું. બસ દિમાગની ઘંટી વાગી અને માં-બાપની રજા લઇ પ્રવાસની કાર્યવાહી પૂરી કરી એક દિવસે નીકળી પડ્યો.

પશ્ચિમ બંગાળથી નીકળી જમ્મુ કાશ્મીરનો એકધારો પ્રવાસ કરી તે શ્રીનગર પહોંચ્યો. અમરનાથ શ્રીનગરથી ૩૮૮૮ મીટરની ઊંચાઈ પર છે. યાત્રિકો મુખ્યત્વે પહેલગાવથી યાત્રાની શુભ શરૂઆત કરે. ૩૨ કિલોમીટરની યાત્રામાં ઉંચા નીચાં કપરા ચઢાણ આવે. ક્યારેક ખીણમાં ઉતારવાનું થાય તો ક્યારે ક્યારેક ખીણમાંથી બહાર નીકળવાનું થાય. તદ્દન પાતળી હવામાં કપરાં ચઢાણ. કયારેક નાની નાની પગદંડીઓ તો ક્યારેક નદી ઉપર બનેલા કાચા-પાકા પુલ ઉપરથી પસાર થવું પડે. ક્યારેક બરફ બની ગયેલ નદી ઉપરથી ચાલવાનું થાય તો ક્યારેક વરસાદથી ભેખડ ધસી પડે તેવો માર્ગ પણ કાપવાનો થાય. એક તરફ પહાડ અને બીજી તરફ ઊંડી ખીણનું વિરલ દ્રશ્ય. ઠંડા પાણીનાં ખળખળ વહેતાં ઝરણાં અને ઝરણાંનો કર્ણપ્રિય અવાજ. ઠંડા પાણીનાં નયન રમ્ય સરોવર. શેષનાગથી દુર નજર કરીએ તો સાત પહાડોની ટોચો દેખાય જાણે શેષનાગ વિરાજમાન હોય સાત ફેણ પસારીને. કથા અનુસાર શેષનાગ સરોવરનાં કિનારે શિવજીએ પોતાનાં આભુષણ શેષનાગને છોડ્યા હતાં. ઉંચા નીચા ચઢાણ વાળા માર્ગ ઉપર યાત્રીઓ ઓમ નમઃ શિવાય કે બમ બમ ભોલેનો જયઘોષ કરતાં હોય અને યાત્રીઓના થાકને દુર કરતાં હોય. ચારેકોર પર્વતોની શૃંખલા અને એ પર્વતોની શૃંખલાઓ માંથી પસાર થતી કેડીઓ, પગદંડીઓ સર્પાકારે આગળ વધતી હોય તો એમ લાગે કે ભગવાન શિવના ગળાનું આભુષણ નાગદેવતા જાણે શિવ સુધી પહોંચાડવા આતુર હોય એમ ભાસે.. ક્યારેક ચઢાણ તો ક્યારેક ઉતરતા હોય એમ લાગે. યાત્રીઓની સુવિધા માટે વચ્ચે વચ્ચે લંગર હોય, ભંડાર ચાલતા હોય. સાધુઓની ટુકડીઓ કે એકલ દોકલ સાધુ એની ધૂનમાં મસ્ત બની નાચતો હોય બમ બમ ભોલે ગાતો હોય. દરેક દૃશ્ય દરેક જગ્યાએથી અલૌકિક લાગે. બરફની ચાદરથી ઢંકાયેલા પર્વોતોની તળેટીમાં શાંત સરોવર. વાહ! એમજ લાગે કે આ સ્વર્ગ છે ! કથાઓ, પુરાણોમાં આપણે જે ઋષિઓ, મુનિઓની વાતો વાંચી છે કે સાંભળી છે અને તેમની સિદ્ધિઓ અને તપશ્ચર્યા માટે માન થાય છે તે અલૌકિક ખજાનાનું મૂળ અહીં છે. કદાચ ઘણુંબધું એવું હશે જે આપણને જડ્યું ના હોય !

અમરનાથની યાત્રાના રૂટ ઉપર બરારીથી એક કિલોમીટરના અંતરે બે રૂટ પડે, બાબાના ગુફા પાસે પહોંચવાના. એક જુનો રસ્તો જે યાત્રીઓ અને ખચ્ચર માટે હતો. એ પહોળો અને સલામત હતો પરંતુ અંતરની દૃષ્ટિએ ચાલવા માટે દૂર પડે એવો હતો, જયારે બીજો રસ્તો નવો અને અંતરની દૃષ્ટિએ ટૂંકો હતો પરંતુ એ સાંકડો, ઉતાર-ચઢાવવાળો એટલે કે બેહદ આકરા ઢાળવાળો હતો. ખચ્ચર માટે નકામો હતો. બહુ જૂજ યાત્રીઓ એનો ઉપયોગ કરતા. સંગમ વેલીને બાયપાસ કરી દેવ કેમ્પ પહોંચી ગયો. મુખ્ય ગુફા અહીંથી એક કિલોમીટરના અંતરે હતી. લગભગ સાંજના સાત વાગ્યા હતા. દેવ થાક્યો હતો તેથી એક ટેન્ટ ભાડે લઇ અંદર સુઈ ગયો.

રાત્રીના ત્રણ વાગે કોઈએ એને બુમ મારી – “ઉઠો બેટા... ઉઠો... મૈ કઈ દિનોસે તુમારી રાહ દેખ રહા થા. ચલો...મેરે સાથ ચલો...” દેવે આંખ ખોલીને જોયું તો એક સાધુ કે યોગી જેવો વ્યક્તિ તેના ટેન્ટમાં ઉભો હતો. ભયંકર ઠંડી છતાં એનાં અંગ ઉપર એક લંગોટ શિવાય કોઈ વસ્ત્ર નહોતું. આખા શરીરે ભભૂત લગાવેલી હતી. માથા ઉપર જટાઓને અસ્તવ્યસ્ત બાંધેલી હતી. કપાળમાં એક લાલ તિલક. લાલ આંખોમાં ફરતી કાળી કીકીઓ. સુકલકડી શરીર. લગભગ સાત ફૂટની ઊંચાઈ, જાણે કોઈ સિદ્ધ યોગી. પ્રથમ તો દેવને ખ્યાલજ ના આવ્યો કે એ સપનામાં છે કે જાગે છે. એ એકદમ ઊઠીને બેસી ગયો. પેલો યોગી હજુ ત્યાંજ હતો. ચલો બેટા જલ્દી કરો. બ્રહ્મ મુહૂર્ત શુરુ હોગા, હમ બાબા કે દર્શન કરેંગે. દેવે આજ્ઞાંકિત હોય તેમ પોતાની થેલી ઉપાડી અને બહાર નીકળ્યો. યોગીએ એનો હાથ પોતાનાં હાથમાં લીધો અને અચરજ, બંને હવામાં તરંગતા હતાં અને જોત જોતામાં બંને અમરનાથની ગુફામાં અંદર પહોંચી ગયાં. બમ બમ બોલેનો જયકારો થયો અને યોગીએ મંત્રોચાર કર્યા અને આપોઆપ પૂજાની સામગ્રી હવામાં તરતી તરતી આવી ગઈ. યોગીએ પૂજાની શરૂઆત કરી અને દેવ ફક્ત હાથ જોડી શિવબાબાની મુરત જોઈ રહ્યો. આછા અજવાળામાં બર્ફીલા બાબાની શિવલિંગ બહુજ અનેરી લાગતી હતી. સંપૂર્ણ શાંતિ. બાબા જાણે બંનેને આશીર્વાદ દેતા હોય એવું અલૌકિક વાતાવરણની પવિત્રતા હતી. બાબા અમરનાથના દર્શનથી દેવ ધન્ય થઇ ગયો. પરંતુ શું બની રહ્યું હતું તે સમજવું એનાં માટે કપરું હતું. પૂજા સમાપ્ત કરી યોગીએ દેવને કહ્યું,

“બેટા...શિવબાબાસે આશીર્વાદ માંગ. યહાં સે તુઝે બહુત કુછ પાના હૈ, બહોત સારી સિદ્ધિયા પ્રાપ્ત કરની હૈ. યહ ઐસે સિદ્ધિયા હૈ જો આપકી સંસારી દુનિયાસે યા સંસાર મેં કહી નહિ મિલ સકતી. તુ બાલ બ્રહ્મચારી હૈ, ઇસલિયે તેરે લીયે યહ આસન હોગા. બરસોસે હમે તેરે જૈસે સાધક કી તલાશ થી. હમારી તેજ શક્તિયા યોગ્ય સાધક કો તલાશ લેતી હૈ. બહોત સારા રહસ્ય ઇન પર્વતોમે આજ ભી હૈ. હમ ચાહતે હૈ કોઈ ભાગ્યશાલી યહ પાયે ઔર ઉસકા ઊચિત સમય પર યોગ્ય તરહસે ઇસ્તેમાલ ભી કરે. સદીઓકી યહ ધરોહર હૈ. કલિયુગ કે ઇસ કાલ મેં યહ કહી સમાપ્ત ના હો જાયે. હમે આપકી દુનિયાસે કોઈ લેના-દેના નહિ હૈ. હમ ચાહતે હૈ તુ ઇન સિદ્ધિઓકો પ્રાપ્ત કરે સિર્ફ જગ કલ્યાણ કે લીયે. યાદ રહે ઇનકા ઇસ્તમાલ સિર્ફ અચ્છાઈ કે લીયે હી હો”. આને વાલે દિનોમે લોગોકે મનસે કાનુન કા ડર નિકાલ જાયેગા. કાનુન કો તોડ મરોડ કે પેશ કિયા જાયેગા.. ન્યાયાધીશ ખરીદ લીયે જાયેંગે. ગુનેહગાર આઝાદ ઘુમેગા. મનમાની સીમાએ તોડ ચુકી હોંગી. આમ લોગ બહોત પરેશાન હોંગે.

“બેટા... અગર તુ સહી દિશામે કુછ કરના ચાહતા હૈ તો અનુમતિ દે વરના હમ તુઝે રોકેંગે નહિ”. દેવ અવાચક બની બધુ સંભાળી રહ્યો હતો. કંઇક આકાશવાણી થઇ હોય એવું !

યોગ્ય પાત્રતા અને ઉમર થતા એનાં પિતા સોમદાએ એને અમુક સિધ્ધિઓ પ્રાપ્ત કરાવી આપેલ હતી યોગ્ય ગુરુઓ અને યોગીઓ દ્વારા. દેવ માટે નિર્ણય લેવો આકરો નહોતો, પરતું સમયસર ઘરે ના પહોંચે તો મા સુમીયા ને અવશ્ય પ્રોબ્લેમ થાય એ ચોક્કસ હતું. એનાં મનમાં મા નો વિચાર આવતાની સાથેજ યોગીએ કહ્યું, બેટા મા સુમીયા કી ચિન્તા મત કર. તેરી ઇસ દુવીધાકો હમ દુર કર દેંગે. મા નું નામ યોગીને કઈ રીતે ખબર પડી એ જાણી, દેવ આશ્ચર્યચકિત થઇ ગયો.

યોગીએ કહ્યું – “ આશ્ચર્ય હુવા ના ? હમ બહોત કુછ જાણ લેતે હૈ ઔર થોડે દિનોમે તુ ભી સમજને ઔર જાનને લગેગા”.

દેવ યોગીના ચરણોમાં પડ્યો અને અચાનક બંનેના શરીર ઉપર ભભૂત નો વર્ષાવ થયો. યોગીએ કહ્યું – “યહ શિવબાબા કા આશીર્વાદ હૈ, આજસે તુ એક નઈ દુનિયામેં જા રહા હૈ !

યોગીએ એનો હાથ પકડ્યો અને બંને હવામાં અધ્ધર થઈને પવન વેગે ચાલી રહ્યાં હતાં. થોડાંક મિનિટોમાં તેઓ એક પર્વતની બરફ આચ્છાદિત ગુફાના દ્વાર ઉપર ઉભાં હતાં. બહાર હજુ અંધારું હતું પણ ગુફામાં તેજ પ્રકાશ હતો. મંત્રોનો ઉચ્ચાર એનાં કાને પડ્યો.

(ક્રમશ:)