અનુબંધ
રઈશ મનીઆર
ભાગ 7
ટ્યુશનથી હમણાં જ છોડેલાં છોકરાં દોડી આવ્યા, “ટીચર ટીચર! ‘GJ 1’ નંબરવાળી જીપ આવી!”
અમોલાએ અમસ્તા બહાર આવી જોયું, જીપમાંથી બે પોલિસ અને એક વકીલ ઉતર્યા.
“સૌમિન ધનપતરાય જાગીરદાર છે અહીં?” પોલિસે કાગળિયામાં જોઈ સવાલ પૂછ્યો.
એક સેકંડ વિચારી, અમોલાએ “ના” કહી. એને થયું કે પોતે સાચો જ જવાબ આપ્યો છે. એ અત્યારે તો ઘરમાં એકલી જ હતી.
“જૂઠું બોલે છે આ બાઈ!” પોલિસ અને વકીલની પાછળથી એક ગોગલ્સવાળો ભાઈ ધસી આવ્યો, “સૌમિન અહીં જ રહે છે, અમે બધી તપાસ કરાવી લીધી છે! આ રહ્યા ફોટા, જુઓ, આ ઘરના આંગણામાં જ કોઈ નાની છોકરી એની સાથે રમે છે, ઈંસપેક્ટરસાહેબ જુઓ, આ જ ઘર છે ને? આપણે સૌમિનનો કબજો લેવા આવવાના હતા એની ખબર પડી એટલે આ લબાડ બાઈએ ગુમ કરી દીધો એને! ”
એની સાથે બીજા એક સામાજિક કાર્યકર જેવા દેખાતા ભાઈ હતા, એણે કહ્યું, “ઉત્પલ! શાંતિ રાખ!”
અમોલાને થયું, એક તો સૌમિનના સગા આટલા વખતે આવ્યા, એ તો કદાચ સારું જ છે, પણ ‘કબજો લેવા’ આવ્યા? મિલકતનો કબજો લેવાય, પણ વ્યક્તિનો કબજો લેવાય? અને વ્યક્તિને આટલો સમય રાખનાર સ્ત્રી જૂઠી અને લબાડ? કોણ હતો આ પંચાવનેક વરસનો આધેડ? શું સગો થતો હતો સૌમિનનો? બાપ હોય એટલો મોટો નહોતો લાગતો અને ભાઈ હોય એટલો નાનો નહોતો લાગતો
રડી પડવું કે જરા આક્રમક થવું, બે જ વિકલ્પ હતા. અજાણ્યા આગળ રડવાનો, નાહક મોતી વેરવાનો અર્થ નહીં, એટલે અમોલાના અવાજમાંથી તણખા ઝર્યા, “સૌમિનને અમે ગોંધીને નથી રાખ્યો, એ એની મરજીથી અહીં રહે છે, એને પૂછી શકો છો તમે. અત્યારે અહીં નથી. બે દિવસ માટે મારી દીકરી સાથે પ્રવાસે ગયો છે.”
ઈંસપેક્ટર બોલ્યા, “ભલે બે દિવસ પછી સૌમિનને લઈને અમદાવાદ નવરંગપુરા પોલિસ સ્ટેશનમાં હાજર થઈ જજો.”
“શું કામ આવું? હું ય નહીં આવું અને સૌમિન પણ નહીં આવે, સૌમિન આવે ત્યારે તમે પાછા આવજો. મુલાકાત કરાવીશ. એ તૈયાર હોય તો લઈ જજો.”
ઉત્પલ અકળાયો, “પાગલ છે મારો ભાઈ, આ બાઈએ એને ભરમાવીને અમારી મિલકત..!” વકીલે ઉત્પલને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. સમાજસેવક જેવા દેખાતા ભાઈએ વાત હાથમાં લીધી.
“જુઓ, બેન આ ઉત્પલભાઈ સૌમિનના ભાઈ છે, સગા ભાઈ!”
“આટલો વખત ક્યાં હતા.. એ.. સગા ભાઈ.. ?”
“તમને જેવી ખબર પડી કે તમારા હાથમાં આવી ચડેલો પાગલ ઊંચા ઘરાનાનો નબીરો છે એટલે તમે તરત એને લઈ ભાગી નીકળ્યા, એને પટાવી..”
વકીલે ફરી ઉત્પલને રોક્યો અને શાંતિથી કહ્યું, “ઈંસપેક્ટર સાહેબ, સૌમિન તો સાવ પાગલ છે. સાવ બાળક જેવો, કોઈ ચોકલેટ બતાવે તો એની પાછળ દોડી જાય!”
ત્યાં જ બૂમાબૂમ સાંભળી છોકરાઓએ ભોળાભાઈને ત્યાં જઈ સમાચાર આપ્યા. બપોરની ઊંઘમાંથી સફાળા જાગેલા ભોળાભાઈ પહેરણના બટન ભીડતાં ઉતાવળે આવ્યા. અને આદત વિરુદ્ધ કંઈ બોલવાને બદલે વાત સાંભળવા લાગ્યા.
વકીલે અમોલાને કહ્યું, “બેન, તમે કયા અધિકારથી સૌમિનને રાખો છો અને રાખવા માંગો છો, એ તમારે પુરવાર કરવું પડશે. નહીં તો તમારી સામે અપહરણનો કેસ દાખલ થઈ શકે.”
સમાજસેવક જેવા ભાઈ બોલ્યા, “અરે વકીલ સાહેબ, આવી કડક ભાષા કેમ બોલો છો? આ બેને જાતે રાજપુર પોલિસસ્ટેશનમાં અંડરટેકિંગ આપેલું છે કે સૌમિનનાં સગાં ન મળે ત્યાં સુધી હું મારી જવાબદારી પર સૌમિનને રાખીશ. હવે સૌમિનના સગા મળી ગયા એટલે બેન કબજો આપી દેશે. તમે પણ શું યાર ખોટી ધમકી આપો છો!” બધા વારાફરતી ઉશ્કેરાટથી અને શાંતિથી વાત કરવાનો પ્લાન કરીને આવ્યા હોય એમ બોલી રહ્યા હતા.
વકીલ બોલ્યો, “આ બાઈ પોલિસને જાણ કર્યા વગર આટલે દૂર આવી વસી ગઈ, એની પાછળ એનો બદઈરાદો છે, એ પુરવાર થઈ શકે એવી બાબત છે! કોઈ વગર પૈસે, વગર ખરચીએ કોઈને શું કામ ઘરમાં રાખે? આ બહેન એવા માલેતુજાર છે? કે પછી એવી કોઈ સંસ્થા ચલાવે છે?”
“વકીલસાહેબ કાયદાની નહીં, પ્રેમની ભાષા બોલો, ઉત્પલ જોયા શું કરે છે? આ અજાણ્યા બહેને સવા વરસ સુધી તારા ભાઈને રાખ્યો છે, એમને ખર્ચના પૈસા આપવાની વાત કર, આભારના બે શબ્દો બોલ, અને પછી ભાઈને લઈ જવાની વાત કર!”
ઉત્પલે ગુલાબી નોટનું બંડલ કાઢ્યું. વકીલ તરફ જોઈને પૂછ્યું, “પૈસા અત્યારે આપી દઉં કે કબજો સોંપે પછી?”
અમોલાની સવા વરસની સુખભરેલી જિંદગીની યાદો, એનું ધીમે વહેતી નદી જેવું વર્તમાન, એનું નાનકડા બગીચા જેવું ભવિષ્ય, આ બધાનો તોલ આ ગુલાબી બંડલથી થવાનો હતો. કબજો અને અપહરણની વાતોનો જવાબ અમોલા પાસે હતો, પણ આ બંડલ જોઈને એ હતપ્રભ થઈ ગઈ. જેમણે કદી ફૂલછોડને પાણી ન સીંચ્યું હોય, જેમણે કદી બિલાડીને દૂધ ન પાયું હોય, એવા લોકો જ આવી ચેષ્ટા કરી શકે.
ભોળાભાઈ હવે પહેલીવાર બોલ્યા, “અલા ભાઈ! અમદાવાદથી આયવા કે? કિયારના નીકળેલા ઓહે! ચાય- નાસ્ટો કયરો કે એમ જ! એલા એય જા તો કાકીને કે ચાય મૂકે! ભાઈ ઊંબાડિયુ ભાવે કે, હજુ હમણાં જ માટલું ઉતારલું છે!”
વાતાવરણ એકદમ બદલાયું. અમોલાએ જરા છોભીલાપણાંના ભાવ સાથે કહ્યું, “ભોળાભાઈ હું તમને આખી વાત કરવાની જ હતી..”
ભોળાભાઈએ ફરી એમની નિર્દોષ બડાશ મારી, “પોરી, હાચ્ચું કેઉં? મને તો અંદેહો ઉતો જ. પણ મેલ ની પૂળો, તુ હો ચા પીવા આવ!”
સહુ ચા-નાસ્તા માટે બેઠાં. અમોલાએ કયા સંજોગોમાં પોતે સૌમિનને રાખ્યો એની ટૂંકમાં વાત કરી. ભોળાભાઈની આંખમાંથી તો આંસુની ધારા વહી, પણ પેલાઓને બહુ અસર ન થઈ, વાતને અંતે સમાજસેવક જેવા દેખાતાં ભાઈએ અમોલાનો સહુ વતી ‘હૃદયપૂર્વક’ આભાર માની ઉચિત ‘બદલો’ વળતરરૂપે અપાવવાની બાંહેધરી આપી. ભોળાભાઈને શું સૂઝ્યું તે પેલા સમાજસેવક જેવા દેખાતા ભાઈને પોતાની વાડી બતાવવા લઈ ગયા.
ભોળાભાઈ પરત આવ્યા ત્યારે વકીલ હજુ અમોલા સાથે ધમકી અને સમજાવટની ભાષા વારાફરતી વાપરતા હતા, એ જોઈ ભોળાભાઈએ કહ્યું, “આ બેનને હું હમજાયવા કરટા છો, અમારે સૌમિનભાઈને બી હમજાવવા પડહે, ત્રણ દા’ડા પછી આવો!”
શહેરીજનોએ વિદાય લીધી. પણ ગામ પહેલા જેવું ન રહ્યું.
ખબર પહોંચી એટલે પ્રવાસે નીકળેલા સહુ પ્રવાસ ટૂંકાવી આવી ગયા. અમોલાએ રાતભર વિચારી મન મક્કમ કર્યું.
સવારે ઊઠી અનુને સમજાવવાની શરૂઆત કરી, “જો બેટા, સૌમિન તારા પપ્પા નથી.”
અનુ બોલી, “છે! આપણી સાથે જ રહે છે. એટલે મારા પપ્પા જ છે.”
અમોલા બોલી, “એ સવા વરસથી આપણી સાથે છે. એટલામાં કંઈ સાચા પપ્પા થઈ જાય?”
અનુ આંગળી પર ગણતરી કરી બોલી, “તું આઠ વરસથી જ મારી સાથે છે, એટલામાં સાચી મમ્મી કઈ રીતે થઈ ગઈ?”
અમોલા શું બોલે?
અનુએ પૂછ્યું “આઠ વરસ પછી તો એ સાચા પપ્પા થશે ને?”
ચૂપકીદી વ્યાપી ગઈ. સમજાવવાનું છોડી અમોલાએ ફેંસલો જાહેર કર્યો. “સૌમિને બે દિવસ પછી અમદાવાદ જવાનું છે.”
અનુ બોલી, “પપ્પાને આપણા વગર નહીં ગમે! અને ત્યાં એમને દવા કોણ પીવડાવશે?”
“જો અનુ, આપણે રાજપુરમાં બિલાડીને છોડીને આવ્યા ને! એને અત્યારે ત્યાં તારા ટ્યુશન ટીચર કે બીજું કોઈ દૂધ પાતું જ હશે ને? એમ સૌમિનને પણ આ લોકો સારી રીતે રાખશે!” અમોલાને અચાનક વિચાર આવ્યો, એ રાજપુરવાળી બિલાડીને કોઈ કૂતરાએ ફાડી તો નહીં ખાધી હોય ને!
અનુ બોલી, “અહીં આપણને બીજી બિલાડી મળી ગઈ, એમ બીજા પપ્પા થોડા મળે? અને મને તો આ જ પપ્પા જોઈએ!”
અમોલા પાસે સમજાવટ માટેની કોઈ દલીલ ન રહી, “બેટા, પોલિસ અને વકીલ આગળ આપણું કંઈ ન ચાલે. એ લોકો પરમ દિવસે સૌમિનને લઈ જશે.”
“આપણે ન આપીએ તો!” અનુ રડમસ થઈ ગઈ.
“એ લોકો આપણને જેલમાં પૂરી દે!”
“ત્રણેને? જેલમાં ત્રણે જણાથી સાથે રહેવાય?” અનુએ આશાનું છેલ્લું કિરણ તાગી જોયું.
અમોલા રડી પડી.
ત્યાં જ સૌમિનને લઈને ભોળાભાઈ આવ્યા. અહીં જોયું તો મા દીકરી રડી રહ્યા હતા. બચ્ચા પાર્ટીને આઈસક્રીમના પૈસા આપી અનુ સાથે રવાના કરી.
દીકરીને સમજાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી ચૂકેલી અમોલાએ વિચાર્યું, હવે સૌમિનને સમજાવવાને બદલે સીધી મુદ્દાની વાત જ કરું, “હવે તમારે અમદાવાદ રહેવા જવાનું છે.”
ભોળાભાઈ ભાવવશ થઈ બોલ્યા, “અમને બધ્ધાને છોડીને જવાનું છે.”
“દુકાન પર કોણ?” સૌમિનને પહેલી ચિંતા ઝેરોક્સની દુકાનની થઈ. માણસોને છોડવા પડશે એ ખ્યાલ એને હજુ નહોતો આવ્યો.
***