અનુબંધ 8 Raeesh Maniar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનુબંધ 8

અનુબંધ

રઈશ મનીઆર

ભાગ 8

અમોલાએ વાક્યો ઘૂંટીઘૂંટીને સૌમિનને સ્પષ્ટ ખ્યાલ આપ્યો કે એમની સૌમિનને રાખવાની જવાબદારી પૂરી થઈ. સૌમિનનો સાચો પરિવાર હવે એને રાખવા તૈયાર છે એ સંજોગોમાં સૌમિન અમોલા અને અનુ સાથે રહી શકે નહીં. સહુને દુખ થશે, પરંતુ એ ભોગવ્યે જ છૂટકો.

બાળકોને આઈસક્રીમ ખાતાં મૂકીને અનુએ આવીને સૌમિનની બાંય પકડી લીધી.

ભોળાભાઈ બોલ્યા, “જાઓ બન્ને જણા રમો!” પછી ઉમેર્યું, “બે દિવસ તો રમી લો!”

અનુ સૌમિન સાથે રમવા તો લાગી પણ ઘર છોડી એણે બહાર નહોતું જવું. એટલે અનુએ કમને ઢીંગલા અને ઢીંગલીને પરણાવવાની રમત શરૂ કરી. જેની બે દિવસ પછી વિદાય થવાની હતી એવા સૌમિનના હાથમાં જ પ્લાસ્ટિકની શરણાઈ આપી.

ભોળાભાઈ અને અમોલાએ ધીમે અવાજે વાત શરૂ કરી.

ભોળાભાઈ બોલ્યા, “આપણે વકીલ કરીએ?”

અમોલા બોલી, “કોઈ અર્થ નથી! કાયદો એ લોકોના પક્ષે છે. અને..”

“અને શું?”

“આપણી પણ લાગણી જ છે ને..બાકી સમજદારીની વાત તો એ જ છે કે એ લોકો જ..”

“એ લોકોમાં લાગણી બી ની મલે ને સમજદારી બી ની મલે! એ લોકોને કેમ કરી આ માણહ હોંપી દેવાય?” ભોળાભાઈ જરા ઉશ્કેરાઈ ગયા.

“એવું ન હોય, લાગણી નથી તો આવ્યા શું કામ?” અમોલા એ સવાલ કર્યો.

“લાગણી ઉતી તો આટલો વખત કેમ ની આયવા?”

“કદાચ આપણને શોધતા હોય અને આપણો પત્તો નહીં મળ્યો હોય!”

“પેલા ઠોલાને મેં પૂયછું કે તપાસ કેવી રીતે કરી? તો કેય કે અઠવાડિયા પહેલા પરીખના દવાખાને ગિયા, તાંથી તારો ફોનનંબર મયલો. તને ફોન કરે તો, રખે ને તું ભાગી જાય એટલે પરમ દાડે કોઈને મોકલી ફોટા પડાયવા, ને કાલે આવી પૂયગા!”

“હં..” અમોલાને ખ્યાલ આવ્યો.

“જે તપાસ અઠવાડિયા પહેલા કરી એ વરસ પહેલા કેમ ની કરી? સાત દિવસ પેલ્લા જ વહાલ ઉભરાયું એનું કોઈ કારણ?”

“શું હોઈ શકે કારણ?”

“પેલા સોશિયલ વર્કર જેવા ભાઈ ઉતા ને, હરિભાઈ! એ હરિભાઈને મેં પૂયછું. હવે વાત હાંભળ!”

ભોળાભાઈએ વાત માંડી.

“સૌમિનના પપ્પાનું નામ ધનપતરાય. પણ સાવ ગરીબ ઉતા. લગન પછી બે દીકરા થિયા. ઉત્પલ અને ઉજ્જવલ. લગનના પાંચ વરસ પછી વાઈફ છૂટાછેડા લઈ ચાલી ગઈ. ધનપતરાયે બીજા લગન કર્યા, અને નસીબનું પાનું પલટાયું. સૌમિનનો જનમ થિયો. પહેલી છૂટાછેડા લઈ પિયર ગયેલી તે વાઈફ મરી ગઈ. એ પેલ્લી વાઈફના ભાઈ એના બેઉ અનાથ છોકરા ઉત્પલ અને ઉજ્જવલને અહીં મૂકી ગયા.”

“ઓહ..” અમોલા માટે આ સાવ નવી વાત હતી.

“ને ઉત્પલ 38 વરહનો ઉતો, ઉજ્જવલ 35 વરહનો ઉતો ત્યારે, 18 વરહના સૌમિનની મા ગુજરી ગેઈ. તાં હુધી એ હાજો હમો ઉતો ને તે પછીથી આનું મગજ ચસકી ગેયલું છે! એ કેય કે આ સાવકા ભાઈઓએ મારી માને મારી નાખી, એટલે આ લોકોએ એને પાગલ ઠેરવી દવા કરાવી. એ વાતને બી હત્તર વરહ થિયા.”

“અચ્છા.. સાવકા ભાઈઓ છે એટલે રાખવા માંગતા નો’તા!”

“અત્યારે તો ધનપતરાયની પેઢીનો કારોબાર બહુ મોટો છે, પણ ધનપતરાયને પાંચ વરસથી લકવો ઉતો. અને દસ દિવસ પહેલા એંસી વરહની ઉંમરે ધનપતરાયે ‘સૌમિન સૌમિન’ કરતાં દેહ છોયડો!”

“તો તો એમના પિતાજીની બારમા તેરમાની વિધિ માટે એમણે જવું જ જોઈએ. આપણે એમને મૂકી આવીએ.”

“પોરી! નામ મારું ભોળાભાઈ છે, પણ ભોળી તું છે! આ લોકો વિધિ કરાવવા હારુ આને બોલાવે કે?”

“તો?”

“પેલા હરિભાઈને વાડીમાં તાડી પિવડાવી તિયારે એ બોયલો કે આ આખો ખેલ ગોઠવવા ઉત્પલે પોલિસને ત્રણ લાખ અને હરિભાઈને ત્રણ લાખ આયપા છે!”

“કેવો ખેલ?”

“આ લોકોને એમ કે ત્રણ દીકરા છે મિલકતના ત્રણ ભાગ થાય. જો કે ત્રીજો ભાગ બી આપવાની દાનત તો ની જ ઓહે! પણ ધનપતરાય વીલમાં એમ લખી ગિયા કે એમની મિલકત જાતે કમાયેલી, પેલુ હું કેય, હં, સ્વઉપાર્જિત છે, એટલે એ પોતાની મુનસફી પ્રમાણે એના ભાગ પાડી શકે. એ વીલમાં બન્ને મોટા દીકરાને વીસ વીસ લાખ આપી, વીસ કરોડ સૌમિનના નામે કરી ગિયા! અને સૌમિનનો પત્તો ન લાગે તો એનું ટ્રસ્ટ બને એવું લખી ગિયા, ડોહાએ વીલ પાછું રજિસ્ટર્ડ કરાવલું છે, એટલે આ લોકો દોડતા થેઈ ગિયા.”

“ઓહ, તો એમને સૌમિનનો કબજો નથી જોઈતો, વીસ કરોડનો કબજો જોઈએ છે!” અમોલાને હવે પૂરી સમજ પડી.

સૌમિનના કબજાની વાત આવી એટલે અનુ અને સૌમિનનું ધ્યાન ખેંચાયું.

ભોળાભાઈ બોલ્યા, “લે ભાઈ, તું તો વીસ કરોડનો આસામી નીકયળો! બગડાને કેટલા મીંડા ખબર છે?”

અનુ ગણે એ પહેલા સૌમિન બોલ્યો, “સાત મીંડા!”

“બોલ પયહા લેવા જવું છે અમદાવાદ?”

“મારો પગાર પચીસ સો..” સૌમિન બોલ્યો.

“અરે આ વીસ કરોડ!”

“મારો પગાર પચીસ સો..” સૌમિને રટણ ચાલુ રાખ્યું.

આવી હાલતમાં પણ અમોલાને હસવું આવી ગયું, “આને પણ સ્વઉપાર્જિત મિલકતમાં જ રસ છે! પણ.. ધારો કે, એ લોકો સૌમિનના ભાગના વીસ કરોડનો વહીવટ કરી સૌમિનને સારી રીતે રાખે તો વાંધો શું છે?”

“તાડીનો ચોથો ગ્લાસ પીધા પછી હરિભાઈ બોયલા, અમારો વકીલ કેય, ગમે તાંથી સૌમિનને હોધી ની લાવો તો વીસ કરોડનું ટ્રસ્ટ બની જહે. આનો એક જ રસ્તો છે, સૌમિનને બોલાવો, સમજાવી પટાવી એની પાહે મિલકતનું બન્ને ભાઈઓને રાજીખુશીથી દાન આયપાનો ડોક્યુમેંટ કરાવી લો.. અને પછી..”

“પછી શું?”

“પછી એ કંઈ બોલે? પણ આપણે હમજવાનું શેરડીના હાંઠામાંથી રસ ચૂસીને છોતરાનું હું કરાય?”

“પણ.. ધારો કે સૌમિન એમને મિલકત લખી આપે પછી કોઈ જોખમ ખરું?”

“માણહ હારા હોય તો કોઈ જોખમ ની, પણ આ લુખ્ખાઓ પછી એને હું કામ જીવવા દેય? અને એમણે કાં સૌમિનને ચપ્પુ મારવાનું છે? ખાલી દવાનો ડોઝ જ વધારવાનો ને!”

અમોલા થથરી ગઈ.

સૌમિન અને અનુને આમાંનો એકેય શબ્દ સમજાય એવી શક્યતા બહુ ઓછી હતી, પરંતુ એ બન્ને પણ કશુંક અમંગળ બની શકવાની શક્યતા પામી ગયા.

બે ઘડી સોપો પડી ગયો.

“બેહી થોડુ રહેવાય? ચાલો વકીલને મલીએ” વાત એક્શન લેવાની હતી પણ ભોળાભાઈનો સૂર નિરાશાનો હતો.

બન્ને ઊભા થયા. અમોલાએ વિચાર્યું, વાપી કે વલસાડ જવું પડશે, “આ લોકોની વ્યવસ્થા..”

“કાકી છે ને! તમે રમો અમને આવતા મોડું થહે..” ભોળાભાઈએ કહ્યું.

ઢીંગલા ઢીંગલીને ફેંકીને અનુ ઊભી થઈ. “મમ્મી! હું પપ્પાને આ ઘરમાંથી જવા દેવાની નથી.”

અનુ અમોલાને વળગી પડી.

અમોલા બેઠી. એના કપાળે ચૂમી ભરી, “બેટા, કયા હક્કથી રોકીશું સૌમિનને? એ લોકો સૌમિનના ભાઈ છે. સગા કહેવાય. અને આપણી તો.. આપણી તો બસ.. કઈ સગાઈ?”

“અમે ક્યારના આ ઢીંગલા-ઢીંગલીના લગન કરાવીએ છીએ એના કરતાં તારા અને પપ્પાના જ લગન કરાવી દઈએ તો?”

દીકરી અચાનક શું બોલી ગઈ? અમોલા તો સાવ સડક થઈ ગઈ. ભોળાભાઈની હાજરીમાં આવી બેતુકી વાત..!

અનુ ફરી બોલી, “મમ્મી તું પપ્પા સાથે લગન કરી લે તો?”

દરવાજે ઊભેલા ભોળાભાઈ પણ એક પળ જડ થઈ ગયા.

બીજી પળે બોલ્યા, “બેન, એક વાત કેઉં? વકીલને તાં જવાની જરૂર ની મલે. તારી પોરી કેય છે તે બરાબર છે! વકીલ પચાહ હજાર લેઈને બી ની આપે એવો આઈડિયા તારી પોરીએ આપી દીધો!”

અમોલા પલંગ પર બેસી ગઈ. આ લોકો મિલકત લખાવી લઈ ખરેખર સૌમિનનો જીવ..? એવું બને?

“એવું જ બનશે..” એની અંદરથી અવાજ આવ્યો.

વાત માત્ર અનુની લાગણીની કે સૌમિનના કબજાની ન હતી. વાત હવે ખરેખર સૌમિનનો જીવ બચાવવાની હતી, કદાચ. પણ શક્યતા તો હતી જ કે આ લોકો સૌમિનને..

અનુ એની યોજના પર કાયમ હતી, “પપ્પા! તમે મમ્મી સાથે લગન કરશો? ભોળાદાદા, મમ્મી પપ્પા સાથે લગન કરશે ને?”

હકારમાં પહેલું ડોકું ભોળાદાદાએ ધુણાવ્યું.

બીજું અમોલાએ ધુણાવ્યું.

ત્રીજું સૌમિને ધુણાવ્યું.

***

બ્રાહ્મણ આવ્યો, શરણાઈ વાગી, ફૂલહાર થયા, ફોટા પડ્યા, મેરેજ રજિસ્ટ્રારની ઓફિસમાં સહીસિક્કા પણ થયા. અનુને એ રંજ રહ્યો કે કંકોતરી વહેંચવાનો સમય ન મળ્યો. ગામમાં સહુને “મારા મમ્મીપપ્પાના લગનમાં જરૂરથી આવજો” એમ કહેવાની તક ન મળી. તો ય ગામ ભેગું તો થયું જ.

***

બે દિવસ પછી GJ 1 ફરી આવી તો ‘પોયરા’ઓએ પહેલા તો એની હવા કાઢી નાખી. વકીલાતની ડિગ્રી ન હોવા છતાં કાળો કોટ પહેરીને તૈયાર રહેલા ભોળાભાઈએ અમદાવાદના વકીલને કાયદો સમજાવ્યો, માણસની કાયદેસરની પત્ની એની સાથે રહેતી હોય ત્યારે ભાઈને કબજો ન મળે, અંગૂઠો મળે, એમ કહી રવાના થવા કહ્યું. ગામ લોકોનો મિજાજ જોઈ શહેરીજનો પરત થયા.

***

ઉકળેલા ઉત્પલે અમદાવાદ જઈ કોર્ટમાં કેસ કરવાની તૈયારી કરી. એમના કાબેલ વકીલે કહ્યું કે હમણાં કેસ નથી કરવો. એ લોકો સંપત્તિ માંગવા આવે તો કેસ કરીશું. ‘એક માનસિક ક્ષતિગ્રસ્ત અને ઇનવેલિડ વ્યક્તિને ફોસલાવી મિલકતની લાલચમાં લગન કરવા બદલ’ દાવો દાખલ કરી લગ્ન રદ ગણવા અપીલ કરીશું.

પણ ગામડે વસી ગયેલા ત્રણ જણના આ પરિવાર પાસે મોજની એટલી મિલકત હતી કે કદી વધારાની મિલકત માંગવા અમદાવાદ જવાનો એમને વિચાર ન આવ્યો.

***

ભોળાભાઈ ક્યારેક સૌમિનને પૂછતાં “વીસ કરોડની સંપત્તિ જોઈએ છે?”

સૌમિન જવાબ આપતો. “મારો પગાર પચ્ચીસ સો..”

***

મિલકત ગુમાવવાની ફડકમાં જીવી રહેલા ઉત્પલને એક દિવસ કુરિયરમાં ડોક્યુમેંટ મળ્યું. એમાં સૌમિને પિતાની સંપતિમાંથી પોતાનો હક્ક રાજીખુશીથી કમી કર્યાનો લેખ હતો.

***

પછીના રવિવારે પાર નદી અને દરિયાના સંગમસ્થળે ઉમરસાડી ભોળાભાઈની સી.એન.જી. વાનમાં ફરવા ગયા ત્યારે આ પરિવારને તો બહુ જલદી દૂર દૂર દેખાતાં દરિયા તરફ જવું હતું. ભોળાભાઈએ પાળી પર બેસી મકાઈ ખાવાનું નક્કી કર્યું. ભોળાભાઈ કાંઠે બેસીને દરિયા તરફ ચાલી રહેલા આ પરિવારને જોતા રહ્યા. આથમી રહેલા સૂર્યની આગળ ત્રણ રમ્ય આકૃતિઓ હતી. વચ્ચે બાલિકા હતી એની એક આંગળી સ્ત્રીએ પકડી હતી અને એક આંગળી પુરુષે પકડી હતી. પાણી નજીક દેખાતાં જ પુરુષ અને સ્ત્રીના હાથ એકમેકને પકડાવી બાળકી પાણીમાં છબછબ કરવા દોડી ગઈ.

(સમાપ્ત)

રઈશ મનીઆર

amiraeesh@yahoo.co.in