Anubandh - 6 books and stories free download online pdf in Gujarati

અનુબંધ 6

અનુબંધ

રઈશ મનીઆર

ભાગ 6

અમોલાએ અનુની ભૂગોળની ચોપડીમાંથી ગુજરાતનો નકશો કાઢ્યો. નકશામાં એણે અમદાવાદથી દૂર, સગા-સંબંધીઓથી દૂર, ઓછામાં ઓછી 300 કિલોમીટર દૂર હોય એવી કોઈ જગ્યા શોધવાનું નક્કી કર્યું. એટલે દૂર કે જીવતેજીવતાં એને ત્યાં કોઈ સગાં મળવા આવે નહીં અને અહીં કોઈ ગુજરી જાય તો પોતે છ કલાકનું ટ્રાવેલ કરીને આવી શકે. એવી ગણતરી સાથે એણે દક્ષિણ ગુજરાતના વાપી પર પસંદગી ઉતારી.

વાપીમાં એની સાથે નોકરી કરતી હતી એ ફ્રેંડ પરીશાનું પિયર હતું. અમોલાએ વચ્ચે વચ્ચે ખાનગી શાળાઓમાં નોકરી કરી હતી. એટલે એણે કોઈ શાળામાં નોકરી કરવાનું વિચાર્યું. પ્રાઈવેટ શાળામાં ઓછા પગારની નોકરી તો તરત મળી જાય પણ વાપી તો અમદાવાદ જેટલું જ મોંઘું નીકળ્યું. આવક, ઘરભાડું અને ઘરખર્ચનો તાળો બેસે એમ નહોતું. આખરે પરીશાના પપ્પા એને વાપીથી 25 કિલોમીટર દૂર સુખાલા નામના ગામે, ત્યાંની એક ટ્રસ્ટની સ્કૂલમાં નોકરી માટે લઈ ગયા. અમોલાએ પોતાનો રેઝ્યુમે આચાર્યના હાથમાં આપ્યો.

વર્નાક્યુલર પાસ પ્રિંસીપાલ ભોળાભાઈ બોલ્યા, “હારું આ તો ઈંગ્લિશમાં દેખું!” ઉપર ઉપરથી નજર નાખી શુદ્ધ વલસાડી ભાષામાં ઈંટરવ્યૂ લીધો.

“બેન નામ ટો કેવ!

“અમોલા..”

“દીકરીનું નામ!

“અનુજા!” અનુ પોતે બોલી.

“ભાઈનું નામ?”

અમોલા જરા ખોવાયેલી હતી. અનુએ ધ્યાન દોર્યું, “મમ્મી! પપ્પાનું નામ પૂછે છે!”

“સૌમિન”

“અમોલાબેન સૌમિનભાઈ કેવા?”

ગેરસમજ થાય છે એ જોઈ અમોલા સાચું કહેવા ગઈ, “મારા પતિને બાઈક્નો એક્સીડંટ થયેલો..

ભોળાભાઈએ તરત આગળનું ધારી લીધું, “એટલે માથામાં વાયગું ઓહે, એટલે ભાઈ આવા થેઈ ગિયા!”

અમોલા કંઈ સ્પષ્ટતા કરે એ પહેલા સ્મિત ફરકાવી રહેલા ભાઈની સામે નજર નાખી એમણે એક સેકંડમાં એની ન્યૂરોલોજિકલ કંડીશનનો તાગ કાઢી લીધો, “ભાઈ બોલતા ની મલે, પણ હમઝે બધ્ધું!”

અમોલાએ ઈંટરવ્યૂમાં મહદંશે ચૂપ જ રહેવાનું હતું.

પરીશાના પપ્પાને પૂછ્યું, “શંકરભાઈ, પોરી વાપીથી અપડાઉન કરહે કે? બસના તો કોઈ ઠેકાણા ની મલે જો..!”

પરીશાના પપ્પાએ પૂછ્યું, “અહીં ઘર ભાડે મળે?”

અમોલાને નોકરી મળી ગઈ, અને અનુને એડમિશન. જૂના કાગળિયા ધ્યાનથી જોયા વગર જ પ્રિંસીપાલ ભોળાભાઈએ અનુના નામની રજિસ્ટરમાં એંટ્રી કરી દીધી. “અનુજા સૌમિન પટેલ” અને અમોલાનું જૂનું નામ, પિયરનું નામ હશે એમ ધારી, “અમોલા સૌમિન પટેલ”ના નામે અપોઈંટમેંટ લેટર આપી દીધો. અમોલાને ભોળાભાઈની આ સહજ ભૂલ બહુ ગમી. ભોળાભાઈએ શહેરથી “ઈંગ્લિશમાં એપ્લિકેશન લખીને લાવેલા” ટીચર શાળામાં આવ્યાની ખુશી ગામમાં વહેંચી દીધી.

ભોળાભાઈની અડધું સાંભળી ધારણાઓ કરવાની ટેવ પણ અમોલાને બહુ માફક આવી. ભોળાભાઈની સાચીખોટી ચટપટી વાતોથી ગામમાં હકારાત્મક વાતાવરણ સર્જાઈ ગયું. અમોલાને બહુ સસ્તા ભાડે ઘર મળી ગયું. ગામની વસ્તી માંડ પાંચ હજાર. અમોલા અગાઉના અનુભવોના આધારે ફરી એકવાર અનાજ-દૂધ-પાણી કામવાળી વગેરે માટે શું કરવું પડે એ વિચારવા લાગી. બીજા દિવસે મકનજીભાઈના ઘરેથી દૂધ આવી ગયું. પૈસા આપવા કહ્યું તો ‘ના’ પાડીને કહે, “પોયરાને ટ્યુશન મોકલાવા ને!” બશીર પીંજારો બેત્રણ ગાદલા મૂકી ગયો, “રેહાના ત્રણ વરસથી સાતમામાં ફેલ થાતી છે, પાસ કરી દેજો, આવતા વરસે શાદી છે એની!” કોઈ આંગણું લીંપી ગયું. કોઈ કામવાળીની વ્યવસ્થા કરી ગયું.

અનુ અને સૌમિનની જરૂરિયાતો જુદી હતી. એ પણ પૂરી થઈ. ગામમાં એક તળાવ હતું. વડલો હતો. તળાવની પાળી હતી. ઘણી બધી ભેંસો હતી. ભેંસો કરતાં થોડાંક ગોરાં બાળકો હતાં. પણ ગામમાં અનુ કંઈ સૌથી ગોરી ન હતી. અનુ કરતાં ગોરાં બગલાં તળાવની પાળે બેસતાં.

ત્રીજા દિવસે તો વગર સામાને ત્રણે સેટ થઈ ગયા. અમોલા ચોથા દિવસે બન્નેને લઈ અમદાવાદ જવા નીકળી. ડો. ફાલ્ગુની પાસે જઈ એમના પરિચિત વલસાડના કોઈ સાઈકિયાટ્રીસ્ટનું સરનામું લીધું. ફાલ્ગુનીબેને સૌમિનની પ્રગતિ જોઈ બીજી થોડી દવાઓ ઓછી કરી. પછી રાજપુર હાઉસિંગ બોર્ડવાળા ઘરે જઈ નાના ટેમ્પોમાં સામાન ભરાવ્યો. ટેમ્પોવાળાને એડ્રેસ લખાવ્યું, “ગામ સુખાલા તાલુકો કપરાડા.” એને થયું, સુખાલા આવી કપરા દહાડા પૂરા થયા. અહીં તો ગામના નામમાં જ સુખ હતું. “સુખ-આલા!”

***

એક મહિનામાં નવા ઘરની આજુબાજુ ફૂલછોડ ઊગી નીકળ્યાં. એક બિલાડી પણ આવતી થઈ. સવારે ન્યૂઝપેપર આવતું અને સાંજે ભોળાભાઈ આવતા. એટલે અમોલા અને અનુને ટીવી, સિરિયલ, ન્યૂઝ, કાર્ટૂન કશાની ખોટ વર્તાતી નહીં. ભોળાભાઈ ‘ઓલ ઇન વન’ હતા.

અમોલાને ખ્યાલ આવ્યો કે કદાચ સૌમિનની અમુક તકલીફો ડિસએસોસિએટીવ ડિસઓર્ડરના કારણે હશે, પણ અમુક તકલીફો દવાને કારણે હતી. જેમ કે અજંપો, હાથનું ધ્રુજવું, ઊભા થતાં ચક્કર જેવું લાગવું, જડની જેમ ઊભા રહેવું અથવા બેસી રહેવું, ચહેરા પર જર્ક આવવા, વજન વધવું વગેરે. દવા ઓછી થવાને કારણે આ તમામ લક્ષણો ઓછાં થયાં. એની સ્ફૂર્તિ એના કામમાં અને સ્મિતમાં ઝલકાતી.

સૌમિન હજુ એનું નામ સરનામું તો નહોતો જ બોલતો. પણ છેલ્લા ત્રણ મહિનામાં જે કંઈ શીખ્યો કે જોયું એ બધું એને યાદ હતું. સામાન પેક કરવામાં અને ખોલવામાં પણ એણે મદદ કરી. ઘર બદલવાના ટેંશનમાં અમોલા ભૂલી ગઈ હતી કે કઈ વસ્તુ કયા ખોખામાં નાખી હતી, પણ સૌમિનને બરાબર યાદ હતું.

ન્યૂઝપેપરમાં એને બહુ રસ ન પડતો પણ અમોલા પાસે ટ્યુશન આવતાં ‘પોયરાઓ’ની ચોપડીઓ વાંચતો.. અનુના ‘પપ્પા’નું શોર્ટ ફોર્મ કરી સહુ ‘પોયરાઓ’ એને ‘પા’ કહેતા. સૌમિન એ સહુને નામથી ઓળખતો થયો, અને વાત કરવા માટે વાક્યો તો બોલતો નહીં પણ બૂમ પાડવા માટે અનુ, બચુ, ચકુડી, એવા નામે બૂમ પાડતો. એકવાર રમતાં રમતા દડો અમોલાને વાગે એમ હતું ત્યારે જોરથી ‘અમોલા!’ એવી બૂમ પણ પાડી!

અનુ ગર્વથી એના પપ્પાની આંગળી ઝાલી ગામમાં જતી. બન્ને દુકાનેથી ખરીદી કરતાં. તળાવની પાળે જતાં. એ સૌમિનના ખોળામાં પણ બેસતી અને સૌમિન કદી એના ગાલે ચીમટો પણ ભરતો. અનુને તાવ આવ્યો ત્યારે બહુ જરૂર નહોતી તો ય, સૌમિને પોતાં પણ મૂક્યા. અનુને થયું, ફરી ફરી તાવ આવે તો સારું. અનુએ આપસૂઝથી સૌમિનને બોલાવવાની પ્રેક્ટીસ શરૂ કરી. તેઓ બન્ને બિલાડીને ખોળામાં લઈ બેસતાં અને અનુ સૌમિનને કહેતી, “આ બિલાડી માંદી છે અને પપ્પા! તમે ડોક્ટર છો, બરાબર? હવે તમે એને પૂછો કે તને શું થાય છે?” સૌમિને પ્રયાસ કર્યો. મહામહેનતે ગળામાંથી અવાજ નીકળ્યો, “શું થાય?”

હવે અનુ આશાપૂર્વક બિલાડી સામે જોવા લાગી. એ શું જવાબ આપશે? બે મૂંગા સાથે કામ કેમ લેવું? અનુ અકળાઈને બોલી, “આ ડોક્ટર છે, દેખાતું નથી, શું થાય છે તે ભસ ને?” બિલાડી ગભરાઈને ભસી, “મિયાઉં!”

આમ સૌમિન જરાજરા બોલતો થયો. એક દિવસ ભોળાભાઈએ કહ્યું, “બેન, મારી ઝેરોક્સની દુકાનનો કારીગર ભાગી ગેયલો છે, તમે કેવ ટો આ સૌમિનભાઈને લેઈ જાઉં? મફ્ફટમાં ની બેહાડા, મહિનેદાડે પચ્ચીહો રુપિયા આપા!”

અને આમ સૌમિન નોકરીએ લાગ્યો. પહેલા પગારમાંથી અમોલાએ એને માટે પેંટ-શર્ટ સીવડાવ્યા. દર્દી કે કેદી જેવા પાયજામાને તિલાંજલિ મળી.

***

  • અમોલાની નોકરીને વરસ પૂરું થયું. સૌમિનની નોકરીને આઠ મહિના થયા. દુકાને પેપર કાપવાને કારણે બચેલી કતરણમાંથી સૌમિન અજબ ગજબના ઢીંગલા ઢીંગલી બનાવતો. અનુ ચોથા ધોરણમાં આવી. બશીર પીંજારાની દીકરી રેહાના સ્વપ્રયાસે સાતમું પાસ થઈ, એની શાદીમાં સહુ ગયા. અમોલા પાસે ભણ્યા પછી સાતમા ધોરણના વિદ્યાર્થીઓને ખબર પડી કે ભોળાભાઈ ખોટો ઈતિહાસ ભણાવતા હતા. ઝેરોક્સની દુકાનના પટાવાળા મણિયાને ખબર પડી કે ભોળાભાઈ કરતાં હિસાબમાં સૌમિન પાકો હતો. ભોળાભાઈને સરકારી પરિપત્રમાં કંઈ ન સમજાય, ગોથાં ખાય તો એ અમોલાને પૂછતા અને અમોલા સમજાવે પછી કહેતા, “મને ટો ખબર જ ઉતી, પણ તને કેટલું આવડે છે તે ચેક કરટો ઉતો. હું રિટાયર થાઉં પછી પીંસીપાલમાં તને જ ગોઠવી જવા” પચ્ચીસ વરસ પ્રીંસીપાલની નોકરી કર્યા પછી ય ભોળાભાઈ ‘પીંસીપાલ’ જ બોલતા. ગામના લોકો ‘પીંછીપાલ’ બોલે તો સુધરાવતા, “પીંછીપાલ ની..! પીંસીપાલ!” ગામના લોકો આવા જ્ઞાની ભોળાભાઈ સામે અહોભાવથી જોઈ રહેતા.
  • વર્ષ દરમ્યાન અનુની બર્થ ડે તો ઉજવાઈ, પણ બચ્ચા પાર્ટીએ યાદ રાખીને અમોલાની બર્થ ડે પણ ઉજવી. હવે બચ્ચા પાર્ટીની હોંશ ‘પા’ની બર્થ ડે ઉજવવાની હતી. અનુએ બહુ પૂછ્યું પણ સૌમિન કંઈ જવાબ આપે? અમોલાએ રસ્તો કાઢ્યો. જે દિવસે સૌમિન પહેલી વાર હાઉસિંગ બોર્ડમાં ભૂલથી આવી ગયો હતો, એ તારીખ યાદ કરીને એ દિવસને ‘પા’ની વરસગાંઠ તરીકે મુકર્રર કરવામાં આવ્યો. અનુના બધા મિત્રો ‘પા’ની વરસગાંઠ માટે કોઈને કોઈ ગિફ્ટ લાવ્યા. અમોલા વિચારી રહી હતી, ‘આ જ ખરી વરસગાંઠ કહેવાય, કેમ કે એક વરસમાં ખરી ગાંઠ બંધાઈ ગઈ હતી!”
  • બચ્ચા પાર્ટી પણ એમની નજરથી જોતી કે સૌમિન અનુનું કાયમ ધ્યાન રાખે, લેસનમાં મદદ કરે, ગાળો ન બોલે, માવો ન ખાય. દવા પીએ, પણ દારૂ નહીં! કદી અનુને ખિજાય નહીં, અનુની મમ્મીને પણ કદી ન ખિજાય. બચુ, ચકુડી વગેરે ટોળીને થતું કે અમારા બધાના પપ્પા પણ આવા હોય તો કેટલી મજા આવે!
  • શાળામાંથી અનુના ક્લાસનો ધરમપુરનો બે દિવસનો પ્રવાસ ગોઠવાયો. અનુએ જિદ કરી કે સૌમિન કેમ ન આવી શકે? ભોળાભાઈએ એમના ‘પેશ્યલ પાવર’નો યુઝ કરી પરમિશન આપી, બધા ભૂલકાં ખુશ થઈ ગયા. અમોલાના ક્લાસની તો સ્કૂલ ચાલુ હતી એટલે એણે જવાનું નહોતું. સવારની સ્કૂલ હતી. એ સમય પસાર થઈ ગયો. બપોરે ટ્યુશન કરાવ્યું, ત્યાં સુધી એકલતાનો ખ્યાલ ન આવ્યો. પણ પછી અચાનક ઘર ખાલી ખાલી લાગ્યું. બહુ દિવસે એકલી પડી. સાત વરસ જે દુ:ખ ભોગવ્યું એ જાણે એક દિવસ માટે ફરી આવ્યું.
  • દુ:ખ એક જ દિવસ માટે હતું કે પછી..?
  • ટ્યુશનથી હમણાં જ છોડેલાં છોકરાં દોડી આવ્યા, “ટીચર ટીચર! ‘GJ 1’ નંબરવાળી જીપ આવી!”
  • અમોલાએ અમસ્તા બહાર આવી જોયું, જીપમાંથી બે પોલિસ અને એક વકીલ ઉતર્યા.
  • ***

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED