એક ચાલ તારી
એક ચાલ મારી
- લેખક -
પિન્કી દલાલ
( 8 )
અડધા કલાકથી તપસ્વીની જેમ વાટ જોઈ રહેલા વિક્રમને ફિશિંગ રોડ પર ભાર વર્તાયો. વજન પરથી તો લાગતું હતું કે નક્કી મોટું માછલું જ હોવાનું. એ વિચારમાત્રએ મનને હળવાશ આપી હોય એમ વિક્રમના કપાળ પર તંગ રહેલી રેખા જરા હળવી થઈ ગઈ.
આખી રાત અજંપામાં વીતી હતી. એ ચચરાટને દૂર કરવા માટે પણ ફિશિંગ જેવી પ્રવૃત્તિ જરૂરી હતી. પરંતુ કુદરત જાણે અહીં પણ યારી નહોતી આપતી. દોઢ કલાક થી વધારે સમય વીતી ગયો. એક નાની માછલી પણ ન સપડાઈ ત્યારે વિક્રમને થયું કે આ વાત કોઈ ભાવિ વરતારો તો નથી કરતી ને...
જો કે આ વિચાર લાંબો ચાલે એ પહેલા જ ફિશિંગ રોડ પર ભાર વર્તાયો. વિક્રમે ઝડપભેર બેટરી ઓપરેટેડ ફિશિંગ રોડની રીલ લપેટવા માંડી. વર્તાતો મજબૂત ભાર ભારે શિકાર સપડાયાનો નિર્દેશ કરી રહ્યો હતો, જે સપાટી પર આવતાંવેંત હતાશામાં પલટાઈ ગયો. એ કોઈ મોટું માછલું નહીં, એ તો કોઇ સ્પોર્ટ શૂ હતું.. દરિયાનાં પાણીમાં કોહવાઈને બેહાલ થઈ ગયેલું. જે આંખ મીંચકારીને અંગૂઠો બતાવીને જાણે કહી રહ્યું હતું :
લે... લે... અક્કરમી, તારો પડિયો કાણો !
વિક્રમના કાનની બૂટ તપીને રતાશ પકડી રહી. એની ગરમી ખુદ અનુભવી રહ્યો વિક્રમ. કાલ મધરાતથી મન અશાંત હતું. સવાર સુધી માંડ વળેલી રાહત પર આ બનાવે પાણી ફેરવી દીધું ને વિક્રમને ઈચ્છા નહોતી, છતાં યાદ આવી ગયો મધરાતે આવેલો પપ્પુનો કોલ...
* * *
ટર્ ર્ ર્ ર્... કર્કશ અવાજે સાઈડ ટેબલ પડેલા ફોનની રિંગ વિક્રમની ઊંઘ ખરાબ કરીગઈ.
રિંગના ટોનથી સફાળા જાગેલાં વિક્રમને કશું સમજાયું નહીં ને સમજાયું ત્યારે સેલફોનની રિંગ વાગવી બંધ થઈ ચૂકી હતી
ફોનની બાજુમાં પડેલા ટાઈમપીસ પર વિક્રમે નજર નાખી. રાતના લગભગ બે થયા હતા.
મિસ્ડ કોલ હતો પપ્પુનો. વિક્રમને નવાઈ તો લાગી, કદાચ એ વધું પોઅડતું ઢીંચી ગયો હશે ને ભૂલથી ડાયલ કર્યો હશે ? ના... એટલો ગાફેલ પપ્પુ તો નથી..
વિક્રમે બેડમાં બેઠાં થવાનો પ્રયાસ કર્યો. સાઈડ લેમ્પ ઓન કરી પપ્પુને ફોન ડાયલ કર્યો. એક રિંગ હજી પૂરી પણ નહોતી થઈને પપ્પુનું હલો. સંભળાયું.
‘વિકી શેઠ, તમને ફોન કરવો એટલે ભગવાનને ફોન લગાવવો....’ નશામાં ધૂત હોય એમ પપ્પુનો અવાજ તરડાતો હતો. વિક્રમને ચીડ ચડી.
‘પપ્પુ, કેમ આ સમયે ફોન કર્યો ‘
‘અરે શેઠ, કેટલાય દિવસથી રોજ ટ્રાય કરું છું... તમારો એકેય નંબર લાગે તો ને !’
પપ્પુ ને બોલતાં હેડકીએ અવરોધ્યો. હા, વાત તો સાચી હતી પપ્પુની... એ પીને ટાઈટ જરૂર થાય છે,પણ જૂઠું તો નથી બોલતો. પોતે ગૌતમ સાથે મિટિંગ કરવા વોન્સન ગયો હતો પછી આજે જ તો પરત થયો હતો. પ્લાન તો મુલાકાત પતાવીને તરત જ પાછા ફરવાનો હતો, પણ રિસોર્ટનો માલીક સુલેમાન સરકાર પોતાના ગેસ્ટ બનાવાનું ફરમાન બહાર પાડે તો ના પણ કેમ પાડવી ? ને પોતાના સંપર્ક-ચેનલો ખુલ્લી રાખવી સારી. અન્ડરવર્લ્ડમાં સુલેમાન સરકારના નામના સિક્કા પડતા હતા. ન જાણે ક્યાં કોની જરૂર પડે ?
‘વિકી શેઠ... હલો... હલો..’સામેથી પપ્પુ બોલતો રહ્યો. વિક્રમની વિચારમગ્નતા પપ્પુને નેટવર્કની ગરબડ જેવી લાગી હતી.
‘પપ્પુ, સાંભળું છું... બોલ.’ વિક્રમે જરા અકળાઈને કહ્યું.
‘શેઠ, પતા હૈ ના, માજરા ક્યા હૈ ?’ પપ્પુ સામેથી પ્રશ્ન પૂછી રહ્યો હતો.
‘ના... શું, માજરા…? શેની વાત ? આપણી હમણાં વાત જ નથી થઈ. હું જરા બીજે ક્યાંક અટવાયો હતો, પણ બોલ... શું છે લેટેસ્ટ સમાચાર ત્યાંના?’ વિક્રમે સાહજિકતાથી પૂછ્યું. એના કાન સલોની પર થતી જાસૂસી અને પછી તૈયાર થયેલાં રિપોર્ટ જાણવા તરસી રહ્યા હતા.
‘શેઠ, એ જ તો વાત કરું છું ક્યારનો...’ પપ્પુ અધીરાઈ થી બોલ્યો.
‘સલોની મુંબઈમાં છે જ નહીં... એ તો ગૌતમ વિરવાનીના ડેથ પછી ક્યાં છે કોઈને ખબર નથી !’
‘ક્યા... ક્યા ? ક્યા બકા તું ?’
વિક્રમ ક્ષણ માટે હચમચી ગયો.
‘ગૌતમ વિરવાની કા ડેથ ?’
‘અરે ! શેઠ, બક નહીં રહા.. સચ બતા રહા હું ! કેટલા દિવસોથી તમને કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કરું, પણ તમારો ફોન આઉટ ઓફ રીચ આવે... તો કરું શું ?’
‘પપ્પુ... તેં શું કહ્યું ? ફરી બોલ ! ગૌતમ વિરવાનીનું...’
વિક્રમને હજુ પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો કે પોતે શું સાંભળ્યું. જાણે બારસો વોટનો ઝટકો લાગ્યો એમ એ ઊભો થઈ ગયો હતો.
‘હા વિકી શેઠ, થોડાં દિવસ થઈ ગયા... તમને સમાચાર નથી મળ્યા? મિડીયામાં તો બહુ ચર્ચા હતી...’ પપ્પુ પારઘીને નવાઈ લાગતિ હતી.
‘ક્યારની વાત છે આ ? કઈ તારીખે આ બન્યું ?’
‘તારીખ તો યાદ નથી... પણ બારેક દિવસતો થયા હશે...’ પપ્પુ કઈક યાદ કરી રહ્યો હોય એમ થોભ્યો.
‘હા, થોડાં દિવસ પહેલાં બારમાની ખબર પપણ પેપરમાં છપાઈ હતી !’
પપ્પુ કંઈક વધારે માહિતી આપતો બોલી રહ્યો હતો, પરંતુ એમાંનો એક પણ શબ્દ વિક્રમને સમજાયો નહીં. ટાઈમબોમ્બ સેટ કરી નાખ્યા પછી ખ્યાલ આવે કે ખોટા લોકેશન પર ફિટ થઈ ગયો છે તેવી સ્થિતિ હતી વિક્રમની...
‘પપ્પુ, પણ પેલી.. પેલી સલોની છે ક્યાં ? ‘વિક્રમે ઊડી ગયેલાં હોશ સંભાળવાની કોશિશ કરી.
‘એ જ તો વાત છે, શેઠ. સલોની એની ઘરની બહાર સુધ્ધાં નીકળી નથી. મિડિયાએ એને મોઢું બતાડવાલાયક રાખી નથી.
પપ્પુ પારઘીને ફરી એક હેડકી આવી. એની જબાનમાં કંપ પણ વર્તાઈ રહ્યો હતો.
આવી મહત્વની વાત આટલું પીધેલા માણસ સાથે સરવાનો કોઇ અર્થ નહોતો.
‘ઠીક છે... પછી વાત કરું છું તારી સાથે !’ કહીને વિક્રમે ફોન કટ કર્યો.
ગઈ કાલની મધરાતે પપ્પુના કોલરૂપી આ ભૂકંપ આવી ગયો હતો. જેણે વિક્રમ બની રહેલી ઈમારતને એક જ થપાટમાં કડડડભૂસ કરી નાખી હતી.
પપ્પુ સાથેની વાત પછી વિક્રમ બેડ પાસે પડેલાં સ્લીપર્સ પહેરી ટેરેસમાં આવ્યો હતો. મનમાં ચાલી રહેલા ઘમસાણને ઠંડક આપવાનું કામ દરિયા પરથી વહીને આવતો પવન કદાચ કરી શકે તો...
એક અજબ બેચેની ઘેરી રહી હતી હતી. દૂર ક્ષિતિજ પર દરિયાના મોજાં પર સરકી રહેલી એક શિપ સિવાય બધું જ સ્થિર હતું. છતાં એના મનમાં કોઇ અજંપાનો ચચરાટ હતો, ઘૂઘવાટ હતો.
પોતે ઘડેલાં પ્લાન પ્રમાણે કશું જ ન થવા દેવું હોય એમ નિયતિએ બાજી બનતા પહેલાં બગાડી નાખી હતી. પહેલો પ્લાન હતો સલોનીની સિરિયલ માંથી હકાલપટ્ટી, જેને કારણે સલોની ગુમનામીના ડિપ્રેશનની ખાણમાં ગબડી પડે અને જો એ ન બને તો એના આખરી પ્લાન મુજબ સલોનીની ફાઈનલ એક્ઝિટ.. હજુ તો એનો એ પ્લાન અમલમાં મૂકાય એ પહેલાં જ આખી બાજી પલટાઈ ગઈ.
વિક્રમે સ્ટડીરૂમમાં જઈ કમ્યુટર ઓન કર્યું. શક્ય પપ્પુ દારૂડિયો મનમાં તે નશામાં બકી ગયો હોય ને હકીકતમાં વાત કંઈક જૂદી હોય ને આગળ કંઈ પણ વિચરતાં પહેલાં બધું ચેક કરી લેવું સારું.
ગૂગલ સર્ચ પર જઈ ગૌતમ વિરવાની શબ્દ ટાઈપ થયા અને એકમાત્ર એન્ટર કી દબાવતાં જ માહિતીનો ધોધ ઠલવાઈ ગયો હતો. મોટાભાગની વાતો ગૌતમના અપમ્રુત્યુની હતી. કોઈક અહેવાલ કહેતો હતો લવ ટ્રેજડી... આત્મહત્યા તો કોઈકમાં વળી ડ્રગના ઓવરડોઝની વાત હતી.
ક્ષણ માટે તો વિક્રમને પણ પોતાનું હ્યદય ફસકી પડતું લાગ્યું. પેલો પપ્પુ ફેંકતો નહોતો.
સ્ટડીરૂમની વિન્ડોમાંથી વિક્રમે નીચે નજર નાખી. સ્ટ્રીટલાઈટનાં ઉજાસમાં સામે ઘૂઘવી રહેલા સમુદ્રનું રૂપ કંઈક જૂદું જ હતું. ઊછળતાં, ચઢતાં, પડતાં મોજાં આખરે તો કિનારા પર ગોઠવાયેલાં ટ્રેટ્રાપોડ્સ સાથે અથડાઈને ચકનાંચૂર થઈ જતાં હતાં.
ફીણ ફીણ થઈ વિખેરાઈ જવાની એ જ તો એમની નિયતિ હતી અને આ જ નિયતિએ જાણે એની દુનિયા ત્રણસો સાઠ ડિગ્રીએ ઘૂમાવી દીધી હતી !
પોતાને પીડી રહેલાં અજંપાનો છેડો વિક્રમને મળી ગયો. એને ચચરાટ હતો પ્લાન ફ્લોપ થવાનો, સલોની બચી જવાનો નહીં, ગૌતમની આકસ્મિક વિદાયનો !
આમ સાવ અચાનક ગૌતમનું અણધાર્યું કમોત વિક્રમ માટે કેટલી મુસીબતો નોતરતું ગયું હતું એનો પૂરેપૂરો અંદાજ તો હજુ કાઢવો બાકી હતો. હા, સૌથી પહેલો ઘા થવાનો હતો હાથમાં આવતો મલાઈદાર સાલીયાણા પર. દર ત્રણ મહિને મળી જતી તોતિંગ રકમની આવક અટકી જવાની. પછી આ અજ્ઞાતવાસની કિંમત કાઢવી, ચૂકવવી, વસૂલવી કોની પાસેથી ? હવે એની પહેલી જરૂરિયાત હતી. મોંઘેરો અજ્ઞાતવાસ વેઠવા કોઈક તગડો ફાઈનાન્સર... એ લાવવો ક્યાથીં ?
વિક્રમનું મગજ શતરંજની ચાલની માફક એક પછી એક ચાલ વિચારી રહ્યું હતું અને એક ઝબકારો થયો : આખા થાઈલેન્ડ, મલેશિયામાં લક્ઝરી હોટેલ ચેઈન ધરાવતો સુલેમાન સરકાર, એ આસામી તો તગડો, પણ એ પોતાને ત્યાં કે સાથે શા માટે રાખે ?
સુલેમાન સરકાર...
ભૂતકાળમાં પોતે કરેલી મદદએ એટલો જલદી ભૂલી તો નહીં જ ગયો હોય !
* * *
‘મેમ, દૂધ તો પી લો... આ અવસ્થામાં આવી લાંઘણ ખેંચવી સારી નહીં...’આલ્પ્સની ગોદમાં વસેલા ઝરમટ વિલેજમાં વિરવાનીના પ્રાઈવેટ શેલેમાં આવનાર જીવના આગમનની પ્રતીક્ષા કરી રહેલી સલોનીને ત્રીજી વાર ટકોર કરી હતી અનીતાએ. સલોની સાથે એની દેખભાળ કરવાં પડછાયાની જેમ પાછળ ફરતી અનીતા જાણે એક માની ફરજ બજાવી રહી હતી.
સલોનીનો દિવસ આખો લિવિંગરૂમના એક કોર્નર પર રહેલી રોકીંગ ચેર પર કશું ને કશું વાંચતા - ઝુલતાં વીતી જતો. અનીતા સાથે ખપપૂરતી વાત, અન્યથા મૌનરાગ, સ્વઆમંત્રિત એકાંતવાસ, દુનિયા સાથે સદંતર રીતે કટઓફ થઈ જવાનો આ સૌપ્રથમ પ્રસંગ હતો. આઈ-બાબાને તો કહ્યું હતું:
વિદેશના અસાઈનમેન્ટ પર છું. કદાચ ચાર-છ મહિના, કામ થોડું લંબાઈ જાય તો બે-ચાર મહિના વધુ !
પહેલાં તો માતા તરીકે સુહાસિનીએ ફરજ બજાવતી હોય એમ પોતે સાથે રહે એવો આગ્રહ પણ કરી લીધેલો, પછી એ વિવેક દર પંદર - વીસ દિવસે થતા એક ફોનમાં સમાઈ ગયેલો.
પણ... એક વાર ઈન્ડિયા ગયા પછી શું ?
આ પ્રશ્ન પણ વારંવાર સલોનીને પજવી જતો, ત્યારે માત્ર આઈ-બાબાનો જ નહીં, દુનિયા આખીનો સામનો કરવાનો હતો !
-અને આ વિચારમાત્ર સલોનીને પગથી માથા સુધી ધ્રૂજાવી જતો.
આઈને તો કોઈક રીતે સમજાવી શકાય, પણ નીતિમાન, શિસ્તપ્રિય પિતાના વિચારથી જ
સલોનીનું દિલ ગુનાહિત લાગણીથી વલોવાઈ જતું. જેની ભીનાશ આંખોમાં અવારનવાર છવાઈ જતી.
‘મેમ, તમે તો આટલું બધું વાંચો છો તો એમાં લખ્યું તો હશે ને કે આ અવસ્થામાં મનને અશાંતિ થાય, દુ:ખ પહોંચે એવા વિચારો ન કરાય !’
ચોવીસ કલાક, રાત - દિવસ જોયા વિના એક નર્સની જેમ ધ્યાન રાખતી અનીતાબાઈને લાગ્યું કે ગૌતમના આઘાતનો પ્રહાર સલોની સહન ન કરી શકે એ હદે ઘાવાઈ ચૂકી છે. એ શોક ક્યાંક આવનારા નવતર જીવને કોઈ શારીરિક ખોડખાંપણ ભેટ ન આપી દે...
અનીતા સામે જોઈને સલોની ફિક્કું હસી લેતી ત્યારે અનીતાબાઈ નો ડર ઓછો થવાને બદલે બેવડાતો.
‘અનીતા, તું તો મને સમજી શકી... પણ બીજાનું શું ?’
સલોનીએ વાળમાં હળવે હળવે તેલ ઘસી રહેલી અનીતાને પૂછેલું.
‘મેમ, એમ બધાની ચિંતા કરીયેને તો તો સૌથી પહેલાં ઉપર જવાની ટિકિટ કપાવવી પડે અને હવે તો તમારે આ બાળક માટે જીવવાનું છે. ‘એક અભણ સ્ત્રીની હિંમત અને જવાબદારી સલોની જોઈ રેહતી.
હા, માત્ર બાળક માટે નહીં, મારા માટે જીવવાનું છે અને એ દુનિયામાં જીવવાનું છે, જ્યાંનું ચલણ છે પૈસા અને નામ, જે હવે ટૂંક સમયમાં આ બાળક સાથે મળી જવાના છે...
સલોનીએ ચહેરો જરા ત્રાંસો કરી પાછળ ઊભેલી અનીતાના હાવભાવ જોઈ લીધા, ક્યાંક પોતાની મનની વાત અભણ, પણ અક્કલવાળી સ્ત્રી પામી તો નથી ગઈ ને !
* * *
ગૌતમના સમાચાર જાણ્યા હતા ત્યારથી વિક્રમ વ્યાકુળ થઈ ચૂક્યો હતો, ગૌતમની આવી આકસ્મિક એક્ઝિટ સપનેય નોહતી વિચારી, ગૌતમની વિદાયથી સલોનીને પાઠ ભણાવવાના પ્લાનના લીરેલીરાં ઊડી ગયા હતા.
ક્યાંક સલોનીએ જ... વિક્રમના મગજે આવી કોઈ શક્યતા, શક, થિયરી વિશે પણ વિચારી લીધું હતું, પણ...
પણ હરીફરીને આજ જ વાસ્તવિક્તા હતી. પોતાની સાથે તોતિંગ પ્રશ્નાર્થ લઈને આવેલી વાસ્તવિક્તા... એ સ્વીકારવી જ પડે, પણ વ્હોટ નેક્સ્ટ ? હવે શું ?
વ્યગ્રતા જ્યારે ઘેરી વળતી ત્યારે ટેરેસમાં ઘવાયેલા વાઘની જેમ ટહેલવા સિવાય વિક્રમ પાસે બીજો કોઇ વિકલ્પ પણ નહોતો. આ કુદરતનો ન્યાય હતો ? કદાચ એવું જ કંઈક... ગૌતમની ચાલ હતી સલોનીને દૂર કરવાની. પરંતુ ખુદ જ દૂર થઈ ગયો ! આ તમામ પરિસ્થિતિ વચ્ચે પણ નેટ પર વાંચેલી ગૌતમ - સલોનીની ટ્રેજીક લવસ્ટોરી યાદ આવી ગઈ. મિડિયામાં તો ગૌતમ-સલોનીની કહાણી ભારે ચકચાર સર્જી ગઈ હતી. ટ્રેજીક લવસ્ટોરી... માય ફૂટ !
આ વ્યગ્રતા વચ્ચે પણ વિક્રમના હોઠ પર થોડું કડવાશ ભર્યુ સ્મિત રમી ગયું : એક્ટ્રેસ સાલી.. પેલા બાપડા ગોસિપસમ્રાટોને ક્યારેય ક્યાં જાણ કરવાની હતી સાચી હકીકતની ?
‘પપ્પુ, કંઈ પણ કર ને જાણી લાવ કે સલોની છે ક્યાં ? એને આકાશ ગળી ગયું કે સમંદર ?’
પપ્પુ સાથે અડધો કલાક સુધી ચાલેલી લાંબી વાતચીતને અંતે પણ સલોનીનું કોઇ પગલું ન જડ્યું, ત્યારે વિક્રમને બાજી હાથમાંથી સરી જશે એવો ડર હવે પજવવા માંડ્યો હતો.
‘શેઠ, સિરિયલવાળા બે-ચારને મળ્યો. કોઈ જાણતું જ નથી કે સલોની ક્યાં છે ! આમ પણ એની હકાલપટ્ટી નક્કી હતી એટલે એણે સિરિયલ છોડી દેવાનું નક્કી કર્યું છે એવી વાત ચાલતી હતી.’ પપ્પુએ અખબરમાં રોજેરોજ છપાતી ગપસપને પોતાની જાસૂસી કળા તરીકે અપાવતાં કહી દીધું. વિક્રમ ક્યાં અહીં જોવા આવવાનો છે ?
‘કોની સાથે વાતચીત કરી તેં ?’ સામે છેડેથી વિક્રમે પૂછ્યૂં તો પપ્પુ માટે આ અણધાર્યો ગૂગલી હતો.
‘હેં... હમ્મૂ... હા... હા... હવે નામ તો નથી યાદ, પણ હું ગયેલો બે-ત્રણ સિરિયલવાળાને મળવા...’
અનુભવી વિક્રમને પપ્પુનું જુઠાણું પકડતા ક્ષણ નહોતી લાગી. પણ પપ્પુની જરૂર હતી ત્યાં સુધી સાચવવો જરૂરી હતો.
‘ઠીક છે... ‘પપ્પુ વધુ જુઠાણાં ચલાવે એ પહેલાં વિક્રમે ફોન કટ કરી નાખ્યો. હવે તો સલોનીને શોધવી એ સૌથી મહત્વનું કામ હતું એક વાર એ મળી જાય તો એની પરેશાની ત્યાં જ અડધી થઈ જવાની હતી.
થોડીવાર વિચારને એણે સેલની એડ્રેસબુકમાંથી એક નંબર પસંદ કરી ડાયલ કર્યો.
‘હલો... મહેરાજી... વિક્રમ હિયર...’
અજાણ્યો નંબર જોઈને જ મહેરા પામી ગયો હતો કે વિક્રમ જ હશે... અને હવે હોય તોપણ શું ? સલોની તો પોતે જ હવે એક્ઝિટ કરી ગઈ છે.
‘બોલો.. બોલો, વિકીજી... તમારું કામ થઈ ગયું એ તો તમને ખ્યાલ જ હશે !’ મહેરાએ વાણીમાં બિનજરૂરી મીઠાશ ઘોળી.
‘વેલ... મને તમામ બારીકીથી પૂરેપૂરી બધી વાતની તો નથી ખબર, પણ મને જાણવા મળ્યું ખરું કે સલોનીને એક્ઝિટ થઈ ગઈ છે અને હા, એને માટે થેન્ક્સ...’ વિક્રમ નમ્રતા દાખવતો હોય એમ શિષ્ટાચાર કરવાનું ન ચૂક્યો.
‘અરે ! વિકીજી... નો ફોર્માલિટીઝ, પ્લીઝ ! તમે કહ્યું ને કામ થઈ ગયું, પણ મારે એટલું તો કહેવું પડે, તમે તો મારા માટે નસીબદાર પૂરવાર થયા’ સામે છેડે થી મહેરા હસતો હસતો બોલ્યો.
‘હું, લકી ? કઈ રીતે ?’ વિક્રમે જરા હેરતથી પૂછ્યું. ‘અરે, તમે જે મિશન સોંપ્યૂં હતુ એમાં મારે તો કંઈ કરવાનું આવ્યું જ નહીં. એમાં તો અમારે એક કાંકરે ત્રણ પંખી મર્યા.’ મહેરા હેં... હેં... કરીને હસ્યો. વિક્રમની સમજમાં હજી એ વાત બેસી નહોતી.
‘જુઓ, તમને સમજાવું. સલોનીની એક્ઝિટ માટે અમે જે કાંઈ પ્લાનિંગ કર્યું એ અમલી બને
એ પહેલાં તો ગૌતમ વિરવાનીવાળી ઘટના બની. સલોની તો ત્યારની જ પબ્લિકની નજરમાંથી ઓઝલ થઈ ગઈ. એવું સાંભળેલું કે એ પ્રેગ્નેન્ટ હતી.’ મહેરા જરા શ્વાસ ખાધો હોય એમ અટક્યો. પણ વિક્રમનો શ્વાસ અધીરાઈથી ઊંચો ચઢી ગયો.
વ્હોટ ?! હોઠ પરથી બાહર સરકી આવતા એ શબ્સને માંડ માંડ રોકી શક્યો.
‘હમ્મ્, પછી...’ વિક્રમે વચ્ચે બોલવુ પડ્યું.
‘બીજી વાત એ થઈ કે આપણે સિરિયલમાં જ્યારે જમ્પની વાત કરતા હતાત્યારે મને થયું કે મારો એક બંદો, જે સલોની પર વધુ પડતો ફિદા હતો એજ વાંકા-વચકા કાઢશે. પણ થયું ઊલટું... એમાં તેને તો પોતાની એક જ નવીને પ્રમોટ કરવાનો ચાન્સ મળી જતાં ખુશ થઈ ગયો... અને હા સૌથી મોટી વાત તો એ થઈ કે અમારા ચીફને મેં આખા આ બનાવની વાત કરી... ને કહ્યું કે તમે અને હું એટલે આપણે એકબીજાથી કેટલા નજીક છીયે એટલે હવે આપણને ખંડણીખોરો તંગ નહીં કરે... આ જાણીને અમારા ચીફ બહુ ખુશ થઈ ગયા... બોલો, છેને મારી વાત સાચી ? યુ આર લકી ટુ મી... ! ‘મહેરા વધુ પડતો ઉત્તેજિત થઈ ગયો હતો.
બેવકૂફ...
વિક્રમનાં મોઢામાંથી સરી પડતા રહી ગયું.
વિક્રમે પૂછી નહોતી એ બધી વાત-માહિતી મહેરાએ જે રીતે આપી દીધી એ સાંભળીને વિક્રમ ફરી એક વાર મનોમન બોલ્યોં : બેવકૂફ !
‘એની વે, પણ મહેરા, એ કહો કે સલોનીનું પછી શું થયું ?’ આખી વાતથી અલ્પિત હોય, છતાં માત્ર કુતૂહલતાથી પૂછતો હોય એવી સાહજિકતાથી વિક્રમે પૂછી લીધું.
‘નો આઈડિયા... કોઈને ખબર જ નથી કે એ ક્યાં છે ? અરે ! અમારા ડિરેક્ટર આશુતોષને સુદ્વાં ખબર નથી’
આશુતોષને સુદ્વાં ખબર નથી’... એ વાક્ય પાછળ નો અર્થ થતો હતો આશુતોષ અને સલોનીની મિત્રતા.
એકદમ નિર્દોષ અને સાહજિક લાગતા બે-પાંચ પ્રશ્નો પછી રવિ મહેરાના વિગત વાર જવાબો પરથી વિક્રમ સમક્ષ એક ચિત્ર સ્પષ્ટ થઈ ગયું કે ગૌતમ સાથે તો ખરા જ, પણ આશુતોષ સાથેય સલોનીને ઘનિષ્ઠ સંબંધ હતા.
પહેલાં પપ્પુ પછી રવિ મહેરા સાથેની વાતચીત પછી જેસલટન ટાવરના ટેરેસ ફ્લેટમાં હવે જુદા જ દિવસ ઊગતા હતા વિક્રમ માટે. ફિશિંગ અને રાતે વ્હીસ્કી ની ચૂસકી સાથે ટેલિસ્કોપથી તારાઓનાં નિરીક્ષણ પાછળ સમય વિતાવતા વિક્રમને હવે એ બંને તરફ જોવાની ફુરસદ નહોતી. આખો દિવસ ફોન અને પર્સનલ કમ્પ્યુટર પર જાણે શું-શું મથામણ ચાલતી રહેતી એની...
પપ્પુ પારઘી પાસેથી, અન્ડરવર્લ્ડ સાથી ઘરોબો રાખતા થોડાં પત્રકારો પાસેથી સલોનીના મોબાઈલ નંબર મેળવવાના- સલોનીને ટ્રેસ કરવાના-શોધવાના તમામ પ્રયત્ન નિષ્ફળ ગયા હતા.
સાચે જ સલોનીને આકાશ ગળી ગયું કે દરિયો ? વિક્રમને હવે શક થવા લાગ્યો હતો. સલોની પ્રેગ્નેન્ટ હતી એવી અફવાથી ગોસીપબજાર ગરમ હતી, પણ એ ન્યૂઝ કન્ફર્મ નહોતા થતા. જોકે આ રીતે સલોનીનું ગાયબ થઈ જવું એ વાતની પૃષ્ટિ કરતા હતા કે આટલી બધી અફવામાં ક્યાંક કંઈક દમ તો છે જ...
સલોની જઈ ક્યાં શકે ?
ચોવીસ કલાકમાં પચાસવાર આ પ્રશ્ન મગજમાં ચાબૂકની જેમ વીંઝાતો.
કદાચ પુણે... આઈ-બાબા પાસે... ?
વિક્રમે પોતાનો જ જવાબ ખોટા રૂપિયા જેવો લાગતો. કોઈ કુવાંરી છોકરી જો આ અફવામાં કંઈ પણ તથ્ય હોય તો મા-બાપને ત્યાં જઈને રહે ખરી ? અને એ પણ અનંતરાવ દેશમુખ જેવા સીધાસાદા, મૂલ્યનિષ્ઠ અને સમાજમાં રહીને ચાલનારા માણસના ઘેર ?
-અરે હા, ભલે પોતાના ઘેર ન જઈ શકે. પણ ઘરનાને એનાં ઠામઠેકાણાંની તો જાણ હોય ને ?!
વિક્રમના ચહેરા પર ખુશી છલકી રહી, જાણે વર્ષોથી બંધ પડેલા તાળાની ચાવી અનાયાસ
હાથ લાગી ગઈ !
દિલ્હી દૂર સહી, નામુમકીન નહીં...
મરક મરક થતા વિક્રમે રિસ્ટવોચમાં જોયું પછી પોતાનો મોબાઈલ ઊંચક્યો ને એની આંગળી ઝડપભેર ફરવા માંડી કી-પેડ પર.
***