અભાવ બોલે છે - ભાગ 3 Author Mahebub Sonaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અભાવ બોલે છે - ભાગ 3

અભાવ બોલે છે ભાગ૩

Author Mahebub Sonaliya



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અભાવ બોલે છે

ભાગ ૩

મહેબુબ સોનાલિયા

અનુક્રમણિકાઃ

૦૬૧.મારી જ કોઈ વાતથી નારાજ થૈ શકું.

૦૬૨.યોગ્ય ટાણે બોલવાની હસ્તગત જો રીત હો.

૦૬૩.જે કદી પણ આદમીને આદમી બનવા ન દે.

૦૬૪.જેને હક સંપૂર્ણ બસ આરામ કરવાનો હતો.

૦૬૫.એની જીદ ને પોષવાનું કામ પણ મુશ્કેલ છે.

૦૬૬.આપણે સ્થાપિત થવાનું હોય છે.

૦૬૭.ખૂબ માણો જયાં સુધી છે જીંદગી.

૦૬૮.વાત જે આવે છે તારા નામની

૦૬૯.કામ સોંપી ગયા પ્રતીક્ષાનું.

૦૭૦.ફકીર થૈને ફરે છે છતાં અસર ક્યાં છે?

૦૭૧.હો જીંદગી ચીરાયૂ, તારા વગર નકામી.

૦૭૨.જ્યારે જ્યારે મારા ભીતર જોઉં છું.

૦૭૩.નીકળી ગયો છું ઘરથી હવે રાહ ક્યાં જશે?

૦૭૪.એ પાપો સ્વયંના છુપાવી રહ્યું છે.

૦૭૫.શબ્દોને તોળવાની મજા ઓર હોય છે.

૦૭૬.બંધ મુઠઠીમાં પ્રાણ રાખે છે.

૦૭૭.વાંઢા વટની વાત કરે તો સારૂં લાગે.

૦૭૮.કાન બીજાના કોઈ જ્યારે ભરે છે અને ડરે પણ છે

૦૭૯.હવે વસ્તુ ની કિંમત છે વધારે દિલની ચાહતથી

૦૮૦.અમારી આંખ થાકી છે હવે આવો તમે આવો.

૦૮૧.આજ થંભી જાય જો વાદળ પછી.

૦૮૨.ઘર ભરેલું છે ઘણાં સામાનથી

૦૮૩.મારા કલામ મારી મહોબ્બત થી પર નથી

૦૮૪.અમીરી શું ગરીબી શું? ગજબનો ગ્રીષ્મનો તડકો.

૦૮૫.રસ્તા ઉપર રહી અને રસ્તાની શોધ કર.

૦૮૬.નારા લગાડવાથી જો ફુરસદ જરા મળે.

૦૮૭.એ સામ દામ અને દંડ આજમાવે છે.

૦૮૮.પ્રત્યક્ષ કે પરોક્ષ વિનાશક નથી રહ્યો.

૦૮૯.શુ આજ કાલ શહેર માં મરતુ નથી કોઈ.

૦૯૦.ભાર ઈચ્છાઓનો વેંઢારી મરે છે આદમી

૦૯૧.અમારૂં દિલ તો અહિં કેટલી બલા થી ડરે.

૦૯૨.તુ આડંબર ની હદથી પાર થૈ જા.

૦૯૩.કોઈને કોઈની જરૂરત નથી.

૦૯૪.મૂંઝાએલું ભલે જીવન વધું છે.

૦૯૫.જયાં માથું પીટતો હો આદમી ખુદની જરૂરત પર.

૦૯૬.બેકાર ઉમર વેડફી નાખી હિસાબમાં.

૦૯૭.કોને ખબર એ શું શું બોલે અલગારી

૦૯૮.જે સ્વયં નું ખમીર મારે છે.

૦૯૯.મને ભૂલકાઓથી ચાહત વધું છે.

૧૦૦.આગનો માર્ગ છે, ફૂલોની ડગર થોડી છે?

***

મારી જ કોઈ વાતથી નારાજ થૈ શકું.

ભીતર પડેલી ભાતથી નારાજ થૈ શકું.

દે એટલી તો છૂટ ભલા જીંદગી મને.

કે હું સ્વયંની જાત થી નારાજ થૈ શકું.

કાયમ તિમીર આંખ તો આંસુ છુપાવે છે.

આ પૂર્ણિમા ની રાતથી નારાજ થૈ શકું.

હિંમત મને તુ એટલી દે ફક્ત એ ખુદા.

કહેવાતી સભ્ય નાત થી નારાજ થૈ શકું.

નારાજ થૈ ગયી છો ભલા જીંદગી શુ કામ

તારી હું કોઈ વાત થી નારાજ થૈ શકું?

નારાજ છું તો કોઈ તો કારણ હશે’મહેબૂબ’ઃ

ક્યાં સારી કોઈ વાતથી નારાજ થૈ શકું.

***

યોગ્ય ટાણે બોલવાની હસ્તગત જો રીત હો.

તો પછી દુનિયામા કોઈ સત્ય ના શાપીત હો.

એ ભલા કેવી રીતે મજધારને ચાહે નહીં?

એકલા રહેવુંનું જેનાં ભાગ્યમાં અંકિત હો.

પીઠ પર મારી હજારો દોસ્તો ના ઘાવ છે.

પ્રાથના છે ના તમારા હાથ પર શોણીત હો.

એ ખુદા તુ આવ તો સો વાર હારી જાઉં હું

એક પળ તો એ રીતે’મહેબૂબ’ મારી જીત હો.

ત્યાં વસે’ મહેબૂબ’ બેશક રાજ્ય કાયમ રામનું

માંગવા હક જયાં કોઈ માણસ નહીં ભયભીત હો.

***

જે કદી પણ આદમીને આદમી બનવા ન દે.

હે ખુદા આંખોમાં મારા એવા તુ સપના ન દે.

હું સમય અંધારપટ માં પણ જીવી જાણું છતાં.

કોઈનું ઘર બાળી મારા ઘરમાં અજવાળા ન દે.

આંખ રોઈ રોઈ પથ્થર બની બેસે પ્રભુ.

એ હદે તો એકધારા તુ મને સદમા ન દે.

નષ્ટ થઈ જાવા સુધી લઇ જઇને તુ તારે મને.

તારા હોવાના ખુદા તુ આટલા પરચા ન દે.

હે ખુદા હું જ્યારે જ્યારે તારી નિસબત માં રહું

સુખ અને દુઃખ ના રમકડાં તું મને રમવા ન દે.

પથ્થરો ને દૂધ પણ માણસને પાણી ના મળે.

આટલી હદબાર માણસજાતને શ્રદ્ધા ન દે.

કે અરીસો પણ કદી એને પીછાણી ના શકે.

એટલાં ચહેરા ઉપર’મહેબૂબ’ તુ ચહેરા ન દે.

***

જેને હક સંપૂર્ણ બસ આરામ કરવાનો હતો.

એમનાં પર શ્રાપ કાયમ કામ કરવાનો હતો.

જીંદગીભર એટલે ગુમનામ થઈને રહી ગયો.

બાપને લાગ્યું’તુ દિકરો નામ કરવાનો હતો.

આ જરૂરત કોઈને બુઢ્‌ઢો થવા દેતી નથી.

એટલો ઉપકાર કાયમ કામ કરવાનો હતો.

એક પળ પણ થાકવું પોસાય એને કઇ રીતે?

જાત સાથે જેમને સંગ્રામ કરવાનો હતો.

આંચકી લીધી ભલે’મહેબૂબ’ મારી જીંદગી.

હું અમસ્તો એય તારા નામ કરવાનો હતો.

***

એની જીદ ને પોષવાનું કામ પણ મુશ્કેલ છે.

આપણું દિલ આપણા બસ લાડથી બગડેલ છે

દુર્દશા પણ આ જુઓ કે શહેરનાં સૌ બાળકો.

છે અજાણ્‌યા સાવ કે શું મોર છે? શું ઢેલ છે?

આંગળાઓ માંથી એનાં આજ કલરવ થાય.

સ્કૂલમાં શીશુઓએ આજે પક્ષીઓ દોરેલ છે.

ઘરમાં રૈ બાહર ફરે ને બ્હાર રૈ ઘરમાં ફરે.

કોણ જાણે કેટલું મન આપણું રખડેલ છે.

દુઃખ પીતાનું એ રીતે’મહેબૂબ’ સમજાયું મને.

મારી સામું આજ મારો દિકરો બોલેલ છે.

***

આપણે સ્થાપિત થવાનું હોય છે.

તેથી દર દર ઘૂમવાનું હોય છે.

કોઈ પણ પઝવી શકે ના અવદશા.

જેમને બસ જીવવાનું હોય છે.

કાલની ચિંતા સુવા દેતી નથી.

ને દીવસ ભર દોડવાનું હોય છે.

ફક્ત નેતાજી વગાડે મોરલી

આપણે તો નાચવાનું હોય છે.

દ્વેષ ઈર્ષા કેમ રાખું મન મહી

સ્થાન એમા બસ ખુદાનું હોય છે.

જાત સામે તેને પણ ફરીયાદ છે

આ જગત જેનું દિવાનું હોય છે.

***

ખૂબ માણો જયાં સુધી છે જીંદગી.

કોણ જઇ પાછું ફર્યું છે સ્વર્ગથી.

હાથ થી ફેંકો તમે પથ્થર કોઈ.

એ રીતે વીતી છે મારી જીંદગી.

એક બાળકને મળી શિક્ષા પછી.

જાણે આખા કૂળમાં થઈ રોશની.

કોકના આંસુ લુંછ્‌યા ત્યારે થયું.

આ રીતે પણ થઈ શકે છે બંદગી.

ક્યાં બીજુ કારણ હતું’મહેબૂબજી’

વેદના લખવે છે અમને શાયરી.

***

વાત જે આવે છે તારા નામની

વાત લાગે એજ મારા કામની.

કો’ક મારી યાદમાં રડતું હશે.

એટલે ભીની હવા છે ગામની.

એક સપનું મે સજાવ્યું આંખમાં.

શુ કરૂં ચિંતા હવે આરામની

દર્દ વિસરાયૂ તમારાં કારણે.

આમ તો સઘળી દવા છે નામની.

એક ઇચ્છા કે તને પામી શકું.

સ્વર્ગની ઇચ્છા શું મારા કામની.

***

કામ સોંપી ગયા પ્રતીક્ષાનું.

ફ્ળ મળ્યું છે મને તો ઇચ્છાનું.

છે છલકતો છતાં તરસવાનું.

દુઃખ તો જોવાય કેમ દરિયાનું.

ઘેલછા સુખને પામવાની છે.

જાણે સસ્તું હો સોનું લંકાનું.

હાથ આડા દીધાં છે અંધારે.

કોણ બેલી હતું આ દિવાનું.

ચાલો ’ મહેબૂબ’ ઓઢિએ ખાપણ

છેલ્લું બહાનું છે એને મળવાનું

***

ફકીર થૈને ફરે છે છતાં અસર ક્યાં છે?

જગત છે ક્રુર બહું તેને એ ખબર ક્યાં છે?

રડી રડીને દુઆમાં હું હાલ કેમ કહું.

કૃપાળુ મારી દશાથી તો બેખબર ક્યાં છે.

ન જામ છે, કે ન રંગત છે, મહેફિલોય નથી.

તમે નથી તો સૃષ્ટિની ચડઉતર ક્યાં છે?

વિકાસ એટલે બસ રાત દીવસ દોડા દોડ.

જયાં દુનિયા નક્કી કરે આપણો સફર ક્યાં છે.

હરેક વેદનાનું મૂળ ફક્ત એજ હતું.

તમે પધારશો ક્યારે મને ખબર કયાં છે.

સુવે છે શાનથી ફૂટપાથે ર્માં નાં ખોળામાં.

અજાણ છે એ હજી એને રહેવા ઘર કયાં છે.

કદી તો જીંદગીની ભાગદોડમાં’મહેબૂબ’

મળી ગયો હશે ઇશ્વર છતાં ખબર ક્યા છે?

***

હો જીંદગી ચીરાયૂ, તારા વગર નકામી.

છે મૌત એથી બેહતર, એથી ભલી નનામી.

દુનિયાની વાત માની એની સજા છે પામી.

આરંભથી કરી છે અંતે મળી તે પામી.

ભેગા તો નૈ સુવા દે એક જ કબરમાં દુનિયા.

તેથી કરો દુઆ કે હો કબ્ર સામસામી.

થાકી બહું ગયો છું સૌ કાચ ફોડી ફોડી.

ખામી છુપાવવામાં રહી જાય રોજ ખામી!

દિવસે સતાવે રાતે સુવા ન દે કવિતા.

સુખ, ચેન, ઉંઘ ખોઈ ને શાયરીને પામી.

આઝાદ થઇને ફરવાનો ડોળ છો કરે પણ.

માણસનાં મનમાં આજે પણ ક્યાંક છે ગુલામી.

મુકી જરૂરતોનાં ચરણોમાં પાઘડી તો

લાગ્યું કે જાત સામે તલવાર મે ઉગામી.

ફિક્કી બધીય વાતો લાગી રહી હતી પણ

’મહેબૂબ’ વાત તારી આવી તો વાત જામી.

***

જ્યારે જ્યારે મારા ભીતર જોઉં છું.

ફક્ત આડંબર તણું સ્તર જોઉં છું

હું બહું સમજીને બોલું છું પછી.

મારા પ્રત્યે એનો આદર જોઉં છું

જોઉં છું હું જર્ જરિત આ દેહને

જાણે કોઈ ફાટી ચાદર જોઉં છું.

સત્ય કહેવાની કદી હિંમત કરૂં.

સૌના હાથોમાં હું પથ્થર જોઉં છું.

હું બધાં બાળકના નિર્મળ સ્મિતમાં.

કોઈ અલગારી કલંદર જોઉં છું.

ઝેર શું પીવે નહીં અમૃત પણ

રંગમંચો પર જે શંકર જોઉં છું.

દેખાતી આંખોએ નાં જોયો કદી.

બંધ આંખોથી હું ઇશ્વર જોઉં છું.

મોહને ત્યાંગુ છું જો’મહેબૂબ’ હું.

રત્નને પણ ત્યારે પથ્થર જોઉં છું.

***

નીકળી ગયો છું ઘરથી હવે રાહ ક્યાં જશે?

આ જીંદગી ની નાવનો પ્રવાહ ક્યા જશે?

નિર્દોષ ઉપર જેઓ જુલમ ફક્ત કરે છે

એને ખબર નથી કે એની આહ ક્યા જશે?

જિજ્ઞાસાવશ હું લાશ અનીમેષ જોઉં છું.

માણસ મરી જશે તો એની ચાહ ક્યાં જશે?

બસ એટલો જ મોક્ષનો સમજાયો અર્થ છે.

ખુદને જવું ન હોય તો આ રાહ ક્યાં જશે?

’મહેબૂબ’ મનને મારી શકું છું છતાંય પણ.

ડર એ જ છે બીજે ભલા અલ્લાહ ક્યાં જશે?

***

એ પાપો સ્વયંના છુપાવી રહ્યું છે.

જગત એમ મુજને બચાવી રહ્યું છે.

અનુકુળ થવાનો અમે ગૂણ શીખ્યો.

દરદ પણ હવે અમને ફાવી રહ્યું છે

ગળા ડૂબ રાખેં છે મોજું સમયનું

મને એમ પાણી બતાવી રહ્યું છે.

જગતની બધી બોલતી બંધ થૈ છે.

પરિણામ બસ રંગ લાવી રહ્યું છે

રડાવે છે આખા જગતને જે કાયમ.

પરિબળ મને તે હસાવી રહ્યું છે.

***

શબ્દોને તોળવાની મજા ઓર હોય છે.

સમજીને બોલવાની મજા ઓર હોય છે.

દુનિયાનો હાલ હોય ભલે ને ખરાબ પણ.

બસ ખુદમા જીવવાની મઝા ઓર હોય છે.

ક્યાં એક સરખી કોઈ દશા જોઈએ મને

સુખ દુઃખમાં જીવવાની મજા ઓર હોય છે.

ખીલે વિવેકબુઘ્ધિ ફકત ઠોકરોનાં સંગ

એ ભેટ ખોલવાની મજા ઓર હોય છે.

પળમા હું હોઉં રંક ને રાજા ઘડીકમાં

સપના મા રાચવાની મજા ઓર હોય છે.

સઘળાય જ્ઞાન પ્રાપ્ત કરી એમ બસ થયું

અજ્ઞાની થૈ જવાની મજા ઓર હોય છે.

***

બંધ મુઠઠીમાં પ્રાણ રાખે છે.

એ પળેપળ ની જાણ રાખે છે.

મૌતની પળ બહું ભયાનક છે

પણ કૃપાળુ અજાણ રાખે છે

ગાળ આપે છે મનમાં એ સૌને

હોઠ પર જે વખાણ રાખે છે.

સુખનું અમૃત વલોવવામાં માટે.

આ સમય ખેંચતાણ રાખે છે.

સ્વર્ણ પર છૂટ છે શ્રીમંતો ને.

ધાન પર કેમ દાણ રાખે છે.

***

વાંઢા વટની વાત કરે તો સારૂં લાગે.

પરણેલા મુંગા જ મરે તો સારૂં લાગે.

દેખાડું છું નૃત્ય જગત ને ક્લાસીક્લ પણ.

બીડી છે પગ માં તે ઠરે તો સારૂં લાગે.

ગળી ગયો વરસાદ બધા રસ્તા ને તો પણ

સાયકલ હોડી જેમ તરે તો સારૂં લાગે.

સૌ પાસેથી લૈને ઉધારી લહેર કરી છે

કોઇ મારૂં દેણ ભરે તો સારૂં લાગે.

રોજ જરે છે ચકમક વાતે વાતે બેગમ

કોઇ દિવસ જો ફૂલ જરે તો સારૂં લાગે.

***

ગાલગા ગાલગા લગાલ લગા ગાલગા લગાલ લગા

કાન બીજાના કોઈ જ્યારે ભરે છે અને ડરે પણ છે

ભાર પોતાનો બીજા શિરે ધરે છે અને ડરે પણ છે

એક ઢાચામા ઢાળવા ખુદને કેટલો મથે તો પણ.

રોજ માણસ હજારોવાર મરે છે અને ડરે પણ છે

આવરણ જૂઠનું હશે કેવું કે અહિ બધા માણસ.

સત્ય મુખમાંથી કોઈવાર સરે છે અને ડરે પણ છે

હા બધા બસ અનુકૂલન સાધી દર્દને છુપાવે છે.

તોય ફરીયાદ એ સો વાર કરે છે અને ડરે પણ છે

ભીખ જાણે ન માંગતો હો એ એવું જગનુ છે વર્તન

ખુદના હઃક માટે પાઘડી તો ધરે છે અને ડરે પણ છે

સાંભળે ધ્યાનથી જગત યારો એ પછી હસે છે પણ.

તારો ’મહેબૂબ’ દિલની વાત કરે છે અને ડરે પણ છે

***

હવે વસ્તુ ની કિંમત છે વધારે દિલની ચાહતથી

નિખાલસ પ્રેમ પણ મળશે હવે જોવા મુસીબતથી.

મને તો આવનારી કાલ પણ દહેશત પમાડે છે.

હજી ઇશ્વર ડરાવે છે મને કોઈ કયામતથી.

ભલું દુનિયાનું કરવું એ કોઈ અપરાધ છે માલીક?

ઘણાં તારાજ થૈ બેસે છે કેવળ આ જ આદતથી.

ભરેલું ઘરને ખાલી પેટ પણ સુવા નથી દેતું.

વધારે કૈં ન દે ઇશ્વર મને મારી જરૂરતથી.

મહોબ્બતથી મળે જો ભીખ તો માથે વધાવૂ પણ.

હું ઠોકર થી ફગાઉ છું મળે જો તાજ નફરતથી.

વિચારૂં છું યુવાની માં બૂઢાપાની હું તકલીફો.

કે ખરતી જોઉં જો રેતી દિવાલોથી અને છતથી

***

અમારી આંખ થાકી છે હવે આવો તમે આવો.

હજી પણ રાત બાકી છે હવે આવો તમે આવો.

મે દ્રષ્ટિ દ્વારે તાકી છે હવે આવો તમે આવો.

હજી ક્યાં રાત થાકી છે હવે આવો તમે આવો.

સંબંધો તોડનારાઓ તમે દિલથી વિચારોને.

હજી પણ કૈંક બાકી છે હવે આવો તમે આવો.

મને નૈ ચેન લેવા દે જો દર્શન નૈ કરે તારા.

વ્યથાઓ ખૂબ પાકી છે હવે આવો તમે આવો.

શુષોભન, રંગના ભભકા રૂડા તોરણ અને ટહુકા.

ન રાખ્યું કાઈ બાકી છે હવે આવો તમે આવો.

ફકત સળગી મશાલો હો, સલામત હાથ હો બન્નેઃ

તો સમજો રાસ બાકી છે હવે આવો તમે આવો.

મિલનની ક્ષણનો સરવાળો કરૂં’મહેબૂબ’ કૈ રીતે.

હમેશા બાદબાકી છે હવે આવો તમે આવો.

***

આજ થંભી જાય જો વાદળ પછી.

આપણે પીવા નથી મૃગજળ પછી.

તુ સનમની જાતમા ઓગળી પછી.

વધ ખુદના માર્ગમા આગળ પછી.

એને મારા માં સમાવી લઉં હવે.

શુ નડે તો દ્વારની સાંકળ પછી.

એને જોયા તો મને એવું થયું.

એક મોટુ રણ હતું વાદળ પછી.

વાર્તા કોની લખી’મહેબૂબ’ તે

અંતતઃ રડતો રહ્યો કાગળ પછી.

***

ઘર ભરેલું છે ઘણાં સામાનથી

તોય ખાલીપો છે એ સામા નથી

એટલે ડરતો રહ્યો ભગવાનથી

વસ્ત્ર મારા તન ઉપર ભગવા નથી

જ્યાર થી મનમ વસાવ્યા એમને.

દ્વેષ નફરત કે કોઈ શંકા નથી

રાત દી એની કરૂ ચર્ચા સદા.

ખુદની નજરે જેમને જોયા નથી.

આપણે બસ સારી કરવાની રહી.

કેમ કે સારી કોઈ દુનિયા નથી.

એક બારી ખોલ તુ’ મહેબૂબ’ પણ

બંધ મનને કોઈ દરવાજા નથી.

***

મારા કલામ મારી મહોબ્બત થી પર નથી

મારા ઉપર કહોને કે કોની નજર નથી.

મારા પ્રવાસ પર હવે મારી નજર નથી

ચાલે છે શ્વાસ કે નહીં તે પણ ખબર નથી.

કાયમ બચાવી લે છે બધાં વાદથી મને.

કોઈ ઉપાય મૌન સમો કારગર નથી.

રખડેલ છે એને કોઈ રોકી શકે નહીં

મન ક્યાં કહે છે કોઈ દી’આજે સફર નથી.’

જન્નત સમા એ ર્માંના ચરણ મા સૂતેલો બાળ

એ બેફિકર છે એને ભલે રહેવા ઘર નથી.

અલ્પાયું માં કરેલા ઘણાં કૃત્ય જીવે છે.

ઘરડા થવાનું નામ તો યારો અમર નથી.

’મહેબૂબ’ પ્રેમની આ ઘડી કેવી અજબ છે.

હૈયાની વાત બેય નાં હોઠો ઉપર નથી.

***

અમીરી શું ગરીબી શું? ગજબનો ગ્રીષ્મનો તડકો.

બધે વરસાવી જાશે લું ગજબનો ગ્રીષ્મનો તડકો

શ્રીમંતોની હવેલીમાં શુરૂ થૈ જાય જોછઝ્ર

નરમ થૈ જાય જાણે રૂ ગજબનો ગ્રીષ્મનો તડકો

અહિ તૌ કલ્પનાનાં દ્વાર ખુલ્લી જાઇ છે સહસા

મળે એકાંતને બીજું ગજબનો ગ્રીષ્મનો તડકો

વગર વરસાદે ભીના રોડ આ ૠતુ માં મળે જોવા

બને પળવાર માં જાદુ ગજબનો ગ્રીષ્મનો તડકો

અહિ તો ફૂલ’ને તેઓની લાલી બેય ખોવાણી.

શું એને પણ કરી ગ્યો છૂ ગજબનો ગ્રીષ્મનો તડકો

***

રસ્તા ઉપર રહી અને રસ્તાની શોધ કર.

દુનિયાને ચાહવા નવી દુનિયાની શોધ કર.

બનવું હો પરિપક્વ જો તારે હે મિત્ર તો.

સહેલી નહીં તું અઘરી પરીક્ષાની શોધ કર.

સિદ્ધાર્થ થી જો બુદ્ધ સુધી તારે હો જવું.

જરજર થયેલી કોકની કાયાની શોધ કર.

માન્યું કે કોઈ પાસે સમય ફાલતુ નથી.

જામે છે ભીડ કોઈ તમાશાની શોધ કર.

ચહેરો નહીં માણસનું જે કિરદાર બતાવે.

’મહેબૂબ’ એવાં કોઈ અરીસાની શોધ કર.

***

નારા લગાડવાથી જો ફુરસદ જરા મળે.

તો આપણી તે વ્યથાઓની સાંભળે.

અવતાર કોઈ આવશે બસ એ જ આશમા

આકાશ શું નીહાળે છે લોકો પળેપળે.

ચાહે છે સૌ વિકાસ ભલે કોઈ પણ રીતે.

માણસતો હદ કરે છે એ ખૂદનેઃય પણ છળે.

આપી શકુ પ્રકાશ જગતને કદાચ હું

સૂરજની જેમ મારા મહી કોઈ દુખ બળે.

આ કેવી છે કૃપા કે હું’ મહેબૂબ’ શુ કહું.

આફત હજારો આવે છતાં વાળ ના વળે.

***

એ સામ દામ અને દંડ આજમાવે છે.

આ જીંદગી તો મને રોજ ફોસલાવે છે.

ભલે મથે આ જગત વાળ ના વળે એનો.

કે જયાં સુધી કોઈ માણસને તુ બચાવે છે.

હવે દુઃખોથી હું બસ એટલે નથી ડરતો.

એ ફક્ત નામ છે કે જેનું મોત આવે છે.

બસ એક ક્ષણમાં સમય એને આંચકી લેશે.

ઘણાય રંગ વડે જેને તુ સજાવે છે.

બસ એક કારણે હું જીંદગીથી રૂઠયો છું.

કે એ કદીય ભલા ક્યાં મને મનાવે છે.

તરસને જ્યારે હું હારીને’આવજો’ કવ છું.

શુ મારા હોઠ સુધી લાખ જામ આવે છે.

કરે છે લોકો સમીક્ષા છતાં અજાણપણે.

હંમેશા માર્ગ એ’મહેબૂબ’ને બતાવે છે.

***

પ્રત્યક્ષ કે પરોક્ષ વિનાશક નથી રહ્યો.

જ્યારે હુ રાજનીતિ નો સેવક નથી રહ્યો.

દુનિયાનો સૌથી મોટો તમાશો છે જીંદગી.

અફસોસ કોઈ રીતે એ રોચક નથી રહ્યો.

પોતાનુ અને પારકું જાણે છે એ બધું.

નિર્દોષ આજ તો કોઈ બાળક નથી રહ્યો.

ખોલી છે તે શુ કામ આ આદર્શની દુકાન.

એનો તો એક પણ હવે ગ્રાહક નથી રહ્યો.

નિશ્ચિત હર એક વસ્તુનો ઉદ્દેશ છે અહી.

દુનિયા મા કોઈ દર્દ તો નાહક નથી રહ્યો.

મોઢા ઉપર લગાડે છે સૌંદર્ય પ્રસાધન

ચેહરો છતાંય કોઈનો મોહક નથી રહ્યો.

ગંતવ્ય તમને કઈ રીતે મહેબૂબજી મળે.

જો કોઈ પણ આ સત્યનો શોધક નથી રહ્યો.

***

શુ આજ કાલ શહેર માં મરતુ નથી કોઈ.

લાગે છે એમ જાણે કે ભૂખ્યૂ નથી કોઈ.

દુનિયા ને સમજવાની કરે ભૂલ સૌ અહિં.

કોશિશ કરે હજાર સમજતું નથી કોઈ

એ સ્વપ્ન આંસુ થૈને મારી આંખથી નીકળ.

દિલની હવેલીમાં હવે રહેતું નથી કોઈ.

મુશ્કેલ આ સમયમાં મને સાંચવ્યો જો તે.

લાગે છે આ જગતમાં અટુલું નથી કોઈ.

’મહેબૂબ’ તું ય નીકળી પડયો પ્રેમના પથ પર

પડવા છતાંય જેમા અટકતૂ નથી કોઈ

***

ભાર ઈચ્છાઓનો વેંઢારી મરે છે આદમી

પેટની માટે ભલા શું શું કરે છે આદમી.

જાણે ઉદ્દેશ એની જિંદગીનો કૈં નથી.

બેફિકર થૈ આ જગતમાં બસ ફરે છે આદમી.

મૌતના તો દાંત ખાટા એ કરી જાણે છતાં.

જિંદગીનું નામ બસ પડતા ડરે છે આદમી.

જ્યારે જ્યારે તક મળે હક એ પચાવે કોક નો

એ છતા પણ ન્યાયની વાતો કરે છે આદમી.

દોસ્તો એથી વધારે થાય શુ હાલત ખરાબ

ખુદની નજરો થી અરે આજ ઉતરે છે આદમી.

***

અમારૂં દિલ તો અહિં કેટલી બલા થી ડરે.

ગુનાહ શું છે કહો કે સદા સજાથી ડરે

હવે રગોમાં વહે લોહીને બદલે નફરત.

ખુદા કરે કે કોઈ તો હવે ખુદાથી ડરે

અમારાં ઘરમાં અમે જીવ બાળીએ કેવળ.

કહો કે દીવડો એ કઇ રીતે હવાથી ડરે.

બસ એક વાર અમે જાત સાથે ભેન્ટયા હતાં.

અમારૂં બિંબ અમારાં જ આયીનાથી ડરે

પ્રણય ના પંથે જે’મહેબૂબ’ અહિ ચાલે છે.

એ શખ્સ કઇ રીતે બોલો ફના થવાથી ડરે

***

તુ આડંબર ની હદથી પાર થૈ જા.

પછી ખુશીયોનો દાવેદાર થૈ જા.

મને બેઘર જગત આખું કહે છે.

તુ મારી છત, દિવાલો ચાર થૈ જા.

કલમ સુવાક્ય માટે થા કદી તું

જો હકની વાત હો તલવાર થૈ જા

જો કોઈ આંખથી મોતી વહે તો.

કરી ભેગા તુ પૈસાદાર થૈ જા.

નથી કૈં પણ તો કર તુ પ્રાપ્ત સઘળું.

જો સઘળું હોય દાતાર થૈ જા.

તને સપના જ દુઃખ’મહેબૂબ’ દેશે.

હવે જાગૃત એ મારા યાર થૈ જા.

***

કોઈને કોઈની જરૂરત નથી.

જગત તો પછી ખૂબસૂરત નથી.

ખરી કોઈની જ્યારે નીયત નથી.

છતા એ કમાણીમાં બરકત નથી.

બધાં સુખ તો બેસ્વાદ લાગે પછી.

કે જો જીંદગીમા મહોબ્બત નથી.

જુએ છે એ માણસ ની બસ ભાવના

ફકત એને સજદાની ચાહત નથી.

ભ્રમિત સત્યના માર્ગ થી એ કરે.

મને આટલા સુખની આદત નથી.

છે બુઘ્ધિજીવીઓનુ આખું જગત.

કે જ્યા કોઈ દિકરી સલામત નથી

જો માંબાપ રાજી તો રાજી ખુદા.

બીજી કોઈ મોટી ઇબાદત નથી.

જગતમાં કોઈનું ભલું જો કરૂં.

મને સ્વર્ગની તો જરૂરત નથી.

***

મૂંઝાએલું ભલે જીવન વધું છે.

સહારો આપનો પાવન વધું છે.

નથી સંતોષ ત્યાં મળતો કદી પણ.

કે જયાં સિક્કા તણી ખનખન વધું છે.

મને જકડયો છે સો મજબૂરીઓ એ.

તને મળવાનું જો કે મન વધું છે.

મે સંતાડયૂ છે મારી જાતથી શુ?

મચાવે શોર શુ ધડકન વધું છે.

ભલે લોહીનું સગપણ કૈ નથી પણ.

અહિં ૠણા તણું બંધન વધું છે.

***

જયાં માથું પીટતો હો આદમી ખુદની જરૂરત પર.

કરે વિશ્વાસ કોઈ કઇ રીતે સારા મુહૂરત પર.

અહિં પ્રત્યેકની આંખોમાં બસ આંસુ જ આંસુ છે.

છતાં પ્રત્યેક હસતા હોય છે રડતાની સુરત પર

શરણ પામી તમારી મૌતને ભેટી જવું’તુ પણ.

છતા આવી નહીં કમબખ્ત એ સારા મુહૂરત પર.

આ કેવો દોર છે ભૂખ્યાને દાણો પણ નથી મળતો.

ચડે પકવાન છે તો પણ અહિં સોનાની મુરત પર.

અરે ’મહેબૂબ’ જો બાળક નિશાળે જાય છે કોઈ

મહેકતું હોઇ છે ઉપવન પછી તો એની સુરત પર.

***

બેકાર ઉમર વેડફી નાખી હિસાબમાં.

નાપાસ છેવટે થયાં સહેલા જવાબમાં.

દુનિયાને ગીત કોઈ ખુશીના નહીં મળે.

તે દર્દ ભરી બેસી ગયો છે રબાબમા.

રહેવા નથી મળતું અહિં લોકોને ઝૂંપડું.

વેચાય છે જો કે જમીન માહતાબમાં.

જીવન વિશે સલાહ હું આપુ તો કૈ રીતે.

મે જિંદગી ને ફક્ત નિહાળી છે ખ્વાબમાં.

લાવી છે બાળકોમાં પરવરીશ કેવો રંગ.

જો એકવાત બોલો મળે સો જવાબમાં.

શુ કામ ગુલબદન ન કહું તમને એ કહો.

રંગત તમારી જોઇ છે તાજા ગુલાબમાં.

મહેબૂબ વાત કેમ સમજતું નથી જગત.

મરતી નથી ડૂબીને મહોબ્બત ચીનાબમાં

***

કોને ખબર એ શું શું બોલે અલગારી

ભેદ બધાં જીવનનાં ખોલે અલગારી.

દુનિયા ક્યારે જાગશે ઘેરી નિંદરથી

ઢોલ પીટતો રોજ એ બોલે અલગારી.

કૈફ નથી ચડતો એને આ દુનિયાનો.

હોશ માં રહીને કાયમ ડોલે અલગારી.

કાન દઇને સાંભળે એને વિદ્વાનો

જ્યારે ખુદની ધૂનમાં બોલે અલગારી.

પોતાની નાદાનીથી’મહેબૂબ’ સદા.

પોલ બધી દુનિયાની ખોલે અલગારી.

***

જે સ્વયં નું ખમીર મારે છે.

એ જગતમાં બધુ સ્વીકારે છે.

પ્રેમ તો એક જંગ છે જેમા

જેઓ જીતે છે એ જ હારે છે.

એને માટીમાં મેળવી દેશે.

જેમને ખુદ સમય નિખારે છે.

મૌત આવે તો એમ લાગે છે.

બોજ જાણે કોઈ ઉતારે છે.

જેઓ જાહેરમાં હસે’મહેબૂબ’

ખાનગીમાં એ અશ્રુ સારે છે

***

મને ભૂલકાઓથી ચાહત વધું છે.

રમકડાંની છતાં કિંમત વધું છે.

રહ્યાં ભૂખ્યાં છુપાવીને જગતથી.

પિતાજીની અહિં ઈજ્જત વધું છે

વહાવૂ લોહી છે આસાન અહીંયા.

કે લોકોમાં અહિં નફરત વધું છે

નથી સંતોષ એ ઘરમા કદી પણ.

કે જયાં પણ દોસ્તો દોલત વધું છે

ખરીદે કઇ રીતે ગૌરવ અમારૂં.

કે ખુદ્દારીની પણ કિંમત વધું છે.

***

આગનો માર્ગ છે, ફૂલોની ડગર થોડી છે?

સાવ આસાન મહોબ્બત નો સફર થોડી છે.

પેરવી જૂઠની ના કર તુ સિયાસત માટે.

ભાઈ કાયરતા છે એ કોઈ હુનર થોડી છે.

પાપ દેખાઈ છે દુનિયાના હંમેશા તો પણ

ખુદના કિરદાર ઉપર ખુદની નજર થોડી છે?

રોઈ રોઈને ભલે મારો હાલ વ્યકત કરૂં

પણ દુઆઓમાં હજી મારી અસર થોડી છે?

જ્યાં દફન ખોખલા વ્યવહાર બધાં કૈદ રહે.

મારા મહેબૂબ એ તો જેલ છે, ઘર થોડી છે?

***