અભાવ બોલે છે ભાગ 2 Author Mahebub Sonaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અભાવ બોલે છે ભાગ 2

અભાવ બોલે છે

(2)

મહેબુબ સોનાલિયા

031.ધરી ધીરજ ભલે પળપળ.

032.સમયને જીતવા માટે સતત હારી રહ્યો છું હું.

033.મૃદુ શબ્દ ગુંછો અતી પ્યાર સાથે,

034.ડુબાડે મન પડે તેને, ને મન ફાવ્યાંને તારે છે

035.કમી છે કોઇ જીવનમા અભાવ બોલે છે

036.હતાશા ,દર્દ 'ને પલળેલ પાંપણથી વધારે શું?

037.જીંદગી જીવાય છે પણ તોય શું?

038.વિતાવી ઝિંદગી છે એમ મેં દિલદાર ની સાથે.

039.પડે છે એક ત્યાં તો દસ હસે છે

040.કલંદર એટલે આ શ્હેર નો હિસ્સો નહિં લાગે.

041.એક કે બે જણ હશે તો ચાલશે.

042.આ જીંદગી તો દોસ્તો કપાઇ તે પતંગ છે.

043.આજ લોકો શું હમદમ, સૌ ઉદાસ બેઠા છે.

044.એ કહીં આસ પાસ હોય નહીં.

045.પૂછો કે મારી સાચી ખબર કોની પાસે છે.

046.દુનિયા ની સૌ વાત મહીં દોરાઈ છે.

047.પ્રણય નાં ગ્રંથમાં અઢળક ગુલાબ રાખે છે.

048.ચૂંટણી નો યજ્ઞ જયાં જયાં થાય છે.

049.છે ક્રૂર બધા લોકો અહિંયા તેથી જ તો દુનિયા ખટકે છે.

050.મારી ખબર છે જેને તે પણ ખબર ન પૂછે.

051.ભલા માટે બુરા માટે.

052.આંખની સામે ઘણા એવા ચમત્કાર આવે

053.દંભ નું સ્મિત લઇ આવભગત છોડી દે.

054.જોઇલો આ જૂરાપો પછી પૂછજો

055.કોઈ માંગે ખુદાનું સરનામું

056.અજબ વિશ્વાસ બસ તેથી પવનમાં રોજ આવે છે.

057.જાત પર કાયમ તને સંદેહ છે.

058.થાય આ ભવ પાર એવું આચરણ તો દે મને.

059.ધર્મની ચર્ચા ઉપર ઉભા છીએ.

060.આદમી ખુદની જરૂરત પર.

***

ધરી ધીરજ ભલે પળપળ.

છતાં મોંઘૂં મળ્યું છે ફળ.

ભલા માણસ કદી બે પળ

અરીસા બ્હાર આવી મળ.

સરળતા ને સમજવામાં

સદા સૌ જાય છે નિષ્ફળ

એ સરજનહાર દુનિયા નો

કરી જાણે છે સ્થળ ને જળ.

છે એવું પ્રેમ નું ઝરણું.

વહે જે મુજ મહિં ખળ ખળ.

છે સૌના હોઠ ઉપર સ્મિત

અને છે દિલ માં દાવાનળ

કદી છતથી કે આંખોથી

શું ઘરમાં રોજ ટપકે જળ.

જુએ માં રાહ દિકરાની

અને આવે છે બસ કાગળ.

મળે મહેબૂબ કોક એવું

જે દુઃખ માં પણ રહે આગળ.

***

સમયને જીતવા માટે સતત હારી રહ્યો છું હું.

છતાં આ જિંદગીને રોજ પડકારી રહ્યો છું હું.

મને દર રોજ બસ એવી રીતે મારી રહ્યો છું હું.

હસું છું આંસૂંઓપણ એકલો સારી રહ્યો છું હું.

હજી મારા જ નામે છેતરાવાના છે સૌ વિક્રમ

ભલેને માણસોને રાત-દી' ચારી રહ્યો છું હું.

લડાઇ જ્યાર થી છે આદરી આ જાત સામે મેં.

સતત જીતી રહ્યો છું હું, સતત હારી રહ્યો છું હું.

ભલે જાહેરમાં ઠાર્યા છે બળતાં કેટલાયે ઘરઃ

બળેલા હાથ પણ એકાંત માં ઠારી રહ્યો છું હું.

કે મારા બાળકો આરામ થી જીવી શકે તેથીઃ

ઘણાં સપનાઓ મારા હાથથી મારી રહ્યો છું હું.

હવે મહેબુબ તારી યાદનો પોશાક પહેરું છું

આ જરજર થૈ રહેલો દેહ શણગારી રહ્યો છું હું.

***

મૃદુ શબ્દ ગુંછો અતી પ્યાર સાથે,

ધરું છું બધા ને હું આભાર સાથે.

જગતનો કોઇ બોજ ભારે શું લાગે

તે જાણે જીવે જે અહંકાર સાથે.

પડે છે જરુરત અલગ હર સમય પર

કલમ ને ના સરખાવો તલવાર સાથે!

હું માણસ છું કિંતુ હું માણસ રહું નૈ

વધારે રહું છું સમજદાર સાથે!

વધુ રોશની પણ ખતરનાક લાગે

રહ્યો છું સદા હું તો અંધાર સાથે.

દરદ ને ય 'મહેબૂબ' શું હું નકારું

સ્વિકારું છું સૌ ને જ્યાં સતકાર સાથે.

***

ડુબાડે મન પડે તેને, ને મન ફાવ્યાંને તારે છે

દિસે જગ નાચતું આખું મને તારા ઇશારે છે

અહિં મારા સિવા' તારી કસોટી કોન કરવાનું

તું નાહક! દુશ્મનો ના નામ સઘળાં શું વિચારે છે.

હિમાલય જેવડો માણસ કદાચિત હોય તારા માં

તું તારી જાત ને કાયમ ઉતરતી શાને ધારે છે.

ખુશી થી તું અલગ થૈ જા સહન નો થાય જો તુજ થી,

પ્રણય નો બોજ દુનિયાના બધા બોજો થી ભારે છે.

અતિ આનંદ પામું છું અરે એ પણ તો વિસ્મય છેઃ

તુ મારી જીંદગી માં જ્યારે પણ પીડા વધારે છે.

કૃપાદ્રષ્ટી છે કેવી,આજીવન ની ભેટ હો જાણે

મને 'મહેબૂબ' તારા નામથી દુનિયા પુકારે છે.

***

કમી છે કોઇ જીવનમા અભાવ બોલે છે

રહું છું મૌન છતાં હાવ-ભાવ બોલે છે

હું તારા શહેરની મોકાની ઇમારત તો નથી

કે વાત વાતે બાધા મારો ભાવ બોલે છે

નથી નશામાં છતાં ભાનમાં ય નૈ આવું

તમારી યાદ પીધી છે પ્રભાવ બોલે છે

વિહંગ જીવનું ભોળું અને જગત ચાલાક,

એ જાળ હાથમા લૈ,"આવ આવ..."બોલે છે!

અ રે કાં મિત્ર બધા બ્હાર મળવા બોલાવે

કદાચ આંગણું ઘર નો સ્વભાવ બોલે છે

હે જીંદગી તને હું કલ્પનામાં જીવું છું

મુકામ કેવો હશે? ક્યાં પડાવ બોલે છે

હશે સંબંધની સીમા અતિચરમ `મહેબૂબ`

પૂરાવા રુપે તમારા આ ઘાવ બોલે છે !

***

હતાશા, દર્દ 'ને પલળેલ પાંપણથી વધારે શું?

મળે છે વારસામાં એ જ થાપણથી વધારે શું?

એ રોઈ રોઈને સંપૂર્ણ સુકાઈ ગયી અંતે......

સમયની આંખથી પામો તમે રણથી વધારે શું?

તમે નિર્દોષતા તો છીનવી લીધી બિચારા ની

અને આપી શક્યા છો ફક્ત શિક્ષણ થી વધારે શું?

સકળ બ્રહ્માંડ ની ચિંતા કરે છે જગ તણો સ્વામી.

વિચારી તું શકે 'જો', 'તો' અને 'પણ' થી વધારેશું?

ફક્ત ચેહરો નહીં કિરદાર પણ દેખાય છે જેમાં.

કહો એવા નયન ને આપ દર્પણ થી વધારે શું?

ખુમારી ધેર્ય ને શ્રધ્ધા તણી મિલકત ની સ્વામી છે.

ગરીબી ને કહો છો ફક્ત ડાકણ થી વધારે શું?

તમે ભ્રમણા માં જીવો છો હકીકત ને કદી જાણો

જગત છે આંધળી આંખો ના આંજણ થી વધારે શું?

જરા અમથી પરીક્ષા થી એ હિંમત હારી બેસે છે

કહે મહેબૂબ આ યૌવન ને ઘડપણ થી વધારે શું?

***

જીંદગી જીવાય છે પણ તોય શું?

ક્યાં કશું સમજાય છે પણ તોય શું?

જે સફર માં હું હતો બસ એકલો

કાફલા વિખરાય છે પણ તોય શું?

ગાંઠ તારા નામ ની મારી નહીં.

રાત દી' સીવાય છે પણ તોય શું?

જે જીવન નો મર્મ છે આરંભ થી.

અંત માં સમજાય છે પણ તોય શું?

આપણું સામર્થ્ય છે થોડું ઘણું

એટલે પરખાય છે પણ તોય શું?

***

વિતાવી ઝિંદગી છે એમ મેં દિલદાર ની સાથે.

તબીબો જે રીતે વર્તન કરે બીમાર ની સાથે.

કરે છે એ રીતે ઇચ્છાઓ માણસ જાત નો પિછો.

કે કોઇ ટહેલવા નીકળ્યો હો પહેરેદાર ની સાથે.

તમે માણસ ના બદલાઈ ગયા ની વાત ના કરશો.

અહિં તો પ્રેમ પણ બદલાય છે વ્યવહાર ની સાથે.

અરે સૂરજ ઉપર પણ માણસો તહોમત લગાડે છે.

જિવ્યા છે જે હમેશા એકલા અંધાર ની સાથે.

કદી દિલદાર ની 'ના' ને હ્રદય ઉપર નહીં લેશો.

ઘણી મજબૂરિયો પણ હોય છે ઇનકાર ની સાથે.

ભલા 'મહેબૂબ' સાથે ઝિંદગી માં પ્રાપ્ત શું કરશો?

સમય નાહક બગાડો છો તમે બેકાર ની સાથે.

એ રમતા રમતા પોતાનું જ ઘર સળગાવે છે 'મહેબુબ'

રમાડે છે જે બાળકને સદા અંગાર ની સાથે.

***

પડે છે એક ત્યાં તો દસ હસે છે

લઈ સૌ ખૂબ એમાં રસ હસે છે.

બધા આદર્શ ટીંગાડ્યાં છે ભીંતે.

અને બાપૂ હશે છે બસ હસે છે.

કરે છે ડોળ હસવાનો હંમેશા

ખરેખર ક્યાં કદી માણસ હસે છે.

તે સુખનો અર્થ પણ સમજ્યો છે કેવો?

દબાવી શું બીજા ની નસ હસે છે

મનાવો કેટલું તો પણ ન માને.

ને હસવું હોઈ તો ચોક્ક્સ હસે છે.

સતત રડતા રહે છે તેવા માણસ

સદાયે જેમની નસ નસ હસે છે.

મને છે એટલું બસ દુઃખ મહેબૂબ

ફક્ત માણસ ઉપર માણસ હસે છે

***

કલંદર એટલે આ શ્હેર નો હિસ્સો નહિં લાગે.

રહે છે એ જગત મા પણ જગત ઘેલો નહિં લાગે.

જો મનમા પ્રેમનો સદભાવ હો ઘરના સદસ્યોમા.

ભલે હો લાખ નાનો ઓરડો, નાનો નહિં લાગે.

કે અજવાળા માં જેણે દર બ દર ખાધી હો બસ ઠોકર.

તો અંધારામાં એને કોઇ દી' ખતરો નહિં લાગે.

લિબાસ આ જીંદગી નો સૈંકડો થીંગડાઓ માંગે છે.

કરું કોશીશ છતાં એમાં કોઇ ટાંકો નહિં લાગે.

તરક્કી નો અરે માહોલ તો જુઓ જરા સાહેબ.

હવે તો ગામડાં માં પણ કોઇ મેળો નહિં લાગે.

અજબ સંબંધ છે મારો ને આ માસૂમ શીશુઓનો.

મળું પહેલી વખત પણ એ અજાણ્યા તો નહિં લાગે.

તમારા સ્પર્શની યાદોં ને મનમાં જ્યારે રાખી છે.

રહે છે એકલો 'મેહબુબ' પણ અતડો નહિં લાગે.

***

એક કે બે જણ હશે તો ચાલશે.

સુખ અને દુઃખ પણ હશે તો ચાલશે.

પાપ નો ડાઘો ન જોયે એક પણ.

ફક્ત બે પહેરણ હશે તો ચાલશે.

બાળકો ના હિત ખાતર જો પિતા.

ઢાંકતો ઢાંકણ હશે તો ચાલશે.

હોઠ પર ભીની તમારી યાદ છે.

કંઠ મા સો રણ હશે તો ચાલશે

સત્ય નો ધ્વજ હાથ મા હોવો ઘટે.

શીશ પર ખાપણ હશે તો ચાલશે.

દુઃખ તો આજીવન રહે છે સાથ મા

સુખની થોડી ક્ષણ હશે તો ચાલશે.

***

આ જીંદગી તો દોસ્તો કપાઇ તે પતંગ છે.

મુકામ એનો જોઇલો હવાની સંગ સંગ છે.

અતુલ્ય એનાં સ્પર્શ નો બહુ અતુલ્ય ઢંગ છે.

શરીર ની દરેક રગમાં વાગે જલતરંગ છે.

જરૂરતોનો એમને શું ડર બતાવશો તમે.

ફિકર કરે જે ભૂખની તે ક્યાં ભલા મલંગ છે?

દુખે કોઈનું દિલ કદી તો અશ્રુ ભીના ગાલ હો.

શું દિલથી આ નજર સુધી છુપી કોઈ સુરંગ છે.

બહુ અજબ છે દોસતો સમયની રીતભાત પણ,

શરીર નાં જહાજ ઉપર આ મૌત નું અલંગ છે!

***

આજ લોકો શું હમદમ, સૌ ઉદાસ બેઠા છે.

તંગ આવી ખુશીયો થી દુઃખ ની પાસ બેઠા છે.

એ રીતે જુએ છે સૌ બંગલા ની બારી થી.

જાણે ઝુંપડી વાળા બેલિબાસ બેઠા છે.

છે સુવાસ ચંદન ની એટલું કહે છે બસ.

હો ન હો કહીં તે આસપાસ બેઠા છે.

હર કોઈ એ થૉપ્યાં છે ખુદના પાપ બીજા પર.

કોઈ તારશે એવી લઇને આસ બેઠા છે.

અવદશા હતી ત્યારે જેઓ છોડી ભાગ્ય' તા.

આજ આપણાં એ સૌ થૈને ખાસ બેઠા છે.

***

એ કહીં આસ પાસ હોય નહીં.

નૈ તો રોશન અમાસ હોય નહીં.

વ્યાજસ્તુતી ગમે છે જેઓને.

દ્વંદ્વ એનો સમાસ હોય નહીં.

જ્યાં પરાણે વસે છે લક્ષ્મી ત્યાં,

શારદા નો નિવાસ હોય નહીં.

જેની વાતો વધારે મોટી હો.

કામ કૈં એના ખાસ હોય નહીં.

હાથ બસ ત્યાં લગી સલામત છે.

જ્યાં સુધી એનો રાસ હોય નહીં.

ભીતરે જે વસે છે ઓ મહેબૂબ

બ્હાર એની તપાસ હોય નહીં

***

પૂછો કે મારી સાચી ખબર કોની પાસે છે.

મારી જમીન પર બન્યું ઘર કોની પાસે છે.

મંદીર છે આ તરફ અને તેં બાજુ સુરાલય.

પંડિત જી ચાલ્યા કીધા વગર કોની પાસે છે.

શેરી છે આ ગરીબ ની બસ પ્રેમ છે અહિં.

પૂછો મા સોના ચાંદી નાં ઘર કોની પાસે છે.

વિશ્વાસ જાત પર છે કે દૌડૂ છું પગ વગર.

માણસ માં ભલા આવો અસર કોની પાસે છે.

દસ બાય દસ ની માંડ મળે ઝુંપડી અહિં.

સપના નું રૂડું રંગનગર કોની પાસે છે.

રડમસ થયેલા આદમીને પળમા હસાવે.

'મહેબૂબ' આજ એવું હુનર કોની પાસે છે.

***

દુનિયા ની સૌ વાત મહીં દોરાઈ છે.

આગળ કૂવો છે તો પાછળ ખાઈ છે.

મુશ્કિલ છે કે ક્યાસ મળે એનો તમને.

કેવી સાચી વાત મહીં સચ્ચાઈ છે.

માન્યું કે પ્રખ્યાત થઈ હસ્તી મારી.

તો હજી મને ક્યાં મળી એ ભાઈ છે.

માલ મતા થી હોય મને નિસબત શાથી.

મારી પાસે પ્રેમ ની ફક્ત કમાઈ છે.

જાણે કોઈ જિદ્દી અડીયલ બાળક હો.

મારી હયાતી એ રીતે સચવાઈ છે.

***

પ્રણય નાં ગ્રંથમાં અઢળક ગુલાબ રાખે છે.

ને છેલ્લાં પાને બધાં નો હિસાબ રાખે છે.

કદી અકલની, કદી રુપ, કદી દુનિયાની.

તુ સોહબતો શું ભલા સૌ ખરાબ રાખે છે.

કે ચાહું તોય ક્યાં ભૂલો પડી શકું છું હું.

બસ એમ હાથવગો તે જનાબ રાખે છે.

હંમેશા અશ્રુભીની એની રહે છે પાંપણ

વસાવી દિલ જીગર માં જેઓ ખ્વાબ રાખે છે.

એ મોકલે છે મને આંસુઓ પરબિડિયા માં

વિરોધ એવો તો શું એ જનાબ રાખે છે.

કહ્યું છે કોઇએ કે 'મહેબૂબ' તું શતાયૂ થા.

એ તેથી નામ 'દુઆ' નું 'અઝાબ' રાખે છે.

***

ચૂંટણી નો યજ્ઞ જયાં જયાં થાય છે.

મુફલિસોના હાડકા હૉમાય છે.

ફુલ જેવી દિકરી છે સાસરે.

ફૂલની માફક સતત કરમાય છે.

તારા વિશ્વાસે જીવે જે આદમી.

ક્યાં મુસીબત થી કદી ગભરાય છે.

ત્યાં જ રડવાની ઘડી આવી ચડે.

આદમી જયાં બેઘડી હરખાય છે.

ભૂલવા મન એને ચાહે છે છતાં.

હાથ એનું નામ લખતા જાય છે.

ઓથ જ્યારે સત પુરુષ ની નાં મળે.

ત્યારે પથ્થર માત્ર ડૂબી જાય છે.

***

છે ક્રૂર બધા લોકો અહિંયા તેથી જ તો દુનિયા ખટકે છે.

કારણ કે દુનિયાને કાયમ સપનાઓ બીજાના ખટકે છે.

સપના તૂટ્યાનું દુઃખ કાયમ બસ થાશે તેઓને જગમાં

જેની આંખો માં તુટેલા સપનાના ટુકડા ખટકે છે.

જે રાત નાં વાળું ની ચિંતા બસ પહેલા પહર કરતો હો

એને પંડિત મૌલાના નાં હર એક ગતકડાં ખટકે છે.

બે પાંચ ટકા માટે જ્યારે શ્વાસો નું સરવૈયું તૂટે

બસ ત્યારે મને આ દુનિયાની બેકાર પરીક્ષા ખટકે છે.

બસ ધર્મના નામે દુનિયામાં પજવાઈ રહેલા માણસ ને

અલ્લાહના આ ઠેકેદારો ભગવાન ના દિકરા ખટકે છે.

'મહેબૂબ' ની યાદો મા જ્યારે હું ભાન ભુલીને બેસુ છું

ત્યારે મારા અલ્લાહને પણ મારી એકલતા ખટકે છે.

***

મારી ખબર છે જેને તે પણ ખબર ન પૂછે.

ડૂબી રહેલો સૂરજ દુનિયા મા કોણ પૂજે?

દુનિયાના સર્વ સગપણ તુટી ગયા અચાનક.

અભિમાન ના ગગન પર જ્યારે ચડ્યો હું ઊંચે.

દુઃખની શું વાત કરવી ગમની પછી શું ચિંતા.

મારા નયન ના આંસુ પાલવ જો તારો લુંછે.

મનનેય પૂછી લેજો ચોક્ક્સ જવાબ મળશે.

જ્યારે ફકત મગજ થી તમને કશું ન સૂઝે

વરસો થી મારા ભીતર સૂકો પ્રદેશ છે પણ

જો એક સ્પર્શ તુ કર કશું ક ફૂટે.

જુદી જ રાહ નો છું મહેબૂબ હું મુસાફર.

તુજ દ્વાર જો મળે તો હરદ્વાર ક્યાં જવું છે.

***

ભલા માટે બુરા માટે.

લડુ છું ફાયદા માટે.

રડાવે જીંદગી કાયમ

રડું છું જીવવા માટે.

પળે પળ મૌન સેવ્યું છે.

સમય પર બોલવા માટે.

ચરણ પણ બિનજરૂરી છે

અમારાં દોડવા માટે

બધુ છોડી દીધું છે મેં .

કે ખૂદને પામવા માટે.

બધે વિખરાઈ બેસે છે

ફકત સ્થાપિત થવા માટે

અરે મહેબૂબ ફોગટ મા

મરે છે સૌ ખુદા માટે.

***

આંખની સામે ઘણા એવા ચમત્કાર આવે

ઘરનાં વેચાય બધાં ત્યારે ઘરનો પાર આવે.

જેઓ આવે છે અહિં ધ્યેય લઇને સેવાનું.

આપણી પીઠ ઉપર એમની તલવાર આવે

આજ પણ આદમી ને જાતે કશું કરવું નથી.

સૌને આશા છે હજી કોઈ તો અવતાર આવે.

લીલો દુષ્કાળ તો આવે ચે ગઝલવિશ્વ ઉપર

કે બધાં થૈને અહિં ચાલ્યા ગઝલકાર આવે.

ભાવ મોંઘાનો બસ એમ બતાવે અખબાર

જાને તલવાર ની માફક હૃદય ની પાર આવે.

'ગાળગા' કેમ હું 'મહેબૂબ' ગણું તુજ કહે.

પ્રેમ ની વાતમાં કેવી રીતે વ્યવહાર આવે.

***

દંભ નું સ્મિત લઇ આવભગત છોડી દે.

જીંદગી તારી બધી રાજરમત છોડી દે.

છેલ્લાં શ્વાસો છે હવે દોસ્ત રમત છોડી દે.

આબરૂ સાથે પછી આખું જગત છોડી દે.

કદ અભિમાન નું જ્યારે વધે તો બોલે છે.

"ટોકવાનું તુ મને આમ સતત છોડી દે."

કેટલી ધન્ય છે ભારત ની આ ભૂમી અહીંયા.

રામ ઘર છોડે અને રાજ ભરત છોડી દે.

હોય છે યાદોં ઘણી એવી કે જાણે કોઇ.

લાલ અંગારાને પકડી ને તરત છોડી દે.

મોહ માયા ની જગત ને તો ખરાબ આદત છે.

કોઇ આરામ થી કૈ રીતે આ લત છોડી દે.

એ જ તો મંત્ર છે "મહેબૂબ" સુખ થી રહેવાનો.

પ્રેમ થી માણ ફકત સઘળી શરત છોડી દે.

***

જોઇલો આ જૂરાપો પછી પૂછજો

મારા મન નો બળાપો પછી પૂછજો

આંખની આ નદી વ્હેતી જોયા કરો

જાત કેરો તરાપો પછી પૂછજો

કેમ ખુશ્બુ થી મહોરી ઉઠે છે ચમન

આગ બસ એમા ચાપો પછી પૂછજો

કેમ નિષ્ફળ થયાં પૂછજો રબ ને પણ

યોગ્યતા ખુદની માપો પછી પૂછજો

લાગણી નું મને પહેલા આપો જગત.

મારા પુણ્યોને પાપો પછી પૂછજો

એજ નીતિ છે મહેબૂબ દુનિયા તણી

ધર્મ ને કુળ કાપો પછી પૂછજો

***

કોઈ માંગે ખુદાનું સરનામું

એને દઉં છું હવાનું સરનામું

શોધવા જયાં ગયા ખુશીને સૌ

ત્યાં મળ્યું આપદાનું સરનામું

લાશ જ્યા ઝાંઝવા ની ફંફોસી

બસ મળ્યું છે તૃષાનું સરનામું

સત્યના માર્ગ ના પ્રવાસીને

હું દઉં કરબલાનું સરનામું

સૌની આંખોમાં ભેજ છે 'મહેબૂબ'

આ છે મારી કથાનું સરનામું

***

અજબ વિશ્વાસ બસ તેથી પવનમાં રોજ આવે છે.

તને સ્પર્શી ને એ પાછો વતનમાં રોજ આવે છે.

ઘણી રામાયણો તો રોજ આવે છે જીવન મા પણ

ને ગીતાજી તણું દરશન કથનમાં રોજ આવે છે.

ફરે છે સૌ કોઈ માણસ જનાજો જાતનો લઈને

મરેલી સેંકડો ઇચ્છા કફનમાં રોજ આવે છે.

ભરે છે કેટલો વિશ્વાસ એ મારા મહીં તો પણ

છતા સંદેહ શુ મારા કથન માં રોજ આવે છે.

હજી લાલચ ભરેલી છે બધા માણસ નાં માનસમાં

હરણ માયાવી સોનાનું આ વનમાં રોજ આવે છે.

મને લાગે ભલે 'મહેબૂબ' ને ભૂલી ગ્યો છું હું.

ને એ કારણ વગર મારા કવનમાં રોજ આવે છે.

***

જાત પર કાયમ તને સંદેહ છે.

સૂક્ષ્મ તારું એટલે બસ ગેહ છે.

વાતે વાતે કેટલો સંદેહ છે

એટલે વાંકો વળેલો દેહ છે.

પળમાં રાજા રંક પળભરમાં કહે

અટપટો આ માણસો નો સ્નેહ છે.

તુ કહે તો માનવામાં આવશે.

મારી શક્તિ પર મને સંદેહ છે.

હૂંફ દઈ તું એને રાજસ્થાન કર.

મારા ભીતર લાગણી નું લેહ છે.

પેટ માટે રોજ ચાલે તાર પર

ભૂખથી જરજર થયેલો દેહ છે

કઇ રીતે જીવે ભલા તે આદમી

દ્વેષની મન માં બળે જો ચેહ છે.

એને શિષ્ટાચારની ક્યાં છે ગરજ

જેની આંખો માં અનેરો મેહ છે.

***

થાય આ ભવ પાર એવું આચરણ તો દે મને.

દાસ થૈ રહેવું છે મારે આ ચરણ તો દે મને.

તુ કદી તો આમ બોલે તેમ બોલે તુ કદી.

એક સરખું જીંદગી વાતાવરણ તો દે મને.

જે મળે તે માન્ય છે પણ તારા હાથે જોઈએ

ભાગ્ય મા ઝરણું ભલે ના હોય રણ તો દે મને.

તર્ક વાતે વાત કરવો તે સમજદારી નથી.

માત્ર બુદ્ધિ આપમાં વિશ્વાસ પણ તો દે મને.

ભીડ એકલતા તણી મહેબૂબ જામે રોજ છે.

જે ખરેખર હોય મારો એવો જણ તો દે મને.

***

ધર્મની ચર્ચા ઉપર ઉભા છીએ.

વ્હેમ ને શ્રધ્ધા ઉપર ઉભા છીએ.

ખોખલા સંબંધ જોઇ થાય કે

તૂટતા દોરા ઉપર ઉભા છીએ.

સાથ તારો બે ઘડી પામી થયું.

કૈ નવી દુનિયા ઉપર ઊભા છીએ.

આ અમીરી નો ફકત નિષ્કર્ષ છે.

કોઈ ના ટુકડા ઉપર ઉભા છીએ

મન પ્રતીક્ષારત છે તારી શેરીએ.

આપણે ધંધા ઉપર ઉભા છીએ

શ્વાસ લેવામાં ઘણી તકલીફ છે.

તૂટતી કાયા ઉપર ઉભા છીએ.

જીંદગીની કશમકશ એવી હતી.

જેમ કે ખાંડા ઉપર ઉભા છીએ.

ક્યાં જશું બસ એના અવઢવમાં રહયાં

ક્યારના નકશા ઉપર ઉભા છીએ.

ચાલવું'તું મોક્ષ કેરા માર્ગ પર

સ્વાર્થ નાં રસ્તા ઉપર ઉભા છીએ.

જે રીતે દોરી ઉપર ચાલે છે નટ

એ રીતે દુનિયા ઉપર ઉભા છીએ.

એ જ ડાળી કાપીએ 'મહેબૂબ' શુ?

આપણે જેના ઉપર ઉભા છીએ

***

અંતમાં હારવાનું હતું.

જીતવું તો બહાનું હતું

મારી નાખ્યું મે તેથી ખમીર.

કેમકે જીવવાનું હતું

એની કીર્તિ વધારે હતી.

જેનું આયુષ્ય નાનું હતું

કોઈ રોકી શકે શું ભલા.

એ થયું જે થવાનું હતું.

એ મજામાં ના જીવ્યો કદી.

નામ જેનું મજાનું હતું

જયાં અહિંસાનો મારગ હતો

યુદ્ધ ત્યાં કરબલાનું હતું

જીંદગી ભર ભટકતો રહ્યો.

જેને સ્થાપિત થવાનું હતું

***