અભાવ બોલે છે ભાગ 1 Author Mahebub Sonaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અભાવ બોલે છે ભાગ 1

અભાવ બોલે છે

મહેબુબ સોનાલિયા

અનુક્રમણિકા:

001.સ્તુતિ જો એની ખરાં દિલથી ફક્ત થૈ જાશે.

002.સૌ મુસીબત થી હું ટેવાઈ ગયો.

003.કેમ હથિયાર તું ઉગામે છે.

004.આંખ માં વાદળ લઇ ઉભા છીએ.

005.ફરક કર્યો ફરક કર્યો જો ગમોમાં અને ખુશાલી માં

006.જીંદગી મુજને મળી હદ બા'ર ની.

007.વ્યથાઓ એ રીતે એણે કવનમાં કૈદ રાખી છે.

008.જીવનની સાથે તે મૃત્યુ ની સાવ ઓરી છે.

009.જે પામ્યો નથી તેને ખોવાનો ભય છે.

010.વિચારોની આંધીમા વિખરાઈ જાશું.

011.આશનું છેલ્લું કિરણ ડૂબી જશે.

012.દર્દથી જ્યારે દોસ્તી થઈ ગઇ

013.સમજદારી દીવાનાને સમજવામાં નથી હોતી.

014.બિનજરૂરી બોલવું છોડ્યા કરો.

015.વ્યથાઓને જ્યારે ખણી હોય છે.

016.આપણે મન જે વને વન બસ ભટકતો હોય છે.

017.જો યાદ એમની એક ધારી રહે છે.

018.ત્યજી દઉં તને એમાં શંકા નથી પણ.

019.ધરે છે કૈંક એવા ઘાવ દુનિયા.

020.બહુ સમજી વિચારી ને ફકત સમજણ અમે પામ્યાં.

021.ગમ્યું નથી જે કદી તે ગમાડવા લાગ્યાં

022.દિલનો દિધો છે ટુકડો માલિક શુકર કરું છું

023.ઘરમા નોખા હોય છે ને બ્હાર નોખા હોય છે.

024.પ્રવાહો મા ભળી જાવૂં મને કેવી રીતે ફાવે?

025.સફર જીવન ની એમ જ કરું છું,

026.મ્હેરબાની અરે બધા ની છે.

027.બંધ મુઠ્ઠી માં ભરેલું આભ લાવે છે.

028.ખુદા આ કેટલો મારા ઉપર ઉપકાર રાખે છે.

029.રક્ત ભીના પથ્થરો જોવા મળે

030.કો'ક તો સમજાવે સાલી જિંદગી ને

  • ***
  • સ્તુતિ જો એની ખરાં દિલથી ફક્ત થૈ જાશે.

    ગઝલ અમારી ભજન જેમ વ્યકત થૈ જાશે.

    હૃદયની ઊર્મિ કદી શબ્દની ગુલામ નથી.

    ભલે કશું ન કહો તોય વ્યકત થૈ જાશે.

    ખબર ખુદાને અગર હોત તો ઘડે જ નહીં.

    મનુષ્ય માત્ર જો પૈસાનો ભક્ત થૈ જાશે.

    અરે આ મોક્ષ તણો મોહ પણ તો લાલચ છે

    કે ભેખ પ્હેરી ને મન ક્યાં વિરક્ત થૈ જાશે?

    કરું છું એટલે સત્કાર સૌ મુસીબતનો.

    શરીર આખરે એમ જ સશકત થૈ જાશે.

    ***

    સૌ મુસીબત થી હું ટેવાઈ ગયો.

    શહેરમા બસ તેથી સચવાઈ ગયો.

    અર્થ જાણ્યો બસ અગરબતીનો મે.

    એ પછી ચોમેર ફેલાઇ ગયો.

    બાળકો માતા પિતા પત્નીને ઘર.

    કેટલાં ભાગે હું વહેંચાઈ ગયો.

    જ્યારથી એને મળ્યો છું દોસ્તો

    ત્યારથી હું ખુદને સમજાઈ ગયો.

    આજીવન હેરાન કરશે એ મને.

    ભૂલથી જે શબ્દ બોલાઈ ગયો.

    રોજ શોધું છું હું એને કાચમાં

    એક માણસ ક્યા છે ખોવાઇ ગયો

    જીંદગી છે પીંજરું સોના તણું

    જીવ છે કે જેમાં લલચાઈ ગયો.

    દેશ કાજે જે થયાં કુરબાન છે.

    તેય માણસ આજ વિસરાઈ ગયો

    શોધવા સુખને ગયોતો શહેરમા

    ગામડાનો જીવ ખોવાઇ ગયો.

    બાપનું સાચું થયુ આજે નિધન

    ભાગ લેવા કોર્ટમાં ભાઈ ગયો.

    હે સમય તારું કરૂં હું શું ગુમાન

    ભલભલા માણસને તુ ખાઇ ગયો

    દુઃખ તણો ઉપકાર એ 'મહેબૂબ' છે

    મિત્રનો વ્યવહાર પરખાઇ ગયો.

    ***

    કેમ હથિયાર તું ઉગામે છે.

    આ લડાઈ તો જાત સામે છે.

    જે ગુમાવે છે ખુદનું હોવા પણું.

    એજ માણસ ખુદાને પામે છે.

    પ્રેમ થી જીતી એ જગત ચાલો

    આગ નફરતની એજ ડામે છે.

    તારો સંદર્ભ જયારે આવે છે.

    વાત ત્યારે જ મારી જામે છે.

    એટલો ગર્વ છે મને મહેબૂબ:

    મારું જીવન તમારા નામે છે.

    ***

    આંખ માં વાદળ લઇ ઉભા છીએ.

    એમનો કાગળ લઇ ઉભા છીએ.

    શાંત ચિત્તે દોસ્ત, તારા શ્હેર માં

    કેટલી ખળભળ લઇ ઉભા છીએ.

    ત્યાગવું છે આ જગત ને તોય પણ

    મોહ ની સાંકળ લઇ ઉભા છીએ.

    કોણ દુનિયા થી ભલા કાઢી શકે.

    જ્યાં સુધી અંજળ લઇ ઉભા છીએ.

    થાય છે કેરીની ઇચ્છા તે છતા

    આપણે બાવળ લઇ ઉભા છીએ.

    ભાગ્ય રુપી મોલ ને બસ પામવા

    આપણે પણ હળ લઇ ઉભા છીએ.

    ***

    ફરક કર્યો ફરક કર્યો જો ગમોમાં અને ખુશાલી માં

    તો આંખ ડૂબી ગઇ આંસુઓ ની પ્યાલી માં.

    બધાય દ્વાર દુઆઓના બંધ થૈ જાશે

    કે જે ઘડીએ જગત છોડી અને ચાલી 'માં'

    એ દિકરીને ભલા દૂધ પીતી કોણ કરે.

    કે મધ ની ધારા વહે એની બોલી કાલી માં

    તમાચા ખાઈ તે રાખે છે ગાલ ને રાતા.

    બધાય મોહી જશે તોય એની લાલી માં.

    અમે જો સાખી ભજન ની ઉમેરીએ 'મહેબૂબ'

    ગઝબનો કૈફ ચડે આજની કવાલીમાં

    ***

    જીંદગી મુજને મળી હદ બા'ર ની.

    ને વ્યથાઓના ભરેલા ભાર ની.

    ઘાવ દેનારા ધરો ધીરજ હવે.

    ધાર બુઠ્ઠી થૈ હવે તલવારની.

    જ્યારે હું એકાંતની વાતો કરું.

    વાત તે ત્યારે કરે અખબારની.

    એનાં માટે કામ સૌ છોડયા છે મેં.

    જેમને ફુરસદ નથી પળવારની.

    ફક્ત ધનથી નામના મળતી નથી

    હસ્તગત પણ રીત હો સત્કારની.

    એ રીતે જીવ્યો મહેબૂબ ડર મહીં.

    મૌતમાં પણ બીક લાગે મારની.

    ***

    વ્યથાઓ એ રીતે એણે કવનમાં કૈદ રાખી છે.

    કે જાણે મૌત ની આંખો કફનમાં કૈદ રાખી છે.

    જે કબ્રસ્તાન છે તેને બગીચો કઇ રીતે કહેવો.

    હજારો દુઃખ ભરી ઘટના નયનમાં કૈદ રાખી છે.

    સદા ઘર ના સદસ્યોની બધી ઇચ્છા પુરી કરવા.

    બધી ઈચ્છાઓ એણે, એના મન માં કૈદ રાખી છે.

    લુટાવું છું હમેશા એટલે સદભાવના મારી

    કદી ફૂલોએ ક્યાં ખુશ્બુ ચમન માં કૈદ રાખી છે.

    વિદેશે જઇ વસેલા લાલને ચાહે છે માં ' મહેબૂબ'

    છતાં માટીની મમતાએ વતન માં કૈદ રાખી છે.

    ***

    જીવનની સાથે તે મૃત્યુ ની સાવ ઓરી છે.

    બસ એક પળમાં એની કાપી જીવાદોરી છે.

    શું એનો દેહ કોઈ પાપ છે કે ચોરી છે.

    જન્મતા વેંત મહાનલમા જાણે ઓરી છે.

    છતાંય કેમ આ મમતાની આંખ કોરી છે?

    શું એનો વાંક હશે એની પણ ખબર છે ક્યાં ?

    રડે ભલેને છતાં કોઇને ફિકર છે ક્યાં?

    બહું છે રમ્ય એની આંખ ભવ્ય ચેહરો છે.

    છતાંય એનાં આ સૌંદર્યની અસર છે ક્યાં?

    ક્ષણો સમયથી એણે માંડ થોડી ચોરી છે.

    છતાંય કેમ આ મમતાની આંખ કોરી છે?

    'ક','ખ','ગ', 'ઘ', થી લઇ 'જ્ઞ' સુધી જવાદોને.

    જે મારા ભાગ્યમાં હો એવું જીવવાદોને.

    લઇને સ્વપ્ન સિતારા સુધી સફર કરશું.

    ધણુંય શીખવું છે મારે શીખવાદોને.

    કે સ્લેટ જીંદગીની મારી સાવ કોરી છે.

    છતાંય કેમ આ મમતાની આંખ કોરી છે?

    ***

    જે પામ્યો નથી તેને ખોવાનો ભય છે.

    ખુદાને ખબર કે આ કેવો સમય છે.

    ખબર છે ક્યાં સારા થવાનો સમય છે.

    છું લાચાર કેવું હઠીલું હ્રદય છે.

    હવે આપણું મૌન તૂટે તો સારું.

    ઘણો આપણાં બંને પાસે સમય છે.

    મગજથી કોઈ શેર કહીને બતાવો.

    કવિતા, ગઝલ લાગણીનો વિષય છે.

    એ પલટાવે બસ એક પળમાં જ પાસા.

    સમયસર તુ ચેતી જા આતો સમય છે.

    ગઝલ રૂપે સ્તુતિ તમારી કરું છું.

    થયો લાગણીનો અનેરો વિજય છે.

    બધાં હસતાં ચહેરાનું દુઃખ જોઇ લાગે.

    ખરેખર શું મહેબૂબ આ સર્વોદય છે.

    ***

    વિચારોની આંધીમા વિખરાઈ જાશું.

    વિખુટા પડી સાવ બદલાઈ જાશું.

    હશે મન મહીં જ્યારે વિકૃત વિચારો

    અમે થોડા દિવસોમાં ગંધાઈ જાશું.

    કરીશું અમે કાળ સાથે છબકલા

    પછી માઁનાં ખોળામાં સંતાઈ જાશું.

    સગાઈ છે લોહીની એવી અનેરી.

    ભલા ડાંગ મારે ક્યા ફંટાઈ જાશું?

    બધે પાથરીશું મહેક જીંદગીની.

    ભલે ફૂલની જેમ કરમાઈ જાશું.

    સદા માટે જીવતાં રહે શેર અમારા

    અમે એક બે ક્ષણમાં વિસરાઇ જાશું.

    ***

    આશનું છેલ્લું કિરણ ડૂબી જશે.

    સંતનું જયાં આચરણ ડૂબી જશે.

    એક ખોટી લાલસાની હામમાં

    આદમીનું ભવતરણ ડૂબી જશે.

    ફક્ત ટહુકે ઘરમાં જ્યારે દિકરી

    શોકનું વાતાવરણ ડૂબી જશે.

    એ વિચારે ઈશ્વરે ટાળ્યો પ્રલય

    ક્યાંક બસ ચકલાંનું ચણ ડૂબી જશે

    પૂર છે શિક્ષણ નાં બસ વેપારનું

    આખરે આ બાળપણ ડૂબી જશે.

    ઝાંઝવા જેવી રૂપાળી લાલસા.

    મન સમું જેમા હરણ ડૂબી જશે.

    એ જ છે 'મહેબૂબ' ની ઇચ્છા ફકત.

    લઇને એ તારી શરણ ડૂબી જશે

    ***

    દર્દથી જ્યારે દોસ્તી થઈ ગઇ

    જાત સાથે જ દૂશમની થઈ ગઇ.

    યાદ જો હોડી લઇને આવી 'તી

    આંખ મારી પછી નદી થઈ ગઇ

    ઘર ટહુકે છે કૈફમાં એનાં

    દિકરી એમ બોલકી થઈ ગઇ

    કોણ આવ્યું છે ઘર મહીં મારા

    ચોતરફ આજ રોશની થઈ ગઇ

    એને તલવારની ગણતરી હતી

    મોત પણ આંખની કણી થઈ ગઇ

    સત્ય કડવું હતુ છતાં 'મહેબૂબ'

    રીત કહેવાની ચાશણી થઈ ગઇ

    ***

    સમજદારી દીવાનાને સમજવામાં નથી હોતી.

    સરળતા એટલે કોઈ કવિતામાં નથી હોતી.

    બને છે એવી ઘટમાળા જે ધાર્યામાં નથી હોતી.

    જે ધારી હોય છે દુનિયા તેં દુનિયામાં નથી હોતી.

    રહી છે એટલે તો પર બધાં વાદો વિવાદો થી

    શુકર છે મુસ્કુરાહટ કોઈ ભાષામાં નથી હોતી.

    વધારે યોગ્યતાથી કોઈને કૈ પણ ન દે ઇશ્વર.

    જે પીડા હોય છે મહેલોમાં, કૂબામાં નથી હોતી.

    સહજતાથી છુપાવી લઉં છું તેને એક બહાનાથી

    તિરાડો દર વખત જોકે અરીસામાં નથી હોતી.

    નીરૂતર હોઉં છું 'મહેબૂબ' જ્યારે મન કદી પૂછે.

    'ભલા માણસની દુનિયા કેમ દુનિયામાં નથી હોતી.

    ***

    બિનજરૂરી બોલવું છોડ્યા કરો.

    યોગ્ય ટાણે મૌન પણ તોડ્યા કરો.

    નમ્ર રહેવાને ગણે કાયર બધાં

    હાથ સૌ સામે નહીં જોડ્યા કરો

    સુખની કિંમત થાય છે પીડા થકી.

    દર્દને નાં આમ તરછોડ્યા કરો.

    શીખવે છે એટલું બસ આ સમાજ

    આંખ પર પાટા મુકી દોડ્યા કરો.

    બાળપણ ચાલ્યું જશે પળવારમા

    ચોપડામા આંખ ના ફોડયા કરો

    કિંમતી 'મહેબૂબ' છે એનાં સ્મરણ

    પાઇ પાઇ જેમ એ જોડ્યા કરો.

    ***

    વ્યથાઓને જ્યારે ખણી હોય છે.

    સુખોની ક્ષણો આપણી હોય છે.

    તો પીડા પછી સો ગણી હોય છે.

    કદી આંખમાં જો કણી હોય છે.

    સમજદાર લાગે બહું દિકરી

    ભલેને તે ઓછું ભણી હોય છે.

    હવા સાથે ભટકાય છે હર કોઈ

    જો મનમાં દિવાલો ચણી હોય છે.

    ફળે છે ભલા યે કદી કોઈને?

    શું ઇચ્છા બધી વાંઝણી હોય છે.

    હું ફુગ્ગાની માફક હવા શું ભરું?

    જગત પાસે જયાં ટાંકણી હોય છે.

    કરે દુઃખ અડીને એ સ્વર્ણિમ સુખ

    સમય એવી પારસમણી હોય છે.

    સતત પામવા શું મથે જીંદગી?

    શિશુ જેમ એ લોચણી હોય છે.

    જે સારા નઠારા ને સમજી શકે.

    અનુભવ તો એ ચારણી હોય છે.

    વધાવું છું દુઃખની ક્ષણોને સતત.

    કૈ સુખની ક્ષણો તો ઘણી હોય છે.

    જે 'મહેબૂબ' છે જીંદગીની મજા

    સતત એને મે અવગણી હોય છે.

    ***

    આપણે મન જે વને વન બસ ભટકતો હોય છે.

    એ કલંદર જેમ દુનિયાથી સરકતો હોય છે.

    થાય છે બસ એટલી બાબતનું કાયમ દુખ મને.

    કેમ માણસ ને ફકત માણસ ખટકતો હોય છે.

    ચિત્ર આખેઆખું બદલી જાય છે આંખો સમક્ષ.

    આદમી જયાં એક બે પાંપણ જપકતો હોય છે.

    હોય છે લાખો વિમાસણ જિંદગીની ગોદમાં

    પ્રેમના મુદ્દાથી માણસ ક્યાં અટકતો હોય છે.

    આદમીનો દંભ ની શું વાત કરવી દોસ્તો

    ચાંદલો જયાં સુર્ય ના તેજે ચમકતો હોય છે.

    થૂંકનાં સાંધા કરે છે જીંદગી 'મહેબૂબ'જી

    એટલે હર કોઈ માથાને પટકતો હોય છે.

    ***

    જો યાદ એમની એક ધારી રહે છે.

    તો મારામાં ફૂલોની ક્યારી રહે છે.

    જે રંડાઇ રાતે હતી એજ દુનિયા

    સવારે ફરીથી કુંવારી રહે છે.

    ગરીબોની દરિયાદિલી જોય લાગ્યું.

    તવંગર હંમેશા ભિખારી રહે છે.

    બધાં સપના ઔલાદના સાચા કરવાં.

    એ પોતાની ઈચ્છાઓ મારી રહે છે.

    લખ્યાં છે દુહા, ગીત, સોનેટ ને પદ

    ગઝલ તે છતાં પ્રાણપ્યારી રહે છે.

    વિચારેલું ક્યાં આપણું કૈં થવાનું

    શું પાગલ વિચારી વિચારી રહે છે

    બસ એ વાત છે મારા સુખ દુઃખની સાથી

    "દશા ક્યાં કોઈ એકધારી રહે છે."

    કરે છે ભ્રમણ કોણ 'મહેબૂબ' ભીતર

    સતત દેહમાં શું ધ્રુજારી રહે છે?

    ***

    ત્યજી દઉં તને એમાં શંકા નથી પણ.

    મને મારા શબ્દોમાં શ્રદ્ધા નથી પણ

    તું બોલે, હું સમજુ, ત્રીજું કોણ જાણે?

    ભલે મૌનની કોઈ ભાષા નથી પણ

    પરિણામ સૌ સૌની નજરે અલગ છે

    અરે જીંદગી આ પરીક્ષા નથી પણ

    કે ફરીયાદ તમને જગતથી ઘણી છે.

    છતાં આ જ છે , બીજી દુનિયા નથી પણ

    સમસ્યાથી ઘેરાઈ માણસ રહે છે.

    જટીલ એવી કોઈ સમસ્યા નથી પણ

    ત્યજી ક્યા શકું છું હું મહેબૂબ જીવન

    અને જીવવા માટે ઇચ્છા નથી પણ.

    ***

    ધરે છે કૈંક એવા ઘાવ દુનિયા.

    કરું વિશ્વાસ તો પછતાવ દુનિયા.

    તને પામું તો પામી જાઉં સઘળું

    પછી નાનકડી લાગે સાવ દુનિયા.

    નથી ગમતો સદા આરામ કરવો

    મુસીબત આજ થોડી લાવ દુનિયા.

    કરે છે એવા શું તોફાન માણસ

    કે આવે રોજ લઈને રાવ દુનિયા

    કદી કોઈની વાતે તું બધાંઈ?

    કે તારી વાતે હું બંધાવ દુનિયા

    હંમેશા થાઇ છે એવું મને કે

    હું તારું નામ લઈ ને ના'વ દુનિયા.

    ધરો જો પીઠ તો પીછો કરે છે

    ને ભાગે છે જો સામા જાવ દુનિયા

    કદાચિત હું તને સમજી શકું છું

    મને ક્યારેક તો સમજાવ દુનિયા.

    હવે માથા ફરેલો થઇ ગયો છું

    ગમે તે રૂપ લઈ ને આવ દુનિયા

    ***

    બહુ સમજી વિચારી ને ફકત સમજણ અમે પામ્યાં.

    ગુમાવ્યા સગપણો સઘળા અને કારણ અમે પામ્યાં.

    વિષમતાંઓમાં ક્ષમતાના ઘણા લક્ષણ અમે પામ્યાં.

    સ્વયંની મૂર્ખતાને ઢાંકવા ડા'પણ અમે પામ્યાં.

    તમારા સ્પર્શ ની આદત પડી જાશે તો શું થાશે?

    સમય થંભી ગયો તુજ હાથ જો બે ક્ષણ અમે પામ્યાં.

    હતું નીર્મોહી મન તો પણ ફસાયું જગની લીલામાં.

    કે ખુદના લોચનો વેચી અને આંજણ અમે પામ્યાં.

    ભરેલી આંખ ખાલીખમ ભરેલી આંખ માં આંસૂ.

    અરે આ પણ અમે પામ્યાં અરે તે પણ અમે પામ્યાં

    ધુઓ તો પણ રહે મેલૂ ના ધોવો તોઇ પણ પાવન

    અજબ ના હાડકા ઉપર ગઝબ પહેરણ અમે પામ્યાં.

    મહોબ્બત માં કદી 'મહેબૂબ' હિંમત ના કરી એણે.

    હ્રદય એક જ હતું તે પણ બહું બીકણ અમે પામ્યાં

    ***

    ગમ્યું નથી જે કદી તે ગમાડવા લાગ્યાં

    અમે બસ એમ હ્રદયને રમાડવા લાગ્યાં.

    એલાર્મો હારી ગયા એક ધારા વાગીને

    અને તમે શું જગત ને જગાડવા લાગ્યાં

    જગત ની દોડ મહીં થાય છે વિજય કોની?

    વધુ જે દોડે બધા એને પાડવા લાગ્યાં.

    અહીં તો હાસ્ય બધા સાવ ભૂલી બેઠા છે

    ફકત જનાજા દુઃખો ના ઉપાડવા લાગ્યાં.

    જગત ને ટેવ છે મહેબૂબ નખ થી ખણવા ની.

    તમે જખમ શું બધા ને બતાડવા લાગ્યાં.

    ***

    દિલનો દિધો છે ટુકડો માલિક શુકર કરું છું

    એમા ગઝલ ઉગાડી જિવતર બસર કરું છું.

    બેસી રહું છું જયારે ખોડે છે દુનિયા ખિલ્લાઃ

    જયારે કળે છે છાતી ત્યારે સફર કરું છું

    એને ખબર પડે શું ખોટુ કહે છે દુનિયા

    કે આજીવન બસર હું એના વગર કરું છું

    'મહેબૂબ' પૂછતા'તા થૈ ને અજાણ અમને

    નિંદર મા પણ સતત હું કોનો જિકર કરું છું

    ભૂલી મને બતાવો એકાદ પળને માટેઃ

    'મહેબૂબ નામ મારું ચોક્કસ અસર કરું છું

    ***

    ઘરમા નોખા હોય છે ને બ્હાર નોખા હોય છે.

    કેમ માણસ જાત ના વ્યવહાર નોખા હોય છે.

    આપણા એના વિશે આધાર નોખા હોય છે

    પ્રેમ ના મહેબૂબ કયાં વિસ્તાર નોખા હોય છે.

    હા નથી મળતી મજા પહેલા સમય જેવી જ પણ

    કયાં કદી વરસાદ ના અંધાર નોખા હોય છે.

    તારી આંખો મા હું પામું મારા મનમા ખોજ તું

    આપણા મક્કા અને હરદ્વાર નોખા હોઇ છે.

    પામતા આવ્યા છે સૌ મનવંતરો થી બસ સજા

    દર વખત હે જિવ કારાગાર નોખા હોય છે

    કેટલી નાજુક કલા નો છે નમુનો આ જગત

    તત્વ એક જ હોય છે આકાર નોખા હોય છે

    તત્વ એક જ હોય છે આકાર નોખ હોય છે

    પ્રેમ ના મહેબૂબ કયાં વિસ્તાર નોખા હોય છે.

    ***

    પ્રવાહો મા ભળી જાવૂં મને કેવી રીતે ફાવે?

    હઠીલા આ હય્દય ને તુજ કે' ને કોણ સમજાવે?

    દિવસભર રાહ જોઇ ઓટલે બેસી રહે છે માં

    ને ઘરડાઘર નો કાગળ લૈ ને સાંજે છોકરો આવે

    લખાયો ક્યાં હતો અંધાર કાયમ ભાગ્ય માં તો પણઃ

    ગરીબી આંધળીનો દિવડો છે કોણ પ્રગટાવે.

    ગઝલ, મુક્તક, રુબાઇ, હાઈકુ, સોનેટ હો કે પદ

    ઢળીને કોઇ પણ ઢાંચા મા કેવળ લાગણી આવે

    હું પાગલ કયાં હતો કે રાતભર જાગ્યા કરું છું પણ

    ફકીરી રાતરાણી છે દિવસને કેમ મહેકાવે?

    સમજદારી ઉપર શંકા કરું છું એટલા માટે

    ભણી બે ચોપડી માબાપને સંતાન સમજાવે!

    તરસ ની એ ચરમસીમાએ હું 'મહેબૂબ' પહોચ્યો છું

    હવે તો ગટગટાવું છું હળાહળ પણ ભલે આવે

    ***

    સફર જીવન ની એમ જ કરું છું,

    તને હોવાપણું મારું ધરું છું

    અરીસો કોણ કે' સાચું જ બોલે

    મને હું જોઉં છું, જોયા કરું છું.

    અંગરખો દંભનો મોટો છે કદથી

    બધા થી એટલે નોખો તરું છું.

    જે મારામાંની દિવાલો ને તોડી

    તમારામાં હવે થી વિસ્તરું છું

    હવે કોઠે પડ્યું છે છેતરાવું;

    કદી તું તો કદી હું છેતરું છું.

    વિચાર્યું કયાં છે ક્યારે ખર્ચવાનો?

    જે સુખની લાલચે ભેગું કરું છું

    તને ખોવાઇ જાવા નો જ ડર છે.

    મને જો હું મળું છું તો ડરું છુ.

    મળી ફુરસદ મને ક્યાં એક પળની

    તને બસ જોઉં છું જોયા કરું છું!

    ઉપાધી બધી 'મહેબૂબજી' હું

    નિમંત્રણ દૈ અને ક્યાં નોતરું છું

    ***

    મ્હેરબાની અરે બધા ની છે.

    લ્હેર બળતા મહીં હવા ની છે.

    હું કશું સાચવી ને શું રાખું?

    જિંદગી નશ્ટ જ્યાં થવાની છે.

    ચાંદ ટાંકું હું તારા પાલવ માં

    એ બધી વાત બોલવાની છે.

    કેવો મન મા ભર્યો છે કોલાહલ.

    જાણે આ કોઇ રાજધાની છે.

    ઓ નમાઝી તમે ગઝલ વાંચો.

    વાત આમાય પણ ખુદાની છે.

    એટલે સાચવી છે મે એને;

    આ ઉદાસી તો કયાં જવાની છે.

    પાથરું જાત એના સ્વાગત માં.

    ફૂલ જેવી ગઝલની પાની છે.

    નાવ કેવી રીતે ડુબે એની?

    કે ખુદા જેમનો સુકાની છે.

    છેલ્લા શ્વાસે મને હજી 'મહેબૂબ'

    ઝંખના તારા આવવા ની છે.

    ***

    બંધ મુઠ્ઠી માં ભરેલું આભ લાવે છે.

    દીકરી ક્યાં કોઈ ખાલી હાથ આવે છે.

    હાલ મારા જોઈ આભ આંસુ વહાવે છે.

    પણ બધા સમજે છે કે વરસાદ આવે છે.

    જે સ્વયં ભટકી રહ્યાં છે દર બ દર અહીંયા

    તે બધાં લોકો ને શું રસ્તા બતાવે છે.

    એટલે માગું છું હું કઠણાઈ કાયમ ની.

    એ કૃપાળું યાદ બસ દુઃખમાં જ આવે છે.

    જિંદગી મહેબૂબ એવો કૈફ છે કે જે

    નિત નવા સૌ નાચ માણસ ને નચાવે છે

    ***

    ખુદા આ કેટલો મારા ઉપર ઉપકાર રાખે છે.

    મુસીબતમાં ફસાવી એ જ પાછો બ્હાર રાખે છે.

    કદી આંખો માં આંસૂ છે કદી છે સ્મીત હોઠો પર

    હ્રદય ના ભાવ ક્યાં ચોક્કસ કશો આકાર રાખે છે.

    તને ખુદ પર નથી વિશ્વાસ તે મોટી સમસ્યા છે.

    અવર પર એટલે હે મિત્ર! તુ આધાર રાખે છે.

    તને માણસ ઉપર આવ્યો ભરોસો આજ લગ છે ક્યાં?

    તુ શ્રધ્ધા આમ તો પથ્થર ઉપર હદબાર રાખે છે.

    ઘણું વૈવિધ્ય છે મહેબુબ આ દુનીયા ની બાબત માં.

    મહોબ્બત નિ કરે છે વાત જે હથીયાર રાખે છે.

    ***

    રક્ત ભીના પથ્થરો જોવા મળે

    ત્યાં હમેશા માણસો જોવા મળે

    સત-અસત માટે લડે છે કોય ક્યાં?

    સૌ લડે જ્યાં ફાયદો જોવા મળે

    દોશ જોવાની જ આદત છે મને

    શું થશે જો આયનો જોવા મળે

    ભાર ઉતરી જાય સૌ ચીંતા તણો

    જ્યારે રમતા બાળકો જોવા મળે

    બસ અપેક્શીત આપણે જોવુ હતું

    એમ તો શું દોસ્તો જોવા મળે

    કેટલો રોયો હશે મહેબૂબ કે

    આંખ મા પણ વાદળો જોવા મળે

    ***

    કો'ક તો સમજાવે સાલી જિંદગી ને

    શું ગમે છે પાયમાલી જિંદગી ને.

    એક દફતર બાળપણ નું લઈને પીઠે.

    શીખવું છે શું આ સાલી જિંદગી ને

    છે હ્ર્દય માં-બાપ જેવું એટલે તો

    સાંચવે છે આ ધમાલી જિંદગી ને.

    જેમ જૂએ છે દડો વિકલાંગ બાળક

    બસ નિહાળું છું હું ખાલી જિંદગી ને

    તારા સરનામે હવે હું મોકલું છું

    એક મારી પ્રાણ વ્હાલી જિંદગી ને.

    બસ સમય લૂંટી રહ્યો છે અમને મહેબૂબ

    રોજ આપું શું સવાલી જિંદગી ને.

    ***