ખુશાલનો ઢોલ Valibhai Musa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખુશાલનો ઢોલ

ખુશાલનો ઢોલ

એ છએ જણી કટલાને હડસેલીને ઘરઆંગણા આગળના એ વાડામાં પ્રવેશી, ત્યારે પડાળીમાં વાસીદું વાળતાં રૂખીમાસી એ બધાંને જોઈને સ્તબ્ધ થઈ ગયાં. તેમના માન્યામાં આવતું ન હતું કે ઉજળિયાત ઘરની આ કિશોરીઓ અને નિજ ભંગીના ઘરે ! પણ હા, તેમના સમજવામાં એ તો આવી જ ગયું હતું કે એ લોકો તેમના દીકરા ખુશાલ સાથે ભણતી હોવી જોઈએ; કેમ કે બેએક જણીઓએ તો સ્કૂલ યુનિફોર્મ પણ પહેરેલો હતો. વાડાની વચ્ચે જ આવેલા લીમડાના થડને ટેકવેલો તાજું જ સૂતરનું વાણ ભરેલો ખાટલો ઢાળીને તેમને બેસવાનો સંકેત કરતાં રૂખીમાસીએ કહ્યું, ‘ખુશાલ હમણાં જ આ ખાટલો ભરવાનું પૂરું કરીને ઘેટાંબકરાં લઈને ગોચરે ગયો છે. તમે લોકો બેસો અને હું કોઈક છોકરાને દોડાવીને ખુશાલને બોલાવી લઉં છું, કેમ કે એ દૂર ગયો પણ નહિ હોય. બીજું એ કે તમે બધાં ચા પીતાં હો તો સામેની હોટલે ચાનું કહી આવું અને એ હોટલવાળો પીવાનું પાણી પણ સાથે લઈ આવશે.’’

‘જુઓ માસી, ખુશાલ ઘેટાંબકરાં લઈને પાછો આવી જશે તો એ બિચારાં જનાવર ભૂખ્યાં રહી જશે. વળી અમે લોકો જે કામે આવ્યાં છીએ, તે તમને કહી સંભળાવીશું તો પણ ચાલશે. ઊલટાનું એ હાજર નથી એ અમારા માટે સારું પણ છે, કે જેથી અમે મોકળા મને વાત કરી શકીશું. બીજું કે અમારા માટે ચાપાણીની હાલ પૂરતી કોઈ તસ્દી લેશો નહિ, એ સરભરા તો પછી પણ થઈ શકશે.’ ઉષા મૃદુલે કહ્યું.

ઉષા મૃદુલ પ્રગતિશીલ વિચારો ધરાવતા શિક્ષિત અને સંસ્કારી કુટુંબની એકમાત્ર સંતાન હતી. તેના જન્મની સરકારી દફ્તરે નોંધણી વખતે તેના પિતા વસંતરાયે જ પત્ની મૃદુલને આગ્રહ કરીને પિતાની જગ્યાએ માતાનું નામ લખાવ્યું હતું. સહાધ્યાયિનીઓ ઉપરાંત સખ્યભાવે જોડાએલી એ છએના આજના મિશન માટેનું નેતૃત્વ ઉષાએ સંભાળ્યું હતું.

રૂખીમાસીએ વાતચીતનો તંતુ જોડતાં કહ્યું, ‘હંઅ, તો તમે લોકો ખુશાલ છેલ્લા અઠવાડિયાથી સ્કૂલે આવતો નથી; એટલા માટે એને બોલાવવા આવ્યાં હશો. કેમ, ખરું કે નહિ ?’

‘હા, બિલકુલ. અમને એના સ્કૂલે ન આવવાના કારણની ખબર તો છે જ, પણ તમારા દ્વારા અમે એ કારણને ચોક્કસ કરવા માગીએ છીએ.’

’મને એવું કોઈ કારણ તો તેણે જણાવ્યું નથી, પણ મને એમ જ કહ્યા કરે છે કે કાં તો તેને આગળ ભણવા માટે તેની મૂળ આશ્રમશાળાએ મોકલવામાં આવે અથવા પોતે ભણવાનું જ મૂકી દે; પણ આપણી સ્થાનિક શાળામાં તો એ ભણવા નહિ જ જાય. એ કંઈક ખુલાસાબંધ કહે, તો હું સાહેબોને મળવા જાઉં ને !’

ઉષાએ કહી દીધું, ‘જૂઓ માસી, અમારા વર્ગના છોકરાઓએ સંગઠિત થઈને ખુશાલનો આભડછેટના મુદ્દે બહિષ્કાર કરી દીધો છે. વાત એમ બની હતી કે વીસેક દિવસ પહેલાં શિક્ષણખાતાના એક અધિકારી અમારી શાળાની વિઝિટે આવ્યા હતા. તેઓ જ્યારે અમારા વર્ગમાં આવ્યા, ત્યારે તેમણે ખુશાલને અમારી છએ છોકરીઓની પાટલીઓ પછીની હારમાં ખાલી રહેતી પાટલીઓ પૈકીની સાવ છેલ્લી પાટલી ઉપર એકલોઅટૂલો બેઠેલો જોતાં હકીકત જાણી લીધા પછી અમારા વર્ગશિક્ષકનો ઉધડો લેતાં કડક શબ્દોમાં તેમની ઝાટકણી કાઢી હતી કે, ‘મિ. પરમાર, તમે પોતે પણ પછાત વર્ગના હોવા છતાં આ કેવી રીતે ચલાવી લઈ શકો ? કુમળાં માનસ ધરાવતાં આ બાળકોને આપણે ધારીએ તેમ વાળી શકીએ. એ છોકરાને આગળની પાટલીએ બેસાડો અને તેની જોડે આખા વર્ગના અન્ય છોકરાઓ દરરોજ બદલાતા જાય તે રીતે બેસે તેવી વ્યવસ્થા ગોઠવો. હું જાણું છું કે પછાતવર્ગમાં તો ઉજળિયાતો કરતાં પણ વધારે આભડછેટ જોવા મળે છે. તમારા મનમાં પણ એવો કોઈ ભેદભાવ હોય તો તમારે ચોખ્ખા થઈ જવું પડશે અને તો જ તમારી વાતની અસર આ છોકરાઓ ઉપર પડશે. ત્યારબાદ, તેમણે અમારા આખા વર્ગને ખૂબ જ પ્રેમથી તેમની વાત સમજાવી હતી અને તે જ દિવસે અન્ય પછાત વર્ગના એક છોકરાને ખુશાલની જોડે આગલી પાટલી ઉપર બેસાડીને નવીન વ્યવસ્થાની શુભ શરૂઆત તેમણે તેનાથી જ કરી દીધી હતી.’

ઉષાના કથનમાં હળવેથી જોડાઈ જઈને કપિલા ચોકસીએ વાતને આગળ લંબાવતાં કહ્યું કે, ‘પેલા માનવતાવાદી અધિકારીના સૂચનનો અમલ કરતાં અમારા પરમાર સાહેબે તમામ વિદ્યાર્થીઓને ખુશાલની જોડે બેસવા માટેની પ્રત્યેક દિવસની ફાળવણી કરી દીધી હતી. પરંતુ સમસ્યા તો હવે શરૂ થઈ હતી. બીજા દિવસે ખુશાલ સાથે બેસવાનો જેનો વારો હતો, તે વિદ્યાર્થી જાણીજોઈને કે કોઈ કારણસર ગેરહાજર રહ્યો હતો. અમારા સાહેબમાં નૈતિક હિંમતનો અભાવ હોય કે ગમે તે કારણ હોય પણ તેઓ બીજા કોઈ વિદ્યાર્થીને તે દિવસે ખુશાલ જોડે બેસવાનું કહી શક્યા નહિ. પછી તો માસી, પેલા છોકરાઓએ સંગઠિત થઈને પોતાના ખુશાલની સાથે બેસવાના વારાના દિવસે ગેરહાજર રહેવાનું શરૂ કરી દીધું. આ સિલસિલો દશેક દિવસ સુધી ચાલ્યો અને અમે છએ જણીએ ખુશાલના ચહેરાનું અવલોકન કરતાં સમજી લીધું કે ખુશાલ મનોમન ખૂબ જ અપમાનિત અને વ્યથિત થતો હોવો જોઈએ.’

સામેની ખાટલી ઉપર બેસીને આ બધી છોકરીઓની વાત સાંભળતાં રૂખીમાસીની આંખોમાંથી દડદડ આંસુ વહી રહ્યાં હતાં. તેમણે તો એટલું જ કહ્યું કે, ‘મારું પિયર અમદાવાદ છે અને ત્યાં શહેરમાં તો અમને આવો ઝટકો લાગે તેવું લોકોનું કોઈ વર્તન જોવા મળતું નથી. ખેર, આપણું તો ગામડું રહ્યું અને ધીરેધીરે લોકોમાં પરિવર્તન આવશે જ તેવી આપણે સૌ આશા સેવીએ. દીકરીઓ, તમારો ખૂબખૂબ આભાર કે તમે લોકો જુદીજુદી ઉજળિયાત કોમની હોવા છતાં મારા ખુશાલ પ્રત્યે સગી બહેનો જેવો પ્રેમભાવ રાખો છો. હું ખુશાલને સમજાવીશ કે કાલથી તે નિશાળે આવવો શરૂ થઈ જાય. જો નહિ માને તો તેને તેની આશ્રમશાળાએ ભણવા મોકલીશ, ભલે તેને વિજ્ઞાન પ્રવાહના બદલે સામાન્ય પ્રવાહમાં ભણવું પડે; પણ, તેનું ભવિષ્ય તો નહિ જ બગડવા દઉં. નિશાળો શરૂ થયે એકાદ માસ જ થયો હોઈ એ લોકો તેને પ્રવેશ આપશે જ અને તેનું વર્ષ પણ નહિ બગડે.’’

સલમા આગા રૂખીમાસીની વાતમાં વચ્ચે જ કૂદી પડતાં બોલી ઊઠી, ‘જુઓ માસી, તમારી વાત ઉપરથી લાગે છે કે ખુશાલની આશ્રમશાળામાં વિજ્ઞાનપ્રવાહની સુવિધા નહિ હોય અને એટલે જ તે આપણી શાળામાં દાખલ થયો છે. હવે તેની વિજ્ઞાન પ્રવાહમાં રુચિ હોય તો તેણે શા માટે પ્રવાહ બદલી દેવો જોઈએ ? વળી, આ એક મહિના દરમિયાન અમે જોયું છે કે એ ભલે પાછલી પાટલીએ બેસીને ભણતો હોય, પણ ભણવામાં અમારા સૌથી ખૂબ જ આગળ છે. અમારા સાહેબોના કોઈ અઘરા પ્રશ્ન વખતે અમારા આખા વર્ગની આંગળીઓ હેઠે હોય, ત્યારે તેના એકલાની આંગળી જ હંમેશાં ઊંચી રહેતી હોય છે. એણે બી ગ્રુપ રાખ્યું હોઈ ભવિષ્યે હોનહાર ડોક્ટર પણ બની શકે. આમ તેણે શા માટે પ્રવાહ બદલી દેવો જોઈએ ?’

ઉષા મૃદુલે વાતચીતની બાગડોર પોતાના હાથમાં લેતાં કહ્યું, ‘જુઓ માસી, હવે આપણે નક્કર વાત ઉપર આવીએ. તમે અમને બાંહેધરી આપો કે ખુશાલ આવતી કાલથી જ સ્કૂલે શરૂ થઈ જશે તો અમે એક કામ હાથ ધરીએ. આજનો આખો દિવસ અમે પેલા છોકરાઓના ઘરે જઈને તેમનાં માબાપને અમારી વાત સમજાવીશું. અમને વિશ્વાસ છે કે એ લોકોને કદાચ આ સઘળી વાતની ખબર ન પણ હોય અને પેલા છોકરાઓ કોઈક અન્ય બહાના હેઠળ એકએક દિવસ ગેરહાજર રહ્યા હોય ! જે હોય તે, પણ અમારી સમજાવટનું ધાર્યું પરિણામ નહિ મળે તો અમે છએ જણીએ દૃઢ નિર્ધાર કરી જ લીધો છે કે અમે વારાફરતી અઠવાડિયાના છએ દિવસ ખુશાલ સાથે બેસીશું, પણ તેની લાગણીને ઠેસ પહોંચવા નહિ દઈએ.’

ઉષાના આ વિધાનથી રૂખીમાસીના હૃદયના બંધ ઢીલા થઈ ગયા અને ચોધાર આંસુએ હૈયાફાટ રડવાનું શરૂ કરી દીધું. પેલી છોકરીઓ સ્પ્રિંગની જેમ પોતાના ખાટલામાંથી ઊછળી પડતી કોઈક તેમના માથે હાથ ફેરવવા માંડી, કોઈ એમના ખભા પંપાળવા માંડી, તો વળી કોઈ તેમના ગાલ ઉપર વહ્યે જતાં અશ્રુઓને પોતાના અંગૂઠાઓ વડે લૂછવા માંડી. અત્યાર સુધી લગભગ ખામોશ રહેલી એવી રમીલા રડમસ અવાજે સજળ નયને બોલી ઊઠી, ‘પણ માસી, અમે તો તમે ખુશ થાઓ તેવી વાત લઈને આવ્યાં હતાં અને તમે તો નાની છોકરીની જેમ રડી પડ્યાં ! તમે આમ કરશો એવી જો અમને ખબર હોત, તો અમે જે કરવા માગતાં હતાં તે તમને ખબર પણ પડે નહિ તેવી રીતે કરી લેત ! હવે, પ્લીઝ, રડવાનું બંધ કરીને અમને જણાવો કે તમે કેમ રડી પડ્યાં ?’

‘દીકરીઓ, આ તો મારું હરખનું રૂદન છે. સંસ્કારી માતાપિતાની તમે કેવી ગુણિયલ સાક્ષાત્ લક્ષ્મી અને સરસ્વતી જેવી દીકરીઓ ! તમે લોકો પરણીને જે ઘરે જશો, તે ઘરને ઊજાળશો. તમે લોકો નવાઈ પામતાં નહિ કે હું આ ભણેલાંઓના જેવી ભાષા કેમ બોલી શકું છું. હું અમદાવાદની કુવાસી છું. ફરજિયાત પ્રાથમિક શિક્ષણના કારણે હું સાત જ ચોપડીઓ ભણેલી છું. અમારા લોકોના સામાજિક કુરિવાજોના કારણે મને વહેલી પરણાવી દેવામાં આવી હતી. મેં ખુશાલના બાપાને સમજાવીને તેને મોડો જન્મવા દીધો હતો. આમ પરણ્યા પછીનાં પાંચસાત વર્ષ સુધી હું આણાં ફરતી રહી અને વારતહેવારે જ અહીં કેટલાક દિવસ માટે સાસરિયે આવતીજતી રહી. મને વાંચનનો ખૂબ શોખ અને મારાં ભણતાં ભાઈબહેનોની શાળાની લાયબ્રેરીમાંથી પુસ્તકો મંગાવીને વાંચતી રહેતી. મારું વાંચન તો મુખ્યત્વે અમારી શોષિત જાતિના ઉદ્ધાર માટે જીવનભર ઝઝૂમેલા એવા મહાત્મા ગાંધી અને આંબેડકર સાહેબના સાહિત્યનું રહેતું. ખુશાલના પિતાનું એરુ આભડી જવાના કારણે યુવાન વયે અવસાન થઈ જતાં રાત્રે સૂવા પહેલાં તેમની યાદને ભૂલવા હું કંઈક ને કંઈક નિયમિત વાંચું છું અને આંખો ઘેરાતાં ઊંઘી જતી હોઉં છું. લ્યો, હું તો મારી વાત લઈ બેઠી. સાચું કહું તો તમે લોકો મારા દીકરા માટે સામા પૂરે તરવા જેવી જે હિંમત બતાવી છે, તે જાણીને મને આપણા પૂજ્ય બાપુના એ શબ્દો યાદ આવી ગયા કે, ‘હું પુનર્જન્મ નહિ લઉં અને લઈશ તો કોઈ અસ્પૃશ્યના ઘરે જ લઈશ.’ મારું એવું તો ગજું નથી કે હું એ મહાત્માના ખાસડામાં પણ મારો પગ ઘાલી શકું અને એમના જેવું બોલી બતાવું; પણ તમારા સૌના મહાન વિચારોને સાંભળીને મારા રૂદન ઉપર મારો કોઈ કાબૂ રહ્યો નહિ અને મારી આંતરડી એમ બોલતી મને સંભળાઈ કે ‘હું બીજો જન્મ કદાચ લઉં તો મારી આ જાતમાં જ લઉં અને પ્રભુને પ્રાર્થું કે તમે સૌ મારી કૂખે જન્મ ધારણ કરો અને મને તમારી જનેતા થવાનું સૌભાગ્ય સાંપડે !’

‘જુઓ માસી, એ બધી બીજા જન્મની અને વાયદાની વાતોને વેગળી મૂકો અને આ જન્મમાં જ અમે જ્યારે ખુશાલને ભાઈ બનાવી જ દીધો છે, તો તમે અમારાં માતા બની જ ગયાં છો. હવે થોડુંક હસી લો અને અમે આવતાંની સાથે જ કહ્યું હતું કે ‘અમારા માટે ચાપાણીની હાલ પૂરતી કોઈ તસ્દી લેશો નહિ.’ તેની યાદ અપાવીએ છીએ. બોલો, હવે ચા પાશો કે માત્ર ‘ચાહ’થી જ ચલાવી લેશો ?’ કેતકી મિસ્ત્રીએ વાતાવરણને હળવું બનાવ્યું.

‘અરે દીકરીઓ, તમને ચાહ સાથે જ ચા પાઈશ. તમે લોકો કહો તો હોટલેથી ચા સાથે બિસ્કિટ કે એવું કંઈક નાસ્તા માટે લઈ આવું.’

‘એમ ? તો તમારે અમને હોટલની ચા પાવી છે, ઘરની નહિ ? જુઓ માસી, ‘અમે આભડછેટમાં માનતાં નથી’ એ અમારી માત્ર જીભની કવાયત જ નથી; અમારા હૈયે જે હોય તે જ હોઠે હોય છે. અમે પીશું તો તમારા ઘરની જ ચા અને એ પણ તમારા જ હાથની બનાવેલી; હા બા !’ છેલ્લેછેલ્લે કલ્પના ચાવડાએ પોતાના રોજિંદા તકિયા કલામ જેવા શબ્દો ‘હા, બા’ બોલીને બધાંને હસાવી દીધાં.

‘પણ, તમને લોકોને બકરીના દૂધની ચા ભાવશે ખરી ?’

‘અમે કોઈ દિવસ પીધી નથી, એટલે શો જવાબ આપીએ; પણ હા, ગાંધીબાપુના આત્માને પૂછીએ તો ખબર પડે ! એ આખેઆખું બકરીનું દૂધ પીતા હતા, આપણે તો એ દૂધની ચા જ પીવાની છે ને !’ સૌ મોકળા મને ખડખડાટ હસી પડ્યાં.

***

ટીપાર્ટી પૂરી થઈ અને એ છએ જણની પાર્ટીએ વાડાના કટલા પાસે ઊભી રહીને રૂખીમાસીના હાથ પોતાનાં માથાં ઉપર મુકાવીને આશીર્વાદ યાચ્યા. રૂખીમાસીએ પોતાની આંખોમાં આભારવશતાના ભાવ સાથે બે હાથ જોડીને જ્યારે પેલી છોકરીઓને ભાવભીની વિદાય આપી, ત્યારે એ છોકરીઓની બારેય આંખોમાં કૃતકૃત્યતાનો એવો ભાવ ડોકાતો હતો કે પેલા વ્હી. શાન્તારામના ચલચિત્ર ‘દો આંખે, બારહ હાથ’ને પણ ટપી જાય તેવું ‘દો હાથ, બારહ આંખે’ જેવું અનોખું દૃશ્ય સર્જાઈ ગયું હતું !

એ કિશોરીઓ ગામના પાદરેથી આગળ વધીને વાતો કરતીકરતી ધીમેધીમે એક ચૌરાહા સુધી પહોંચી કે જ્યાંથી તેમને પેલા છોકરાઓના ઘરે જવાનું હતું. હજુ તો એમની વાતો ચાલુ જ હતી, ત્યાં તો પાદર તરફથી આવતો પવન આખા પરગણામાં ખ્યાતનામ એવા ખુશાલના ઢોલના અવાજને ખેંચી લાવ્યો. ગોચરમાં બકરાં ચારતા એ ખુશાલને કોઈકે સમાચાર આપ્યા હતા કે તેની સ્કૂલની કેટલીક છોકરીઓ તેના ઘરે બેઠેલી છે, ત્યારે તો તે ઘેટાંબકરાં રેઢાં મૂકીને શ્વાસભેર ઘરે દોડી આવ્યો હતો. રૂખીમાસીએ છોકરીઓની સઘળી વાત જ્યારે ખુશાલને ટૂંકમાં કહી સંભળાવી, ત્યારે તો તે હરખપદુડો થઈને ઓસરીની ખીંટીએ લટકતા ઢોલને ગળે ભરાવીને દાંડી વડે એવો તો વગાડવા માંડ્યો હતો કે પેલી છોકરીઓને તો એ અવાજ ‘થેંક્યુ…થેંક્યુ’ જેવો જ સંભળાવા માંડ્યો હતો. જી હા, ઢોલના અનેક તાલો પૈકીનો શીખ(વિદાય)નો એ એક તાલ હતો. લગ્નપ્રસંગોએ તમામ અવસરો પતી ગયા પછી ઘરધણી ઢોલીને કપડાં, અનાજ, રોકડ રકમ, મિષ્ટાન્ન વગેરે આપીને તેને રાજી કરે, ત્યારે આભારવશતાના ભાવને વ્યકત કરતો શીખવેળાનો એ ઢોલ ઢોલી દ્વારા વગાડવામાં આવતો હોય છે.

બંધ આંખોએ હર્ષાશ્રુ વહાવતાંવહાવતાં કેટલાય સમય સુધી ઢોલને વગાડ્યે જતા એ ખુશાલના હાથમાંથી રૂખીમાસીએ દાંડી ખેંચી લીધી, ત્યારે જ ખુશાલનો એ ખુશહાલ ઢોલ વાગતો બંધ થયો. પરંતુ…પરંતુ પેલી કિશોરીઓના કાનોમાં તો ખુશાલના એ ઢોલનો અવાજ ક્યાંય સુધી પડઘાયા જ કર્યો, એમ છતાંય કે ઢોલ તો ક્યારનોય વાગતો બંધ થઈ ગયો હતો !

– વલીભાઈ મુસા