ચિત્કાર - 8 ARUN AMBER GONDHALI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચિત્કાર - 8

ચિત્કાર

( પ્રકરણ – ૮ )

જયારે જિંદગીમાં આનંદ હોય ત્યારે દિવસો, મહિનાઓ વહેલાં વીતી જતાં લાગે, પરંતુ દુઃખ અને પરેશાનીની ઘડીઓ ખૂબ લાંબી લાગતી હોય છે. આજે ઘટનાનો સાતમો દિવસ હતો. શ્રેણીનાં પિતા નીરજ અને માતા અલકા પરેશાન હતાં. એમનાં માટે સમય જાણે થંભી ગયો હતો. બેડમાં પડેલી એકની એક દીકરીને જોઈ હર ઘડી પ્રભુને પ્રાર્થના કરતાં હતાં. ડોક્ટરો પોતાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં અને પોલિસ છાનબીન.

હવે ત્રણે મિત્રો બરાબરના ઘબરાયા હતાં. એમની એક બીજાને મળવાની ઈચ્છા નહોતી. દરેકના મનમાં એકબીજા માટે દ્વેષભાવ થતો હતો. મોબાઇલ મેળવવા માટે પૈસા ભેગાં કરવાના હતાં. રકમ મોટી હતી. પોતાનાં માબાપ પાસે માંગી શકાય એવું નહોતું. જો માંગવી પડે તો કારણ જણાવવું પડશે એની બીક હતી. જે ઘરમાં દીકરી હોય તે માં-બાપ આવી ઘૃણાસ્પદ ઘટનાને સાથ નહિ આપી શકે અને જો કોઈ આપે તો સમજવું કે સાથ આપનાર વ્યક્તિમાં અને જાનવરમાં કોઈ ફરક નથી. પૈસા આપી તમે છટકી તો શકો પણ બીજો એક હિસાબ કુદરતના દરબારનો બાકી રહી જાય છે. ત્યાં અન્યાય નથી !

આખાં દિવસ દરમિયાન ત્રણે મિત્રોના ફોન કિરીટના ખોવાયેલા ફોનના મિસકોલથી રણકતા રહ્યાં. દરેક કલાકે તેઓ પરેશાન થતાં હતાં. ફોન કરવાની હિંમત કે સોદો પતાવવાની હિંમત હવે ત્રણેમાં નહોતી. રસ્તો શોધવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં પરંતુ કરેલ કૃત્યનો એકજ રસ્તો હતો જે માં-બાપને જાણ કર્યા શિવાય ખુલે એવો નહોતો.

લલ્લો ટીવી જોઈ રહ્યો હતો કારણ ઊંઘ હરામ થઇ ગયી હતી. રાત્રે બે વાગે લલ્લા ના રૂમના દરવાજાં ઉપર થાપ પડી. દરવાજો ખોલ્યો તો સામે શ્રેણી ઉભી હતી. એ ઘબરાયો. સીધો બેડમાં જઈ પડ્યો. શ્રેણીનાં હાથમાં મોબાઇલ હતો એ કંઇક વીડીઓ બતાવી રહી હતી. મોબાઇલ પરથી નજર ફેરવી તો શ્રેણીનાં બદલે પોતાની બેન સીમા વીડીઓ બતાવતી હોય એવું દેખાયું. તે ભ્રમીત થયો. દર ક્ષણે એનાં સામેની વ્યક્તિ બદલાઈ રહી હતી. ડરથી એનો શ્વાસ રૂંધાઈ રહ્યો’તો. એ કરગરી રહ્યો હતો, મને માફ કરી દે, મને માફ કરી દે..... પસીનાથી રેબઝેબ લગભગ પાંચ મીનીટમાં એનું શરીર શાંત થયું.

તે બેડમાં ફસડાયો. હાથમાંનો પોતાનો મોબાઇલ બેડની પાછળ પડ્યો. તેના શરીરનો આકાર ધીરે ધીરે બદલાઈ રહ્યો હતો. એનાં એક પગમાં ધ્રુજારી આવી રહી હતી. એક હાથની આંગળીઓ વાંકી થવા લાગી હતી. જડબાનો ભાગ ચહેરાની બહાર નીકળવા કોશિશ કરતો હતો. આવાજ ઓ..ઓ..કરતો જુના ફાટી ગયેલ સ્પીકરમાંથી આવતો હોય એવો લાગતો હતો. બુમ પાડી ઘરનાને બોલાવવાની કોશિશ કરી રહ્યો હતો. પણ રાતના બે વાગે ઠંડીમાં ક્યાં કોઈ જાગતું હોઈ શકે ? અને બંધ દરવાજામાંથી અવાજ પણ કેવી રીતે બહાર જઈ શકે ? શરીરને પેરાલિસીસની અસર થઇ ગયી હતી. તેણે બેડ પરથી ઉતરવાની કોશિશ કરી પણ શરીરમાં ભારે ફેરફાર થઇ રહ્યાં હતાં એક એક અંગ ઢીલું પડી રહ્યું હતું. શરીરની શક્તિ ખલાસ થઇ રહી હતી. મગજ અને શરીર કોઈપણ કાર્ય માટે સક્ષમ નહોતાં. તે બેડ ઉપરથી ઉઠવાને લાયક નહોતો. ડર અને ખૌફ પોતાનું કામ પર પાડી રહ્યાં હતાં.

શ્રેણીની જે દશા આ ત્રણે નરાધમોએ કરી હતી તેનું ચિત્રીકરણ લલ્લાના શરીર ઉપર થઇ રહ્યું હતું. એક એક અંગ બેકાર થઇ રહ્યું હતું. અંગની સાથે બાકી જિંદગીના એક એક દિવસો એનાં નીરવશ થવાના હતાં. તે લાચાર થઇ રહ્યો હતો. સુખ એનાં જીવનથી દુર દુર ભાગી રહ્યું હતું. ઇચ્છાઓને હવે અવકાશ નહોતો. મોમાંથી નીકળનાર શબ્દોના અર્થ કળવા મુશ્કેલ થવાના હતાં. અભિવ્યક્તિ દફન થવાની હતી. લાચારીએ જિંદગીને વશમાં કરી હતી !

બીજા દિવસે સવારે અગિયાર સુધીમાં પોતાનો ભાઈ નીચે નહી આવતાં બેન સીમાએ એનાં રૂમનો દરવાજો ખોલ્યો અને જોરથી બુમ મારી.... ભૈયા....ભૈયા... ઘરના બધાં ભેગાં થઇ ગયાં. લલ્લાની હાલત જોઈ બધાં હેબતાઈ ગયાં. તરત હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવ્યો.

બેડોળ શરીરને જોતાં જ ડોક્ટરોએ કહી દીધુ કે પેરાલીસીસનો સખત એટેક થયેલ છે. પેશન્ટને લાવવામાં મોડું થયેલ છે. જો સમયસર દાખલ કર્યો હોત તો સારા થવાના ચાન્સેસ હતાં, પરંતુ તે હવે નહિ બરાબર જેવાં છે. પ્રયત્ન કરીએ છીએ, ઉપરવાળાની મહેરબાની.

એકના એક દીકરાની હાલતથી માં-બાપ પરેશાન હતાં. લાડકવાયો ભાઈ આજે પથારીમાં પડેલો જોઈ એનાં આંખોમાંથી અશ્રુઓની ધારા વહી રહી હતી. વગદાર કુટુંબ હોવાથી ધીરે ધીરે વાત પસરી અને હોસ્પિટલમાં બધાં ખબર લેવાં આવી રહ્યાં હતાં અને દુઃખ વ્યક્ત કરતાં હતાં. કારણ કોઈને ખબર નહોતું.

લલ્લાના બીજા બે મિત્રોને પણ વાત ખબર પડી અને તેઓ પણ હોસ્પિટલમાં દોડી આવ્યાં. લલ્લાની દશા વિકટ હતી. પથારીમાં નીરવશ પડેલો હતો. શરીરનું હલનચલન બંધ હતું. જબાન બોલી શકે તેમ નહોતી. ત્રણેના આંખ સામે કરેલ કૃત્યના દ્રશ્યો સ્લાઈડ શોની જેમ પસાર થઇ ગયાં હશે. કરેલ પાપની સજા એકને મળી હતી. બંને હવે એક બીજા સામે જોઈ રહ્યાં હતાં ઊંડા વિચારમાં. લલ્લા સાથે આ કેવી રીતે થયું તે જાણવું પણ બંને માટે મુશ્કેલ હતું. તેઓ હવે કોઇ વાત કરી શકે તેમ નહોતાં. લલ્લાને સારા થવામાં કદાચ ઘણો સમય લાગશે એ નક્કી હતું, પરંતુ લલ્લાની જીન્દગીનો કોઈ અર્થ નહોતો. આખી જીન્દગી કુટુંબ માથે ભાર હતો.

બંને મિત્રો ત્યાંથી તરત બહાર નીકળી ગયાં અને વાતનો અંત કેવી રીતે લાવવો તેનો રસ્તો શોધતા હતાં. બંને મિત્રો આજે આઠમાં દિવસે હોસ્પિટલમાં ગયાં જેથી કોઈ જાણકારી મળી જાય. આમતેમ ખબર કાઢતાં જાણ થઇ કે શ્રેણીની પરિસ્થિતિમાં કોઈ ફેર નથી. તેનું બ્રેન ડેડ છે. સંજોગની રમત કેવી ? એક સંજોગથી શ્રેણીનાં માતા પિતા પરેશાન હતાં જયારે બીજા માટે એ સંજોગ અનુકુળ લાગતાં હતાં. મનોમન બંને ખુશ થયાં અને હોસ્પિટલથી તેઓ નીકળી ગયાં. હોસ્પિટલના સીસીટીવીના કેમેરામાં બંનેની હાજરી રેકોર્ડ થઇ ગયી હતી.

લલ્લાનો ફોન સાઇલન્ટ મોડમાં હોવાથી ઘરનાં કોઈના ધ્યાનમાં ના આવ્યું. લલ્લાની જીન્દગી પણ એક સાઇલન્ટ મોડમાં ચાલી ગયી હતી. ફક્ત વાયબ્રેશન હતું. મોબાઇલના સ્ક્રીન ઉપર જેમ ડિસ્પ્લે થાય અને પાછો ડિસ્પ્લે બંધ થાય તેમ એનાં આંખોનો ડિસ્પ્લે બાકી રહ્યો હતો. નેટવર્ક ચાલું હતું પણ વીક હતું. ડાઉનલોડ, અપલોડ સામાની સમજણ શક્તિ ઉપર હતાં. ફોર જી નો ફોન સાદો ઓર્ડિનરી ફોન થઇ ગયો હોય તેમ. તુટક તુટક અવાજનું આવન જાવન હતું પણ ચિત્રો નહોતાં.

પરેશાની હતી તો માં-બાપને એક લાડકી બહેનને. ડોક્ટરોનો પ્રયત્ન અને કુટુંબની પ્રાર્થના. દવા અને દુવા. દુ:ખના પ્રસંગની સાંકળના બે છેડા.

આજે દુઃખી કોણ હતાં ? ફક્ત બંને કુટુંબનાં માં-બાપ. એમની કોઈ ભૂલ હતી ? ના... છતાં સજા એવો ભોગવી રહ્યાં. પુત્ર, પુત્રી માટે રચેલા સપનાઓ પત્તાની મહેલની જેમ ધરાશાયી થયા હતાં. કોઈએ ઘડપણની લાકડી ખોઈ હતી હો કોઈએ હંમેશ પ્રેમ વરસાવનાર લાડકી દીકરી. આશ્વાસનો હજારો મળતાં હતાં પરંતું એનો પુલ બનાવી આનંદને પામવા જઈ શકાય કે આનંદને મેળવી શકાય એવું શક્ય નહોતું. પરંતું બંને કુટુંબ એમ ઇચ્છતા હતાં કે એમનાં લાડકવાયા સારા થાય.

શ્રેણીનાં ડોક્ટરોને આજે કંઇક યશ મળ્યું હતું. શ્રેણીએ આજે આંખ ખોલી હતી પરંતું બીજી કોઈ સંવેદનાઓ નહોતી. શરીરમાં હલન-ચલન નહોતું. પરંતું ડોક્ટરોને હવે વિશ્વાસ હતો કે ટ્રીટમેન્ટ કારગર નીવડે છે. શ્રેણીનાં માતા-પિતાની આંખમાં પણ એક આશા દેખાય રહી હતી. ભગવાને તેમની પ્રાર્થનાઓ સાંભળ્યાંનો સંતોષ ચહેરા ઉપર ઝલકતો હતો.

હાલમાં બનેલ ઘટનાઓને આકાર આપનાર એક બીજી શક્તિ સજાગ થઈને કામ કરી રહી હતી. ભારતની ભૂમિ એક શક્તિ ભુમી છે, સાધનોને સાધ્ય કરનારાઓની ભૂમિ છે. શ્રદ્ધાની ભૂમિ છે !

( ક્રમશઃ )