મનોતિમિર divya Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મનોતિમિર

મનોતિમિર

અનુષા આજે ખૂબ ઉત્સાહમાં હતી, જો કે મોટાભાગે આ દિવસે પ્રેમીઓ ખુશ અને ઉત્સાહમાં જ હોય. કારણ કે દિવસજ પ્રેમીઓ નો હતો વેલેન્ટાઈન ડે.સામાન્ય રીતે અનુષા ક્યારેય બહુ ઉત્સાહમાં આવી જઇ પ્રેમલા પ્રેમલી જેવા પાગલપનોમાં માનતી નહોતી. ખૂબ પરિપક્વ હોવાથી જ તો ઈશાનની નાની નાની મસ્તીઓ તેને બાલિશ લાગતી પણ સાથે જ ગમતી. ઈશાન તેને હંમેશા કહેતો કે ક્યારેક તો નાની નાની પળો ને બાળકની જેમ માણ. ક્યારેક તો તું પણ મને પ્રેમ દર્શાવ, અને અનુષા કહી દેતી વારંવાર પ્રેમ દર્શાવવો પડે તો તે પ્રેમ જ ન કહેવાય અને વાત ત્યાંજ અટકી જતી.પરંતુ આજે અનુષા ખૂબ ખુશ હતી કારણ કે તેણે પહેલીવાર ઈશાનને પત્ર લખવાનું નકકી કર્યું હતું. "પ્રેમપત્ર" આ શબ્દ વિચારતા જ તેને ખુદને જ પોતાના પર હસવું આવ્યું પણ ઇશાનને આજે પ્રેમ દર્શાવવાનું તેણે નક્કી કર્યું હતું. આ વિચાર સાથે જ તેણે પત્ર લખવાનું શરૂ કર્યું.

ડિયર માય વેલેન્ટાઈન,

કશુંક અજુગતું છે નહીં? તું મારો વેલેન્ટાઈન છે એ તને પણ ખબર છે અને મને પણ. છતાં ઘણી બધી વાતો છે જે હું તને આજે કહેવા માંગુ છું. તારું મારા જીવનમાં હોવું એજ મારા માટે હંમેશાનું વેલેન્ટાઈન ડે સેલિબ્રેશન જેવું છે. થોડા પ્રશંસાના શબ્દો તને કહીશ એટલે તું ફુલાઈને કહીશ પણ ખરો કે હું તો છું જ સારો, પછી તરત લાડ મેળવવા એ પણ ઉમેરીશ કે તને જ કદર નથી. પણ આજે તને એ જણાવવા માંગુ છું કે, મને માત્ર તારી કદર નહીં પણ તારા પર અતૂટ વિશ્વાસ છે, જે કદાચ કદર કરતા પણ વધુ કહી શકાય ને મારા જીવડાં!

તું મારા પ્રાણ છો તારા વગર જીવન જ નથી એવા ઇન્ટુ બ્રેકેટવાળા શબ્દો મને બોલતા નથી આવડતા પણ ચોખ્ખી કાઠિયાવાડીમાં 'મારા જીવડાં' કહેવું મને ગમે છે. તારી સાથે ગાળેલી પળો હંમેશા મારી યાદગાર પળો હોય છે. તારા પ્રેમ વિશે ક્યારેય મારે પ્રમાણ જોઈતા નથી અને મને ખબર છે તું પણ ક્યારેય માંગીશ નહી. તારો પ્રેમ મને હંમેશા દેખાય જ છે,ખાસ જ્યારે તું લેપટોપ ની નજીક બેસે અને તારી આડશ લઇ તારી ના છતાં ડરી ડરીને હું હોરર ફિલ્મ જોઉં અને પછી રાત્રે 3 વાગ્યે પણ પાણી પીવા જવા સમયે પણ તને ઉઠાડીને કિચનમાં સાથે લઈ જાઉં, તો પણ તે ક્યારેય ફરિયાદ કરી નથી. મારા અવાજ પરથી તબિયત ખરાબ છે કે રડી છો તેનો તને ખ્યાલ આવી જવો એ તારો મારા પ્રત્યેનો પ્રેમ જ છે ને.

આપણું સાથે વેબસિરિઝ જોવું જેમાં હું હરવખતે ચિટિંગ કરી આગળના એપિસોડ જોઈ લઉ છું અને છતાં તારું કહેવું કે કાંઈ વાંધો નહી, આમ પણ મને ઓફિસમાંથી સમય નથી મળતો એમાં તારો શું વાંક? વધુ સમય ફાળવવો પડે એવી રસોઈ પણ બનાવવાની મને ના પાડવી, કારણ કે મારો લખવાનો સમય તેમાં બગડે છે, એ તારો પ્રેમ જ છે. મારા ઓફિસવર્ક માટે પ્રેઝન્ટેશન બનાવવા માટે મારી સાથે રાતરાત જાગવાનું અને કશી ફરિયાદ નહીં. મારા મમ્મી પપ્પાનું પ્રથમ મુલાકાતમાં જ તારી જોડે નું ખરાબ વર્તન અને તારા એમને મનાવવા માટેના પ્રયાસો મને હજુ યાદ છે, તેમની જાણ બહાર આપણું સાથે રહેવું અને છતાં તારો લગ્ન પહેલા શારીરિક સંબંધની મનાઈનો સંકલ્પ.ક્યારેય પણ તે એક ઇગોઇસ્ટિક પુરુષ જેવું વર્તન નથી કર્યું. હંમેશા મારો ગુસ્સો સહન કરી અને મને સંભાળી છે.મારી લાગણી, મારા સપના,મારા કામ, મારુ ટેલેન્ટ અને મારા વિચારો સુધ્ધાને તે પ્રાધાન્ય આપ્યું છે. તારા આ જ પ્રેમને હું મારું સદભાગ્ય માનું છું. હું તને આજે કહેવા માંગુ છું કે મને ગર્વ છે મારા પ્રેમ પર.

તને યાદ છે? આપણી પહેલી મુલાકાતનું પેલું નમકવાળું પાણી! ત્યારથી આજ દિન સુધી તું મને પજવે છે ને તો એ મને ગમે છે.તારા જીવનમાં તું મને નાની નાની બાબતોમાં પણ સ્થાન આપે છે તે મને ગમે છે, મારુ કશું ભૂલી જવું અને ખરા સમયે એ તારું યાદ કરાવવું ત્યારે એમ લાગે કે તું ન હોત તો મારું શું થાત! આ બધુ જ મને આનંદ આપે છે. તારા માટે કપડાં ખરીદવાથી લઈ તારી ભાવતી વાનગી બનાવવી કે તારા કપડાં પર પડેલ એક નાના ડાઘને કાઢવા માટેના મારા પ્રયત્નો કુદરતી હૃદયપૂર્વકના હોય છે. ખબર નહીં પણ તારા માટે કંઈક કરવું અને એનાથી તારા ચહેરા પર ખુશી આવવી એ મારા માટે ર કામના એવોર્ડથી ઓછી મૂલ્યવાન નથી.

મારી માત્ર શરદી જેવી માંદગીમાં પણ ફરજિયાત ડોક્ટર પાસે લઈ જવાની તારી જીદ. મારા બર્થડે પર મારી ફેવરિટ વાનગી પોતાના હાથે બનાવીને મને ખવડાવવાની તારી જીદ અને જ્યારે હું આશા છોડી અને હાર માની કહી દઉં કે મારાથી નહીં થાય ત્યારે મને એક પ્રયત્ન કરવા માટે મનાવવાની જીદ.

આ બધીજ તારી જીદમાં ક્યારેય તે પોતાના માટે નહીં મારા માટે અને મારો મારા પર નો વિશ્વાસ જીવંત કરવા કરી છે. હું જાણું છું કે તને મારાથી જુદા થવાનો હંમેશ ડર લાગે છે. હું એ પણ જાણું છું કે મારું મનસ્વીપણું તારા સિવાય કોઈ જ હેન્ડલ કરી શકે તેમ નથી.

મારી કંટાળીને નર્મદા કિનારે 'એકલા' ચાલ્યા જવાની "ધમકી"ને તું આસાનીથી 'બેકલા'માં પરિવર્તત કરી દે છે. મારા દરેક સપનાની દોડમાં તું હંમેશા 'આપણા' શબ્દનો ઉપયોગ કરીને મને પોતાનાથી દૂર થતી અટકાવવામાં સફળ થાય છે. ના પાડવા છતાં પણ શિયાળામાં ગરમ કપડાં વગર જ બહાર જઈ તારું છીંકતા ઘરે આવવું અને મારું તારા પર ગુસ્સે થતા દવા આપવી અને તારું ચુપચાપ દવા ખાઈ જવું એ સમયે તારા બાળક સમાં હાવભાવ મારી નબળાઈ છે. તારા પર ગુસ્સો વધુ સમય ટકી શકતો નથી. તું મારી શક્તિ છો આમ તો સ્ત્રીને શક્તિ સ્વરૂપા કહેવાય છે પણ મારી શક્તિ તું છો.

તારી સાથે જુના હિન્દી ફિલ્મગીતો ગાવા એ મારી મુલ્યવાન ક્ષણો હોય છે. દરેક વાત તારી જોડે શેર કરવી અને તેના કારણે ડિનર એક કલાક ચાલે એતો હવે રોજીંદો ક્રમ થઈ ગયો છે.પણ એક વાત મેં તને ક્યારેય નથી કહી એ તને કહેવા માગું છું કે એક પ્રેક્ટીકલ, તડ અને ફડ કરનારી આ તારી પ્રેયસીને પણ તને ગુમાવવાનો ડર લાગે છે.હું આ દુનિયામાંથી વહેલી ચાલી જઈશ તો તારું શુ થશે એ વિચાર સાથે જો તું મારી પહેલા અનંતયાત્રાએ ચાલી નિકળીશ તો મારું શું થશે એ વિચાર પણ મને આવે છે અને એ સાથેજ એક એકલતા ઘેરી વળે છે. પણ ત્યાં અચાનક તું ફરી કશુંક કહે અને હું તારામાં પરોવાઈ જાઉં છું. તારા આશ્લેષમાં જે નિરાંત છે એ મને કોઈ એકાંત મનગમતા સ્થળે પણ મળી શકે તેમ નથી. હું આજે તને બસ એ જ કહેવા માગું છું કે, હું તને ખૂબ પ્રેમ કરું છું.

પણ તું આવું શા માટે કરે છે? મેં તને મારી જબરદસ્તી થયેલી સગાઈના દિવસે પણ કહ્યું હતું કે તિમિર કોઈ દિવસ તારી જગ્યા નહીં લઇ શકે છતાં તે મારી વાત કેમ ન માની? તે દિવસે પણ હું તને એ જ સમજાવવા માંગતી હતી કે તિમિર માત્ર થોપવામાં આવેલો સંબંધ છે મારો પ્રેમ નથી. તિમિરને પણ કદાચ જાણ છે કે હું તેને પ્રેમ નથી કરતી મારા હાથના ઠંડા સ્પર્શને તેને જાણ્યો જ હશે પણ તે કેમ આ બાબત સમજી નહીં. બસ તિમિર વિશેની વાત જાણીને તે ગુસ્સો કર્યો અને ચાલ્યો ગયો? મારી લાગણી સમજી જ નહીં! તને એમ જ સમજાયું કે મેં તને છેતર્યો!

લોકો કદાચ સાચું જ કહે છે અનહદ પ્રેમમાં શંકા પ્રવેશતા જરા પણ વાર નથી લાગતી, તે મને ત્યારે એક વાર તક ન આપી કે હું બધું વ્યવસ્થિત કરી શકું! અને આજ કારણે તે મને છોડી દેવાની કોશિશ કરી હતી ને? પણ મમ્મી એ જ્યારે મને જણાવ્યું કે તે ખીણમાં છલાંગ લગાવી હતી તો પણ તે વાત મેં માની નહોતી. તેણે કહેલું કે તું હવે આ દુનિયામાં નથી પણ તેમને તો પહેલા પણ તને ક્યાં તેમની દુનિયામાં રાખવો હતો! પણ તું અહી જ છે એ તેમને ખબર નથી. તિમિર જાય ત્યારે તું આવે છે અને તેના આવ્યા પહેલા તું ચાલ્યો જાય છે એ કોઈને પણ ખબર નથી અને હા તું પણ કોઈને ભૂલથી પણ કશું ન કહેતો.

રહી વાત તિમિરની તો હવે હું તારું આવું છાનુંછપનું મારી સાથે રહેવું અને તિમિરથી આપણું ડરવું એ સહન નથી કરી શકતી. એટલે જ આજે રાત્રે તિમિરનું અંતિમ ડિનર હશે એ તને હું ખાતરી આપું છું તે આ પત્ર કાલે સવારે મળશે તું જ્યારે આ વાંચીશ ત્યારે તિમિર આ વિશ્વમાં નહીં હોય.હવે રૂબરૂ વાત કરીશુ. પણ પ્લીઝ ક્યારેય મારા પ્રેમ પર શંકા કરીશ નહીં.હું તને માત્ર એટલુંજ કહેવા માગું છું કે હું તને અનહદ ચાહું છું.તિમિર આવ્યા લાગે છે બાય.

અનુષા એ તિમિર ને આવકાર આપ્યો. આવો તિમિર, હાથ-મો ધોઈ લો અને જલ્દી જમવા આવજો. હાશ.. તિમિર રૂમમાં ગયા.. આ પત્ર જલ્દી કબાટમાં રાખી દઉં. ઓહ તિમિર આવી ગયા! ચાલો જમવા. અનુષા તું ઠીક છો? હા કેમ? ફરી આજે તિમિર? તિમિર તારા જીવનમાંથી ક્યારનો ચાલ્યો ગયો છે એ તું શા માટે નથી સમજતી? ફરી ફરી ઈશાન અને તિમિર સાથે ના ભૂતકાળમાં ચાલી જાય છે! અનુષા સમજ, ઇશાનનું મરવું પણ વાસ્તવિક છે અને તિમિરને તારું મારવું પણ. તે ફરી ઈશાનને પત્ર લખ્યો ને વેલેન્ટાઈન ડે નો? ફરી તિમિરને મારવાનું કાવતરું વિચારે છે? એક જ ઘટનામાં ક્યાં સુધી જીવતી રહીશ? તિમિર નું મૃત્યુ ૨ વર્ષ પહેલાં થઈ ચૂક્યું છે. તિમિરની હત્યાના અપરાધમાં જ તો તું ૨ વર્ષથી અહીં છો. અનુષા હું તિમિર નથી હું તારો ડોક્ટર તારો મિત્ર સ્નેહલ છું. તું મારી વાત સાંભળે છે? હું જે કહું છું તે સમજ!! અને અનુષા એ કહ્યું, સોરી ઈશાન, પણ મેં તને ક્યારેય દગો નથી કર્યો. બસ હું તને એટલુંજ કહેવા માગું છું કે હું તને અનહદ પ્રેમ કરું છું.

***