વોકિંગ ફ્રેન્ડ
આજે પણ રૂચિની સવાર પાંચ વાગ્યામાં થઈ ગઈ હતી. મારા જેવા નિશાચર જ્યારે ઓફિસના કામ પૂરા કરી મીઠી ઊંઘ માણવાની તૈયારીમાં હોય ત્યારે આ બ્રાહ્મમુહૂર્તી જાગી ગઈ હોય અને તેની ફેવરિટ લાઈટ કોફી પીતી હોય.મારા માટે આ લાઈટ કોફી,વહેલું ઉઠવું, ચાલવું, પુસ્તકો વાંચવા એ બધાજ 'બોરિંગ'અને ખાસ તો બગાસાજનક કામ ગણાતા હતા. રૂચિ અને મારો સ્વભાવ તદ્દન વિરોધાભાસી હતા.પણ આ જ વિરોધી વ્યક્તિત્વો વચ્ચે એકસમયે સેતુ બંધાયો અને બસ આજે એમના સહજીવનને પાંચ વર્ષ થઈ ગયા. એણે મારી અને મેં તેની આદતોને સ્વીકારી હતી.પણ સ્વીકાર તેના માટે ક્યારે સમાધાન થઈ ગયું એ ખ્યાલ જ ન રહ્યો. આ પાંચ વર્ષમાં હું ક્યારે મારામાં ગૂંચવાય ગયો એ પણ ખબર ન રહી અને એ સાથે જ રૂચિ કયાંક એકલી થતી ગઈ. રૂચિના મિત્રો સાથે હું તેને મળવા,આનંદ કરવા મોકલતો રહેતો,પણ તેની પાસે બેસી તેને સાંભળવાનો સમય મને ન હતો,જે એક જ ઘરમાં અમને બન્ને ને અલગ પાડતો જતો હતો.
રૂચિ એ જ્યારે તેની દિનચર્યામાં 'મોર્નીગ વોક'નો સમાવેશ કર્યો,ત્યારે મને ખુબ ખુશી થઈ. તેની દરેક ઈચ્છાને પૂરી કરવી જ મારો ધ્યેય હતો પરંતુ આ ધ્યેય પૂર્ણ કરવાની મહેનતમાં જ હું અમારા જીવનના નાના નાના ધ્યેયોને ભૂલી જતો.રૂચિએ જ્યારે કહ્યું કે, હું આવતી કાલથી 'મોર્નીગ વોક' શરૂ કરવાની છું,ત્યારે મને થયુ કે હાશ, થોડા નવા માહોલ સાથે જોડાશે તો તેને આનંદ આવશે. પછી તો રોજનો શિરસ્તો શરૂ થયો. ધીરે ધીરે રૂચિમાં ફરી રોનક આવતી ગઈ. જાણે નવી રૂચિ અથવાતો મારી જૂની રૂચિ મને મળવા લાગી.રોજ તેના વર્તનમાં કાંઈક નવું જોવા મળતું. જેટલો સમય વાતો કરવા મળતો તેમાં તેના કામ, મિત્રો સિવાય નવા વિચારો, કવિતાઓ, વાર્તા મળી આવતા. ઘણા સમયે રૂચિ ખુલીને હસતી જોવા મળી. ક્યારેક ક્યારેક મન માં ગુનેગારની લાગણી થતી પણ એક શાતા પણ હતી કે,તેનું મનપસંદ ઘર તેને ખરીદી આપીશ ત્યારે આ સઘળા વર્ષોના છૂપાયેલા હાસ્યને માંણીશ.
રૂચિમાં આવેલો આ બદલાવ મને ગમતો હતો પણ તે સાથે જ તેના કારણ જાણવા માટેની ઉત્સુકતા મને વધુ હતી.આજકાલ ઓફિસથી ઘરે આવતો ત્યારે રૂચિ ટીવી જોતી મળતી.મને જોઈ ટીવી બંધ કરી,મારી માટે જમવાનું ગરમ કરવા લાગી જતી એ પણ મેં નોંધ્યું હતું. ટીવી જોતી રૂચિ કોઈ ખાસ સિરિયલ જોતી, તેમાં બનતી ઘટનાઓ પણ તે બહુ ધ્યાનથી જોતી, અને સમય આવ્યે હસી પડતી. તેના આ હાસ્યને હું મનભરીને માણતો. ઘણીવાર લેપટોપ પર બીજા દિવસની મિટિંગના પીપીટી બનાવતા બનાવતા જ્યારે મોટેથી ખુલ્લાંમને થતા તેના ખડખડાટ હાસ્યને સાંભળતો તો થતું કે લેપટોપ છોડી તેની સાથે એ જ ભૂતકાળની જેમ તેની ગમતી સિરિયલ જોઉં.એ વિચાર સાથે જ ફરી મિટિંગ, લેપટોપ યાદ આવી જતા અને એ લેપટોપિકલ મજબૂરી મને ફરી કામમાં પરોવી દેતી.
હમણાંથી ઘણીવાર રૂચિની વાતમાં સમ્યક નામ આવી જતું.સમ્યક તેનો વોકિંગ ફ્રેન્ડ.રૂચિની મોર્નિંગ વોકમાં તેનો સાથી. રૂચીએ અમારી વાતોમાં સમ્યકની ઓળખાણ પણ કરાવેલી. સમ્યક એક ખુબજ ગમતીલો, મોજીલો અને પરિપક્વ વ્યક્તિ હતો.અમારી જ નજીકની સોસાયટીમાં તેના પરિવાર સાથે રહેતો હતો. સમ્યક આઈ. ટી. કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર હતો. સવારના સમયે અમારા વિસ્તારના ગાર્ડનમાં વોકિંગ કરવા જતી રૂચિને પણ તે વોકિંગ દરમ્યાન જ મળ્યો હતો.ઓળખાણ વધતી ચાલી અને મિત્રતામાં પલટાઈ ગઈ. સમ્યક વિશેની વાતો રૂચિની આંખમાં ચમક લાવતી પણ મારા પ્રત્યેનો તેનો પ્રેમ જરાપણ ઓછો નહોતો અને મારી લાગણી પણ શંકા નામના કિડાથી પર હતી.
રૂચિ પાસે રોજ વાતોનો ખજાનો હતો જે મને સમયના અભાવે જાણવા ન મળતો પણ સમ્યક તેનો વોકિંગ ફ્રેન્ડ તેની દરેક વાત જાણતો, સમજતો,અને જરૂર આવ્યે સલાહો પણ આપતો. રૂચિના મતે સમ્યક સાથેની તેની મિત્રતા તેના જીવનની સૌથી સારી વ્યક્તિ સાથેની મિત્રતા હતી. હું ખુશ હતો રૂચિ માટે. ઘણીવાર મેં તેને સમ્યકને ઘરે આવવાનું આમંત્રણ આપવાનું પણ કહ્યું, રૂચિ એ કોશિશ પણ કરી પણ સમ્યકને પણ વોકિંગ સિવાયનો સમય ન મળતો. આખરે એ પણ સોફ્ટવેર એન્જીનીયર હતો. પણ સમ્યકને મળવાની મારી તાલાવેલી વધતી જતી હતી.એક દિવસ વર્ષોના રેકોર્ડને તોડી સમ્યકને મળવા હું પણ રૂચિ સાથે મોર્નીગ વોક પર ગયો પણ તે દિવસે સમ્યક આવ્યો જ નહીં. કદાચ તબિયત ખરાબ હશે એવું વિચારી અમે ઘરે પાછા આવી ગયા.
બીજા દિવસે ફરી રાબેતા મુજબ બધું ચાલવા લાગ્યું.વળી બીજા પંદર દીવસો બાદ હું સમ્યકને મળવા માટે રૂચિ જોડે ગયો ત્યારે પણ સમ્યક ન આવ્યો.હવે મને થોડી શંકા થવા લાગી.જે દિવસો રૂચિ જોડે હું સમ્યકને મળવા જતો તે ન આવતો. હવે મને મનમાં થવા લાગ્યું કે શું સમ્યકને રૂચિ પ્રત્યે કોઈ ખાસ લાગણી હશે કે જેથી તે મને નહિ મળવા માંગતો હોઈ? આ વિચારો સાથે અન્ય ઘણા દિવસો પણ પસાર થતા ગયા. રૂચિનું વર્તન અને વાતો એ જ રાબેતા મુજબની હતી પણ રૂચિ જ્યારે સમ્યકનું નામ લેતી મનમાં વાવાઝોડું ફુંકાતું તેવી લાગણી થતી ક્યારેક વિચારો આવતા કે શું રૂચિને હવે માત્ર સમ્યક જ દેખાય છે? તેની જ વાતો અને વિચારોને તે અનુભવે છે? તેની વાતોમાં હું કયાંય પણ નથી.મારી વાતો નથી.માનવ માટે એકતરફી વિચારવું એ ખૂબ જ સહેલું છે.ઘણીવાર તે સામેની વ્યક્તિના વિચાર કે દ્રષ્ટિકોણ કે પરિસ્થિતિને સમજ્યા વગર જ ઘણી બધી એકતરફી માન્યતાઓ, પૂર્વગ્રહો બાંધી લે છે. મારા તરફથી મળતો સમયનો અભાવ રૂચિના મુખે મારી વાતો ક્યાંથી લાવે? એ વિચારવા માટે હું સક્ષમ ન હતો અને તેનું એક જ કારણ હતું સમ્યક. રૂચિના અનુસાર તદ્દન એને ગમતા બધા ગુણોવાળો સમ્યક.
હવે મને આ પરિસ્થિતિથી મૂંઝારો થવા લાગ્યો હતો.એક દિવસ હું ઘરે વહેલો પહોંચ્યો. રૂચિ તેની સિરિયલ જોઈ રહી હતી. તેનો અવાજ બહાર સુધી આવતો હતો.સિરિયલમાં કોઈ પાત્ર તેના મુખે કોઈ કવિતા કહેતું હતું અને પછી તેણે તેની સાથેનો જીવનનો જોડાયેલો સાર કહેવા લાગ્યો. હું ઘરમાં આવ્યો તેની જાણ થતાંજ રૂચિ એ ટીવી બંધ કર્યું અને રોજની જેમ જમવાનું ગરમ કરવા રસોડામાં ચાલી ગઈ, પણ મારા મનમાં એ સિરિયલના પાત્રની કવિતા અને તેના પર તે પાત્રએ કહેલો સાર ઘુમરાયા કરતો હતો.જમતા સમયે વળી સમ્યકની વાત થતા મેં મનમાં જ આવતીકાલે રૂચિ નો છૂપી રીતે પીછો કરવાનો નિર્ણય લીધો અને એ સાથેજ સમ્યકને મળીને કંઇ કેટલીય ખરીખોટી સંભળાવવાનો વિચાર પણ કરી લીધો.
આજે પણ રૂચિની સવાર પાંચ વાગ્યામાં થઈ ગઈ હતી. હું તો જાણે આખી રાત સમ્યક સાથેની વાતચીતના વિચારો સાથે સૂઇ જ નહોતો શક્યો.આમ છતાં રૂચિ ના જાગવાના અણસાર સાથેજ મેં સૂઈ રહેવાનું નાટક કર્યું. રૂચિ પોતાની દિનચર્યા પતાવી જેવી ઘરમાંથી બહાર ચાલવા નીકળી. હું પથારીમાંથી તરત ઉઠ્યો. ઘરની મારી પાસે રહેતી બીજી ચાવીથી બારણું ખોલી ધીમા પગલે બહાર આવ્યો.રૂચિ તેના સામાન્ય બિન્દાસ્ત મિજાજમાં ચાલી જતી હતી. તેને ખ્યાલ પણ નહોતો કે હું તેનો પીછો કરી રહ્યો છું.જેમ જેમ તે ગાર્ડન તરફ વધતી જતી હતી.મારા મનમાં વિચારોનું યુદ્ધ ચાલી રહ્યું હતું, હું મારા મનમાં જ સમ્યક જોડે જાણે એકતરફી સંવાદો કરી રહ્યો હતો. ગાર્ડન હવે નજીક જ હતું. રૂચિ ગાર્ડન પહોંચી ગઈ હતી અને તેણે મને પહેલા દેખાડેલી તેના અને સમ્યકના વોકિંગ ટ્રેક પાસે તે ઉભી રહી. હું પણ ગાર્ડનમાં પ્રવેશી ચૂકયો હતો. એક ઝાડની આડશે ઉભો રહી હું સમ્યકની રાહ જોઈ રહ્યો હતો. હું જ્યાં ઉભો હતો ત્યાથી હું સમ્યક અને રૂચિના સંવાદો પણ સાંભળી શકું તેમ હતો. થોડીવાર પછી રૂચિ અચાનક જ 'હાઈ' બોલી મને થોડો ખચકાટ થયો અને પ્રશ્ન પણ કે તેણે કોને હાઈ કહ્યું? તેણે વળી વાત ચાલુ કરી, 'કેવો રહ્યો કાલનો દિવસ સમ્યક'? આ સાથે જ મારા પગતળેથી જમીન સરકી ગઈ. અને હું શૂન્યમનસ્ક જડવત થઈ ગયો. થોડીજ વારમાં મેં મારી જાતને સંભાળી લીધી અને રૂચિની પૂરી મોર્નિંગ વોક જોઈ.
હવે મને સમ્યકની હકીકત ખબર પડી. તેને પહેલા ન મળી શકવાની વાસ્તવિકતાની પણ હવે મને ખબર પડી. મોર્નિંગ વોકમાંથી આવ્યા બાદ રૂચિએ રોજિંદી વાતો ચાલુ કરી જેમાં તેણે મને સમ્યકે કહેલી કવિતા કહી.એ જ કવિતા કે જે આગલી રાત્રિએ રૂચિની સિરિયલના પાત્રએ કહેલી, જે મારા મન પર ઉભરી આવી. આ સાંભળતા જ મને ખ્યાલ આવી ગયો, રૂચિ એ તેના જીવનમાં ખૂટતા દરેક પળોને તેના ઇચ્છનીય સારા પળો સાથે જોડી પોતાની કાલ્પનિક ખુશ દુનિયા બનાવી હતી જેમાં તેને સમજતો, ગમતો, વ્હાલો એક જ વ્યક્તિ હતો તેનો સમ્યક તેનો 'વોકિંગ ફ્રેન્ડ'.