એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 6 Pinki Dalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 6

એક ચાલ તારી

એક ચાલ મારી

- લેખક -

પિન્કી દલાલ

( 6 )

વરંડામાં બેઠેલા વિકીએ સામે ઘૂઘવી રહેલા સાઉથ ચાઇના સીની છાતી પર સરકી રહેલી પેસેન્જર ક્રુઝ પર ટેલિસ્કોપ ફોકસ કર્યું. ટુરિસ્ટને કલાકની સફર કરાવતી આ શિપના ડેક પર ચાલતાં નાચ-ગાન એની વેરાન જિંદગીમાં જીવંતતાની એકમાત્ર નિશાની હતા.

દ્દરિયાકિનારે જ પથરાયેલા રહેણાંક વિસ્તારનું જેસલટન હાઇટ્સ એક્દંડિયો મહેલ હતો. અગિયારમા ફ્લોરનુ પેન્ટહાઉસ ને એમાં વસતો એકલો અટુલો જીવ નામે વિકી.

.... આ તે કંઈ જિંદગી છે ?

રોજ સાંજે સૂર્યાસ્ત જોતાં જોતાં મ્યુઝિક સાથે વ્હીસ્કીની ચૂસકીને લોકો ભલે કદાચ ડ્રીમ લાઇફસ્ટાઇલ કહે, પણ વિકીની તો આ જેલ હતી. આ એકાંતવાસના સાથી એટલે કૅમેરા, ટેલિસ્કોપ ને વ્હીસ્કી, વચ્ચે વળી ક્યારેક ફિશિંગની ચળ ઊપડે ત્યારે નીચે ઊતરી એ શોખ પણ પૂરો કરી લેતો ને મન ખૂબી જ ભારે થઇ જાય ત્યારે ઘરેથી માત્ર ત્રીસ કિલોમિટર દૂર આવેલી પહાડી વિસ્તારની જ્ંગલ સેન્ક્ચૂરીમાં જઇ રોક ક્લાઈમ્બિંગને ફોટોગ્રાફી કરી લેતો, છતાં ગળામાં સાપની જેમ વિંટળાયેલી એકલતા કાળજું કોરી ખાતી.

કોઇ ઢળતી સાંજે જગજિતસિંહનાં સ્તરની ઉદાસી વાતાવરણને વધુ બોઝિલ બનાવે ત્યારે વિકીના દિલમાં ઘૂંટાતી વ્યથા વેરનો રંગ પકડતી જતી હતી. પોતાની તમામ બદનસીબીનું મૂળ જો કોઇ હોય તો એક અને માત્ર એક સલોની હતી.

છેલ્લાં દોઢેક વર્ષથી જંગલમાં લપાઇને બેઠેલા વિકીને આ અજ્ઞાતવાસ કોઇ કાળે કોઠે પડે એવું લાગતું નહીં. ત્યાં આ છેલ્લાં થોડાં દિવસથી રોમરોમમાં આશાનો સંચાર થઇ રહ્યો હતો.

આજ ક્ષણની તો પ્રતીક્ષા હતી, જે હવે સાવ સન્મુખ આવી પહોંચી હતી. વિકીની નજર સમક્ષ તરવરી રહી હતી એ ઘટનાઓ, એક હોનહાર ફોટોગ્રાફરને અન્ડરવલ્ડૅ હેન્ડલર બનાવી દીધો હતો.

એ બધી ઘટનાનો વિચાર આવતાં વિકી ભૂતકાળની એક પછી એક ઘટનામાં સરી ગયો.

‘વિક્રમ, બાબા નહીં માને તો ? મુંબઇ તો એટલુ મોંઘું છે કે ત્યાં કામ ન મળે તો તો રહેવાનો વિચાર સુદ્ધાં ન કરી શકાય...’

‘સલોની, તું એની પણ ચિંતા ન કરીશ. મેં ત્યાં વર્કિંગ વીમેન હોસ્ટેલની તપાસ કરી લીધી છે. જરા મુશ્કેલ છે, પણ અશક્ય નહીં. ગમે એની લાગવગ લગાડી તારું ત્યાં આપણે ગોઠવી દઇશું.. હવે ખુશ ?’

સલોનીના ચહેરા પરની એક આછેરી મુસ્કાન પણ વિક્રમનાં બત્રીસ કોઠે દીવા કરી દેતી હતી એટલે જ વારંવાર પોર્ટફોલિયો તૈયાર કરાવવાથી લઇ વર્કિંગ વીમેન હોસ્ટેલના ફોર્મ ભરી ધક્કા ખાવાની જવાબદારી પણ મનથી નિભાવેલી ને !

‘વિક્રમ, અહીં તો હવે વળી બીજી સમસ્યા થઇ છે. એ લોકો કહે છે કે એમ્પ્લોયર્સ લેટર ત્રીસ દિવસમાં આપવો પડે અને આજે છેલ્લો દિવસ છે... હવે ?’

સલોનીએ પુણેમાં બેઠેલા વિક્રમને આ વાત ફોન કરી ત્યારે એના અવાજમાં હોસ્ટેલથી હકાલપટ્ટી થવાનો ડર ડોકિયાં કરતો હતો.

‘અરે, હા ! એ તો મેં વિચાર્યું જ નહોતુ...’ વિક્રમે કહ્યું તો ખરું, પણ ફોન મૂકીને એ સીધો જ પહોંચી ગયો હતો મુંબઇ, એ પણ ગણતરીના કલાકોમાં મિત્ર પાસે માંગીને લીધેલી બાઇક પર. સંખ્યાબંધ વાર વિનવણી પછી પણ મેટ્રન ન જ માન્યા. નિયમ એટલે નિયમ.

અને એ સાંજ... દોસ્તની મોટરબાઇકની પાછલી સીટ પર પોતાની એકમાત્ર બૅગ લઇને ગોઠવાયેલી રડમસ સલોની અને મરીન ડ્રાઇવનો રસ્તો... બંનેમાંથી કોઇને સૂઝ નહોતી પડતી કે હવે કરવું શું ? ત્યારે મરીન ડ્રાઇવની પાળ પર બેઠાં બેઠાં ઢળતા સૂર્યની સાક્ષીમાં વિક્રમે આપેલું વચન પૂરી નિષ્ઠાથી નિભાવેલું. વચન હતું સલોનીને ઇન્ડ્રસ્ટ્રીમાં હિટ કરાવવાનું. પોતાની કોઇ હેસિયત નહોતી. છતાં આપી દીધેલા કોલ પાર પાડવામાં કોઇ કસર છોડી નહોતી.

‘દીકરા, આ તો મરણમૂડી છે. એ ગીરવી મૂકીને તારે કરવું છે શું ?’ ઘડપણ તરફ ધકેલાતી જતી માએ શ્રવણ જેવા દીકરાને આ પ્રશ્ન અઘરાં સ્વરે કર્યો હશે ત્યારે એના દિલ પર શું વીતી હશે ? એ વિચાર સાથે વિક્રમને પોતાની જાત પર ફિટકાર આવી ગયો.

‘મા, તું જાણે છે ને સલોની માટે મુંબઇમાં રહેવાનો જોગ કરવાનો છે. લીવ એન્ડ લાઇસન્સ માટે ડિપોઝિટ આપવી પડે છે, પણ મા, હું વચન આપું છું કે તને તકલીફ પડે એવું કઇ થવા નહીં દઉં. તને તારા દીકરા પર વિશ્વાસ તો છે ને ?’

ને મા સ્થિર નજરે ત્યારે પોતાના દીકરાને જોતી રહેલી, જે વાત પોતાને દીવા જેવી સ્પષ્ટ દેખાતી હતી કે દીકરાને કહેવી એટલે એનું હ્રદય તોડવું.

‘વિક્રમ, એ બધું તો ઠીક, પણ તું જેને માટે આ બધી ઉપર –તળ કરે છે એને તારી કદર પણ છે ખરી ?’ સમજદાર માએ ગર્ભિત સૂરમાં પોતાના મનની દહેશત દીકરાને જણાવી તો દીધી હતી ને ! છતાં એ શબ્દોની કોઇ અસર ન જોઇને પછી સ્પષ્ટ બોલ્યા વિના છૂટકો જ નહોતો.

‘દીકરા, તું હજુ સમજ, એની મંઝિલ જૂદી છે, પણ એ તારા માટે નથી. તું એને માટે એક પગથિયું છે સફળતાની સીડીનું... અત્યારે જ ચેતી જા, નહીંતર જ્યારે ભ્રમ તૂટશે ત્યારે તું તૂટી જઈ...’

માની વાત સાંભળીને પોતે કેવો હસી પડેલો :

‘ઓ, મા. હવે તને શું સમજાવું ? ‘વિક્રમે મા પાસે નાનું બાળકની જેમ ખોળામાં માથું મૂકી દેતાં કહેલું :

‘મા, તને એક ખાનગી વાત કહું ? જોજે હં... ટોપ સિક્રેટ છે...’ પછી હળવેકથી બોલ્યો હતો :

‘મા, આઇ લવ હર, એના વિનાની જિંદગી હું કલ્પી જ નથી શકતો.’

વર્ષોથી એકબીજાનું મન વાંચી શકી એવા ભાઇબંધ જેવા સંબંધ ધરાવનારા મા-દિકારાનાં મન સલોનીને માટે ઊંચા થઇ ગયાં હતાં. ક્યારેય કરડા અવાજે ન બોલનારી મા તે દિવસે ભારે રુક્ષતાથી બોલી હતી :

'વિક્રમ, આંખ ખોલ, સલોની તારી તો શું, એ કોઇની ન થઇ શકે, એ એવા લોકોમાંથી એક છે, જે માત્ર પોતાની જાતને ચાહી શકે. કોઇના માટે જીવવા-મરવાની વાત જવા દે. નાનાં સમાધાન પણ ન કરી શકે, પરંતુ તને આજે તારી આ મા ભારે કડવી લાગશે, દીકરા,પણ તું આ ભ્રમમાંથી નીકળ, નહીં તો દુ:ખી થઇ જઇશ ત્યારે આ માના શબ્દો યાદ આવશે...

તે વખતે તો લાગ્યું હતું કે માને સલોનીના આ એક્ટ્રસ બનવાના ધખારાને કારણે ચીડ છે એટલે આમ કહે છે, પણ વાસ્તવિકતા એ હતી કે માએ કેટલી બખૂબીથી સલોનીનુ પોત પિછાણી લીધું હતું અને પોતે સલોનીના શબ્દોને સાચા માનતો રહ્યો.

આખરે તો એ જ થયું ને, જે સલોની ચાહતી હતી. દૂરના એક પરામાં નાનકડો ફ્લેટ ભાડે લીધો હતો. ડિપોઝિટ રૂપિયા બે લાખ કેશ અને ભાડું મહિને વીસ હજાર... સિંધી મકાન માલિકે રૂપિયો ઓછા કરવાની તૈયારી ન દેખાડી, છતાં સલોનીના મનમાં વસી ગયેલા ફ્લેટ માટે ડિપોઝિટ આપી હતી.

-અને શરૂઆત થયેલી એક નવી જિંદગીની....

’બેડરૂમ તો એક જ છે... શું કરીશું, વિક્રમ ?’ સલોનીના કહેવા પાછળનો ઉદ્દેશ પામી ગયો એમ વિક્રમે પોતે શરણાગતિ સ્વીકારતો હોય એમ કહેલું :

‘ઓલ યોર્સ, મેમ... બંદા લિવિંગરૂમમાં પાર્ક થઇ જશે’

મા જેને મરણમૂડી લેખાવતી હતી એમાંથી ડિપોઝિટ ભરી નાની-મોટી એજન્સી માટે, લગ્ન, બર્થ-ડે પાર્ટીઓમાં ફોટો શૂટ જેવી ઓડ જોબ્સ કરી ભાડું ને ઘરખર્ચા ઉઠાવતો વિક્રમ આમ તો સલોનીને ખાસમખાસ દોસ્ત હતો, પણ ત્યાં જ સુધી જ, જ્યાં સુધી સલોનીને સારું અસાઇન્મેન્ટ નહોતું મળ્યું.

‘વિક્રમ, મને લાગે છે કે મારા માટે આ ફિલ્ડ્માં તક જોઇએ એવી નથી.... કારણ ખબર છે ?’ સલોનીએ એક દિવસ સાહજિકતાથી વાત માંડતા કહેલું. એની મોટી મોટી આંખોમાં વિક્રમને તો ભોળપણ અંજાયેલું દેખાયેલું.

‘ના, કેમ ? ‘વિક્રમને આ વાતાનો અર્થ ન સમજાયેલો.

‘ઓ... હો, વિક્રમ તુ પણ કેટલો ભોળો છે. અરે બધાને લાગે છે કે આપણે મૅરિડ છીયે અને તને તો ખબર છે કે ન્યુ કમરનું મૅરિડ હોવું એટલે આ ગ્લેમર ઇન્ડ્રસ્ટ્રીમાં ફુલસ્ટોપ....’

હવે આભા થઇ જવાનો વારો વિક્રમનો હતો. પણ હજુ સુપર સિક્સર ફ્ટકારવાની બાકી હોય એમ સલોનીએ અધુરું રાખેલું વાક્ય પૂરૂં કર્યું :

‘એટલે મેં પેઇંગ ગેસ્ટ અકોમોડેશન શોધી લીધું છે. આઇ વિલ મૂવ આઉટ..’

સલોની કેટલી સાહજિકતાથી બોલી ગઇ હતી જાણે એ રસ્તે ભૂલી પડી હોય ને પોતે રસ્તો દર્શાવનારો હોય એથી વિશેષ કંઇ જ નહીં.

મા સો ટકા સાચી પૂરવાર થઇ હતી ને પોતે ? સલોની તરફના ઝુકાવે મા-દીકરાનાં સંબંધમાં ન પૂરાય એવી ખાઇ સર્જી દીધી હતી.

સલોની વિના સૂનો પડેલો બેડરૂમ હવે વિક્રમનો હતો. પણ, વિક્રમ મનથી ખાલી થઇ ગયો હતો. કોઇ બોમ્બ ફૂટે ને તેની કચ્ચર શરીરને લોહીલુહાણ કરી નાખે એવી સ્થિતિ મનની હતી. કોઇ વ્યક્તિ આટલી જળકમળવત હોઇ શકે ? હવે એ હકીકત માન્યા વિના છૂટકો નહોતો કે વિક્રમની મંઝિલ સલોની હતી, પણ સલોનીની નજર - મંઝિલ દૂર ગગનના તારા પર હતી.

ગઇ ગુજરીને ભૂલી હવે માત્ર કારકિર્દી પણ ધ્યાન કેન્દ્રિત કરવું એ સલાહ માની હતી, તે અમલી બનાવી વિક્રમે પોતાની જાતને કામમાં જોતરી દીધી હતી, છતાં સલોનીની તમામ ગતિવિધિ પર નજર રાખવાનો રોગ હવે રગેરગમાં વ્યાપી રહ્યો હતો.

એડવલ્ડૅ, ગ્લેમરથી ચમકતી મોડેલિંગની દુનિયા, કાળી મજૂરી અને તમામનો ઓવરટેક કરવા શોધાતાં શોર્ટ કટ, લીસી-લપસણી તરકીબો, નામ-દામની દોડમાં દોડતી યુવાન કાયાઓ ને એમને ટાંપીને બેઠેલા હવસખોર શિકારીઓ વચ્ચેની કડી પોતે ક્યારે બની ગયો. એ ખુદ વિક્રમને નહોતું સમજાયું કે પછી સમજવું પણ ક્યાં હતું !

મોડી રાત સુધી ચાલતી પાર્ટીઓમાં ટકરાતા જામ, ઝુમતાં તન - બદન ને ઊંડા કશ સાથે સાન-ભાન તોડી નાખતો નશો.

ગૌતમ સાથેની મુલાકાત પણ આવી જ એક પાર્ટીમાં થયેલી. બંને પાસે એક્મેકને સાથ આપવા માટે કારણ હતાં. વિક્રમ પાસે હતા નવા સુવાળાં કોન્ટેક્ટ્સ ને ગૌતમ પાસે હતો લીલી નોટનો જાદું. જિંદગીમાં થતાં સમાધાનોમાંનું આને પણ એક ગણી લીધું હતું વિક્રમે.... વાત ભલે ખોટી હોય. પણ તમે મનોમન સ્વીકારી લો તો કેવી હળવાશ મળે ! વિક્રમનું પણ એવું જ હતું. આમ છતાં સલોની... ભૂલાતું જતું નામ ક્યારેક પ્રેતની જેમ પીડવા આવી પહોંચતું.

એવી જ એક પાર્ટી હતી. શહેરની જાણીતી ડાયમંડ કંપની સ્વરાંજલિની નવી જ્વેલરી બ્રાન્ડ રમનિકાના લોન્ચની,જેમાં સલોની શો સ્ટોપર હતી. આ અસાઇન્ટમેન્ટમાં ગૌતમ વિરવાનીના પ્રતાપે મળ્યું હોવાની ગોસિપ આખી ઇન્ડ્રસ્ટ્રી જાણતી હતી. ફેશન શો પછી રાત્રે જામેલી પાર્ટીમાં વિક્રમની ઓળખાણ ગૌતમે ત્યારે મોડેલ તરીકે જાણીતી થઇ ગયેલી સલોની સાથે કરાવી હતી.

‘સલોની. હી ઇઝ વિક્રમ પાલેકર, ફોર મી વિકી.... માય બડી... મારો જિગરી !’ ગૌતમ જરા વધુ પી ગયો હતો.

‘હેલો, વિક્રમજી...’ સલોનીએ હુંફાળું સ્મિત ફરકાવતાં હેન્ડશેક કરવા હાથ લંબાવ્યો જાણે એ વિક્રમને જિંદગીમાં પહેલી વાર મળી રહી હોય !

આભો રહી ગયો વિક્રમ... ચાહવા છતાં એક શબ્દ જબાન પર ન આવ્યો. અસ્ફૂટ સ્વરે હલો પણ માંડ બોલી શક્યો હતો.

હજી આ દોર વધુ આગળ ચાલે એ પહેલાં તો રમનિકાના સીઇઓ સંતોષ અગ્રવાલ એમની તરફ આવતા જણાયા. ગૌતમ એમની સાથે વાતચીતના દોરમાં પરોવાય એ મોકાની રાહ જોતો હોય એમ વિક્રમે સ્વાભાવિક રીતે સલોનીએ લંબાવેલો હાથ પકડી લીધો.

‘સલોની...’ વિક્રમના અવાજમાં કંપ વર્તાઇ રહ્યો હતો. જાણે જાત પર કાબૂ જ નહોતો.

‘સલોની, તેં જે કર્યું એ યોગ્ય હતું ?’ વિક્રમે ઊંઘ હરામ કરી નાખતાં પ્રશ્નનો ઉત્તર મેળવવો જરૂરી સમજ્યું હતું ને ચોંકવાનો વારો હવે સલોનીનો હતો.

ક્યાંક મામૂલી એવો ફોટોગ્રાફર પોતાની આબરૂના કાંકરા ન કરી નાખે અહીં !

સલોની હજી કંઇ જવાબ આપે તે પહેલાં તો ગૌતમનું ધ્યાન એમના તરફ વળ્યું. વીંછીનો ડંખ લાગ્યો હોય એવા ઝાટકાથી સલોનીએ હાથ છોડાવ્યો એ દ્રશ્ય ગૌતમની નજરબહાર નહોતું ગયું, પરંતુ, એમની વાતચીત સંભળાય એવી શક્યતા નહોતી.

‘બિહેવ યૉરસેલ્ફ, વિક્રમ... તું તારી હેસિયતમાં રહે.’

સલોનીએ હોઠ બીડી અત્યંત મૃદુ, પણ કાતરની ધાર જેવા ટોનમાં કહ્યું કે એ શબ્દોએ વિક્રમને સાંગોપાંગ ચીરી નાખ્યો.

‘અરે, શું ચાલી રહ્યું છે’ ? ‘દૂરથી હાથ છોડાવવાની હરકત જોઇ તાજ્જુબી પામેલા ગૌતમે એમની પાસે આવતાવેંત પૂછ્યું.

‘અરે,... ના, કંઇ નહીં, આ તમારા મિત્રએ જરા જોરથી હૅન્ડ્શેક કર્યા કે મારી રિંગ મને વાગી ગઇ.

પોતાના જમણા હાથની ત્રીજી આંગળી પર ઝળકી રહેલી ડાયમંડની કોકટેલ રિંગ રમાડતાં સલોનીએ વાત ઉડાવી નાખી હતી એ વખતે...

‘ઓહ, મને થયું કે શું થઇ ગયું !’ ગૌતમે પણ વાતનો વીંટો વાળવો હોય એવી સ્વાભાવિકતાથી કહ્યું, પણ કંઇક તો ગડબડ હતી એનો ખ્યાલ એને આવી ગયો હતો. આખા બનાવથી સ્તબ્ધ થઇ ગયેલા વિક્રમે ચૂપચાપ ચાલતા થવામાં જ શાણપણ સમજ્યું હતું અને ત્યારે પીઠ પાછળ સલોનીના શબ્દ ચાબૂકની જેમ વિંઝાયા :

ટીટ બીટ પીપલ... બચ્ચારા કોઇ સેલેબ્રિટીને શું જુએ, હોશહવાસ ખોઇ બેસે... અને પછી સલોનીનું ઉપહાસભર્યુ હાસ્ય.

વિક્રમે ખરેખર તો ત્યારે જ ગાંઠ વાળી લીધી હતી :

સલોની, જો એક દિવસ તારી દશા બે કોડીની ન કરું તો મારું નામ પણ વિક્રમ નહીં....

અને હવે એ ઘડી આવી ચૂકી હતી હિસાબ ચૂકતે કરવાની...

તો સલોનીને ફ્રેમમાંથી આઉટ કરવી કે પછી ટપકાવી જ કાઢવી ? કે પછી.... !

વિક્રમના મગજે સ્ટ્રેટેજી બનાવવા માંડી. ના, એને ટપકાવવાથી ફાયદો માત્ર ને માત્ર ગૌતમને થવાનો હતો અને એમાં તો પોતાનો એકાંતવાસ લંબાઇ જાય એવી શક્યતા વધુ હતી. સલોનીના મોત સાથે પણ એનુ ઘમંડ અકબંધ તો રહેવાનું હતું. અંત તો એના એ અહમનો લાવવાનો હતો... એના માટે સલોનીને એવી પરિસ્થિતિમાં મૂકીવી કે એણે મોઢું છૂપાવી ફરી પુણે ભેળા થવું પડે.

મૅડમ, તમે વિક્રમનો પ્રેમ જોયો, વેર નહીં...

ગૌતમને ફોન લગાવ્યો વિક્રમે...

સામે છેડે રિંગ જતી હતી. ફોન ગૌતમે રિસીવ ન કર્યો. ફરી ડાયલ કરવાનો વિચાર માંડી વાળી વિક્રમે વ્હોટૅસએપ પર એક કોડેક મેસેજ મૂકી દીધો :

શો મસ્ટ ગો ઓન, શી વિલ બી ઓન આઇસ સુન...

જેનો અર્થ થતો હતો જ્યાં સુધી કોઇ ફાઇનલ એક્ઝિટ પ્લાન ન બને ત્યાં સુધી પ્રેમનું નાટક લંબાવવું જરૂરી હતું !

* * *

ચાર દિવસ પછી એક રાત્રે લગભગ સાડા નવના સમારે ગૌતમની મેબેક કાર મોન્ટાના બિલ્ડિંગમાં પ્રવેશી. જુહુનાં પૉશ બિલ્ડીંગની હાઇ-ફાઇ સિક્યોરિટી સિસ્ટમના ભાગરૂપે 24 × 7 ચાલતા વિડિયો કેમેરામાં આ એન્ટ્રી રેકોર્ડ થઇ જશે એ જાણવા છતાં ગૌતમે આ જોખમ માથે લેવુ પડ્યું.

‘શોનું... ધિસ ઇઝ નોટ ફેર....’

અનીતાએ ડોર ખોલતાં જ વાવાઝોડાની જેમ બેડરૂમમાં ધસી આવેલા ગૌતમે સમે ઊભેલી સલોનીને બાથમાં જકડી લેતાં કહ્યું.

‘બેબી... વૉટ’સ યૉર પ્રોબ્લેમ... ? કેમ આવું સીલી બિહેવ કરે છે ? ‘ગૌતમે એટલું ઓળઘોળ થઇને બોલ્યો કે સલોની ચમકી :

ક્યાંક બાપ બનવાની ખુશીમાં ગૌતમ સામેથી ઘડિયા લગન કરવાની જિદ્દે ન ચઢે ! પણ દર વખતની જેમ જ દિલને ચચરાવવા મગજે મધ્યસ્થી કરી :

જો ગૌતમને આ પરિસ્થિતિ મંજૂર ન હોય તો ? તો પછી....

સલોની વધુ આગળ વિચારી ન શકી. એ વિચારમાત્રથી જ શરીરમાં હળવી કંપારી ફરી વળી હતી.

‘ગૌતમ, મારે તને કહેવું જ પડશે. ખબર નહીં તને શું લાગે, પણ હવે વાત મારા વશમાં નથી...’ સલોની પાસે આવીને પોતાના બે હાથ ગૌતમના ગળામાં પરોવતાં આંખમાં ઝાંકતી બોલી :

‘આયમ પ્રેગ્નન્ટ... હવે તો લગ્ન કરીશું ને ? ‘

સલોનીનો ગરમ સુગંધી શ્વાસ ગૌતમની ચાબૂક પર અથડાઇ રહ્યો હતો. સામાન્ય સંજોગોમાં આ સ્થિતિ ગૌતમને ઉત્તેજિત કરત, પણ આજે આ ગરમ સુગંધી શ્વાસ ગૌતમને પોતાને રૂંધતો હોય એવું લાગ્યું.

‘આર યુ સિરિયસ ? ‘ગૌતમના સ્વરમાં આશ્ચર્ય કરતાં ગભરામણ વધુ લાગી સલોનીને.

‘યૅસ ડાર્લિંગ, હન્ડ્રેડ એન્ડ ટવેન્ટી પર્સેન્ટ શ્યોર... મારી પાસે પ્રેગ્નન્સી રિપોર્ટ છે, પોઝિટિવ..’

સલોનીએ હળવું સ્મિત ફરકાવ્યું. હજી એના હાથ ગૌતમના ગળે વિટળાયેલાં હતા. એણે વધુ નિકટ આવીને ગૌતમને વધુ ચુસ્તતાથી આશ્ર્લેષમાં લીધો ને હળવેથી કિસ કરી.

ગૌતમનું માથું ફાટ ફાટ થઇ રહ્યું હતું, આ ઘડી સંયમથી સાચવી લેવાની હતી.

‘શોનુ.... યુ નો, વી કાન્ટ અફોર્ડ ટુ હેવ ધિસ બેબી...’

પોતાનો રોષ બોલાતા શબ્દોમાં છતો ન થઇ જાય એવી સાવધાની સાથે ગૌતમ જોખી જોખીને બોલ્યો. સહેજ ઊંડો શ્વાસ લઇને એ સમજાવટના સૂરમાં બોલ્યો :

‘જો સ્વીટી, તને ખબર છે હજી તારે તારી કરિયર જોવાની છે, હજી માંડ તું ઊગીને ઊભી થઇ રહી છે અને આ ન્યૂઝને કારણે તારી કારકિર્દી પર ફૂલસ્ટોપ લાગી જશે એ પણ હકીકત છે. હું એવો સ્વાર્થી કઇ રીતે બની શકું કે મારા માટે તારી કરિયર જામતાં પૂર્વે જ ઓવર થઇ જાય ?’

‘ઓહ... તો તું એમ કહેવા માંગે છે કે તું મારી કરિયર માટે આ બલિદાન આપે છે ? તો તું જ કહે, લગ્ન ન કરવા સિવાય છે બીજો કોઇ વિકલ્પ ? ‘ગૌતમને પોતાના બાહુપાશમાં જકડી રાખીને જ સલોનીએ પૂછ્યું. એની નજર ગૌતમની આંખો પર હતી, કદાચ કોઇ ભાવાર્થ પામવા, જે ગૌતમનું મન છતું કરતું હોય.

ગૌતમને ઝાળ તો રૂંવે રૂંવે લાગી ચૂકી હતી. તેમ છતાં એ સ્વસ્થ સ્વર રાખી રહ્યો હતો.

‘હા, સલોની... આ વખતે અબોર્શન એક માત્ર ઉપાય છે, જે તને આ પરિસ્થિતિમાંથી ઉગારી શકે...’

‘ને તને.. ?’ સલોનીએ એનો જવાબ પ્રશ્ર્નરૂપે વાળ્યો.

‘... ને તને પણ બચાવે એમ ને ? ગૌતમ, સીધેસીધું કેમ નથી કહેતો કે આ બાળક તને નથી જોઇતું કે પછી હું જ અનવોન્ટેડ છું ? ‘સલોનીના અવાજમાં આદ્રતા ભળી. કદાચ ગૌતમના ઈન્કારનો અણસાર હતો.

ગૌતમનો રોષ હવે માથે સવાર થઇ રહ્યો હતો. એને થયું, પાસે ઊભેલી સલોનીને જોરથી ધક્કો મારીને ભાગી છૂટે, પણ પરિસ્થિતિ એનાથી વધુ વણસે એવી હતી.

‘સુલુ, પ્લીઝ... જો, તું સમજે છે એવું કોઇ કારણ જ નથી. જરા સમજવાનો પ્રયત્ન કર. તારી સિરિયલ અત્યારે હિટ છે ને મારે આવી કારકિર્દીમાં એક નવું પીંછું ઉમેરવાનું છે. મારે ચીફને પૂરવાર કરી આપવાનું છે કે હું એમના ડગલે સફળતાપૂર્વક ચલી શકું છું... એવામાં આ બધું... પ્લીઝ આ વખતે એબોર્શન કરાવી લે મારે માટે... નેકસ્ટ ટાઇમ વી વિલ બી એક્સ્ટ્રા કેરફૂલ... અને હા., આઇ પ્રોમિસ, વી વિલ મૅરી વિધિન અ યર ઓર ટુ... ધિસ ઇઝ જેન્ટલમેન્સ પ્રોમિસ... !

ગૌતમ એટલું સલુકાઇથી બોલી રહ્યો હતો કે સલોનીને જાણે એની વાત ન માનવાનું કોઇ કારણ નહોતું. મટકું માર્યા વિના સલોની ટગર ટગર ગૌતમના ચહેરાને તાકતી રહી.

‘ગૌતમ, મને પાંચમો મહિનો બેસી ચૂક્યો છે... એબોર્શન શક્ય નથી...’ અસ્ફૂટ સ્વરે સલોની બોલી. ગૌતમ ફલર્ટ ખરો. શાણો પણ ખરો, પરંતુ આવ હ્રદયહીન તો નહીં જ હોય એવું મનમાં ઊંડે ઊંડે થયા કરતું, પણ મન ખોટું પડે એવી વાત બની રહી હતી.

‘આર યુ સિલી, સલોની ? પાંચ મહિના સુધી તું ઊંઘતી હતી કે પછી મને ફસાવવા આ માઉસટ્રેપ છે ?’ ગૌતમનો મૂળભૂત સ્વભાવ માથે સવાર થઇ ગયો.

‘ગૌતમ... !’ ગૌતમનું આ રૂપ સલોની કલ્પી નહોતી શકતી.

એબોર્શન ન કરાવવું પડે ને ગૌતમને ઇમોશનલ બ્લેક્મેઇલ કરી શકાય એ માટે જ તો પાંચ મહિનાની પ્રેગ્નેન્સી કહી હતી. બાકી, આટલો સમય ક્યાં થયો હતો ? પોતાનો શક સચો પડતો લગ્યો સલોનીને.

‘ઓહ, સલોની... આઇ નો હવે થોડું રિસ્ક છે. પણ ડાર્લિંગ પ્લીઝ, મારા માટે આટલું રિસ્ક ન લઇ શકે ? આપણે ટૉપ ગાયનેક પાસે જઇશું... માત્ર વર્ષ બે વર્ષની વાર છે પછી આ મિસ્ટર એન્ડ મિસિસ વિરવાનીનો દબદબો જોજે. બોલ, તું ગુરુનામ વિરવનીની પૂત્રવધૂ તરીકે ઓળખાવાનું પસંદ કરે કે મિસિસ ગૌતમ વિરવાની તરીકે ? સાચુ બોલ... !’

ગૌતમે ફરી ઉંદર-બિલાડીની રમત આદરી દીધી, પૂર્ણ વિશ્વાસ સાથે કે આખરે પોતે પોતાનું ધાર્યું કરાવીને જ રહેશે !

થયું પણ એવુ જ. દર વખતની જેમ સલોની ફરી એક્વાર ગૌતમની વાતમાં આવી ગઇ.

‘ગૌતમ. સાચે જ ? ખરેખર આપણે લગ્ન કરીશુ ?!’ સલોનીના અવાજમાં મોટી અવઢવ-થોડી મૂંઝવણ હતી.

‘હા શોનુ હા.. લાખ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખી આપું ?’ ગૌતમ હવે થોડો મૂકી્તમને હસ્યો.

‘જો સલોની, હું સાચું કહું એમાં ખોટું ન લગાડીશ, પણ લેટ’સ ફેસ ધ ફેક્ટ, તું તો એક બી ગ્રેડ એક્ટ્રેસ છે. તારી મંઝિલ છે અવ્વલ દર્જાના સ્ટાર સ્ટેટસની. હું બિઝનેસ ટાયકૂનનો પુત્ર છું-અબજોનો વારસ, પણ હું હજી એ મેગ્નેટ નથી. આપણી મંઝિલ તય છે. પહોંચવાનું છે. એના શિખર સૂધી... એટલે આવા બધા અવરોધને કારણે ક્યાંક મંઝિલ છૂટી ન જાય.. મારી વાત બરાબર સમજાય છે ને ?’

ગૌતમ નજીક સરકીને સલોનીનો ચહેરો પોતાની હથેળીમાં લઇ આંખમાં આંખ પરોવીને ક્ષણભર જોયા કાર્યું, ને એક હાથે વાળ પસવારવા માંડ્યાં.

‘ઓ, ગૌતમ’ સલોનીએ રોકી રાખેલાં આંસુ ગાલ પર રેલાતા રહ્યાં ને ગૌતમનો શર્ટ્ને ભીંજવતા રહ્યાં.

‘તો તું એબોર્શન કરાવી લઇશ ને?’ ગૌતમે ફરી એકવાર પોતાનું તીર નિશાન પર લાગ્યું છે કે નહીં એની ચકાસણી કરી લીધી.

‘ગૌતમ, મને ડર લાગે છે... તું મને ક્યાંક અધ્ધવચ્ચે છોડીને...’ સલોનીનો અવાજ કાંપતો હતો.

‘ઓહ નો બેબી, તારા સમ, મારા સમ... આપણે લગ્ન કરીશું... યૅસ વી વિલ બી ડુ ઇટ, પણ યુ પ્રોમિસ મી કે તું કાલે ને કાલે એબોર્શન કરાવીશ. પ્રોમિસ મી.’ ગૌતમ બોલ્યો.

ગૌતમની વાતનો જવાબ ન આપતા સલોની વૃક્ષને જેમ વેલ વિંટળાઇ જાય એમ લપકીને વળગી રહી. એને ખબર નહોતી ક ગૌતમના મનમાં શું ઘોળાઇ રહ્યું છે. :

સુંદર છોકરીઓ અક્કલથી અધૂરી હોય છે ને આ વળી ક્યાં કોઇ ચાંદનો ટુકડો છે ? સેકન્ડ ગ્રેડ મોડેલ-એક્ટ્રેસ... ને મારી સાથે પરણવા નીકળી છે, હ... હ... !

ગૌતમના મનમાં ચાલતા વિચારને પકડી પાડતી હોય એમ સલોની એની છાતી પર ટેકવેલું માથું ઉપર કરી ગૌતમનો ચહેરો જોવાનો પ્રયત્ન કર્યો.

‘કમ ઓન, સલોની…. આપણે જરા વધુ પડતાં ઇમોશનલ થઇ ગયા. લેટ’સ હેવ અ ડ્રિન્ક, યાર!’ ગૌતમને આ આખી વજનદાર પરિસ્થિતિમાંથી છૂટવા - છટકવાનો રસ્તો ડ્રિન્કમાં દેખાયો.

થોડી જ ક્ષણોમાં સલોની - ગૌતમ બંને નિર્ભાર મને મ્યુઝિક ને ડ્રિન્ક માણતા બેઠા હતાં. ગૌતમના મનને થયેલો હાશકારો ડ્રિન્ક પણ વધુ અસરકારક હતો. રાત ચઢતી જતી હતી ને બે પ્રેમીની મસ્તી પણ...

બેડરૂમમાં બે - અઢી કલાકના પરિતૃપ્ત કરનારાં સાંનિધ્ય પછી ગૌતમ લિફ્ટ્માં નીચે ઉતર્યો. વાતાવરણમાં અજબ નિ:શબ્દતા હતી. ડ્રાઇવર કાર લઇને આવે એટલી બે - પાંચ મિનિટ ગુમાવવી ન હોય એમ સલોની પોતાના ગાલ ગૌતમના બ્લેઝર પર ઘસી રહી.

આચનક જ કોઇક ફ્લેશ ઝબુકી. અજબ મદહોશીમાં ખોવાયેલો ગૌતમ એલર્ટ થઇ ગયો.

‘વ્હોટ ઇઝ ધિસ નોન-સેન્સ.. ? ‘એણે આજુબાજુ દૅષ્ટિ કરી,પણ કોઇ નજરે ન ચઢ્યું. બે-અઢી કલાક્માં ચાર પેગ પી ગયેલા ગૌતમના પગ જમીન પર ટકતા નહોતા.

‘નથિંગ, યુ સિલી...’ બહાર કોઇ યંગસ્ટર્સ સેલ્ફી ક્લિક કરતા હશે...’ સલોનીએ હસીને વાત ઉડાવી દીધી.

ગૌતમે ફરી એક વાર ચોતરફ જોવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એ કોશિશ પણ નાકામ રહી. જોકે કંઇક બરાબર નથી થઇ રહ્યું એનો ખ્યાલ રહી રહીને ગૌતમને આવી ગયો હતો.

કાર લઇ ને આવેલો ડ્રાઇવર કાર પોર્ચમાં ઊભી કરી ગૌતમ માટે ડોર ખોલવા ઊતરે એ પહેલા ગૌતમ જાતે જ ઝડપથી ડોર ખોલી અંદર બેસી ગયો. ફરી એના ગાત્રો ઢીલાં પડી રહ્યાં હોય એવી પેલી નર્વસનેસની ફીલિંગ્સ રોમે રોમમાં ફરી વળી હતી.

ડૉ. રૈનાએ ના પાડી હોવા છતાં સીટ કવર્સના પોકેટમાં મૂકી રાખેલી ઇમરજન્સી માટેની ઍન્ટી-ડિપ્રેશન્ટ પ્રોઝેકની બે પિલ્સ ગૌતમે મોઢામાં સરકાવી.

* * *

બિલ્ડિંગના પોર્ચમાંથી બહાર નીકળતી બ્લેક મેબેકને સલોની આંખનું મટકું માર્યા વિના જોતી રહી, ત્યાં સુધી જ્યાં સુધી એ નજરથી ઓઝલ ન થઇ ગઇ.

પ્રાઇવેટ લિફ્ટ્માં પ્રવેશીને બટન પુશ કરતાં જ એક ઝટકા સાથે લિફ્ટે સડસડાટ ગતિ પકડી, પણ એથી વધુ ગતિથી દોડી રહ્યાં હતા સલોનીના વિચારો.

લિફ્ટમાંથી બહાર નીકળીને સીધા બેડરૂમમાં જવાને બદલે સલોની ટેરેસ ફ્લેટના લેન્ડસ્પ્કેપ્ડ કરેલા ગાર્ડનમાં આવી ઊભી રહી હતી. વાતાવણમાં રાતરાણી અને ચંપાની મિશ્રિત સુગંધ ઘોળાઇ રહી હતી ઉપર સ્વચ્છ આકાશ ચમકતાં તારા અને મનમાં પોતાની ઇચ્છા પ્રમાણે આખો પ્લાન પાર પડ્યાની ખુશી....

સલોનીના હોઠ પર એક આછું સ્મિત રમી ગયું.

પોતાનું પ્લાનિંગ આટલું જડબેસલાક પૂરવાર થશે એ તો પોતાને પણ ખબર નહોતી. આખરે એની સફળતાનો આધાર તો સામાણી જેવા પબ્લિસિસ્ટ પર હતો. એ સોમાણી,જેનું નામ ભલે ઇન્ડસ્ટ્રીમાં ટોચનું હોય, પણ એને પોતાને સામાણી પર જોઇએ એવો ભરોસો બેઠો નહોતો એને એટલે જ્યારે સામાણીને ફોન કરીને કહેલું કે તમારા પે-રોલ પર છે એવા, પણ માત્ર ટૉપનાં ત્રણ-ચાર ને જ મારા બિલ્ડિંગનાં એન્ટ્રેન્સ પાસે સ્ક્રુપ મળે એવી શક્યતા હોવાની વાત લીક કરી દેજો અને એ ત્યાં પહોંચે જ એવા તગડા કવરની જોગવાઇ પણ કરજો. એ વખતે આવી સ્પષ્ટ સૂચના આપી હોવા છતાં સલોનીને મનોમન થોડો ફડકો તો હતો જ કે સામાણી બરાબર કામ પાર ઉતારશે કી નહીં. ?

ના, સામાણીએ આ વખતે રંગ રાખ્યો. કોઇ ગાફેલગીરી નહીં... વાહ વાહ સામાણીની કરવી કે પોતાની જ પીઠ થાબડવી ?

સલોનીને જરા હસવું આવ્યું. લાગ્યું કે આકાશમાં ચમકી રહેલા તારા જાણે પોતાની હામાં હા ભણી રહ્યાં હતા.

***