પ્રિય અનામી
હિતેન્દ્રસિંહ પરમાર
પ્રિય,
અનામી.
અનામી? હા અનામી. ના ના તારું નામ ભૂલ્યો નથી. બરાબર યાદ છે. પણ લખવું નથી. તારું નામ લખી ને આ પત્ર ના બિચારા અન્ય શબ્દો ને હાંશિયા માં ધકેલવા નથી માંગતો. અને બીજું કારણ એ પણ ખરું કે તારું નામ હવે હું તારી સન્મુખ જ બોલવા માંગુ છું. હા રૂબરૂ. હાલ બસ આ નામ થી કામ ચલાવી લે. હવે આગળ લખું એ પેહલા કઈ દઉં કે પ્રથમ વાર કોઈ ને પત્ર લખી રહ્યો છું. તને યાદ હોય તો સ્કૂલ ની પરીક્ષા માં પણ પત્ર તારા માંથી જોઈ જોઈ ને લખતો. આજે પણ જો ને, અપ્રત્યક્ષ રૂપે તું અને આપણી... સોરી, તારી યાદો જ મદદ કરી રહી છે ને. હા તો પત્ર ઉપર થી મને આંકવાની ભૂલ ના કરતી.
હવે શરૂઆત ક્યાથી કરું એ પ્રશ્ન છે. તો ચાલ શરૂઆત થી જ શરૂઆત કરીએ. જ્યાં પણ બેઠી હોય ત્યાં કોઈ વસ્તુ ને બરાબર પકડી લે. તને ઢસડી ને આજ થી પચ્ચીસ એક વર્ષ પાછળ લઈ જઉ છું. આપણે ધોરણ બે માં હતા. તે તો સત્ર શરૂ થતાં જ સ્કૂલ માં પ્રવેશ મેળવી લીધેલ. હું પપ્પા ની બદલી થતાં મોડો આવેલ. આશરે અડધું સત્ર પૂરું થયા પછી. સ્કૂલ ના પેહલા જ દિવસે જેવો મે વર્ગ માં પ્રવેશ કર્યો ત્યારે સૌ પ્રથમ તને જોઈ. ના ના એવું કઈ ખાસ ન’તું તારામાં. કારણ બીજું કઈ નહીં પણ આખા વર્ગ માં તું એકલી જ બેઠેલી. તો તને જ જોઉ ને. પછી હું પણ ચૂપચાપ જઇ ને કોઈ એક બેન્ચ પર ગોઠવાઈ ગયેલ. આ આપણી પહેલી મુલાકાત નજરો ની. પછી થી આપણે ખ્યાલ આવ્યો હતો કે આપણે રહીએ પણ જોડે જ છીએ. તારા અને મારા પપ્પા એક જ ઓફિસ માં હતા. થોડા દિવસ પછી મારા ઘરે મારા જન્મદિવસ ની પાર્ટી હતી. જેમાં તું પણ તારા મમ્મી પપ્પા સાથે આવેલ. તારા મમ્મી-પપ્પા ના અથાગ પ્રયત્નો છતા તે મને ‘હેપ્પી બર્થડે’ ન’તું કહેલું. આપને ફક્ત હાથ મિલાવેલા. આ આપણી પહેલી મુલાકાત સ્પર્શ ની. પછી ઘણા સમય પછી દોડતા દોડતા હું પડી ગયેલ અને બાજુ માં તું પાણી ને બોટલ લઈ ને ઊભી હતી અને પૂછ્યું’તું-‘પાણી પીવું છે?’ અને મે કહેલું –‘હા’. આ આપણી પેહલી મુલાકાત શબ્દો ની.
ધીમે ધીમે સમય પાંખો ફફડાવી ઉડવા લાગ્યો અને આપણે પણ એ પાંખો પર સવાર થઈ સમય ની સફર ખેડવા લાગ્યા. આપણી ઉંમર વધતી ગઈ અને અંતર ધટતું ગયું. આંઠમાં ધોરણ સુધી માં આપણે ગાઢ મિત્રો બની ગયા. જોડે જતાં જોડે ઘરે આવતા. જોડે ટિફિન કરતાં. આપનું બસ ચાલત તો વર્ગ માં પણ જોડે જ બેસત. પણ સ્કૂલ ના નિયમ પ્રમાણે એ શક્ય નહતું. આજે વિચારું છું તો લાગે છે આપણ ને નાનપણ થી જ છોકરા છોકરી વચ્ચે નો ભેદ એટલો ગંભીરતા થી શીખવવા માં આવે છે કે આગળ જતાં એ જિજ્ઞાસા બીજા અનેક રૂપ ધારણ કરી લે છે. પણ આપણે કદી એકબીજા પ્રત્યે એ ગંભીરતા થી વિચાર્યું જ નહતું. આપણી દોસ્તી એકદમ નદી ના નીર જેવી સહજ હતી. એટલે જ સ્કૂલ ના સમય માં પણ આપણાં બીજા મિત્રો બહુ ઓછા હતા. આપણે જ એક બીજા ને દરેક મિત્રતા ની ખોટ પૂરી કરતાં. પણ દરેક સફર માં વળાંક આવે જ છે. આપણાં આ સફર માં પણ આવ્યો. દસમા ધોરણ ની પરીક્ષા પછી તરત આપણે દૂર થઈ ગયા. કદાચ કઈક વધારે જ દૂર. તારા પપ્પા ને કંપની તરફ થી વિદેશ માં કામ મળતા તાબડતોબ ઓસ્ટ્રેલીયા જવું પડ્યું. એ દિવસ અને આજ નો દિવસ હું ઓસ્ટ્રેલીયા નું નામ સાંભળું છું ને મને એ નામ પ્રત્યે ઘૃણા પેદા થાય છે જેને મારી ખાસ મિત્ર ને અલગ કરી. એ વખતે પણ મે તને કહેલું કે કાશ આવો કોઈ દેશ હોત જ નહિ તો કેવું સારું થાત. દેશ જ ના હોત તો તારા પપ્પા ને ત્યાં કામ જ ના મળત અને તમે ત્યાં જાત જ નહીં. મારી આવી ગાંડી દલીલ સાંભળી તું ખડખડાટ હસતાં બોલેલી કે “પાગલ, જો એ દેશ ના હોત તો બીજા કોઈ દેશ માં પપ્પા ને કામ મળત”. પણ ત્યારે હું આ બધી તાર્કિક વાતો માં પડવા નહતો માંગતો. મને તો બસ એટલી જ ખબર હતી કે આપણે હવે પછી ક્યારે મળવાના છીએ એ કોઈ ને ખબર નહતી. તને યાદ હોય તો તમારા સમાન પેક કરવામાં માં પણ મે કોઈ મદદ ન કરેલી. એરપોર્ટ પર પણ જે તીવ્રતા થી પ્લેન ટેક ઓફ થયું એ જ તીવ્રતા થી મન માં ઘૂમળતો અજંપો આંખો તરફ આવતો અનુભવી રહ્યો હતો. અને પછી આપણી બંને પાંખો અલગ થઈ ગઈ. એક મારી સાથે જ જમીન પર રહી અને બીજી તારી સાથે આકાશ માં ઊડી ગઈજતાં જતાં તે મને હાથ મિલાવતા કહેલું- “જલ્દી જ મળીશું”. આ આપણી છેલ્લી મુલાકાત નજર-શબ્દો અને સ્પર્શ ની.
તને યાદ છે છઠ્ઠા ધોરણ માં આપણે બંને એ એક નાટક કરેલું. તું બની હતી કૃષ્ણ અને હું સુદામા. આજે પણ યાદ કરી ને તાજ્જુબ થાય છે કે એ વખતે પણ આપણે ક્રુષ્ણ-રાધા નહીં પણ ક્રુષ્ણ-સુદામા બન્યા હતા. શું આપણ ને આ નાટક ની સલાહ આપનાર શિક્ષક ને આપણી મિત્રતા નો અંદેશો થઈ ગયો હશે?કદાચ.. હા. બાળપણ ને યાદ કરતાં ઘણી ઘટનાઓ આંખ સામે થી પસાર થઈ રહી છે. તને ખબર છે એમ ક્રિકેટ રમવાની ના તને મજા આવતી ના મને. પણ એક ખાનગી વાત કહું તો પેહલા ક્રિકેટ મને ગમતી પણ મેચ વખતે તું ચુપચાપ એકલી એક વૃક્ષ નીચે બેસી જતી. અને પછી મે પણ તને સાથ આપવા “મને પણ ક્રિકેટ રમવી નથી ગમતી” કહી ને તારી જોડે આવી જતો. અને આપણે એ વૃક્ષ ની ડાળી પર બેસી આખી મેચ જોઈ ને ચિચિયારી પાડતા. આજે પણ ઘણી વાર હું એ મેદાન પણ જઇ ચઢું છું. મેદાન માથી તો છોકરાઓ ની બૂમો સાંભળાય છે પણ એ વૃક્ષ આજે પણ શાંત અને સુમનામ ઊભું છે. તું આવ પછી આપણે ફરીથી ત્યાં જઇ ને એ વૃક્ષ ને ફરી પાછું જીવંત કરી દઈસુ. અરે પેલા મેહતા કાકા ની દીવાલ પર બેસી ને ચૂસી ને જમીન પર નાખેલ કેરી ના ગોટલા પણ મોટા થઈ ને એક ઘનઘોર વૃક્ષ બની ગયા હશે. તું આવ તો ફરી પાછા આપણે એમનો વંશ વેલો આગળ વધારીએ. તને યાદ હોય તો તું મને કડકડતી ઠંડી માં બરફ ગોળો ખાવા લઈ જતી અને પાછું કારણ પણ આપતી કે આ બિચારા ગોળા વાળા ને ઉનાળા માં તો બધા યાદ કરી કરી ને એની પાસે જાય છે પણ શિયાળા માં બિચારો આમ આખો દિવસ એકલો ઊભો રહે છે. તો આપણાં કારણે એનો ધંધો પણ ચાલસે અને ઠંડી માં ગોળો ખાવાની મજ્જા પણ આવસે. અરે તારા ગયા પછી એ બિચારા એ શિયાળા માં ગોળા વેચવાનું બંધ કરી દીધું. તું આવ તો આપણે ફરી પાછો એનો ધંધો જમાવી દઈએ.
ખબર મળ્યા હતા કે તું ત્યાં જઈ ને ડોક્ટર બની ગઈ છે. એટલું જ નહીં કોઈ સાથી ડોક્ટર સાથે લગ્ન પણ નક્કી થઈ ગયા છે. વાહ, તે તો ત્યાં જઈ ને જોર પ્રગતિ કરી હા પણ લગ્ન તો તારે અહી આવી ને જ કરવા પડસે હો. એ પણ મારી હાજરી માં. જ્યારથી સમાચાર મળ્યા છે કે તમે લોકો હવે પાછા આવી રહ્યા છો ત્યાર થી હું આમ થી આમ આંટા ફેરા મારૂ છું. આ અશાંત મન ને શાંત કરવા જ અત્યારે આ કાગળ પેન નો સહારો લેવો પડ્યો. બધી લાગણી આ શબ્દો માં ઓગાળી દીધી. બાર વર્ષ. . બાર વર્ષ પછી આપણે મળીશું. પણ આપણાં મળ્યા પેહલા તને મારો આ પત્ર મળે એવી મારી ઈચ્છા હતી. બસ તો હવે મારી કલમ ને અહી જ વિરામ આપી તારા અભિપ્રાય ની રાહ જોતો તારો એક અને માત્ર એક મિત્ર... . . નામ તો તને યાદ આવી જ ગયું હશે.
લિ. એ જ તારો
સુદામા