સંગાથ
એલાર્મ ની રિંગ....વોશિંગ મશિન નો એજ રુટીન અવાજ,એની હરિફાઇ મા મિક્ષર નુ પણ રસોડા માંથી ચિલ્લાવુ,પપ્પા ના રેડીઓ માંથી આવતા અતર્ંગી સૂરો,બાજુ વાળા રસિલા માસી ની એમના પતિદેવ સાથે નો કક્ળાટ,ઉપર વળા ફ્લેટ મા ચાલતુ ડ્રીલિંગ મશિન નો ઘોંઘાટ,કબુતર નુ બારી પાસે ઘૂ ઘૂ,અને મમ્મિ ના હોટ ફેવરીટ શબ્દો “છેલ્લી વાર કઉ છુ ઉઠે છે કે નહિ”....આ બધા લયબધ્ધ અવાજો નુ કોકટેઇલ મારા કાન મા રેડાયુ અને મારી બિચારી બે શાંત આંખો ખુલી.જિન્દગી મા પેલી વાર વિચાર્યુ ત્યારે ખબર પડી કે મારા ઉઠ્વા પાછળ કેટ્લા બધા અવાજો નિમિત્ત બનતા હોય છે.જોયુ તો ઘડીયાળ નો મિજાજ સાત વાગવાની તૈયારી મા હતો.
આજે ફરી પાછી સાડા સાત વાગ્યા ની બસ છુટી જવાના વિચાર મા બ્રશ કરવા વોશ બેશિન તરફ વળ્યો. “આજે તો નક્કિ તારી બસ છુટ્વાની” અંતર્યામી મમ્મી એ રસોડા માથી મારા વિચારો નુ પુનરાવર્તન કર્યુ.
જલ્દી જલ્દી ચા નસ્તો પતાવી તૈયાર થઇ ને કોલેજ જવા નિક્ડ્યો.હજી દરવાજા પાસે પહોંચુ ત્યા પડોશી રતીલાલ ના દર્શન થયા.ભાગ્યે જ કોઇ એવો દિવસ હસે કે એ મહાન અત્મા ના દર્શન ના થતા હોય. “કોલેજ જાય છે?” એજ ઘસાઇ ને પસ્તિ થઇ ગયેલા સવાલે ફરી પાછુ સવાર સવાર મા મારુ અભિવાદન કર્યુ. “હા...” મારો પણ સામે એવોજ ઘસાઇ ગયેલો જવાબ.ઘણી વાર કોલેજ મા પહેલે થી જ ગુલ્લિ મારવાનુ નક્કી હોય તો જવાબ આપતા બે ચાર સેકન્ડ વાર લાગતી પણ જવાબ તો “હા” જ રેહ્તો.ત્યારે સામે એમનુ સ્મિત પણ બદલાયેલું જણાતું.
ઘડિયાળ માં નજર ગઈ,સાત ને વીસ થવામાં હતી.મે ફટાફટ પગ ઉપાડ્યા અને બસ સ્ટોપ તરફ પ્રયાણ કર્યું.ઘર થી બસ સ્ટોપ વચ્ચે ત્રણ એક કિલોમીટર જેટલું અંતર ખરું.જે હું રોજ સવારે ચાલી ને જ પાર કરતો.આવતી વખતે કોઈ વાર રિક્સા કરી લેતો.બસ સ્ટોપ નું પાંચેક મિનિટ નું અંતર બાકી હસે ત્યાં થોડે દૂર રસ્તા વચ્ચે કેટલાક માણસો નું ટોળું નજરે ચઢ્યું.કોઈ અકસ્માત થયા ની આશંકા એ મારૂ ઉત્સાહી મન જાગૃત કર્યું.સાત ને સત્યવીસ તો થઈ જ ગઈ હતી.”મોડા ભેગું મોડુ” એમ વિચારી ને મે પણ એ દિશા માં દોટ મૂકી.આશંકા હકીકત માં પરીણમી.એક છોકરી રસ્તા પર ઉંધા માથે પટકાઈ હતી.ટોળાં માં રહેલા બુદ્ધિજીવીઓ થી જાણવા મળ્યું કે કોઈ ગાડી વાળો એની સ્કૂટી ને ટક્કર મારી ને નાસી ગયો હતો.ટોળાં ની તિરાડ માંથી મારી આછી પાતળી નજર પહોચી.છોકરી નો નિર્જીવ ચહેરો ઓળખવો મુશ્કેલ હતો એ રીતે ઘવાયો હતો.મે દૂર થી જ દર્શન કરી લીધા.પોણા આઠ થઈ ચૂક્યા હતા.હવે થોડી વાર પણ અહિયાં ઊભો રહિસ તો 8 ની બસ પણ છૂટી જસે.ટોળાં ના જાળાં માંથી જેમ તેમ બહાર નિકડ્યો ત્યાં બીજી ઘટના મારી રાહ જોઈ રહી હતી.
રોડ ની સામેની બાજુ મારી નજર એક છોકરી પર ગઈ.આસમાની રંગ નો ડ્રેસ,થોડા બાંધેલા થોડા ખુલ્લા વાળ જે ચાલી રહેલી હવા સાથે ટાઇમપાસ કરી રહ્યા હતા.ઘડીયાળ ના કાંટા એક દમ થીજી ગયા,આંઠ વાગ્યા ની બસ ના પૈડાં થંભી ગયા.મારી આજુ બાજુ વહેમો આકાર લેવા માંડ્યા.એમાંથી એક વહેમ એ પણ હતો કે એ મારી સામે જ જોઈ રહી હતી.ત્યાં જ એક તેજ બાઇક સવાર બાજુ માંથી નિકડ્યો અને વહેમો ને કચડતો ગયો. પણ એક વહેમ હેમ ખેમ હતો જે વહેમ નહી પણ સત્ય હકીકત હતી.એ ખરેખર મારી સામે જોઈ રહી હતી.હું જરા ખચકાયો આમ તેમ ફાંફાં મારવા લાગ્યો પણ શિકાર ની નજર શિકાર પર જ ચોંટેલી હતી.હું રોડ ક્રોસ કરી ને સામેની બાજુ જવા જાઉં ત્યાં જ મારી અને એની વચ્ચે એક બસ આવી ને ઊભી રહી અને બસ પસાર થઇ ત્યારે એ ત્યાં હતી જ નહીં.એ બસ માં બેસી ને તડીપાર થઈ ગઈ હતી.ઘડીયાળ ના કાંટા પાછા દોડવા માંડ્યા,બસ ના પૈડાં નો ધમધમાટ ફરી ગુંજી ઉઠ્યો અને મે બસ સ્ટોપ તરફ દોટ મૂકી.
બીજે દિવસે એજ કોલાહલ.એ જ ઍલાર્મ,એજ ઘોંઘાટ એજ કબૂતર એજ પાડોશી ના ખોખલા સવાલો અને મારા પોલા જવાબો.ઘરે થી બસ સ્ટોપ જતાં ઘણા અપિરિચિત પણ પરિચિત ચેહરા જોવા મળતા.જેમ કે રોજ એ જ સમયે એક કદાવર સ્ત્રી એના જોમ્બી જેવા કુતરા સાથે વોકિંગ કરવા નિકળતી.ઘણી વાર સવાલ થતો કે આખરે કોણ કોને વોકિંગ કરાવે છે.એક વૃદ્ધ એમની અંધ પત્ની નો હાથ પકડી ચાલવા નિકળતા.મારી અને એ દાદા ની રોજ આંખો થી જ ગુડ મોર્નિંગ કહેવાઇ જતું.થોડા દિવસ પછી ખબર મળેલા કે બીમારી થી કંટાળી ને એક દિવસ એ વૃદ્ધા એ આત્મહત્યા કરી લીધી.એના થોડા દિવસ પછી પણ રોજ એ દાદા સવારે મળતા.પણ હવે એ આંખો થી વાતો બંધ થઈ ગઇ હતી અને એક અકલ્પ્ય સવાલો એ એની જગ્યા લઈ લીધી હતી.પણ આજે મારી નજર આ બધા થી હટી ને કાલ વાળી છોકરી ની સોધ માં હતી.અને એ જલ્દી જ પૂરી થઈ.એ એજ જગ્યા એ ઊભી હતી જ્યાં એ ગઈ કાલે હતી.એની બસ આવે એ પેહલા હું દોડી ને એની પાસે પોહચી ગયો.બે સેકન્ડ માટે એને મારી સામે ત્રાંસી નજરે જોઈ લીધું.
“ગુડ મોર્નિંગ” મે હાથ લંબાવી ને વાત નો શુભારંભ કર્યો.
“ગુડ મોર્નિંગ”.એના ફક્ત હોઠ હલ્યા હાથ નહીં.મારા હાથ શરમ ના માર્યા પાછા ખિસ્સા માં છુપાઈ ગયા.
પાંચ મિનિટ અમારી વચ્ચે મૌન એ જગ્યા લીધી અને ત્યાર બાદ એક માજી એ લીધી.થોડી વારે બસ આવી અને માજી સાથે એ પણ બસ માં બેસી ને જતી રહી.હવે મારી રોજ ની ક્રિયાઑ માં એક ઓર સુખદ વધારો થયો.અમે રોજ એજ સમયે મળતા અને એ એજ બસ માં એજ માજી સાથે બેસી ને જતી રહેતી.દિવસે ને દિવસે અમારી વચ્ચે વાતો નું વાતાવરણ ખીલ્યું હતું.વાતો ની સાથી મળવાના સ્થળો માં પણ અને સમય માં પણ બદલાવ થયો હતો.પણ એક વસ્તુ ત્યાં ને ત્યાં જ હતી.અને એ હતું અમારા વચ્ચે નું અંતર.હું જ્યારે એની નજીક જવા જતો ત્યારે એ દૂર ખસી જતી.મારો એની નજીક જવાનો આશય કોઈ ખરાબ નહતો.હું બસ એના સંગાથે,એના હાથો માં હાથ નાખીને ચાલવા ઈછતો હતો.એક દિવસ ગાર્ડન માં ચાલતા ચાલતા એના હાથ તરફ મારો હાથ ગયો,બસ બે ઇંચ ની દૂરી હતી અને એને કોઈ કરંટ લાગ્યો હોય એમ બે ફૂટ દૂર ખસી ગયી.હવે મારા થી ના રહેવાયું અને પૂછી નાખ્યું.
“તને મારો સાથ નથી ગમતો?”
“એવું મે ક્યારે કહ્યું?”
“તો દર વખતે હું જ્યારે તારો હાથ પકડવા જાઉં ત્યારે દૂર કેમ ખસી જાય છે?”
“તું જેની વાત કરે એને સાથ નહીં સંગાથ કહેવાય”
“હવે સાથ અને સંગાથ માં શું ફરક?” મારા પ્રશ્નો વધતાં જ ગયા.
“ફરક છે,સાથ બે હાથ બે શરીર બે ખભા નો હોય સકે.પણ સંગાથ બે વિચારો બે આત્મા નો થાય.જ્યારે મને થસે કે આપના વિચારો આપની આત્મા એક થઈ સકે એમ છે ત્યારે હું તને નહીં રોકું બલકે હું સામેથી મારો હાથ લંબાવીસ સંગાથ માટે.”
વાહ શું ડાયલોગ માર્યો’તો એને.પુછવા માટે કઈ બાકી જ નહતું રહ્યું.
થોડા દિવસ પછી અમે ફરી મળ્યા.
“કાલે આપણે પંચમ બિલ્ડીંગ પાસે મળીએ તો?” એને આવીને તરત વાત ની સરૂઆત કરી.
“કેમ ત્યાં”
“બસ એક સરપ્રાઇઝ છે તારા માટે.” આછા સ્મિત સાથે એ બોલી.
સરપ્રાઇઝ નું નામ સાંભળી ને મન માં પતંગિયા ઉડવા લાગ્યા.અને મે હા પાડી.
બીજા દિવસે નિયત સમય કરતાં પહેલા હું પંચમ બિલ્ડીંગ પાસે પહોચી ગયો.સાત માળ નું એ બિલ્ડીંગ હજુ બનવાનું ચાલુ હતું. મારા અને એના સંબંધ ની જેમ.આજુ બાજુ થોડી ચહલ પહલ વધારે હતી.મોટા ભાગે મજૂર વર્ગ હતો જે આ બિલ્ડીંગ માટે રોકી રખાયો હતો.ત્યાં આસપાસ જ એ તાંબું બાંધી ને રહેતા.વરસાદ ની સીઝન ના કારણે ઠેર ઠેર ઉપર રંગબેરંગી તાડપત્રી પણ પાથરેલી હતી.ત્યાં જ દૂર થી જ મેડમ નું આગમન થતું દેખાયું.સફેદ સલવાર માં કોઈ લેડી-દેવદૂત થી કામ નહોતી લાગતી.ક્યારે એ નજીક આવી ગયી એ ખબર જ ના પડી.
“આજે તારી બધી ઈચ્છા પૂરી થસે”એ મારા કાન પાસે પોતાના હોઠ લાવી એક દમ ધીમા અવાજે બોલી.અને મે એનો ગરમ શ્વાસ અનુભવ્યો.
આટલું બોલી ને એ બિલ્ડીંગ ની સીડીઓ તરફ ભાગી.અને ઉપર ચઢવા લાગી.આ શું થઈ રહ્યું છે એ કઈ ખબર પડે કે હું કઈ વિચારું ત્યાં સુધી માં એ એક માળ ચઢી ગયી હતી.મે પણ એની પાછળ દોટ મૂકી.હું એક સાથે બે સીડીઓ કૂદાવતો એના સુધી પોહચવા પ્રયત્ન કરી રહ્યો હતો.પણ એ એટલી જ તેજી થી ઉપર ચઢી રહી હતી.હવે તો એના પગલાં ના અવાજ પણ બંધ થઈ ગયા હતા.કદાચ એ અગાશી પર પહોચી ગયી હતી.
હું અગાશી પર પહોચ્યો ત્યાં સુધી માં ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો હતો.મારી નજર એને સોધવા માં કામે લાગી.ચારે તરફ ચારેક ફૂટ ની દીવાલ હતી.થોડે દૂર આવી જ એક દીવાલ ઉપર એ ઊભી હતી.
“આ શું ગાંડપણ છે?નીચે ઉતર.” કોઈ આજાણી બીક ના કારણે મારા થી ત્રાડ પડાઈ ગયી.પણ એના હાવભાવ માં કોઈ ફેર નહતો પડ્યો.
“તારે મારો સંગાથ જ જોઈએ છે ને? લે...આ રહી હું અને એ રહ્યો તું.” એમ કહી ને એને પોતાનો હાથ મારી તરફ લંબાવ્યો.એક જ પળ માં મારી બધી બીક બધો ગુસ્સો વરસાદ માં પીગળી ને ધોવાઈ ગયો.
એના હાથો ના ચુંબકત્વ થી ખેંચાઇ ને એજ દીવાલ ઉપર એની સામે આવી ને ઊભો રહયો.અમે એક સાત માળ ની બિલ્ડીંગ ની અગાશી ની દીવાલ ઉપર ઊભા હતા.પણ અમારા ચહેરા પર કોઈ ડર નું નામોનિશાન નહતું.મારા માટે તો એના લંબાવેલા હાથ સિવાય આખી દુનિયા ધૂંધળી બની ગયી હતી.અને મે હવે ધીમે ધીમે એના નજીક જવા પગ ઉપાડ્યા.મારા અને એના હાથ વચ્ચે હવે ફક્ત એક ફૂટ નું અંતર રહ્યું જે હવે સમય સાથે ઘટી રહયું હતું.પાંચ ઈંચ....ત્રણ ઈંચ....એક ઈંચ...અને..જે થયું એ મને ખુદ ને ના ખબર પડી.આકાશ માં એક ધારદાર વીજળી અને થોડી વાર પછી પ્રચંડ ધડાકો.મારો હાથ એના હાથ ની આરપાર નીકળી ગયો...મે મારૂ સંતોલન ગુમાવ્યું અને હવે મારી અને જમીન વચ્ચે નું અંતર ઘટી રહ્યું હતું.હું નીચે પટકાયો.
ખોપડી માંથી એક લોહી ની ધાર આંખ ના ખૂણા ને આંજી ગયી અને ધીમે ધીમે મીંચાઇ ગયી.
આંખો ફરી થી થોડી ખૂલી.આજુ બાજુ માણસો નું ટોળું ભેગું થઈ ગયું હતું.ત્યાં જ ટોળાં માંથી એક હાથ મારા તરફ આગળ વધ્યો.એ ઇનો જ હાથ હતો અને સાથે એક અવાજ પણ સંભળાયો.
”આ વખતે દગો નહી દઉં...હવે આપના સંગાથ નો સમય આવી ગયો છે.” અને મે હાથ લંબાવ્યો.અને અમારી આંગળિયો સ્પર્શતા જ એક અજીબ નાનો ચમકરો થયો જાણે બે ચકમક પથ્થર એક બીજા ને અથડાયા હોય.હું ધીમે રહી ને ઊભો થયો.આખરે કેટલા દિવસો....ના કેટલા મહિના....ના કેટલા વર્ષો કે પછી કેટલી સદીયો ના ઇંતજાર પછી અમે એક બીજા ના હાથો માં હાથ નાખી ને એક બીજા ના સંગાથે ચાલી રહ્યા હતા.સુરજ ડૂબવા ની તૈયારી માં હતો અને ક્ષિતિજ તરફ અમારી ગતિ ચાલુ હતી...અને અમારી પાછળ મારા નિર્જીવ શરીર ને એમ્બ્યુલન્સ માં નખાઈ રહ્યું હતું!!
હિતેન્દ્રસિંહ પરમાર