અનાસ્તિક chintan lakhani Almast દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનાસ્તિક

સર્વસ્વ મારું એ.......

એમ એના પ્રેમને જાહેર એ કરતી રહે છે,

આંખ ભીની થાય તો મારા ખભે ઢળતી રહે છે.

આમ તો સંબંધ એ શબ્દોથી થોડો પર રહ્યો,

તો ય દિલની વાત આંખો થકી મળતી રહે છે.

કેટલું ચાહુ ને તો યે હું હટાવી ન શકું,

એમની નજરોયે પણ મારી ઉપર ફરતી રહે છે.

નર્કના અંધકારમાં પણ એ મને પામી શકે,

શુદ્ધ એવાં પાપથી મારામાં એ ભળતી રહે છે.

એજ મારો આઠમો સુર, એજ દસમો દ્વાર છે,

એજ થઈને સુષ્મણાં ક્યારેક મહિં શ્વસતી રહે છે.

ખુબ છે એનાં રિસાવાની અદા ‘અલમસ્ત’

દૂર જઈને એ વધુ ઊંડાણમાં વસતી રહે છે.

હું

જયારે જગત ની આંખ થી ઉતરી જવાનો હું....

ત્યારે સમજજો કે ખરેખર 'હું' થવાનો હું....

પત્થર બની ને આવ્યો છું, દરિયાવ ની વચ્ચે ,

લહેરો ની સાથે અંદર ને બહાર જવાનો હું....

લાલાશ આંખો માં બધી જે છે, સુરા ની છે,

એ હોઠના એક સ્પર્શ માં ખાલી થવાનો હું....

તારા થવાની એ સજા હવે ભોગવવી પડશે,

મારા હતા એવા થી પણ જુદો થવાનો હું....

તને તો કહેશે કે બહુ સારો હતો માણસ,

મને જે કહ્યું હતું, ફક્ત એ જાણવાનો હું....

જયારે બધાયે આપણાથી ખુશ થઇ જશે,

ત્યારે ખુશી નો માર્યો મરી જવાનો હું....

'અલ_મસ્ત'તમને એ ભલે લાગે છે વ્હાલો પણ,

ઉપર જઈ ઈશ્વર ની સાથે બાધવાનો હું....

અનાસ્તિક

ઈમારત કોઈ દેવાલય ની બડી નથી ...

જ્યાં સુધી એમાં કઈક શ્રદ્ધા પડી નથી ...

જો ચડે એકવાર તો ઉતરે નહી કદી ,

છે ખરી એવી મદિરા, મને જડી નથી ...

ગામ આખું એક ક્ષણ માં તોડી નાખે એ ,

પણ જાત ની સામે અહી દુનિયા લડી નથી ...

પ્રેમના સ્મારક બધા ઉજ્જડ બની ગયા છે,

ઈંટો હજીયે ક્યાંયથી એમ તો ખડી નથી ...

રીત કઈક અલગ છે એની ઈબાદત ની,

જે વ્યક્તિ આજીવન કોઈને નડી નથી ...

હું હ્રદયમાં વાગે, બસ એટલી જ કરું છું,

સાવ બુઠ્ઠી વાત એકેય આપડી નથી...

આપની સાથે જ આ વ્યવહાર છે ‘અલ_મસ્ત’,

બાકી જગત માં કોઈની અમને પડી નથી ...

મારાપણું

તારી વિચારધારા થોડી બદલીને જો..

આખા જગત થી મને જુદો ગણીને જો..

હું જ બોલાવ્યા કરું દરેક વાર સામે થી ?

વાત માં ક્યારેક તુંય આગળ વધીને જો...

એમ કાંઈ બે જણા જુદા થતાં નથી,

અભિમાન ના અંધકાર થી નીકળીને જો...

ફર્યા કરું પાછળ એ મારુ ગજું નથી,

કંઈ ઓર છે મજા, તું સાથે ફરીને જો..

તું છે આ જગ માં તો હુંય પણ છું અહીં,

તારાપણા થી દૂર ક્યાંક મને મળીને જો...

બે વાત કરવાથી સમજ માં હું નહીં આવું કદી,

સમજવો જ હોય તો મારી બનીને જો...

નયન ના નીર માં....

નયન ના નીર માં છલકી રહ્યો સવાલ લાગે છે..

જીવાડી જે રહ્યો, એ એમનો ખયાલ લાગે છે..

કોઈ આવીને બસ સાહસ કરાવી જાય છે,

નહીં તો બધા એ આશિકો બેહાલ લાગે છે..

લાખો અંધારા બાદ ઉગતી તેજ કિરણો હોય જેમ,

એમ એનો પ્રેમ એક પ્રિયાલ લાગે છે..

ખૂટે છે શબ્દ મારા, પ્રેમની વાતો માં એની,

શબ્દકૉંશે ધરા નો ક્યાંક તો પાયમાલ લાગે છે..

ભળે છે એ સતત મારા માં કાંઈક એવી રીતે,

બનું જો જલ હું તો એ સકલ શેવાલ લાગે છે..

મળે છે પ્રેમ ને નફરત અહીં દુનિયા મહીં ‘અલ‌‌‌‌મસ્ત’,

નક્કી ખુદાઈ માં કોઈ બવાલ લાગે છે...

પિંજર જતું રહ્યું....

એ આંખ થી ખર્યું, ને સદંતર જતું રહ્યું...

એક દર્દ એવું ક્યાંક અંદર જતું રહ્યું...

શરણાઈઓ ઉલ્લાસની વાગીને રહી ગઇ,

ને આંગણાનું જાનમાં જંતર જતું રહ્યું...

નામ મારુ ક્યાંય પણ ચાલી શક્યું નહિ,

ગુમનામ જીવનમાં બધું જીવતર જતું રહ્યું...

હું મને કોઈ વાત માં રોકી શક્યો નહિ,

એ ગયા, ને એમનું અંતર જતું રહ્યું...

મોત આપે તો તને શાબાશ કહું ખુદા,

જીવન હતું આ મોતથી બદતર, જતું રહ્યું...

ગાંસડી બાંધીને બે ગજ માં મૂકી દીધો,

પંખી ઉડી ગયા પછી પિંજર જતું રહ્યું...

ઈશ્વરની આશા એ હવે બેસી ન રહે 'અલમસ્ત',

એની હતી એ ધરા, એ અંબર જતું રહ્યું...

ભૂલી જઉં છું....

જે સ્ફુરે છે એ, હું લખવાનું ભૂલી જઉં છું...

એમ મારું કામ કરવાનું ભૂલી જઉં છું...

થઇ ગયા છે આ ઉમર માં, હાલ એવા પણ,

મંદિર ભણી વળું, ને નમવાનું ભૂલી જઉં છું...

એની કોઈ વાતે હું, સહમત થતો નથી,

પણ રોજ એની સાથે લડવાનું ભૂલી જઉં છું...

ભરતી ની સાથે એતો, કિનારે મૂકી જાય છે,

ને હું કુદીને જ તરવાનું ભૂલી જઉં છું...

હું રોજ વિચારું છું, કે એને ભૂલી જાઉં,

ને રોજ કારણ એ ભૂલવાનું ભૂલી જઉં છું...

બહુ નડે છે ત્યારે, આ ટેવ એને પણ,

એની ગલી જાઉં, ને મળવાનું ભૂલી જઉં છું...

આવા દરદ નો કોઈ તબીબ ઉપચાર શું કરે ?

રોજ સરનામું દુઃખાવાનું ભૂલી જઉં છું...

પંડિત કહે છે કે, જરૂર નર્ક માં જશે 'અલ_મસ્ત '

પણ શું કરું ? હું રોજ મરવાનું ભૂલી જઉં છું...

આપણે

તું એટલે લહેરાતી વેલનું સાવ કુણું લીલુ એવું પર્ણ,

ને હું એટલે ધોધમાર વરસાદમાં કોરો રહી ગયેલ એક જણ...

તું એટલે શ્રીમંતાઈની મહત્તા એ પહોંચેલી ભાવના,

ને હું એટલે તારા પ્રેમનું અનામત માંગતું એક પછાત વર્ણ...

તું એટલે આકાશ માં ઝળહળતો એકમાત્ર ચાંદો,

ને હું એટ્લે લાખો તારામાં ખોવાયેલ એક કણ...

તું ભેજ, તું ઝાકળ, તું વાદળમાં સંતાયેલ ભીની શી બુંદ,

ને હું સાવ નિર્જન, મૃગજળના ઘર જેવું રણ...

હું અંધ આંખોમાં સપનાની ઝેરીલી હેલીનું રુપ,

તું એવી નિર્મળ કે સઘળા એ ઝેરનું મારણ…

તું એટ્લે મોસમને મરજી થી ફેરવતી લહેરાતી લટ્ટ,

હું સાવ ‘અલમસ્ત’, ભીતરમાં દાબેલો આખોય મહેરામણ...

મુક્તક

“અણસમજ”

પથ્થરો ચીરી ને કૂંપળ બહાર આવે છે...

ત્યારે પ્રભુ પર સાચો એતબાર આવે છે...

કોઈ ક્યાં સમજી શક્યું ગીતા-કુરાન ને,

ને જુઓ તો એમા બધાય સાર આવે છે...

“પરખ”

માણસાઈ ની પરખ નુ કાંઇક લાવ્યો છું...

અવનવા રંગો ને સાથે લઇને આવ્યો છું...

માણસો જે હોય એ એક-એક લઇ લેજો,

બાકી વધ્યા નું કાચિંડા ને કહી ને આવ્યો છું...

“અલમસ્ત”

વાત ને મારી પળેપળ એ વણ્યા કરે...

એકાંત મા મારી ગઝલ ને ગણગણ્યા કરે...

વાત 'અલ_મસ્ત'એ છે કે ચાહે છે અંદર થી,

એ બધાં જે બહાર મને અવગણ્યા કરે...

“પ્રેમનો વ્યાપાર”

ભાવનાઓ પણ રમત માં લઇ જજો...

ને વિચારો એકમત માં લઇ જજો...

પ્રેમ નો વ્યાપાર માંડ્યો છે અમે,

જેને જોઈએ એ મફત માં લઇ જજો..

“પંખી”

બંધ મા છંદ મા બાંધો નહીં, હું આકાશ નું પંખી છું...

ઘડીભર સંઘરી ન શકો એ શ્વાસોશ્વાસ નું પંખી છું...

તોડી શકો છો ક્ષણમાં , પણ ચેતજો તમે,

જોડાઇશ નહીં ફરીથી એવું હું વિશ્વાસ નું પંખી છું...

“વરસાદ”

ધરા કેરા મિલન કાજે મુસાફિર થઈ ને આવ્યો છે...

નિભાવવા પ્રિત માટી ની એ ખુશ્બુ લઈ ને આવ્યો છે...

અમીરો માટે આવ્યો છે બની મહેફિલ ઘણી માદક,

ગરીબો જે હતાં બેઘર, ત્યાં કાફીર થઈ ને આવ્યો છે...

“જગન્નાથ”

અહિં આત્મને ઇન્દ્રિયો નો સાથ છે...

ભાવ ને ઇચ્છા નો સંગાથ છે...

પ્રેમ ને વૈરાગ્ય ઓતપ્રોત છે જયાં,

શરીર 'પુરી' છે, મન 'જગન્નાથ' છે...

***