અનામિકા - ‘National Story Competition-Jan’ chintan lakhani Almast દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનામિકા - ‘National Story Competition-Jan’

અનામિકા

ચિંતન લખાણી

એ ઘડીક્માં પોતાનો કૂર્તો સરખો કરતી તો ઘડીકમાં પર્સમાંથી લિપસ્ટીક કાઢી એના હોઠનો ઘાંટો ગુલાબી રંગ વધુ ઘાંટો કરતી. ઘડીકમાં એ પોતાના ગાલે હાથ દેતી તો ઘડીક અદબ વાળીને ઉભી રહેતી. કાચમાં જોઈ જોઈને એ વાળની લટ્ટ્ને વધુ વળ દેતી હતી. આંખો તો શરમ વિનાની ક્યારનીયે બની ગઈ હતી, ને આમ પણ બેશર્મીની કમાણી કરનારને શરમ કરવી પરવડે નહિ. સવારની રાહ જોવા છતાં કોઈ ગ્રાહક હજી મળ્યો નથી એની ચિંતા એણે ‘મેકઅપ’ નીચે દબાવી દીધી હતી. ઓરડીમાંથી બાળકના રડવાનો અવાજ આવતા એ ઘડીભર અંદર જઈ એના પેટની આગને શાતા આપે છે અને ફરી પોતાનું પેટ ભરવાના પ્રયત્ને લાગી જાય છે.

આજ બપોર પડી ગઈ છે. હજી સુધી કોઈ ગ્રાહક એને મળ્યો નથી.આજ તો મહીનાનો છેલ્લો દિવસ છે. ઓરડીનું ભાડું ભરવાનું છે. ભેગી કરેલી બધી મૂડી એના બાળકને જિવાડવામાં ખર્ચાઈ ગઈ છે. ચકળ-વકળ નજરો એ ચારેબાજુ દોડાવ્યા કરે છે. આજ કોઈ એનો ભાવ પણ પુછતું નથી. આજ તો એ સાવ નજીવી કિંમતે વેચાવા તૈયાર છે.

એણે ફરી કાચમાં જોયું. એને પોતે આખી ઢંકાયેલી લાગી. હા, એને હમણાથી થોડું ઢંકાયેલું રહેવું જ ગમતું હતુ. એણે સડાક દઈને ઉપરના બે બટન ખોલી નાખ્યા. એની માંસલ કાયાની શોભા વધારતી એની છાતી, એના બાળકે ધાવી ધાવીને સુડોળ કરેલા વક્ષસ્થળો વચ્ચેની રેખા હવે સ્પષ્ટ નજરે પડે એમ હતી. વર્ણ ભલે ગોરો નહોતો પણ એને ભારોભાર નમણાશની બક્ષિસ હતી. એક ગણિકા જે થકી પુરુષોને આકર્ષે છે એ બધી કળાઓ એનામાં હતી. એણે વાળની લટ્ટને વધુ વળ દીધા, ને લિપસ્ટીક વધુ ઘાંટી કરી. આ વખતે એ છાતીને થોડી વધારે બહાર રાખીને ઊભી રહી. કોઈનું ધ્યાન એના તરફ ગયું નહિ. એણે આસપાસ નજર દોડાવી. બીજી બધી સ્ત્રીઓ એના કરતા ઘણા વધુ અંગો ઉઘાડા કરીને ઊભી હતી. એણે ફરી અરિસાને પુછી જોયું. “ના, આતો હું નહિ કરી શકું.” એને એક વિચાર આવ્યો. એણે પોતાના બાળકને કેડમાં લીધું, ઓરડી બંધ કરી અને નીકળી ગઈ.

મહોલ્લાના ખૂણા ઉપર એક મકાન હતુ. સાવ અવાવરું. એને સૌ ભૂતિયો ખૂણો કહેતાં. ત્યાં કોઈ સ્ત્રી ઊભી રહેતી નહિ. મહોલ્લામાં એવી વાતો થતી કે ત્યા ઊભી રહેલી બાઈને પ્રેત આત્મા ભરખી જાય છે. એને એવી બધી વાતોમાં વિશ્વાસ નહોતો. એ બળવાખોર હતી. એ ખૂણે જઈને ઊભી રહી. પણ હવે એક બીજી સમસ્યા ઊભી થઈ. હાથમાં છોકરું તેડીને ઊભેલી બાઈ કોઈને વેશ્યા જેવી ન લાગી. જેમને લાગી એમને પણ બાળકની દયા આવી.

સાંજ થવા આવી હતી. આખા દિવસની ભુખી હવે તો એ પણ થાકી ગઈ હતી. ‘પુરુષોની હવસને આજે થયું છે શું?’ એને મનોમન વિચાર્યુ. કોઈ સ્ત્રીને ન થાય એવી ઈચ્છા હવે તો એને થઈ હતી, કે કોઈ બસ આવીને હવે એના શરીરને ચૂંથી જાય. એણે બાળકને મકાનની ઓસરીમાં સુવડાવ્યું. હવે તો અંધારું પણ થવા આવ્યું. એ ફરી ખૂણા પાસે ઊભી રહી. એની નજર એક માણસ પર પડી. એ સામે ઊભો ઊભો જેમ બકરીના બચ્ચાને વરૂ દેખે એમ એની સામું જોઈ રહ્યો છે. આવી નજર કોઈ સ્ત્રીને ન ગમે. ‘ બસ એટલો જ ફરક છે સામાન્ય સ્ત્રીઓ અને અમારી વચ્ચે...’

“આવોને...” એનાથી સહજ રીતે બોલાઈ ગયું. જણ પણ જાણે એટલી જ રાહ જોઈને ઊભો હતો. બેતાળીસ વરસનું આયુષ્ય એણે એકલા હાથે ખેંચી નાખ્યું હતુ. એના સંબંધની વાતમાં પહેલા એની આવક આડી આવતી, હવે એની ઉમર આડી આવે છે. આધેડ વયના માણસે અંતે થાકીને શરીરની ભુખ મટાડવા આ માર્ગ લીધો હતો.

“શું ભાવ ?”

“એ તમે આપો એ..” એટલું બોલતા એણે પુરુષનો હાથ પકડી લીધો. એને ઉતાવળ હતી. દોરીને પોતાની ઓરડીમાં લઈ ગઈ. એણે આવનારને પાણી દીધું. એને પલંગ ઉપર બેસાડી, પોતે એક પછી એક પોતાના કપડાં ઉતારવાનું શરૂ કર્યું. અચાનક એનું ધ્યાન ખૂણામાં બાંધેલા ઘોડીયા ઉપર પડ્યું. એણે દોટ મૂકી.

ભૂતિયા ખૂણે આવીને જોયું. મકાનની ઓસરીમાં જ્યાં એણે બાળક સુવાડ્યું’તું ત્યા એ નહોતું. એની ચીસ ફાટી ગઈ. એણે આખું મકાન ફંફોળ્યું, ન તો ભૂત મળ્યું, ન એનું બાળક. એણે ગાંડીની જેમ આમતેમ દોડાદોડી કરી. મહોલ્લાના એકેક ઘરનું બારણું ખખડાવ્યું. મોટાભાગના ન ખૂલ્યા. જે ખૂલ્યા એમાંથી પણ ના’કારો મળ્યો. અમુક ઓરડીમાંથી ગ્રાહકો અવાજ થવાને લીધે ભાગ્યા, એટલે એમની ગાળોનો મારો એના પર ચાલુ થયો. પણ એને કશી પરવાહ નહોતી. એણે દોડાદોડી કરી, ચીસાચીસ કરી, આંસુ વહાવ્યા, ધમપછાડા કર્યા અને અંતે થાકીને એજ ખૂણે આંસુ વેરતી બેઠી.

પેલો જણ તો બાઘો બની આ બધુ જોઈ રહ્યો છે. એણે ઠંડીથી થથરતી, રોતી બાઈને પોતાની શાલ ઓઢાડી. કંઈ વધુ તો એને ન સૂજ્યુ પણ ખીસ્સામાંથી બે હજારની નોટ કાઢી એણે એના હાથમાં મુકી, અંધારા રસ્તા તરફ પગલા માંડ્યા. જોતજોતામાં એ ખોવાઈ ગયો.એ પૈસા સામે જોઈ રહી. આ પૈસા એને કેટલા મોંઘા પડ્યા ? એને હવે સમજાયું. એને ફેંકી દેવાની ઘણી ઈચ્છા થઈ પણ ફેંકી ન શકી.

“રાંડના તો કાઈ છોકરાં ભાળ્યા છે ?”

“બાપનું નામ પૂછશે તો શું કહીશ ?”

“અલી શીદને પાપ વ્હોરે છે ?”

એની બહેનપણીઓ આવું બોલી હતી એ એને યાદ છે. બધાની ઉપરવટ જઈને એણે આ નિર્ણય લીધો હતો. તે પછી અત્યાર સુધી બધુ જ ઉથલપાથલ હતું. એને પોતાને વિશ્વાસ નહોતો થતો કે એ અત્યાર સુધી ટકી કઈ રીતે શકી !

“બેબી છે.” નર્સે જ્યારે એના હાથમાં મૂકી ત્યારે એના હરખનો પાર નહોતો. અરે, વીસની નોટ તો એણે નર્સના હાથમાં પણ મૂકી’તી. આજ એ વીસની નોટ આ બે હજારની નોટ કરતા વધુ કિંમતી લાગતી હતી.

જ્યારથી એ પેટથી હતી ત્યારથી થોડાથોડા પૈસા એ જમા કરતી હતી.હતી. એમાંના અડધા પૈસા એની સુવાવડમાં ખર્ચાઈ ગયા. બાકીના અડધાની ગોઠવણ એની દિકરીના તાવે કરી દીધી. એક દિકરીની મા ને કોઈ વેશ્યાલયમાં સ્થાન ન મળ્યું અને એને પોતાના માટે એક અલગ ઓરડી ભાડે રાખવી પડી. એની કંગાળ હાલતે આજ આ દિવસ દેખાડ્યો. એણે જેના માટે આખુ આ કમઠાણ માંડ્યું હતું આજ એ જ એના હાથથી જતી રહી. ‘જ્યારે ઈશ્વર રમત માંડે છે, ત્યારે ભલભલા હારી જાય છે.’

એણે એક પત્થર ઉપાડીને સામે ઘણીવારથી ભસતા કૂતરાં ઉપર ફેંક્યો. ફેંક્યો કે એનાથી ફેંકાઈ ગયો એ નક્કી કરી શકાય એવું નહોતું. એને જાણે એ કૂતરું મહેણાં મારતું હોય એવું લાગ્યું. એણે ઊભી થઈને કૂતરાંને ભગાડવાનો પ્રયત્ન કર્યો. એની લિપસ્ટીકનો રંગ ઝાંખો પડી ગયો હતો. એના વાળ વિખરાઈ ગયા હતા એમાં એણે આખો દિવસ વળ ચડાવેલી લટ્ટને શોધવી મૂશ્કેલ હતી. એણે માથે ઓઢેલો ધાબળો શરીરે વીંટ્યો. એ રોઈ રોઈને થાકી હતી. સવારની ભુખી હતી. એને આમ બેઠેલી જોઈને એક માણસ એની પાસે આવ્યો, બાજુમાં બેઠો. હળવેથી બોલ્યો, “દિકરી જો’તી છે ?” મોઢાની આડો હાથ દારુની દુર્ગંધ છુપાવી શક્યો નહોતો પણ એને તો દિકરી શબ્દે જ જાણે નાક વિનાની કરી નાખી.

“હા...હા..”

“તો લાવ આ બે હજાર રૂપિયા અને હાલ મારી સાથે..”

એને મન એ બે હજાર રૂપિયાની કાંઈ કિંમત હતી જ નહિ. એણે તરત દારુડીયાને એ આપી દીધા. એની પાછળ ચાલી નીકળી. એ એને લઈને એવી સાંકડી ગલીમાં ઘૂસ્યો જ્યાંથી દિવસે નીકળતા પણ બીક લાગે. ત્યાં એની જેવા જ બીજા ચાર દારુડીયા બેઠા હતા.

“મારી દિકરી ?”

એમાંના એક એ ઊભા થઈને એને એક લાફો ચોડી દીધો. બીજી જ ક્ષણે એના બંને હાથ એક જણા એ પકડી લીધા. ત્રીજાએ એના કપડાં ફાડવાનું શરૂ કર્યું. એના શરીરમાં હતુ એટલું જોર ભેગુ કરી એણે એક ઝટકા સાથે હાથ છોડાવી લીધો. ફાટેલા ચીંથરાએ માર્ગ મોકળો કર્યો અને એના હાથમાં ખીલા જડેલું પાટીયું ક્યાંકથી આવી ગયું. એક ફટકામાં ત્રણ ખીલા બરાબર ખોપરીમાં બેસાડી દીધા. માથામાંથી લોહિના ફુવારા છૂટ્યા. બીજા ત્રણેય એ દ્રશ્ય જોઈને જ ભાગી ગયા. ક્યાંય સુધી તો એ ત્રાડ નાખતી પાછળ પણ દોડી. એકેય હાથમાં ન આવ્યો.

એ પાછી ભૂતિયા ખૂણે આવીને બેઠી. પેલા વાંઢાએ આપેલી શાલ ચીંથરેહાલ થઈ ગઈ હતી. એણે એ કાઢી ગોટો વાળ્યો અને ભસતા કૂતરાં ઉપર એનો ઘા કર્યો. એ શાલનો ગોટો ઉપાડી કૂતરું રોડની પેલે પાર ‘મ્યુનિસિપાલિટી’ની કચરાપેટી જેમાં નીચેના ભાગેથી તૂટેલું હતું, એમાં જઈને પેઠું. આ વખતે એણે ધ્યાનથી જોયું. એ તૂટેલા ભાગમાં એને દિકરીની ગોદડી દેખાણી. આ એનો ભ્રમ હતો કે વાસ્તવિક્તા એ એને સમજાતું નહોતું. કાંઈક બાળક જેવું પણ એ આછા પ્રકાશમાં જોઈ શકી. એણે કાન દઈને સાંભળ્યું તો એના રડવાનો અવાજ પણ સંભળાયો. પોતે ક્યાંક સપનું તો નથી જોતી ને ! એવું એને લાગ્યું. કૂતરાંએ શાલ અંદર ખેંચવા જતા બાળકને ધક્કો મારી દીધો. એ લપસીને કચરાપેટીમાંથી અડધુ બહાર નીકળ્યું. આ વખતે એને આંખો ઉપર વિશ્વાસ આવ્યો. એ ઊભી થઈ ગઈ. એ એની દિકરીને તેડી લેવા માંગતી હતી. એને ચૂમી લેવા માંગતી હતી. આખા દિવસનો થાક એને ક્ષણવારમાં ઓગળી ગયો. બે હજારની નોટ એ ભૂલી ગઈ હતી, દારુડીયા વાળો પ્રસંગ એની સ્મૃતિમાંથી નીકળી ગયો હતો. અત્યારે બસ એને કચરાપેટીમાં પડેલી એની દિકરી દેખાતી હતી. એને એ બધાને પકડી પકડીને દેખાડવાનું મન થતું હતું જે કહેતા હતા કે, ‘એક વેશ્યા તે વળી શેની મા બને ?’ એને બધાને કહેવું હતું કે, ‘જુઓ, મને મારી દિકરી એટલી જ વહાલી છે જેટલી દરેક મા ને હોય છે. મારું કામ મારી મજબુરી છે, મારી લાગણી મારો સ્વભાવ છે.’ એણે દોટ મૂકી.

બરાબર રસ્તાની વચ્ચે એક ગાડી પૂરપાટ ઝડપે આવી. એને ફંગોળીને કચરાપેટી સામે ફેંકી ગઈ. એની દિકરી એની આંખો સામે હતી. એણે હાથ લંબાવી એને પોતાની પાસે ખેંચી લીધી. એના શ્વાસ થંભી ગયા. બીજા દિવસે સવારે એની લાશ ‘મ્યુનિસિપાલિટી’ વાળા લઈ ગયા. એની દિકરીને અનાથાશ્રમમાં મોકલી દેવામાં આવી. એ ગ્રાહક એને બહું મોંઘો પડ્યો. એ ખૂણો ભૂતિયો તો હતો જ..

***