Dadimanu Sukh books and stories free download online pdf in Gujarati

દાદીમાનું સુખ

દાદીનું સુખ

હંસા બહેન ખુશ છે. આમેય ખુશ તો હતાં. છતાં હવેની ખુશીમાં ફરક છે. ચહેરા પર આત્મસંતોષની આભા છે. અંગેઅંગમાં તરવરાટ જાણે ખળખળ વહેતી નદી. સવાર સાંજ ઠાકોરજીનાં સ્મરણથી તૃપ્ત છે. દીકરો ભણીગણીને સારી જગ્યાએ નોકરીએ લાગ્યો છે. હોંશે હોંશે વહેલી સવારે ઊઠે છે. દીકરા માટે મનગમતું ભોજન બનાવે છે ટિફિનમાં લઈ જવા માટે. સવારે સાત વાગે દીકરો માને પગે નથી લાગતો પણ વ્હાલથી ભેટે છે. હંસા બહેન પ્રેમથી દીકરાના મસ્તકે હાથ ફેરવે છે. જોઈ રહે છે ઓફિસે જતા દીકરાને બારીમાંથી.

દિવસ એટલે હંસાબેન માટે બરફ. ચૂસ્યા કરે સોનેરી સ્વપ્નાંનો ગોળો બનાવીને. આંખ સામે માંડવો, કાનમાં સૂર ગૂંજે શરણાઈનાં, હોઠે ઝૂલે હોંશીલાં ગીતો! સાંજ પડતાં આંગણે દીવાબત્તી કરી બનીઠની અંબોડે વેણી શણગારી પ્રવેશે રસોડામાં. ખુશીનું પારેવું ચહેરાને રંગ્યા કરે અને રસોઈમાં કરેલાં વ્યંજનોની સોડમ ચાલીમાંની રુમમાં પ્રવેશી જાય. એટલે આજુબાજુની રુમમાંથી આવીને કોઈ ન કોઈ હંસાબેનની પ્રશંશા કરી જાય. એટલે હંસાબેનની ખુશીનું પૂછવું જ શું! આ ખુશી બેવડાઈ જાય જ્યારે દીકરો રસોઈનાં વખાણ કરે! આજે તો હંસાબેનની આંખો આશ્વર્યથી પહોળી થઈ ગઈ જ્યારે દીકરાએ જમ્યા પછી કહ્યું કે મુલુંડમાં ફ્લેટ લેવાનો વિચાર છે. રાતભર જાગતાં પડ્યાં રહ્યાં કારણ ખુશી, નાના બાળકની જેમ કૂદાકૂદ કરી રહી હતી.

આખરે દીકરાએ મુલુંડમાં ફ્લેટ ખરીદ્યો. હંસાબેનની ખુશી મેઘધનુષની જેમ સોળેકળાએ ખીલી ઊઠી હતી. સગાવહાલા આવતાં ગયાં, અભિનંદન, આર્શીવાદ, શુભેચ્છાનો વરસાદ વરસાવતા ગયાં. નવા વાતાવરણમાં ગોઠવાઈ જવામાં મુશ્કેલી પડવા લાગી. ક્યારેક ક્યારેક આંખોમાં આંસુ આવી જતાં. બંધ દરવાજા, માપસર બોલવું ચાલવું, સંયમથી રહેવું, હ્રદયનાં ઉમળકાને બાંધીને જીવવું, આ બધું હંસાબેનને ડંખતું પણ પુત્રની ખુશી માટે ખુશ રહેવા પ્રયત્ન કરવા લાગ્યાં અને આખરે ટેવાઈ ગયાં.

ભગવાન આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. હંસાબેન ની ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા વધતી ગઈ. સગાવહાલાનો પરિધ વિસ્તરતો ગયો. તીર્થસ્થાનોમાં જવાની ઈચ્છા દીકરો પૂરી કરવા લાગ્યો. જ્યારે પ્લેનમાં બેઠાં ત્યારે તો આંખો હર્ષાશ્રુથી ભીંજાઈ ગઈ હતી. છતાં દીકરાને એક વાત સમજાતી નહીં કે તેની મા કારણ વગર ઉદાસ કેમ થઈ જાય છે. ખાસ કરીને એમના ઘરે કોઈ લગ્નની કંકોત્રી આપી જતું ત્યારે તેમનાં ચહેરા પર બેત્રણ દિવસ સુધી ઉદાસીનું માવઠું છવાઈ જતું હતું. દીકરો પૂછ્યાં કરતો માને કે તે ઉદાસ કેમ છે. આખરે એક દિવસે દીકરા એ કારણ જાણવાની હઠ પકડી ત્યારે હસતાં હસતાં મા એ પૂછ્યું કે લગન ક્યારે કરવાનાં છે? સમાજમાં સૌ આ બાબતે પૂછી પૂછી જીવ ખાય છે. આ વાત સાંભળી દીકરો હસી પડ્યો. અને કહ્યું, “ મા આ બાબતે તો મેં વિચાર્યું જ નથી. કામમાંથી ફુરસદ મળે તો ને! ચલ તને જણાવીશ કોઈ છોકરી પસંદ પડશે તો. તે કશું વિચાર્યું હોય તો તું જણાવજે. ”

હંસાબેન પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગ્યાં જ્યારે દીકરા રમેશે અચાનક તેમની મુલાકાત અંકિતા સાથે કરાવી અને હંસાબેનને કહયું,” મમ્મી આ અંકિતા છે. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. ”

“ વાહ! આખરે પ્રેમ કરવા સમય મળ્યો ખરો. જેવો તું તેવી અંકિતા. સરસ જોડું છે. ઠાકોરજી તમને સુખી રાખે. ” કહી આર્શીવાદ આપ્યાં. અંકિતાએ પણ હસતાં હસતાં કહ્યું “ અને અમે તમને ખુશીથી રાખશું કહી પગે લાગી.

પણ રમેશે જ્યારે કહયું, “ મમ્મી અંકિતા બંગાળી છે. ”

“ બંગાળી?” અને હંસાબેન વિચારોમાં ખોવાઈ ગયાં.

“ મમ્મી શું થયું? તને કોઈ વાંધો છે?”

“ બંગાળી એટલે માંસ મચ્છી.. એટલે કે .. ”

“ ના મમ્મી ના. શાકાહારી છે. ”

“ જે હોય તે. તને ગમી એટલે મને ગમી. મને મારી ખુશી મળતી રહે એટલે બસ!” કહી હંસાબેન તેમની રુમમાં ગયાં આવું છું કહીને. જેવાં ગયાં તેવાં પાછાં આવ્યાં અને હરખ કરીને સાડી આપી.

“ આ તો મારો મનગમતો કલર છે મમ્મી. ” કહી અંકિતાએ હંસાબેનનું મન જીતી લીધું.

હવે હંસાબેન પ્રવૃત છે. બરફની જેમ દિવસ પીગળી જાય છે. રાત સ્વપ્નોમાં સમાઈ જાય છે. હંસાબેન હવે તો હીંચકાએ ઝૂલે છે, ગાડીમાં ફરે છે, વિમાનમાં ઊડે છે. પૌત્ર સાથે બાકીનો સમય વિતાવે છે. દાદી દાદી નો કલરવ હંસાબેનને પ્રફુલ્લિત કરી રહ્યો છે. દીકરો રમેશ અને પુત્રવધુ બંને જણ પોતાનાં કામકાજમાં ગળાડૂબ છે. બંને જણ પોતાની કંપનીનાં પ્રમોશન અર્થે દેશ વિદેશ ફરતાં હોય છે, ઊડતાં હોય છે. હંસાબેનનાં પૌત્રનું નામ છે કશ્યપ. ભાગ્યેજ માબાપનું સુખ પામ્યો છે. પણ કશ્યપને એનું દુખ નથી. કારણ જેટલું ગુમાવે છે તેનાથી પણ બમણું સુખ દાદી પાસેથી મળે છે. દાદી હંસાબેન કશ્યપના સુખદુખના સાથી છે. હંસાબેનનાં હાલરડા કશ્યપને સુવાડે છે. હંસાબેનનાં પ્રભાતિયાં થી કશ્યપની સવાર પડે છે. કશ્યપનો ચહેરો હંસાબેનને પતિ નરેન્દ્રની યાદ આપી દે છે. મનમાં વસવસવો રહ્યાં કરે છે “ બચારા ગધ્ધામજૂરી કરીને નાની ઉંમરે સ્વર્ગલોક સિધાવ્યા. પળભર સુખ ન પામ્યાં”. અને જોઈ રહેતાં ક્યાંય સુધી રણ સમી કોરી આંખથી પતિની તસ્વીર!

એ તસ્વીરમાં પૌત્ર કશ્યપ સમાઈ ગયો છે. પતિ નરેન્દ્ર કશ્યપનું રૂપ લઈને આવ્યાં છે. એ વિચારે હંસાબેન ખુશ છે. પાંચ વર્ષ પછી પુત્ર અને પુત્રવધૂ કેનેડાથી પાછા ફરી રહ્યાં છે એ ખુશીમાં ચહેરા પર વસંત પથરાઈ ગઈ છે. પૌત્ર કશ્યપ સત્તર વર્ષનો રાજકુંવર જેવો લાગે છે. જાણેઅજાણે શમણાંમાં ખૂંપી જાય છે! આંખમાં રમતી હોય છે કશ્યપ માટેની વહુ! હંસાબેન લાલસાનું રબ્બર ખેંચ્યે જાય છે...

કશ્યપ ખોવાઈ ગયો છે ભણતરમાં. દાદીમાનાં લાડપ્યારમાં કશ્યપને પોતાનાં ડેડી મમ્મી યાદ નથી આવતાં. ક્યાંથી આવે? કશ્યપ પાંચવરસનો થયો ત્યાં તો અંકિતાને માથે આભ તૂટી પડ્યું. ટ્રાન્સફર ટુ કેનેડા. આખરે હંસાબેનની સમજાવટથી અંકિતા કેનેડા જવા તૈયાર થઈ. પુત્ર હંસાબેન પાસે રહેશે. કારણ બીજો કોઈ વિકલ્પ હતો નહીં. એક બાજુ પુત્ર બીજી બાજુ કેરિયર! એકવાર તો કશ્યપ જિદે ચડ્યો. હંસાબેનને કહ્યું “ દાદી, મને તો તમે જ મારા મમ્મી પપ્પા લાગો છો!”

હંસાબેન ક્યાંય સુધી ચૂપ રહ્યાં. ક્યારેક હંસાબેન વિચારોમાં ખોવાઈ જતાં હતાં. આ કઈ જાતની જિંદગી. બચ્ચું પેદા કરવા ખાતર પેદા કરવું. બચ્ચાની સારસંભાળ સાસુ અથવા મમ્મી અથવા ઘોડિયાઘર અથવા આયા કરે. કારણ સૌને પડી છે પોતાની કેરિયરની. કશ્યપએ પણ આ રીતે પોતાનું બાળપણ વીતાવ્યું હતું. છતાં પ્રેમથી કશ્યપને સમજાવ્યું કે જે જન્મ આપે એને માબાપ કહેવાય. કશ્યપે ગંભીરતાથી કહ્યું ઠીક છે. ઠીક છે એટલે “ હું બધું સમજું છું. ”

હંસાબેનને જેનો ડર હતો તે સાચો ઠર્યો. ઈશ્વર આપે છે ત્યારે છૂટે હાથે આપે છે. અને લેવા બેસે ત્યારે પણ આગળ પાછળ કશું જોતો નથી. બધું જ. નિર્દય બની ઝૂંટવી રહ્યો છે એવું લાગે છે . રમેશને એકલો આવેલો જોઈ હંસાબેન આશ્ચર્ય પામ્યાં. રમેશની થોથવાતી જીભે રમેશને આરોપીનાં પાંજરામાં મૂક્યો. જ્યારે રમેશે કહ્યું કે અંકિતાને કેન્સર છે. અંકિતા કશ્યપને જોવા ચાહે છે. એટલે કશ્યપને કેનેડા લઈ જવા માંગે છે. મા દીકરો મન મૂકીને રડી હળવાં થયાં. હંસાબેને કશ્યપને કેનેડા લઈ જવાની અનુમતિ આપી. જ્યારે આ વાતની કશ્યપને ખબર પડી ત્યારે કશ્યપ અકળાઈ ઊઠ્યો. અને હંસાબેન અને રમેશને પૂછ્યું, “ તમે આટલો મોટો નિર્ણય કોને પૂછીને લીધો છે?”

“ તારી મા બિમાર છે બેટા. તારાથી છૂપાવવું શું? બેટા કેન્સર છે. ”

“ આજના જમાનામાં આ રોગ સામાન્ય રોગ જેવો એક રોગ છે. ”

“ પણ.. આ રોગ જીવલેણ હોય છે બેટા. ”

“ દાદી, વિદેશની સારવાર અહીંના જેવી નથી. માટે ચિંતા કરવા જેવું નથી. ”

“ કશ્યપ મને આવી આશા ન હતી. ”

“ દાદી, હું હવે ના સમજ નથી. ”

“ આમાં મારું નામ ખરાબ થશે. ”

“ દાદી.. પ્લીઝ.. ”

ઘરમાં ન સમજાય તેવી ખામોશી ફરી વળી. રમેશને કેનેડા પાછા ફરવું જરુરી હતું. મહામહેનતે કશ્યપ વીડીઓ કોન્ફરન્સ માટે તૈયાર થયો. કશ્યપ અંકિતાને જોતો રહ્યો, અને અંકિતા કશ્યપને જોતી રહી. આખરે અંકિતાએ પૂછયું, “ હાય બાબુ કેમ છે? મમ્મીને ભૂલી ગયો કે? કેમ બોલતો નથી? મારી કટ્ટી છે?” “ ઠીક છું. મારી નાની દુનિયામાં મસ્ત છું. તમારે કોઈએ મારી ફીકર કરવાની જરૂર નથી. ”

“ ખરેખર તું મોટો, સમજણો થઈ ગયો છે. બેટા.. ”

“ મોમ, સમય સૌને સમજણો, મોટો બનાવે છે. ” કશ્યપે અંકિતાની આંખ માં આંખ પરોવી કહ્યું. અંકિતા નીચું જોઈ ગઈ. ચહેરા પર સ્મિત પાથરતાં કહ્યું, “ લાગે છે કે તું નારાજ છે. ફોન પર પણ વાત કરવાનો તને સમય નથી. ” “ નારાજગી કોના પર હોય મોમ? જે પોતાના હોય તેનાં પર. અને મારે પણ ભણીગણીને મારી દુનિયા બનાવવાની છે. મારો સમય ભણવામાં જાય છે. સમયની કિંમત તમારી પાસેથી શીખ્યો છું. સમય પહેલાં. સંબંધો પછી. પોતાની કેરિયર બનાવવા સંબંધોનો ભોગ તો આપવો પડેને મોમ! તારી જેમ.... ”

“ વાહ! મારો દીકરો ખરેખર પુખ્ત વયનો થયો છે. ખુશ છું. મારા કરેલાં કર્મો મારે ભોગવા પડે છે. બેટા તારો દોષ નથી. પણ એકવાર મારી સામે જોઈને હસ.. મારા બળતા જીવને ટાઢક તો વળે..... ”

“ મોમ, હાસ્ય તો મારા ચહેરા પરથી જે દિવસે તું કેનેડા મને મૂકીને ગઈ ત્યારથી વિલાઈ ગયું છે. ના આંસુ બચ્યાં છે ના હાસ્ય. ” “ અરે પુતર એક વાર પણ તારા હૈયાની વરાળ તે મારી સમક્ષ કાઢી હોત તો હું તારી પાસે આવી જાત બધું છોડીને.. ”

“ વાહ મોમ વાહ. માની મમતાને જગાડવાની જરુર પડે છે તે આજે ખબર પડી. મોમ મારો સમય થઈ ગયો છે ભણવાનો. રજા લઉં છું. પ્લીઝ ટેક કેર.. ” કહી કશ્યપ ત્યાંથી જતો રહ્યો. ત્રણે જણ એકબીજાને જોતાં રહ્યાં.

“ તમે કોઈ પણ વાતે મુંઝાશો નહીં. હું તેને સમજાવીને મોકલીશ... ” અને એક ઉધરસ આવતાં હંસાબેન દોડીને બાથરૂમમાં ગયાં. રમેશ લેપટોપ બંધ કરી હંસાબેનની પાછળ દોડ્યો. દરવાજો બંધ હતો. રમેશ ક્યાં સુધી દરવાજા પાસે ઊભો રહ્યો.

હંસાબેને દરવાજો ખોલ્યો. સામે રમેશને ઊભેલો જોયો. આશ્ચર્યથી હંસાબેને પૂછયું,“ કેમ અહીં ઊભો છે!” રમેશ હંસાબેનને જોઈ રહ્યો. અકળાઈને હંસાબેને ફરી પૂછ્યું, “ રમેશ, કઈ દુનિયામાં તું છે?”

“ અરે મમ્મી તું કમાલ કરે છે. ઉધરસ આવી અને મોં દબાવી તું દોડી તારી રૂમમાં અને દરવાજો બંધ કરી દીધો કેમ?”

“ ઓહ.. એમ વાત છે.. અરે આ તો રોજની આદત છે મારી. અંદર જાઉં એટલે દરવાજો બંધ થઈ જાય. મારા માટે આ સહજ છે. ”

“ મને એમ કે તારી તબિયતમાં કંઈક ગડબડ છે... ”

“ અરે, તારી પત્નીની ચિંતા મારાંમાં જોઈ રહ્યો હતો છે?”

“ આ તારા સાડલાની કિનારી ભીની કેમ છે? અને આ લાલ ડાઘ લોહીના છે કે?” રમેશે સાડલાની કિનારી હાથમાં લઈને ડાગ બતાવતાં પૂછયું. જાણે કંઈ જાણતાં ના હોય એમ હંસાબેન લાલ ડાઘ જોઈ રહ્યાં. વધુ પૂછપરછ કરવી યોગ્ય ના લાગી રમેશને. તે જાણતો હતો મમ્મી મગ છે કે મરી એનો ફોડ નહીં પાડે. હોલમાં આવી વિચારમાં પડી ગયો. જરુર મમ્મી કાંઈ છૂપાવે છે. કાલે રવિવારે છે. એક દિવસ બચ્યો છે. હંસાબેનનાં લોહીના રિપોર્ટ આવતાં બેત્રણ દિવસ તો લાગે અને ત્યાં પત્ની પણ એકલી ! બૂમ પાડી રમેશે હંસાબેનને અને કશ્યપને પોતાની પાસે બોલાવ્યાં. બંન્ને જણ આંટા મારતા રમેશને જોઈ રહ્યાં .

“ હવે કશું બોલીશ કે આમ આંટાફેરા મારતો રહીશ. ”

“ મમ્મી શું બોલું? તમારી તબિયત સારી નથી છતાં કશું જણાવતાં નથી?”

“ જરા શી ઉધરસ આવી અને તું રાઈનો પર્વત બનાવી રહ્યો છે રમેશ. પૂછ તારી દીકરાને.. ”

“ મારો દીકરો મારો હોત તો હું આમ અંધારામાં રહ્યો ન હોત. ”

“ દાક્તરને બતાવ્યું પણ નહીં હોય?”

“ બિમાર હોઉં તો બતાવું ને?”

“ તો આ લોહી .. ”

“ અરે, કોક વાર ચામડી ઘસાય તો આવું થઈ જાય. એમાં ગભરાઈને થોડું જીવાય. રમેશ, પત્નીની બિમારીથી તું ગભરાઈ ગયો છે. મારી વહુને કશું નહીં થાય. તું જ્યાં રહે છે એ દેશમાં તો ભલભલા સાજા થઈ જાય છે. બેટા; આમ હિંમત હારીને ના જીવાય. ”

“ કશ્યપ, હું અહીં રહી તારી દાદીનાં સઘળા રિપોર્ટ કઢાવા માગું છું. પછી ડોક્ટરને બતાવી એની સલાહ બાદ કેનેડા પાછો જઈશ. ત્યાં લગી તું તારી મોમ પાસે રહે એવું હું ઈચ્છું છું. ”

“ અરે! તું ગાંડો થઈ ગયો છે કે? તું પાછો નહીં જાય તો તે શું સમજી બેસશે તેનો તને કોઈ અંદાજ છે કે? તે સમજશે કે મારી તબિયત ગંભીર છે. અને આની અસર તેનાં શરીર પર પડશે. તારી ત્યાં જરૂર છે. અને હજી તો હું મસ્ત છું અને જવાની તૈયારી કર. અને મને કંઈ થયું તો હું ત્યાં તારી પાસે આવી જઈશ. ”

“ ડેડ, મારું માનવું છે કે તમારી હાજરીથી મોમ ખુશ રહેશે અને અહીં મારી હાજરીથી દાદી ખુશ રહેશે. ગોડ પ્રોમીસ દાદીની તબિયતનાં સમાચાર તમને જે હશે તે આપતો રહીશ. પ્લીઝ મને લાગે છે કે ન તો દાદી ન તો મોમ પણ અત્યારે તમે પોતે મરીઝ લાગો છો.. ” કહી કશ્યપ હસવા લાગ્યો. પણ એનું હાસ્ય કમાયેલા ફૂલો જેવું લાગ્યું.

“ ઠીક છે જેવી તમારી મરજી. બાકી મારી સ્થિતિ તો ન ઘરનાં ન ઘાટના જેવી થઈ ગઈ છે. ” કહી રમેશ વિચારમાં પડી ગયો. બે હાથ જોડી ને કહ્યું,

“ પણ તમે મારી સાથે જ ચાલો. તમને શો વાંધો છે?”

“ રમેશ, મારો પણ જીવ બળે છે. મારું મન અંકિતાને મળવા અધીરું થઈ ગયું છે. પણ મારા આવવાથી તું અંકિતા તરફ બરાબર ધ્યાન નહીં રાખી શકે. અને મારી ઉંમર પણ થઈ છે. આજની પરિસ્થિતિમાં હું તારો બોજ થવા માંગતી નથી. અને ન કરે નારાયણ ને હું પથારી પકડું તો તારી દશા કેવી થાય એ વિચારે ધ્રજી ઊઠું છું. ”

“ મા તું મારી જનેતા છે. અને તું મારા માટે બોજ .. એવું તો સ્વપ્નમાં પણ હું વિચારી ના શકું!”

“ રમેશ, તું જે ધરતી પર જીવી રહ્યો છે ત્યાંની પરિસ્થિતિ જ એવી છે. કદાચ તું ભારતમાં રહેતો હોત તો તારા માથે આવેલા બોજને હળવો કરવાં આપણા સગાવહાલા તત્પર હોત. પણ પારકી ભૂમિ પર આપણું કોણ?”

“ મા, તું ખોટા ખ્યાલોમાં રાચે છે. ”

“ હકીકતને ક્યાં સુધી છૂપાવીશ બેટા? ત્યાં સમયનો અભાવ છે, અહીં પૈસાનો. પર્વત જેવા બોજાને અહીં સૌ ભેગા મળીને રાઈના દાણા જેવો કરી નાખે છે. પણ ત્યાં તો મૃત્યુ પામ્યા પછી શનિ રવિ સુધી રાહ જોવી પડે છે. બેટા આ સમય સવાલજવાબ કરવાનો નથી. આજની જરુરીયાત મુજબ જીવી લે. ગયેલો સમય પાછો આવતો નથી. હું એક મા છું,એક પત્ની છું અને એક સ્રી છું. કોને કોની જરુર છે એ હું સારી રીતે સમજું છું. માટે મહેરબાની કરી મારું કહ્યું માન. તને હાથ જોડું છું. તારી ફરજ નિભાવ અને હસતાં હસતાં અંકિતા પાસે જા. આમેય દીકરી પરણે એટલે સાસરે જાય અને દીકરો પરદેશ. મારી ચિંતા તું લગારે ના કરજે. ”

“ ડેડી તમે મારી મોમનું સુખ છો અને દાદીનું સુખ એમનો પૌત્ર” કહી કશ્યપ રમેશને વળગી પડ્યો. અને હંસાબેન હસતે ચહેરે જોઈ રહ્યાં પોતાનું સુખ એટલે બાપ દીકરાનું મિલન...

સમાપ્ત

પ્રફુલ્લ આર શાહ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED