વેલેન્ટાઈન ડે અને મારી વ્યથા
શ્રદ્ધા વ્યાસ
ડીયર મારું પરમનેન્ટ ઓશીકું,
દર વર્ષની માફક આ વર્ષેનો મારો વેલેન્ટાઈન ડે કોરો ધાકોર નહિ જાય એવી આશા હતી જે પૂરી ન થઇ તેનો મને ખેદ છે. પણ ખેદથી વિશેષ કઈ થઇ શકે તેમ પણ ન હતું. બીકોઝ ઓફ ‘યે દુરીયા....’!! તો વિચાર્યું કે કૈક તો અલગ કરી શકાય. ઘણું વિચાર્યું પણ મારા મગજમાં અભિવ્યક્તિની કોઈ સીધી સરળ અને કોસ્ટ ઈફેક્ટીવ વાત આવી જ નહિ એટલે લેટર લખવાનું વિચારી મેં મારી શોધ પર પૂર્ણવિરામ મુક્યું.
ટીવી-સીરીયલો અને ફિલ્મો જોઇને વેલન્ટાઈન ડે વિશેની સમજણ પડવાની શરુ થઇ હતી અને નાની હતી ત્યારથી એવી રોમેન્ટિક ક્ષણોની મેઘની જેમ રાહ જોતી. કોલેજમાં આવી પછી એ ઈચ્છા વધુ પ્રબળ થઇ હતી. કોલેજનું ડેકોરેશન- રંગબેરંગી ફુગ્ગાઓ એમાં પણ લાલ કલરના ફુગ્ગા અને ફૂલો ખાસ આકર્ષણ જમાવતા. સ્પેશિયલ ડ્રેસ કોડમાં આવેલા ગર્લ ફ્રેન્ડ-બોયફ્રેન્ડની જોડીઓ અને એ લોકો માટે જાત-જાતના રેપરમાં પેક થઈને આવતી ગીફ્ટસ. આંખોને જોવું ગમતું. પણ મેં ક્યારેય વેલન્ટાઈન ડે સેલીબ્રેટ કર્યો ન હતો. અરે ના... એવું ન કહી શકાય અમે પણ વેલન્ટાઈન ડે સેલીબ્રેટ કરતા પણ એ ફક્ત હોસ્ટેલની ગર્લ્સ પુરતું સીમિત રહેતું.. જેમાં ક્યારેય કોઈ પણ રાજકુમારને એન્ટ્રી મળતી નહિ. પરિણામે મારી એ અભિલાષા કોલેજ ટાઈમમાં પૂરી ન થઇ શકી.
કોલેજમાં આવ્યા પછી થોડા ઘણા અંશે મને વેલેન્ટાઈનની સમજણ પણ પડવા લાગી જ હતી અને આથી જ કોલેજમાં કોઈ સાથે મેળ પડ્યો નહિ એવું કહી શકાય. કોલેજ પછી તો હું જોબ પર લાગી ગઈ અને વધુ પૈસા કેમ કમાવવા અને જીવનમાં આગળ-ને-આગળ કેમ વધવું તે એક માત્ર મારા જીવનનો ઉદેશ્ય રહ્યો. પરિણામે વેલેન્ટાઇન, પ્રેમ, લગ્ન, સંસાર વગેરે જેવા શબ્દો મને કોઈ એલિયન જેવા ભાસતા. હું સેલેરી અને પ્રમોશનનો દોડમાં ડેટ, રોમાન્સ અને રોમિંગ જેવા શબ્દોને તુચ્છ ગણવા લાગી હતી. મારું જીવન માત્ર મિત્રો, કલીગ્સ અને પરિવાર પુરતું સીમિત હતું. સ્વાર્થી બની ગઈ હોવા છતાં માત્ર મારો સ્વાર્થ એટલે કે મારો પ્રેમ, મારો વેલેન્ટાઈન મને ક્યારેય દેખાતો જ નહિ. કદાચ તેનું એક કારણ નિયતિ પણ હોઈ શકે.
હા, ચોક્કસ પણે ઘણા પ્રપોઝલ આવતા (ન આવતા હોય તો પણ એવું જ કહેવું પડે જેથી માર્કેટ વેલ્યુ નીચી ન થાય!!) પણ એ પ્રપોઝલમાં કોઈ ઠેકાણા ન હતા, આમ પણ મરીઝે કહ્યું છે તેમ:
હા લીધો હતો મેં જનમ સૌને પ્રેમ કરવા માટે
પણ વચમાં તમે જરાક વધારે ગમી ગયા.
તો બસ આ અલ્પવિરામ અને પૂર્ણવિરામની વચ્ચે જ તું મને ગમી ગયો અને મને મારો વેલ્ટાઈન મળી ગયો.
મમ્મી-પપ્પાના ભરપુર આગ્રહ પછી પણ હું લગ્ન માટેના અસમંજસમાં હતી. તને મળવું એ ફક્ત એક ફોર્માર્લિટી જ હતી મારા માટે તો, પણ નિયતિ એ કૈક અલગ ધારેલું અને ખબર નહિ કેમ તને બીજી વાર મળવા મેં હા પાડી. મને હતું કે લગ્ન માટે થોડી હા પાડી રહી છું માત્ર મળવા જઈ રહી છું. એ વખતની સ્થિતિ હું વર્ણવું તો,
મારામાં ખબર નહિ કેમ પણ એક અલગ જ પ્રકારનો કોન્ફીડન્સ હતો અને એક પોઝીટીવીટીથી હું ભરપુર હતી. મજાની વાત એ હતી કે તું નર્વસ હતો. મને લાગ્યું કે પહેલી મીટીંગની જેમ આ મીટીંગમાં પણ આપણે ખાસ વાત નહિ કરીએ પણ માત્ર સાથે બેસીશું.
પહેલી મીટીંગ તો ખતરનાક રહી..નહિ?! જયારે આપણે વાત કરીને બહાર નીકળ્યા ત્યારે ખબર પડી કે આપણે બંનેએ અડધી કલાક સુધી વાત કરી હતી અને કઈ રીતે? મૌન રહીને.... હા..હા..હા મારા માટે મારા ઘરના લોકોને એ મીટીંગ એક્સપ્લેન કરવી એ ખુબ કઠિનાઈ ભર્યું રહ્યું. અને બીજી મીટીંગ એવી ન થાય તે માટે હું ખુબ સભાન હતી.
આજે તારો ચહેરો જોઉં છું તો તું એ મીટીંગ કરતા કોઈ બીજો જ લાગે છે. મને હંમેશા એવું લાગે કે જેને હું પહેલી વખત મળી એ હતો કોઈ નાનો એવો બાળક, અતિ શરમાળ પણ હસમુખો. બીજી વાર મળી એ હતો કોઈ રાજકોટનો વેપારી. પણ આજે આપણા આટલા સફર પછી તું મને માત્ર મારો લાગી રહ્યો છે. મીટીંગ વખતે આપેલા વિશેષણો ઘણા પાછળ રહી ગયા છે.
જો કે બીજી મીટીંગ વખતે મને તારી ઘણી વાતો ગમેલી જેમકે તારી મોટી શેઠની ખુરશી પર ન બેસતા મને આપવામાં આવેલી ખુરશી પર બેસવાનું તે પસંદ કર્યું, આપણી મીટીંગ બાદ તે ક્યારેય મારી સામે એ નજરે ન જોયું અને એક સારું અને સંસ્કારી વલણ અપનાવ્યું.
બસ પછીની જે સ્ટોરી છે તેમાં ક્યાય એકવચન નથી, પછીની સ્ટોરીમાં હું અને તું આપણે બની ગયા. જો કે એમ કોઈ જાદુમંત્રથી આપણે બહુવચન બન્યા ન હતા. થોડો સમય તો બંનેએ લીધો હતો. આ “થોડો સમય” એટલે એ આપણી પહેલી સેલ્ફી, પહેલી ચેટ, તારો પ્રશ્ન, ‘મને ખરાબ તો નહિ લાગે ને’ વાળું તારું વલણ, સુરતની ટુર, આપણી ગોળધાણા પછીની પહેલી મુલાકાત અને લાગેલો તડકો, મારી સેન્ડવીચની બાઈટ, પહેલું સાથે જોયેલું મુવી, ગાંધીનગરની સફર, અને જુદા ન પડવાની મનમાં આશ, સાથે ન હોઈએ ત્યારે થતી મળવાની તલપ અને સાથે હોઈએ ત્યારે થતી મૂંઝવણ. મારો પહેલો લખેલો સોરી વાળો લેટર અને તારો ગુસ્સો, તારો ચિતાતુર અને માયાળુ સ્વભાવ અને મારું અલ્લડપણુ.
સાચું કહું તો તે જ મને પ્રેમ કરતા શીખવ્યું. મારું જીદ્દીપણુ, મારી પ્રેમ વિશેની ગેરમાન્યતાઓ પર તે દિગ્વિજય મેળવ્યો અને અંતે હું હારી, તારા પ્રેમના શરણને સ્વીકાર્યું. જો કે ત્યાં સુધીની સફર ખુબ લાંબી અને વિશિષ્ઠ રહી. આપણી વચ્ચે થતા વાર્તાલાપમાં ઘણી વખત ડીસપ્યુટ પણ થતા અને વિચારોના મતભેદના લીધે ઝગડાઓ પણ. મને યાદ છે તું હંમેશા બધું સમુસુતરું પાર ઉતરે પછી જ એ વાત પર ફૂલસ્ટોપ મુકતો. પરિણામે આપણા ઝગડાઓ લાંબા ચાલતા નહિ, અને આજે પણ નથી ચાલતા. મેં ક્યાંક વાચેલું કે પતિ-પત્ની વચ્ચે શરૂઆતના સમયમાં ઝગડાઓ થવા જરૂરી છે જેથી તે લોકો એકબીજાને સમજી શકે અને એક બીજાના વિચારોને અપનાવી શકે. પણ જો ઉલટું થાય મતલબ કે શરૂઆતના સમયમાં બંને એકબીજાની દરેક વાતમાં હા પુરાવે તો આગળ જતા બંને વચ્ચે મનભેદ થઇ શકે છે જેનું પરિણામ આવે છે કાયમી ઝગડાઓ.
થેંક ગોડ કે આપણે બંને એ દેખાડો કરવામાં માનતા નથી અને જેવા છીએ તેવા જ એકબીજા સમક્ષ પ્રસ્તુત થઇએ છીએ. શરૂઆતના દિવસોમાં જયારે આપણે મળતા ત્યારે તું મને રોઝ આપતો આજે પણ આપે છે. પણ શરૂઆતમાં તને ખુબ ખરાબ લાગતું કે હું તારું આપેલ રોઝ સાચવતી નથી, આજે પણ કદાચ લાગે છે પણ આજે તું મને ઓળખે છે. અને હા મને એ પણ ખબર છે કે મારું આપેલું રોઝ તે તારી ડાયરીમાં સાચવેલું છે.
અરે, ડાયરી પરથી યાદ આવ્યું, મેં તને સુચન કરેલું યાદ છે? કે આપણે બંને એકબીજાની વાતોને ડાયરીમાં લખીશું અને ભવિષ્યમાં જો કોઈ પ્રોબ્લેમ થશે તો આજે કરેલા તમામ પ્રોમિસ હું તને એ દિવસે બતાવીશ અને તારા પ્રેમને રિકોલ કરાવીશ. હાહાહા.... અને પછી તું મને રોજ પૂછાતો કે તે ડાયરી લખી અને હું હંમેશા મારી આળસના લીધે લખતી નહિ અને મેં જે કઈ લખીને આપ્યું છે તે બધું જ તે સાચવીને રાખ્યું છે એ પણ મને ખબર છે.
હંમેશાથી તારા માટે દરેક નાની વાત એ પ્રેમને અભિવ્યક્ત કરવાની રીત રહી છે. જેમકે રોઝ, ડાયરી, ફોટોસ, મેં આપેલી દરેક ગીફ્ટ, મુવીની ટીકીટ, આઈસ્ક્રીમનો કપ અને પહેલું કહેલું I LOVE YOU. અને મારા માટે “પ્રેમ એટલે તું”. હા, મને ખબર છે આ લાઈન તારી છે પણ એવું ઘણું છે જે તે મારું ચોરેલું છે. તો તું એક લાઈન ઉધાર તો આપી જ શકે.
બસ હવે. આપણી વાતો શબ્દોમાં સીમિત નહિ રહી શકે. આથી જ આ લેટરને અહી વિરમું છું.. રહી વાત વેલેન્ટાઈન ડેની તો હજુ તો આપણી ઝીંદગીનો એક જ વેલન્ટાઈન ગયો છે એટલે કે હજુ તો આ જન્મના કેટલાય વેલન્ટાઈન અને આવનારા ૭ (મીનીમમ ૭) જન્મના વેલેન્ટાઇન ડે બાકી જ છે. બસ તો બીજું શું જોઈએ? ગમતાનો કરીએ ગુલાલ.
-તારી ડાયરી.