Featured Books
શ્રેણી
શેયર કરો

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 7

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’

પ્રકરણ - 7

પ્રશાંત દયાળ

કોને ખબર હતી કે પોતાના જ ચહેરો ફેરવી લેશે

અમદાવાદની જેમ વડોદરામાં પણ તોફાનો ફાટી નીકળ્યા હતા. પોલીસને સતત મદદ માટે ફોન આવતા હતા પણ પોલીસ પહોંચી વળતી નહોતી. અમદાવાદની જેમ વડોદરા માટે પણ કોમી તોફાનો કંઈ નવી ઘટના નથી, છતાં જે રીતે બનાવો બની રહ્યા હતા તેના કારણે વડોદરા પોલીસ પણ હતપ્રભ હતી. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ડભોઈરોડ પાસે હનુમાન ટેકરી વિસ્તાર છે. આમ તો આ ગરીબ વિસ્તાર છે, જ્યાં હિંદુ-મુસ્લિમ સાથે રહે છે પણ હિન્દુઓના ઘર વધારે છે. ગોધરાકાંડ બાદ અહીંયા ટોળા એકઠા થતા હતાં પણ પોલીસ તેમને વિખેરી નાખતી હતી. તા. ૨૮મીના રોજ બંધનું એલાન હતું ત્યારે વિસ્તારમાં તનાવ હતો પણ કંઈ બનાવ બન્યો નહોતો. તે દિવસે અમદાવાદના નરોડા અને મેઘાનીનગરમાં મોટી ખુવારી થઈ હતી. તેવી જ રીતે પંચમહાલ અને મહેસાણામાં પણ બનાવો બન્યા હતા. તેના પ્રમાણમાં વડોદરા શાંત હોવાથી પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો. તા. ૧લી માર્ચના રોજ સવારે હનુમાન રેકરી પાસે ટોળા હતાં એટલે પોલીસ આવી હતી એટલે ટોળા જતા રહ્યા હતાં. ટેકરી પાસે બેસ્ટ બેકરી આવેલી હતી, જેના માલિક હબીબુલ્લા શેખનું થોડા સમય પેહલા હ્રદયરોગના કારણે અવસાન થયું હતું. એટલે તેના દીકરાઓ અને પરિવારના અન્ય અભ્યો બેકરી ચલાવતા હતા. તેમને આજુબાજુના હિંદુઓ સાથે પણ સારો સંબંધ હતો.પેહલી તારીખે ટોળા આવ્યા પણ જતા રેહતા શાંતિ હતી, પરંતુ સાંજ પડતા ફરી ટોળાઓ ત્યાં આવવા લાગ્યા હતાં. તે ટોળા બેસ્ટ બેકરીને નિશાન બનાવવા આવ્યા હોય તે નક્કી હતું, કારણકે તે પૂરતી તૈયારીઓ સાથે આવ્યા હતાં.

તેમની પાસે ઘાતક હથીયારો હતાં અને જવલનશીલ પ્રવાહી પણ હતું. હિંદુઓ ટોળું ચિચિયારીઓ પાડતું આવ્યું તેના કારણે બેસ્ટ બેકરીની અંદર રેહતા મુસ્લિમોએ અંદરથી દરવાજો બંધ કરી લીધો હતો, તેમજ ઘરના મહિલા સભ્યો ઉપરના માળે જતા રહ્યા હતા. ટોળાએ પેહલા તો દરવાજો તોડવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં સફળતા ન મળતા તેના ઉપર જવલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપવાની શરૂઆત કરી અને તેમાં તેઓ સફળ રહ્યા. થોડી વારમાં આગની જવાળાએ બેકરીને ઘેરી લીધી હતી. ચારે બાજુ આગ લાગતાં અંદર રહેલા સ્ત્રી-પુરુષો અને બાળકો મદદ માટે બૂમો પડતા રહ્યા પણ કોઈ તેમની મદદે આવ્યું નહીં. આજુબાજુ રહેતા લોકો તો હથિયારબંધ ટોળા સામે મદદ માટે આવી શકે તેમ નહોતા પણ બે દિવસથી આ વિસ્તારમાં ચક્કર મારતી પોલીસ પણ આવી નહી અને આખી રાત ટોળાએ પોતાનો આતંક મચાવ્યો. પોલીસ તો આવી પણ ત્યારે સવાર પડી ગઈ હતી. હવે પોલીસ માટે ખાસ કરવાનું નહોતું, કારણ કે ચાર બાળકો-ત્રણ સ્ત્રીઓ સહીત ૧૪ લોકો માર્યા ગયા હતાં. જો કે માર્યા ગયા લોકોમાં બેકરીમાં કામ કરતા ઉતર પ્રદેશના ત્રણ હિંદુ મજૂરો પણ હતા, પરંતુ ટોળાએ તેમને પણ મુસ્લિમ માની ફૂંકી માર્યા હતા. જે બચી ગયા તેમાં બેકરીના માલિકની દીકરી ઝહીરા શેખ અને તેની માતા હતા. તેમને પલીસે સારવાર માટે હોસ્પિટલ ખસેડયા અને ત્યાર બાદ તેમની ફરિયાદ લીધી હતી. જેમાં ઝાહીરાએ ૨૧ આરોપીઓનાં નામ પોલીસને આપ્યા હતાં, જેમની પોલીસે તબ્બકાબાર ધરપકડ પણ કરી હતી. જયારે આ તમામ આરોપીઓ સામેનો કેસ વડોદરાની ફાસ્ટટ્રેક કોર્ટના જજ એચ.યુ.મહિડાની કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો ત્યારે બનાવને નજરે જોનારી ઝાહીરા શેખે કોર્ટમાં પોલીસ સામે આપેલું નિવેદન ફેરવી તોળ્યું હતું. તેને કોર્ટને જણાવ્યું હતું કે તે દિવસે અંધારું હોવાના કારણે તેણે કોઈ આરોપીને જોયા જ નથી, જેના કારણે જજ મહિડાએ તમામ આરોપીઓને છોડી મુક્યા હતા.

બેસ્ટ બેકરી કેસના તમામ આરોપી છૂટી જતા બહુ મોટો હોબાળો મચી જવા પામ્યો હતો. આ વખતે ઝાહિરાની મદદે સામાજિક કાર્યકર તિશ્તા શેતલવાડ આવ્યાં હતાં અને તિશ્તાની મદદ મળતાં ઝાહીરાએ એવો આક્ષેપ કર્યો કે તેને ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ધમકી આપતા તેને પોતાનું નિવેદન બદલવાની ફરજ પડી હતી. આ મામલો એટલો બધો ચગ્યો કે સુપ્રીમ કોર્ટમાં તેની ફરિયાદ થઈ હતી. જેના કારણે ખુદ ગુજરાત સરકાર આરોપીના પાંજરામાં આવી ગઈ હતી. આ કેસનો આખી દુનિયામાં એવો પ્રચાર થયો કે ગુજરાત સરકારની બેદરકારીને કારણે ઝાહીરાના કેસમાં તમામ આરોપીઓ છૂટી ગયા હતા. ભારતની કોર્ટના ઈતિહાસમાં પહેલી વખત આવું બન્યું હતું કે કોર્ટના કાર્યક્ષેત્ર બહારનો કેસ અન્ય કોર્ટને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતને લાગ્યું હતું કે વડોદરાની કોર્ટમાં કંઈ બરાબર થયું નથી, તેમજ આ કેસ ગુજરાતની અન્ય કોઈ કોર્ટમાં ચાલે તો પણ યોગ્ય પરિણામ આવવાની શક્યતા નથી. તેના કારણે પક્ષકારોને સાંભળ્યા બાદ બેસ્ટ બેકરીનો કેસ ફરી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે પણ ગુજરાતને બદલે મુંબઈમાં. તે પ્રમાણે મુંબઈમાં તેનો કેસ ફરી ચલાવવામાં આવ્યો. જો કે આ ઘટનામાં એક પછી એક વળાંકો આવતા આ કેસ મુંબઈમાં ચાલતો હતો તે દરમિયાન ઝાહીરા પોલીસ સુરક્ષા નીચે પ્રેસ સામે આવી હતી. તેણે એવી ફરિયાદ કરી હતી કે, તેને સામાજિક કાર્યકર તિશ્તા શેતલવાડે ગોંધી રાખી હતી અને તેણે તેના દબાણ નીચે ખોટા નિવેદનો કર્યા હતાં. એટલે સુધી કે તેણે તોફાનો અંગે તપાસ ચલાવી રહેલા તપાસપંચ સામે આવીને પણ એવી નિવેદન આપ્યું હતું કે અગાઉ તેણે તપાસપંચ સામે જે સોગંધનામું કર્યું તે તેની જાણ બહાર કરવા આવ્યું હતું. જેમાં માત્ર તેની સહી છે, તેની અંદરના નિવેદન અંગે તે કંઈ જાણતી નથી. આમ કોણ સાચું છે અને કોણ ખોટું તે કહેવું મુશ્કેલ છે, કારણ કે ઝાહીરાએ તેના નિવેદનો વારંવાર બદલ્યા છે. બેસ્ટ બેકરીની ઘટના થી લઈને મુંબઈ કોર્ટમાં કેસ શરૂ થયો તે સમયગાળો અનેક મહીના કરતા લાંબો છે, છતાં વાચકને વાત સમજ્યા તેના કારણે આ ઘટના એક સાથે રજૂ કરી દીધી છે.

હવે પાછા આપણે અમદાવાદની વાત ઉપર આવીએ, કારણ કે મારો રિપોર્ટિંગનો મોટો સમયગાળો અમદાવાદમાં પસાર થયો હતો. તોફાનો ભયંકર હોવાને કારણે રિપોર્ટરો એકલા નીકળે તે હિતાવહ નહોતું. તેના કારણે અમે ચાર-પાંચ રિપોર્ટરો સાથે નીકળતા હતા, જેમાં કેતન ત્રિવેદી પણ હતા. તે ત્યારે ગુજરાત સમાચારમાં હતા. કેતન અને મેં કેરિયરની શરૂઆત સાથે કરી હતી. હું જર્નાલીઝમ કરી સંભવ જોડાયો અને કેતન ગુજરાત ટાઈમ્સમાં હતો. તે દિવસે અમે સાથે હતાં. જો કે હવે તો કેતન ન્યુઝીલેન્ડમાં છે. તેવી જ રીતે આશિષ અમીન પણ મારા સમવયસ્ક હોવાને કારણે સારી મિત્રતા. જો કે તેવી રીતે અતુલ દાયાણી ઉંમર અને કરિયરમાં મારા કરતા જુનિયર હોવા છતાં તેની સાથે સારું બનતું. રાજીવ પાઠક સાથે તે વખતે મારે એટલો નજીકનો પરિચય નહોતો, છતાં મને લાગે છે કે દિવસો સુધી સાથે કામ કર્યા પછી હું તેને સારી રીતે ઓળખી શક્યો હતો. અમારી બધાની સાથે અમારા વડીલ મિત્ર મુકુંદ પંડયા હતા. તે મુંબઈથી પ્રસિધ્ધ થતા મિડ ડેમાં ફરજ બજાવતા હતા. હું, રાજીવ અને મુકુંદ પંડયાને બાદ કરતા તમામ ડેઈલી અખબારમાં હતા. તેના કારણે સાંજ પડે એટલે આશિષ, અતુલ અને કેતન પોતાની નોકરીના સ્થળે જતા રહેતા હતા. અમે ત્રણેય મોડી સાંજ સુધી ખાનપુરમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલયની નીચે બેસતા હતા, જ્યાં રોજ ગીચ ટ્રાફિક રહેતો હતો. તે વિસ્તાર દિવસો સુધી કર્ફ્યુંમાં કેદ થયેલો હતો, જેના કારણે તે રસ્તામાં બંદોબસ્ત મુકવામાં આવેલા પોલીસવાળા અને અમરા સિવાય કોઈ નહોતું. અમે ત્રણેય શહેર અંગે ચર્ચા કરતા હતા અને અમે ત્રણેય માનતા હતા કે જે રીતે ગોધરાનો જવાબ નિર્દોષ મુસ્લિમો પાસેથી લેવામાં આવ્યો તે ખોટું હતું. અમે કેટલીક વખત પોલીસ કમિશનર કચેરીમાં જનસંપર્ક અધિકારી અશ્વિન જાનીની ચેમ્બરમાં પણ બેસતા હતા. અશ્વિન જાની મારી અને રાજીવ કરતા મોટી ઉંમરના હોવા છતાં વૈચારિક રીતે અમે સારા મિત્રો હતા. તે પણ માનતા હતા કે જે રીતે મુસ્લિમોને રહેંસી નાખવામાં આવ્યા તે યોગ્ય નહોતું. અશ્વિન જાનીની બીજી એક ખાસ વાત કે તેઓ નાસ્તિક હતા. મેં અનેક સરકારી પી. આર. ઓ. જોયા પણ તેમાં અશ્વિન જાની એટલા માટે જુદા પડતા હતા કે તેમણે કોઈ પત્રકારને એવું નહોતું કહ્યું કે તમે પોલીસની વિરુદ્ધમાં ના લખતા. તેમણે કાયમ માણસ સામે થતા અન્યાયની વાત લખવાની પત્રકારોને સલાહ આપી હતી, તે પછી પોલીસ સામેની હોઈ તો પણ એમા શક્ય એટલી મદદ કરી હતી. અમે જયારે વાત કરતા કે હિંદુઓ એ ખોટું કર્યું છે ત્યારે મારા મનમાં એક પ્રશ્ન થતો કે જે રીતે કેટલાક હિન્દુઓ વિચારે છે કે તેમના સાથીઓએ ખોટું કર્યું તે રીતે ક્યારેય મુસ્લિમો પણ ચર્ચા કરતા હશે કે ગોધરાકાંડ કરનાર મુસ્લિમોએ ખોટું કર્યું હતું, કારણ કે ક્યારેય મેં મારા મુસ્લિમ મિત્રોને ગોધરાકાંડ બાબતે નીંદા કરતા સાંભળ્યા નથી. આવું કેમ ? શિક્ષિત મુસ્લિમો પણ પોતાને ખોટા કહેતા કેમ ડરે છે તેની મને સમજ પડી નથી અને મને તેનું આશ્ચર્ય પણ છે. મેં આ અંગે જયારે મારા વડીલ મિત્ર આઈ. જી. પી. આઈ. સૈયદ સાથે વાત કરી ત્યારે તેમનું કહેવું હતું કે મુસ્લિમોમાં શિક્ષણનો અભાવ છે તે મોટી કમનસીબી છે. જેના કારણે તે પોતાની રીતે કંઈ વિચારી શકતા નથી, તેમજ પૂરા સમાજ ઉપર જેની પકડ હોય તેવો કોઈ નેતા નથી. બધા જ મુસ્લિમો ખરાબ નથી પણ જે સારા છે તેમને પોતાની કોમનો ડર લાગતો હોવાથી તે જે માને છે તેવું બોલી શકતા નથી. તોફાનોના દિવસોમાં હું રાજીવ અને મુકુંદભાઈ દિવસો સુધી કાનપુર ચોકમાં બેસી રહેતા હતાં. મને તે દિવસની બપોર હજી પણ યાદ છે. કર્ફ્યું ઘણા દિવસો સુધી રહ્યો હોવાથી ઘરમાં રહેલું ધાન ખૂટી પડયું હતું. અમે પોલીસ અને એસ. આર. પી. ની બાજુમાં બેઠાં હતા તે વખતે દૂરથી એક મહિલા હાથમાં થેલી લઈને આવી રહી હતી. તેના પહેરવેશ ઉપરથી તે મુસ્લિમ હોય તેવું લાગતું હતું. કર્ફ્યું હોવા છતાં તેને રસ્તા વચ્ચે ચાલતી જોઈ અમને અને પોલીસને આશ્રય થયું હતું. એસ. આર. પી. જવાને તે મહિલાને જોઈ હાથમાં લાકડી લીધી અને લાકડીના ઈશારે બૂમ પાડી પેલી મહિલાને પછી જવા માટે સૂચના આપી, પરંતુ તે સૂચનાની મહિલા ઉપર કોઈ અસર થઈ નહીં. તે તેની ઝડપે ચાલતી રહી. આ જોઈ જવાનનો ગુસ્સો વધ્યો અને તે હાથમાં લાકડી લઈ ઉભો થયો. તેણે મહિલાને લાકડી ફટકારવાનો નિર્ણય લીધો અને તે માટે લાકડી ઉગામી પણ ખરી. ત્યાં સુધી તે મહિલા બરાબર પોલીસવાળા સામે આવી ગઈ, છતાં પોલીસે ઉગામેલી લાકડીની તેના પર કોઈ અસર પડી નહી. તેણે પોલીસ સામે આવતા જ કહ્યું, ‘સાબ જીતના મરના હૈ માર લો, ઘરમે ચાર દિન સે ખાને કો કુછ નહીં હૈ, બચ્ચે રો રહે હૈ, બચ્ચે કે લિયે ટોસ્ટ લેને નીકલી હૂં.’ આ વાક્ય પૂરું થાય ત્યાં સુધી પોલીસે ઉગામેલી લાકડી નીચી થઈ ગઈ હતી. તેણે મહિલાને સૂચના આપી, ‘જલદી યહાં સે નીકલો. હમારે સાબ આ જાયેંગે.’ આવી સ્થિતિ હજારો ઘરોમાં હતી. જેમના ઘર અને પરિવારના સભ્યો સલામત હતા પણ કર્ફ્યુંને કારણે તેમના ઘરમાં અન્નનો દાણો નહોતો, કારણ કે તે બધા રોજનું કમાઈ રોજ ખાવા વાળા હતા. નદીપારના નવરંગપુરા, નારણપુરા અને સેટેલાઈટ જેવા વિસ્તારમાં હિંદુઓ ટેમ્પોમાં અનાજ અને કપડા ઉઘરાવવા નીકળતા હતા. તે પોતાના હિંદુ બાંધવોને મદદ કરવાની વાત કરતા હતા. જો કે તેવી જ રીતે મુસ્લિમ વિસ્તારમાં પણ માત્ર મુસ્લિમો માટે ઉઘરાણા થતા હતાં. તેમના મનમાં હિંદુ અસરગ્રસ્ત માટે વેદના હતી. ગોધરાકાંડ અને ત્યારપછીના તોફાનોને કારણે જે નુકસાન થયું હતું તેના કરતા વધારે લોકોના માનસને નુકસાન થયું હતું, કારણ કે શહેરના તમામ હિંદુ-મુસ્લિમના ઘરમાં તોફાનની ચર્ચા થતી હતી. જેમાં સાચા કરતા સાંભળેલો વાતો વધુ હતી. જ્યારે માં-બાપ ચર્ચા કરતા હોય ત્યારે તેમના બાળકોના તેમની વાતો ધ્યાનથી સાંભળતા હતા, તેના કારણે તેમના મનમાં જે ચિત્ર ઊભું થતું હતું તે ખુબ ખરાબ હતું. જ્યાં હિંદુ-મુસ્લિમ ઘરો નજીક હતા ત્યાં રોજ સાંજ પડે એવી અફવાઓ આવતી હતી કે આજે રાત્રે સામે વાળા હુમલો કરવાના છે. તેના કારણે બંને તરફ રાત્રે લોકો જાગતા હતાં. જેમાં કોઈ સામાન્ય કાંકરીચાળો કરે તેમાં તોફાન શરૂ થઈ જતું હતું. તેમાં પણ ખાસ અમદાવાદના જુહાપુરા અને વેજલપુરમાં રોજ આવું બનતું હતું. બંને તરફ નજરો રાખવા માટે ફલડ લાઈટો ગોઠવવામાં આવતી હતી. મેં કેટલાક નેતાઓને જોયા હતા જેઓ આ વિસ્તારમાં રિવોલ્વર સાથે ફરતા હતા અને પાછળથી તે મંત્રી પણ બન્યા હતા. આ વિસ્તારમાં લોકો પોતાના લોકોને એકત્ર કરવા માટે થાળીઓ વગાડતા હતા. આ બધાના કારણે નાના બાળકો ડરી જતા હતાં. હું તો નારણપુરા વિસ્તારમાં રહેતો હતો. ત્યાં કોઈ મુસ્લિમ વસ્તી નથી, છતાં એક દિવસ સ્કૂલેથી આવેલા મારા સાત વર્ષના પુત્ર આકાશે મને જયારે કહ્યું કે, ‘આજે મુસ્લિમો આપણા ઉપર હુમલો કરવાના છે.’ ત્યારે તેની વાત સાંભળીને મને આધાત લાગ્યો હતો, કારણ કે હું નહોતો ઈચ્છતો કે મારો દીકરો ધર્મની વાતોમાં સંકુચિત થઈ જાય. તેના કારણે મેં તેને પૂછ્યું ‘તને કોણે કહ્યું ?’ તે થોડી વાર મને જોઈ રહ્યો. તેને ખબર પડી કે મને તેની વાત પસંદ પડી નથી એટલે તેણે ધીરે રહીને કહ્યું, ‘મારી સ્કૂલના છોકરાઓ વાત કરતા હતા.’ મને તેની વાત સાંભળીને ચિંતા થઈ. તેનો અર્થ અર્થ તમામ હિંદુ બાળકો મુસ્લિમ બાળકોને ધિક્કારતાં હશે અને તમામ મુસ્લિમ બાળકો પણ હિન્દુને દુશ્મન ગણતા હશે. હું નહોતો ઈચ્છતો કે મારો આકાશ કોઈને પણ કારણ વગર દુશ્મન સમજે એટલે મેં તેના મનમાં શું છે તે જાણવા શાંતિથી પૂછ્યું, ‘તે મુસ્લિમને જોયા છે ? તેને વિચાર કરીને કહ્યું, ‘ના’. ખરેખર તે મારા એક મુસ્લિમ મિત્રને ઓળખતો હતો. તે નાનો હતો ત્યારે હું તેને સરદાર પટેલ સ્વિમિંગ પુલ ઉપર લઈ જતો હતો. ત્યાં કોચ તરીકે ફરજ બજાવતા અમીરમિયાં શેખ મારા મિત્ર હોવાને કારણે તેને હું નિયમિત મળતો હતો. ત્યારે મારી સાથે આકાશ પણ આવતો હતો. તે અમીરમિયાં સાથે ખુબ રમતો પણ તેને અમીરમિયાં મુસ્લિમ છે તેવું લાગ્યું નહોતું. તેના કારણે તેણે મને મુસ્લિમને ઓળખતો હોવાનો ઈનકાર કર્યો હતો. મેં તેને બીજો પ્રશ્ન પૂછ્યો, ‘તને ખબે છે મુસ્લિમો કેવા હોય છે ?’ તેણે બહુ ભારપૂર્વક કહ્યું, ‘હા’. મેં પૂછ્યું, ‘કેવા હોય છે ?’ તેને આંખો મોટી કરતા કહ્યું, ‘એકદમ ખતરનાક.

મને લાગ્યું કે મારે તેની ચાપ ભૂંસવી જોઈએ. તે દિવસે પણ શેરમાં કર્ફ્યું હતો. મેં આકાશને કહ્યું, ‘ચાલ મુસ્લિમો બતાવું.’ એમ કહી મેં તેને મારા મોટરસાઈકલ ઉપર બેસાડયો. તે જોઈ મારી પત્ની શિવાનીને થોડી ચિંતા પણ થઈ, કારણ કે શહેરનો માહોલ સારો ન હોવા છતાં હું આકાશને લઈ ખાનપુર આવ્યો હતો. જ્યાં તોફાનમાં જેમનું બધું તબાહ થઈ ગયું હતું તેમના માટે મારા મિત્ર રફિક ખાક્સાર દ્વારા એક રાહતકેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. હું તેને રાહતકેમ્પમાં લઈ ગયો અને ત્યાં આવેલા લોકો બતાવી કહ્યું, ‘જો આ બધા મુસ્લિમ છે.’ મને આજે પણ ખબર નથી કે તે મારી વાત સાથે સંમત થયો હતો કે નહીં.

મેં મારી અગાઉની વાતમાં પોલીસ કમિશનરના જે જનસંપર્ક અધિકારી અશ્વિન જાનીનો ઉલ્લેખ કર્યો તેમના પરિવારના તમામ ભાઈઓએ કાયમ માટે નવી દિશામાં વિચારવાનું રાખ્યું છે. અશ્વિનભાઈના મોટા ભાઈ અચ્યુત, જે પોતાની અટક યાજ્ઞિક લખાવે છે તેમણે પત્રકાર તરીકેની નોકરી છોડી પોતાની એક સંસ્થા શરૂ કરી હતી. તેવી જ રીતે મનીષી જાનીનું નામ ગુજરાત માટે અજાણ્યું નથી. તેમણે નવનિર્માણ આંદોલન દ્વારા યુવાનોની તાકાતથી લોકોને માહિતગાર કર્યા હતા. તેમાં અશ્વિન જાની સરકારી માણસ પણ તેમનો વ્યવહાર ક્યારેય સરકારી રહ્યો નથી. પોલીસખાતાની બરછટ નોકરી છતાં અન્યને મદદ કરવાનો તેમનો સ્વભાવ રહ્યો હતો. હમણાં હું તેમના માટે ચોક્કસ કારણોસર વાત કરી રહ્યો છું. અશ્વિન જાનીનો એક દીકરો, જેનું નામ ચિંતન. આમ તો તેણે એલ. એલ. બી. કર્યા પછી પોતાના પિતરાઈ ભાઈ આનંદ યાજ્ઞિક સાથે વકીલાત શરૂ કરી હતી. ચિંતન સ્વભાવે તોફાની હોવાને કારણે અનેક વખત અશ્વિન ભાઈ મને ચિંતનને ઠપકો આપવાનું સલાહ આપે, કારણ કે અમારા વચ્ચે મિત્રતા હતી. ચિંતન તોફાની હતો પણ તેણે ગોધરાકાંડ વખતે એક મોટું કામ કર્યું હતું તેના માટે તેને તેમજ તેના પૂરા પરિવારને સલામ કરવાની ઈચ્છા થાય છે અને તે હું રોકી શકતો નથી. ૨૮મી એ જે રીતે તોફાનો થયાં ત્યારની પરિસ્થિતિ પથ્થર હ્રદયના માણસને પણ ધ્રુજાવી જાય તેવી હતી. આ વખતે ચિંતનનો એક મિત્ર સાજીદ, તે એમ.એ.માં અભ્યાસ કરતો હતો. આમ તો મૂળ લીમડીનો પણ પરિક્ષા હોવાને કારણે અમદાવાદના જુહાપુરામાં રોકાયો હતો. શહેરમાં તોફાનો શરૂ થયાં ત્યારબાદ જુહાપુરામાં સાજીદ જ્યાં રોકાયો હતો બરાબર તેની સામે જ રસ્તા ઉપર કેટલાક મુસ્લિમ યુવાનોએ ઊંટલારી લઈ જતાં એક ગરીબ હિન્દુને મારી નાખ્યો હતો. આ દ્રશ્ય જોઈ સાજીદ ડરી ગયો હતો. તેણે તરત ચિંતનને ફોન કર્યો, કારણ કે તે જુહાપુરામાં રહેવા માગતો નહોતો. ચિંતને શાંતિથી સાજીદને ફોન ઉપર સાંભળ્યો. સાજીદને જુહાપુરામાંથી તો બહાર લઈ આવે પણ તેને રાખવો ક્યાં તે એક સમસ્યા હતી. ચિંતને તેના પપ્પા સાથે વાત કરી અને તેમણે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર કહ્યું, ‘સાજીદ આપણી સાથે રહેશે.’ આ નિર્ણય બહૂ હિંમતવાળી વ્યક્તિ લઈ શકે, કારણ કે અશ્વિન ભાઈ નારણપુરા, અખબારમાં રહેતા હતાં. આ વિસ્તાર ચુસ્ત હિંદુ વિસ્તાર હતો. જેની આજુબાજુમાં ઘણા કિલોમીટર સુધી કોઈ મુસ્લિમ વસ્તી નહોતી, છતાં તેમણે ચિંતનને કહ્યું કે સાજીદને લઈ આવ. જો કે ચિંતન માટે પણ જુહાપુરામાં જવું સલામતીભર્યું નહોતું. તેથી તેણે સાજીદને થોડે દૂર સુધી ચાલતા આવવાની સૂચના આપી હતી અને ત્યાં ચિંતન મોટરસાઈકલ લઈને પહોંચી ગયો હતો. આ બંને વચ્ચેનું અંતર લગભગ બાર કિલોમીટર જેટલું હશે અને તમામ રસ્તા હિંદુ વસ્તીમાંથી પસાર થતા હતા, છતાં ચિંતન સાજીદને પોતાના મોટરસાઈકલ ઉપર ટોળાની વચ્ચે થઈ અખબારનગરમાં લઈ આવ્યો હતો.

હવે અખબારનગરમાં કોઈ મુસ્લિમને રાખવામાં આવ્યો છે તેની આજુબાજુમાં ખબર પડે તો જોખમ ઊભું થાય તેમ હતું, છતાં કોઈ પણ ચિંતા કર્યા વગર સાજીદને પોતાના ઘરમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે ચિંતને આ અંગે પોતાના નજીક ગણાતા મિત્રોને આ અંગેની જાણકારી આપી હતી, કારણ કે ના કરે નારાયણ અને હિન્દુઓને સાજીદ અંગે ખબર પડે તો તેઓ હુમલો કરવા આવે ત્યારે મદદ માટે કોઈ જોઈએ તે ઈરાદે ચિંતને તેના મિત્રોને સાજીદ અંગે માહિતગાર કર્યા હતા. સાજીદની પરીક્ષા ઝેવિયર્સ કોલેજમાં હતી એટલે રોજ ચિંતન તેને પોતાના મોટરસાઈકલ ઉપર પરીક્ષા આપવા પણ લઈ જતો હતો. આમ પાંચ દિવસ સુધી સાજીદ એક હિન્દુના ઘરમાં સલામત રહ્યો અને તેનો વાળ પણ વાંકો થયો નહોતો. આ કોઈ મોટી ઘટના નથી પણ જયારે માણસ માણસના લોહીનો તરસ્યો થયો હતો ત્યારે આવા જૂજ સારા માણસોને કારણે આશા બંધાઈ હતી કે હજી પણ કંઇક સારું થશે. તોફાનોના તે દિવસને યાદ કરતા મને બરાબર યાદ છે કે મુસ્લિમને સળગાવવા માટે હિંદુઓ પાસે પેટ્રોલ ખૂટી જતા રસ્તા ઉપર પસાર થતા વાહનચાલકોને અટકાવી તેમની પાસે પેટ્રોલ કાઢવી લેતા હતા. આ એ જ હિંદુ-મુસ્લિમ હતા કે જેઓ ૨૦૦૧માં અમદાવાદમાં ભૂકંપ આવ્યો ત્યારે સાથે મળી હોનારતમાં કોમનો ભેદ જોયા વગર એકબીજાની મદદે દોડી આવ્યા હતા અને બરાબર એક જ વર્ષમાં એ જ લોકો એકબીજાનો ચહેરો જોતાં જ ભડકી ઊઠતા હતા. આવું કેમ તેનો જવાબ મળશે કે નહીં તેની મને ખબર નથી.