Featured Books
શ્રેણી
શેયર કરો

૯૧૬૬ અપ: આશિષ ને આસિફ બનાવી દેવામાં આવ્યો હતો

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’

પ્રકરણ - 11

પ્રશાંત દયાળ

આશિષ ને આસિફ બનાવી દેવામાં આવ્યો હતો

અમદાવાદ અને ગુજરાત ભડકે બળતું હતું. ક્યાંયથી કોઈ સારા સમાચાર મળતા નહોતા, છતાં પહેલી નજરે દુનિયા જેટલી ખરાબ લાગતી હતી એટલી ખરાબ નહોતી. શહેરના એક ખૂણામાં સારી વાતો પણ બનતી હતી પણ તેવી અનેક વાતો બહાર આવી નથી. પહેલા એવા તોફાનો હતા જેમાં પત્રકારોને પણ તેનો ધર્મ પૂછવામાં આવતો હતો. જેના કારણે પત્રકારોને પોતાની ફરજ બજાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકવો પડતો હતો. અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં પ્રસિદ્ધ થતું ગુજરાત ટુડે નામનું અખબાર હવે ગુજરાતના લોકો માટે અજાણ્યું નથી. આમ તો તેના ટ્રસ્ટી મુસ્લિમ હોવા છતાં કટ્ટરવાદી મુસ્લિમો અખબાર થી નારાજ રહેતા હતા, કારણકે મુસ્લિમોનું અખબાર હોવા છતાં મુસ્લિમોની વાચાને યોગ્ય સ્થાન મળતું નથી. સદનસીબે ગુજરાત ટુડે ને અઝીઝ ટંકારવી જેવા તંત્રી મળ્યા હોવાને કારણે ગુજરાત ટુડેએ પોતાની બિનસાંપ્રદાયિક છાપ જાળવી રાખી હતી. ટંકારવીસાહેબ કોઈ ધર્મનો માણસ નહોતો પણ તે સાહિત્યનો માણસ હતો એટલે તેને માણસની સંવેદના સમજાતી હતી. એટલે સાહિત્યની દુનિયામાં પણ ટંકારવી પોતાનું નામ લાગે છે. ગુજરાત ટુડેમાં મોટાભાગના કર્મચારી મુસ્લિમ હતા, પરંતુ જૂજ હિન્દુઓ પણ નોકરી કરતા હતા. તેમાં પત્રકાર આશિષ આચાર્યનો સમાવેશ થતો હતો. આશિષ ત્યાં જીલ્લા પંચાયતનું રિપોર્ટિંગ કરતો હતો. તા. ૨૭મી ફેબ્રુઆરીના રોજ ગોધરા કાંડ બન્યો તે દિવસે આશિષ રિપોર્ટિંગ કરી ગુજરાત ટુડેની પ્રેસ ઉપર શાહઆલમમાં આવ્યો હતો. જ્યાં પ્રેસ આવી છે તેની આસપાસ માત્ર મુસ્લિમો રહે છે. જોકે તે દિવસે આશિષને ડરવા જેવું કઈ નહોતું. બીજા દિવસે બંધનું એલાન હતું, છતાં આશિષ નૌકરી ઉપર આવ્યો હતો. સાંજ પડતાં શહેરની હાલત બગડી હતી અને ઠેર-ઠેર તોફાનો થવા લાગ્યા હતા. શહેરમાં તોફાનો ફાટી નીકળતા સૌથી વધુ ચિંતિત અઝીઝ ટંકારવી હતા, કારણકે આશિષ પ્રેસમાં હતો અને તે એકમાત્ર હિન્દુ હતો. આજુબાજુમાં જે મુસ્લિમો હતા તેમનાથી તેઓ પરિચિત હતા, છતાં ક્યારેય કંઈપણ થઈ શકે તેમ હતું. ટંકારવી સાહેબે આશિષને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો અને કહ્યું, ' બેટા ચિંતા કરતો નહીં.' જોકે ચિંતા આશિષના ચહેરા કરતા વધારે ટંકારવી સાહેબ ના ચહેરા ઉપર હતી. તેમણે આશિષ ની સામે જોયું. તેના જમણા હાથ ઉપર રુદ્રાક્ષની માળા હતી અને આંગળી ઉપર શિવલિંગની વીંટી હતી. તેમણે સંકોચ સાથે કહ્યું, ' આશિષ તારા સારા માટે કહું છું. માહોલ સારો નથી તને વાંધો હોય તો અહીંયા છે ત્યાં સુધી ઉતારી તારા ખિસ્સામાં મૂકી દે.' તેમની વાત સાચી લાગી એટલે આશિષે માળા અને વીંટી ખિસ્સામાં મૂકી દીધી.પ્રેસની આસપાસ મુસ્લિમો હોવાથી આશિષ બહાર નીકળી શકે તેમ નહોતો, જયારે પ્રેસમાં તેની સાથે નોકરી કરતા મુસ્લિમ પત્રકાર જાહિદ કુરેશી અને શકીલ પઠાણને બહાર નીકળવામાં વાંધો નહોતો. તેમને પણ ઘરે જવા હિન્દુ વિસ્તારમાંથી જવું પડે તેમ હતું માટે તે બહાર નીકળે તેમાં પણ જોખમ હતું. એટલે બધાએ નક્કી કર્યું કે, 'રાત પ્રેસમાં પસાર કરીશું. કોઈ ઘરે જશે નહી.' આ બધામાં એકમાત્ર હિન્દુ આશિષ હતો. બધાને ડર હતો કે બહાર કોઈને ખબર પડશે કે એક હિન્દુ પ્રેસમાં છે તો મુશ્કેલી થશે. તેના કારણે આશિષનું નામ બદલી આસિફ કરવામાં આવ્યું હતું અને આશિષ ને સૂચના આપવામાં આવી હતી કે ફોન ઉપર કોઈની સાથે વાત કરે ત્યારે તારું નામ આસિફ કહેજે. આશિષમાંથી આસિફ બની તે પ્રેસ માં રોકાયો હતો. તેની સાથે જાહીદ અને શકીલ સહિત અન્ય ત્રણ મિત્રો હતા. બધા રાત્રે કામ પતાવી અખબાર પાથરી સુઈ ગયા હતા. આશા હતી કે બીજા દિવસે પરિસ્થિતિ સુધરશે પણ તે આશા ઠગારી નીવડી હતી, કારણ કે તોફાનો વધી ગયા હતા. જેના કારણે આશિષ કે તેના મિત્રો બહાર નીકળી શક્યા નહી. પેહરેલાં કપડે બધા પ્રેસમાં હતા. સ્વાભાવિક હતું કે આશિષના ઘરે તેના પરિવારના સભ્યો તેની ચિંતા કરતા હતા પણ બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. આમ કરતાં-કરતાં ચાર દિવસ પસાર થઇ ગયા.

આખરે પોલીસની મદદ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો અને દાણીલીમડા પોલીસની જીપ પત્રકારોને લેવા માટે ગુજરાત ટુડે પ્રેસ ઉપર આવી ત્યારે પોલીસ રક્ષણ હેઠળ તમામને સલામત રીતે બહાર લઇ જવામાં આવ્યા હતા. ચાર દિવસ દરમિયાન પ્રેસમાં આશિષ એકલો હિન્દુ હતો, પરંતુ તેને જરાપણ ડર લાગ્યો નહોતો. તેને તમામ મુસ્લિમોએ જીવ કરતા વધારે સાચવ્યો હતો. ચાર દિવસમાં જયારે માણસ રાક્ષસ બની એકબીજાનું લોહી પી રહ્યો હતો અને તેના સમાચાર અખબારોમાં આવતા હતા તે વખતે આશિષ મુસ્લિમ વિસ્તારમાં આવેલી પ્રેસમાં હતો. તેના કારણે તેનાં માતા-પિતા તનાવમાં હતા કે જયારે તેમણે ચાર દિવસ પછી આશિષને સલામત જોયો ત્યારે તે પોતાના આંસુ રોકી શકયાં નહી. આશિષ સલામત હતો પણ તેનાં માતા-પિતા એટલા ડરી ગયાં હતા કે તેમણે તેને ગુજરાત ટુડેની નોકરી છોડી દેવાનો આગ્રહ કર્યો હતો. આશિષ તેના પરિવારજનોની હાલત સમજી શકતો હતો, કારણકે ગોધરાકાંડની ઘટનાના એક મહિના પહેલાં આશિષના ભત્રીજાનું અવસાન થયું હતું. જેનું દુઃખ હજી પરિવારના સભ્યો ભૂલ્યા નહોતા. આશિષ એક વિમાસણમાં હતો. તેને ગુજરાત ટુડેની નોકરી છોડી દેવા સામે કોઈ વાંધો નહોતો, પરંતુ તેને ચાર દિવસ સાચવનાર તેના મિત્રો કોઈ ગેરસમજ કરી લેશે તેનો તેને ડર હતો.છતાં તેણે હિંમત કરી અને ડેપ્યુટી એડિટર અમલદાર બુખારીને આંખમાં આંસુ સાથે કહ્યું કે, ' હું નોકરી છોડવા માગું છું. મને તમારી સામે કોઈ ફરિયાદ નથી કે તમારા માટે મારા મનમાં કોઈ શંકા નથી, છતાં શહેરનો માહોલ અને મારા માતા-પિતાની હાલત જોતાં મારે નોકરી છોડવી પડશે.' બુખારી પણ એક નેક માણસ છે. તેઓ આશિષની લાગણીઓ સમજી શકતા હતા અને તેમણે આશિષને રજા આપી હતી. જ્યારે તેના કરતાં જુદી ઘટના શહેરના પશ્ચિમ વિસ્તારમાં બની હતી. જુહાપુરામાં રહેતો પત્રકાર સરફરાજ પોતાની ઓફીસ માં પહોંચી શક્યો નહીં પણ ત્યારબાદ ઓફિસે જવું જરૂરી હતું.પરંતુ ડ્રાઈવઇન જેવા વિસ્તારમાં કોઈ મુસ્લિમ આવ્યો છે તેવી ખબર પડે તો આફત આવે તેમ હતી. પણ સરફરાજ એક જુદી માટીનો માણસ હતો. તેનામાં હિંમત ની સાથે આત્મવિશ્વાસ પણ હતો. તેણે તેના બોસ કલ્યાણ આચાર્ય સાથે મળીને નક્કી કર્યું કે તે પોતાનું નામ બદલી નાખશે અને તેણે પોતાનું નવું નામ ધારણ કર્યું હતું શ્રીકાંત આચાર્ય. વાત અહીંયા અટકતી નહોતી, કારણકે રસ્તામાં ટોળું રોકે એટલે ધર્મની ખાતરી કરવા માટે નામ પૂછ્યા પછી કાર્ડ પણ ચેક કરતાં હતાં. જેના કારણે સરફરાજ શેખનું શ્રીકાંત આચાર્ય નામનું આઇડેન્ટી કાર્ડ પણ બનાવવામાં આવ્યું હતું. આ કાર્ડ ખિસ્સામાં લઈ સરફરાજ બિન્દાસ હિન્દુ વિસ્તારમાં જઈ પોતાની ફરજ બજાવતો હતો. તોફાન દરમિયાન તેણે મને એક દિવસ અમદાવાદમાં જ આઇ.આઇ.એમ પાસે મળવા બોલાવ્યો. ત્યારે મને આશ્ચર્ય થયું હતું, કારણકે ત્યાં મોટી સંખ્યામાં હિન્દુ છોકરાઓ બેસતા હોવાને કારણે મને લાગ્યું કે સરફરાજ ત્યાં આવવાનું ખોટું જોખમ લઈ રહ્યો છે. છતાં હું તેને મળવા ગયો ત્યારે તેણે મને તરત કહ્યું, ' મારું નામ શ્રીકાંત છે.' અને તેણે તરત તેના ખિસ્સામાંથી આઇડેન્ટી કાર્ડ કાઢી મને બતાવ્યું હતું. હું આખી વાત સમજી ગયો હતો. આ બંને ઘટનાઓ એવી હતી કે આશિષ શાહઆલમમાં આસિફ બની સલામત હતો, કારણકે ત્યાં તે જે મુસ્લિમોની વચ્ચે હતો તે શિક્ષિત હતા અને કદાચ તેમને ખરા અર્થમાં ઇસ્લામનો અર્થ ખબર હતી. તેવી જ રીતે સરફરાજ શ્રીકાંત બની હિન્દુ વિસ્તારમાં હતો, કારણકે તેના હિન્દુ મિત્રોનું હિંદુત્વ સંકુચિત નહોતું,

મારો એક બીજો મિત્ર ઉદય અધ્વર્યુ એ. એન . આઈ. નામની ટેલિવિઝન ચેનલમાં ફરજ બજાવતો હતો. ગોધરાકાંડની ઘટના બનતાં એ. એન. આઈ. ની દિલ્હી ઓફિસમાંથી એક ટીમ ગુજરાત રવાના કરવામાં આવી હતી, જેમાં સુશીલ પરીખ અને અમિત રાઠોડ હતા. એ બંને તા. 27મીએ ગોધરાની ઘટનાના દૃશ્યો કંડારી તા.૨૮મીએ અમદાવાદ આવી ગયા હતા, ત્યાં સુધી અમદાવાદમાં હિંસા ભડકી ઊઠી હતી. પત્રકારત્વમાં સૌથી જોખમી કામ હોય તો ટેલિવિઝન પત્રકારત્વ છે, કારણકે તેમાં કોઇની સાથે ટેલિફોન ઉપર કરેલી વાતચીતને આધારે રિપોર્ટિંગ લાંબો સમય ચાલતું નથી. તાજી ઘટનાનાં દ્રશ્યોની પણ જરૂર હોય છે. શહેરમાં જ હિંસક ઘટનાઓ ઘટી રહી હતી તેને કંડારવા માટે સુશીલ પરીખ અને અમિત રાઠોડ કોન્ટ્રાક્ટ ઉપર લેવામાં આવેલી ઇન્ડીકા કાર લઇ શહેરમાં નીકળ્યા હતા. તેમની પાસે માહિતી હતી કે બહેરામપુરા વિસ્તારમાં તોફાન ચાલુ છે એટલે તેમણે તે અંગે ડ્રાઈવરને સૂચના આપી હતી. તે લોકો બેહરામપુરા એસ.ટી.વર્કશોપ પાસે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે હિન્દુ-મુસ્લિમ સામસામે હતા અને બંનેના હાથમાં ખુલ્લી તલવારો હતી. બંને કોમના લોકો જે હાથમાં આવે તેને બકરો કાપતા હોય તેમ કાપી રહ્યા હતા. આ દ્રશ્ય કંપારી છૂટી જાય તેવું હતું અને ડરામણું પણ હતું. છતાં એક પત્રકાર તરીકે ત્યાંથી નીકળી શકાય તેમ નહોતું. આ દ્રશ્યને કેમેરામાં કેદ કરવા સુશીલ અને અમિત કેમેરા સાથે નીચે ઉતર્યા અને ડ્રાઇવરને કાર થોડી દુર ઉભી રાખવા માટે સૂચના આપી હતી. સુશીલે ખુલ્લેઆમ થઈ રહેલી હિંસાને કેમેરામાં કેદ કરી લીધી હતી. તે બંને ફરી કારમાં ગોઠવાઈ આગળ નીકળે તે પહેલાં વાત એટલી હદ સુધી વણસી ગઈ હતી કે હિન્દુ-મુસ્લિમોનું ટોળું રસ્તા ઉપર પણ જે મળે તેની હત્યા કરવા લાગ્યું હતું. જેના કારણે સુશીલ અને અમિત પણ જીવ બચાવવા માટે ભાગ્યા હતા. તેમની પાછળ તેમનો ડ્રાઈવર પણ કાર મૂકી દોડયો હતો, કારણ કે ત્રણેના જીવનું જોખમ હતું. ત્રણેય માટે વિસ્તાર અજાણ્યો હતો પણ તેમની પાછળ દોડતા ટોળા થી બચવા માટે તે ક્યાં ભાગી રહ્યા છે તેની પણ તેમને ખબર નહોતી. દોડતા દોડતા અચાનક તેમને એક ઘર ખુલ્લું દેખાયું. ત્રણેય તે ઘરમાં ઘૂસી ગયા. ચાલી જેવા ઘરમાં જીવ બચાવવા માટે ઘુસ્યા પછી ખ્યાલ આવ્યો કે તે ઘર પણ મુસ્લિમનું છે, પરંતુ ઘરમાં રહેલા મુસ્લિમ દંપતીએ સુશીલ અને અમિતના ચહેરા ઉપરનો ડર જોઈ આશ્વાસન આપ્યું કે, 'ચિંતા કરતાં નહીં, અહીંયા તમને કોઈ વાંધો નહીં આવે.' જ્યારે ડ્રાઇવર આ પરિવારના બાથરૂમ મા સંતાઈ રહ્યો હતો ત્યારે તેણે બાથરૂમના દરવાજાની ફાટમાંથી જોયું કે તેની કારને ટોળાએ આગ ચાંપી દીધી હતી, જે તેણે હજી એક મહિના પહેલાં જ ખરીદી હતી.

મુસ્લિમ દંપતીએ અમિત અને સુશીલને આશરો તો આપ્યો હતો પરંતુ તે પણ ફફડતા હતા, કારણકે બહાર હિન્દુ અને મુસ્લિમોના ટોળાએ ચિચિયારીઓ પાડતાં નીકળતાં હતાં. જેના કારણે આ દંપતી પણ પોતાનો જીવ બચાવવા માટે પોતાનું ઘર છોડી કોઈ સલામત સ્થળે જવા માગતું હતું. તેમણે અમિત અને સુશીલને વિનંતી કરી કે હવે તમે અન્ય કોઇ સ્થળે જતા રહો. હવે ક્યાં જવું તે સમસ્યા હતી, કારણ કે તેમની કાર પણ સળગી ગઈ હતી અને આ સ્થળના ભૂગોળની પણ ખબર નહોતી. ત્રણેય મુસ્લિમ દંપતીના ઘરમાં થી બહાર નીકળ્યાં એસ.ટી. વર્કશોપમાં દાખલ થઈ ગયા, જ્યાં જૂની એસ.ટી.બસો ભંગાર હાલતમાં પડી હોય છે. બંને કાંપતા કાંપતા એક બસમાં ઘુસી ગયા, જ્યારે તેમનો ડ્રાઇવર બાથરૂમમાં લપાઈને બેઠો હતો. સુશીલે બસમાં આવ્યા પછી મોબાઇલ ફોન ઉપર અમદાવાદના પ્રતિનિધિ ઉદયને સંપર્ક કરી અહીંયાંથી બહાર લઈ જવા માટે વિનંતી કરી હતી. ત્યારે બપોરના બાર વાગ્યા હતા. ઉદય બેહરામપુરા વિસ્તારથી પરિચિત હતો અને ત્યાં એકલા જઈ શકાશે નહીં તે પણ જાણતો હતો. તેણે તરત પોલીસ કંટ્રોલને ફોન કરી મદદ મોકલવા વિનંતી કરી હતી પણ સામેથી જવાબ મળ્યો હતો કે અમારી પાસે પોલીસજ નથી. તેથી ઉદય એક પછી એક પોલીસ અધિકારીઓને વિનંતી કરતો રહ્યો. તે તેણે પોલીસ કમિશનર પ્રશાંતચંદ્ર પાંડેને વિનંતી કરી પરંતુ તેમણે પણ કહ્યું, 'સોરી મારી પાસે કોઈ પોલીસ નથી.' એ દિવસે માહોલ પોલીસના કાબુ બહાર ન હતો

બીજી તરફ ભંગાર બસમાં લપાઈને બેઠેલો સુશીલ નો ફોન ચાલુ હતો. તેના અવાજમાં લાચારીની સાથે ડર પણ હતો, પરંતુ ઉદય કંઈ કરી શકતો નહોતો. તેણે આખી વાત પોતાની દિલ્હી ઓફિસને કરી હતી અને દિલ્હી ઓફિસે તરત કેન્દ્રના ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીને જાણ કરી મદદ કરવા જણાવ્યું હતું. અડવાણીના કાર્યાલયે જ્યારે આ અંગે ગુજરાત પોલીસને સૂચના આપી ત્યારે સાંજના પાંચ વાગ્યે કલેકટર ઓફિસથી પોલીસ બંદોબસ્ત સાથે આવેલા સરકારી અધિકારીઓ અમિત, સુશીલ અને તેના ડ્રાઇવરને સલામત રીતે ત્યાંથી બહાર લઈ ગયા હતા. ટેલિવિઝન પત્રકારત્વ કરતા પત્રકારોને આવા અનુભવો પણ થયા હતા, જે વાત આમ લોકોને બહુ ઓછી ખબર છે. અસંખ્ય પત્રકારોની માર મારવામાં આવ્યો હતો જેની નોંધ કોઈ પોલીસ ચોપડે નથી, કારણકે પત્રકારત્વના વ્યવસાયનું આ અનિવાર્ય જોખમ ગણવામાં આવે છે. સુશીલ, અમિત અને તેમનો ડ્રાઇવર જીવતા રહ્યા તેની ક્રેડિટ પેલા અજાણ્યા મુસ્લિમ દંપતીની છે. જે જાણતા હતા કે તેઓ જેને બજાવી રહ્યા છે તેને પોતાની જ કોમના કેટલાક લોકો કાફર માને છે, છતાં તેમણે દુનિયાની નજરમાં કાફર ગણાતા હિન્દુઓ બચાવી એક નેક મુસ્લિમ હોવાનું ઉદાહરણ પૂરું પાડયું હતું. આવી જ રીતે અનેક હિન્દુ-મુસ્લિમોએ માણસાઈની ઈબાદત કરી હતી પણ તે અંગે ખાસ રીપોર્ટીંગ થયું નથી. હું પત્રકાર છું માટે મને ખબર છે કે સારી વાતોમાં પત્રકારોને ખાસ ન્યુઝ નજરે પડતા નથી.

આ તોફાનો ખૂબ ચાલ્યા હતા, જેનો કોઇ અંત આવતો જ નહોતો. પોલીસ પણ તોફાનો અટકાવવા માટે એક પછી એક પ્રયોગ કરી રહી હતી. આ તોફાનો દરમિયાન ધૂળેટીનો તહેવાર આવતો હતો. પોલીસ કમિશનરે પાંડેને ડર હતો કે ધૂળેટી દરમિયાન વધુ તોફાન થશે, કારણકે રંગ નાખવાની વાતને લઇ બંને કોમના લોકો લડશે. આ બાબતને લઈ પોલીસ કમિશનર પાંડેએ એક જાહેરનામા દ્વારા આખા શહેરમાં કર્ફ્યું નાખી દીધો હતો અને ડબલ સવારી ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ એક તકેદારી નું પગલું હતું. મને બરાબર યાદ છે કે તે દિવસે સવારે મને મારા તંત્રી વિક્રમ વકીલનો ફોન આવ્યો હતો કે લલિત લાડ બપોરની ટ્રેનમાં અમદાવાદ આવે છે તો તેને લેવા જવાની વ્યવસ્થા કરજે. લલિતભાઈ મારા પણ મિત્ર છે અને હોટલાઇન માં આર્ટિસ્ટ તરીકે ફરજ બજાવતા હતા. તેમનું ઘર અમદાવાદમાં હોવાને કારણે તે દર અઠવાડિયે અપડાઉન કરતા હતા. મેં લલિત લાડ ને લેવા જવાની હા પાડી હતી અને બપોરના સમયે હું તેમને લેવા માટે મારા મોટરસાઇકલ ઉપર નીકળ્યો પણ હતો. અડધે રસ્તે પહોંચ્યો ત્યારે મને યાદ આવ્યું કે મોટરસાઈકલ ઉપર લલિતભાઇને લઈ જવાશે નહી, કારણ કે ડબલ સવારી ઉપર પ્રતિબંધ છે. છતાં હું સ્ટેશન ઉપર પહોંચ્યો. ત્યાં લલિતભાઈ મારી રાહ જોતા હતા. મને એક વિચાર સ્ફૂર્યો. મેં મારા મિત્ર અને અમદાવાદ ફાયરબ્રિગેડમાં ફરજ બજાવતાં ડિવિઝનલ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ ને ફોન કર્યો હતો. સદનસીબે તે રેલવે સ્ટેશનની નજીક આવેલા ફાયર સ્ટેશન ઉપર જ હતા. તે તરત પોતાની સરકારી જીપ લઈ સ્ટેશન ઉપર આવી ગયા અને લલિત લાડ ને પોતાની જીપમાં લઇ ગયા હતા. લલિતભાઇની સમસ્યાનો તો અંત આવ્યો હતો પણ રેલ્વે સ્ટેશન ઉપર મેં જે જોયું તે દ્રશ્યો એ મને ડિસ્ટર્બ કરી નાખ્યો હતો, કારણ કે પોલીસ કમિશનરે અચાનક આખા શહેરમાં કર્ફ્યું નાખ્યો હોવાની અનેક લોકોને ખબર નહોતી. તેમાં પણ દૂરથી આવતા મુસાફરો ટ્રેનમાં બેઠા હશે ત્યારે તેમને ખબર નહી હોય કે તેઓ જ્યારે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર ઉતરશે ત્યારે તેમને ચોવીસ કલાક માટે રેલવે સ્ટેશન પર જ બેસી રહેવું પડશે, કારણકે તેમને ઘરે જવા માટે કોઈ વાહન મળશે નહીં. રેલવે સ્ટેશન ઉપર અનેક મુસાફરો હતા, જેમાં સ્ત્રી અને નાના બાળકો પણ હતાં, જે લાચારીભરી સ્થિતિમાં હતા. મને આ વાતનું દુઃખ હતું. હું પત્રકાર હોવાના કારણે લલિત લાડ ને મદદ કરી શક્યો હતો પણ બાકીના લોકોનું શું? હું મોટરસાઈકલ લઈ પોલીસ કમિશનર ઓફિસે આવ્યો અને સીધો કમિશનર પાંડેની ચેમ્બરમાં દાખલ થયો. તેમને મારો ચહેરો જોઇ કંઇક અંદાજ આવી ગયો હતો. તેમણે મને પૂછ્યું, 'કોઈ તકલીફ છે?' મેં જવાબ આપ્યો, 'મારી નહીં લોકોની વાત છે.' પાંડે એક સંવેદનશીલ અધિકારી હતા તેમણે તરત ટેલિવિઝનનું રીમોટ હાથમાં લઈ અવાજ બંધ કર્યો અને બંને હાથ ટેબલ ઉપર મૂકી મારી સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોયું. મેં તેમને રેલ્વે સ્ટેશન ઉપર બેઠેલા લોકોની તકલીફોની વાત કરી. મારી વાત પૂરી થતાં પહેલાં તેમણે ટેલિફોન ઉપાડયો અને ઈન્ટરકોમ ઉપર કંટ્રોલ રૂમને સૂચના આપી કે એક પોલીસ ઇન્સ્પેક્ટરની ચેમ્બરમાં મોકલો. તેમણે ફોન મૂકતાં મને કહ્યું, 'સોરી હું માફી માગું છું. આ મારા પક્ષે થયેલી ભૂલ છે. મેં જ્યારે કર્ફ્યું નાખવાનો હુકમ કર્યો ત્યારે મને બહારગામથી આવતા મુસાફરોને શું તકલીફ પડશે તેનો ખ્યાલ રહ્યો જ નહીં. હું તે ભૂલ સુધારી લઉં છું.' તે વખતે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એલ જાની પાંડેની ચેમ્બરમાં દાખલ થયા અને સલામ કરી ઊભા રહ્યા. જાની લાઇસન્સ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા. પાંડેએ ઇન્સ્પેકટર જાનીને બે પોલીસ વાન અને એક પ્લાટુન એસ.આર.પી. સાથે રેલવે સ્ટેશને પહોંચી જઈ જેટલા મુસાફરો સ્ટેશન ઉપર બેઠા છે તે તમામને તેમના ઘરે સલામત રીતે મૂકી આવવા સૂચના આપી, તેમજ રાતના બાર વાગ્યા સુધી જેટલી ટ્રેન આવે તે તમામ મુસાફરોની વ્યવસ્થા કરવાની તાકીદ કરી. ત્યાંથી નીકળેલા ઇન્સ્પેક્ટર જાનીએ રાતના બાર વાગ્યા સુધી પોતાની ફરજ બજાવી હતી. મારા પત્રકારત્વની નોકરી દરમિયાન મને પોલીસખાતામાં બહુ ઓછા સંવેદનશીલ અધિકારીઓ મળ્યા હતા, જેમાં પાંડે એક હતા. તેઓ સિનિયર આઇ.પી.એસ. અધિકારી હોવા છતાં તેમનો એપ્રોચ આમ લોકોને મદદ કરવાનો રહ્યો હતો તેવો મારો અનુભવ છે. છતાં તેમના પોલીસ કમિશનરના શાસનમાં મોટા પ્રમાણમાં ખુવારી થઇ હતી તે પણ કડવી વાસ્તવિકતા છે.

તોફાનો પછીના ચાર વર્ષ બાદ એટલે કે તા. ૧૧મી ફેબ્રુઆરી ૨૦૦૬ ના રોજ હું મેઘાણીનગર ગુલબર્ગ સોસાયટીમાં ગયો ત્યારે પણ સોસાયટી ભેંકાર ભાસતી હતી. તા. ૨૮મીના રોજ હિંસા ફાટી નીકળી તેમાં ૩૯ મુસ્લિમો માર્યા ગયા હતા, જયારે ૨૯ વ્યક્તિઓ ગુમ થઇ ગઇ હતી. માર્યા ગયા તેમની વાતો સમજી શકાય તેવી હતી, કારણકે તે લોકો હવે ક્યારેય પાછા આવવાના નહોતા પણ હિંસા દરમિયાન નાની-મોટી ૨૯ વ્યક્તિઓ લાપતા થઈ ગઈ હતી. તે ક્યાં ગયા તેની કોઈને ખબર નહોતી. ગુમ થનાર વ્યક્તિ માટે પોલીસ ફરિયાદ પણ નોંધે છે પણ આ વ્યક્તિઓ માટે સમસ્યા એ હતી કે તેમના ફોટા પણ તેમના પરિવારજનો પાસે નહોતા, કારણકે તેમનું આખું ઘર સાફ થઈ ગયું હતું. એટલે પોલીસ પણ તેમને શોધે કઈ રીતે? આ અંગે અમદાવાદ કલેક્ટરે એક ખાસ ટીમ બનાવી ગુમ થનાર વ્યક્તિઓનાં વતનમાં પણ તપાસ કરાવી હતી, પરંતુ ત્યાં પણ તેમનો પત્તો નહોતો. એટલે તેમને મૃત માની લેવા સિવાય પોલીસ કે તંત્ર પાસે કોઈ વિકલ્પ નહોતો. સંભવ છે કે ગુલબર્ગની આગ એટલી વિકરાળ હશે કે જે લોકો પોલીસના ચોપડે ગુમ છે તે બળી રાખ થઈ ગયા હશે. આ વાત પોલીસ માટે સહજ હતી પણ જેમનાં સગાં ગુમ થયાં હતાં તેમના માટે સ્વીકારવી સહેલી નહોતી, છતાં તેના સિવાય કોઈ વિકલ્પ પણ નહોતો. રાજ્ય સરકારે ગુમ થનાર તમામ મૃત્યુ પામ્યા છે તેવું માની તેમના સ્વજનોને વળતર ચૂકવી આપ્યું હતું. એક સંભાવના એવી છે કે ચાલુ તોફાનોમાં ટોળું તેમને ખેંચી ગયું હશે અને ક્યાંક હત્યા કરી ગટરમાં ફેંકી દીધા હશે અથવા દફનાવી દીધા હશે, પણ તેના કોઇ પુરાવા પોલીસને મળ્યા નથી. ૧૯૮૫નાં તોફાનમાં પણ આવી અનેક વ્યક્તિઓ ગુમ થઇ ગઇ હતી, જેમના મૃતદેહો વર્ષો પછી મળ્યા હતા. ગુલબર્ગ સોસાયટીમાં હું તેમજ મારા દિવ્યભાસ્કરના સાથી રિપોર્ટર મનોજ અગ્રાવત અને ફોટોગ્રાફર જી.એચ. માસ્ટર પણ હતા. તોફાનના ચાર વર્ષ પછી પણ કોઈ ત્યાં રહેવા માટે આવ્યું નહોતું. સળગેલા ભેંકાર મકાનોમાં હું ફરતો હતો ત્યારે બપોરના ત્રણ વાગ્યા હતા. છતાં મારા મનમાં એક અજાણ્યો ડર હતો. એટલામાં ત્યાંથી એક કૂતરું દોડતું નીકળ્યું અને મારા શરીરમાંથી એક હલ્કી ધ્રુજારી પસાર થઇ ગઈ. આ મકાનોમાં અનેક લોકો રહેતા હતા પણ હવે તે ભુતિયાં છે. આ મકાનમાં લોકો પાછા રહેવા માટે આવે તે માટે મેઘાણીનગરના પોલીસ ઇન્સ્પેકટર એન.આર. જાધવે તમામ રહેવાસીઓને પત્ર લખ્યા હતા, છતાં એક પણ વ્યક્તિ પાછી રહેવા માટે આવી નહોતી. હવે તેમના માટે તંત્ર કે પોલીસ ઉપર ભરોસો મૂકવો મુશ્કેલ હતો અને જે રીતે તોફાનો થયા હતા તે જોતાં ગુજરાતના મુસ્લિમો તંત્ર ઉપર ક્યારેય ભરોસો કરી શકશે તે કહેવું મુશ્કેલ છે. બહુ પ્રામાણિક્પણે કહું તો તેમની સાથે ચોક્કસ અન્યાય થયો હતો.