Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

આસપાસ ચોપાસ - 3 ગુજરાતી સત્ય કથાઓ

આસપાસ ચોપાસ

(સત્યઘટના પર આધારિત વાર્તાઓ)

ભાગ - ૩

અનુક્રમણિકા

1 - દીવાલ - સોલી ફીટર

2 - પ્રેમ સગાઈ - તરુલત્તા મહેતા

3 - બંધાય જાય છે ધારણાઓ પળવારમાં - Sandipa Thesiya

4 - ભિખારી - જાદવ હેતલ

5 - માતૃભાષા - વિરલ ચૌહાણ આરજુ

5 - "રાહ" - હાર્દિક રાવલ

1 - દીવાલ

સોલી ફીટર

હવાનાં જોરદાર ઝોંકાથી દરવાજો દિવાલ સાથે ભટકાયો, અશોકનું ધ્યાન પળવાર માટે એ અવાજ પર ગયું અને ફરી રમીલાની સેવામાં લાગી ગયો. રમીલાની આંખોમાંથી ઝીણી અશ્રુધારા વહીને તકીયાને ભીંજવી રહી હતી, પરંતુ અશોકને એ જોવાનો સમય ક્યાં હતો? એ તો બસ પથારીવશ પત્નીની સેવા કરવાનો જિંદગીનો એકમાત્ર ધ્યેય હોય તેમ કર્યે જતો હતો. એક હાથે ચમચીમાં પ્રવાહી ભરી રમીલાનાં મોંઢામાં નાખી બીજા હાથમાં રહેલ કટકો એનાં મોંઢાનાં જમણી બાજુ રાખ્યો, ફરી ખખડધજ દરવાજો સજીવ થઈ દીવાલને ભેટ્યો. અશોકે અણગમાથી દરવાજા સામે એ રીતે જોયું, જાણે એ એનાં કર્તવ્યથી એને વિમુખ કરી રહ્યો હોય! ન બોલી શકતી લાચાર પત્નીનાં ઈશારાથી કમને ઊભો થઈ એણે વિધ્નકર્તા દરવાજાને બંધ કરી આંગળો લગાવી દીધો. આજે હવાનું જોર વધુ હતું, ભરશિયાળે કમોસમી વરસાદનાં એંધાણ વર્તાઈ રહ્યા હતાં. હવામાન વિભાગે પણ અડતાલીસ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી.

વલસાડ પાસેનાં ધરમપુર નામનાં નગરમાં અત્યંત ગરીબીની હાલતમાં આ પરિવાર લૂખો-સૂકો રોટલો ખાઈ જીવન નિર્વાહ કરી રહ્યો હતો. બે દીકરીનાં લગ્ન સાદાઈથી કરાવ્યાં હતાંઅને એક વાપીનાં છોકરા સાથે ભાગી ગઈ હતી! જો કે એ છોકરો સારો કમાતો-ધમાતો હોય, દીકરી ફરી ઘરે આવતી-જતી થઈ ગઈ હતી. એક દીકરો હતો રાકેશ, હાયર સેકન્ડરી હાલ જ પૂરી કરી નોકરીએ લાગ્યો હતો. એનાં ટૂંકા પગારથી ઘરનિર્વાહ અને રમીલાની માંદગીમાં અશોકને થોડો સહારો મળ્યો હતો. રાકેશ હોંશિયાર હતો પરંતુ ઘરની આર્થિક હાલતને કારણે ભણતર છોડવું પડ્યું હતું. એને બાર સુધી ભણાવવાં માટે પણ અશોકે ખૂબ મહેનત કરી હતી, પરંતુ હવે રમીલાની માંદગી ચરમસીમાએ પહોંચી હતી. જડબાનું કેન્સર છેલ્લાં સ્ટેજ પર પહોંચી ગયું હતું, ડોક્ટરો તો ઘણા સમયથી જવાબ આપી ચૂક્યા હતાં. એ બોલી શકતી નહોતી પણ રડીને ઈશારાથી મોત માંગતી હતી, પરંતુ મોત એમ માંગવાથી મળી જતું હોત તો આ જગતમાં કોઈ નિરાશ વ્યક્તિ જીવિત જ ન રહેત!

અશોકને પણ ખબર હતી કે રમીલા હવે થોડા દિવસોની જ મહેમાન છે, પતિથી વધુ એક દોસ્તની જેમ એ એની કાળજી રાખતો, અને આ કાળજી અત્યારથી નહિ, જ્યારથી એ પરણીને આવી ત્યારથી રાખતો. ઈવન કે બળવંત સાથે એ રંગે હાથ બે વાર પકડાઈ હોવા છતાં એની લાગણીમાં કોઈ ફરક નહોતો આવ્યો! એ બધું કર્યાનો અફસોસ હવે થઈ રહ્યો હતો, આ આંસુ એનાં કારણે જ તો વહી રહ્યા હતાં! એ ખરા હ્રદયથી માફી માંગવા ઈચ્છતી હતી, પરંતુ હવે વાચાએ સાથ છોડી દીધો હતો. છોકરીઓ માંથી ત્રિશા અને રાઈમા તો એને ધિક્કારતી હતી, જયારે રાકેશ લાગણીહીન હતો અથવા એવો બનવાનો ઢોંગ કરતો! લગભગ દોસ્તોનાં મહેણા-ટોંણા સાંભળી-સાંભળીને એ એવો થઈ ગયો હતો. ઘરમાં જમવા અને સૂવા પુરતો જ આવતો, પગાર આવ્યે પાંચસો પોતાની પાસે રાખી બાકી અશોકનાં હાથમાં આપી પોતાની જવાબદારી પૂરી સમજતો, કેટલાં સમયથી એણે મા સામે નજર સુદ્ધાં નહોતી કરી! હોસ્પિટલ લઈ જવાં-લાવવા પૂરતો સાથ જરૂર આપતો, હવે તો હોસ્પિટલનાં ચક્કર પર પણ પૂર્ણવિરામ લાગી ગયો હતો.

ત્રીજી દીકરી લાગણી નામ પ્રમાણે લાગણીશીલ હતી, એણે કોઈ દિવસ એની સાથે આજસુધી ખરાબ વ્યવહાર કર્યો નહોતો. પરંતુ એ પણ હવેથી દૂર રહેતી! કેન્સરનાં કારણે જમણી તરફનું આખું જડબું ખવાઈ ગયું હતું, અરે મોટું કાણું જ પડી ગયું હતું, એ કાણું વધતું જતું હતું અને એમાંની જીવાત પણ! અશોક એને જમાડતી વેળા પોતાનાં હાથોથી સાફ કરતો. બીજા બધાં તો દૂરથી જ જોઈને મોં બગાડતા! લાગણી દૂરથી કંઈ ન કરી શકવાની લાચારી દર્શાવતી! ત્રિશા અને રાઈમા તો કહેતી પણ ખરી, “ મમ્મી , ભગવાને તને આ સજા આપી છે, હવે ભોગવ!" આમ તો કાયમ માટે એને ભૂતકાળ ડંખ્યાં જ કરતો, પણ આ બંને આવતી ત્યારે એ વધી જતો.

‘ધડામ’નાં જોરદાર અવાજ સાથે દીવાલ પડી, એક કલાકથી મૂશળાધાર વરસાદ અવિરત વરસતો હતો, પવન સાથેનાં વરસાદે આ પરિવાર માટે મોટી આફત ઊભી કરી. અશોક હજી હમણાં જ સૂતો હતો, અવાજ સાંભળીને સફાળો બેઠો થઈ ગયો. બે ઘડી તો કંઈ સમજ ન પડી, થોડીવારે કળ વળી, કે પોતાનાં ખખડધજ મકાનની પોણાભાગની દિવાલ જમીનદોસ્ત થઈ હતી. એ તો સારૂં હતું કે બંને પલંગ બીજી દિવાલ સાથે હતાં અને દિવાલનો મોટો ભાગ બહારની તરફ પડ્યો હતો. અંદર પણ થોડાક અવશેષોએ દેખા તો દીધી જ હતી, મેઘરાજા ઘરમાં રજા વિનાં આગમન પધારી ચૂક્યાં હતાં! ઘરમાંથી જલ્દી બહાર નીકળવું જરૂરી હતું, નહિતર ખખડધજ દિવાલને સહારે ટકેલ છાપરૂં પોતાની સાથી ઈંટોને મળવા નીચે આવશે તેવી પૂરેપૂરી શક્યતા હતી!

પડોશીઓ દિવાલનાં ધમાકાથી પડોશીધર્મ બજાવવાં આવી ચૂક્યા હતાં, કેટલાંક અંતર્યામી આત્માઓ ભૂતકાળમાં ન કરેલ ભવિષ્યવાણીઓ હવે ઉચ્ચારી રહ્યાં હતાં! જુવાનિયાઓ ઘરમાં પેસી સામાન બાજુનાં ઘરનાં ઓટલે શિફ્ટ કરવા માંડ્યાં. અશોકે બે-ત્રણ યુવાનોને પહેલાં રમીલાનાં ખાટલાને ઊંચકી બહાર લેવાની આજીજી કરી. ખાટલો ઊંચકાયો એટલામાં થોડે દૂર રહેતાં અશોકનાં સગાવાળા પણ આવી ગયાં. અશોકની કાકીએ બરાડો પાડ્યો, “ હવે તો પડતી મેલ એ રાંડને!”

એમનાં પતિએ પણ એમાં સૂર પુરાવ્યો, “ હા, છોડી દે એને, છો મરી જતી! આમ પણ મરવાની જ છે ને! એ છપ્પરપગીને લીધે જ તારી પનોતી બેઠી છે!” બધાં સગાઓ એ કાકા-કાકીનાં સાથે થઈ ગયા.

બીજા એક કાકી બોલ્યા, “ જેની પડખે ભરાતી’તી, એ એનો સગો કોઈ દિ’ ખબર લેવા આવ્યો? એ મુઆને કે’ હવે ચાટ આ તારી રાંડને!”

વરસાદનાં ફોરાં ધીમાં પડી ગયા, અને પવન પણ બેસી ગયો, પરંતુ આ અણધાર્યા વાવાઝોડાથી ફળિયામાં સન્નાટો છવાઈ ગયો. યુવાનો અવઢવમાં પડી ગયાં કે સગા-વ્હાલાઓની વાત માનવી કે અશોકની મદદ કરવી? અશોક પોતે હેબતાઈ ગયો, રમીલાની કથળતી જતી તબિયત, ડોક્ટરોની નિષ્ફળતા, ખરા ટાણે દિવાલે સાથ છોડ્યો અને ઉપરથી આ નામનાં સગાઓનાં અણધાર્યા આક્ષેપો! આક્ષેપ ખોટા ન હતાં, પણ સમય યોગ્ય ન હતો. થોડો સ્વસ્થ થઈ ધીમે રહીને આગળ આવ્યો, પેલા કાકા પાસે હાથ જોડી વિનંતી કરી, “ વડીલ, એનો ભૂતકાળ ઉખેડવાનો આ સમય યોગ્ય નથી, ભગવાને એની સજા પણ એને આપી દીધી છે. ચાર વર્ષથી એ ખાટલે છે અને આ સમયે એને મારી સખત જરૂર છે. ગમે તેવી પણ એ મારી પત્ની છે, એ કંઈ ન હોત તો પણ આવા સમયે માનવતાને નાતે હું એને છોડી ન શકું.”

“ સાલો બાયડીનું પૂંછડુ, નપુંસક, બાયલો” એવાં ડઝનબંધ વિશેષણોનાં લેબલ લગાવી સગાઓ પોતાની ફરજ પૂર્ણ કરી મોં ચઢાવી રવાના થઈ ગયાં! એમનાં યુવાન છોકરાઓ જે અશોક પ્રત્યે સહાનુભૂતિ ધરાવતાં હતાં, તે આ વિપદામાં મદદ કરવાં રોકાયાં. આ તરફ જુવાનોએ પોતાનું કામ શરૂ કર્યું. પડોશનાં એક વડીલ કાકીએ પોતાનાં બંધ પડેલ ઘરની ચાવી આપી, ત્યાં રમીલાનાં ખાટલા સહિત બધો સામાન પણ સગેવગે કરવામાં આવ્યો. જો કે વાચારહિત રમીલાએ ઈશારાથી અને રડીરડીને આ છાપરા નીચે દબાઈ જવાની અદમ્ય ઈચ્છા પૂર્ણ કરવાં માટે ઘણાં ધમપછાડાં કર્યા, પરંતુ અશોક ન માન્યો. ધૂળ જામેલાં એ ઘરનાં એક ખૂણામાં રમીલાનો ખાટલો મૂકાયો, બારીમાંથી બળવંતનું ધર સામે જ દેખાતું હતું. અશોક સહિત બધાં સાફસૂફી કરવા મંડ્યાં, અને રમીલા હંમેશની જેમ અર્ધબેહોશ અવસ્થામાં અતીતને સાફ કરવા મથી રહી!

***

“ હવે દસમાં ધોરણમાં આવી છો, તારૂં આ ઉછાંછળાપણું બંધ કર અને વ્યવસ્થિત રહેતાં શીખ. કાલે ઊઠીને આ લખ્ખણ લઈ સાસરે જશે તો પાંચ જણમાં મારૂં નામ ખરાબ કરશે. કિચનમાં જા, કઢી બનાવવાની બાકી છે. ” બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ, હું ટેન્શન ફ્રી થઈ ઉછળતી કૂદતી ઘરમાં દાખલ થઈ એ સાથે મા નો કકળાટ શરૂ થયો, મોં વાંકુ કરી હું કિચનમાં ગઈ.

ચાર બહેનો અને ત્રણ ભાઈઓનું અમારૂં વિશાળ કુટુંબ ગરીબીરેખાની નીચે આવતું હતું. પિતાજી ગણોતે જમીન ખેડી માંડ ઘર ચલાવતાં, મારાથી મોટી બે બહેનો સમયાંતરે પરણી ચૂકી હતી, એક બહેન અને ત્રણે ભાઈઓ મારાથી નાના હતાં. ઘરમાં સહુથી વધુ હું ભણી હતી, અને ચંચળ પણ! આર્થિક સંકડામણને કારણે આગળ ભણવાની શક્યતા નહિવત હતી. કોઈક સારા છોકરાની વાત આવે તેની જ વાર જોવાતી હતી! મારી વિદાયથી પિતાજીનો થોડો બોજ તો ઓછો થાય!

***

“ તમને હું ગમતો હોઉં તો જ “હા” પાડજો, મને તો તમે ખૂ…બ જ ગમો છો.” દેખાવે ઠીકઠાક, શરીર થોડું ભારે, બેઠી દડીનો અશોક ભોળપણથી બોલ્યો, બીજું કંઈ નહિ તો એનાં બાળક જેવાં ભોળપણ પર હું વારી ગઈ. ગમવા લાયક તો હું હતી જ, વખાણ કોને ન ગમે? અને મારા હકારનું મુખ્ય કારણ હતું, આ છોકરો મારા રમતિયાળપણાને સહન કરી લેશે. ધીરગંભીર માણસો મને દીઠા ન ગમતા! આમ પણ મોડા વહેલાં આ ઘર છોડી ગમે ત્યાં જવાનું તો હતું જ, તો અશોક શું ખોટો? વીસની તો હું થઈ હતી, અમારી નાતમાં તે સમયે અઢાર વર્ષે તો છોકરી પરણી જતી. ખેર, બે મહિના પછી અશોક સાથે મારા લગ્ન લેવાયા. એ અત્યંત ખુશ હતો અને હું પણ.

મારૂં સાસરૂં અમારા ઘરથી ઘણું વધુ સધ્ધર હતું, બે ભાઈ-એક બહેનનો નાનકડો પરિવાર હતો. નણંદ પરણી ગઈ હતી. ભાઈ અશોકથી ત્રણ વર્ષ મોટો હતો. પરણીને અલગ રસોડું કર્યું હતું, પણ ધંધામાં સાથે હતાં. લુમ્સનું નાનું એવું કારખાનું હતું, આવક બંને ભાઈઓ વચ્ચે સરખી વહેંચાતી. સાસુમાંને સ્વર્ગ સિધાવવાને દસ વર્ષ વીતી ચૂક્યાં હતાં, સસરાને ચાર. અત્યાર સુધી અશોક મારા જેઠને ત્યાં જમતો, પરંતુ હવે હું આવી ગઈ હતી. હરવા-ફરવામાં દિવસો અને મહિનાઓ વીતવાં લાગ્યા, વીસ વર્ષની ઉંમરે દુનિયાનું બધું સુખ મારી ઝોળીમાં આવી ગયું હતું.

લગ્નનાં આઠ મહિનાં વીતી ગયાં પછી પણ અશોક મને હાથ પર જ રાખતો, મારી દરેક ઈચ્છાને માન આપતો. સમયાંતરે એક એક કરી હું ત્રણ દીકરી અને એક દીકરાની માં બની, તે સમયે કુટુંબ નિયોજન જેવું કંઈ હતું નહિ! મારા ભાઈઓ અને બહેન પણ બધા પરણીને પોતપોતાના સંસારમાં વ્યસ્ત થઈ ગયાં હતાં, પિતાજી સ્વર્ગવાસ પામ્યાં, માં આજકાલ બીમાર ચાલતી હતી, એક વાતનો સંતોષ હતો એને કે અમે બધી બહેનો સુખી હતી, અને ભાઈઓ પણ ધીમે ધીમે આર્થિક રીતે સધ્ધર થઈ રહ્યાં હતાં.

બધું સમૂસુતરૂં ચાલતું હતું ત્યાં કોઈની ખરાબ નજરે ફરી અમને મધ્યમ વર્ગ માંથી ગરીબ બનાવી દીધાં! કારખાનામાં ભયંકર આગ લાગી, લાખો રૂપિયાનાં તાકા એક કલાકમાં સળગી ગયાં, બે કારીગર સળગીને મૃત્યુ પામ્યાં, બીજા ત્રણ-ચાર પણ ઇજાગ્રસ્ત હતાં, જેઠ સખત રીતે દાઝી ગયાં અને એમને બચાવવા જતાં અશોક પણ થોડોક દાઝ્યો. આગ કેવી રીતે લાગી, એ એક કોયડો જ રહ્યો! અશોકને એ વિશે વિચારવાનો સમય પણ ન હતો, મોટાભાઈની અને બીજા બે કારીગરની હાલત ગંભીર હતી, એ જબરી દોડધામમાં લાગ્યો હતો. તે સમયે એને વિમા વિશે ઝાઝી ગતાગમ પડતી નહોતી અને આવું કંઈ થશે એવી આશંકા પણ નહોતી. હોસ્પિટલનો ખર્ચ, દવા-દારૂ અને વેપારીઓનાં પૈસા ચૂક્તે કરવા માટે કારખાનાવાળી મિલકત વેચવી પડી, જેઠજીની બચત અને ઘરનાં સમારકામ માટે અશોકે ભેગી કરેલ રકમ પણ હાથ માંથી નીકળી ગઈ.

છઠ્ઠે દિવસે જેઠાણીને વિધવા બનાવી જેઠજી દેહાંત પામ્યાં, અશોક પોતાની જાતને અનાથ સમજવા લાગ્યો, એક હું જ સ્વસ્થતાથી બધાને સાચવી રહી હતી. બંને કારીગરોનો જીવ બચી ગયો હતો, પરંતુ રૂપિયા પાણીની જેમ વપરાઈ ગયાં હતાં.

સમય પોતાનું ચક્ર ફેરવીને નાના-મોટા દરેક ઘા નામશેષ કરી નાંખે છે, જેઠાણી સિલાઈકામમાં નિપુણ હોઈ બે બાળકો સાથે એમનો નિર્વાહ સરળ બન્યો, પરંતુ અમારૂં અઘરું થઈ ગયું! મને રસોઈ સિવાય કંઈ આવડતું નહિ અને અશોકનું ભણતર નહિવત હોવાથી હવે આ ઉંમરે તેને કોઈ નોકરી મળે તેમ નહોતી, પાસેનાં રેલ્વે પ્લેટફોર્મ પર નાની મોટી હમાલી કરતો, ત્યારે ઘરમાં ખાવાનું બનતું, સંજોગોએ એને સૂનો અને મને ચિડિયલ બનાવી દીધાં! હું છોકરાઓને સૂવડાવી સૂઈ જતી, એ રાત્રે મોડેથી થાકીને આવી ચૂપચાપ સૂઈ જતો, મારૂં મન એની પરિસ્થિતિ સમજવાની કોશિશ કરતું, પરંતુ મારૂં શરીર એ સમજવા માટે અસમર્થ હતું, કેટલીવાર મેં એને કામક્રિડા માટે તૈયાર કરવાની કોશિશ કરી, પરંતુ એ આઘાતમાંથી બહાર નીકળવા જ નહોતો માંગતો. કંઈ કેટલી વાર એ નાના બાળકની જેમ રડવા બેસી જતો. આખરે શરીરની નાલાયક ભૂખ મારા ચંચળ મનને વિદ્રોહી બનાવીને જ જંપી!

છોકરાઓ સ્કૂલ ગયાં હતાં, બપોરનાં સમયે હું ઘરમાં એકલી જ હોઉં, થોડા દિવસોથી બળવંત બપોરનાં સમયે ઘરની સામેનાં ઓટલે બેસી રહેતો હતો, હું જ્યારે પણ કોઈ કામ માટે નીકળું, એકધારી ટીકી-ટીકીને મને જોયા જ કરતો, કદાચ એને મારી માનસિક હાલતનો અંદાજો આવી ગયો હશે! પુરૂષોમાં પણ છઠ્ઠી ઇન્દ્રિય હોતી હશે? હોય કે ન હોય, મારે શું? મારે મારા કામથી મતલબ હતો, મારા એક જ ઈશારે એ ફટાક દઈને સીધો અંદર ઘરમાં જ આવી ગયો, જાણે ઈશારાની વાટ જ જોઈ રહ્યો હતો!

આડત્રીસ વર્ષની મારી જિંદગીમાં બળવંત નામનો એક નવો અધ્યાય શરૂ થયો. એ સેક્સકળામાં નિપુણ હતો, એ જે રીતે મારા શરીર સાથે રમતો, બિલકુલ નવો અનુભવ હતો મારા માટે! આવું તો કોઈ દી’ મેં અનુભવ્યું જ નો’તુ! કામક્રિડા બાબતે અશોક એની સામે બબૂચક જ કહેવાય! રોજનાં અડધા-પોણા કલાકનાં સહવાસે મને આકાશમાં વિહરતી કરી દીધી! એ મારી ભૂખ સંતોષતો અને હું એનું રમકડું બનતી ગઈ! પરંતુ કહેવાય છે ને ચોરી અને છીનાળું ઊઘાડું પડી જ જાય છે! આ ઘરની દીવાલ તો આજે પડી, મારા દાંપત્યજીવનની દીવાલને તો મેં કયારની તહસનહસ કરી નાખી હતી! ફરક બસ એટલો હતો કે એ દિવાલનાં અવશેષો દેખાતાં નો'તા!

અશોક અચાનક આવી ચડ્યો, કાથીનાં ખાટલા પર ચાલતું યુદ્ધ જોઈ એની આંખો ફાટી ગઈ! બળવંત ફટાફટ કપડા પહેરીને એની બાજુમાંથી રહી કંઈ પણ બોલ્યા વિના બહાર નીકળી ગયો, મને કંઈ સુજતું નો’તુ કે શું કરૂં? નીચી મૂંડી કરી મેં પણ વસ્ત્રો ધારણ કર્યા અને ધીમેથી “સોરી” કહ્યું! એની આંખો હજુ પણ અવિશ્વાસથી પહોળી હતી!

“ પણ કેમ? શું કામ?” બસ બે વાક્યો બોલી એ રડવા લાગ્યો. મને પણ અફસોસ થયો, મારા નિર્દોષ પતિને મેં છેતર્યો હતો!

“ હું પણ શું કરૂં? મેં તને કેટલી વાર બોલાવ્યો-સમજાવ્યો. પણ તું તો જેઠજીનાં આઘાત માંથી ઉંચો જ નથી આવતો! તો પણ સોરી, હવે એવું નહિ કરૂં.” એ માની ગયો, મને હાશ થઈ. મેં પણ નક્કી કર્યું, હવે બળવંત સાથે સંબધ નથી રાખવો. પરંતુ મારી પ્રતિજ્ઞાનાં ત્રણ દિવસમાં જ ચીંથરા ઊડી ગયાં. તે રાત્રે અશોક જલ્દી આવ્યો. છોકરાઓ સૂઈ ગયાની ખાતરી કરી અમે સહવાસ માણ્યો, પરંતુ મારી કામશકિત સામે એ હારી ગયો! હું અતૃપ્ત રહી. કંઈ વાંધો નહિ, બળવંત જેવું બધું એને હું શીખવાડી દઈશ, એમ માની મેં મન મનાવ્યું. સતત ત્રણ રાતનાં મારા પ્રયાસો નિષ્ફળ સાબિત થયાં, અશોક મન અને તન બંનેથી તૂટી ચૂક્યો હતો, અથવા મારી કામેચ્છા વધી ગઈ હતી, જે પૂરી કરી શકવા માટે અશોક નમાલો સાબિત થયો! ચોથા દિવસની બપોરથી ફરી એક વાર વાસનાનો ખેલ શરૂ થયો, ખેલનું ઠેકાણું બદલાઈ ગયું, હવે હું બળવંતનાં ગેરેજમાં જતી. વાસનાનાં અતિરેકમાં હું આંધળી અને નફ્ફટ બની ચૂકી હતી!

મને એમ હતું કે કોઈ જોતું નથી, પરંતુ સતત કેટલાય દિવસોથી બે આંખો સતત મારી પાછળ લાગેલી જ હતી! બાજુવાળા જમનાબાએ તો રીતસરનું ટોળું જ કરી નાખ્યું, અશોકનાં સગાઓને પણ બોલાવી લીધાં. એ કરતા મારૂં ઘર શું ખોટું હતું? પકડાઈ જાત તો અશોક બિચારો રડતે, બીજું તો શું કરી શકવાનો હતો એ? એકવારનો અનુભવ મને થઈ ચૂક્યો હતો ને! કોઈ જઈને અશોકને પણ બોલાવી લાવ્યું! નવાઈની વાત એ બની કે અશોકે મારી વહાર તાણી, બધાને એમ કહી છૂટા પાડ્યા, “ આ અમારો મામલો છે!”અને મને હાથ પકડીને ઘરમાં લઈ જઈ દરવાજો વાસી દીધો! તે દિવસથી બધાએ એને ભડવો, બાયલો, નપુસંક જેવા ઉપનામ ભેટ આપ્યા! અરે, હવે તો હું પણ મનમાં એને એ વિશેષણોથી નવાજતી! ઘરની અંદર પણ એણે મને કંઈ જ ન કહ્યું, ન પૂછ્યું, ન રડ્યો! કદાચ એને પોતાનાં પૌરૂષ પ્રત્યે લઘુતાની ગ્રંથિ બંધાઈ ગઈ હતી, હવે તો હું બેફામ બની ગઈ હતી!

પાપનો ઘડો આપોઆપ ભરાઈ છલકાવાં લાગે છે, અથવા મારા આ કર્મોની સજા મને દુનિયામાં જ આપવાની ભગવાન નક્કી કરી ચૂકયો હતો કદાચ! તેની પ્રતીતિ રૂપે મારા જમણા જડબામાં દુખાવો શરૂ થયો, દુખાવો વધતો જતાં કેન્સરનું નિદાન થયું, તે દિવસથી બળવંત ગાયબ થઈ ગયો! એનો કંઈ વાંક પણ નહોતો, વાસનાની રમતમાં મારો ભાગ વધુ હતો. લગભગ ચાર વર્ષથી આ સજા ભોગવી રહી છું, મોત માંગું છું પણ મળતું નથી. મારા સંતાનો મારી પાસે નથી આવતાં, મોઢામાં પડેલ કાણાંની જીવાત પોતાને લાગી જશે, તે બીકે અથવા મારા કર્મોનાં ફળરૂપે મને ધિક્કારતા હતાં, કદાચ બંને! એકમાત્ર અશોક તદ્દન નિસ્વાર્થ ભાવે ચાર વર્ષથી લગાતાર મારૂં મોઢું અને શરીર સાફ કરે છે, જીવડાઓને જોઈ કદી મોં ચઢાવ્યું નથી, જમવાનું પણ કેટલાં સંયમથી ખવડાવે છે! જ્યારે કે હવે હું તેને કંઈ આપી શકું તેમ નથી! મારી આંખો હવે મીંચાઈ રહી છે, મરતા પહેલાં એકવાર મારા ભોળા પતિની માફી માંગવા ઈચ્છું છું. એની સાથે મેં ખુલ્લંખુલ્લા દગો કર્યો છે, બેશરમ બની રંગરેલિયા મનાવી ફળિયાવાળા અને સગાઓની સામે એની ઈજજતનો કચરો કરી નાખ્યો, છતાં એ મારી સેવા કર્યે જાય છે. કયા ભાવથી? એ તો એને જ ખબર! લોકોએ(મેં પણ) એને નપુંસક, બાયલો જેવાં વિશેષણો આપ્યા હતાં, પરંતુ ખરા અર્થમાં જોઉં તો, હું અશોકને ઓળખી જ ન શકી, તો લોકો કેવી રીતે એને ઓળખી શકે? હું વાસનાની પૂજારણ, મારૂં સ્થાન એનાં ચરણોમાં ન હતું, એણે હ્દયમાં આપ્યું! મારી તોડેલ દીવાલને એ હંમેશા જોડતો આવ્યો છે, મકાનની પણ અને પ્રેમની પણ...!

***

2 - પ્રેમ સગાઈ

તરુલત્તા મહેતા

આ એક સત્યઘટના છે, પણ એવી આશ્ચ્રર્યજનક વાત બની છે કે રોચક નવલિકાના અંતની જેમ વિચારમાં ગુલ થઈ જઇએ !

જીંદગીમાં ક્યારેક એવું બને છે કે શબ્દો નો અંત આવી જાય છે અમુક ઘટના બન્યા પછી માત્ર મૌંન, એક પ્રકારનો આઘાત લાગે, પણ અંતરમાં એવો આનદ થાય છે કે જાણે મૂગાએ ગોળ ખાધો.

રેખા મારી કોલેજની સખી હતી. અમારી જોડી એટલે રેખા ફેશનેબલ અને નખરાળી અને હું

સાદી સીધી, શાંત અને શરમાળ હતી . .જયારે રેખા સ્વભાવની સ્વતંત્ર અને બિન્દાસ.

અમે નડિયાદની સી..બી. આર્ટ્સ કોલેજમાં ભણતાં હતાં. સુરેશ સામેની ડી.ડી.આઈ ટી. કોલેજમાં એન્જીન્યરીગરના છેલ્લા વર્ષમા હતો. પેસાદાર પિતાનો ફૂલફટાક અને શોખીન છોકરો હતો. રેખા તેની સાથે સ્કૂટર પર ફરતી, રેસ્ટોરન્ટમાં જલસા કરતી.

સુરેશની સગાઈ જયા સાથે થઈ હતી. સુરેશ અને જયાના કુટુંબોનો સારો મનમેળ હતો. તેમના લગ્નની કંકોત્રીઓ તેયાર થઈ ગઈ હતી. સુરેશની સાથે રેખાનું ફરવું હરવું બધાંની આંખમાં આવતું.મેં પણ ટકોર કરેલી કે એક સગાઈ થયેલા છોકરાથી દૂર રહેવું .

સુરેશ અને રેખાના પ્રેમ સબંધ પછી જયા આપમેળે જ ખસી ગઈ. રેખા અને સુરેશે કોર્ટમાં લગ્ન નોઘાવી દીધા. તેમના લગ્ન કોઈને પસંદ નહોતા, કોલેજમાં સોને નવાઇ લાગી હતી. ત્યારપછી જયા ચૂપચાપ અમદાવાદથી દૂર એની ફોઇને ત્યાં પોંડીચેરી જતી રહી.

રેખા અને સુરેશ એમના પ્રેમમાં મસ્ત હતાં.દુનિયામા ં કોઈની પરવા ન હોય તેમ લગ્ન પછી દુ..ર કોઈ પહાડી પ્રદેશના હિલસ્ટેશન પર હનીમૂન કરવા ઉપડી ગયાં

તે દરમ્યાન જયાના કુટુંબ અને સુરેશના કુટુંબ વચ્ચે વિખવાદ થયો.દોષનો ટોપલો સુરેશના પિતા પર આવ્યો. તેમણે છાપામાં જાહેરાત આપી દીધી કે તેમના દીકરા સુરેશ સાથે તેમને કોઈ સબંધ નથી, કોઈએ એની સાથે લેવડદેવડ કરવી નહિ. .સુરેશ માટે એનું પિતાનું ઘર કાયમ માટે બંધ છે.

રેખા અને સુરેશ અમેર્રિકામાં સ્થાયી થયાં.

દશેક વર્ષ પછી હું અને મારા પતિ વિનય ભારતથી બાલ્ટીમોરમાં આવ્યાં ત્યારે રેખા અને સુરેશ સાથે અમારી મેત્રી જામી. પાર્ટીમાં ખૂબ આનદ કરતા, કોલેજની જૂની વાતો યાદ કરી મજાક કરતા. બંને જણા એવા ખુશખુશાલ અને પ્રેમમાં મસ્ત કે અમને બે ઘડી ઈર્ષા થતી.

અમારે ત્યાં પાર્ટીમાં રેખા સુરેશને અમે અચૂક બોલાવતા. વાઈન, બીયર, વિસ્કીના માદક માહોલમાં અને ગરમ ચીઝ પકોડાની સંગતમાં મહેમાનો ઝૂમતા હોય ત્યારે રેખા સુરેશની મઝાક -મશ્કરીથી પાર્ટીમાં રંગ આવતો.

ખરી મઝા તો જેવું ડી.જે નું મ્યુઝિક શરૂ થતું કે રેખા -સુરેશ ડાન્સ ફ્લોર પર આવી જતા.એવાં રોમેન્ટિક મૂડમાં ડાન્સ કરતાં કે જાણે જનમ જનમના પ્રેમી.બેમાંથી કોણ કોને વધારે ચાહે છે, તે અંગે જોનારા અનુમાન કરતા રહી જતા!! રેખા મને બેઠેલી જોઈ મારા પતિ વિનયના હાથમાં મારો હાથ પકડાવી ડાન્સ માટે લઈ જતી.ઘડીક જોડીની અદલાબદલી થતી.હું સુરેશ સાથે ડાન્સ કરતાં સંકોચાતી પણ સુરેશ મુક્તપણે મને ગોળ ફેરવતો. રેખા વિનયને ડાન્સમાં થકવી દેતી.મોડી રાત્રે બીજા મહેમાનો વિદાય લેતાં પણ અમે ચાર ગપાટા મારતા ઉઠવાનું નામ લેતાં નહિ. અમારા આગ્રહથી રાતવાસો અમારે ત્યાં કરતાં .એમનો એક દીકરો અને મારા બે દીકરા હાઈસ્કૂલમાં આગળપાછળ હતા. છોકરાઓને નીચે બેઝમેન્ટમાં રમવાની મઝા આવતી.

સમયની પાંખે ઉડી અમારા બાળકો કોલેજમાં ભણવા ગયાં, રેખાનો દીકરો ભારતની માંનીપાલની મેડીકલ કોલેજમાં ગયો. રેખા અને સુરેશ કંપનીના કામે પાંચ વર્ષ માટે અમદાવાદ ગયાં.

વચ્ચેના ગાળામાં અમારો સમ્પર્ક ઓછો થયો.શરૂઆતમાં વાર તહેવારે સંદેશા મોકલતા પણ રેખા સાથે વિગતે વાતો થતી નહિ .હું માનતી રેખા એનાં સગાવહાલાંનાં વ્યવહારમાં બીઝી થઈ હશે.

રેખાએ એના આગમનની તારીખ મને જણાવી ત્યારે અમે બાલ્ટીમોર એરપોર્ટ પર લેવાં ગયાં હતા.

પાંચ વર્ષમાં રેખા -સુરેશ એમની વય કરતાં વધુ વુધ્ધ દેખાતાં હતા, તેમના ચહેરા પર તાજગીને સ્થાને નિરાશા અને થાક ડોકાતાં હતાં, લાંબી મુસાફરીને કારણે હશે એમ મેં માનેલું.

ભારતથી આવ્યા પછી રેખા ખૂબ બદલાયેલી હતી.જાણે એણે કઈક મહામૂલું ગુમાવી દીધું હતું, સુરેશ પણ પહેલા જેવો નહોતો, એમ લાગતું હતું કે એ લાચાર હતો. એક દિવસ અમે એમને જમવા બોલાવ્યાં

.જમવાનું પતાવી અમે બેઠકરૂમમાં ગયાં, વિનયે મજાક કરતા કહ્યું", તમે બંને દાદા-દાદી જેવાં બની ગયાં", મેં રેખાને હસીને કહ્યું" તારે હજી દીકરાને પરણાવવાનો છે". રેખા બોલી "એનું નસીબ હશે તેમ થશે"મને વિસ્મય થયું . પ્રેમલગ્નથી સુખી રેખા શું નસીબમાં માનતી થઈ ગઈ? રેખા સુરેશ પાસેથી ઉઠી મારી પાસે આવીને બેઠી, પણ મને થયુ કે એ બીજી જ દુનિયામાં ખોવાઈ ગઈ છે મેં એનો હાથ મારા હાથમાં રાખી વાત ચાલુ રાખી 'રેખા ભારત રહેવાનું કેવું લાગ્યું?તમારા બનેની તબિયત કેવી રહી હતી?

રેખાના મનની સ્થીતિ તોફાનમાં ફસાયેલી નાવ જેવી હતી.એ કંપતા અને ડૂબતા ઘીરા અવાજે બોલી મારી સમજણ બહારનું બની ગયું, હું મૂરખ અને સ્વાર્થી હતી, સાચું કહું તો સુરેશ ઉપર મારો કોઈ અઘિકાર નથી

સુરેશનો અવાજ ભાવભીનો થઈ ગયો 'રેખા તેં મારે માટે કેટલો ભોગ આપ્યોછે'

રેખાનું મન ડંખતું હતું એના કહેવામાં .ઉંડી વેદના ઊભરાઇ આવી તે મનોમન કોસતી હોઈ તેમ બોલી:

'હું તો ધૂળ છું'.

અમે વિસ્મય અને દુ;ખથી તેઓની વાત સાંભળતા હતાં મેં કહ્યું 'પ્લીજ, અમને દિલખોલીને વાત કરો.,

રેખા એની અંદરના ધરતીકંપથી મારા ખભે તૂટી પડી, મેં એની પીઠે હાથ ફેરવ્યા કર્યો,

કોઈ આઘાતની કળ વળી હોઈ તેમબોલી, ' અમે ભારત ગયા પછી સુરેશની અમદાવાદની ઓફિસનું કામ વઘી ગયું, ઓફિસના કામે બહારગામ જવાનું થતું, એને ડાયાબીટીશ ઘણા વખતથી હતો, કામનો બોજો ત્યાંની બદલાયેલી દવા અને ખોરાકમાં ફેરફારથી સુગરનું પ્રમાણ લોહીમાં વઘી ગયું, એ ઓફીસનાં કામે મુબઈ ગયેલો ત્યારે બેભાન થઈ ગયેલો.એને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કર્યો, ચારેક દિવસ પછી નડિયાદની કીડની હોસ્પીટલમાં લાવ્યા. અનેક ટેસ્ટ થયા, અંતે નિદાન થયું કે ડાયાબીટીસ અને કિડનીના ઇન્ફેકશન ને કારણે બન્ને કીડની કામ કરતી નથી.'

સુરેશ રેખાને કહેં 'મેં તને સમજાવેલું કે અમેરિકા પાછા પહોચી જઈએ, તું માની નહિ.'

રેખા મક્કમપણે બોલી, 'આપણાં દીકરા સમીરે ભારપૂર્વક કહ્યું હતું કે અમેરિકામાં કીડની નહિ મળે.'.

મેં પૂછ્યું, સુરેશને કેટલો વખત કીડની માટે રાહ જોવી પડી?'

રેખાના અવાજમાં હતાશા ઉભરાઈ, તે બોલી 'ચાર મહિના સુરેશને ડાયાલીસીસ પર રાખ્યો, કીડની મળે પણ મેચ થાય નહી.

હું અને મારા પતિ અધ્ધ્રસ્વાસે રેખાની વાત સાંભળી રહ્યા.

એક દિવસ રાત્રે હોસ્પીટલમાં સુરેશના બેડ પાસેની ખુરશીમાં ડોક્ટરની રાહ જોતી હતી.મારા માથાની નસોમાં વિચારોના વીંછી કરડતા હતા.સુરેશનો માંદલો, ફિક્કો ચહેરો જોઈ થયું 'હું જીવનમાં હારી ગઈ, મારો પ્રેમ સુરેશને નહી બચાવી શકે, બધી સફળતા, કમાણી પાણીમાં ગયું,

ડોકટર કયારે રૂમમાં આવ્યા તેની મને જાણ થઇ નહી, તેમણે મારે ખભે હળવેથી હાથ મૂકી કહ્યું 'રેખાબેન, ખુશખબર છે કીડની મળી ગઈ છે, ચાર દિવસ પછી ટ્રાન્સપ્લાટ થઇ જશે.કીડની દાતા માટે દશ લાખ રૂપિઆની સગવડ રાખશો

.સુરેશને સારું થયું પછી દાતાનો ચેક અને આભારનું કાર્ડ લઇ અમે ડોકટરની ઓફિસમાં ગયાં ડોકટરે અમને આવકારી કહ્યું,

‘તમે નસીબદાર છો દાતાએ મૂલ્ય લેવાની ના પાડી છે, આવું તો સગપણ વગર બને તેવું અમે જોયું નથી, તમારી ભાવના હોઈ તો કીડની હોસ્પિટલને દાન કરી શકો છો.આભારનું કાર્ડ અમે રવાના કરી દેશું.’

મેં કહ્યું 'અમારે તેમને મળવું છે, નામ અને એમની વિગત આપો.'

'તમે કાર્ડ મૂકી જાવ, અમે મોકલી આપીશું, દાતાએ બઘું ખાનગી રાખવા જણાવ્યું છે, દાતાની ઈચ્છા અમારે રાખવી પડે.’

ડોકટરને ચેક અને કાર્ડ આપી ઓફિસની બહર આવ્યા ત્યારે લઘુતા મહેસૂસ કરી, એમ થયું કે દાતાની ઉદારતા અને ભાવના આગળ અમે ધુળ જેવાં હતાં, એવું કોણ હશે?

હોસ્પીટલના દરવાજે ગયાં, પછી યાદ આવ્યું કે સુરેશનો મેડીકલનો રીપોર્ટ ડોકટરના ટેબલ પર ભૂલી ગયાં

અમે ઓફિસમાં ગયાં, ડોકટર અંદર જતા રહ્યા હતા, પણ એમનો અવાજ અમે સાંભળ્યો,

‘આ ચેક દાતાની યાદીમાં રાખજો, અને કાર્ડ જયાબેનના સરનામે મોકલી દેશો’

રેખા અને સુરેશની વાત પૂરી થઇ.

અમે શબ્દો; સમય; સ્થળની બહારના પ્રેમ એટલે પ્રેમ… ભાવમાં ડૂબી ગયા.

***

3 - બંધાય જાય છે ધારણાઓ પળવારમાં,

નજરોના કાયદાઓ ચૂકાદા આપે છે જ્યારે

Sandipa Thesiya

મુંબઇની મારી ઑફીસ ની સાંકડી ગલીમાંથી ટેક્સીમાં બેસતાં જ મેં ડ્રાઇવર પર નજર નાંખી. એક તરફ કાંડા પર પહેરેલી ફાસ્ટ્રેક ની વૉચ રાતના 9:45 નો સમય બતાવી રહી હતી અને બીજી તરફ મારી નજર મિરરમાંથી દેખાતા ડ્રાઇવરના ચહેરાને માપી રહી હતી જે સમય મળ્યે મારી સામે નજર નાંખવાનું ચૂકતો નહીં હતો. એમ તો ટેક્સી નંબર નૉટ કરવાની આદત પહેલેથી જ કારણ કે ઑફીસમાં ઑવરટાઇમના ચક્કરમાં ઘરે જવામાં ઘણી વાર મોડું થઇ જતું અને આમ પણ આ શહેરની નાઇટલાઇફ જેટલી જલ્દી શરૂ થઇ જાય છે એટલું જલ્દી એકલી છોકરી માટે ઘરે પહોંચવું જરૂરી થઇ જતું હોય છે. મુંબઇ જેવા શહેરમાં 5 વરસ કાઢ્યાના અનુભવે એમ તો આવી પરિસ્થિતિઓને મારા માટે સામાન્ય બનાવી દીધી હતી પણ આજે પણ જૂની ઘટનાઓની અમુક યાદોં જૂની થયા વગર મનમાં અકબંધ રહેલી છે. બારીમાંથી આવતી ઠંડી પવનની લહેરખીઓ મને ભૂતકાળની એ ઘટનામાં લઇ ગઇ જેણે મને નજરોથી મપાતાં ચહેરાઓની વાસ્તવિકતા સમજાવી હતી.

મુંબઇમાં નવી નવી ગ્રૅજ્યુએશન કરવા આવી ત્યારનો સમય. એકલા પડવાથી ડરતી મારી જાત મને આ શહેર સાથે જોડાવા નહોતી દેતી. મોટા શહેરમાં મુંઝવણો પણ મોટી, એમાંય અમુક મિત્રો સિવાય જાણીતું કહેવાય એવું કોઇ નહી. હર કોઇ ને શંકાની નજરે જોવાની આદત આ શહેરમાં આવતા જ જાણે ભેટમાં મળી ગઇ. એમાં પણ એક દિવસ સાંજના સુમારે પપ્પાનો મમ્મીની તબિયત ખરાબ હોવાનો ફોન મને એમની “સવારે આવજે” ની સલાહને અવગણવા પર લઇ આવ્યો અને હું મારું કામ પતાવી બૅગ ઉઠાવી 9:45 જેવું રેલ્વે સ્ટેશન પહોંચી. સ્ટેશન પર ભીડ હોવા છતાં રાતના મુસાફરી ન કરી હોવાના અનુભવે મને ડરાવેલી હતી પણ મમ્મીની યાદ આવતા જ મેં મન મક્કમ બનાવી ટિકીટબારી તરફ જવા માંડયુ. ટિકીટબારી પર જઇ મેં સુરતની ટિકીટનું પૂછ્યું અને એ સાંભળતા જ બાજુમાં ઉભેલા રોમિયો જેવા લાગતા યુવાને મારી સામે જોયું. તેને અવગણી આગળ વધતા પાછળથી અવાજ સંભળાયો- “એક્સક્યુઝમી, તમે સુરત જવાના કે?”. પાછળ ફરી જોતા એ જ યુવાન પૂછી રહૃયો હતો. “તમને મતલબ??” નો ઉધ્ધત જવાબ આપી એના રિએક્શનની પરવા કર્યા વગર હું આગળ વધી ગઈ.

ટ્રેનને આવવામાં હજુ 30 મિનિટ્સ બાકી હોવાથી સ્ટેશનનાં એક ખૂણામાં ભગવાનનું નામ લેતી અને “અજાણ્યા જોડે વાત નહી કરવાની અને એમાંય છોકરાઓ જોડે તો બિલકુલ નહી” ની મમ્મીની શિખામણને મનમાં ગણગણતી ઉભી રહી. પેલો રોમિયો ટાઇપ છોકરો હજુ પણ મારો પીછો કરતો હોય એવું લાગ્યું. થોડે દૂરના સ્ટોર પર ઉભા રહી એ અને એના મિત્રો મારી સ્થિતિ પર અથવા તો મેં આપેલા જવાબ પર હસી રહ્યા હતા કદાચ. “કેવા છે આ છોકરાઓ, એકલી છોકરી જોઇ નથી ને આવી ગયા હેરાન કરવા. મમ્મી સાચું કહેતી હતી જુવાન છોકરાઓથી દૂર રહેવાનું, વંઠેલ જ હોય બધા.” મનમાં એકસાથે આવા સેંકડો વિચારો રમી રહ્યા હતા.

ટ્રેન આવતાં જ General ડબ્બામાં ચઢતા લોકોની ભીડને વીંધતી હું અંદર પહોંચી. સ્ત્રીઓની પાંખી હાજરી અને અંદર બેઠેલા પુરુષોની એકસામટી નજરોએ મારી મુશ્કેલી વધારી. ઉપરથી મને સુરતનું પૂછનાર એ યુવાન પોતાના બીજા 2 દોસ્તો સાથે મારી પાછળ જ આવી ચઢ્યો. એમાંથી એકની ટક્કર વાગતાં મારું બેલેન્સ ખોરવાયું. જેમ તેમ કરીને જાતને સંભાળી એમને મનમાં ગાળો આપતી હું વિન્ડો સાઇડની સીટ ખાલી જોતા ત્યાં ખસી. મારો પીછો કરતી નજરો તરફના ગુસ્સા સાથે હું ચૂપચાપ બેગને ખોળામાં દબોચી બારી બહાર જોતી બેસી રહી એ હાશકારા સાથે કે બાજુમાં એક “અંકલ” જેવા પ્રૌઢ બેઠેલા છે પોતાની આંખો મીંચીને. એ ટોળકી હજુ ત્યાં જ ઉભેલી હતી કદાચ મને હેરાન કરવાના વિચારથી જ. મારી બાજુવાળા અંકલે થોડી વાર પછી મને પાણી માટે પૂછ્યુ અને મેં એક હળવી સ્માઇલ સાથે નકાર્યું. કલાક મારી રાહતનો વીત્યો એમાં જ બાજુમાં બેઠેલા એ અંકલે મારી બાજુ ખસવાનું ચાલુ કર્યુ. મને નવાઇ લાગી અને કદાચ ભૂલમાં ખસ્યા હોવાનું માની મેં અવગણ્યું. એ વધારે ખસ્યા ને હું અકળાવા લાગી પણ મોટી ઉંમરની શરમે મેં કાબુ રાખ્યો. પછી તો હદ થઈ ને એમણે અડપલા ચાલુ કર્યા. આઘાતના માર્યા હું કંઇ બોલુ એ પહેલા જ મારાથી થોડા ક્રોસમાં ઊભેલા અને નોટીસ કરી રહેલા પેલા રોમિયોછાપ યુવાને ટકોર કરી- “અંકલ, છોકરીને જોઇને પેટની સાઇઝ વધી ગઇ કે હજુ વધુ જગ્યા જોઇએ છે? સાંઠે બુધ્ધિ નાઠી લાગે છે. એકલી છોકરીને જોઇને લાળ ટપકાવતા શરમ નહી આવતી?” આ સાંભળી આજુબાજુના લોકો પણ મારી મદદે આવ્યા ને શરમના માર્યા એ અંકલ ઉભા થઇને જતા રહ્યા. પીછો કરતી નજરો એ પછી બીજે ગોઠવાઇ અને મને હાશકારો થયો. મનમાં ને મનમાં પેલા યુવાનને Thank you કહેવાનું નક્કી કર્યું. હજુ તો સુરત સ્ટેશન પર ઉતરી ત્યાં બાજુ પરથી આવી ચઢતા એ યુવાને ભીડ વચ્ચે ઝડપથી મારી બાજુ ફેંકેલા એ શબ્દો મેં આજેય વીણી રાખ્યા છે – “નજરોથી મપાતાં વ્યક્તિત્વ સાચાં નથી હોતા. ક્યારે મૂકેલો વિશ્વાસ અવિશ્વાસમાં અને અવિશ્વાસ વિશ્વાસમાં પલટાઇ જાય તે નક્કી નહી. માટે ધ્યાન રાખજો. ઉંમર ગમે તે હોય પોતાના માટે વિરોધ કરતા શીખવું જોઇએ અને હા, બધા સરખા નથી હોતા, Please“.

આટલા વર્ષોમાં આ મેગાસીટીએ આમ તો મને ઘણું બધું શીખવી દીધું છે, પણ લોકોને પોતાની નજરથી નહી સમજણથી માપવાની અને વિરોધ કરવાની શરુઆત મેં એ પ્રસંગ પછી કરી દીધી હતી. ઘણી બધી વાર જીવનમાં બનતા આવા નાના પ્રસંગો સ્મૃતિમાં કાયમ માટે છપાઇ જતા હોય છે જેને યાદ કરતાં જ ચહેરા પર એક હાસ્ય રેલાઇ આવે છે ખબર નહી કેમ. કદાચ આ ટેક્સી ડ્રાઇવર પણ મને એકલા હસતા જોઇને એજ મૂંઝવણમાં હશે હમણાં.

***

4 - ભિખારી

જાદવ હેતલ

સરસપુર શહેરની અંદર કરસનભાઇ જીવારામ નામે એક મોટી હોસ્પિટલ આવેલ છે. જ્યા઼ ગરીબોનો નજીવા ભાવે અને મફત માં ઇલાજ થાય છે. ગરીબો માટે તો એ સંજીવની રુપ જ છે. અને આ હોસ્પિટલ એક દીકરી એ પોતાના પિતા ની યાદ માં બંધાવી છે. એ પિતા કે જેને એ રોજ મળતી, રોજ જોતી રોજ જેનો ઈલાજ કરતી પણ જેને એ ઓળખી ના શકી. અને પોતે જ જાણે અજાણે એના મ્રુત્યુ નું કારણ બની. તમે સમજંયા નહિ. તો ચાલો આ હોસ્પિટલ બનવા પાછળ નો ઇતિહાસ કહું.

નામ હતું એનું સુલેખા મહેતા. રંગે ઉજળી અને સ્વભાવે બધાને પોતાના બનાવનારી. એ સુલેખા. બાવીસ વરસ ની ઉમરે જ્યારે એને કોલેજ પુરી કરી. ત્યારે એની મા એ એના લગ્ન એક સારા ઘરમાં કરાવી દીધા. એની મા એ એટલા માટે કેમકે એના પરિવાર મા માત્ર બે જ જણ સુલેખા અને એની મા. પિતા ને તો સુલેખા એ માત્ર તસવીર માં જ જોયા હતા. કેમકે એ નાની હતી ત્યારે જ એના પિતાજી એક અકસ્માત માં મ્રુત્યુ પામ્યા હતા. એવું એની મા એ કહ્યું હતુ. એટલે એની મા જ એના માટે સર્વસ્વ હતી.

એના સાસરીમાં પણ બધા જ એને બહુ જ પ્રેમ કરતા હતા. કેમ કે સુલેખા પોતાના સ્વભાવ થી બધાનું મન જીતી લીધું હતું. લગ્ન ના બીજા વરસે જ એક પુત્રી ને જન્મ આપ્યા પછી તો એનું માન ઘણું વધી ગયું હતું.

બધું સરસ જ ચાલી રહ્યું હતું કે એક દિવસ સુલેખા જ્યારે સવાર ના દસેક વાગ્યા ના સમય માં જમવા નું બનાવવા ની તૈયારી કરતી હતી ત્યાં ઘરના રસોડાની9 બારીમાંથી એક વ્રુદ્ધ માણસ ને જોયો. જેના માથા પર વાગેલા ઘા માં થી લોહી નીકળતુ હતુ. તો ય એ માણસ ને કંઇ પડી જ નહોતી. એની ઘરડી આંખો માં કોઇકને શોધી રહી હતી. સુલેખા ને એને જોઇને કંઇક વિચિત્ર લાગણી થઈ. એ પોતાને રોકી ના શકી. અને ઘા પર લગાડવા ની દવા ,પાટો અને સવાર ના બનાવેલા નાસ્તામાં થી થોડો નાસ્તો લઇને એની પાસે પહોંચી ગઇ. એ વ્રુદ્ધના ઘા પર પાટા પિંડી કરી. પેલો વ્રુદ્ધ પણ મુંગા મોએ પોતાની આંખો થી જાણે આશિર્વાદ વરસાવી રહી હતી. એ પછી એને નાસ્તો આપ્યો એટલે એ ત્યાંથી જતો રહ્યો.

હવે એ વ્રુદ્ધનો રોજ નો આ ક્રમ થઇ ગયો. એ વ્રુદ્ધ રોજ એ સમયે ત્યાં આવી જતો અને રોજ એના શરીર ના કોઇક ને કોઇક ભાગ પર થી લોહી વહેતુ જ હોય. અને સુલેખા પણ એને જોતા પોતાના બધા જ કામકાજ છોડીને એની સારવાર કરીને એને જમવા નું આપ્યા પછી જ બીજા કામો કરતી. હવે તો રસોઇ પણ એ વહેલી તૈયાર કરી દેતી જેથી કરીને એ વ્રુદ્ધ ને સારુ જમવાનુ આપી શકાય. ધીમે ધીમે સોસાયટીની બીજી સ્ત્રીઓ ની નજરમાં એ ખટકવા લાગ્યો. લોકો એને હડધુત કરતા જતા રહેવા માટે તો પણ જ્યાં સુધી સુલેખા આવીને એની સારવાર ના કરે ત્યાં સુધી એ ખસતો નહિ. બધી જ પડોશણો સુલેખા ની સાસુ ને સંભળાવવા લાગી કે આ તો સુલેખા એની સારવાર કરે છે એટલે નહિ તો હમણા જેલભેગો કરી દેત. આવા રોજ અવરજવર કરવા વાળા તો મોટાભાગે ચોર ના જાસુસ જ હોય છે. તમારે સુલેખા ને સમજાવવી જોઇએ કે આવા ભિખારીઓની પાટા પિંડી કરવામાં રોજ નો સમય ના બગાડે. સમય જોઇને સમજાવી દઇશ એમ વાત પતાવી ને એ ઘરમાં જતા રહ્યાં.

એના થોડા દિવસ પછી સુલેખા ના ઘરે કોઇક પ્રસંગ હતો. સુલેખા ની નણંદના સાસરીવાળા આવ્યા હતા અને બધાનું જમવાનું રાખ્યું હતુ. હજુ તો સુલેખા કંસાર રાંધવા ની તૈયારી કરતી હતી ત્યા એની નજર બારીમાંથી પેલા વ્રુદ્ધ પર પડી. આજે ફરી પાછું એની ચગદાયી ગયેલી આંગળીમાંથી લોહી વહેતુ હતું. સુલેખા જલ્દીથીધવા લઇ એની પાસે જવાની જ હતી ત્યાં એની સાસુ એ કહ્યું ,’અત્યારે જમવા નું બનાવવા ની જલ્દી છે ત્યાં તુ એની સારવાર કરવામાં સમય ક્યાં બગાડે છે. રોજ ઉઠી ને કંઇક ને કંઇક વગાડીને હાલ્યો આવે9 છે. જા જઇને રુપિયા આપીને કહી દે કે દવાખાને જાય. ષને હવે પછી અહિં આવે નહિ. નહિ તો અમારે એને જેલભેગો કરવો પડશે. ’

સુલેખા ને એની સાસુ ના આ શબ્દો કાળજે વાગ્યા. એને દુખ થયું અને એ દુખ ના લીધે એને પેલા વ્રુદ્ધ પર ગુસ્સો આવ્યો. અને એ ગુસ્સામાં પેલા વ્રુદ્ધ ની ઝાટકી નાખ્યો,’ શું તમે ય રોજ ઉઠીને ક્યાંક ને ક્યાંક વગાડીને હાલ્યા આવો છો ? આટલી ઉંમર થઇ તો ય પોતાની કાળજી રાખતા નથી આવડતું? પછી એની તરફ દસ રુપિયા ફેંકતા બોલી,’ લો આ દસ રુપિયા ક્યાંક સારી જગ્યાએ સારવાર કરાવી આવો. આજે મારી પાસે સમય નથી. અને કાલ થી અહિં આવતા નહિ. નહિ તો અમારે પોલીસ બોલાવવી પડશે. ’

એટલું બોલી એ ઘરમાં જતી રહી. અને પોતાના કામકાજ માં લાગી ગઇ. પેલો વ્રુદ્ધ ઉદાસ થઈ ને ત્યાંથી જતો રહ્યો. એ પછી તો આખો પ્રસંગ સરસ રીતે પતી ગયો. બધાએ સુલેખા એ બનાવેલા ભોજન ના ભરપેટ વખાણ કર્યા અને સુલેખા ના પણ

પણ સુલેખા ને તો એ વખાણ સાંભળીને ખુશી થતી નહોતી. કંઇક વિચિત્ર પ્રકાર ના અજંપા થી એનું મન ભરાઇ ગયું હતું. રાત્રે એના પતિ એ એની ઉદાસીનતા નું કારણ પુચ્છ્યુ તો કામ કરીને થાક લાગ્યો છે એમ કહીને વાતને ટાળી દિધી.

બીજા દિવસે સુલેખા એના પિયર ભાવનગર એની માને મળવા ગઇ. ત્યાં એની મા તો પોતા ની પુત્રી અને પોતાની દોહિત્રીને આવેલા જોઇને રાજી ના રેડ થઈ ગઇ. સુલેખા ને પણ મા ને મળી ને સારુ લાગ્યુ. એ બંન્ને જણા વાતો એ વળગ્યા.. થોડી વાર પછી સુલેખા એ કહ્યું ,’મા તારા હાથે બનાવેલા ગળ્યા પુડલા ખાવા ની બહુ ઇચ્છા થઈ છે. મને બનાવી આપ ને. ’

‘હા હા એ જ બનાવી દઇશ. મારી દીકરી આટલા દિવસો પછી ઘરે આવી છે તો હું એના માટે એટલું ય ના કરી શકું. ’એમ કહીને સુલેખા ની મા રસોડામાં જઇને તૈયારી કરવા લાગી. અને સુલેખા ઘરમાં ફરી ફરીને પોતા ની જુની યાદો ને વાગોળવા લાગી. એક પછી એક વસ્તુઓને જોતા જોતા એની નજર એક તસવીર પર પડી જે. એના પિતાજી ની બહુ જુની તસવીર હતી. જેના પર સુખડ નો હાર ચડાવેલો હતો. એણે ધારી ધારીને એ તસવીર ને જોયા કર્યું. પછી અચાનક બુમ પાડી,’મા,ઓ મા,જલ્દીથી અહિં આવ. ’

‘આવુ છું પહેલા મને આટલુ કામ પતાવી લેવા દે. ‘

‘બીજુ બધું પછી કરજે. તુ અત્યારે ને અત્યારે અહિં આવ. ’

‘શું થયું તે આટલી બુમો પાડીને ગામ ગજવે છે. ’એમ બોલતા બોલતા સુલેખા ની મા બહાર આવીને જુએ છે તો સુલેખા એના પિતાજીની તસવીર હાથમાં પકડીને ઉભી હતી. સુલેખાની મા ના ચહેરા પર જે ખુશી ના ભાવ હતા તે તરત જ બદલાઇ ગયા. અને એના સ્થાને ચિંતા અને ગભરામણ ના ભાવ આવી ગયા. તો ય કંઇ ના બન્યુ હોય એ રીતે પુછ્યું ,’શું થયું કેમ મને આ રીતે બોલાવી લીધી. ? ‘

‘મારે તને એક પ્રશ્ન પુછવો હતો. ’સુલેખા ની મા એ કહ્યું.

‘બચપણ થી લઇને આજ સુધી તે મને હંમેશા કહ્યું કે મારા પિતાજી હયાત નથી. અને મે માની લીધું. પણ તે ક્યારેય એ વાત નો ઉલ્લેખ નથી કર્યો કે એ કેવી રીતે મ્રુત્યુ પામ્યા હતા. કેમ?’

‘એવું થોડી હોય કર્યો હશે પણ તને યાદ નહિ હોય. ’સુલેખા ની મા એ કહ્યું.

‘સારુ ,તુ કહે છે તો એ પણ માની લઉં છું કે મને યાદ નહિ રહ્યું હોય. હવે કહી દે કે એ કેવી રીતે ગુજરી ગયા હતા? ‘

‘એ તો એક બસ એક્સિડન્ટ માં મ્રુત્યુ પામ્યા હતા. હવે તું એમના વિશે પ્રશ્રો પુછીને મને હેરાન ના કરીશ.. અને મને મારુ કામ કરવા દે. ’એમ કહીને સુલેખા ની મા રસોડા માં જવા લાગી. પણ સુલેખાએ માનો હાથ પકડીને એને રોકી લીધી અને કહ્યું , ‘મને એવુ લાગે છે કે પિતાજી વિશે તુ કંઇક છુપાવે છે. તને મારા સમ છે મા. એમના વિશે સત્ય નહિ કહે તો તું મારુ મરેલું મો જોઇશ. ’

આ સાંભળીને સુલેખા ની મા રડવા લાગી. અને કહ્યું , ‘એવું ના બોલ,અમારા માટે જે કંઇ છે એ તુ જ છે. તારા સિવાય અમારુ બીજું કોણ છે ?અમે બંન્ને એ જે કંઇ પણ કર્યું એ તારા માટે જ કર્યું છે. ’

‘ તમે બંન્ને એ ?તુ કહેવા શું માગે છે સાફ સાફ કહેને. ’

‘શું થયું હતું એ હું તને સમજાવું છુ. હું અને તારા બાપુજી પરણીને શાંતિપુર માં ગયા હતા. ત્યાં તારા બાપુજી શિક્ષક હતા. તારા બાપુજી મને ખુબ જ પ્રેમ કરતા હતા. ત્રણ વરસ પછી તારો જનમ થયો. એટલે તારા બાપુજી ને તુ બહુ વ્હાલી હતી. બધું સરસ ચાલી રહ્યું હતું. જીવન એક શાંત નદીની જેમ વહી રહ્યું હતું. ત્યાં એક દિવસ એ ગામ ના માથા ભારે જમીનદાર દુર્જનસિંહની નજર મારા પર પડી. એ ગામ ની ઘણી બધી સ્ત્રી ઓની આબરુ લુંટી હતી. પણ એની સરપંચ અને બધા સાથે પહોંચ હોવાથી કોઇ એનું કંઇ બગાડી જ નહોતા શકતા. પોલીસ પણ એમની વિરુધ્ધ ક્યારેય કોઇ ફરિયાદ લેતી નહોતી.. મને અને તારા પિતાજીને ખબર હતી. અને એટલે જ હું ઘરની બહાર ઓછું નીકળતી. પણ તો ય કમનસીબે એક દિવસ એની નજર મારા પર પડી. અને ત્યાર થી એ એજ લાગમાં રહેતો હું ક્યારે ઘરે એકલી પડું. એ દિવસોમાં તું બહુ બિમાર થઈ ગઇ. અને એમને એ દિવસે શાળા ના કામકાજે થી આવતા ઘણું મોડું થઈ ગયુ. હું ઘરે એકલી હતી. અને ખબર નહિ ક્યાં થી ખબર પડી ગઇ.

દુર્જનસિંહ ઘરમાં ઘુસી આવ્યો અને મારી પર બળાત્કાર કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. અને એ જ સમયે તારા બાપુજી આવી ગયા. મારી સાથે બળજબરી કરતા એમણે જોયુ અને એમણે મને બચાવવા માટે થઈ ને દુર્જનસિંહ ને ચાકુ મારી દિધું. અને ત્યાં સુધી એના પર ઘા કરતા રહ્યાં જ્યાં સુધી એના પ્રાણ ના જતા રહ્યાં પણ જ્યારે એમને ભાન થયું કે એમણે શું કરી નાખ્યું છે ત્યારે એમણે મને કસમ આપીને કહ્યુંખે હું ગામ છોડીને જતીરહું. અને જ્યાં પણ જઉં ત્યાં લોકો ને મારી ઓળખ વિધવા તરીકે જ આપુ. કે જેથી કરીને તારુ ભવિષ્ય ના બગડે. અને એની વહેલી સવાર ની આવતી ટ્રેન માં હું બેસી ગઇ. અને એ ટ્રેન થી હું રાજકોટ થઇને ભાવનગર આવતી રહી.. કડવા ચોથ ના દિવસે તને મુકીને હું જતી રહેતી તને યાદ છે તુ મને પુછતી પણ ખરી પરંતુ હું વાત નો જવાબ આપવા નું હંમેશા ટાળી દેતી. હું તારા પિતાજીને મળવા જતી.

હમણાં એક મહિના પહેલા એ જેલમાંથી એમની સજા પુરી કરીને અહિં આવ્યા હતા. સાવ નખાઇ ગયા હતા. તારો ફોટો અને સરનામું લઇ ગયા હતા. મને એમણે ના પાડી દીધી હતી જેથી મે તને કંઇ જણાવ્યું નહિ. મને એમણે કહ્યું હતું કે એકવાર તને જોઇને એ પાછા મને મળીને જશે પણ હજુ સુધી મને મળવા આવ્યા નથી. એટલે મને બહુ જ ચિંતા હતી પણ તારા આવવાથી મને ઘણું સારુ લાગ્યું હતું.. ’

સુલેખા એ પોતાની મા ને શાંત કરતાં કહ્યુ ,’રડ નહિ મા. અને તારે માફી માગવા ની જરુર નથી. તે જે કંઇ પણ કર્યું છે એ મારા માટે કર્યું છે. પણ હું એમને ઘરે લઇ આવીશ. અને હવે થી તમે બંન્ને સાથે જ રહેશો. મને ખબર છે એ ક્યાં હશે?હું અત્યારે જ પાછી મારા સાસરે જાઉં છું. કદાચ હજુ ય એ મારી રાહ જોતા હશે. ’

સુલેખા એ દિવસે જ પોતા નો સામાન પેક કરીને પાછી સરસપુર પહોંચી ગઇ. ત્યાં એને જોઇને બધા રાજી રાજી થયા ગયા. સુલેખા તો આતુરતા પુર્વક બીજા દિવસ ની સવાર પડવા ની રાહ જોઇ. આખી રાત પડખા ઘસવા માં જ કાઢી નાખી. બીજા દિવસે સવાર થી જ એ વ્રુદ્ધ ભિખારી ની રાહ જોવા લાગી. પણ સવાર ના દસ વાગ્યે તો સુલેખા બારીમાં જ મીટ માંડી ને ઉભી રહી. પણ ધીમે ધીમે અગિયાર વાગ્યા તોય એ ના દેખાવાથી સુલેખા બેચેન બની ગઇ. બપોરના એક વાગ્યે બધું કામ પતાવી ને સુલેખા બાજુ ના ઘરે કોકિલાબેન ને ત્યાં ગઇ. અને વાત વાતમાં પુછી લીધું કે પેલા વડીલ જે ની હું રોજ સારવાર કરતી હતી એ આજે ક્યાંય દેખાયા નહિ. ક્યાંક વધુ બિમાર તો નથી થઈ ગયાને. ?કે પછી એ દિવસે મે કાઢી મુક્યા એટલે નારાજ થઈ ને ક્યાંય ચાલ્યા ગયા છે. તમને કંઇ ખબર છે?’

કોકિલા બેને અફસોસ કરતા કહ્યું , ‘અરે ,એ બિચારા વ્રુદ્ધ સાથે તો બહુ ખરાબ થયું. તે એ દિવસે કાઢી મુક્યા એમને પણ એ બહુ દુખી થઈ જતા હતા ત્યાં કાળકામાના મંદિર આગળ થી જે વળાંક આવે છે ને ત્યાં ના હાઇવે ઉપર એક ટ્રક વાળાએ એમને હડફેટે લીધા. ને એ બિચારા તો ત્યાં જ મ્રુત્યુ પામ્યા. મરતાં મરતાં કંઇક કહેવા માગતા હતા પણ કહી ના શક્યા. એમના હાથમાં થી એક નાની બાળકીનો ફોટો મળ્યો હતો. કદાચ એમની દીકરી હોય. પણ મને બહુ દુખ થયું હતું એટલે મે એ ફોટો સાચવી લીધો. ’એમ કહી કબાટ ખોલીને એ ફોટો સુલેખાના હાથમાં મુકી દીધો.

સુલેખા આ સાંભળીને જોરજોરથી રડવા માંડી. એને રડતા જોઇને બધા ભેગા થઇ ગયા. સુલેખા એ રડતા રડતાં બધાને સત્ય જણાવ્યુ. ત્યારે બધાની આંખમા આંસુ હતા.

સુલેખા ની ઇચ્છા ને માન આપીને જ એના સાસુ સસરા એ સુલેખા ના પિતા ની યાદ માં આ હોસ્પિટલમાં બંધાવી જેથી કરીને દરેક ગરીબ દર્દીને સારવાર મળે અને સુલેખા ના પિતાજી ની આત્મા ને શાંતિ. આજે પણ હોસ્પિટલ ના પ્રાગણમાં જ સુલેખા ના બાપુજી ની પ્રતિમા છે અને પ્રતિમા ની નીચે સુલેખા ની જીવન કથા. જેથી કરીને બધાને પિતા ના પુત્રી માટે ના પ્રેમ અને બલિદાન ની ખબર પડે. સુલેખા અચુક આ હોસ્પિટલમાં આવે છે ને પહેલા એ કથા વાંચે. અને પછી દર્દીઓ ની સેવા માં લાગી જાય છે.

***

5 - માતૃભાષા

વિરલ ચૌહાણ આરજુ

આશિતને હું વ્યક્તિગત રીતે જ ઓળખું છું. ઘણો જ હોંશિયાર અને મળતાવડો છોકરો. થોડો ઘણો બોલકો, એટલે તેના ગુણ છતાં થયા વગર રહે જ નહિ. માબાપનો એકનો એક છોકરો એટલે પાછો લાડકો પણ!!!! એટલો જ શાળામાં દોસ્તો અને શિક્ષકોને પણ તેટલો જ પ્રિય. શાળાની વાર્ષિક પરીક્ષામાં હંમેશા તે પ્રથમ આવતો. નબળા વિદ્યાર્થીઓને પોતે જ રસ લઈને રિસેસમાં કે ફ્રી પિરિયડમાં ભણાવે. ગણિત તેનો મનપસંદ વિષય પણ અંગ્રેજીમાં થોડો પાછળ. ગરીબ વિદ્યાર્થીઓને પોતાના ખિસ્સા ખર્ચીમાંથી ક્યારેક નાસ્તો પણ કરાવડાવે.

દસમા ધોરણનું પરિણામ આજે જાહેર થવાનું હતું, જેથી વાતાવરણ થોડું ગરમ હતું. વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્ય કરતા વધુ માતા પિતાનો વધુ ડર લાગતો હતો !!! જયહિન્દ શાળાનું પરિણામ પણ આજે જાહેર થયું ૯૭ % પરિણામ આવ્યું હતું અને હંમેશ મુજબ આશિત શાળાના અ બ ક ડ એમ ૬૦ ૬૦ વિદ્યાર્થીઓના ક્લાસમાંથી ૮૬ % સાથે પ્રથમ આવ્યો હતો. મેં જયારે આશિતનું પરિણામ પત્રક હાથમાં લીધું તો થોડી દંગ રહી ગઈ ગણિતમાં ૧૦૦ માંથી ૯૨ ગુણ મેળવ્યા હતા !!!! પણ અંગ્રેજીમાં ૪૫ ગુણ જ મેળવી શક્યો હતો, બાકી ઈતર વિષયોમાં સરેરાશ ૮૦ ૮૨ % ગુણ આવ્યા જ હતા. જો અંગ્રેજીમાં પણ જો આમ જ સારા ગુણ આવ્યા હોત તો આશિત ચોક્કસ ૯૦ થી ૯૫% સાથે મેરીટમાં આવત. મેં વિચાર ખંખેરીને તેને અભિનંદન આપ્યા. દીદી દીદી કહેતો તે મને વળગી જ પડ્યો અને તે બહુ જ ખુશ હતો ખુશ તો હું પણ હતી ૮૬% કઈ ઓછા તો કહેવાય નહિ ને ? તેણે ખુશ થઈને મારા મોં માં મલાઈદાર એલચીની ખુશ્બોવાળો પેંડો મોં માં પધરાવી દીધો. હું સ્વાદ મમળાવતી મમળાવતી તેની મમ્મી રંજનબેનને મળી તે પણ બહુ જ ખુશ હતા. પાંચ દસ મિનિટ તેમની સાથે વિતાવીને હું ઓફિસ જવા નીકળી પડી, નીકળવું પડે તેમ હતું કારણ કે જેટલી જલ્દી ઓફિસ જાવ તેટલો જ વધુ સમય હું લેખન કાર્યને આપી શકું એમ તો આખા દિવસમાં જયારે પણ સમય મળે હું લખતી જ રહું છુ પણ સવારનો સમય વધુ સારો લાગે લખવા માટે.

આશિતને હું લગભગ ત્રણ ચાર વર્ષથી ઓળખતી હતી. એક દિવસ તેની શાળા પાસેથી પસાર થઇને ઓફિસ તરફ જઈ રહી હતી અને ગેટ પાસે તે એક ગલૂડિયાને પોતાના ડબ્બામાંથી બિસ્કિટ કાઢીને ખવડાવી રહ્યો હતો. મને તે જોવું ખુબ ગમ્યું હું જે જોઈને હસી તે પણ મારી સામે હસ્યો . મેં તેને સહેજે કહ્યું, “હવે તું શું ખાઈશ રિસેસમાં ?” તે તરત જ બોલ્યો, “અડધા ભાગના બિસ્કિટ એના અડધા ભાગના મારા.” મને તેનો જવાબ ખુબ જ ગમી ગયો. આમ ઓફિસ જતા ઘણી વાર તે તેના દોસ્તો સાથે ઉભો ઉભો ધીંગા મસ્તી કરતો હોય. આમ જ એક બે વાર તેની મમ્મી સાથે જોયો પછી તેની મમ્મી સાથે હાસ્યની આપ લે અને આમ ધીરે ધીરે સંબંધ આગળ વધ્યો હતો. એક બે વાર રંજન બહેને ઘરે આવવા આમંત્રણ આપ્યું અને પછી તેમના ઘરે જવાનો સિલસિલો ચાલુ થઇ ગયો.

દસમા ધોરણના પરિણામની જાહેરાત થઇ પછી રંજન બહેન થોડી ચિંતામાં જણાયા હતા. આશિતનાં પપ્પા મયુરભાઈ પટ્ટાવાળાની નોકરી કરતા હતા, તેથી આર્થિક સ્થિતિ તો સ્વાભાવિક રીતે જ સામાન્ય કરતા સામાન્ય રહેવાની. જો કે આશિતનાં ગુણને કારણે કોલેજમાં ડોનેશન ભરવાનું કોઈ ટેંશન ના હતું, પણ છોકરો કોલેજમાં આવે એટલે તેની ઉંમર અને લોકોનું જોઈને ખર્ચો તો વધે જ ને. હવે આશિત કોલેજમાં આવી ગયો એટલે મારે તેને મળવાનો નિત્યક્રમ તૂટ્યો હતો. હું તે શાળા પાસેથી પસાર થતી ત્યારે આશિતને યાદ કરી લેતી.

ત્રણ ચાર મહિના પછી હું તેના ઘરે ગઈ ખાસ આશિતને મળવા. રંજન બહેને હંમેશની જેમ જ મારી સામે ચા અને નાસ્તાની પ્લેટો મૂકી દીધી મેં કહ્યું પહેલા તો હું આશિતને મળીશ પછી નાસ્તાનો વારો. પણ ચા ને ના ન પડી શકી !!!! મેં કપ હાથમાં લીધો તો આશિત કેમ છે કેવી ચાલે તેની કોલેજ ? હવે તો હીરોની જેમ ફરતો હશે ને ? ક્યારે આવશે ? દોસ્તો સાથે ફરવા ગયો છે કે ગર્લફ્રેન્ડ સાથે !!! ? રંજન બેહેન કઈ જવાબ આપે એ પહેલા એક ફોન આવ્યો અને તે વાત કરવામાં વ્યસ્ત થઇ ગયા . દસ મિનિટ પછી રંજન બહેનની વાત પુરી થઇ અને સાથે જ આશિત ઘરમાં દાખલ થયો અને હું દંગ થઇ ગઈ તેને જોઈને. તેનો ચહેરો નિસ્તેજ દેખાતો હતો, થોડો ઘણો થાકેલો પણ હતો, કપડાં પણ થોડા અસ્તવ્યસ્ત . તેને મેં આવો ક્યારેય જોયો નહોતો. હંમેશા ખુશ રહેતો, લોકોને મદદ કરતો છોકરો મને જોઈને દીદી કહીને ભેટી પડતો છોકરો આમ સાવ લેવાય ગયો હોય તેમ લાગ્યું. મેં માંડ માંડ મારુ આષ્ચર્ય ખાળ્યું અને પ્રશ્ન કર્યો કેમ ચાલે તારી કોલેજ ? તું તો બહુ જ વ્યસ્ત થઇ ગયો છે ગર્લફ્રેન્ડ્સમાં તે ચૂપ જ રહ્યો હું આગળ વધી કેમ કોઈ સાથે સાથે ઝગડો થયો છે કે આજે ? તે ફક્ત એટલું જ બોલ્યો, “ દીદી મને કોલેજમાં નથી ગમતું.” મને ખુબ જ અચરજ થયું. આશિત આગળ વધ્યો , “ બધું ઇંગ્લીશમાં જ ભણવાનું મને નથી ફાવતું. “ ઓહ્હ એમાં શું ધીરે ધીરે ફાવી જશે મેં તેને દિલાસો આપ્યો તેના તરફથી કઈ ઉત્તર ના મળ્યો અને તે ઉઠીને જતો રહ્યો. હવે મેં રંજન બહેન સાથે વાત ચાલુ કરી, આશિત હોશિયાર છોકરો છે એટલે ચિંતા ના કરો, ઇંગ્લિશ ભાષા પર પ્રભુત્વ મેળવી લેશે આમાં ચિંતા કરવા જેવું કઈ નથી તેમણે તેમની આદત મુજબ મને ઠાલું સ્મિત આપ્યું. મારે ઓફિસ જવાનું હતું માટે વધુ બેસી ના શકી. મારા દિમાગમાં આશિતની ગુણ પત્રિકા તરી આવી. તેને અંગ્રેજી ભાષામાં ૪૫ ગુણ જ મળ્યા હતા …… મેં મનને મનાવ્યું હશે ભાઈ એમાં નવું શું છે આશિત કઈ એકલો છોકરો થોડો જ છે જે અચાનકથી અંગ્રેજી ભાષાથી ડરી ગયો ધીરે ધીરે શીખી જશે બાકી દિમાગથી તો તેજ છે જ . થોડા વખત પછી હું ફરી આશિતને મળવા તેના ઘરે ગઈ. આ વખતે તો તેની માટે મેં બે કલાક ફાળવ્યા હતા. ઓફિસ જવાની ઉતાવળ ના હતી હું તેની બાજુમાં બેસી અને માંડીને વાત કરી, “ બોલ જોવ કેવી ચાલે છે તારી કોલેજ લાઈફ?” તે નીચું જોઈ ગયો, “ મને ભણવામાં જરાયે મજા નથી આવતી, સમજ જ નથી પડતી.” મેં તેને પાનો ચડાવ્યો, “ લે ભાઈ ,કોમર્સ કઈ એટલો કઠણ વિષય નથી કે તને ખબર ના પડે!!!! ઇકોનોમિક્સ, ઓર્ગનાઈસેશન ઓફ કોમર્સ, સેક્રેટેરીઅલ પ્રેકટીસ, એકાઉન્ટ્સ જેવા વિષયોની સમજ આપી તે કુતુહલથી સાંભળી રહ્યો. તે તરત ઉભો થયો તેના પુસ્તકો લઇ આવ્યો; “ દીદી આ બુકનો એક ચેપટર સમજાવોને.” મેં તેની ઉત્સુકતા બરાબર નોંધી અને એક ચેપટર સમજાવ્યો તે ઘણો જ ખુશ થયો, “ દીદી મને કોલેજમાં બધું ઇંગ્લિશ હોય તેમાં મુંજારો થાય છે એક તો સમજુ નહિ તેમાં સર અને મેડમ ઇંગ્લીશમાં ફડફડાટી કરે મારે તો એક વાક્ય બોલવામાંયે વાંધા પડી જાય છે હું સમજુ ય નહિ તેમાં તો મજા કેમ આવે ? મારી આજુ બાજુ બેસેલા કેટલાકનો આ વાંધો છે પણ એ લોકોને લેક્ચરમાં બેસવું હોય તો બેસે નહિ તો બંક કરી નાખે હું સુન મુન બેસી રહું .” અચાનક તેની આંખો ચમકી પણ મને એકાઉન્ટ્સ બહુ ગમે છે જુઓ કરતાં મને લેંજર્સવાળી બુક દેખાડી ઘણા પ્રોબ્લેમ્સ સોલ્વ કર્યા હતા હું સમજી ગઈ કે લોજીક લગાડીને આશિત પ્રોબ્લમ સોલ્વ કરી શકે છે પણ જ્યાં ભાષાનો સવાલ આવે છે ને તે હારી જાય છે. મેં તેને એક એક વાક્ય શાંતિથી વાંચીને સમજવાની શિખામણ આપી અને તે પણ કહ્યું કે રોજે ઘરે આવીને બધું વારં વાર વાંચી જવું. હું થોડા થોડા દિવસે આશિતને ફોન કરીને તેના ખબર પૂછી લેતી.

પ્રથમ સત્રની પરીક્ષામાં આશિત નાપાસ થઇ ગયો!!!!! એકાઉન્ટ્સમાં ૭૫ ગુણ મળ્યા હતા અને બાકી બધામાં ૨૦ -૨૫ જેટલા . એક હોનહાર છોકરો જે દસમા ધોરણમાં ટોપ કરે એ નાપાસ થઇ જ કેમ શકે???? એક હોનહાર, હોશિયાર વિદ્યાર્થીનું ભવિષ્ય ફક્ત એક ભાષાને કારણે બરબાદ થઇ જાય તેનાથી ખરાબ શું હોઈ શકે ?? ફરી થોડો સમય કાઢીને હું આશિતનાં ઘરે ગઈ અને રંજન બહેન સાથે વાત કરી આશિતને થયું શું છે આવું પરિણામ આવે જ કઈ રીતે ? હોશિયાર છે એ એક ભાષા પર તો પ્રભુત્વ મેળવી જ શકે આ કઈ નવું નથી, શાળામાં પણ તો અંગ્રેજી હતું જ ને ? રંજન બહેન પણ મુરજાયેલા હતા તેઓ બોલ્યા, “વાત તો સાચી છે પણ આશિતને ફાવતું જ નથી, કોલેજમાં લોકો ઇંગ્લીશમાં વાતો કરે જયારે અહીં એક વાક્ય પણ બોલવામાં વાંધા હા આટલા વખતમાં તે હવે ઇંગ્લિશ થોડું ઘણું સમજી શકે છે પણ જ્યાં બોલવાનો વારો આવે તે નર્વસ થઇ જાય. ઘણું ખરું તો તે લોકોની સામે લઘુતાગ્રંથિથી પીડાઈને પાછો પડી જાય કે ના આ તો મને નથી આવડતું અને જો બોલીશ તો લોકો મારી ઠેકડી ઉડાડશે અને એમ વિચારીને લોકોમાં ભળતો પણ નહિ.

આશિતને શાળામાં અંગ્રેજી વિષયમાં દરેક ચેપટરનો ગુજરાતીમાં અનુવાદ કરી સમજાવતા. ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ માટે કેવી રીતે વાક્ય બનાવવા તે સમજાવવામાં આવતું. ના આવડતા શબ્દોનું એક લિસ્ટ બનતું અને ડીક્ષનરીની મદદથી ઉકેલ મળતો, જયારે કોલેજમાં દેખીતી રીતે જે એવું કઈ ના હતું. બધા જ વિષયો અંગ્રેજીમાં. હવે તદ્દન નવા વિષયો પાછી ભાષા પણ બદલાઈ ગઈ આશિત ભાષા શીખે કે વિષયનું જ્ઞાન મેળવે તેને ઘણો જ મૂંઝારો થતો.

આબોહવાને અનુરૂપ ના હોવા છતાંયે આપણે દેખાવા ખાતર ભારતીય પુરુષો સૂટ પહેરે છે એ તો જાણે તમાચો મારીને ગાલ લાલ રાખવા બરાબર છે આજકાલના યુવાનો જીન્સ પહેરે છે તે પણ આપનો પોશાક નથી હકીકતમાં તો યુરોપ જેવા ઠંડા પ્રદેશના ભરવાડો બે ત્રણ મહિના સુધી ઘનઘોર જન્ગલમાં ગાય બકરી ઘેંટા ચરવા જ્યાં જાય ત્યારે કાંટાળા થોર અને તેના જેવી વનસ્પતિથી બચવા માટે પહેરતા હોય છે. આવો આંધળું અનુકરણ કરવાનો શું મતલબ ?

ફરી આપણે આશિતની વાત પર આવીયે તો ભલે તે પહેલી પરીક્ષામાં નાપાસ થયો બીજી પરીક્ષામાં તે બાજી સંભાળી પણ લે પણ તે કઈ ફરી ૮૦ ટક્કા તો સ્વાભાવિક રીતે જ નહિ લાવી શકે કારણ કે અહીં તો ભાષા અગ્ર સ્થાને છે આવડત અને જ્ઞાન નહિ!!!! તો અહીં આશિતની આવડતનું શું ? તેના સપનાનું શું ? શું તેના પપ્પા પટ્ટાવાળાની નોકરી કરે છે તેમ તે પણ ઓછા ટક્કાને કારણે બીકોમ પછી એવી જ નોકરી કરશે ? ઓછા ટક્કાવારી સાથે તેને દેખીતી રીતે જ સારી નોકરી મળવામાં મુશ્કેલી આવશે વળી નોકરી માટે ઇન્ટરવ્યૂમાં પણ અંગ્રેજીમાં જ તો વાતચીત કરવાની રહેશે બિચારો આશિત કેમ કરીને સારી નોકરી મેળવશે ? અને આપણા ભારત દેશમાં આમ જ ધનવાન અને ગરીબ વચ્ચે ભેદરેખા બનતી રહેશે ?

માતૃભારતીના વાચકમિત્રો જે વ્યવસાય કરે છે અને લોકોને રોજગાર આપે છે તેમને મારી ખાસ વિનંતી કે ઇન્ટરવ્યૂમાં ફક્ત અંગ્રેજી ભાષાનું જ્ઞાન ના ચકાસતા તેમનામાં રહેલી આવડત પર જો ધ્યાન કેન્દ્રિત કરશો તો તમને જ સારામાં સારો કામગાર મળશે. જો આવું બધે જ થાય તો યાદ રાખો અંગ્રેજી ભાષા આપણી પર પ્રભુત્વ જમાવી જ નહિ શકે. એક ખાસ વિનંતી કે મારો અંગ્રેજી ભાષા સામે વિરોધ નથી પણ દુઃખ એ વાતનું છે કે પરદેશી ભાષાને કારણે આપણે ઘણા આવડતવાળા યુવાનનું ભવિષ્ય બગાડી રહ્યા છીએ.

મારી જ વાત કરો તો હું મારુ અંગ્રેજી સારું છે પણ તેના કારણે હું કે જોબ જ કરી શકું છું પણ મારી માતૃભાષા ગુજરાતીને કારણે જ આજે મને માતૃભારતી પર લેખ લખવાનો મોકો મળે છે હું મારા વિચારો દેખીતી રીતે જ માતૃભાષામાં પ્રસ્તુત કરી શકું છુ અને તેને કારણે જ મને એક લેખક તરીકે પ્રસિદ્ધિ મળી છે દેશ વિદેશથી વાંચકો મને મારા નામથી ઓળખે છે. જો માતૃભારતી ફક્ત અંગ્રેજી લેખ જ સ્વીકારતા હોય તો હું આ લેખ લખવા સમર્થ હોત જ નહિ !!!

જનગણમન ગાઈને જેટલું સન્માન આપણે ભારતને આપીયે છીએ તેટલું જ માતૃભાષા બોલીને પણ આપી શકાય છે !!!

***

6 - "રાહ"

હાર્દિક રાવલ

એનું નૃત્ય પૂરું થતાં જ આખો હોલ તાળીઓ ના ગડગડાટ થી ગુંજતો હતો. વિદ્યાર્થીઓ 'વન્સ મોર' ની બુમો પાડતા હતા. એ હજી પણ નર્વસ હતી. એની આંખો સામે બેઠેલા વિશાળ પ્રેક્ષક ગણ માં મને શોધી રહી હતી. કોલેજ ના પહેલા જ વરસ માં અને પહેલા જ મહિના માં એણે એક ફંકશન માં સ્ટેજ પર કથ્થક નૃત્ય કર્યું હતું, પારંગત હતી તે તેમાં.

કોલેજ માં મારા સિવાય એની કોઈ સાથે વાતચીત થતી ના હતી, તે સ્વભાવે શરમાળ પણ ! એટલે જ તો એ નૃત્ય કર્યા પછી એની આંખો મને શોધી રહી હતી.

અમે બન્ને આજુબાજુ માં રહેતા. અમારા બન્ને ના ઘર ના સબંધો પણ સારા હતા. અમારું અવારનવાર એકબીજા ના ઘરે કામ થી જવાનું થતું, પણ અમે ઘરે વાત ન કરતા, જાણે એકબીજા ને ઓળખતા પણ ના હોય તેમ વર્તતા. તેનું એક માત્ર કારણ એ હતું કે અમે રહેતા એ શહેર જ વિશાળ હતું, ત્યાં રહેનાર લોકો ની માનસિકતા બહુ જ ટૂંકી / સંકુચિત હતી. તેથી કોલેજમાં જ અમે વાતો કરતાં. કોલેજ કાળ દરમિયાન અમે બેસ્ટ ફ્રેન્ડ બની ગયેલા અને ક્યારે આ મિત્રતા પ્રેમ માં પરિણમી એનો અમને ખ્યાલ પણ ન હતો. અમારી બે અલગ દુનિયા હતી જાણે ! ઘરે અલગ અને કોલેજ માં અલગ.

ખુબજ મસ્તી મજાક, પ્રેમભરી વાતો કરી હતી, પ્રેમ ભરી યાદો કેળવી હતી. જોત જોતામાં કોલેજકાળ ના આ સુંદર ત્રણ વરસ પણ વીતી ગયા. કહેવાય છે ને કે સારો સમય હંમેશા ટકતો નથી તેવી જ રીતે અમારો પણ આ સારો સમય પસાર થઈ ગયો હતો.

એકદિવસ સમાચાર મળ્યા કે એના પિતા ની બદલી થઈ બીજા રાજ્ય માં, આ સાંભળતા જ અમારા બન્ને પર આભ તૂટી પડેલું ! જેમતેમ કરી ને એકવાર મળવા નું થયું - ઘર થી દુર, તેણે કહેલું 'રાહજોજે મારી, હું પાછી આવીશ'. અને તે લોકો જતા રહેલા.

મેં મારા ઘરમાં થતી મારી લગ્ન ની વાતો ફગાવી અને એની રાહ જોવા નું યોગ્ય માન્યું. સમય પસાર થયો, એક વરસ..... બે વરસ... ત્રણ વરસ.... તે ના આવી પાછી. હું રાહ જોતો રહ્યો, ના તે આવી કે ના તેની કોઈ ખબર. બીજું કોઈ સંપર્ક નું સાધન પણ ન હતું એ સમયે ! રાહ જોવા માં અને રાહ જોવામાં બે બીજાં વરસ વીત્યા. હું હવે હાર માની ચુક્યો હતો. નોકરી ચાલું કરેલી, ડબલ શિફ્ટ કરતો, સિગારેટ-શરાબ ની આદત પણ લાગેલી મને ! મારા મગજમાં થી તેની યાદ ભુલાવવા માટે પૂરતા પ્રયત્નો કરતો પણ જેટલા હું પ્રયત્નો ભૂલવાના કરતો એટલી જ તે વધારે યાદ આવતી !

એક દિવસ મમ્મી એ કહેલું કે બાજુવાળા પટેલ ભાઈ આવે છે મકાન ની ડીલ કરવા તો તેમનું ફેમિલી પણ આવશે છેલ્લી વખત. મારા હૃદય ને એક અલગ પ્રકારની જ શાંતિ મળી. હું એને મળીશ પુરા પાંચ વરસે. હું ખુશ હતો, એકલો હસતો, એકલો નાચેલો આખો દિવસ. બીજા દિવસે સવારે વહેલા ઉઠી ગયેલો, નાહી ધોઈ ને મોંઘુ બોડી સ્પ્રે લગાવેલું, હીરો બની ગયેલો અને ઓફિસે રજા પણ લીધેલી.

સવારથી જ બારી પાસે બેસી ને બારી માંથી તેના ઘર તરફ જોતો રહ્યો, મારી આતુરતા / ઉત્સાહ વધતો જતો હતો. મારા હૃદય ના ધબકારા તેને જોવા ના વિચાર થી જ વધી ગયેલા. હું બેઠો રહ્યો આખો દિવસ બારી માં, ફરીવાર એકવાર નિરાશા સાંપડી ના તે આવી કે ના તેનો પરિવાર.

"મારી રાહ જોજે, હું પાછી આવીશ" મને આ જ સંભળાયા કર્યું આખો દિવસ. હું હવે હિંમત હારી ગયો. ખાટલા માં જઈ ને સૂઈ ગયેલો.

મોડી રાત્રે અચાનક તેના ઘરે લાઈટ થયેલી જોયેલી અને તેના ઘર ની બહાર તેમની ગાડી પણ ઉભેલી જોયી, મારી ખુશી નો પાર ન રહ્યો. હું ખુશી ને ખુશી માં સુઈ ના શક્યો, ત્યાંજ બેસીને તેના ઘર તરફ જોઈ રહેલો, સવાર પડવાની રાહ જોતો હતો હું ત્યાં બેસી ને. વહેલી સવારે મારુ ધ્યાન ગયું તેનો પરિવાર ગાડી માં બેસી રહ્યો હતો, મારી આંખો તેને ગોતી રહી હતી પણ તેના ચહેરા ની ઝલક ના દેખાણી, ખાલી પાછળ થી તેને જોઈ શક્યો. ત્યાં તો ગાડી ઉપડી, હું ઘરની બહાર નીકળીને ગાડી પાછળ દોડ્યો. થોડું દોડતા પડી ગયો ખૂબ જ ગંદી રીતે ! ઢીંચણ છોલાનુ, લોહી નીકળ્યું, છતાંપણ ફરી ઉભો થઈ ને દોડ્યો. ગાડી સુધી પહોંચી તેને મળવું લક્ષ્ય હતું મારુ, તેણે પણ સાઈડ ગ્લાસ માંથી મને જોઈ લીધેલો પાછળ દોડતા, તેણે હાથ બહાર કાઢીને ચોરી થી એક કાગળ બારી ની બહાર ફેંક્યો અને ત્યાંજ ગાડી હાઇવે સાઈડ વળી અને ધીમે ધીમે મને ગાડી દેખાતી બંધ થઈ.

મેં તે કાગળ ઉપાડ્યો અને વાંચવાનું શરૂ કર્યુ. " મને ખબર જ હતી કે તું હજી પણ મારી રાહ જોતો હોઈશ અને તે લગ્ન નહીં કર્યા હોય, પરંતુ મને માફ કરજે, ગયા વરસે ભાઈએ પપ્પાની ઈચ્છા વિરુદ્ધ બીજી જ્ઞાતી માં લગ્ન કર્યાં અને આના કારણે પપ્પાને હાર્ટ એટેક આવેલો. અને ત્યારબાદ ના અનુક મહિના પછી તેમણે મારુ સગપણ પણ મારી જ્ઞાતી માં કરી દીધું છે. હું તેમને તકલીફ આપી તેમની તબિયત ને અસર પહોંચે એવું કાંઈ પણ કરવા નથી માંગતી, હું અહીંયા પરાણે આવેલી, મારે નહોતું આવવું, હું જૂની યાદો ભૂલવા માંગુ છું અને પપ્પાની ઈચ્છા મુજબ નવું જીવન જીવવા માંગુ છું, એટલેજ સ્તો મમ્મીને બધી વાત કરી ને પપ્પાને આવી રીતે રાત્રે આવીને તરત નીકળી જવા માટે મનાવ્યાં....તને પણ હું એટલું જ કહીશ કે ભૂલી જજે મને અને કોઈ સારી છોકરી શોધી પરણી જજે"

આટલું વાંચતા જ હું ત્યાં રોડ વચ્ચે જ બેસી ગયો, પગ માંથી હજુપણ લોહી વહી રહ્યું હતું, દુઃખી રહ્યું હતું ખુબજ પણ તેના કરતા પણ વધારે દર્દ હૃદય માં થઇ રહ્યો હતો. જાણે જિંદગી એ બધું છીનવી લીધું મારી પાસેથી ! હવે ઉભું થઈ ને ક્યાં જવું, શા માટે જવું કાંઈપણ સૂઝતું જ નહતું, બસ આ સમયે આંખો સમક્ષ એક દ્રશ્ય આવતું જેમાં અમારા બન્ને નાં લગ્ન થઈ રહ્યાં છે અને અમારાં પરિવારજનો આ લગ્ન થી ખૂબ ખુશ છે અને અમારા પર ફૂલોની વર્ષા કરી રહ્યા છે.

અને મગજ હૃદય ને જાણે સમજાવી રહ્યુ હોય કે ઘણીવખત 'રાહ જોવાથી' ગુમાવવાનો વારો આવે છે ! એવું લાગી રહ્યુ છે.

***