આસપાસ ચોપાસ
(સત્યઘટના પર આધારિત વાર્તાઓ)
ભાગ - ૧
અનુક્રમણિકા
1 - ‘અપી’ના અરમાનોનો ઉંબર - વૈશાલી રાડિયા
2 - અકસ્માતથી ડીવોર્સ - હિરેન કે. ભટ્ટ
3 - અનાથનો નાથ - અશ્ક રેશમિયા.. . !
4 - આપણા જીવનનો 'શિવરામ' - અશ્વિન મજીઠીયા
5 - ઉછીના ઉજાગરા - જેકબ ડેવિસ
6 - કસમ લેન્સ ની : અમીતા પટેલ
7 - છેડતી - નિરંજન મહેતા
1 - ‘અપી’ના અરમાનોનો ઉંબર
વૈશાલી રાડિયા
‘જુઓ, મારા મમ્મી આખો દિવસ તમારે ત્યાં બધું કામ કરી દેશે, પણ જયારે મારે મહેંદીમાં જવાનું હોય, ત્યારે મારા મમ્મીને વચ્ચે બીજા કામ કરવા જવા દેજો હો, મારે એમની હેલ્પ જોશે.’ એટલી સ્માર્ટનેસ અને ચોખ્ખી વાત કરીને એ મારો જવાબ સાંભળવા મારી સામે જોઈ રહી. મને એ એટલી ગમી ગઈ અને મેં કીધું, “તું જ મારે ત્યાં રહી જાને, આખો દિવસ કામ કરવા.” તો કહે, ‘હું તો થોડા ઘરના જ કામ કરું છું, એ પણ હવે મૂકી દઈશ. મારે તો મહેંદી જ કરવી છે. ઘણા વર્ષોથી મહેંદી કરું છું હું તો.’ 17 વર્ષની એ છોકરી જે આત્મવિશ્વાસથી બોલતી હતી એ એની ઉંમર કરતાં ઘણો વધુ દેખાતો હતો! અને મારી સાથે એણે કેટલી શરતો કરી જે મેં હસતાં-હસતાં સ્વીકારી. બીજા દિવસથી એના મમ્મીને મારે ત્યાં કામ કરવા મૂકી ગઈ. મને વર્ષોથી કમર અને ગોઠણનો દુખાવો એટલે ઘરનું એક પણ કામ ના થાય, નોકરી કરી આવું અને બજારની વસ્તુઓ લાવી દઉં બાકી બધું એના મમ્મીએ એટલું સરસ રીતે સંભાળી લીધું કે થોડા જ દિવસમાં મારા રસોડામાં વસ્તુ શોધવા એમની ગેરહાજરીમાં મારે એમને ફોન કરવો પડે! અરે હા, તમને થશે કે આ ‘એ’ એટલે કોણ છોકરી? અને ‘એ’ના મમ્મી એટલે કોણ? અમારી ‘એ’ એટલે એનું નામ તો અલ્પા પણ તમે એને બોલાવો એટલે તરત લટકો કરીને કહેશે મને ‘અપી’ કેજો હોં! અને એ અપીના મમ્મી એટલે અમારા ઘરના ‘નીમુમાસી’. થોડા દિવસોમાં તો ઘર જ જાણે નીમુમાસીનું! ‘આ વસ્તુ હું અહીં જ રાખીશ, આજે હું રસોઈમાં જ આ જ બનાવીશ, આ તમે કેમ આમ મૂક્યું? આ હું નહિ કરું....નહિ તો કામ મૂકી દઈશ....’ વગેરે બાદશાહી! અને અમને પણ નીમુમાસી વિના ના ચાલે. બીજે જ દિવસે આવીને કહેવાના હોય કે, ‘જો આ તમારા માસાને કેન્સર થઇ ગયું’તું એમાં કેટલા વર્ષ ખટલામાં પડ્યા રહ્યા, કોઈ દિ’ કામીને ના દીધું મને. છોકરાંવ નાના અને કામ કરું, દવા કરું કેમેય પૂરું ના થાય. બે દીકરી પયણાવી, દીકરો ભણે હજી અને હવે આ અપીનું સારું ઠેકાણું મળી જાય એટલે શાંતિ..કેટલા માંગા આવે છે ને આ છોરીને તો ક્યાંય હા નથી કહેવી બોલો. આ ટેન્શલમાં મને મગજ કોક’દિ ઠેકાણે ના’ રે તે બોલાય જાય હો .કોક દિ તમે શું કે કોક દિ હું. હાયલે રાખે કાં?’ એમ કહી ફરી એ વિધવા દુખિયારી એક ઉત્સાહથી કામ કરવા લાગે! અને એની અપી? થોડા દિવસ થયા ત્યાં એક દિવસ મને કહે, ‘તમને મહેંદી કરી દઉં?’ મને એમ કે એનું માન રાખું તો બાકી કેવા લીટોડા મારતી હશે? અને મહેંદી બની ત્યાં મારા હાથ તો બોલી ઉઠ્યા એવી સરસ ડીઝાઇન ત્યાં તો એની ડાયરી હાથમાં આવી અને એડવાન્સ મહેંદી બૂકિંગનું થોડું લીસ્ટ જોયું! ત્યાં તો મને કહે, ‘તમે સખી ક્લબમાં જાવ છો એમાં મારે પણ ફી ભરવી છે. આ વર્ષે મને પણ કેજો હો ! તમે સ્વીમીંગમાં જાવ છો તો મારે પણ સાથે આવવું છે હો! તમે ટ્રેકિંગમાં જાવ છો તો મારે પણ આવવું છે હો, મારી ફી હું જ ભરીશ! પાર્લરના ઓર્ડર પણ લઉં છું હો, ઘરે પણ જાઉં અને મહેંદી માટે તો રાતોની રાતો જાગી શકું. મને અડધી રાતે કોઈ ગોદડું ખેંચી એમ કહે કે મહેંદી કરાવવી છે તો હું બંધ આંખોએ પણ કોન હાથમાં લઇ ચલાવવા લાગું! મારા નખ ખૂબ લાંબા પણ મને નેઈલપોલિશ કે મેકઅપનો કોઈ શોખ જ નહીં. એક દિવસ મને કહે, ‘ચાલો બજારમાં.’ હકથી ઓર્ડર જ કરી દયે, પણ એનું વર્તન એવું કે તમને એ હક કરે એ ગમી જ જાય. મારા માટે એણે બજારમાંથી નેઈલપોલીશના ઢગલા લીધા અને દર અઠવાડિયે નવા રંગો અને નવા નેઈલઆર્ટ! હું સુતી હોઉં અને આવીને મારા નખ પકડી રીમુવર કરવા લાગે. આંખ ખોલું ત્યાં કહે, ‘કાલે કરી એ ડીઝાઇન મને નથી ગમતી. આજે વહેલી ફ્રી થઇ ગઈ, મને નવરું રહેવું જરાય ના ગમે.’ અને મારા નખના રંગો ફરી બદલી જાય એની મરજી મુજબ! એક વાતમાં અપી બિલકુલ પાક્કી સંબંધ પછી, પહેલા હિસાબ. અને સમયની વાતમાં તો કોઈ એને પહોંચે જ નહિ! પાર્લરનું કામ કે મહેંદી, એ આપે એ જ સમય ફાઈનલ! એમાં તમે એમ કહો કે પાંચ મિનીટ રાહ જો એટલે આરામથી કહી દયે કે તો હવે કાલે આવીશ. બીજા દિવસનો સમય કહીને હસતી-હસતી કહી દયે બાય! ભલે તમે સવારે 6 વાગ્યાનો સમય કેમ ના કહો એ 6 ના ટકોરે હાજર!
પેલા જ વરસે મહેંદીની સિઝન પૂરી થઇ એટલે કહે એલ.ઈ.ડી. લીધું. અમારે ઘરે જોવા આવજો હો! આ ‘હો’ નો લહેકો તો ઊભો જ હોય. બીજા વરસે કહે લગ્ન માટે સોનું લીધું. ત્રીજા વરસે રોડ પરથી બુમ પાડી બાલ્કનીમાં બોલાવી કહે, જુઓ સેકન્ડમાં સ્કુટી લીધું. ચોથા વરસે મારો હાથ ખેંચી આંખો પર હાથ મૂકી હસતી-હસતી મને પાર્કિંગમાં લઇ ગઈ અને હાથ હઠાવ્યા ત્યાં તો સામે નવું ચમકતું સફેદી વાળું એકટીવા! અને તરત કહેશે ચાલો સેલ્ફી લઈએ! હા એ તો ભૂલાઈ જ ગયું, આ વરસો દરમિયાન બે નવા ફોન પણ આવ્યા! ગામમાં લગ્નના ઢોલ વાગ્યા નથી કે અમારી અપી સવારથી સાંજ રાત સુધી બસ કોન જ ચલાવ્યા કરે અને પછી ચાલે શોપિંગ ...જીન્સ..ગોગલ્સ... મૂવી.. ક્યારેક સખીઓની તીન પત્તી અને બસ, જલસો....એનું જોમ હંમેશા બરકરાર!
ઘણીવાર નીમુમાસી કહે કે આ છોકરીને સમજાવોને કે લગ્ન માટે હા કહી દયે અને જો અપી સાંભળી જાય એટલે કહે કે, ‘માસીને તો એક જ વાત સુજે. જે જોવા આવે એને હા કહી દેવાની? મારે પાર્લર ચલાવવું છે. મહેંદી તો કોઈ દિવસ મુકીશ જ નહિ. તો બધું સરખું જોવું કે નહિ? પહેલા કમાઈ લઉં અને હું છું ત્યાં ભાઈને ભણાવી લ્યો, નવું ઘર લઇ લ્યો પછી હું સાસરે જાઉં તો તમને વાંધો ના આવે.’ આજના જમાનાની સ્વતંત્ર વિચારધારા એનામાં ફૂટી-ફૂટીને ભરેલી હતી.
અમારી સાથે એ પણ એના મમ્મીને માસી કહેવા લાગેલ! માસીની મા થઇ ક્યારેક વારો પણ કાઢી લેતી કે, કાકા આવે કે બાપા આવે આપણા ઘરમાં કોઈ કહેશે એમ નહિ થાય. જાતે કામ કરી જાતે કમાવું અને સમાજના નામે સગાં ઘરમાં ઓર્ડર શેના કરે? કોઈ રોટલા દેવા આવે છે? અને નીમુમાસી ચૂપ! પાછળથી મારી પાસે હૈયાવરાળ ઠાલવે કે તમારા માસા નથી તો જેઠ અને દેર કહે એમ કરવું જોઈએ કે નહિ ?તમે જ કયો. હું વિચારવા લાગુ કે નીમુમાસી એની રીતે સાચા પણ આજની યુવા પેઢી એને જે કહેવું છે, જે કરવું છે એ વાતમાં ચોક્કસ છે અને સમાજની ખોખલી માન્યતાઓ સામે ઝૂકી જવાને બદલે વાસ્તવિકતા સ્વીકારી અને સાચી વાત રજુ કરવાની હીંમત હોવી એ કેટલું મોટું પરિબળ? અપીની વાતો મારામાં એક નવો ઉત્સાહ અને વાસ્તવિકતાના રસ્તે ચાલવા પ્રેરકબળ પૂરતી હતી! અને મને એ ગમવા લાગ્યું હતું. અને હું નીમુમાસીને સમજાવતી કે, ‘માસી, એ કેટલું કામ કરે છે, તમને મદદ કરે છે અને એક રીતે વિચારો તો એની વાત ખોટી પણ ક્યાં છે? આપણે બોલતા નથી પણ મનમાં તો સમજીએ જ છીએ કે કોઈ ઘર ચલાવવા નથી આવતું. જયારે અપી બોલી દયે છે તો સાચી વાત કેમ ના સ્વીકારવી?’ અને અભણ છતાં સમજુ એવા અમારા એ માસી સમજી જતાં કે, ‘હા, ઈ વાત તમારી સાવ સાચી.’
અપીને જુઓ એટલે તમારામાં હીંમત આવી જાય. સમાજ સામે લડવાની, મોજથી જીવવાની, દરેક વાતનો સામનો કરવાની. કોઈ ના કહે કે પિતાની છત્ર છાયા નથી, ભાઈ નાનો, બહેનો સાસરે છે. તો એકલતા સાલે. એ તો ઉડતું પંખી! આ પંખીને કોઈ રોકી ના શકે, ટોકી ના શકે. એનું પોતાનું સ્વતંત્ર ગગન અને પોતાનું સ્વતંત્ર મન. એના અરમાનો ઊંચા અને એ પુરા કરવાની એની તાકાત પણ હું વરસોથી જોતી આવી. સમય અને ધગશ સાથેનો એનો લડાયક મિજાજ પણ જાજરમાન! એનું કામ એટલું પરફેક્ટ કે તમને એકવાર એની સાથે કામ કર્યાં પછી કે ડીલ કર્યા પછી એની જ ટેવ પડી જાય એ એના કામની માસ્ટરી! તમને એના સમય પર ચાલવા મજબુર કરી દયે. અને જયારે જોઈએ ત્યારે એક નવો ઉત્સાહ, કઈ પણ નવી વસ્તુ પહેલીવાર કરવી હોય અને ક્યાંય શીખી હોય તો જરા પણ ગભરાયા વિના મને કહે, ‘આજે હું નવીન બનાવી તમને જમાડીશ’. આપણે એનો આત્મવિશ્વાસ જોઈ ખબર પણ ના પડે કે પહેલીવાર બનાવતી હશે! પછી ક્યારેક સારું ના બને કે બગડે તો કહે, ‘મેં તો ટ્રાય કરેલ’. અને ખડખડ હસવા લાગે.
અપીને જોઇને કોઈ એમ ના કહે કે એ દસ નાપાસ છે. ભણતર એની પાસે ક્યાંય પાણી ભરે. નીમુમાસી પણ હવે તો સમજી ગયા છે કે, ‘છોરી સાચી તો છે.’ એટલે હવે એ શાંત થતાં જાય છે. અને ચોવીસીમાં પહોંચેલી અમારી અપી આજે એના અરમાનોના ઉંબરે ઉભી છે એનો મહેંદીનો કોન હાથમાં લઇ કોઈ રાજકુમાર એના અરમાનોની ડોલી સજાવી આવે તો મહેંદીથી એનું નામ હથેળીમાં લખવા! એ ઉંબર પર જ છે. નથી ઉંબર વળોટી પાગલ થતી કે નથી ઉંબર પરથી પગ પાછો ખેંચી સમાજની ખોખલી માન્યતાઓ સ્વીકારતી! એ યુવાનીને મને તો જિંદાબાદ કહેવાનું મન થાય છે ‘હો’! તમને થાય છે??
***
2 - અકસ્માતથી ડીવોર્સ
HIREN K BHATT
એક દિવસ હું ટ્રેનમાં સુરત જતો હતો ત્યાં એક મિત્ર શૈલેષ સુરતી મળી ગયો.
“શુ ચાલે છે લેખક?” શૈલેષે કહ્યુ
બસ મજા છે તું કહે “શું ચાલે છે?”
“તારી નોવેલ 21મી સદીનું વેર મસ્ત ચાલે છે. મજા આવે છે. ” પછી થોડુ વિચાર બોલ્યો “એલા પેલા અંકીત દેશાઇએ તેની બુક લખી ટ્રેન ટેલ્સ એમ તુ પણ કઇક લખને તો અમારૂ નામ પણ બુકમાં આવે. ”
મે હસતા હસતા કહ્યુ “ભાઇ તારી પાસે કોઇ સ્ટોરી હોય તો બોલને માતૃભારતી પર કોમ્પીટીશન ચાલુજ છે તારા નામ સાથે મુકી દઇશ. ”
આ સાંભળીને શૈલેષે કહ્યુ “યાર એક સ્ટોરી તો છે અને વાસ્તવિક સ્ટોરી છે. મારા એક મિત્રની સ્ટોરી છે. કે જેમા હું પણ સંકળાયેલો છું. ”
આ સાંભળી મને તેની વાતમાં રસ પડ્યો એટલે કહ્યુ “ તો મને કહે ચાલ. ”
ત્યારબાદ તેણે વાર્તા કહેવાની શરૂઆત કરી. હવે પછીની વાર્તા શૈલેષના શબ્દોમાં.
***
આજે હું મારી ઓફીસથી નીકળી સ્ટેશન પાસે આવેલ નવરંગ આઇસ્ક્રીમ પર જ્યુસ પીવા માટે ઉભો રહ્યો હતો. ત્યાં અચાનક મારી નજર થોડે દુર મારી તરફ પીઠ રાખીને ઉભેલા એક વ્યક્તિ પર પડી. એટલે હું તેની પાસે ગયો અને કહ્યુ “શું દુશ્યંત શુ ચાલે છે? ભાભી ને બધા મજામાં?”
દુશ્યંતની નજર મારી પર પડી એ સાથે તેની નજરમાં ચમક આવી તરતજ જતી રહી અને ઉદાસી છવાઇ ગઇ. મે વાતને આગળ ચલાવતા કહ્યુ “શું તે દિવસે પછી કોઇ લફડુ નહોતુ થયુ ને?”
આ સાંભળી તેની આંખમાં ઉદાસી હતી તે વધુ ઘેરી બની અને તે મહાપ્રયત્ને બોલતો હોય તેમ બોલ્યો “ના, ના કંઇ નહોતુ થયુ. ”
મને લાગ્યુ કે તે ચોક્કસ કંઇક ઉદાસ છે. દુશ્યંત મારો કોલેજનો ક્લાસ મેટ હતો. બાકી આમતો તેની સાથે કોઇ ગાઢ સંબંધ ન હતા. આજ રીતે રસ્તામાં મળી જાય ત્યારે વાતો કરી લેતા. છતા આજે મને તેના પ્રત્યે થોડી સહાનુભુતી જાગી એટલે મે તેને પુછ્યુ “શું દોસ્ત કેમ ઉદાસ છે? કંઇ પ્રોબ્લેમ છે?”આ સાંભળીને તે થોડીવાર કંઇ બોલ્યો નહી પછી ધીમેથી તેણે કહ્યુ “ મારા ડીવોર્સ થઇ ગયા છે. ”
આ સાંભળીને મને દુઃખ થયુ એટલે મે તેને સહાનુભુતી માટે પુછ્યુ “કેમ આ કેવી રીતે બન્યુ?”
તો તેણે કહ્યુ “ યાર આ બધુ તારા લીધે જ થયુ. તું છેલ્લે મને મળેલો તેને કારણે જ મારા ડીવોર્સ થઇ ગયા. ”
આ સાંભળીને હું ચોંકી ગયો. કોઇ ખુલ્લેઆમ મારા પર તેના ડીવોર્સ કરાવવાનો આરોપ લગાવી રહ્યુ હતુ. અને મને તે શું કામ આવુ કહે છે તે સમજાતુ નહોતુ. એટલે મે તેની સાથે મારી છેલ્લી મુલાકાત યાદ કરવાનો પ્રયત્ન કર્યો.
આજથી લગભગ છ મહિના પહેલા કોઇ એક સવારે હું મારી ઓફીસ જવા બાઇક લઇને નીકળ્યો અને ચોક બજાર પાસે પહોંચ્યો. મારી આગળ એક યુવાન સ્ત્રી સ્કુટી પર જઇ રહી હતી. આશરે 28-29 વર્ષની આસપાસ મારા જેટલીજ ઉમર હશે. થોડા આગળ જતા ચાર રસ્તા પર ડાબી બાજુ પરથી અચાનક એક સ્ત્રી એક્ટીવા પર આવી અને આ સ્કુટીવાળી સ્ત્રી સાથે ટકરાઇ. સ્કુટી પર બેઠેલી સ્ત્રી નીચે પટકાઇ અને સ્પીડને કારણે તેને સારૂ એવુ લાગ્યુ. તરતજ પેલી એક્ટીવાવાળી સ્રી એકટીવા સાઇડમાં મુકી અને તે સ્કુટીવાળી સ્ત્રી પાસે ગઇ. એક્ટીવા વાળી સ્ત્રીનું નામ નેહા અને સ્કુટીવાળી સ્ત્રીનું નામ અવની હતુ જે મને પાછળથી ખબર પડેલી. મે આ દ્રશ્ય જોયુ એટલે મે પણ બાઇક સાઇડમાં પાર્ક કરી અને તે બન્ને સ્ત્રી પાસે પહોંચ્યો અમે અવનીને ઉંચકીને સાઇડમાં બેસાડી. મે તેને પુછ્યુ “બેન તમને કેવુ લાગ્યુ છે?” પણ તેણે કંઇ જવાબ ના આપ્યો એટલે મે નેહાને કહયુ “આ બેનને વધુ લાગ્યુ લાગે છે તેને હોસ્પીટલ લઇ જવા પડશે. ”
આ સાંભળી નેહાએ કહ્યુ “તમે મને એક કોલ કરવા તમારો મોબાઇલ આપશો? મારો મોબાઇલ ડેમેજ થઇ ગયો છે. ”
મે કહ્યુ “હા બોલો નંબર લગાવી આપુ”
નેહાએ નંબર બોલ્યા તે મે મારા મોબાઇલમાં ડાયલ કર્યો તો સ્ક્રીન પર દુશ્યંતનું નામ આવ્યુ એટલે નેહાને કહ્યુ “આ તો મારા ક્લાસમેટ દુશ્યંતનો નંબર છે. તમે તેના વાઇફ છો?”
નેહાએ કહ્યુ “હા” અને તે દુશ્યંત સાથે ફોન પર વાત કરવા લાગી “ હાલો દુશ્યંત મારૂ એકસીડંટ થયુ છે. મને કંઇ નથી થયુ. પણ સામે વાળી સ્ત્રીને ઇજા થઇ છે હું તેને “કેર હોસ્પીટલ” લઇ જઉં છું. તું ત્યા આવીજા”
આટલુ કહીને તેણે મને ફોન આપી દીધો. પછી એક રીક્ષા રોકીને તેમાં અમે અવનીને બેસાડી અને નેહા પણ તેમા બેસી ગઇ. મે નેહાને કહ્યુ “હું પણ મારૂ બાઇક લઇને હોસ્પેટલ આવુ છું તમે પહોંચો. ”
અમે કેર હોસ્પીટલ પહોંચીને અવનીને હોસ્પીટલમાં દાખલ કરી. નેહા અવની સાથે રૂમમાં રહી અને હું લોબીમાં બેઠો. થોડીવાર થઇ એટલે દુશ્યંત ત્યાં આવ્યો પછી હું તેને મળીને ત્યાંથી નીકળી ગયો અને દુશ્યંત રૂમમાં ગયો. આ ઘટના પછી હું દુશ્યંતને છેક આજે મળ્યો હતો.
આટલુ મને યાદ આવ્યુ પણ આમાં કંઇ ડીવોર્સ થઇ જાય તેવુ હતુ નહી. એટલે દુશ્યંતને કહ્યુ “ચાલ આપણે બન્ને ક્યાંક બેસીને શાંતિથી વાત કરીએ. અમે બન્ને બાજુમાં આવેલી અલંકાર હોટલમાં પહોચ્યા અને ચા નો ઓર્ડર આપી બેઠા. ચા આવી એટલે પીતા પીતા મે તેને કહ્યુ “હવે તું મને કહે કે શું થયુ? મને કંઇ સમજ પડતી નથી તુ કહે છે તેમા”
દુશ્યંતે વાતની શરૂઆત કરતા કહ્યુ “તને તો ખબર છે કે મારી વકીલાતની પ્રેક્ટીશ ખુબ સરસ ચાલતી હતી. મારે મારી પોતાની ઓફીસ છે. હું વકીલાતની સાથે સાથે સમાજસેવાનું કામ પણ કરતો. એક દિવસ એક યુવતી મને મળવા આવી તેણે મને તેની ઓળખાણ આપી કે”મારૂ નામ નેહા શાહ છે. હું જસ્ટીસ ફોર વુમન નામનુ એન. જી. ઓ ચલાવુ છું. મને એવી વાત મળી છે કે તમે પણ સમાજ સેવામાં રસ ધરાવો છો. ”
આ સાંભળી મે કહ્યુ “હા હું પણ સમાજસેવાના કાર્યો કરૂ છુ. બોલો હું તમારી શું મદદ કરી શકું?”
ત્યારબાદ નેહાએ તેની સંસ્થા દ્વારા મહિલાઓને ન્યાય અપાવવા માટે કરવામાં આવતા કામની સમજ આપી અને મને કહ્યુ કે “ તમારે એક દહેજને લીધે સાસરીયા તરફથી ત્રાસ ભોગવતી મહિલાનો કેસ ફ્રીમાં લડી આપવાનો છે. ”
આ રીતે હકથી વાત કરતી તે સ્ત્રીમાં મને રસ પડ્યો એટલે મે તેને તે કેસ લડી આપવાની હા પાડી. બસ પછી અમે આ કેસના સીલસીલામાં વારંવાર મળવા લાગ્યા. નેહા ખુબજ બુધીશાળી અને સ્માર્ટ છોકરી હતી. હું તેની સાથે ઘણી બધી ચર્ચા કરતો. અમને બન્ને ને મજા આવતી એકબીજા સાથે વાતો કરવાની. આમને આમ અમે બન્ને એક બીજાને પસંદ કરવા લાગ્યા અને થોડા સમય પછી આ પસંદગીએ પ્રેમનું સ્વરૂપ લઇ લીધુ. અમે બન્ને એકબીજા સાથે ખુબ ખુશ હતા. આમને આમ એકાદ વર્ષ ચાલ્યુ.
નેહા મને પુછતી કે “તું આટલો સ્માર્ટ અને હેંડસમ હોવા છતા કેમ અત્યાર સુધી બેચલર રહ્યો?”
હુ તેને કહેતો “બસ તારી રાહ જોતો હતો. ” અને તે હસી પડતી. જીંદગી કેટલી સરસ હતી. ત્યાં એક દિવસ અમે બન્નેએ સાથે મુવી જોવાનો પ્લાન બનાવ્યો એટલે હું ઓફીસથી નીકળવાની તૈયારીજ કરતો હતો ત્યાં મારા મોબાઇલમાં રીંગ વાગી મે જોયુ તો તારો ફોન હતો. ફોન રીશિવ કર્યો તો સામેથી નેહાનો અવાજ આવ્યો તેણે કહ્યુ
“મારો અકસ્માત થયો છે. મને કંઇ ઇજા નથી થઇ પણ સામેવાળી સ્ત્રીને ઇજા થઇ છે અને હું તેને ‘કેર હોસ્પીટલમાં લઇ જઉં છુ તું ત્યાં પહોંચ. ” હું ઝડપથી કેર હોસ્પીટલમાં પહોચ્યો તો તું ત્યાં મને મળ્યો. ”
દુશ્યંતે આટલી વાત કરી એટલે મે કહ્યુ “હા,પણ આમાં તારા ડીવોર્શ થઇ જાય તેવુ ક્યાં કંઇ છે. ”
આ સાંભળી દુશ્યંત બોલ્યો “ભાઇ શાંતી રાખ કહાનીમે ટ્વીસ્ટ હે. ”અને આગળ કહેવા લાગ્યો “તું હોસ્પીટલથી ગયો એટલે હું રૂમમાં દાખલ થયો. નેહા મને જોઇને તરતજ મારી પાસે આવીને મને ભેટી પડી અને બોલી આઇ લવ યુ દુશ્યંત. અને મને ગાલ પર કિસ કરી. ત્યાં અચાનક જેવી મારી નજર ત્યાં બેડ પર સુતી સ્ત્રી પર પડી અને મારા પગ નીચેથી ધરતી સરકતી હોય એવુ લાગ્યુ. બેડ પર સુતેલી સ્ત્રી મારી પત્ની અવની હતી. અને તેની આંખમાંથી અંગારા વરસતા હતા. ”
આ સાંભળી હું તો સ્તબ્ધ થઇ ગયો. શું બોલવુ તેજ કંઇ સમજ ના પડી. એટલે મે પુછ્યુ કે “પછી શું થયું?”
“પછી તો જે થવાનું હતુ તેજ થયુ. અવનીએ મારા પર છુટાછેડા નો કેસ કર્યો અને તેને વકીલ અને બધી મદદ નેહા એ તેની એન. જી. ઓ “જસ્ટીસ ફોર વુમન” દ્વારા કરી. અને બન્ને મને છોડીને જતી રહી. ”
શૈલેષે વાત પુરી કરી એટલે મે તેને કહ્યુ “એલા તારી સ્ટોરી મારી નોવેલ કરતા પણ ઇંટ્રેસ્ટીંગ છે. તારી આ સ્ટોરી હું ચોક્કશ માતૃભારતીમાં મુકીશ. ”
ત્યારબાદ સ્ટેશન આવી જતા અમે બન્ને છુટા પડ્યા.
***
3 - અનાથનો નાથ
અશ્ક રેશમિયા.. . !
'સર, સર.... !!' બાળકોએ કૂતુહલભરી અપાર ખુશીથી કહેવા માંડ્યું:'સર, અમારા ઘેર અમારા દાદા-દાદી અમને મળવા આવ્યા છે. ' બાળકોના ચહેરા પર આનંદના ફુવારાઓ ઉડી રહ્યાં હતાં.
'મળવા નહીં' બીજાએ વચ્ચે જ કહ્યું:'એ તો કાયમ માટે આપણા ઘેર રહી જવા આવ્યા છે. પાપા ખુદ એમને લઈને આવ્યા છે. '
શિક્ષક એ બંને બાળકોની અચરજભરી વાત સાંભળીને સ્તબ્ધ થયા. પળવારમાં એ વિચારોના વમળે ચડ્યા.
પેલા બંને બાળકોના નામ નીલ અને નલીન.
નીલ અને નલીન આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા હતાં.
એકવાર શિક્ષકશ્રીએ નીલ-નીલેશના પિતાજીને શાળામાં બોલાવીને કહ્યું:'તમારા બાળકને તમે સમય ન આપી શકો તો દાદા-દાદી જોડે બેસાડો. એમની વાતો સાંભળશે તો આપોઆપ ખીલતા જશે. લેશન પૂરુ કરતા થશે. ભણતરમાં ઠીક રહેશે. દાદા-દાદી જોડે નવી નવી વાતો સાંભળીને સંસ્કાર અને કેળવણી શીખશે. '
'પણ સાહેબ' કહેતા અંબરભાઈની આંખો ભરાઈ આવી. હૈયું હીજરાયું. ભયંકર આઘાત અનુભવાયો.
અંબરે માવતર જોયા જ ક્યાં હતાં? માવતરના મહોબ્બતની જબ્બર ખોટ સાલી હતી એને. માતાપિતાની માયા અને અંબરને ભવોભવનું છેટું પડી ગયું હતું.
માવતરનો અભાગિયો દીકરો હતો અંબર. કારમી ગરીબીમાં સબડતા હતાં એના માવતર. એક સાંધે ત્યાં તેર તૂટે એવી કપરી દશા હતી. ચારેક ભાંગેલા તૂટેલા વાસણો અને ઘાસફૂસમાંથી બનાવેલ નાનકડા ઝુંપડા સિવાય અન્ય કોઈ જાગીરી હતી નહી. દિ'આખો દાડિયું રળે ત્યારે માંડ બે ટંકનો રોટલો નસીબ થતો. ને એવા એક સમયે અંબરનો જન્મ થયો. સુવાવડ વખતે પૂરતી કાળજી અને પોષણયુક્ત આહારના અભાવે અંબર અઠવાડિયાનો હતો અને એની માં ને રોગ લાધ્યો. બે જ દિવસમાં એ ભુંડા મોતને ભેટી. હજું પુત્રનું મોઢુંય બરોબર નહોતું જોયું ને કુદરતે એને પરબારા ગણાવ્યા.
વળી, ઓછું હતું એમ થોડાંક દિવસના અંતરે અંબરના પિતાજી પણ એની માં ની ગતિને વશ થયા.
અંબર નોંધારો થયો, સાવ નોંધારો. એના કાકા કે ફૂઈ હતાં નહી. માટે બે-ચાર દિવસમાં લોકોએ એને અનાથાલયમાં મોકલી આપ્યો.
અંબર આ બીનાથી અજાણ હતો. એને આ હ્રદયદ્રાવક ગોઝારી ઘટના ત્યારે જાણવા મળી જ્યારે અંબર દશમાં ધોરણમાં હતો. શિક્ષકે માતૃપ્રેમ વિશે નિબંધ લખવા કહ્યો. અંબરે અનાથાલયમાં આવીને પૂછ્યું:'મારા માં-બાપ કોણ અને ક્યાં છે? મને કેમ અત્યાર લગી માવતરની મમતા મળી નહી?'
ને એના ઝળઝળિયા ભરેલા આ ભીના સવાલનો જવાબ હતો:'બેટા, તું અનાથ છે!તારા માવતરનો કોઈ જ પત્તો નથી. અને એ હયાત પણ નથી. '
અંબર ઘટના જાણતો ગયો અને આંખેથી આંસુઓ વહાવતો રહ્યો. ભેગું અનાથાલય પણ રડ્યું.
અંબર ભણ્યો. ગણ્યો. બે પાંદડે થયો. ને પછી બે જીવે પણ થયો. લગન થયા. બે બાળકનો પિતા થયો.
સંસારની સર્વ વાતોએ એ બહું જ સુખી હતો. કિન્તું બે બાભતોથી એ અત્યંત દુ:ખી હતો:એક માવતરની માયા, મમતા, લાગણી પામી નહી શકવાનો અફસોસ અને બીજુ માં-બાપની સેવા કરવાનો અવસર ન મળ્યો એનો વસવસો.
શાળાના શિક્ષકે જ્યારે એના બાળકોને દાદા-દાદીના ખોળે ખુંદવાની સલાહ આપી હતી ત્યારે રડતી આંખે અંબરે આ ઘટના સંભળાવી હતી. શિક્ષકનો આત્મા પણ ત્યારે ખુબ દુ:ખી થયો હતો.
હવે જ્યારે નીલ-નલીને પોતાના એ જ શિક્ષકને વાત કરી કે અમારા ઘેર દાદા-દાદી આવ્યા છે ત્યારે એ શિક્ષકને મીઠો આઘાત ન લાગે તો જ નવાઈ.
સાંજે શાળા છૂટતાં જ શિક્ષક અંબરને ઘેર પહોંચી ગયા. જોયું તો આલીશાન બંગલામાં બે વૃદ્ધ હિંડોળે હીંચી રહ્યાં છે. બેયના ખોળામાં નીલ અને નલીન આનંદની ગોષ્ટિઓ કરી રહ્યાં છે.
શિક્ષકને હર્ષ થયો. ઉમંગે હૈયું ઝુમી ઉઠ્યું. ચોતરફ નજર કરી. અન્ય કોઈ નજરે ચડ્યું નહી.
'લાગે છે અંબર નોકરીએથી મોડો આવશે. એની સંસ્કારી પત્ની પણ શાયદ બજારમાં ગઈ હશે. ' શિક્ષકે મનોમન અનુમાન લગાવ્યું.
ભાવવિભોર બનીને એકટસ ઊભેલા શિક્ષક પર દાદા-દાદીની નજર પડી. એમણે ઉમળકાભેર આવકાર આપ્યો. સાથે બાળકોએ પણ ગુરૂજીનું સ્વાગત કર્યું.
'અંબર આપનો પહેલો પુત્ર કે બીજો?' પાણી પીતા પીતા વાતનો તાગ જાણવા શિક્ષકે વાત ઉચ્ચારી.
'બેટા... !' વૃદ્ધે બેટાથી શિક્ષકને વાતની શરૂઆત કરી. 'અમારા કૂખને આવા સો ટચના અદના દીકરાને જન્માવવાના ભાગ્ય જ ક્યાં? ભાગ્યશાળીના પેટે જ આવા પુત્ર અવતરે છે. અમે તો પેટે પથ્થરા જણ્યા સાહેબ પથ્થરા!' વૃદ્ધની આંખોએ બનેલી ઘટના કણાની માફક ફરી ખટકવા લાગી, ઊભરાવા માંડી.
દાદાએ વાતની શરૂઆત કરી:'સાહેબ.... !! પૂરા સો વીઘા જમીનના માલિક હતાં અમે. કાળની થપાટ બહું ગોઝારી છે. સમો થયો ને કુદરતે અમારા કૂખે રૂપાળા બે દીકરા અવતર્યા. એ દીકરાઓને જોતા આંખ ઠરતી ને હૈયા આનંદથી ઊભરાતા. ઉરમાં લાગણીના પ્રચંડ કૉડ લઈને એમને ઉછેર્યા. વખત જતા વળી એક દીકરી અવતરી, હૈયામાં જે વાતની કમી ખટકતી હતી એ પુરી થઈ. પરંતું દીકરી કરતાં દીકરાઓને ઉછેરવામાં કોઈ મણા ન રાખી. પેટે પાટા બાંધીને એમની જવાબદારી નિભાવી અને બે પાંદડે કરી આપ્યા. એવી ઘણી વેળા આવી જ્યારે અમારે ભૂખ્યા સૂવાનો વારો આવતો, અમે દીકરાઓને ભૂખ્યા ક્યારેય ન સૂવડાવ્યા; જો કે એ અમારી ફરજ, જવાબદારી કે લાગણી, માયા, મમતા જે હોય એ પણ અમે એમને મોટા કર્યા. '
દાદાએ પાણીનો ઘૂંટડો ભર્યો. આંસું લૂછ્યા. પોતાની વહાલી જીવનસંગિની તરફ દ્રષ્ટિ કરી વાત આગળ વધારી:'દીકરાઓને વખતે પરણાવી ગમતી વહું લાવી આપી, ઘર વસાવી આપ્યા. બેયને ક્યારેય કોઈ વાતની ખોટ ન પડવા દીધી. દરમિયાન દીકરીને પણ રંગે ચંગે અને અઢળક ઉમળકાભેર પરણાવી સાસરે વળાવી, કિન્તું જે ધામધૂમ દીકરાઓના લગનમાં કરી એવા ધૂમધામથી દીકરીનો માંડવો ન રોપી શક્યાનો વસવસો હજીયે હૈયે ડંખે છે. '
'હાથપગ ચાલ્યા ત્યાં લગી કામ કરતા રહ્યાં. હવે જીવતરના આંગણે ઘડપણ આવી પોગ્યું હતું. ને જોતજોતામાં જોબનવંતા ખોળિયામાં એ ઊતરી ગયું. અમને એના ભરડામાં લીધાં. અંતરમાં હવે અરમાન ઉમટ્યા કે હવે શાંતિથી હરિમાળા કરશું. દીકરાઓ સારે ઠેકાણે કમાતા થઈ ગયા હતાં એટલે લાગ્યું કે હવે એ અમને સાચવશે કિન્તું...... ' બેય વૃદ્ધોની આંખે સામટો મહેરામણ ઉમટ્યો. નાના બાળકની માફક હૈયા હીબકે ચડ્યાં. અવાજ તરડાયો. ડોશીએ ડોશાને બાથમાં લઈ સાંત્વના આપી. નીલ અને નલીને ભીની આંખે દાદા-દાદીની ભીની આંખ કોરી કરી આપી. શિક્ષકે પણ પોતાની આંખ સાફ કરી.
'જવા દો હવે એ બધી બિહામણી વાતો. આપણે દીકરાઓ નહી પણ પથ્થરા જણ્યા'તાં જાણે!આપણા ભાગ્ય જ આવા હશે, કોઈને હવે દોષ આપ્યે શું ?' ડોશીએ સાંત્વનાના બે બોલ કહ્યાં.
દાદાએ વીતકકથા આગળ વધારી:'સાહેબ.. વખત થયો ને દીકરાઓએ નોખા થવાની વાત કરી. ભાઈઓ તો નોખા થતા આવ્યા છે એમ સમજાવી અમે વાત સ્વિકારી ને અમલમાં મૂકી. જો કે અમારે સંયુક્ત કુંટુંબની જ ઈચ્છા હતી, કિન્તું આ નવી વહુઓને એ પોસાતું જ ક્યાં હતું?
સરસામાન, માલમિલકતનો વહેવાર કરવાની બે ઘડી મોર્ય ડોશી મને કાનમાં કહે, 'ડોશાજી!હું કહું છું જોજો.. . આપણને તો મોટો જ માંગશે!' કહીને એ હરખથી હલબલી ઉઠી હતી.
'ના, ના ! આપણે તો નાનાના ભાગે જ શોભીએ. જગનો નિયમ જ છે કે માવતર તો નાનો દીકરો જ સાચવે. ' મે પણ મારી મંછા કહી.
અમે શીખવેલ સંસ્કાર, જીવન જીવવાની રીતો, જીવનને જાણવાની અને જોવાની રીતભાત, માણસાઈભર્યો વહેવાર એ બધાથી લાગતું હતું કે સૌ પ્રથમ બેય દીકરાઓ અમે કોના ભેગા રહીશું એની માગણી કરશે કિન્તું.. .. .. . !'
કિન્તું સઘળું વહેચાઈ ગયું, બે સરખા ભાગ પડી ગયા. લૂગડાં-લતા, ઘરેણા-રૂપિયા અને જમીન પણ. કિન્તું અમે છેવટ લગી નોંધારાની માફક મો વકાસીને બેસી રહ્યાં. એકેય દીકરો અમને માગે તો શું પણ તુટેલી ખાટલી, જૂની તપેલી અને બે ગ્લાસ અમારા જૂના ખોરડામાં મૂકી આવ્યા અને પોતપોતાને ઘેર વળ્યા. અમે નધણિયાની જેમ ઝાંખી પડવા મથતી કીકીઓમાં શ્રાવણ ભાદરવો ભરીને એકમેકને તાકી રહ્યાં. છતા દીકરાએ અમે અનાથ અને વાંઝીયા બન્યા.
બસ, સાહેબ... ! એ જ ઘડીએ અમે પહેરેલે લૂગડે મહામહેનતે ઊભું કરેલું-દીકરા કરતાંય સવાયું લાડકું ઝુંપડું છોડ્યું. અમારું એ ગામ, એ ઝુંપડું અમને જતાં જોઈને જાણે ચોંધારે ચડ્યા હોય એવી દશામાં અમે એમને છોડ્યા. મંઝીલ નહોતી, નહોતી સફરની ખબર કે નહોતી ક્યાંય આશરાની ફિકર. સગા દીકરાઓય અમારા ન થયા તો પછી બીજા તો કોની પાસે આશરાની અપેક્ષા રાખીએ. પ્રભુએ બક્ષેલા જીવનનો મલાજો જાળવવા અમે જે જડી એ વાટ પકડી. '
'તો પછી તમે તમારી દીકરીને ઘેર કેમ ના ગયા?' શિક્ષકે છેલ્લો સવાલ ઉપાડ્યો.
'અરે સાહેબ.. ! બે દીકરાઓ પણ જે ન ઉપાડી શક્યા એવા આ રાંકડા ઘડપણનો ભાર દીકરીને માથે શીદને નાખવો? દીકરીનું ઘર ગરીબ પણ જમાઈ લાખ રૂપિયાના. બાળપણમાં જ એના માવતર સંસારને સ્વાહા કરી ગયા હતાં. માવતરનું સુખ ન ભોગવી શકેલ જમાઈ અમને માવતર કરતાંય સવાઈ ખુશીથી અમારી સેવા ઉપાડી લેત. કિંન્તું એમને ભારી ન પડવાનું અમે મુનાસીબ માન્યું અને આખરે રખડતા-ભટકતા દશેક દિ'એ એક મંદિરે જઈ ચડ્યા.
સવારની વેળાએ મંદિરને ઓટલે એક તરફ-કોઈને નડીએ નહી એમ અમે પ્રભુસ્મરણમાં લીન બની દીન અવસ્થામાં બેઠા હતાં. હૈયે હોળી અને હોઠ પર ઝગમગાતી દીવાળી સમું તેજ હતું. એટલામાં દેવદૂત સરીખા અંબરનું આગમન થયું. ભગવાનની મૂરત પર નજર પડે એ પહેલા જ એની અમિ દષ્ટિ અમારા પર ઠરી. એ નજરોએ અમારા અંતરે ટાઢક ઉમટાવી. અનાથ જાણી બળતે હૈયે ઉમળકાભેર એ અમને એના ઘેર લઈ આવ્યો. '
'જે દિવસથી અંબર અમને અહી લઈ આવ્યો છે તે દિવસથી એ મંદિર અને મંદિરના મારગને વીસરી ગયો છે. ઈશ્વરની માફક અમારી સેવા આરાધના કરે છે એ. '
'જૂનું જે હતું એ દુ:ખ વીસરાવી દીધું છે અંબરે કિન્તું એક નવું દરદ ક્યારેક આંખમાં ઉથલો મારી જાય છે અને એ વેધક વેદના એટલે અંબરને અમારી કૂખે નહી જન્માવી શકવાનો અને લાલનપાલનનું સુખ ના આપી શકવાનો અખંડ વસવસો. '
'અમારી અઢળક આશિષ એના પરિવારને યુગાન્તરો સુધી ફળજો. ' કહેતા બંને વૃદ્ધોએ સામે ઊભેલા અંબર અને એની પત્નીના અમરતાભર્યા ઓવારણા લીધા.
***
4 - આપણા જીવનનો 'શિવરામ'
અશ્વિન મજીઠીયા
વાત છે આ ત્રણેક મહિના પહેલાની. તે દિવસે સવારે દસના સુમારે ડોરબેલ વાગી એટલે મેં દરવાજો ઉઘાડયો, તો સામે શિવરામ ઉભો હતો. શિવરામ અમારી સોસાયટીમાં બધાની ગાડીઓ અને બાઈક્સ ધોવાનું કામ કરે છે.
"સાહેબ, થોડું કામ હતું..!" -મને જોતાં જ તે બોલ્યો.
"પગાર દેવાનો બાકી રહી ગયો છે કે?"
"અરે નહીં સાહેબ, એ તો ક્યારનો મળી ગયો છે. આ તો બસ..પેંડા આપવાના હતા. દીકરો દસમી પાસ થઈ ગયો."
"અરે વાહ, આવ..અંદર આવ..!"
અમારા ઘરનો ઉંબરો શિવરામ પહેલી વખત ઓળંગતો હતો. મેં તેને બેસવાનો વિવેક કર્યો. શરૂઆતમાં ના ના કરતો તે, થોડો આગ્રહ કર્યો, તો બેઠો ખરો..પણ સંકોચ પામતો.
હુંયે તેની સામે બેઠો, એટલે તેણે મારા હાથમાં પેંડાનું બોક્સ મૂક્યું.
"કેટલા ટકા આવ્યા?"
"બાંસઠ ટકા."
"અરે વાહ, સરસ..!" -તેને સારું લગાડવા મેં ઉત્સાહ દેખાડવાનો ઢોંગ કર્યો. આજકાલ એંસી નેવું ટકા સાંભળવાની એવી ટેવ પડી ગઈ છે, કે એટલા ટકા ન મળે તે છોકરો તો જાણે નાપાસ થયો હોય એવું જ લાગે. પણ તે શિવરામ ખુશ દેખાતો હતો.
'સાહેબ હું ખૂબ જ ખુશ છું. મારા આખા ખાનદાનમાં એટલું ભણ્યો હોય, તો એ આ મારો દીકરો..!"
"અચ્છા, એટલે આ પેંડા વગેરે..?"
શિવરામને કદાચ મારુ આમ બોલવું રુચ્યું નહીં હોય એટલે તે હળવું હસ્યો અને બોલ્યો-
"સાહેબ, પરવડ્યું હોત તો દર વરસે વહેંચ્યા હોત પેંડા. સાહેબ, મારો દીકરો બહુ હોશિયાર નથી તે ખબર છે મને, પણ એકેય વરસ નાપાસ થયા વગર, દર વરસે ત્રણત્રણ ચારચાર ટકા તેના વધે જ છે, એમાં ખુશી નથી કે? સાહેબ, એ મારો દીકરો છે એટલે નથી કહેતો, પણ એ ખૂબ જ ખરાબ કન્ડિશનમાં અભ્યાસ કરતો હતો. તમારું આ..શું કહેવાય એને..શાંત વાતાવરણ, અમારા માટે તો એક સાહ્યબી ગણાય. તે સાદો..સાધારણ પાસ થયો હોત, તોયે હું પેંડા તો વહેંચત જ."
હું ચૂપ બેઠો હતો એ જોઈને શિવરામ બોલ્યો- "સાહેબ સોરી હોં, જો કઈં અવળું બોલાઈ ગયું હોય તો. બસ આ તો મારા બાપાની શિખામણ બધી. એ કહેતા કે આનંદ એકલો એકલો નહીં ખા. બધાને વહેંચ. આ ફક્ત પેંડા નથી, મારો આનંદ છે."
તેની બધી વાત મારે ગળે ઉતરી ગઈ. હું અંદરની રૂમમાં ગયો. એક ફેન્સી કવરમાં પાંચસો ને એક રૂપિયા ભર્યા, અને અંદરથી જ મોટા અવાજે પૂછ્યું- "શિવરામ, તારા દિકરાનું નામ શું છે..?"
"વિશાલ..!" -બહારથી જવાબ મળ્યો.
'મેં કવર પર લખ્યું- "ડિયર વિશાલ. કોંગ્રેચ્યુલેશન..
સદા ખુશ રહે. તારા પિતાની જેમ..!"
અંદરથી બહાર આવી મેં શિવરામને કવર આપ્યું.
"સાહેબ, આ શા માટે? તમે મારી સાથે બે મિનિટ વાતો કરી એમાં બધું જ આવી ગયું."
"આ વિશાલ માટે છે. તેને તેની મનગમતી ચોપડીઓ લઈ આપજે આમાંથી."
કઈં જ બોલ્યા વગર શિવરામેં તે કવર સામે જોયે રાખ્યું.
"ચા લઈશ કે?"
"અરે નહીં સાહેબ. વધુ શરમમાં ન નાખો. બસ.. આ કવર પર શુ લખ્યું છે તે કહો. હું રહ્યો સાવ અભણ. વાંચતા આવડતું નથી, એટલે.."
"ઘરે જા..વિશાલને કવર આપજે. તે વાંચી સંભળાવશે તને." -હું હસતા હસતા બોલ્યો.
મારો આભાર માનવા હાથ જોડતો જોડતો તે ગયો તો ખરો, પણ તેનો પ્રફુલ્લિત ચહેરો મારી નજર સમક્ષથી ખસતો નહોતો. ઘણા દિવસો બાદ એક આનંદી અને સંતોષી માનવીને હું મળ્યો એવું મને લાગ્યું. બાકી આજકાલ તો લોકો એટલા ટૂંકા જીવના થઈ ગયા છે કે જરાક કોઈકને કઈંક બોલવા જાઓ કે તકરાર શરૂ થઈ જ ગઈ સમજો. પંચ્યાસી નેવું ટકા આવ્યા બાદ પણ વિલું મોઢું કરીને બેસેલા છોકરાઓના વાલી મને યાદ આવી ગયા.
પોતાના દીકરા/દીકરીને જોઈતું હોય તે કોલેજમાં એડમિશન મળે નહીં ત્યાં સુધી પોતાનો આનંદ મુલતવી રાખ્યો હોય જાણે કે.
આવા લોકો પર આપણે હસવું ન જોઈએ, કારણ આપણે બધાં એવા જ થઈ ગયા છીએ.. આનંદ મુલતવી રાખનારા..!
મારી પાસે ટાઈમ નથી, મારી પાસે પૈસા નથી, કોમ્પિટિશનમાં ટકી કેમ રહેવાશે, આજે વરસાદ બહુ છે, આજે મૂડ નથી..! આનંદ મુલતવી રાખવાના ઘણાય કારણો છે આપણી પાસે, તે પહેલાં કબુલ કરી લઈએ.
અમુક વસ્તુ કરવાથી આપણને જ આનંદ મળવાનો છે, પણ આપણે જ તે વસ્તુ કરવાનું ટાળીએ છીએ. વિચિત્ર જ ન કહેવાય આ?
બાકી..મારી પાસે ટાઈમ નથી..!
મોગરાના ફૂલની સુવાસ લેવામાં કેટલો સમય લાગે?
મારી પાસે પૈસા નથી..!
સૂર્યોદય કે સૂર્યાસ્ત જોવામાં કેટલા પૈસા લાગવાના છે?
કોમ્પિટિશનમાં ટકી કેમ રહેવાશે..?
યાર, ન્હાતી વખતે ગીત ગાઓ તો કોણ નવરુ છે તમારી સાથે કોમ્પિટિશન કરવા માટે?
પણ..આજે વરસાદ બહુ છે ને..!
વરસાદ આવે છે? સિમ્પલ..! ભીંજાવા જાઓ.
મુકો યાર..આજે મૂડ નથી..!
બિલકુલ કઈં જ ન કરતા પથારીમાં આળોટવા માટેય શું તમને મૂડ જોઈએ છે? એમાંય આનંદ શોધવાની કોશિષ કરો ને..! કોણ રોકે છે તમને..!
ઉપરના અને એના જેવા બીજા બધા ક્ષુલ્લક બહાનાઓ ફગાવીને ય આનંદ તો ચોક્ક્સ લઈ જ શકાય છે ને..!
માણસ જન્મે છે ત્યારે તેની બન્ને મુઠ્ઠીઓ બંધ હોય છે. કહેવાય છે કે ઈશ્વરે એકમાં આનંદ, તો બીજીમાં સંતોષ ભરીને આપણને અહીં મોકલ્યા હોય છે, પણ જેમ જેમ આપણે મોટા થતાં જઈએ છે તેમ તેમ આનંદ, સંતોષ..બધું મુઠીમાંથી સરતું જાય છે, અને પછી હવે..આનંદી રહેવા માટે આપણે કોઈ ને કોઈ વ્યક્તિ કે ઘટના પર આવલંબિત રહેવું પડે છે.. કોઈના આગમન કે કોઈની વિદાય પર..કોઈના હોવા પર કે કોઈના ન હોવા પર..કઈંક મેળવીને કે કઈંક ગુમાવીને..કોઈકના બોલવા પર કે કોઈકના ન બોલવા પર આપણો આનંદ નિર્ભર રાખીએ છીએ, અને પોતે જ પોતાની જાતને લાચાર કક્ષામાં મૂકી દઈએ છીએ.
વાસ્તવમાં તો આપણી મ્હાય જ આનંદનું એક, ક્યારેય ન સુકાય એવું, ઝરણું સતત વહેતુ જ રહે છે કે જેમાં ક્યારેય પણ કૂદકો મારી શકાય છે અને મસ્તીમાં ડૂબી જઇ શકાય છે.
આટલું હોવા છતાંય આપણે તે ઝરણાંને કાંઠે ઉભા છીએ કદાચ કોઈ ટેન્કર આવવાની વાટ જોતા..!
જ્યાં સુધી આ વાટ જોવાનું તૂત છે, ત્યાં સુધી આનંદ માટેની તરસ છીપાવાની નથી. બીજાઓ સાથે સરખામણી કરતાં હજુય વધુ પૈસો, હજુય વધુ કપડાં, હજુય મોટું ઘર, હજુય ઊંચી પોઝિશન, હજુય વધુ ટકા..!
આ 'હજુ ય વધુ'ની પાછળ ભાગતા ભાગતા પેલા આનંદના ઝરણાંથી કેટલા દૂર આવી ગયા છીએ આપણે..નહીં..?
ખેર, એ તો કોઈક 'શિવરામ'ને જોઈએે, ત્યારે જ ખ્યાલ આવે આપણને..!
.
અશ્વિન.. :)
***
5 - ઉછીના ઉજાગરા
જેકબ ડેવિસ
Yakub Parmar
ઘરમાં લાઇટની એક સ્વીચ બગડી ગઇ હતી. અમે રહેવા આવ્યા તે વિસ્તાર અમારા માટે આમ તો નવોસવો હતો, એટલે હું સ્વીચ મળે તેવી ઇલેકટ્રીકની દુકાન શોઘતો હતો. મારા ઘરથી બાજુના રોડ ૫ર જતાં આવી એક દુકાન જોઇ એટલે સ્કૂટર ઉભું રાખી હું દુકાનમાં દાખલ થયો. દુકાન ખાલી હતી કોઇ ગ્રાહક નહોતા. એપાર્ટમેન્ટની નીચે પાંચેક દુકાનની હાર બનાવી હતી તેમાંની આ એક દુકાન હતી. સાંકડી દુકાનમાં એક ભાઇ ટેબલ ૫ર બેઠા હતા અને નોટમાં કંઇક લખતા હતા. એમના માથે એક બોર્ડમાં લખેલું ઝબકતું હતું : ‘આજે રોકડા કાલે ઉધાર’. મને જોયો એટલે તેમણે લખવાનું બંધ કર્યું. ને મારી સામે જોયું.
મેં કહયું : ‘મારે એક સ્વીચ જોઇએ છે.’
દુકાનદાર કહે: ‘હા, હા. શેઠિયા બોલોની કેવા કલરની જોઇએ?’
‘કાળા કલરની.’ મેં કહયું.
હોઠ લાંબા કરીને કહે : ‘અરે ભાઇ, કાળા કલરની સ્વીચ હવે નથી આવતી. ઉધાર જેવો કાળો કલર કોણ લે ? હવે વ્હાઇટ અને આઇવરી કલર, બે કલરમાં આવે છે. એમ કરો, આ સ્વીચ રાખો.’ એમ કહી એમણે ટેબલના ખાનામાંથી એક બોકસ કાઢી એમાંથી સ્હેજ પીળાશ ૫ડતા રંગની સ્વીચ કાઢી મને બતાવી. કાળા રંગની સ્વીચ કદાચ નહીં મળે એમ મન મનાવી લીઘું, કેમકે ટયુબ લાઇટની એક સ્વીચ લપટી પડી ગઇ હતી ને સ્વીચની તાત્કાલીક જરૂર હતી જ. એટલે આ તો આ એમ ગણી ચાલતું ચલણ એકવાર ટયુબ ચાલુ થાય તે માટે સ્વીચ લીધી ને દસની નોટ તેમને આપી. એની કિંમત નવ રૂપીયા થતા હતા એટલે ટેબલમાં ખાંખાંખોળાં કરી એક રૂપીયો શોધવા માંડયા. ખાસી વાર થતાં મેં કહયું કે રૂપીયો ના હોય તો કંઇ નહીં, ફરી કોઇ વાર. પણ એમણે કહયું : ના ના ભાઇ, ઘડીક ખમો. એમ કહેતાં રૂપીયાનો સિકકો શોઘી કાઢયો ને મને આપતાં કહયું : ‘ ઇલેકટ્રીકનાં સાધનો બગડયાં હોય તો આપણે રીપેર બી કરીએ છીએ, એવું કંઇ હોય તો લાવજો.’ ઇલકટ્રીકનાં પરચુરણ સાધનો માટે સારી દુકાન મળી એમ વિચારતો હું સ્કૂટર લઇ રસ્તે પડયો.
ફરી એકવાર શાકભાજી લઇ એ રસ્તેથી પસાર થતા હતા ત્યારે મારી પત્નીને દુકાન બતાવી મેં કહયુ કે લાઇટની નાની પરચુરણ વસ્તુ અહીં સારી મળે છે.
એણે કહયું : ‘તો સ્કૂટર ઉભું રાખો. લાઇટનાં ખાલી હોલ્ડર છે તેમાં નાખવા આપણે ઝીરોના બલ્બ લઇ લઇએ.. તેનાથી હોલ્ડર બંઘ રહે, ને ભમરીઓ ઘર કરતી મટે. ઝીરોનો બલ્બ રાતે ચાલુ પણ રાખી શકાય.’ મને ભમરીઓની દયા તો આવી પણ વિચાર સારો લાગ્યો. સ્કૂટર ઉભું રાખી દુકાનમાં પેઠા. મને જોઇને દુકાનવાળા ભાઇ ઓળખી ગયા કહે : ‘આવો આવો.....’
મારી પત્નીએ કહયું : ‘ઝીરોના બલ્બ બતાવો.’ એણે આલમારી ઉપરથી પુંઠાનું બોકસ કાઢી લાલ,લીલા,પીળા, ભુરા, એમ અનેક કલરના બલ્બ બતાવ્યા. દરેક કલરના બલ્બ હોલ્ડરમાં નાખી ચાલુ કરીને પણ બતાવ્યા, જેથી કયા રંગના બલ્બ લેવા તેનો ઘરાકને ખ્યાલ આવે. જોકે મારી પત્નીએ પીળા રંગ ઉપર પસંદગી ઉતારી. કહે : ‘આ જ રંગ સારો લાગે.’
’તને જે ગમે તે સવાવીસ.’ એમ કહી પાચ બલ્બ ખરીદીને પૈસા ચુકવ્યા. અમે નીકળતા હતા ને મારી પત્નીએ દુકાનદારને પુછયું : ‘ઇસ્ત્રી રીપેર કરો છો ?’
દુકાનદારે કહયું : ‘હા, હા, બેન લાવો ને ! કચકડા જેવી કરી આપીશ.’ મારી પત્ની મને કહે કાલે ઇસ્ત્રી આપી જઇશું, અને એમ નકકી કરી અમે ચાલ્યા.
ત્રીજા દિવસે ઇસ્ંત્રી આપી આવ્યા. એણે પાછા લઇ જવા પાંચેક દિવસનો વાયદો કર્યો. પણ અમે સાત દિવસ પછી લેવા ગયા કેમકે ખબર કે વાયદામાં બે એક દિવસ આઘુંપાછું તો થાય. અમે ગયા ત્યારે ઇસ્ત્રી તૈયાર હતી. સ્વીચબોર્ડમાં નાખી ચાલુ કરીને બતાવી. હાથ અડાડીને પણ બતાવ્યું ને કહે : ‘જુઓ હવે કરંટ પણ લાગતો નથી’. મેં જોયું કે એમાં સાઇડમાં નાનો બલ્બ હતો જે ઉડી ગયો હતો તે પણ નાખી દીધો હતો. ઇસ્ત્રી ચાલુ થઇ કે નહીં તે બતાવતો ઇન્ડીકેટર બલ્બ નાખેલો જોઇ મને રીપેરીંગ સંતોષકારક થયાનો આનંદ થયો. રીપેરીંગના સાઇઠ રૂપીયા રાજીખુશીથી ચુકવી દીધા. એક ભાઇ ડોરબેલ ખરીદ કરતા હતા, અમે પણ ડોરબેલ જોવા માંડયા. ચાર પાંચ અવાજની ડોરબેલ ચાલુ કરી બતાવી તેમાં એક બેલ અમને ગમી ગઇ. અમારા ઘેર ડોરબેલ ચાલુ હતી, છતાં કિંમત સવાસો રૂપીયા જેટલી હતી ને પંખીના ટહૂકારાનો અવાજ ગમી ગયો એટલે ખરીદી લીધી. મેં પૂછયું : ‘જોઇન કરવા આવશો ?’
દુકાનદારે બેલના વાયર બતાવી કહયું : ‘આમાં કંઇ છે નહીં. જુની બેલના બે છેડા કાઢી નાખી આ બેલના બે છેડા જોઇન કરી દેવાના, છતાં ના થાય તો કહેજો, આવીને નાખી જઇશ.’
પછી તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત થાય એટલે અમે એ.સી. ખરીદયું. હવે જયારે ઘર બનાવ્યું હોય ત્યારે એ.સી. નાખવાનો વિચાર સરખો આવ્યો ના હોય, એટલે એના માટે લાઇટનો પોઇન્ટ હતો નહીં. અમારા ઓળખીતા આ દુકાનવાળાને પોઇન્ટ નાખવા કહયું. એણે છેક મીટરમાંથી વાયર ખેંચી લાવવો પડે એની અનિવાર્યતા અમને સમજાવી. એ અંગે વિગતે તો આપણને ખબર પડે નહી., એટલે સારો વાયર અને સારી સ્વીચ વાપરી કામ કરવા જણાવ્યું. મોંઘી સ્વીચ અને વાયર નાખી અઢારસો રૂપીયાનું બીલ એણે બનાવ્યું, જે એ.સી.ની ખુશીમાં ચુકવાઇ ગયું.
એક વાર શનિવાર બપોર પછી હું ઘેર નહોતો ત્યારે આ ભાઇ મારા ઘેર આવ્યા. મારી પત્નીને કહે : ‘બેન, મારાં બાને દવાખાને દાખલ કર્યાં હતાં, ને આજે રજા આ૫વાની છે મારી પાસે સાત હજાર છે ને બીલ આપવામાં ત્રણ હજાર ખૂટે છે. આજે બેન્ક હમણાં બંધ થઇ જશે ને કયાંયથી મેળ ના પડયો. જો આજે દવાખાનેથી રજા ના લઇએ તો બે ત્રણ દિવસનું ખોટું વધારાનું બિલ આ૫વાનું થાય ને એટલી દવાખાનાના આંટાફેરાની હેરાનગતી. જો ત્રણ હજાર આપો તો સોમવારે હું આપી જઇશ. તમારે લેવા આવવાનો ધકકો પણ નહીં થવા દઉં. આટલી સાદી વાત મારી પત્નીને ઘીના શીરાની જેમ તરત ગળે ઉતરી ગઇ. છતાં કહયું : ‘પણ જો જો હોં, મારે પૈસા લેવા ધકકો ખાવો ના પડે.’
’અરે બેન, હોય ? બેન્ક ઉઘડતાં જ આપી જવા.’
ને એમને ત્રણ હજાર ગણી આપ્યા. આપતાં કહયું ય ખરૂં : ‘જો જો, ભાઇ અમે વોટર પ્યોરીફાયર લાવવા ભેગા કરેલા પૈસા છે, મારે એમનો ઠપકો સાંભળવો ના પડે !’
‘બેફીકર બેન.’ એટલું કહી પૈસા લઇ રાજી થતા એ ભાઇ જવા લાગ્યા, મારી પત્ની સંતોષથી એમનો રાજીપો જોઇ રહી. સાંજે મને કહયું : ‘આવી રીતે પેલા દુકાનવાળા ભાઇને પૈસા આપ્યા છે.’ મેં કહયું : ‘કંઇ નહી. હવે ખાજે ધકકા.’
‘અરે હોય ? સોમવારે આપી જશે. આજે બેન્ક અડધો દિવસ નહી ? એમાં એનાથી જવાયું નહીં હોય.’
‘હલવામણ શીખવી હોય તો ઉછીના આલ એ વાત નથી સાંભળી, હવે અનુભવ કરી લેજો !’
સોમવારે પેલા ભાઇની કાગના ડોળે રાહ જોઇ. પણ એ ભાઇ ના આવ્યા. નોકરીના ચાલુ દિવસોમાં તો ધકકા ખાવાનો સમય ના હોય, છતાં ત્રણ દિવસ પછી મારી પત્નીએ કહયું: ‘ચાલો ને, સ્કૂટર લઇને જઇ આવીએ. વાયદાના ત્રણ દિવસ થયા તોય એ કેમ ના આવ્યા ?’ સ્કૂટર લઇને સાંજના ગયા, એ ભાઇ દુકાને નહોતા. એમનાં પત્ની બેઠાં હતાં. એમણે કહયું: ‘બેસો, રીપેરીંગમાં ગયા છે, હમણાં આવશે.’ કલાક દુકાનમાં બેઠા ત્યારે એ આવ્યા. અમને જોઇને હસી પડયા. ‘ભલા માણસ ધકકો શું કામ ખાધો ?’
મારી પત્નીએ ઉભા થતાં કહયું: ‘તમે સોમવારનો વાયદો કર્યો હતો, પણ પૈસા આપવા આવ્યા નહીં, એટલે આવવું પડયું.’
એ કહે : ‘શું છે કે મારે એક ઉઘરાણી આવવાની હતી, એ પૈસા આવ્યા નહીં એટલે તમને પૈસા આપી શકયો નહીં.’
‘પણ તમે તો કહયું હતું ને કે બેન્કમાંથી ઉપાડીને જ આપવાના છે ?’
‘ઉઘરાણી પાકી આવવાની હતી એટલે બેન્ક જેવું જ કહેવાય ને બેન ?’
‘કંઇ નહીં, લાવો પૈસા, આજે તો આપો.’
’આજે તો નથી બેન, એક કામ કરો, સોમવારે હું ઘેર આપી જઇશ. બસ ? વિશ્વાસ રાખો. વિશ્વાસે વહાણ તરે છે. પૈસા કયાંય નહીં જાય.’
અમારે હવે બીજું કશું કરવાનું ન હતું. એમના કહયા મુજબ વિશ્વાસથી આપ્યા હતા અને વિશ્વાસ ટકાવી રાખવાનો હતો. જેથી વિશ્વાસનું વહાણ તરતું રહે ! એ જાણે અમને પૂછતા હતા : ‘તમારે ડૂબાડવું છે કે તારવું છે ?’ અમારે ડૂબાડવું નહોતું એટલે પાછા વળી ઘેર આવ્યા. એ પછી તો એવા કંઇ સોમવાર આવ્યા અને ગયા. એ ભાઇની દુકાને ધકકા ઉ૫ર ધકકા ખાધા. અનેક વાર મારી પત્નીએ એને ના કહેવાના બોલ કહયા, પણ એણે હસીને કાઢી નાખ્યા. ‘પૈસા મારા હાથમાં આવે એટલે પહેલાં બેન તમને આ૫વાના એ પાકું જાવ બસ ?’ પણ ત્રણ હજાર તેના હાથમાં આવ્યા નહીં.
હવે તો મારી પત્ની સ્કૂટર કાઢવા કહે તો પણ મને આજીજી કરતી હોય એમ કહે. : ‘ઓઇ, ચાલો ને જરા.’ એ કહે ત્યારે સાથે તો જવું ૫ડે, પણ મેં કહયું : ‘હવે એ ભાઇની દાનત જણાતી નથી., એટલે ધકકા ખાવા નથી, હાજી કાસમનું કરોડોનું વહાણ ડૂબી ગયું હતું ને એની પેઢીઓ તારાજ થઇ ગઇ. તારે તો વહાણ ત્રણ જ હજારનું હતું. ગયા ખાતર ગણી નાખ. અને બીજી એક વાત કહી દઉં, ઉંચા સાદે તો બોલતી જ નહીં, કારણ આપતો હશે તોય નહીં આપે, ને આપણે કરી ય શું લેવાના ?’
પણ એ દિવસે તો મારી પત્ની દુકાને જઇને બેઠી ને એને કહયું : ‘તું જયાં સુધી પૈસા નહીં આપે ત્યાં સુધી અહીંથી ઉઠવાની નથી.’ પેલા ભાઇ તો એમનું કામ કરતા જ રહયા. ‘લો લાવો’માંથી ‘લે લાવ’ પર વાત આવી છે તેની તેણે મનોમન નોંધ લીધી હોય એવું મને લાગ્યું. ૩૬૦ માંથી સીઘો પ૦૦ વોટનો કરંટ બતાવતાં એણે કહયું : ‘બેન, પૈસા હાલ નથી. તમે ધજાગરો કરશો એટલે આપી દેવાનો નથી. આવશે એટલે પહેલાં તમને આપીશ, જાવ, બસ ?’ આમ ને આમ તો ઘણી વાર ચાલ્યું. પછી તો મારી પત્ની એકલી હોય તો રીક્ષા કરીને દુકાને ઉઘરાણી કરવા પહોંચી જાય. અંતે આ ધજાગરાથી થાકીને હોય કે પૈસા તેની પાસે આવી ગયા હોય, પણ એણે પૈસા આપી દીધા. સાંજે ઘેર આવ્યો ત્યારે મારી પત્નીએ હરખ કર્યો: ‘પેલા ત્રણ હજાર આવી ગયા હોં !’
મેં કહયું : ‘ચાલો, એક વાત પતી.’
એ વાતને એકાદ મહિનો થયો હશે ને અમે તેની દુકાનેથી ૫સાર થતાં હતાં. મારી પત્ની કહે : ‘ઉભા રહો, રસોડામાં ટયુબ ઉડી ગઇ છે તે સ્ટીક લેતા જઇએ.’
સ્કૂટર ઉભું રાખી દુકાનમાં ગયા. મને કહે : ‘ભઇ, પૈસા આપી દીધા છે હવે શું છે ?’
મેં કહયું : ‘હા, એ વાત નથી, અમારે ટયુબની સ્ટીક ઉડી ગઇ છે તે ખરીદવી છે.’
’ભઇ, મારે તમને સ્ટીક વેચવી જ નથી.’
‘અરે, પણ મારે કયાં ઉધાર લેવી છે ? રોકડા આપું છું ને ?’
‘રોકડા કે ઉધાર , તમને વેચવી જ નથી. કહયું ને ?’ ને હું પગથીયાં ઉતરી ગયો, વિચારતો હતો કે બીજી આવી દુકાન શોધવી પડશે ને એને ઉછીના નહીં આપવાનું પણ ધ્યાન રાખવું પડશે.
***
6 - કસમ લેન્સ ની :
અમીતા પટેલ
રોજ ની માફક આજે સવારે પણ લેક્ચર લેવા માટે બહારગામ જવાની ધડાધડ માં હતી. મને આ જોબ માં ખૂબ મજા આવતી. રોજ અલગ અલગ જગ્યા અને રોજ જુદા જુદા માણસો.
પણ જતાં પહેલા કન્ફર્મ કરવું પડે નહિ તો કદાચ ધક્કો ય પડી જાય.
આજે તો વળી, તદ્દન અજાણ્યા ગામ માં અમદાવાદ થી ૬૦ કિલો મીટર દૂર જવાનું હતું. ઓછા માં ઓછા બે કલાક નો રસ્તો થશે ને ત્યાં ગામ માં પહોંચી ને જગ્યા પણ શોધવાની !
આટલે દૂર વળી એકલી ક્યાં જાઉં, એટલે મમ્મી ને પણ સાથે લઇ જવાની હતી. ભાગમભાગ કરતાં, ઘર નું બધું કામ પતાવતાં, નાહી ધોઈ ને તૈયાર થઇ ને લેન્સ પહેર્યા. આમ તો છેલ્લા ૩૫ વર્ષ થી પહેરું છું. જ્યાર થી લેન્સ ની નવી નવી શોધ થઇ હતી ત્યાર થી જ. લેન્સ પહેરતાં આજ ના કામો ના વિચારે ચડી ગઈ ને પહેર્યા પછી જોયું, તો બંને આંખ માં કંઈ સરખું દેખાય નહિ ! એટલે મને થયું કે ભૂલ થી ડાબી આંખ નો જમણે ને જમણી આંખ નો ડાબે પહેરાઈ ગયો હશે. ઝટપટ ચેન્જ કર્યા તો ય બરાબર ના દેખાય !! આપણે જયારે ખાસ ઉતાવળ હોય ને ત્યારે કોઈ નહિ ને ભગવાન જ આપનો દુશ્મન થઇ જાય છે .. કોઈ દિવસ નહિ ને આજે જ આ શું બધા લોચા ! જવા દે ... લેન્સ જ કાઢી નાખું, આના કરતાં ચશ્મા ભલા ! ફટાફટ બંને આંખ માં થી લેન્સ કાઢ્યા તો ત્યાં તો ... અચાનક જમણી આંખ નું વિઝન જ જતું રહ્યું . અરે ભગવાન, આ શું થઇ ગયું ! કંઈ સમજ નથી પડતી ! જમણી આંખે સાવ ધૂંધળું દેખાય .. માત્ર કંઇક નાનકડો પ્રકાશ ..કે જેનાથી એમ લાગ્યું કે હું તદ્દન આંધળી નથી થઇ ગઈ .પણ સામે આખી માસ મોટી બારી પણ ડાબી આંખ બંદ કરી ને જોઉં તો એ પણ ના દેખાય . થોડી વાર આંખ બંદ કરી ને પડી રહું ? એના થી કદાચ સારું થાય.“ ... હવે આવો પ્રોબ્લેમ હોય ત્યારે સૂઈ રહેવા થી શો ફેર પડી શકે પણ... ડૂબતો માણસ તરણું પકડે !
સવાર સવાર માં મને આમ અચાનક સૂતેલી જોઈ ને હસબંડ ને ચિંતા થઇ. પ્રેમ થી પૂછ્યું ,” શું થયું છે તને ? કંઈ થાય છે ? “ મેં કહ્યું , “ હા, મને આંખે ઠીક નથી .” “હેં! આંખે ઠીક નથી ? લોકો ને તાવ આવે, માથું દુખે, પેટ માં દુઃખે પણ તને આંખે ? શું થયું છે આંખ માં ? “ મેં કહ્યું “હા, આજે સવારે લેન્સ પહેર્યા ને , તો કંઈ બરાબર દેખાતું નહોતું તો મેં ડાબા નો જમણે ને જમણા નો ડાબે ૨-૩ વાર કરી જોયા ને પછી કંટાળી ને કાઢી નાખ્યા , પણ ત્યાર થી મને આ જમણી આંખ માં તો બિલકુલ દેખાતું નથી .” એમને ય કંઈ સમજ ના પાડી. કોઈ ને ય કંઈ સમજ પડે એવું હતું જ ક્યાં ?
આવું અચાનક કોઈને થતું જોયું કે સાંભળ્યું પણ નથી. એમણે મને ચિન્તાપૂર્વક કહ્યું “જો,બેસ, રાહ જોઈએ થોડી વાર, કદાચ ફેર પડે ! “ ..
એમ કરતાં ૯ વાગ્યા પણ કઈ સારું ના થયું. એટલે માં ગામડે થી ઓર્ગેનાઇઝર નો ફોન આવ્યો “ બેન તમે કેટલા ૧૧.૩૦ વાગે પહોંચો છો ને લેક્ચર લેવા ? “ મેં કહ્યું ,”ભાઈ, મને આંખે ઠીક નથી.”
“હેં! આંખે ઠીક નથી ?”. મેં કહ્યું “હા,આજે સવારે લેન્સ પહેર્યા ને ,તો ... “ ભાઈ મારી વ્યથાગાથા સાંભળવા જરાય ઉત્સુક નહોતાં. અધવચ્ચે મને કાપી ને કહે કે બેન, ફાઈનલ કહો, તમે આવશો કે નહીં ? લો ! લોકો માં થી તો જાણે બધી સંવેદનાઓ સુકાઈ ગઈ લાગે છે .. થોડી વાર માં કન્ફર્મ કરું .. કહી ને મેં ફોન મૂક્યો. આંખ બંદ કરું, ખોલું, હથેળી થી ઢાંકું, ઉપર જોઉં , નીચે જોઉં, દૂર જોઉં,
અરીસા માં જઈ ને જોઉં ..બધું કરી જોયું પણ આંખ નું વિઝન તો સાવ ધૂંધળું ને ધૂંધળું જ !!
હવે તો મને બી ચિંતા થવા લાગી. આ તો જાતે ને જાતે સારું નહિ થાય હોં ! મમ્મી ને ફોન કર્યો કે આજે જવાય એમ નથી લાગતું , કેન્સલ કરવું પડશે , એમ લાગે છે. “કેમ ? શું થયું ? “મેં કહ્યું ,
“મમ્મી, મને આંખે ઠીક નથી”. “હેં! આંખે ઠીક નથી ?” . “હા, આજે સવારે લેન્સ પહેર્યા ને,તો... “ મમ્મી પણ ચિંતા માં , હું પણ ચિંતા માં , હસબંડ પણ ચિંતા માં .. આ શું થઇ ગયું અચાનક ?
ઓફીસે જવા માટે એ ક્યાર ના તૈયાર હતા , પણ ઓફીસ ના જાય . મેં કહ્યું ,”તમ તારે જાવ ઓફીસ .. થશે સારું એ તો ..” પણ એમનો બી જીવ ના ચાલ્યો.
સમય વિતવા લાગ્યો. ૧૧.૩૦ થયા . છેવટે હસબંડે કહ્યું કે આંખ ના કોક સારા ડોક્ટર ને બતાડી આવીએ. છૂટકો જ નહોતો ... કોઈ સારા ઓપ્થાલ્મોલોજીસ્ટ નું નામ પૂછવા મારી ખાસ ફ્રેન્ડ
ને ફોન કર્યો . “શું થયું ? “. ”આંખે ઠીક નથી” .” હેં! આંખે ઠીક નથી ?” . “હા, આજે સવારે લેન્સ પહેર્યા ને, તો... “
હે ભગવાન આ મારી આંખ નું શું થશે ? એડ્રેસ લઇ ને ડોક્ટર પાસે પહોંચ્યા તો રીસેપ્શનીસ્ટ એ ના પાડી દીધી . ડોક્ટર કોઈ ને અપોઇન્ટમેંન્ટ વગર નહિ મળે. મેં કહ્યું કે ઈમરજ્ન્સી છે.
બેને પૂછ્યું ,” “શું થયું ? “ આજે સવારે લેન્સ પહેર્યા ને તો ... “ ...એમણે કહ્યું કે સારું, ડોક્ટર આવે ત્યાં સુધી રાહ જોવી પડશે.
ધીમે ધીમે બેઠા બેઠા મને સખત ચિંતા થવા લાગી. આ તો કોઈ દિવસ જોયું-સાંભળ્યું ના હોય એવું કંઇક વિચિત્ર જ થઇ ગયું. ઓપરેશન કરાવવું પડશે કે શું ? અને એ પછી બી મારી આંખ ઠીક થશે કે નહીં ? આટલા વર્ષો થી રેગ્યુલર લેન્સ તો પહેરું જ છું પણ આવું તો ક્યારેય નથી બન્યું ! કોક અવનવા રોગ નો દુનિયા નો સૌ પ્રથમ કિસ્સો મારો જ હશે એમ લાગે છે. ઓમ નમો: શિવાય, ઓમ શ્રી ગણેશાય નમ:, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ: ... જાત જાત ના મંત્રોચ્ચાર આપોઆપ થવા લાગ્યા. બધા ભગવાન મને સામટા યાદ આવ્યા. એમાં ના કોઈ એક પણ મને મદદ કરે તો ચાલી જશે. પણ આ તો થોડો વધુ સિરિયસ કેસ છે. ખાલી મંત્રો બોલવા થી કંઈ નહિ વળે. બાધા રાખવી પડશે.. હે ભગવાન.. પાંચ ઉપવાસ કરીશ, ૨૧ હનુમાન ચાલીસા કરીશ,
મહુડી દર્શન કરી આવીશ, મંદિર માં ૧૦૦૧ નું દાન કરીશ .. પણ ભગવાન મારી આંખે ઠીક કરી દેજે.
ડોક્ટર આવે તે પહેલાં પ્રાઈમરી ચેક-અપ માટે લઇ ગયા. ફરી એ જ સવાલ ... “શું થયું છે ?”. “આજે સવારે લેન્સ પહેર્યા ને, તો... “. મારી વાત પૂરી સાંભળી ને નિર્લેપ ભાવે એમણે જવાબ આપ્યો.
“સારું, આંખો ચેક કરી લઈયે.“ અને ચેક કરી આંખો માં ટીપાં નાખી આંખ બંદ કરવાનું કહી ને મને બેસાડી રાખી. આમણે પણ કંઈ જ જણાવ્યું નહિ એનો ચોક્કસ અર્થ એ જ કે આંખે કંઇક એમને પણ ના સમજાય, એવો મોટો પ્રોબ્લેમ છે.. હવે મારા ધબકારા ખૂબ વધવા લાગ્યા .. મને ગભરામણ થવા લાગી. રડાય નહિ ! આવડા મોટા થઇ ને આંખ ની હોસ્પિટલ માં રડીએતો લોકો ની આગળ કેવું લાગે ! અને રડવા થી આંખ વધુ ખરાબ થાય તો ?
અને અંતે ડોક્ટર આવ્યા અને મારો અંદર જવાનો વારો આવ્યો. “શું થયું છે ? “આજે સવારે લેન્સ પહેર્યા ને, તો...” . “ઓ.કે., બેસો આ સીટ પર,તમારી આંખો ચેક કરી લઉં. ! “ અને ડોકટરે પૂછ્યું ,”
બહુ શોખ છે ને લેન્સ નો તમને ?”. મેં કહ્યું કે હું ૩૫ વર્ષ થી પહેરું જ છું. “ઘણા બધા પહેરતા જ હોય પણ તમને તો કંઇક વિશેષ શોખ લાગે છે ! “ જરા ઓછપાઈ ને મેં પૂછ્યું કે, ”કેમ, લેન્સ આંખો માટે નુકસાનકારક હોય ?” તો કહે “ ના, જરાય નહીં, પણ તમે તો એક જ આંખ માં એક ની ઉપર એક એમ બે લેન્સ ચડાવ્યા છે “. ધડામધમ ... મને તો કાપો તો જાણે લોહી ના નીકળે ..
વ્હોટ.. હેં.. શું !! પણ હું કશું વધુ બોલું એ પહેલા ડોકટરે જમણી આંખ માં થી બે લેન્સ કાઢી નાખ્યા અને ......આંખ નું વિઝન એક્દમ્મ ક્લીયર !! ઓહ! હે ભગવાન !! શું ખરેખર !! મને સાચે દેખાતું થઇ ગયું ? હાશ !! ને મારું મોં હસું હસું થઇ ગયું.. ડોક્ટર પણ જોર થી હસી પડ્યા અને રિલેક્ષ થઇ ને મારા હસબંડ પણ !
હવે સમજ પડી ! આ યુઝ એન્ડ થ્રો વાળા લેન્સ પહેરેલા.. ડાબો જમણો કરતાં કરતાં આગળ ના જૂના લેન્સ થ્રો કરવા ના રહી ગયેલા , જે પહેરતી વખતે નવા ની સાથે એક ની ઉપર એક એમ ચોંટી ગયા ! ને જેમ ડબલ નંબર ના ચશ્માં પહેરો , તો એમાં થી કંઈ ના દેખાય એમ આમાં બી ડબલ નંબર થઇ ગયા એટલે કંઈ નહોતું દેખાતું ! મારા માટે તો આ લેસન-લર્નિંગ કિસ્સો હતો જ , પણ ડોક્ટર ની લાઈફ નો પણ આવો કિસ્સો પ્રથમ જ હતો ! ખડખડાટ હસી ને એમણે મને કહ્યું કે હવે રિલેક્ષ થઇ જાવ, તમને કંઈ જ નથી થયું , તમારી આંખે બધું ઠીક જ છે. પણ તમે આના પર થી શું બોધ-પાઠ લેશો ?”
મેં કહ્યું “ પહેલી વાત તો એ, કે ગમે તેટલી ઉતાવળ હોય , હંમેશા બધાં કામ શાંત મગજ થી જ કરવાં ! અને બીજું કે, લેન્સ ની કસમ, જિંદગી માં કદી લેન્સ ના પહેરું !! “.
અને બીજા જ અઠવાડિયે મેં આંખ નું ઓપરેશન કરાવી લીધું…
***
7 - છેડતી
નિરંજન મહેતા
‘બચાવો, બચાવો’ની બુમ સાંભળી ફ્લેટ નં ૧૦૪ની આજુબાજુના નં.૧૦૧, ૧૦૨ અને ૧૦૩ ફ્લેટવાળા બહાર આવી ગયા. તેઓને ખ્યાલ આવી ગયો કે અવાજ ફ્લેટ નં. ૧૦૪માથી આવે છે. થોડાકે ફ્લેટ નં. ૧૦૪નો દરવાજો ખટખટાવ્યો પણ અંદરથી તે ખૂલ્યો નહીં. ફરી પાછી ‘બચાવો, બચાવો’ની બુમ સંભળાઈ એટલે ફરી બહારવાળાઓએ જોરજોરથી દરવાજો ખટખટાવ્યો પણ તેમ છતાં અંદરથી દરવાજો ન ખૂલ્યો.
હવે શું કરવું તેના વિચારમાં તેઓ ઉભા હતાં ત્યાં અંદરથી બંદુકની ગોળી છોડવાનો અવાજ સંભળાયો અને સાથે સાથે ચીસ સંભળાઈ. બહાર ઉભેલા સૌ ગભરાઈ ગયા. બધાને લાગ્યું કે મામલો ગંભીર છે અને પોલીસને જણાવવું જરૂરી છે એટલે એક જણે પોલીસને ફોન કર્યો.
થોડીવારે પોલીસ આવી અને ત્યાં ઉભેલા પાસેથી હકીકત શું છે તે જાણ્યું. તેમણે પણ પ્રયત્ન કર્યો પણ દરવાજો ન ખૂલ્યો. વળી અંદરથી કોઈ મહિલાની ચીસો ફરી સંભળાઈ એટલે દરવાજો તોડવાનો નિર્ણય લેવાયો.
દરવાજો તોડી અંદર જતાં પોલીસ અને પાડોશીઓએ જે દ્રશ્ય જોયું તેથી ન કેવળ પડોશીઓ પણ પોલીસ પણ હબકાઈ ગઈ.
સામે એક ટેબલ પર એક વ્યક્તિ ઢળેલી હાલતમાં હતી અને તે લોહીથી લથબથ હતી. તેની બાજુમાં એક રિવોલ્વર પણ હતી. તેની સામે એક ખુરશી પર એક મહિલા બેઠી હતી અને તેના હાથ પગ બાંધેલા હતાં. પહેલી નજરે તે અસ્વસ્થ જણાઈ અને તેનામાં બોલવાના હોંશ પણ ન હતા. કોઈએ પાણીનો ગ્લાસ ધર્યો જે તે હડબડાટમાં પી ગઈ.
લાશની બાજુમાં એક મોબાઈલ ફોન હતો અને એક લેપટોપ પણ હતું. મોબાઈલ જોતાં જેનો છેલ્લો ફોન આવ્યો હતો તેને પોલીસે ફોન કરી હકીકતથી વાકેફ કર્યો અને તરત જ ત્યાં આવવા કહ્યું. થોડીવારમાં તે વ્યક્તિ પણ આવી ગઈ.
તેનાં આવતાં પહેલાં પોલીસે પેલી મહિલાની પૂછપરછ કરવા માંડી હતી જેથી જાણી શકાય કે શું બન્યું હતું અને હકીકત શું છે. કારણ પહેલી નજરે તો આ આપઘાતનો મામલો જણાયો પણ તેની પાછળ કારણ શું છે તે જાણવું પોલીસ માટે જરૂરી હતું.
અચકાતા સ્વરે તે મહિલાએ કહ્યું કે આ વ્યક્તિ થોડા સમય પહેલાં મારૂં અપહરણ કરી મને અહીં લઈ આવી હતી.
શા માટે અપહરણ કર્યું હતું તેનું કારણ પૂછતાં તેણે કહ્યું કે ચારેક મહિના પહેલા એક બસમાં હું જતી હતી ત્યારે જે સીટ ઉપર આ વ્યક્તિ બેઠી હતી તેની બાજુમાં તે ઊભી હતી. અચાનક બસ અટકતાં આ વ્યક્તિનો હાથ મને અડક્યો. આવું બે વાર થયું એટલે મારો પિત્તો ગયો. મને લાગ્યું કે હું તેની નજીક ઉભી છું તેનો આ ગેરલાભ લેવા માંગે છે. આજકાલ બસમાં અને ટ્રેનમાં આવું બહુ બને છે પણ હું સહન કરૂં તેવી નથી એટલે મેં તેને કહ્યું કે તે તેના મનમાં સમજે છે શું? મહિલાને બાજુમાં ઉભેલી જોઇને છેડતી કરે છે?
આ વ્યક્તિએ કહ્યું કે તેણે જાણીજોઇને આમ નથી કર્યું પણ બસની હલનચલનને કારણે આમ થયું છે અને તે નિર્દોષ છે. પણ મેં તેની વાત માની નહીં અને બોલાચાલી વધુ થતા મારો પિત્તો ગયો અને મેં તેને એક લાફો મારી દીધો. અમારી આ બોલાચાલીમાં અન્ય મુસાફરો પણ મારી સહાયે આવ્યા અને ત્યારબાદ લોકોએ તેને ઉતરી જવા ફરજ પાડી.
આ બનાવ બન્યો તેનો કોઈએ તે જ વખતે વિડીઓ બનાવ્યો હશે અને સોશિયલ મિડિયા પર મુક્યો હશે જે વાઈરલ થઇ ગયો. આ વિડીઓ જોઇને એક ટી.વી. ચેનલે મારી મુલાકાત લીધી અને મને એક બહાદુર નારી તરીકે બિરદાવી. હું પણ મળેલી ખ્યાતિને કારણે ખુશ થઇ. પોલીસ પણ તેને છેડતીને નામે પકડી ગઈ અને તેના ઉપર કેસ કર્યો. જો કે થોડા સમય પછી તેને જામીન પણ મળી હતી.
અ સાંભળી તે વ્યક્તિના મિત્રે કહ્યું કે આ બધાને કારણે તેનો મિત્ર નિર્દોષ હોવા છતાં વગોવાઈ ગયો હતો અને તેને નોકરીમાંથી પણ કાઢી મુક્યો હતો. આ બધાને કારણે તેના મન ઉપર પણ ગહેરી અસર થઇ હતી. ઉપરથી આ કેસમાંથી છૂટકારો મેળવવા તેણે આ મહિલાને બે લાખ રૂપિયા પણ આપવા પડ્યા હતા.
શું રૂપિયા આપ્યાની વાત સાચી છે?ના જવાબમાં તે મહિલાએ હા પાડી.
તે મહિલાએ વાત આગળ ચલાવી કે એક કલાક પહેલા આ વ્યક્તિએ એક કારમાં મને આંતરી અને જબરદસ્તી મને તેમાં બેસાડી અહીં લાવી અને મને બાંધી.. તેના વર્તન પરથી લાગ્યું કે તેની માનસિક હાલત ઠીક ન હતી તેથી ડર લાગ્યો કે કદાચ તે બળાત્કાર કરશે એટલે એકદમ ગભરાઈ ગઈ અને બૂમો પાડવા લાગી પણ કોઈએ તે સાંભળી હોય તેમ ન લાગ્યું.
ત્યારબાદ તે વ્યક્તિએ મને કહ્યું કે સાચી હકીકત શું છે તે તે અને હું એમ અમે બે જ જાણીએ છીએ. તેં મને ખોટો ફસાવ્યો હતો તે હકીકત છે અને તું પણ તે જાણે છે. એટલે બધું કબૂલ કરવા કહ્યું. અહીથી છૂટવા આમ કરવું જરૂરી છે માની મેં કહ્યું કે હા હું કબૂલ કરૂં છું કે ખોટી ખ્યાતિને કારણે હું ભરમાઈ ગઈ હતી અને વાતને ન અટકાવતા વધુ આગળ લઇ ગઈ હતી. આટલું કહ્યા પછી મેં તેને કહ્યું કે હવે મને છોડી દે.
પણ તેમ ન કરતા તેણે કહ્યું કે તારી મૌખિક કબૂલાતનો કોઈ અર્થ નથી. આમ કહી પોતાની પાસેના લેપટોપ પર મારી કબૂલાતનો વીડિઓ બનાવ્યો. પોલીસે ટેબલ પર પડેલા લેપટોપને ખોલતાં તેમાં એક વિડીઓ દેખાયો જે સામે બેઠેલી મહિલા ઉપર રેકોર્ડ થયો હતો. તેની અંદર મહિલાએ જે હમણાં કહ્યું હતું તેવી તેની વિગતવાર કબૂલાત હતી. તે મહિલાએ પોલીસને પણ કહ્યું કે આ વ્યક્તિ નિર્દોષ છે.
જો તે નિર્દોષ છે અને તેં પણ તેની આગળ કબૂલ કર્યું છે તો પછી તે મર્યો શું કામ?
જવાબમાં મહિલાએ કહ્યું કે જેવી મારી કેફિયત પૂરી થઇ કે તેણે ટેબલના ખાનામાંથી એક રિવોલ્વર કાઢી. પહેલા તો તે મહિલાને થયું કે હવે પેલી વ્યક્તિ તેની હત્યા કરશે એટલે વધુ જોરથી બૂમો મારવાનું શરૂ કર્યું. પણ જે ધારણા હતી તેવું ન થયુ અને તે વ્યક્તિએ પોતાના લમણે રિવોલ્વર રાખીને ગોળી ચલાવી અને આત્મહત્યા કરી. કદાચ થયેલી બદનામીને કારણે તેની માનસિક હાલત આ ભાઈ કહે છે તેમ ઠીક નહીં હોય એટલે તેણે આમ કર્યું હશે.
બધું જાણ્યા પછી પોલીસે કહ્યું, ‘જુઓ, આજકાલ મહિલાઓને લાગે છે કે બધા પુરૂષો ગંદી નજરે મહિલાઓને જુએ છે અને છેડતી પણ કરે છે. પણ દરેક વખતે તેઓ ગુનેગાર હોય છે તેમ માનવું ખોટું છે. તમારા કેસમાં ખોટી પ્રતિષ્ઠાને નામે એક નિર્દોષનો જીવ ગયો. જો તમે આ વાતને આગળ ન વધારી હોત તો આ બન્યું ન હોત. હવે તમારી સામે પણ યોગ્ય કાર્યવાહી કરવી પડશે કારણ તમે આ આપઘાત માટે કારણરૂપ છો.’
(ફેસબુક પર જોયેલો એક સત્યઘટના પર આધારિત વીડિઓ યોગ્ય ફેરફાર સાથે)
***