Microfiction - 3 Hemal Vaishnav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Microfiction - 3






























હેમલ વૈષ્ણવ


henkcv12@gmail.com







માઈક્રો ફિક્શન




1) ગાંધીનો માર્ગ "
તડાક ..."

ચા લઈને આવેલા છોટુનો હાથ ધ્રુજતા થોડી ચા, આર કરેલી ખાદીની ધોતી પર ઢોળાઈ ,અને ક્રોધાવશ સુમંતીદાસનો હાથ છોટુના કોમળ ગાલ પર છાપ છોડી ગયો .

"એ તો રસ્તામાં એક સ્કુટર વાળાને ટાયર બદલવામાં મદદ કરતા..".ગાંધી જયંતિ મહોત્સવમાં અતિથિવિશેષ તરીકે પધારેલા સુમંતી દાસ,પક્ષનાં કાર્યકરને ધોતિયાં પરના ડાઘા વિશે ખુલાસો આપી રહ્યા હતા. પ્રવચન માટે પોતાના નામની ઘોષણા થતા તે માઈક સુધી પહોંચ્યા ,પગ પાસે ફરી રહેલા મંકોડાને ખાદી ગ્રામમાંથી લીધેલા ચંપલ હેઠળ મસળતા તેમણે "ગાંધી ચીંધ્યો ક્ષમા,સત્ય અને અહિંસાનો માર્ગ " વિષય પર પ્રવચન શરુ કર્યું ...

























(2) "બે દિવસની લાંઘણ , બે મિનિટના પારણાં "

શરીરને હાનિકારક રસાયણ વાળા નૂડલ્સના પેકેટનો નાશ કરવા માટે ગામથી દૂર ખાલી શેડમાં ટ્રકમાંથી નૂડલ્સના પેકેટ્સનો ઢગલો હેલ્થ ઇન્સ્પેકટરની રાહબરી હેઠળ ઠલવાઈ રહ્યો હતો .

થોડે દૂર ઉભેલા ગરીબ જીવણે , બે દિવસથી ભૂખી એની સગર્ભા પત્ની સામે જોઇને મલકાતાં કહ્યું .." ભગવાન હૌ નો છે ને ..?, આ મોટા સાયેબ વઈ જાય તેટલી વાર ખમી ખા ..આજે તો પેટભરીને જમજે .


































(3) સરહદ

અલ્ઝાયમરના પેશન્ટોની ઘટી ગયેલી યાદદાસ્તને કારણે થતા છબરડા ઉપર ઘણા બધા જોક્સ કહીને ડો.મહેતાએ પાર્ટીમાં આવેલા લોકોને પેટભરીને હસાવ્યા . મોડી રાત્રે પાર્ટી પૂરી થયા પછી પાર્કિંગ લોટમાં પોતાની વ્હાઈટ BMW સામે જ પાર્ક કરી હોવા છતાં , હાથમાં ચાવી પકડીને એ થોડી વાર સુધી કાર ક્યાં પાર્ક કરી છે એ શોધતા રહ્યા . પછી સામે જ કાર દેખાતાં પોતાની ગફલત પર સહેજ હસીને કાર ચાલુ કરીને પાર્કિંગ લોટની બહાર હંકારી ગયા . પાર્કિંગ લોટની સરહદ ઓળંગી ચૂકેલા ડો.મેહતા પોતાની જાણ બહાર જ , થોડા કલાકો પહેલા કહેલાં પોતાના જોક્સના મજબૂર પાત્રો , અને પોતાના ઈંટલેક્ચ્યુઅલ વ્યક્તિત્વ વચ્ચેની સરહદ ઓળંગવા તરફ પહેલું પગલું ભરી ચૂક્યા હતા ..!






























(4) ઈતિહાસ

સાસુ સસરાની પળોજણમાં પોતાના બાળકનાં વિકાસ પાછળ પુરતું ધ્યાન નથી અપાતું તેવું કારણ આપીને પતિને એક જ શહેરમાં અલગ ઘર લેવાનું સમજાવવામાં સુનીતા સફળ રહી હતી . નવા ઘરમાં પોતાના દીકરાને ઇતિહાસનો વિષય ભણાવતાં તે દીકરાને સમજાવી રહી હતી કે " પારસીઓ દૂધમાં સાકર ભળે તેમ ગુજરાતી પ્રજા સાથે ભળી ગયા ...!!!"


































(5) ડાહ્યો

પાગલખાનાની દીવાલ ઠેકીને એણે દોટ મૂકી .દોડતા દોડતા એ શહેરની વચ્ચે આવેલા ચોક સુધી પહોંચી ગયો .ચોકની વચ્ચે લોભામણા વચનોની લ્હાણી કરી રહેલા નેતાજી અને મુગ્ધ બનીને તેમને સાંભળી રહેલાં ટોળાને એ અવાચક બનીને જોઈ જ રહ્યો. પછી તુર્ત જ એ પાસે ઉભેલી રીક્ષામાં છલાંગ મારી ચડી ગયો અને રીક્ષાચાલકને કહ્યું ....

"પાછી મેન્ટલ હોસ્પિટલ લઈ લે ભાઈ ....!!!"