અધૂરો મધુરો પત્ર
તરુલતા મહેતા
પ્રિયે,
જે તમે ભલે જોજન માઈલ દૂર હો! આપણી વચ્ચે સમુદ્રનો અમાપ જલરાશિ ફેલાયેલો હોય પણ ખટમધુરી યાદોના દીવડા શબ્દોના કોડિયામાં તરતા મૂકતા મને કોણ રોકે ?
આજથી દાયકાઓ પૂર્વે પહેલી નજરમાં પ્રગટેલો પ્રેમાગ્નિ 'બુઝાએ ન બૂઝે ' કારણ એ આપણા શરીરના માધ્યમ દ્રારા અભિવ્યક્ત થયેલો આત્માનો પ્રકાશ સવારમાં ડોર બેલના રણકારે મને તમારા હૂંફાળા સ્પર્શની ગુદગુદી થયેલી, વેલેન્ટાઈન ડે તમને પ્રિય, સાથે હોઈએ ત્યારે કંઈક સરપ્રાઈઝ આપો જ ! આમે તમે એવા રોમેન્ટિક કે પૂર્વ યોજના વિના સ્પોન્ટેનિયસ કંઈક કરો. લોકોથી ક્યાંક દૂર ગાડી લઈ ઊપડી જવાનું ! ક્યારેક તિથલના દરિયે તો ક્યારેક સાપુતારાના પહાડોમાં કે પછી કોઈના ફાર્મહોઉસ પર.
તમે પૂછશો : તેં વેલેન્ટાઈન -ડે પર શું કર્યું?'
હું તમારી યાદોના દરિયામાં, પહાડોમાં, કોતરોમાં, ખીણોમાં અરે આપણી અગાશીમાં ને બગીચાના હિંચકે ચમ્પા, ગુલાબ અને મોગરાની સુગંધમાં ઓગળતી રહી.
ત્યાં જ સીમા કોલેજથી આવી 'હાય દાદી 'કરતી રૂમમાં આવી.
તમે મોકલેલા ગુલાબ જોઈ આપણી ગ્રાન્ડડોટર કહે :
'દાદી આજે તમને વેલેન્ટાઈન ડેના ગુલાબ કોણે મોકલ્યા?' સીમાએ દાદીના રૂમમાં બુકે જોયું.
મેં એના ગાલે વ્હાલથી ટપલી મારી કહ્યું ' નખરાળી જાણે છે તોય પૂછે છે.'
તેણે પૂછ્યું: 'તમે દાદાના પ્રેમમાં પડેલાં ત્યારે કેવડા હતા?' મેં કહ્યું : 'ઓગણીસ વર્ષની હતી?'
'હાઉ લકી ! મને તો વીસ થયા સ્ટડીમાંથી ટાઈમ જ મળતો નથી.'
આપણી પૌત્રી પૂછી બેઠી :'દાદી તમે પ્રેમલગ્ન કરેલા?'
મેં મીઠી યાદોને વાગોળતા કહ્યું : 'હા. '
એને મને ખીજવવાની મઝા પડી કહે : 'પહેલ કોણે કરેલી? તને ડર લાગેલો? પછી શું થયું? મને એના હાથ વીંટાળી ઘેરી લીધી . 'તમને દાદા કેવા લાગે?'
'સોળે સાન અને વીસે વાન ' મારી બહેનપણી બનેલી સીમાને મેં આપણી પ્રેમસફરની વાત કરી પછીતો હું ભૂલી ગઈ કે એ ત્યાં હાજર હતી કે નહિ .હું પ્રેમની યાદોમાં ખોવાઈ ગઈ..
હદય ખોલવાની વાત છે, એટલે કલમ કંપે છે, શબ્દો શરમાય છે, વાક્યો અધૂરા- - -
રહે છે, પ્રેમની પ્યાસ સદાય અધૂરી તેથી મધુરી.હજી તો જીવન મહેકતું જીવાય રહ્યું છે, તેથી મારા પ્રેમી પતિ પ્રત્યેની 'કેવા લાગે'ની જનાન્તિક (સખીને કાનમાં કહેવાની )
વાત 'પ્રેમ છે, માટે પ્રેમ માગી શકું નહિ' શી રીતે કરવી? જે વહાલું હોય તેને ' તું 'કહેવું સહજ છે.આ તો વડીલો વચ્ચે આમન્યા તેથી 'તમે' બાકી 'તું મને મારો પ્રેમી લાગે.'
આજથી પચાસ વર્ષ પહેલાં નડિયાદ ગામની કૉલેજમાં સીન્યર કલાસમાં ભણતો એક તરવરતો યુવાન સાંજે ચારેક વાગ્યે સાઈકલ પર કૉલેજ પતી જતાં ઘેર જઈ રહ્યો હતો.તેણે કૉલેજના બસસ્ટેન્ડ પાસે સાઈકલને ઊભી રાખી, મધ્યમ ઊંચાઈ, મજબૂત બાંધો, કોલેજમાં વકૃત્વ સ્પર્ધામાં હંમેશા પ્રથમ, શેરો શાયરીનો શોખીન .છોકરીઓના ગ્રુપમાંથી
કોઈકે પૂછ્યું ' કોને રાઈડ આપવી છે?'
એણે એક છોકરી બધાથી અલગ કોઈની પરવાહ કર્યા વિના હાથમાંના ખૂલ્લા પુસ્તકમાંથી કઈક વાંચી હસતી હતી તેની તરફ ઈશારો કર્યો. તે છોકરીએ હજી હાઈસ્કૂલમાં ભણતી હોય તેમ સાદા સ્કર્ટ -બ્લાઉઝ પહેરેલાં, વાળ ચીપકાવીને બાંધેલા પણ ગોળ ધાટીલું ગોરું મુખડું .ભાવવાહી આંખોથી હસે એટલે અમસ્તાં જ ફૂલો એના ગાલ પર ખીલી ઊઠે ! છોકરીએ વિસ્ફારિત આંખે પૂછ્યું :
'કોણ હું '?
છોકરાએ આગ્રહથી કહ્યું 'પાછળ કેરિયર પર બેસી જા' પેલીએ સંકોચથી કહ્યું 'ડબલસ્વારી' પેલાએ હસીને કહ્યું 'ડબલસ્વારીમાં મઝા આવે.'
એ યુવાન દીપક મહેતા અને હું જિદગીમાં ડબલસ્વારીની મઝા લુંટીએ છીએ.સ્કુટર હોય કે કાર, બસ ટ્રેન કે પ્લેન સંગ સવારીની મઝાનો કેફ એવો છે, જેવો પહેલી વાર સાઇકલ પર માણ્યો હતો.એણે ડબલ સવારીની જવાબદારી બરોબર ઉપાડી છે.ઘરનાં, બહારનાં બધાં જ કામો હોશિયારીથી અને લગનથી કરે.
એક દિવસ એણે મને એની કવિતા કહી,
'તરુ, જીવનસાગર તરુ તો તુજ સંગ તરું,
નહિ તો મઝધાર મહીં ડૂબી મરું '.
હા, એણે ડાયરીમાં ખૂબ કવિતાઓ લખી છે.પબ્લીશ કરવાની તમા નથી.કલાકારનો જીવ, નાગર કુટુંબનું વાતાવરણ 'રસિયો નાગર એકલો ', એમનાં પેન્ટિગ અમારા ઘરની દિવાલોને શોભાવે છે.અમારે ત્યાં કવિઓના મુશાયરા શોખથી થતા.
મેં મારા પ્રેમનો એકરાર કર્યો
'મુજ હ્દયે સૌ સ્પન્દનો બંધ છે કર્યા,
તવ અંતરતીર્થ મારી સઘળી પરિક્રમાઓ સમાપ્ત થઈ.'
તે જમાનામાં દેસાઈ અને મહેતાના લગ્ન કુટુબને કે સમાજને ગમ્યાં નહોતા.એની હિમત અને મહત્વાકાક્ષાએ અમને બન્નેને કૉલેજના પ્રોફેસરના સ્થાને પહોચાડ્યા એટલું જ નહિ અમેરિકામાં મોટેલના બિઝનેસમાં પણ સફળ બનાવ્યાં. ચર્ચાસ્પદ બનેલા અમારા લગ્ન અમારે માટે દિલચસ્પ રહ્યાં, જીદગીમાં હમેશા કઈક નવું કરવાના પ્લાન એના મનમાં રમતા હોય, ઘર, શહેર કે દેશ વાંરવાર બદલવામાં તે જરા ય અચકાઈ નહિ તેથી રોલરકોસ્ટર જેવી અમારી રહેણીકરણી સામાજિક ધોરણે બંડ ખોર ગણાય.એટલે જ મારા પતિ પ્રેમી પ્રથમ છે, 'એવા રે મળેલા મનના મેળ' કે ઓચિતા વાયરાની જેમ આવી જવાની એની રીત શોક આપે પણ ગમી જાય.
અમારા લગ્ન પછીના પાંચેક વર્ષે એણે લંડન જઈ કમાવાનું અને સેટ થવાનું સાહસ કર્યું, મારે એકાદ વર્ષ પછી ફોલો કરવાનું હતું. લંડનની વેધરમાં એની તબિયત બગડેલી પણ મને જણાવ્યું નહિ, મારી જવાની બધી તેયારી થઇ ગઈ ત્યાં ઓચિતા વાયરાની જેમ
બેક ટુ હોમ આવી ગયા મેં આંખમાં પાણી પણ ખુશીમાં અને આશ્ચર્યથી 'દિપક તું'.હું હરખઘેલી થઈ ગઈ કારણ કે મારી નાની દીકરી સાથે જવાની મારી જરા ય ઈચ્છા નહોતી.પછી અમેરિકાના સાહસમાં સાથે રહ્યાં.અમે બન્ને સ્વતંત્ર વ્યક્તિ તરીકે વિકસ્યા એનું કારણ
એમના મોલિક વિચારો છે.અર્થશાસ્ત્ર તેમનો વિષય જીવનમાં બરોબર ઉતરેલો. લગ્નમાં ખોટા ખર્ચા નાપસંદ, નાનું કુટુંબના હિમાયતી, અંધશ્રધ્ધા ન ગમે પણ મઝા મનમૂકીને કરવાની.પરણીને આવ્યા પછી મારાથી કોલેજ અને રસોઈ બન્ને થતું નહિ, મારા સાસુ મને દીકરીની જેમ કહેતા 'તું તારે જા હું કરીશ.'એટલે મને ફાવતું મળી ગયું પણ એમને મહિના માટે બહાર જવાનું થયું ત્યારે હું ફસાઈ, પણ દિપકે લોજના ટીફીનની વ્યવસ્થા કરી દીધી, પછી કહે 'આપણે હનીમૂન કરીશુ.' એમની સેન્સ ઓફ હ્યુંમર વિટામીનની ગરજ સારે છે.
ના તો અમારા જન્માક્ષર મેળવ્યા છે કે કુંડળીઓ મેળવી છે, પણ હદયના મેળ પહેલી નજરના, પહેલી મુલાકાતના અકબંધ છે.
'મેઈડ ફ્રોમ હેવન '. દિપક મને કહે છે, તું જેટલીવાર મારું નામ બોલે છે તેટલું મારું આયુષ્ય વધે છે.પણ હવે જીવનસઁધ્યાના આરે પહોચ્યા પછી હું કહું છું,
જિદગીના રસને પીવામાં કરો જલ્દી 'મરીઝ'
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.'
શબ્દોમાં ક્યાં હદયની ભીનાશ ઉતરે છે? તસ્વીરના ફૂલોમાં સુગંધ ક્યાંથી ? લગ્ન અધૂરું હોય પણ પ્રેમ મધુર.
સીમા દાદીના ખોળામાં માથું મૂકી સૂઈ ગઈ. કહે :
'મને તમારા જેવો પ્રેમ મળે તેવા આશીર્વાદ આપો '
'તારું જીવન પ્રેમથી છલકાશે, તું તારા હદયને ખુલ્લું રાખજે.પ્રેમ ખુલ્લાશમાં વિસ્તરે છે, પાંજરાનું બંધન એને ગૂંગળાવે છે '
સીમા કહે ; 'તો બે જણે એકબીજાની અપેક્ષા નહિ રાખવાની ?'
'સહજીવનમાં અપેક્ષાઓ તો રહેવાની પણ આધિપત્ય નહિ '
સીમા કહે: 'વેરી ડિફિકલ્ટ, '
'સીમા પ્રેમ એક એવો અનુભવ છે જેમાં બે અસ્તિત્વ એકમેકમાં ભળી, ગળી વિકસે છે. ત્યારે જીવન સરળ અને સહજ થઈ જાય છે '
સીમા બોલી ; ઓ કે .
હેપી વેલેન્ટાઈન ડે
તમારી પ્રિયા
(આ મારા જીવનની વાર્તાની માત્ર પ્રસ્તાવના છે.)
Tarulata Mehta