બાજી - 2 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાજી - 2

બાજી

કનુ ભગદેવ

2 - બ્લેક મેઈલિંગ.....!

મહેશ ક્રોધથી સળગતી નજરે પોતાની પત્નિ સારિકા સામે તાકી રહ્યો હતો.

‘ આ તું શું બોલે છે, એનું તને ભાન છે સારિકા...?’ એણે ચીસ જેવા અવાજે કહ્યું, ‘ અમારી કંપની ખોટમાં ચાલે છે ને અમારા પર કરોડીમલનું દેવું થઈ ગયાની ખબર પડી છે. ત્યારથી જ તું મન ફાવે તેમ લવારો કરે છે! તું પાગલ થઈ ગઈ લાગે છે.’ કહીને એણે પોતાના હાથમાં જકડાયેલા વ્હિસ્કીનો ગ્લાસ એકી શ્વાસે ખાલી કરી નાખ્યો.

‘ મહેશ...તું ફૂટપાથ પર આવીશ ત્યારે તારી હાલત પણ જેવી જ થઈ જશે! આપણે ટૂંક સમયમાં જ રોડપતિ થઈ જશું. આપણા કોઈ સગા-સંબંધી કામમાં નહીં આવે! એટલા માટે જ કહું છું કે પરિસ્થિતિની ગંભીરતા સમજ અને ગમે તેમ કરીને પાંચ-સાત લાખ રૂપિયા મેળવી લે! આ દુનિયામાં કોઈ પણ વસ્તુનો કબજો બળવાન ગણાય છે. ખરાબ સમયમાં કોઈ કોઈના કામમાં નથી આવતું...માત્ર પૈસા જ કામમાં આવે છે.! પૈસા હશે તો સૌ દોડતા આવશે અને નહીં હોય કૂતરાની માફક ધુત્કારીને કાઢી મૂકશે.’

‘ તું જોજે...તું માને છે એવું કશું જ નહીં થાય! આપણે રોડપતિ નહીં...પણ કરોડપતિ બની જશું....! ગોપાલનાં લગ્ન સુલોચના સાથે થાય એટલી જ વાર છે’

‘ સુલોચનાને ગોપાલ ગમશે જ એ વાતની કોઈ ખાતરી નથી. જો ગોપાલ તેને નહીં ગમે તો આપણા વિચારોનો મહેલ તૂટી પડશે. આપણી હાલત ધોબીના કૂતરા જેવી થશે. નહીં ઘરના રહીએ કે નહીં ઘાટના....! કોઈક સાચું જ કહ્યું કે વાદળોને ઘેરાયેલા જોઈને માટલું ન ફોડી નાખવું જોઈએ. કારણ કે વાદળો વરસશે જ એની કોઈ ખાતરી નથી હોતી. એટલા માટે જ તો હું ક્યારનીયે તારી સાથે મગજમારી કરું છું. મહેશ, કે ગમેતેમ કરીને પાંચ-સાત લાખ રૂપિયા કબજે કરે! નહીં તો ભૂખે મરવાનો વારો આવશે.’

‘ હું તારી બધી વાત સમજું છું. સારિકા!’ મહેશ ગંભીર અવાજે બોલ્યો, ‘ હું કંઈ મૂરખ નથી કે મને આપણા ભવિષ્યનો વિચાર ન આવે! પરંતુ કંપનીની હાલત અત્યારે બધી ખરાબ છે કે એમાંથી એક રૂપિયો પણ મેળવી શકાય તેમ નથી. કંપનીને ફરીથી ઊભી કરવા માટે રાકેશ સરોજના બધા દાગીનાઓ પિતાજીને આપી દીધા છે...! તારે પણ તારા દાગીનાઓ કાલે પિતાજીને સોંપી દેવાના છે!’

‘ શું....?’ જાણે કોઈક પોતાના હૃદય પર ધણનો ઘા ઝીંક્યો હોય એવો ભાલ સારિકાને થયો.

‘ કેમ....? શું થયું....?’

‘ ના...હું મારા દાગીના નહીં આપું... ભલે તમારી કંપનીને આગ લાગી જાય...! દેવાળું નીકળવું હોય તો નીકળે... પણ હું કોઈ કાળે દાગીના નહીં આપું....!’ સારિકા નકારમાં માથું હલાવીને વિરોધભર્યા અવાજે બોલી, ‘ ખરાબ વખતમાં એ જ આપણને કામ આવશે...!’

‘ શટઅપ....!’ મહેશ જોરથી તાડુક્યો, ‘ તારામાં અક્કલ જેવી કોઈ ચીજ છે કે નહીં ? અહીં પિતાજીની આબરૂ તથા જીવ જોખમાં છે ને તને શણગાર સજવાનું સૂજે છે ? પિતાજી જે કંઈ કરે તે આપણા ભલા માટે જ કરે છે! કોઈ બાપ પોતાના સંતાનોનું અહિત કરે ખરો...?’ જા...અત્યારે જ બધા દાગીનાઓ લઈ આવ...! અને સાંભળ... નાકની ચૂંક પણ નથી રાખવાની સમજી....?’

‘ મહેશ...!’ છેવટે સારિકા ત્રિયા ચરિત્ર પર ઊતરી આવતાં બોલી, ‘ જો તું મારી પાસેથી બળજબરીથી દાગીનાઓ આંચકવાનો પ્રયાસ કરીશ તો હું આપઘાત કરી લઈશ!’

‘ તારી જોઈએ તો આપઘાત કરજે ને જોઈએ તો કોઈકની પાસે તારું ખૂન કરાવી નાખજે! દુનિયામા કંઈ સ્ત્રીઓનો દુકાળ નથી પડ્યો સમજી...?’

મહેશની વાત સાંભળી સારિકાના હોંશ ઊડી ગયા.

એણે મહેશ પાસેથી આવા શબ્દોની આશા નહોતી રાખી.

‘ સાંભળ્યું નહીં તે... જા અત્યારે જ જઈને દાગીના લઈ આવ...? આ મારો આદેશ છે...!’

સારિકાની આંખમા આંસુ ઘસી આવ્યા.

એના ચ્હેરા પર લાચારીના હાવભાવ છવાઈ ગયા.

એ પોતાના શયનખંડ તરફ આગળ વધી ગઈ.

બીજી તરફ રાકેશ તથા સરોજ પોતાના શયનખંડમાં વાતો કરતાં હતા.

‘ આ...આ તું શું કહે છે રાકેશ ? સરોજે આશ્ચર્યથી પૂછ્યું

? સરોજે આશ્ચર્યથી પૂછ્યું

‘ હું સાચું જ કહું છું. સરોજ...! પરંતુ તારામાં અક્કલનો છાંટો ય નથી...તું છતી આંખે આંધળી છો...! તું નથી આપણા ભવિષ્ય વિશે વિચારી શકતી કે નથી આંખો વડે જોઈ શકતી! આપણી પાસે આપણા ભવિષ્યની સલામતિ માટે જે સાત-આઠ લાખ રૂપિયાંના ઘરેણાં પડ્યા હતા, એ તારા હઠાગ્રહથી મારે પિતાજીને સોંપી દેવા પડ્યાં છે. આપણી હાલત તો હવે ભિખારી જેવી થઈ ગઈ છે. ખરાબ સમયમાં કામ આવી શકે એવી કોઈ ચીજ આપણી પાસે નથી રહી.’

‘ રાકેશ....આપણા કુટુંબનો ખરાબ વખત આવશે એવું તું વિચારે છે જ શા માટે ? મને મારા ભગવાન પર પૂરો ભરોસો છે. એ જે કંઈ કરશે, તે સારુંજ કરશે...! ઈશ્વર ખૂબ જ દયાળું છે...! બધાના રક્ષક છે.... એ કોઈનું અહિત નથી કરતો...!

‘ આવી વાતોથી માત્ર મનને રાજી રાખી શકાય છે. સરોજ...! વાસ્તવિકત સાથે તેને કંઈ જ સંબંધ નથી. ક્યારેય પ્રભુ ભજનથી કોઈનું પેટ ભરાય છે. ખરા ? બસ, માત્ર થોડી પળો માટે મનને શાંતિ મળે છે!’

‘ તું જોજે રાકેશ...!’ સરોજ તેને આશ્વાસન આપતાં બોલી, ‘ આપણી કંપની પહેલાં જેવી જ સદ્ધર બની જશે.’

‘ મને તો એવું નથી લાગતું.’

‘ તું બહુ જલ્દી નિરાશ થઈ જાય છે. રાકેશ...! આ સારી વાત નથી. નિરાશાનું બીજુ નામ મોત છે.! આશા અમર છે...! આશામાં જ જિંદગી છે...! તું સૂઈ જા...હું તારું માથું દબાવી દઉ છું.....!’

‘ ઊંઘ કોને આવશે સરોજ...! મારું ખાવા-પીવાનું અને ઊંઘ હરામ થઈ ગઈ છે! મને ચારે તરફ નિરાશારૂપી અંધકાર સિવાય બીજુ કશું જ નથી દેખાતું! હવે તો આપણી બધી આશા ચમનલાલની પુત્રી સુલોચના પર જ છે! જો ગોપાલ એને ગમે ને બંનેના લગ્ન થાય તો જ આપણા સારા દિવસો ફરીથી આવી શકે તેમ છે.’

‘ માણસો ક્યારે બીજાના પૈસાની આશા ન રાખવી જોઈએ. રાકેશ! પારકા પૈસાને કાંકરા સમાન માનવો જોઈએ. માણસ પાસે પોતાની કમાણીનો પૈસો હોય છે. એ જ તેને ફળે છે!’

‘ તને હજુ આ દુનિયાનો અનુભવ નથી એટલે જ તું આવું કહે છે સરોજ! તું પૈસાદાર બાપની દિકરી છો...લગ્ન કરીને પૈસાદાર કુટુંબમાં જ આવી હતી એટલે તને શું ખબર પડે ? આ દુનિયામાં જો સૌથી મોટો ગુનો કોઈ હોય, તો એ ગરીબી છે!’

‘ એમ તો તે પણ હજુ સુધી ક્યાં ગરીબી જોઈ છે ?’

‘ નથી જોઈ...પરંતુ ગરીબીમાં જીવતાં માણસોને જરૂર એકદમ નજીકથી જોયાં ને પારખ્યાં છે.! મેં ગરીબ સ્ત્રીને માત્ર દસ રૂપિયા ખાતર પોતાના દેહનો વેપાર કરતી જોઈ છે.’

સરોજના ચહેરા પર અવિશ્વાસના હાવભાવ છવાઈ ગયા. તે એકીટશે રાકેશ સામે તાકી રહી.

  • ***
  • અમીચંદ અને ગાયત્રી પોતાના ખંડમાં વાતો કરતાં હતા.

    ગાયત્રી મુંઝવણભરી નજરે અમીચંદ સામે તાકી રહી હતી.

    ‘ તારી પાસે કોઈ વ્યવસ્થા છે ગાયત્રી...?’ અમીચંદે પૂછ્યું.

    ‘ ના...’ ગાયત્રી ગંભીર અવાજે બોલી, ‘ મારી પાસે જે કંઈ દાગીનાઓ હતા, એ તો તમે છ મહિના પહેલાં જ લઈ ગયા હતા. અત્યારે મારી પાસે ચાંદીની વીંટી સુધ્ધાં નથી.’

    ‘ હું એમ કહેવા નહોતો માગતો.’

    ‘ તો...?’

    ‘ તારી પાસે રોકડ રકમ કેટલી છે ?’

    ‘ મારી પાસે જે કંઈ પૈસા હતા, એ તું તમને આપી ચૂકી છું. તમને ભરોસો ન હોય તો મારી પાસ-બુક બતાવું.!’

    ‘ ના...ના...રહેવા દો...! મારે પાસ-બુક નથી જોવી...! મને તારા પર ભરોસો છે!’

    ‘ હું રોકડ રકમ મારી પાસે નહીં, પણ બેંકમાં રાખું છું.એ તો તમે જાણો જ છો! હા...ચાર-પાંચ હજાર રૂપિયા જરૂર પડ્યા હશે...!’

    ‘ બે-પાંચ હજારથી કશું વળે તેમ નથી.’

    ‘ તમે મારી એક વાત માનશો ?’

    અમીચંદે એક સિગારેટ સળગાવીને પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

    ‘ આપણી પાસે સાત મોટર છે...! એમાંથી એક કાર રાખો અને બાકીની છ વેચી નાખો...! છ કારના ચાર-પાંચ લાખ તો જરૂર આવી જશે.’

    ‘ બરાબર છે...પરંતુ દિકરા વહુ શું વિચારશે ?’

    ‘ આમાં વિચારવા જેવું કશું જ નથી. મુસીબતની વેળાએ આપણી વસ્તુ જ કામ આવે છે! આપણે એક કારથી ચલાવી લેશું...! આપણા સારા દિવસો આવશે ત્યારે નવી કાર વસાવી લેશું.’

    અમીચંદ છ કાર વેચવાનો નિર્ણય કરીને ગાયત્રીના શયનખંડમાંથી બહાર નીકળી ગયો.

    એણે ઘડિયાળમાં સમય જોયો.

    સવારના દસ વાગ્યા હતા.

    પછી એની નજર તારીખ પર પડી.

    10 ઓક્ટોબર

    આજે જ શંકર જેલમાંથી છૂટવાનો હતો.

    એ ઝડપથી તૈયાર થઈ, ઓફિસે પહોંચીને જોરાવરના ફોનની રાહ જોવા લાગ્યો.

    બરાબર અગિયાર વાગે એના ટેબલ પર પડેલા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

    ‘ હલ્લો...’ એણે રિસીવર ઊંચકીને કાને મૂકતાં કહ્યું.

    ‘ સાહેબ...હું જોરાવર બોલું છું...!’ સામે છેડેથી જોરાવરનો પરિચિત અવાજે તેને સંભળાયો.

    ‘ બોલ...’

    ‘ આપનું સંપેતરૂ ટ્રક મારફત મોકલી આપ્યું છે...!’ સામે છેડેથી સાંકેતિક ઢબે કહેવામાં આવ્યું. અર્થાત્ શંકરને ટ્રક વડે કચડીને મારી નાખવામાં આવ્યો હતો.

    ‘ સંપોતરૂ ટ્રકમાં તેં જ મોકલ્યું હતું. ?’

    ‘ ના...મારો એક મિત્ર જતો હતો એટલે એની સાથે જ મોકલી આપ્યું છે...!’

    ‘ સરસ...ભાડાના પૈસા તું સાંજે લઈ જજે...!’ કહીને અમીચંદે રિસીવર મૂકી દીધું. જાણે પોતાના માથા પરથી મણ મણનો બોજો ઊતરી ગયો હોય એવો ભાસ તેને થતો હતો.

  • ***
  • અત્યારે રાતના દસ વાગ્યા હતા.

    અમીચંદ પલંગ પર પાસાં બદલતો આડો પડતો હતો.

    એને કેમેય ઊંઘ નહોતી આવતી.

    છેવટે તે પલંગ પર બેઠો થઈ, એક સિગારેટ સળગાવીને ધીમે ધીમે તેના કસ ખેંચવા લાગ્યો.

    એને પોતાની ડૂબવાની અણી પર આવી ઊભેલી કંપનીનો વિચાર આવતો હતો. ઉત્પાદન ચાલું હતું. પરંતુ વધેલા ભાવથી માલનો નિકાલ નહોતો થતો. હુકમચંદે કહ્યું હતું, એ પ્રમાણે જ થતું હતું. ડીલરો પાસે જૂના ભાવનો સ્ટોક પડયો હતો એ તેઓ પહેલાં એ સ્ટોકનો નિકાલ કરતા હતા. નવા ભાવથી એડવાન્સમાં ખરીદી કરવામાં કોઈને રસ નહોતો.

    ગોડાઉનોમાં માલનો ભરાવો થતો જતો હતો.

    આ પરિસ્થિતિ ક્યા સુધી ચાલું રહેશે, તે એને નહોતું સમજાતું.

    હરિફાઈની શરૂઆત કરવા બદલ એને પણ ખૂબ જ પસ્તાવો થતો હતો.

    સહસા ટેલિફોનની ઘંટડીના અવાજથી એની વિચારધારા તૂટી.

    એણે ખૂંખાર નજરે ટેલિફોન સામે જોયું.

    ત્યારબાદ અનિચ્છાએ પલંગ પરથી ઊતરી, આગળ વધીને એણે રિસીવર ઊંચક્યું.

    ‘ હલ્લો...કોણ બોલે છે...?’ એણે રૂક્ષ અવાજે પૂછ્યું.

    ‘ અમીચંદ...તું આટલી જલ્દી મને ભૂલી જઈશ એવી આશા મેં નહોતી રાખી...!’ સામે છેડેથી એક બરફ જેવો ઠંડો સ્વર તેને સંભળાયો.

    આ અવાજે પોતે અગાઉ સાંભળી ચૂક્યો છે, એવો ભાસ અમીચંદને થયો, પરંતુ ક્યાં સાંભળ્યો છે, એ તેને કંઈ યાદ નહોતું આવતું.’

    ‘ હલ્લો...સાંભળે છે ને...?’

    ‘ હા...બોલ...’

    ‘ કદાચ તું મારો અવાજ નથી ઓળખી શક્યો લાગતો...! મારો પરિચય જાણવા માટે પણ તું આતુર હોઈશ! પરંતુ મારો પરિચય જાણતાં પહેલાં તારું મન મજબૂત કરી લે... અથવા તો બાથરૂમ જવું હોય તો જઈ આવ! કારણ કે મારો પરિચય જાણ્યા પછી કાંતો તારું હૃદય બંધ પડી જશે અથવા તો પછી તારે બાથરૂમ દોડવું પડશે...! તારું હૃદય બંધ પડી જશે તો તને કશું યે નુકસાન નહીં થાય! પણ મને બહુ મોટું નુકસાન થશે. અને એ નુકસાન હું આ જનમમાં તો ક્યારે ય ભરપાઈ નહીં કરી શકું!’

    ‘ તારે જે બકવું હોય તે જલદીથી બકી નાખ...! મારી પાસે નકામી વાતો માટે સમય નથી.!’

    ‘ જરૂર નહીં હોય....કારણ કે તું મોટો માણસ બની ગયો છો! પરંતુ યાદ કર...! એક જમાનામા તારી પાસે મારે માટે પુષ્કળ સમય હતો. તું કૂતરાની જેમ પૂંછડી પટપટાવતો મારી પાછળ પાછળ આંટા મારતો હતો. મને અફસોસ એક જ વાતનો છે. તારા સારા દિવસો આવતાં જ તું મને ભૂલી ગયો છે. અલબત્ત, એમાં તારો કંઈ જ વાંક નથી! આજના જમાનામાં લોકો ઉગતા સૂરજ આથમતો હોય ત્યારે તેની સામે પણ નથી જોતા...!’

    ‘ ત...તું...?’ અચાનક જાણે હાથમાં ટેલિફોનનું રિસીવર નહીં, પણ કાળોતરો સર્પ પકડાઈ ગયો હોય એમ અમીચંદ ઊછળી પડ્યો. એ અવાજના માલિકને ઓળખી ચૂક્યો હતો.

    ‘ તો તેં મારા અવાજને ઓળખી લીધો છે એમને ?’

    ‘ તું...તું....શંકર બોલે છે ?’

    ‘ હા, કમજાત...હું શંકર જ બોલું છું!’

    ‘ પણ...પણ અશક્ય...તું...તું ખોટું બોલે છે...! બકે છે...! શંકર તો આજે સવારે જ મૃત્યુ પામ્યો છે...! તું જરૂર કોઈક બહુરૂપી છો...!’

    ‘ મને તારી હાલત પર ખૂબ જ દયા આવે છે...! તે તો આજે લાપસીનાં આંધણ મૂકાવ્યાં હશે કે ચાલો... શંકર ઊછળી ગયો છે...પરંતુ હું જીવતો છું કમજાત...! તેં તો મને ટ્રકમાં કચડી નાખવામાં કોઈ કસર બાકી નહોતી રાખી! પરંતુ મારનાર કરતાં બચાવનાર મોટો હોય છે લબાડ...!’

    ‘ તો...તો ટ્રક અકસ્માતમાં મૃત્યુ પામ્યો, એ કોણ હતો ?’ અમીચંદે થોથવાતા અવાજે પૂછ્યું.

    ‘ એનું નામ શંભુ હતું. અમે બંને આજે સવારે સાથે જ જેલમાંથી છૂટ્યા હતા. હું જેલમાંથી બહાર નીકળીશ કે તરત તું મારું ખૂન કરાવી નાખીશ એવીં શંકા મને હતી જ! પરિણામે મેં મારા વસ્ત્રો શંભુને પહેરાવ્યા હતા અને એનાં વસ્ત્રો મેં પહેર્યા હતા. અને અહીં જ તારા માણસો થાપ ખાઈ ગયા. તેમણે સારાં વસ્ત્રો પહેરેલાં શંભુને ટ્રક નીચે કચડી નાખ્યો.

    ‘ ઓહ...’ અમીચંદના ચહેરા પર નર્યા-નિતર્યા ભય, ગભરાટ અને દહેશતનો હાવભાવ છવાઈ ગયા હતા.

    ‘ હું તને સ્વધામ પહોંચાડ્યા પહેલાં નથી મરવાનો કમજાત...!’

    ‘ તારે...તારે મારી પાસેથી શું જોઈએ છે ?’

    ‘ મને પોલીસ સ્ટેશને ફોન કરીને કહી દેવાનું ઘણું મન થાય છે કે તેં તારા માણસો મારફત શંભુનું ખૂન કરાવી નાખ્યું છે, જેથી કરીને કાયદો તને ફાંસીના માંચડે લટકાવી દે! પરંતુ આમ કરવાથી મને કંઈ જ લાભ થાય તેમ નથી. હું મારો લાભ જોઈને તને સજા કરીશ...! હું તને રીબાવી રીબાવીને મારી કમજાત...!’

    ‘ ના, શંકર...! ભગવાનને ખાતર મારા પર દયા કર...!’ અમીચંદ કરગરતા અવાજે બોલ્યો.

    ‘ તારે મોંએથી દયાની વાત સારી નથી લાગતી લબાડ! તે ભૂતકાળમાં કેવાં કેવાં પરાક્રમો કર્યા છે, એ તું શા માટે ભૂલી જાય છે ? હું તારા જેવા શયતાન પર રહેમ રાખું ? દયા કરું...? કમજાત, તને તારી સગી જનેતાની દયા આવી હતી! એ બિચારીનો એટલો જ વાંક હતો કે, તને પાળી-પોષીને મોટો કરવા માટે તેને કોલગર્લ બનવું પડ્યું હતું....! એણે પોતાની જાત ઘસી તને ઉછેર્યો અને બદલામાં તે એનું શું આપ્યું...? ઠંડુ મોત...! તેં મારો વિશ્વાસઘાત કર્યો....મારી પ્રેમિકા અને એની માનું ખૂન કર્યું...! એક લાખ રૂપિયા આપવાને બદલે તેમની છાતીમાં ગરમ ગરમ ગોળી ઉતારી દીધી. એ બંનેની સુખી કરવા ખાતર તેં કરેલા ખૂનનો આરોપ મેં મારા માથા પર ઓઢી લીધો... અને એનો આવો બદલે તેં આપ્યો...? મેં મારો જિંદગીના જે બાવીસ વર્ષ જેલમાં પસાર કર્યાં છે, એની એક એક પળે હિસાબ તારે ચુકવવો પડશે અમીચંદ!’

    ‘ હું...હું મારી ભૂલ કબૂલ કરું છું શંકર...! અને એના બદલમાં તું કહે તે કિંમત ચૂકવવા માટે તૈયાર છું.

    ‘ તું ચૂકવી શકીશ ?’

    ‘ હા...’

    ‘ તો જેલમાં મારી યુવાનીના જે કીમતી બાવીસ વર્ષ વેડફાયાં છે, એ વર્ષ પાછાં લાવી આપ...!’

    ‘ શંકર...!’ અમીચંદ માંડમાંડ આટલું બોલી શક્યો.

    એના ચહેરા પર લાચારીના હાવભાવ છવાઈ ગયા.

    ‘ હા, અમીચંદ...! હું તને એકી સાથે સજા નહીં કરું...! મારા તરફથી તને જે સજા મળશે, તે ટૂકડે ટૂકડે મળશે...!

    ‘ નહીં...!’ કહેતાં કહેતાં અમીચંદ સર્વાગે ધ્રુજી ઊઠ્યો.

    સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.

    અમીચંદ કેટલીયે વાર સુધી એમ ને એમ રિસીવર હાથમાં પકડીને ઊભો રહ્યો.

    પછી કંઈક વિચારીને એણે ઉસ્માનની હોટલનો નંબર મેળવ્યો.

    જોરાવર અત્યારે ઉસ્માનની હોટલમાં જ હશે એની તેને પૂરી ખાતરી હતી.

    ‘ હલ્લો...’ થોડી પળો બાદ સામે છેડેથી એક અપરિચિત સ્વર તેને સંભળાયો

    ‘ જોરાવર છે...?’ અમીંચદે પૂછ્યું, ‘ જો હોય તો એને બોલાવો...!’

    ‘ આપ કોણ બોલો છો ?’

    ‘ જોરાવરને કહો કે સવારના ટ્રકવાળા ભાઈ બોલાવે છે.!’

    ‘ ચાલું રાખો...’

    ‘ હલ્લો...હું જોરાવર બોલું છું...!’ એકાદ મિનિટ પછી જોરાવરનો પરિચિત સ્વર તેને સંભળાયો.

    ‘ જોરાવર..હું અમીચંદે બોલું છું...!’

    ‘ એ તો હું તરત જ સમજી ગયો હતો. બોલો...શું કામ પડ્યું. ?’

    ‘ તું તાબડતોબ અહીં ...મારા બંગલો આવ...!’

    ‘ કેમ...? એવું તે શું અરજન્ટ કામ આવી પડ્યું છે ?’

    ‘ મારા ખરાબ દિવસોની શરૂઆત થઈ ગઈ છે. તું આવ તો રૂબરૂમાં બધું સમજાવું...!’

    ‘ ખરાબ દિવસો આવે આપના દુશ્મનોના...! ખેર, હું હમણાં જ આવું છું...’

    અમીચંદે રિસીવર મૂકી દીધું.

    ત્યારબાદ તે વ્હિસ્કીનો એક પેગ બતાવીને ધીમે ધીમે તેના ઘૂંટડા ભરતો જોરાવરની રાહ જોવા લાગ્યો.

    પંદર મિનિટમાં જ જોરાવર આવી પહોંચ્યો.

    અમીચંદે તેને શંકરના ટેલિફોનની વિગતો જણાવી દીધી.

    ‘ અરે, સાહેબ... આટલી વાતમાં આપ ગભરાઈ ગયા...? આપ કશીયે ફિકર ન કરો...! આ વખતે શંકર નહીં બચી શકે...!’

    ત્યારબાદ અમીચંદને ભરપુર આશ્વાસન આપીને જોરાવર ચાલ્યો ગયો.

    આમ ને આમ બે દિવસ પસાર થઈ ગયા.

    જોરાવરે શંકરને શોધવા માટે પોતાના માણસોને કામે લગાડી દીધા હતા.

    પરંતુ ક્યાંયથી શંકરનો પત્તો નહોતો લાગતો.

    ત્રીજા દિવસની રાત્રે

    અમીચંદે પોતાના અગાશીવાળા શયનખંડમાં બેસીને વ્હિસ્કીના ઘૂંટડા ભરતો હતો.

    એની આંખોમાં ઊંઘનું નામોનિશાન પણ નહોતું.

    રહી રહીને તેને શંકરના જ વિચારો આવતા હતા.

    શંકરે કહેલા એક એક શબ્દો પડધો પડતાં એના કાનમાં ગુંજતા હતા.

    મોતના ભયથી એના રૂંવાડા ઊભા થઈ ગયા હતા.

    હૃદયના ધબકારા એકદમ વધી ગયા હતા.

    સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

    એ ઘંટડી ટેલિફોનની નહીં, પણ પોતાનો મૃત્યુઘંટ વાગ્યો હોય એવો તેને ભાસ થયો.

    એ ખુરશી પરથી ઊભો થઈને લથડતાં પગે ટેલિફોન સ્ટેન્ડ પાસે પહોંચ્યો.

    ‘ હલ્લો...અમીચંદ સ્પીકીંગ...! તમે કોણ બોલો છો...?’ એણે રિસીવર ઊંચકીને પૂછ્યું.

    ‘ હું શંકર બોલું છું અમીચંદ...!’

    ‘ શંકર...?’ અમીચંદ થોથવાતાં અવાજે બોલ્યો.

    ‘હા, કેમ છે...?’

    અમીચંદ પાસે એના આ સવાલનો જવાબ નહોતો. એણે પેટમાં ગેસ ભરાઈ ગયો કે શું ?’

    ‘ તું...તું... શું ઈચ્છે છે ?’

    ‘ તારી બરબાદી...!’

    ‘ શંકર...તું કોઈ કિંમતે મારો પીછો છોડી શકે તેમ નથી ?’

    ‘ અમીચંદ...! હું તારા નસીબનો વિધાતા છું... અને વિધાતાના લેખમાં કોઈ જ મેખ નથી મારી શકાતું...! હું દરરોજ મારા હાથેથી તારા નસીબનું પાનું લખીને ભૂંસતો રહીશ...! ખેર, અત્યારે તો મેં તને પૈસા માટે યાદ કર્યો છે.!’

    ‘ તારે કેટલા પૈસા જોઈએ છે ?’

    ‘ પાંચ લાખ રૂપિયા...!’

    ‘ શું...?’ અમીચંદને ચક્કર આવી ગયા.

    ‘ પાંચ લાખની વાત સાંભળીને તારા મોતિયા શા માટે મરી ગયા કમજાત...! આટલી રકમ તો તું ઘઉંની ગુણીમાંથી મુઠ્ઠી ભરીને ઘઉં આપવા હોય, એ રીતે આપી શકે તેમ છે! વધારે પડતો લોભ ન રાખ અમીચંદ...!’

    ‘ શંકર...અત્યારે મારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે, એની તને કદાચ ખબર નહીં હોય! હું માત્ર નામનો જ અમીચંદ શેઠ રહ્યો છું. બાકી મારી હાલત અત્યારે ભિખારી કરતાં ય બદતર છે.!’

    ‘ એટલે...?’

    ‘ મારી કંપની અત્યારે ખોટમાં ચાલે છે...!’ કહીને અમીચંદે તેને હરિફાઈ વિશે જણાવી દીધું.

    ‘ ઓહ...તો તું ફૂટપાથ પર આવવાની તૈયારીમાં જ છો એમ ને ?’

    ‘ હા, શંકર...!’

    ‘ વેરી ગુડ...! જે દિવસે તું ફૂટપાથ પર આવીશ...તારી કંપની અને બંગલાની હરરાજી થશે, એ દિવસે હું હનુમાનજીના મંદિરે જઈને સાત નાળિયેર વધેરીશ!’

    ‘ શંકર...’

    ‘ મારે પરમ દિવસે પાંચ લાખ રૂપિયા જોઈએ અમીચંદ...! પૂરા પાંચ લાખ...!’

    ‘ ગમે તે કર...! તારી કંપની વેંચ...બગલો વેંચ...તારી પત્ની અને પુત્રવધુઓના દાગીના વેચ...કે પછી જોઈએ તો કોઈક બેંકમાં ધાડ પાડ...! મારા તરફથી તને બધી છૂટ છે...! આ એકેય કામમાં હું તને ક્યાંય આડો નહીં આવું! પરંતુ પરમ દિવસે કોઈ પણ સંજોગોમાં તારે મને પાંચ લાખ રૂપિયા આપવા પડશે. જો નહીં આપે તો પછી તે તારી માનું ખૂન કર્યુ હતું. એ વાત હું તારી પત્ની, પુત્રો અને પુત્રવધુઓને જણાવી દઈશ. સાચી હકીકત જાણ્યા પછી તેઓ તારા ચહેરા પર થૂંકવામાં પણ પોતાનુ અપમાન માનશે...! મારા વેરની આગ આટલાથી જ શાંત નહીં થાય! હું પોલીસને પણ ફોન કરીને જણાવી દઈશ કે તે શભુનું ખૂન કરાવ્યું છે...! પોલીસ માટે તો આટલી વાત જ પૂરતી થઈ પડશે! એ તારી ચામડી ઉતરડીને સાચી હકીકત જાણી લેશે...! તારા પર શંભુના ખૂનનો કેસ ચાલશે ને કોર્ટ તને ફાંસીના માંચડે લટકાવી દેશે કમજાત...! તું કૂતરાના મોતે માર્યો જઈશ...!’

    ‘ નહીં...!’ અમીચંદ ચીસ જેવા અવાજે બોલ્યો.

    ‘ તો પછી મને સવાલનો જવાબ હા અથના ના માં આપી દે!’

    ‘ તને...તને પાંચ લાખ રૂપિયા મળી જશે.’ અમીચંદે કહ્યું, ‘ પછી કંઈક વિચારીને એણે પૂછ્યું. ‘ પરંતુ આ રકમ મારે તને ક્યાં પહોંચાડવાની છે ?’

    ‘ તું મને મૂરખ માને છે અમીચંદ...?’

    ‘ એટલે...?’

    ‘ હું તને અત્યારે કહું કે રકમ ક્યાં પહોંચાડવાની છે, તો મારી પહેલાં જ તારા માણસો એ સ્થળે પહોંચી જશે અને હું રકમ લેવા માટે જઈશ ત્યારે મને ઠેકાણે પાડી દેશે! મારા મૃતદેહનો પણ પત્તો નહીં લાગે!’

    ‘ હું આવી કોઈ નીચ કાર્યવાહી કરવા નથી માગતો શંકર!’

    ‘ નીચ માણસ, નીચ કામ ન કરે, એ વાત કમ સે કમ મારે ગળે તો નથી જ ઉતરતી! તારા જેવા દગાબાજ માણસ પર ભરોસો મૂકવો, તે આપઘાત કરવા જેવું છે. તું રકમની વ્યવસ્થા કરી રાખજે! રકમ ક્યાં પહોંચાડવી એ હું તને પરમ દિવસે જ ફોન કરીને એક કલાક અગાઉ જણાવી દઈશ!’

    ‘ જેવી તારી મરજી...!’

    ‘ અને સાંભળ...એક ચેતવણી અગાઉથી જ તને આપી દઉં છું. રકમ આપવા આવતી વખતે તારે તારા કોઈ ચમચાને સાથે નથી લાવવાનો સમજ્યો...?’

    ‘ ભલે...’

    સામે છેડેથી સંબંધ કપાઈ ગયો.

    અમીંચદે રિસીવર મૂકી દીધું. પછી એ પોતાના કપાળ પર વળેલો પરસેવો લૂછવા લાગ્યો.

    એણે વ્હિસ્કીનો એક પેગ પેટમાં ઠાલવ્યો.

    ત્યારબાદ તે આરામ ખુરશી પર ફસડાઈ પડ્યો.

  • ***
  • આજે અમીચંદે ઓફિસે નહોતો ગયો.

    એ ઘેર, પોતાના શયનખંડમાં જ બેઠો બેઠો શંકરના ફોનની રાહ જોતો હતો.

    એણે જેમ તેમ કરીને પાંચ લાખ રૂપિયાની વ્યવસ્થા કરી લીધી હતી. વ્યવસ્થા માટે એને ખૂબ જ દોડાદોડી કરવી પડતી હતી.

    બાકી એક જમાનો એવો હતો કે એ ફોન પર જ પાંચ લાખ, તો શું, પચાસ લાખની પણ વ્યવસ્થા કરી નાખતે!

    બજારમાં તેનું એટલું માન હતું.

    પરંતુ હરિફાઈને કારણે કોઈનાથી યે તેની આર્થિક હાલત છૂપી નહોતી રહી.

    આજે તો કોઈ તેને એક રૂપિયાનું મીઠું પણ ઉધાર આપવામાં રાજી નહોતું.

    અમીચંદ મનોમન પોતાના ખરાબ દિવસોને ભાંડીને દુનિયા કેટલી સ્વાર્થી છે. એનો વિચાર કરતો હતો.

    શંકરે સાચું જ કહ્યું હતું કે લોકો ઊગતા સૂરજને જ પૂજ છે!

    ‘ શું વિચારો છો સાહેબ...?’ એની સામે એક અન્ય સોફાચેર પર બેઠેલા જોરાવરે પૂછ્યું.

    ‘ જોરાવર...મારા માઠા દિવસોમાં એક માત્ર તું જ મને વફાદાર રહ્યો છે...! મારી પાછળ દિવસ-રાત આંટા મારતાં લોકો મારાથી દૂર નાસવા માંડ્યા છે.! તું શેઠ હરિભાઈ ને તો ઓળખે જ છે...! એ મારો મિત્ર છે... કાલે મેં તેની પાસે જઈને એક લાખ રૂપિયા માગ્યા તો જાણે છે એણે શું જવાબ આપ્યો...? કહેલા લાગ્યો-યાર અમીચંદ... તારી બધી વાત સાચી...મને તારા પર પૂરો ભરોસો છે...! તું મારા પૈસા નહીં ડૂબાડે એની મને પૂરી ખાતરી છે... પણ શું કરું ભાઈ...? હમણાં મારકેટમાં ખૂબ જ મની ક્રાઈસીસ (નાણાંભીડ) ચાલે છે...! જોરાવર...એ કમજાતે આવી નાણાંભીડમાં હજુ ગયા મહિને જ એક મારુતિ વન થાઉઝન્ડ અને એક સ્ટાનડર્ડ ટુ થાઉઝન્ડ કાર ખરીધી છે....! નાણંભીડ ન હોત તો એ લબાડ પ્લેન જ ખરીદત ને ?’

    ‘ જે થયું તે ભૂલી જાઓ સાહેબ...! ઈશ્વરની કૃપા હશે તો આપના પણ સારા દિવસે આવશે...! એ વખતે આપણે સૌને જોઈ લેશું...!’

    એ જ વખતે ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

    અમીચંદના ધબકારા વધી ગયા.

    ‘ કદાચ શંકરનો જ ફોન હશે સાહેબ...’

    અમીચંદ ખુરશી પરથી ઊભો થઈને ટેલિફોન તરફ આગળ વધ્યો.

    જોરાવર પોતને માટે વ્હિસ્કીનો પેગ તૈયાર કરવા લાગ્યો.

    ‘ હલ્લો...’ અમીચંદે રિસીવર ઊંચકીને કાને મૂક્યું.

    ‘ અમીચંદ...!’ સામે છેડેથી બરછીની ધાર જેવો તીખો અવાજ તેના કાને અથડાયો.

    ‘ શંકર...!’ કહેતાં કહેતાં અમીચંદના કપાળ પરથી પરસેવાની ધાર નીતરવા લાગી.

    એની હાલતથી અજાણ જોરાવર પોતાનો પેગ ખાલી કરવામાં મશગુલ હતો.

    ‘ અમીચંદ...તું મને સ્વધામ પહોંચાડવાની તૈયારી કરીશ એવું મેં નહોતું ધાર્યું!’

    ‘ એટલે...?’

    ‘ મારા કહેવાનો અર્થ તું બરાબર સમજે છે કમજાત...પણ ન સમજવાનો ડોળ કરે છે!’

    ‘ આ તું શું કહે છે શંકર...?’ મારો એવો કોઈ ઈરાદો નથી. તુ નાહક જ મારા પર શંકા કરે છે!’

    ‘ શટઅપ...!’ સામે છેડેથી ચાબખા જેવો સ્વર તેને સંભળાયો, ‘ તું દુનિયા આખીને ભલે મૂરખ બનાવે, પણ મને નહીં બનાવી શકે...! હું તને બહુ સારી રીતે ઓળખું છું. તારી રગેરગમાં ઝેર ભર્યું છે! તારી નસોમાં લોહી નહીં પણ ઝેર વહે છે...! સાપનો ડંખલો હજુ પણ બચી જાય છે... પરંતુ તારો ડંખેલો પાણી માગવા પણ નથી રોકાતો! હજુ યે માની જા..નહીં તો પસ્તાવાનો પણ સમય નહીં મળે! તારા જે માણસો પડછાયાની માફક મારી પાછળ પડ્યા છે, એને પાછા બોલાવી લે! નહીં તો તારે કમોતે મરવું પડશે!’

    ‘ આ દુનિયામાં વહેમની કોઈ દવા હજુ સુધી નથી શોધાઈ શંકર!’

    ‘ બકવાસ બંધ કર તારો...! મારું નામ શંકર છે...! મને કદાપી વહેમ કે ભ્રમ નથી થતો. જો તું તાબડતોબ તારા ચમચાઓને પાછા નહીં બોલાવી લે તો હું તને મારીશ નહી...! સૌથી પહેલાં તારી આબરૂનો જાહેરમાં ધજાગરો કરીશ! તું એક કોલગર્લનો દિકરો છે...તારી માનો ખૂની છે એ વાતની દુનિયા આખીને ખબર પડી જશે તારી પાસે પછી આપઘાત કરવા સિવાય બીજો કોઈ માર્ગ નહીં રહે!’

    શંકરની વાત સાંભળીને ભયનું એક ઠંડુ લખલખું વિજળીના કરંટથી માફક અમીચંદના દેહમાં પગથી માથા સુધી ફરી વળ્યું. શંકર જે કંઈ કહે છે. તે કરી બતાવશે... એની વાત માની લેવામાં જ પોતાનું શ્રેય છે એમ તેને લાગ્યું.

    ‘ શું વિચારે છે અમીચંદ ?’

    ‘ કઈ બાબતમાં...?’

    ‘ તારા માણસોને પાછા બોલાવવાની બાબતમાં...!’

    ‘ આજ પછી કોઈ માણસ તારો પીછો નહીં કરે શંકર!’

    ‘ એ જ તારા હિતમાં રહેશે...! હવે મુદ્દાની વાત કરીએ!’

    ‘ હા...’ અમીચંદ માંડમાંડ બોલી શક્યો! એના ગળામાં શૂળ ભોંકાતા હતા

    ‘ રકમ તૈયાર છે ?’

    ‘ હા....ક્યાં પહોંચાડવાની છે ?’

    ‘ નહેરૂ ગાર્ડન પાસે પહોંચી જા... સાંભળ...એક કલાક પછી તારે ત્યાં પહોંચવાનું છે!’

    ‘ ઠીક છે...!’ અમીચંદ થાકેલા અવાજે બોલ્યો, ‘ હું પહોંચી જઈશ.’

    ‘ તારે એકલાએ જ આવવાનું છે...! જો તારા માણસો નહેરૂ ગાર્ડનની આજુબાજુમાં ગોઠવાઈ ગયા છે, એવી શંકા મને ઉપજશે તો પછી હું ત્યાં નહીં આવું...તારી પાસેથી રકમ નહીં લઉં...! અને નહીં લઉં તો શું થશે,એનું અનુમાન તું પોતે જ કરી લેજે...!’

    સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.

    અમીચંદે પણ રિસીવર મૂકી દીધું.

    પછી એણે પુન:ખુરશી પર બેસીને ટેલિફોન પર શંકર સાથે થયેલી વાતચીતની વિગત જોરાવરને કહી સંભળાવી.

    એની વાત સાંભળ્યા પછી જોરાવરના ચ્હેરા પર વિચારના હાવભાવ છવાઈ ગયા.

    ‘ સાહેબ...આપ બેફિકર રહો...હું ખૂબ સાવચેતીથી આપનો પીછો કરીશ...!’ છેવટે કંઈક વિચારીને એ બોલ્યો, ‘ આપ રકમ લઈને આપની કારમાં એકલા જ જજો...! આપે એને રકમ સોંપીને આપના રસ્તે પડી જવાનું છે. બાકીનું બધું હું સંભાલી લઈશ.’

    અમીચંદે સહમતીસૂચક ઢબે માથું હલાવ્યું.

    અડધા કલાક પછી અમીચંદની કાર નહેરૂ ગાર્ડન તરફ દોડતી હતી. એના ચહેરા પર ચિંતા અને પરેશાનીના હાવભાવ છવાયેલા હતા.

    એનું હૃદય કોઈક અજાણી આશંકાથી ધબકતું હતું.

    પાંચ લાખ રૂપિયા ભરેલી બ્રીફકેસ તેની બાજુમાં જ પડી હતી.

    એની નજર વિન્ડ સ્ક્રીનમાંથી સામે દેખાતી સડક પર હતી. પરંતુ મગજ શંકરના જ વિચારોમાં અટવાયેલું હતું.

    તેની કારમી પાછળ એક ચોક્કસ અંતરે જોરશોરથી જીપ આવતી હતી.

    જીપમાં જોરાવર ઉપરાંત તેના ચાર ખતરનાક સાથીદારો મોજુદ હતા.

    અચાનક અમીચંદે પોતાની ગરદન પર કોઈક કઠોર વસ્તુનો સ્પર્શ અનુભવ્યો.

    તે એકદમ ચમક્યો. એનો સમગ્ર દેહ પરસેવે રેબઝેબ બની ગયો.

    એણે બેક વ્યુ મિરરમાં પાછળની સીટ પર બેઠેલા શંકરનુ પ્રતિબિંબ જોયું.

    શંકરના હાથમાં જકડાયેલી રિવોલ્વરની નળી એની ગરદનને સ્પર્શતી હતી.

    વાસ્તવમાં શંકરે અમીચંદના બંગલેથી થોડે દૂર આવેલા એક પબ્લિક બૂથમાંથી જ ફોન કર્યો હતો. ફોન કર્યા પછી તે ચોરી છૂપીની અમીચંદના બંગલામાં દાખલ થઈને કારની પાછલી સીટ નીચે છૂપાઈ ગયો હતો.

    પાછળની જીપમાં જોરાવર આવે છે, એની પણ તેને ખબર હતી.

    અચાનક શંકરને જોઈ ને તે હેબતાઈ ગયો હતો.

    શંકરને મારવો સહેલો નથી એ વાત તેને સમજાઈ ગઈ હતી.

    ‘ શં...શંકર...!’ એ થોથવાતાં અવાજે બોલ્યો.

    ‘ તું એક નંબરનો નીચ અને નાલાયક માણસ છે અમીચંદ...! કૂતરાની પૂંછડીને સો વરસ સુધી જમીનમા દાટી રાખો તો પણ તે વાંકી જ રહે છે! તું પણ આવો જ કૂતરો છે! આ રિવોલ્વરની તમામ ગોળી તારી છાતીમાં ઊતારી દેવાનું મને ખૂબ જ મન થાય છે...પણ ના...હું તને સહેલું નહી પણ પીડાભર્યું મોત આપવા માગું છું....હું તને રીબાઈ રીબાઈને મરતો જોવા ઈચ્છું છું....અને એટલે જ તને જીવતો મૂકુ છું...! પરંતુ આ તારી છેલ્લી ભૂલ હોવી જોઈએ એટલું યાદ રાખજે...! જો હવે આવી ભૂલ થશે તો તું ભવિષ્યમાં બીજી ભૂલ કરવા માટે જીવતો નહીં રહે...! મેં તને ના પાડી હોવા છતાં પણ તું તારા ચમચાઓને સાથે લઈને આવ્યો છે!’

    ‘ હું...હું એકલો જ છું...!’

    ‘ આ કારમાં જરૂર તું એકલો છે...પરંતુ કારની પાછળ જે જીપ આવે છે, એમા કોણ છે ?’

    અમીચંદનુ દિમાગ ચકરાવે ચડી ગયું.

    શંકર નામનો આ માણસ, કેટલો ચાલાક અને ગણતરીબાજ છે એનો વિચાર તે કરતો હતો.

    ‘ એ જીપમાં જોરાવર અને તેના સાથીદારો જ છે ને અમીચંદ...? શંકરે કઠોર અવાજે પૂછ્યું.

    અમીચંદ કઈ જવાબ ન આપી શક્યો.

    ‘ મારા સવાલનો જવાબ આપ...! નહીં તો ન છૂટકે મારે તને રીબાવી રીબાવીને મારવાનો વિચાર પડતો મૂકીને, મારી આંગળીને રિવોલ્વરનું ટ્રેંગર દબાવવા માટે તકલીફ આપવી પડશે...!’

    ‘ એ...એ જોરાવર જ છે શંકર!’

    ‘ કેમ...! મેં કોઈનેય સાથે લાવવાની ના પાડી હતીને ?’

    ‘ મારાથી ભૂલ થઈ ગઈ...!’

    ‘ આ ભૂલની સજા તારે ભોગવવી પડશે...!’

    ‘ નહીં...!’ અમીચંદ ડધાઈને બોલ્યો.

    ‘ રકમ ક્યા છે ?’

    ‘ મારી પાસે જ છે...!’

    ‘ લાવ...!’

    અમીચંદના ચહેરા પર લાચારીના હાવભાવ છવાઈ ગયા.

    એણેબાજુમાં પડેલી બ્રીફકેસ ઊંચકીને શંકરને આપી દીધી.

    ‘ કેટલા છે...?’

    ‘ પૂરા પાંચ લાખ...! તને ભરોસો ન હોય તો ગણી લે...!’

    ‘ ના...મને ગણવાની જરૂર નથી લાગતી! ખેર, હવે આજે તે જે ભૂલ કરી છે, એની સજા સાંભળી લે...! પરમ દિવસે તારે વધુ પાંચ લાખ રૂપિયા મને આપવા પડશે.’

    ‘ નહીં...!’ અમીચંદના મોંમાંથી સિસકારો નીકળી ગયો.

    ‘અમીચંદ...તારા જેવા નીચ માણસની ભૂલ માફ કરી શકાય તેમ નથી. તારે કોઈ પણ સંજોગોમાં તારી ભૂલની સજા ભોગવવી જ પડશે! પરમ દિવસે રકમ ક્યાં પહોંચાડવાની છે, એ હું તને ફોન પર જણાવી દઈસ.

    ત્યારબાદ શંકરે કારની બારીના કાચ ચડાવી દીધા.

    શંકર શું કરવા માંગે છે, એ અમીચંદને નહોતું સમજાતું.

    કાળા કાચમાંથી, બહારથી કારની અંદરનુ ર્દશ્ય નહોતું જોઈ શકાતું.

    આ વાત થોડી વાર પછી જ અમીચંદના મગજમાં ઊતરી હતી.

    ‘કાર ઊભી રાખીને જોરાવરને કહી દે કે એ નહેરુ ગાર્ડન ન જતા પાછો ચાલ્યો જાય! જો તું કોઈ જાતની તીડીબાજીનો પ્રયાસ કરીશ તો હું તારી પાછળ જ બેઠો છું અને મારા હાથમાં રિવોલ્વર જકડાયેલી છે.’

    અમીચંદે ચૂપચાપ કાર ઊભી રાખી.

    થોડી પળો બાદ જોરાવરની જીપ કારની બાજુમાં આવીને ઊભી રહી.

    ‘ જોરાવર...!’ અમીચંદે બારીમાંથી ડોકુ બહાર કાઢીને કહ્યું.

    ‘ જી, સાહેબ...’ જોરાવર જીપમાથી નીચે ઊતરીને તેની નજીક આવતાં બોલ્યો.

    ‘ તું પાછો મારા બંગલે પહોંચી જા...’

    ‘ પરંતુ સાહેબ...આપણી યોજના...’

    ‘ મારા મગજમાં એક બીજી યોજના આવી છે... એ યોજના મુજબ હું એકલો જ જઈશ...’

    ‘ ભલે સાહેબ...!’

    ‘ જોરાવર આગળ વધીને જીપમાં બેસી ગયો.

    ત્યારબાદ એણે જીપમાં આવ્યો હતો, એ જ માર્ગે પાછી દોડાવી મૂકી.

    ‘ હવે કાર આગળ ચલાવ...’

    અમીચંદે કારને આગળ ધપાવી.

    એક ઉજ્જડ સ્થળે શંકરે કાર ઊભી રાખવી.

    ‘ હવે તું હાથ ઊંચા કરીને નીચે ઊતર...!’ શંકરે આદેશાતમ્ક અવાજે કહ્યું.

    અમીચંદે તરત એના આદેશનું પાલન કર્યું.

    વળતી જ પળે શંકરે એના કોટના ગજવામાં હાથ નાખીને રિવોલ્વર કાઢી લીધી.

    ‘ લે, એમીચંદ...!’ એણે પોતાના હાથમાં જકડાયેલી રિવોલ્વર તેની સામે લંબાવતા કહ્યું, ‘ આ નકલી, રમકડાની રિવોલ્વર ઘેર લઈ જજે....તારા પૌત્રને રમવા આપી દેજે...!’

    ‘ અમીચંદ પોતાની મૂર્ખાઈ પર ધૂંધવાયો. શંકર પાસે અસલી રિવોલ્વર ક્યાંથી આવી એ તો એણે વિચાર્યુ જ નહોતું. શંકરને જેલમાંથી છૂટ્યાને હજી માંડ પાંચ દિવસ થયા હતા. આટલી જલદી રિવોલ્વરની વ્યવસ્થા કેવી રીતે કરી લીધી ?

    ત્યારબાદ શંકરે પાછળની સીટ પરથી રકમ ભરેલી બ્રીફકેસ ઊંચકીને અમીચંદની રિવોલ્વર વડે કારના આગળના બંને ટાયર બર્સ્ટ કરી નાખ્યા.

    ‘ હું જઉં છું. અમીચંદ...! હવે પરમ દિવસે તને ફોન કરીશ...! અને ફરીથી કાન ખોલીને સાંભળી લે...! હવે પછી જો આવી ભૂલ કરીશ તો મારી માંગણી વધતી જશે સમજ્યો...?’

    વાત પૂરી કરીને તે આગળ વધી ગયો.

    અમીચંદે મનોમન સમસમીને રહી ગયો.

    ***