બાજી - 8

બાજી

કનુ ભગદેવ

8 - નાગપાલની તપાસ...!

ચોકલેટી કલરની એમ્બેસેડર પૂરપાટ વેગે સડક પર દોડતી હતી.

ડ્રાયવીંગ સીટ પર જોરાવર બેઠો હતો.

જ્યારે મહેશ તથા રાકેશ પાછળની સીટ પર બેઠા હતા.

કારની ડીકીમાં કોથમાલાં ભરેલો ગાયત્રીનો મૃતદેહ પડ્યો હતો.

દેવગઢ તરફ જતી સડક મુખ્ય હાઈવેથી અર્ધો કિલોમીટર અંદરના ભાગે અને કાચી હતી.

કાચા માર્ગની બંને તરફ શેરડીનાં ખેતરો હતા. હવાના સપાટાથી છ-છ ફૂટ ઊંચી શેરડીઓ આમથી તેમ લહેરાઈ ને વિચિત્ર અવાજ ઉત્પન્ન કરતી હતી.

ચારે તરફ સન્નાટો અને ગાઢ અંધકાર છવાયેલો હતો.

આકાશમાં કાળાં ડીબાંગ વાદળો ઘેરાયં હતા.

રહી રહીને વિજળી ચમકતી હતી. પવનની ગતિ એકદમ વધી ગઈ હતી.

કોઈપણ પળે વરસાદ તૂટી તેમ હતું.

પરંતુ એ ત્રણેયની તેની પરવાહ નહોતી.

તેઓ તો કોઈ પણ ભોગે ગાયત્રીના મૃતદેહને ઠેકાણે પાડવા માંગતા હતા.

તેમણે કાચો માર્ગ હજુ અડધો કિલોમીટર જેટલો જ વટાવ્યો હતો.

સહસા તેમના કાને પોલીસની જીપના સાયરનનો અવાજ અથડાયો.

સાયરનનો અવાજ સાંભળીને ત્રણેય એકદમ ચમક્યા. તેમના ચહેરા પર નર્યા-નિતર્યા ભય, ગભરાટ અને દહેશનતા હાવભાવ છવાઈ ગયા.

પોલીસ પોતાની પાછળ પડી ગઈ છે, એવું અનુમાન કરતાં તેમને જરા પણ વાર ન લાગી.

મહેશે પાછળ જોયું. પરંતુ દૂર દૂર સુધી તેને કોઈ વાહનની હેડલાઈટ ન દેખાઈ.

‘ મહેશ...પોલીસ આપણી પાછળ પડી ગઈ લાગે છે.’ જોરાવર બોલ્યો.

‘ તારી વાત સાચી છે જોરાવર...!’ રાકેશે કહ્યું.

‘ જો પોલીસ આપણી નજીક આવી જશે તો પછી આપણે કશું જ નહીં કરી શકીએ. તમે તાબડતોબ ડીકીમાંથી મૃતદેહ કાઢીને તેને શેરડીના ઊભા પાક વચ્ચે ફેંકી દો...’

‘ કોથળા સહિત...?’

‘ ના...કોથળામાંથી કાઢીને...! કોથળા પરથી મૃતદેહની ઓળખ પણ થઈ શકે તેમ છે!’

‘ હા...તારી વાત મુદ્દાની છે...! એ કોથળો આપણી કંપનીનો જ છે.!’ રાકેશે કહ્યું.

‘ તમે બંને તૈયાર રહેજો...હું શેરડીના પાક પાસે કાર ઊભી રાખીશ...!’

‘ ભલે...’

થોડો દૂર ગયા પછી જોરાવરે કાર ઊભી રાખી દીધી. પરંતુ એન્જિન ચાલુ જ રાખ્યું.

મહેશ અને રાકેશ પળનોય વિલંબ કર્યા વગર નીચે ઊતર્યા.

તેમણે કારની ડીકી ઉઘાડી.

પછી તેઓ ડીકીમાંથી મૃતદેહ ભરેલો કોથળો ઊંચકીને ખેતરમાં ઘૂસી ગયા.

ખેતરની વચ્ચે પહોંચીને તેમણે કોથળાનું મોં ઉઘાડ્યું અને તેમાંથી ગાયત્રીદેવીનો મૃતદેહ કાઢીને શેરડીના ઊભા પાક વચ્ચે ફેંકી દીધો.

આ દરમિયાન શેરડીના કેટલાય સાંઠા તૂટી ગયા તથા એના પાંદડાથી તેમના હાથ અને ચહેરા પર ઉઝરડા પડી ગયા હતા.

આ ઉઝરડામાં તેમને કાળી બળતરા થતી હતી.

અમુક જગ્યાએ લોહી પણ નીકળતું હતું.

મહેશે ખાલી કોથળો ગડી કરીને બગલમાં દબાવ્યો.

‘ જલ્દી ચાલ રાકેશે...’

‘ પોલીસની જીપના સાયરનનો અવાજ હજુ પણ તેમના કાનમાં ગુંજતો હતો.

તેઓ પીઠ ફેરવીને પાછા દોડ્યા તો અચાનક જ તેમના કાને કોઈક સર્પના ફૂંફાડાનો અવાજ અથડાયો.

તેઓ પહેલાં કરતા પણ વધુ ઝડપથી દોડ્યા.

જાણે કોઈક ભયંકર કાળોતરો પોતાની પાછળ ફૂંફાડા મારતો આવે છે અને હમણાં જ ડંખ મારશે એવો ભાસ તેમને થતો હતો.

‘ એ તરફ ક્યાં જાઓ છો...?’ આ તરફ આવો...’ તેમને કારથી વિપરિત દિશામાં દોડતાં જોઈને જોરાવરે જોરથી બૂમ પાડી.

જોરાવરની બૂમ સાંભળીને બંને એ તરફ દોડ્યા.

ત્યારબાદ તેઓ ઝડપભેર કારની પાછળી સીટ પર બેસીને હાંફવા લાગ્યા.

જોરાવરે કાર દોડાવી મૂકી.

થોડીવાર પછી કારના પાછળના ભાગ પર કોઈક વાહનની હેડલાઈટનો પ્રકાશ ફેંક્યો. તથા સાયરનનો અવાજ વધુ નજીક આવી ગયો હતો.

પોલીસની જીપના રૂપમાં પોતાનું મોત નજીક આવતું હોય એવો ભાસ તેમને થતો હતો.

મહેશે પાછળ જોયું.

એ જ વખતે પાછળ આવી રહેલી જીપનું હોન ગર્જી ઊઠ્યું.

જોરાવરે સાઈડ આપી તો જીપ કારની બાજુમાંથી પસાર થઈને આગળ વધી ગઈ.

થોડે દૂર જઈને જીપ ઊભી રહી ગઈ.

જોરાવર, મહેશ અને રાકેશના ધબકારા વધી ગયા.

જીપમાંથી બે-ત્રણ સિપાહીઓ નીચે ઊતરી આવ્યા હતા. તેમના હાથમાં રાઈફલો જકડાયેલી હતી.

એક સિપાહીએ કારને ઊભી રાખવાનો સંકેત કર્યો.

જોરાવરને અનિચ્છાઓ કાર ઊભી રાખવી પડી.

‘ કયાં જાઓ છો...?’ એક સિપાહીએ નજીક આવીને પૂછ્યુ.

‘ વાડીએ...’ જોરાવરે સમજ્યા-વિચાર્યા વગર કહી નાંખ્યું.

‘ આ લોકો વાડીએ જાય છે સાહેબ...!’ સિપાહી જીપ તરફ મોં ફેરવીને ઊંચા અવાજે બોલ્યો.

અંધકારમાં ફેંકેલું તીર બરાબર રીતે નિશાન પર ચોંટી ગયેલું જોઈને જોરાવરે મનોમન છૂટકારનો શ્વાસ લીધો.

મહેશ અને રાકેશે પણ રાહત અનુભવી.

‘ તમે કોણ છો...?’ કોઈક ઓફિસરે જીપમાં બેઠા બેઠા જ રૂઆબભર્યા અવાજે પૂછ્યું.

‘ હું વિશાળગઢના ઉદ્યોગપતિ અમીચંદનો ડ્રાઈવર છું. સાહેબ...! મારી સાથે અમીચંદ શેઠના પુત્ર મહેશ તથા રાકેશ છે. હમણાં હમણાં વાડીમાં ચોરનો રંજાડ વધી ગયો છે એટલે તેને રેડહેન્ડ પકડવા માટે જઈ એ છીએ.

‘ તમે રસ્તામાં કોઈ લીલા કલરના ટ્રકને આ તરફ આવતાં જોઈ હતી ?’

‘ ના, સાહેબ...!’

‘ ચાલો...’ ઓફિસરે પોતાના ડ્રાયવરને ઉદ્દેશીને કહ્યું.

સિપાહીઓ જીપમાં બેસી ગયા.

વળતી જ પળે જીપ સ્ટાર્ટ થઈને આગળ વધી ગઈ.

ત્રણેયે મનોમન ઈશ્વરનો પાઠ માન્યો.

‘ હવે શું કરવું છે ?’ જોરાવરે પૂછ્યું.

‘ આપણું કામ તો પતી ગયું છે...એટલે અહીંથી જ પાછા ફરીએ!’ મહેશે જવાબ આપ્યો.

જોરાવરે કારને પાછી વાળીને ફરીથી વિશાળગઢના તરફ દોડાવી મૂકી.

એ જ વખતે વરસાદ શરૂ થઈ ગયો.

‘ કુદરત આપણી તરફેણમાં છે મહેશ...!’ જોરાવર બોલ્યો.

‘ કેમ...?’

‘ વરસાદ શરૂ થઈ ગયો છે એ નથી દેખાતું ?’

‘ તો આમાં તરફેણ કરવા જેવી વાત ક્યાં આવી ?’

‘ મૃતદેહ પાસે તમારા બુટના જે નિશાનો છે. તે વરસાદથી નાસ પામશે...! આટલી નાની વાત પણ તું ન સમજી શક્યો...?’

‘ ઓહ...આ વાત પ્રત્યે તો અમારું ધ્યાન જ નહોતું ગયું.તું સાચું કહે છે જોરાવર...! જો કાલે પોલીસને મૃતદેહ મળત તો પગલાંના નિશાનના આધારે અમે કાયદાની ચુંગલામાં જકડાઈ શકીએ તેમ હતાં.’

‘ હવે તમે બિફિકર રહો...પોલીસ તમારા સુધી પહોંચી શકે તેમ નથી. આમેય ગાયત્રીદેવીનો મૃતદેહ એમ કંઈ જલ્દી પોલીસની નજરે નહીં ચડે. ચડશે ત્યારે તે સડી ગઈ હશે...! ઓળખી શકાય એવી પણ તેની હાલત નહીં રહી હોય!’

ત્યારબાદ તેઓ વાતો કરતાં કરતાં ઘેર પહોંચ્યા ત્યારે રાતના દોઢ વાગી ગયો હતો.

અમીચંદ વ્હીસ્કીના ઘૂંટડા ભરતો તેમની જ રાહ જોતો હતો.

ત્રણેયે મૃતદેહ ઠેકાણે પડી ગયાના સમાચાર તેને આપી દીધા.

દીવાલ ઘડિયાળમાં બે વાગ્યાના ડંકા પડ્યા ત્યારે મહેશ પોતાનો પેગ ખાલી કરતાં બોલ્યો, ‘ પિતાજી, હવે આપણે આરામ કરવો જોઈએ.’

‘ અત્યારે આપણે માટે આરામ હરામ છે મહેશ...!’ અમીચંદે ગંભીર અવાજે કહ્યું.

‘ કેમ...? હવે શું છે...? મમ્મીનો મૃતદેહ તો ઠેકાણે પડી ગયો છે...!’ રાકેશ બોલ્યો.

‘ બરાબર છે...પરંતુ જ્યાં સુધી આપણી આર્થિક હાલત ન સુધરી જાય ત્યાં સુધી આરામનો વિચાર જ ન કરવો જોઈએ.’

‘ હા...એ તો છે...!’ રાકેશ ઉદાસ થઈ ગયો.

‘ જોરાવર...’

‘ જી, સાહેબ...!’

‘ સુજાતાએ હોસ્પિટલમાંથી નાસી જઈને આપણી આખી બાજી ઊંઘી વાળી દીધી છે. એને શોધીને ઠેકાણે પાડી દેવાનો આદેશ તારા માણસોને આપી દે. જ્યાં સુધી એ જીવતી છે, ત્યાં સુધી ગોપાલ વંદના સાથે લગ્ન કરવા માટે તૈયાર નહીં થાય! જો સુજાતા મૃત્યુ પામશે તો ગોપાલ બે-ચાર દિવસ આંસુ સારીને રહી જશે તથા આપણા દબાણને વશ થઈને વંદના સાથે લગ્ન કરી લેશે. વંદના આ કુટુંબમાં વહુ બનીને આવે એટલી જ વાર છે. આપણા સારા દિવસો પણ એની સાથે સાથે જ આવશે. આપણી આર્થિક હાલત સુધરી જશે.’

‘ પરંતુ જો સુજાતાનું ખૂન થશે તો એના ખૂનની શંકા સીધી આપણા પર જ જશે સાહેબ!’

‘ એ તારો ભ્રમ છે જોરાવર...! સુજાતા હોસ્પિટલમાંથી કોઈને કશીયે જાણ કર્યા વગર નાસી છૂટેલી દર્દી છે! એ કોઈ પણ ગુંડા-બદમાશની ચુંગલામાં ફસાઈ શકે તેમ છે....! કોઈ પણ બદમાશ એનું ખૂન કરી શકે છે. એ હોસ્પિટલમાંથી નાસી છૂટી, તે વાત આપણે માટે લાભદાયી જ છે! આ સંજોગોમાં જો એનું ખૂન થશે તો પોલીસને આપણા પર શંકા નહીં આવે!’

‘ હું કાલે જ મારા માણસોને કામે લગાડી દઈશ સાહેબ...! જો તે આ શહેરમાં જ હશે તો નહીં બચી શકે! પરંતુ આજે સાંજે એક ઉડતી વાત મને સંભળાઈ છે.’

‘ શું ?’

‘ મોતીલાલે સરોજ તથા ગુડ્ડીને શોધવાનું કામ સી.આઈ.ડીના ચીફ ઈન્સ્પેકટર નાગપાલને સોંપી દીધું છે અને નાગપાલ તો વામનરાવ કરતાં પણ વધુ ખતરનાક છે!’

‘ ઓહ...’ કહેતાં કહેતાં અમીચંદના ચહેરા પર ચિંતાના હાવભાવ છવાઈ ગયા.

‘ સાહેબ...જો નાગપાલ આપણી પાછળ પડી ગયો તો સમજી લો કે આપણું આવી બન્યું છે...! આપણી પાછળ નાગપાલના રૂપમાં આપણો કાળ પડી ગયો છે અને એનાથી, સહેલાઈથી છૂટકારો નહીં મળી શકે!’

‘ તારી વાત સાચી છે જોરાવર...!’ અમીચંદે એક ઊંડો શ્વાસ લેતા કહ્યું, ‘ હું નાગપાલના નામ અને કામ, બંનેથી પરિચિત્ત છું...!’

‘ આપણે થોડા દિવસો સુધી ચૂપ બેસી રહેવું જોઈએ એમ હુ માનું છું.’

‘ હું જોરાવરની વાત સાથે સહમત છું. પિતાજી...!’ મહેશનો અવાજ ગંભીર હતો.

‘ આપણે કોઈ નથી મુશ્કેલીને આમંત્રણ નથી આપવું!’ રાકેશ બોલ્યો.

સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

‘ અત્યારે મોડી રાત્રે વળી કોનો ફોન હશે ?’

‘ ભગવાન જાણે...’

‘ અમીચંદ ઊભો થઈને ટેલિફોન પાસે પહોંચ્યો.

‘ હલ્લો...’ એણે રિસીવર ઊંચકીને કાને મૂકતાં કહ્યું.

‘ અમીચંદ...!’ સામ છેડેથી બરફ જેવો ઠંડો, પણ ક્રૂર અવાજ તેના કાને અથડાયો.

અમીચંદના ધબકારા વધી ગયા. એ અવાજને તે ઓળખી ચુક્યો હતો.

‘ બ્લેક ટાઈગર...!’ જાણે ગળામાં શૂળ ભોંકાતા હોય એવો ગુંગળાયેલો અવાજ એના મોંમાંથી નીકળ્યો.

એના મોંએથી બ્લેક ટાઈગરનું નામ સાંભળીને જોરાવર, મહેશ તથા રાકેશના કાન સરવા થયા.

તેમના ચહેરા પર ચિંતા અને મૂંઝવણના હાવભાવ છવાઈ ગયા.

‘ હા...બ્લેક ટાઈગર બોલું છુ...!’

‘ બોલ...’

‘ દસ લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ ગઈ...?’

‘ હા...લગભગ થઈ ગઈ છે...’

‘ લગભગ એટલે...?’

‘ એટલે એમ કે એકાદ લાખ ખૂટે છે...એની વ્યવસ્થા કાલે થઈ જશે.’

‘ ઠીક છે...રકમ મેં કહેલા સ્થળે જઈને દાટી દેજે...એ સ્થળ તો તને યાદ છે ને ?’

‘ હા...અંગ્રેજ લોકોના કબ્રસ્તાનમાં...! દસ નંબરની કબર નીચે!’

‘ બાકી. તને કેમ છે...?’

‘ મજામાં છું...’

‘ મજામાં જ હો ને...! ગમે તેમ તોય આજે તે બંગલામાંથી ગાયત્રીદેવીનો મૃતદેહ ખસેડી નાખ્યો છે...!’

‘ શું...?’ જાણે પગે સાપ વીંટળાયો હોય એમ અમીચંદ ઊછળી પડ્યો, ‘ તને...તને કેવી રીતે ખબર પડી ?’

‘ એ વાતને પડતી મૂક અમીચંદ...! કાલે હવાની દિશા કઈ તરફ હશે એ પણ હું કહી શકું તેમ નથી પરંતુ મહેશ તથા રાકેશે ગાયત્રીદેવીના મૃતદેહને શેરડીના મોલ વચ્ચે નહોતો ફેંકલો જોઈ તો ખરાબ થશે. ગમે તેમ તોય ગાયત્રીદેવી મૃતદેહને શેરડીના મોલ વચ્ચે નહોતો ફેંકવો જોઈ તો. મૃતદેહ પર ગીધ-કાગડા ચાંચ મારશે તો નાહક જ તેની માટી ખરાબ થશે. ગમે તેમ તોય ગાયત્રીદેવી એ બંનેની મા હતી...! હા...હા...હા...’ સામે છેડેથી એક પ્રચંડ અટ્ટહાસ્ય પીગળેલા સીસાની માફક માફક તેના કાનમાં ઊતરી ગયું.

‘ તે...તે મહેશ અને રાકેશનો પીછો કર્યો હતો...?’ અમીચંદે થોથવાતા અવાજે પૂછ્યું.

‘ ના...’

‘ તો પછી આ વાતની તને કેવી રીતે ખબર પડી...?’

‘ અમીચંદ, મારી પાસે એક એવું ટી.વી. છે કે જેમાં, દુનિયામાં ક્યારે, ક્યાં, કોણ અને શુ કરે છે, એ બધું જ મને દેખાઈ જાય છે.’ કહીને સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.

અમીચંદે પણ રિસીવર મૂકી દીધું.

‘ શું કહેતો હતો બ્લેક ટાઈગર...?’ જોરાવરે પૂછ્યું.

‘ તમે ગાયત્રીના મૃતદેહને શેરડીન ખેતરમાં ફેંક્યો છે, એ વાતની કોણ જાણે કેવી રીતે એને ખબર પડી ગઈ છે.’

‘ શું...?’ ત્રણેયે એકદમ ચમકી ગયા.

‘ હા...’

ત્રણેય એનો જવાબ સાંભળીને જડવત્ બની ગયા

 • ***
 • મોતીલાલ પોતાની ઓફિસમાં બેઠો હતો.

  એને સરોજ તથા ગુડ્ડીનો જ વિચાર આવતો હતો.

  સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

  ‘ હલ્લો...મોતીલાલ સ્પીકીંગ...!’ એણે રિસીવર ઊંચકીને કાને મૂકતાં કહ્યું.

  ‘ મિસ્ટર મોતીલાલ...હું નાગપાલ બોલું છું.’

  ‘ બોલો...’ કહેતાં કહેતાં કોઈક અજ્ઞાત આશંકાથી મોતીલાલના ધબકારા વધી ગયા, ‘ નાગપાલ સાહેબ, સરોજ અને ગુડ્ડીનો પત્તો લાગ્યો ?’

  ‘ હા...તેમનું ખૂન નથી થયું...’

  ‘ નાગપાલે સાહેબ...એ બંનેના ખૂન નથી થયા તેની આપને કેવી રીતે ખબર પડી ?’

  ‘ મિસ્ટર મોતીલાલ, જાસૂસ તમે છો કે હું...?’

  ‘ જી, આપ છો...પણ...’

  ‘ મિસ્ટર મોતીલાલ...તમારા મનની હાલત હું સમજું છું. પરંતુ હજુ સુધી મને માત્ર એ બંને જીવતાં છે, એટલું જ જાણવા મળ્યું છે. અને તેઓ જીવતા જ રહેશે એવો મારો દાવો છે. આ કેસની તપાસ તમે મને સોંપી છે, એ વાતની ખબર અમીચંદને પડી ગઈ છે. એટલે તેઓ ભૂલેચુકેય સરોજના ખૂનનો પ્રયાસ નહીં કરે! ખેર, હું આઠ-દસ દિવસમાં જ સરોજ સાથે તમારી રૂબરૂ મુલાકાત કરાવી આપીશ.’

  ‘ આપનો ખૂબ ખૂબ આભાર નાગપાલ સાહેબ...!

  ‘ ઓ.કે...’ કહીને સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.

  મોતીલાલે પણ રિસીવર મૂકી દીધું.

  નાગપાલની વાત સાંભળીને એના ચહેરા પર રાહતના હાવભાવ છવાઈ ગયો હતા.

 • ***
 • ગોપાલ ભરતપુરથી પાછો આવી ગયો હતો.

  અત્યારે અમીચંદ મહેશ, રાકેશ ગોપાલ અને સારિકા સાથે ડ્રોઇંગરૂમમાં બેઠો હતો.

  તેઓ ગાયત્રીદેવી, સરોજ અને ગુડ્ડીની જ ચર્ચા કરતો હતો.

  ગોપાલ હજુ સાચી હકીકતથી અજાણ જ હતો. ગાયત્રીદેવી, સરોજ અને ગુડ્ડી ગુમ થયાં છે તથા સુજાતા હોસ્પિટલમાંથી નાસી છૂટી છે, એટલું જ તે જાણતો હતો.

  સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

  ‘ હું જોઉ છું...’ કહીને મહેશે આગળ વધીને રિસીવર ઊંચક્યું, ‘ હલ્લો...મહેશ સ્પીકીંગ...!

  ‘ મિસ્ટર મહેશ, હું ઈન્સ્પેક્ટર વામનરાવ બોલું છું.’ સામે છેડેથી વામનરાવનો અવાજ તેને સંભળાયો.

  ‘ આપ...’ મહેશનો ચહેરો ધોળો પુણી જેવો થઈ ગયો.

  ‘ હા...તમારા કુટુંબ માટે એક દુ:ખદ સમાચાર છે મિસ્ટર સાહેબ...!’

  ‘ જી...?’ કહેતાં કહેતાં કોઈક અજાણી આશંકાથી મહેશ સર્વાંગે ધ્રુજી ઊઠ્યો.

  ‘ સુજાતા મૃત્યુ પામી છે...!’

  ‘ શું...?’ મહેશે ચમકીને પૂછ્યું. અલબત્ત, મનોમન તેને ખૂબ જ આનંદ થયો હતો. પરંતુ મનમાં ભાવ એણે પોતાના ચહેરા પર કે અવાજમાં નહોતા આવવા દીધા.

  ‘ હા...પરંતુ એણે આપઘાત કર્યો છે કે તેનું ખૂન થયું છે, એ હજુ સુધી અમે નક્કી નથી કરી શક્યા. મૃતદેહને પોસ્ટમોર્ટમ મોટે મોકલી આપવામાં આવ્યો છે. તમે પોસ્ટમોર્ટન સેન્ટરમાં જઈને મૃતદેહને ઓળખવાનો પ્રયાસ કરો. કારણ કે મૃતદેહ કેટલાય દિવસો સુધી પાણીમાં પડયો રહ્યો હોય એમ કોહવાઈ ગયો છે. ચહેરાનો મોટો ભાગ જળચરોએ કોતરી ખાધો છે. આ સંજોગોંમાં ચહેરા પરથી મૃતદેહને ઓળખી શકાય તેમ નથી. મૃતદેહના શરીર પર વિલાસરાય હોસ્પિટલમાં વસ્ત્રો હતા, એના પરથી જ એ સુજાતાનો મૃતદેહ છે, એવા પરિણામ પર અમે આવ્યા છીએ કારણ કે હોસ્પિટલમાંથી નાસી છૂટથી વખતે એણે હોસ્પિટલનાં જ વસ્ત્રો પહેર્યા હતા.’

  ‘ ઓહ...’

  ‘ તમે પોસ્ટમોર્ટમ સેન્ટરે પહોંચો...હું ત્યાં તમારી રાહ જોઉં છું...’

  ‘ અમે હમણાં જ આવીએ છીએ ઈન્સ્પેકટર સાહેબ!’ કહીને મહેશે રિસીવર મૂકી દીધું.

  વામનરાવનો વિચાર આવતાં જ સારિકા ભયભીત થઈ ગઈ. એના ચહેરા પર ખોફ અને દેહશતના હાવભાવ છવાઈ ગયા હતા.

  ‘ શું ઈન્સ્પેકટર વામનરાવનો ફોન હતો ?’ અમીચંદે કંપતા અવાજે પૂછ્યું.

  ‘ હા...’ મહેશ થાકેલા-ઉદાસ અવાજે બોલ્યો.

  ‘ શુ કહેતો હતો ?’

  ‘ પિતાજી...સુજાતા હવે આ દુનિયામાં નથી રહી!’

  ‘ શું...?’ અમીચંદે ચમકવાનો અભિનય કર્યો પરંતુ એના મનમાં આનંદ પ્રસરી ગયો હતો.

  રાકેશ અને સારિકા પણ મનોમન ખુશ થતાં હતા.

  ‘ હા...’ કહીને મહેશે, ફોન પર વામનરાવ સાથે થયેલી વાતચીતની વિગત તેમને જણાવી દીધી.

  ગોપાલ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

  અમીચંદ મગરના આંશુ સારીને તેને આશ્વાસન આપવા લાગ્યો.

  ‘ સારિકા...’ એણે સારિકાને ઉદ્દેશીને કહ્યું, ‘ તું ગોપાલને સંભાળ...અમે પોસ્ટમોર્ટમ સેન્ટરે જઈએ છીએ...’

  ત્યારબાદ અમીચંદ, મહેશ અને રાકેશ કારમાં બેસીને પોસ્ટમોર્ટમ સેન્ટરે પહોંચ્યા.

  વામનરાવ તેમને માર્ગમાં લઈ ગયો.

  ત્યાં સ્ટ્રેચર પર સફેદ ચાદર ઢાંકેલા ત્રણ મૃતદેહો પડ્યા હતા.

  વામનરાવે એક મૃતદેહ પરથી ચાદર ખસેડી તો ત્રણેયના મોંમાંથી ચીસ સરી પડી. એ મૃતદેહ એકદમ કોહવાઈ ગયો હતો. ચહેરો જળચરોએ કોતરી ખાધો હોવાને કારણે એકદમ વિકૃત બની ગયો હતો. મૃતદેહના શરીર પર વિલાસરાય હોસ્પિટલમાં વસ્ત્રો હતા.

  વળતી જ પળે અમીચંદે રડવાનું નાટક શરૂ કરી દીધું.

  ‘પ્લીઝ, પિતાજી..શાંત થાઓ...’ મહેશની આંખોમાં પણ મગરનાં આંસુ ચમકી ઊઠ્યા. જ્યારે રાકેશની આંખોમાં આંસુ નહોતાં તો પણ એ બીજી તરફ મોં ફેરવીને આંખો લૂંછવાનું નાટક કરવા લાગ્યો.

  ‘ શું આ મૃતદેહ સુજાતાનો જ છે ?’ વામનરાવે એક એક શબ્દો પર ભાર મૂકતાં પૂછ્યું. ત્રણેય નાટક કરે છે, એ વાત તરત જ તે સમજી ગયો હતો.

  ‘ હોસ્પિટલનાં વસ્ત્રો પરથી તો આ મૃતદેહ સુજાતાનો જ હોય એવું અમને લાગે છે.’ રાકેશ રૂંધવાતા અવાજે બોલ્યો.

  ‘ ઈન્સ્પેકટર સાહેબ...!’ સહસા કંઈક યાદ આવ્યું હોય એમ અમીચંદે પૂછ્યું, ‘ મૃતદેહના શરીર પરથી કોઈ આભુષણ મળ્યું છે ?’

  ‘ હા...મંગળસૂત્ર અને એક પગનું ઝાંઝર મળ્યું છે!’

  ‘ ક્યાં છે એ બંને વસ્તુઓ...’

  વામનરાવે પોતાના ગજવામાંથી સોનાનું મંગળસૂત્ર અને ચાંદીનું એક ઝાંઝર કાઢીને તેમને બતાવ્યું.

  ‘ આ..આ બંને વસ્તુઓ સુજાતાની જ છે...!’ અમીચંદ ફરીથી ધ્રુંસકા ભરવા લાગ્યો.

  વામનરાવના જડબાં એકદમ ભીંસાયા. એ ત્રણેયને હાથકડી પહેરાવી દેવાની તેને તીવ્ર ઈચ્છા થતી હતી. સુજાતાનું ખૂન કરીને તેના મૃત્યુ પર મગરના આંસુ તેઓ સારે છે એમ તેને લાગતું હતું. પરંતુ પૂરાવાના અભાવે એ તેમને કંઈ જ કરી શકે તેમ નહોતા.

  એના ચહેરા પર લાચારીના હાવભાવ છવાઈ ગયા.

  ત્યારબાદ એ ત્રણેય ઉદાસ ચહેરે, પરંતુ મનમાં આનંદ છૂપાવીને વિદાય થઈ ગયા.

 • ***
 • અમીચંદ ચિંતાતુર હાલતમાં બેઠો હતો.

  ટેલિફોનની ઘંટડી વાગતાં જ એણે રિસીવર ઊંચક્યું.

  ‘ કેમ, અમીચંદ...! તારા દસેય આંગળા ધીમાં છે ને...?’

  ‘ એટલે...?’

  ‘ દસેય આંગળા ધીમાં હોવાનો અર્થ પણ તું નથી સમજતો ? સુજાતાં ઈશ્વરના દરબારમાં પહોંચી ગઈ છે. હવે તું ગોપાલના લગ્ન વંદના સાથે કરીને કરોડપતિ બની જઈશ...!’

  ‘ બ્લેક ટાઈગર...!’ અમીચંદનુ દિમાગ ચકરાવે ચડી ગયું. બ્લેક ટાઈગરને આ બધી વાતોની ખબર કેવી રીતે પડે છે, એ તેને નહોતુ સમજાતું.

  ‘ હા...શું મારી વાત ખોટી છે...?’

  ‘ ના...સાચી છે...!’

  ‘ અમીચંદ...! હું ધારું તો આંખના પલકારમાં જ વંદના સાથે ગોપાલનાં લગ્ન કરવાનું તારું સપનું તોડી શકું તેમ છું.

  ‘ ના...ના...’ અમીચંદ ભયભીત અવાજે બોલ્યો, ‘ પ્લીઝ... એવું કરીશ નહીં...નહીં તો હું ભિખારી બની જઈશ...’

  ‘ તારી હાલત તો ભિખારીથી પણ બદતર થવી જોઈએ કમજાત...!’

  ‘ મને બરબાદ કરવાથી તને શું લાભ થવાનો છે બ્લેક ટાઈગર...?’

  ‘ મને...? મને આત્મિક સતોષ મળશે...! મારા સળગતા હૃદયને ઠંડક પહોંચશે...! પરંતુ અત્યારે હું તને બરબાદ કરવા નથી માંગતો.’

  ‘ તું અત્યારે મારી પાસેથી શું ઈચ્છે છે ?’

  ‘ માત્ર પાંચ લાખ રૂપિયા...!’

  ‘ શું...?’ અમીચંદે ચીસ જેવા અવાજે પૂછ્યું.

  ‘ તું ભવિષ્યમાં કરોડો રૂપિયાનો માલિક બનવાનો છો...શું મારા ભાગે પાંચ લાક રૂપિયા પણ નહીં આવે ?’

  ‘ બ્લેક ટાઈગર, અત્યારે મારી હાલત ખૂબ જ ખરાબ છે...! હજુ ત્રણ દિવસ પહેલાં જ તને દસ લાખ રૂપિયા આપી ચૂક્યો છું.અત્યારે હુ તને પાંચ હજાર પણ આપી શકું તેમ નથી.’

  ‘ કંઈ વાંધો નહીં...તો પછી હું તારું સપનું તોડી નાખું છું...હું ગોપાલને સાચી હકીકત જણાવી દઉં છું. આ સંજોગોમાં તે વંદના સાથે લગ્ન નહીં કરે પણ નફરતથી તારા ચહેરા પર થૂંકશે!

  ‘ ના, બ્લેક ટાઈગર...!’ અમીચંદ કરગરતા અવાજે બોલ્યો, ભગવાનને ખાતર એવું કરીશ નહી...!’

  ‘ તો પાંચ લાખ ક્યારે આપે છે ?’

  ‘ મને થોડી મુદત આપ..!’

  ‘ હું તને માત્ર મોત આપી શકું છું., મુદ્દત નહી...! કાલે ગમે તેમ કરીને મને પાંચ લાખ રૂપિયા મળી જવા જોઈએ. આ રકમ તારે અંગ્રેજ કબ્રસ્તાનમાં જ પહોંચાડવાની છે...!’ કહીને સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.

  અમીચંદના હાથમાંથી રિસીવર છટકી ગયું.

 • ***
 • વામનરાવ પોતાની ઓફિસમાં બેસીને કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો હતો.

  એના હાથમાં સિગારેટ સળગતી હતી. જેમાંથી તે રહી રહીને કસ ખેંચતો હતો.

  ‘ શું વિચારમાં ડૂબી ગયો છો વામનરાવ...?’

  એક પરિચિત સ્વર સાંભળીને એણે માથું ઊંચું કરીને જોયું.

  તેની સામે નાગપાલ ઊભો હતો.

  નાગપાલને જોતાં જ એના ચહેરા પર પ્રસન્નતાના હાવભાવ છવાઈ ગયા.

  ‘ આવો નાગપાલ સાહેબ...!’

  ‘ કેમ છે વામનરાવ...?’ નાગપાલ એની સામે ખુરશી પર બેસીને સ્મિત ફરકાવતાં બોલ્યો.

  ‘ આપની કૃપાથી મજામાં છું...! નાગરાજનો કેસ પૂરો કર્યો પછી આપનાં દર્શન દુર્લભ થઈ ગયાં છે. બોલો, શું પીશો ?’

  ‘ કોફી મંગાવ...’

  ‘ વામનરાવે એક સિપાહીને બે કપ કોફી લાવવાનો આદેશ આપ્યો.

  ‘ ફરમાવો નાગપાલ સાહેબ...! અલબત્ત, આપ માત્ર મને મળવા માટે જ નહીં પણ કોઈક ખાસ કામસર આવ્યા છો એવું લાગે છે.

  ‘ તારું અનુમાન સાચું છે વામનરાવ...! હું અમીચંદના કુટુંબ વિશે થોડી માહિતી મેળવવા માટે આવ્યો છું.’

  ‘ મારી પાસેથી...?’

  ‘ કેમ...? તું હાથ ધોઈને અમીચંદના કુટુંબ પાછળ નથી નથી પડી ગયો ?’

  ‘ ઓહ...તો આપને પણ એ કેસમાં રસ છે એમ ને ?’

  ‘ ખેર, સુજાતા મૃત્યુ પામી છે, એ તો આપ જાણતા જ હશો ? એણે આપઘાત કરી લીધો છે.’

  ‘ જાણું છું...પણ એ મામલામાં મને રસ નથી.’

  ‘ નાગપાલ સાહેબ, સુજાતાએ આપઘાત નથી કર્યો, પણ તેનું ખૂન થયું છે.’

  ‘ વામનરાવ, એ લોકોએ સુજાતાને ગરોળીનું ઝેર આપીને મારવાનો પ્રયાસ કર્યો હતો, એના પરથી તું આવું માને છે ?’

  ‘ આ વાત પણ આપ જાણો છો ?’ વામનરાવે ચમકીને પૂછ્યું.

  ‘ હા...’

  ‘ નાગપાલ સાહેબ, ગાયત્રીદેવી, સરોજ અને ગુડ્ડીના ગુમ થવાની વાત આપને વિચિત્ર અને અટપટી નથી લાગતી ?’ વામનરાવે પૂછ્યું.

  ‘ જરૂર લાગે છે...પણ તું શું કહેવા માગે છે ?’

  ‘ નાગપાલ સાહેબ, સરોજ અને ગુડ્ડીનાં ખૂનો નથી થયાં એમ આપ માનો છો ને ?’

  ‘ હા...’

  ‘ વારૂ, ગાયત્રીદેવી વિશે આપની શી માન્યતા છે ?’

  ‘ મારી વાત જવા દે...તું તારી વાત કર...!’

  ‘ ગાયત્રીદેવીનું ખૂન થઈ ગયું હોય એવું મને લાગે છે...!’

  ‘ આવું તું ક્યા આધારે માને છે ? નાગપાલે ઉત્સુક અવાજે પૂછ્યું.

  ‘ જે રાત્રે મહેશ અને રાકેશ ગાયત્રીદેવીના ગુમ થયાની ફરિયાદ નોંધાવવા માટે પોલીસ હેટક્વાર્ટરે આવ્યા હતા. એ દિવસે સવારે હું સુજાતાના હોસ્પિટલમાંથી નાસૂ છૂટવાની ચર્ચા કરવા માટે અમીચંદના બંગલે ગયો હતો. એ વખતે ત્યાં મહેશ અને રાકેશ હાજર નહોતા. અમીચંદ અને મહેશની પત્નિ સારિકા મોજુદ હતા. બંને એકદમ ગભરાયેલા હતા. એ વખતે તેમના ગભરાટનો મેં જુદો અર્થ તારવ્યો હતો. પરંતુ હવે મને એવું લાગે છે કે એ વખતે ગાયત્રીદેવીનું ખૂન થઈ ગયું છે, એટલું જ નહીં એનો મૃતદેહ બંગલામાં જ મોઝુદ હતો. લગભગ દોઢ દિવસ સુધી ગાયત્રીદેવીનો મૃતદેહ ત્યાં પડ્યો રહ્યો હતો. મેં સરોજ અને ગુડ્ડીના ખૂનની શંકા પરથી અમીચંદના બંગલાની તલાશી પણ લીધી હતી પરંતુ એ વખતે એ બંનેના નહીં પણ ગાયત્રીદેવીનો જ મૃતદેહ બંગલામાં ક્યાંક હતો.’

  ‘ ગાયત્રીદેવીનો મૃતદેહ રાખવા માટે તેમણે ફ્રીઝનો પણ ઉપયોગ કર્યો હતો.

  ‘ આવું તું ક્યા આધારે કહે છે ?’

  ‘ મારી વાતનો સૌથી મોટો પૂરાવો ગાયત્રીદેવીનો મૃતદેહ નથી મળ્યો એ જ છે!’

  ‘ કેવી રીતે...?’

  ‘ મોતીલાલે ધમકી આપ્યા પછી પોલીસ ગમે ત્યારે તલાશી લેવા માટે આવે તેમ છે. એવી શંકા તેમને આવી ગઈ હતી, પરિણામે તેમણે મૃતદેહને ફ્રીઝમાંથી કાઢી લીધો.’

  ‘ એ જ તો મને નથી સમજાતુ.’

  ‘ વારૂં, તે બંગલાના ખૂણેખૂણાની તલાસી લીધી હતી ?’

  ‘ હા...મેં ગેરેજ અને નોકરાનો કવાર્ટરો પણ બાકી નહોતાં રાખ્યાં. હું તલાસી લેવા માટે બંગલાના એક એક ભાગમાં ફરી વળ્યો છુ.’

  ‘ એક વસ્તુની તપાસ તે નહીં કરી હોય!’

  ‘ કઈ વસ્તુની...?’

  ‘ કારની...? તેં કારની તલાશી લીધી હતી ?’

  ‘ ના...કારની તલાસી લેવાનું તો મને સૂઝ્યું જ નહોતું વામનરાવનું દિમાગ ચકરાવે ચડી ગયું.

  બંગલાના કંપાઉન્ડમાં ઊભેલી કાર પર ધ્યાન ન પડવા બદલ એ મનોમન પોતાની જાત પર ધુંધવાયો.

  એ ભોંઠપ અનુભવતો નીચું જોઈ ગયો.

  ‘ વામનરાવ...તારે નિરાશ થવાની જરૂર નથી. ફરજ દરમિયાન આવું તો બનતું જ રેહ છે. તેં કંઈ જાણીજોઈને ભૂલ નથી કરી! ખેર, ગાયત્રીદેવલીનો મૃતદેહ જરૂર એ વખતે કારની ડીકીમાં જ હતો. પરંતુ બાજી હવે આપણા હાથમાંથી સરકી ગઈ છે. આપણે કંઈ કરી શકીએ તેમ નથી.’

  ‘ આપની વાત સાચી છે નાગપાલ સાહેબ! એ લોકો ખરેખર મને થાપ આપવામાં સફળ થઈ ગયા છે. કાયદો હવે તેમનું કશું જ બગાડી શકે તેમ નથી. મારી પાસે તેમની વિરુદ્ધ નાનો-સરખો પુરાવો પણ નથી મને જે તક મળી હતી, એ મારી મૂર્ખાઈને કારણે સરકી ગઈ છે...મને મળેલી તકનો હું યોગ્ય લાભ ન ઊઠાવી શક્યો!’ વામનરાવ ઉદાસ અવાજે બોલ્યો.

  ‘ તું ફિકર ન કર...ભવિષ્યમાં પણ તને આવી તક મળશે જ!’

  ‘ નાગપાલે સાહેબ, ગાયત્રીદેવી વિશે આપ શું માનો છો ?’

  ‘ એનું ખૂન થઈ ગયું હોય એવું મને તારી વાત પરથી લાગે છે. એટલું જ નહીં, એ લોકોએ અત્યાર સુધીમાં તેમના મૃતદેહને પણ ઠેકાણે પાડી દીધો હશે...’

  ‘ નાગપાલ સાહેબ...આપ પણ આ કેસની તપાસ કરો છો ને...?’

  ‘ હા...’

  ‘ શું આપને કોઈ નવી વાત જાણવા મળી છે...? એવી વાત કે જે પોલીસના ધ્યાનમાં ન આવી હોય!’ વામનરાવે કહ્યું.

  ‘ એવી તો માત્ર એક જ વાત જાણવા મળી છે.’

  ‘ કઈ વાત ?

  ‘ બ્લેક ટાઈગરનું ઉપનામ ધરાવતો કોઈક માણસ અમીચંદની પાછળ પડી ગયો છે. તે કોઈક એવો ભેદ જાણે છે કે જેના કારણે અમીચંદનું કુટુંબ ફાંસીના માંચડે પહોંચી શકે તેમ છે. બ્લેક ટાઈગર આ ભેદ છતો કરવાની ધમકી આપીને તેમને બ્લેક મેઈલ કરે છે.’

  ‘ આ બ્લેક ટાઈગર કોણ છે ?’

  ‘ એ અમીચંદનો કોઈક જૂનો દુશ્મન હોય એવું મને લાગે છે. એ ખૂબ જ ખતરનાક અને ચાલાક છે. એનું સાચું નામ તથા સાચા રૂપથી તો ખુદ અમીચંદ પણ પરિચિત નથી.

  ‘ વારૂ, આ સિવાય મારે જાણવા જેવું બીજું કંઈ...?’

  ‘ ના... એ લોકો હવે ખૂબ જ સાવચેત બની ગયા છે.’

  ‘ હા..અને આવા માણસો ખૂબ જ હોંશિયાર અને ચાલાક કહેવાનું ભૂલીશ નહીં...!’

  ‘ અરે, એ કંઈ ભૂલાય...?’

  એ જ વખતે સિપાહી કોફીના બે કપ લઈ આવ્યો.

  ‘ લો, નાગપાલ સાહેબ, કોફી પીઓ...’

  નાગપાલે એક કપ ઊંચકી લીધો.

  વામનરાવે પણ પોતાનો કપ ઉંચક્યો.

  બંને ધીમે ધીમે ઘૂંટડા ભરતાં વાતો કરવા લાગ્યા.

  અલબત્ત, આ વાતો ઔપચારિક હતી.

  કોફી પીધા પછી નાગપાલ ચાલ્યો ગયો.

  ***

  ***

  રેટ કરો અને રિવ્યુ આપો

  Gordhan Ghoniya

  Gordhan Ghoniya 3 અઠવાડિયા પહેલા

  divyesh mehta

  divyesh mehta 1 માસ પહેલા

  DEEP CHAUDHARI

  DEEP CHAUDHARI 2 માસ પહેલા

  Rajesh parikh

  Rajesh parikh 5 માસ પહેલા

  Beena Patel

  Beena Patel 5 માસ પહેલા