બાજી - 11

બાજી

કનુ ભગદેવ

11 - સારિકાનું ખૂન...!

અમીચંદ અને સારિકા વ્યાકુળ હાલતમાં પલંગ પાસે ઊબા હતા.

તેમની આંખોમાં ચિંતાના હાવભાવ છવાયેલા હતા.

પલંગ પર સૂતેલા સૂરજનું શરીર ભઠ્ઠીની જેમ તપતું હતું.

અમીચંદનો ફેમીલી ડોક્ટર દિનાનાથ તેની સારવાર કરતો હતો.

પરંતુ સૂરજની પ્રત્યેક પળે બગડતી જતી હતી.

સારિકા ધ્રુંસકા ભરવા લાગી.

‘ અરે...આ શું સારિકા...?’ અમીચંદે તેને આશ્વાસન આપતાં બોલ્યો, ‘ તું રડે છે...? તારી જાતને સંભાળ સારિકા...ભગવાન પર ભરોસો રાખ...! સૂરજની તબીયત સારી થઈ જશે...’

‘ આજે સવારથી તાવ ઘટવાને બદલે વધતો જાય છે પિતાજી...’

‘ તાવ ઊતરી જશે...તું ચિંતા ન કર...!’

‘ કંઈ સમજાતું નથી મિસ્ટર અમીચંદ!’ ર્ડોક્ટર દિનાનાથે નિરાશાભર્યા અવાજે કહ્યું.

‘ કેમ...? શું થયું. ર્ડોક્ટર સાહેબ...?’ અમીચંદે ચિંતાતુર અવાજે પૂછ્યું.

‘ તાવ મગજમાં ચડી ગયો છે.’

‘ તો પછી...?’

‘ આપ સૂરજને મારી હોસ્પિટલે લઈ આવો...’

‘ ભલે...

પરંતુ એ જ વખતે સૂરજના દેહને એક આંચકો લાગ્યો અને પછી તે સ્થિર થઈ ગયો.

દિનાનાથે ચમકીને સૂરજની નાડ તપાસી. વળતી જ પળે તે સન્નાટામાં આવી ગયો. એના ચહેરા પર અચરજમિશ્રિત અવિશ્વાસના હાવભાવ છવાઈ ગયા.

‘ સૂરજ આટલી જલ્દી મૃત્યુ પામશે એવી કલ્પના એણે નહોતી કરી.

‘ મિસ્ટર અમીચંદ...!’ એ ગંભીર અવાજે બોલ્યો, ‘ હવે સૂરજને ક્યાંય લઈ જવાની જરૂર નથી.’

‘ કેમ...?

‘ એ મૃત્યુ પામ્યો છે...!’

‘ શું...?’

‘ હા’

અમીચંદ કિંકર્તવ્ય વિમૂઢ જેવો થઈ ગયો.

સારિકા ધ્રુંસકે ધ્રુસકે રડી પડી.

અમીચંદની આંખોમા આંસુ ઘસી આવ્યા.

સૂરજ પૂરો ઉદય પામ્યા પહેલાં જ અસ્ત થઈ ગયો હતો.

મોત રૂપી ગ્રહણ તેને લાગી ગયું હતું!

રડતાં રડતાં સારિકા વિચારવા લાગી કે-એના ગુનાઓની સજા સૂરજને ભોગવવી પડી છે! જો એ અમીચંદની યોજનામાં સામેલ ન થઈને સુજાતાને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ ન કરત તો આજે ભગવાન સૂરજને તેની પાસેથી ન આંચકી લેત...! ભગવાનને ત્યાં દેહ છે. પણ અંધેર નથી. માણસને તેના ગુનાની સજા આ ધરતી પર જ મળી જાય છે.!

અને જ્યારે મહેશ તથા રાકેશને આ સમાચાર મળ્યા ત્યારે તેમનાં દુ:ખનો પાર ન રહ્યો.

 • ***
 • કોર્ટરૂમ ચિક્કાર હતો.

  પગ મૂકવાની પણ જગ્યા નહોતી.

  આજે ગાયત્રીદેવીના ખૂનકેસનો ચૂકાદો હતો.

  કોર્ટની બહાર કંપાઉન્ડમાં પણ લોકોની ભીડ એકઠી થયેલી હતી.

  સૌ કોઈ કોર્ટનો ચુકાદો સાંભળવા માટે ઉત્સુક હતા.

  ગાયત્રીદેવીના ખૂનીઓને ફાંસીથી ઓછી સજા નહીં થાય!’

  પોલીસના સિપાહીઓ ભીડને કાબૂમાં રાખતા હતા.

  ત્રણેય ગુનેગાર આરોપીના પાંજરામાં ઊભા હતા.

  કોર્ટમાં સારિકા, અમીચંદ અને બંગલાના નોકરો મોજુદ હતા.

  આગલી હરોળમાં સરોજ અને ગોપાલ પણ બેઠા હતા. એ બંને નફરતભરી નજરે મહેશ, રાકેશ અને જોરાવર સામે તાકી રહ્યા હતા.

  ન્યાયાધીશ સાહેબે આરોપીના પાંજરામાં ઊભેલા મહેશ વિગેરે સામે જોયુ. પછી કોર્ટનો નિર્ણય સંભળાવવો શરૂ કર્યો.

  ‘ તમામ સંજોગો, બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા પછી કોર્ટ એવા પરિણામ પર આવી છે કે, મરનાર ગાયત્રીદેવીનું ખૂન થયું છે. પોલીસે આ ખૂનનો આરોપ, મહેશે, રાકેશ તથા જોરાવર પર મૂક્યો છે. પરંતુ પોલીસ આ આરોપ પૂરવાર કરી શકી નથી. ખૂન આ ત્રણેયે જ કર્યું છે., એવો કોઈ પૂરાવો કે સાક્ષી રજૂ નથી કરી શક્યા. પોલીસે ચાર્જશીટમાં મહેશ, રાકેશ અને જોરાવર પર જે આરોપ મૂક્યો છે, તે ખોટો અને પાયા વગરનો છે. પોલીસે માત્ર શંકાના આધારે જ કાર્યવાહી કરી છે. પરંતુ કોર્ટ તેમને નિર્દોષ માને છે. પરિણામે તમામ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને કોર્ટ ત્રણેય આરોપીઓને નિર્દોષ ઠરાવીને છોડી મૂકે છે.’

  કોર્ટરૂમમાં ગણગણાટ વ્યાપી ગયો.

  મહેશ, રાકેશ અને જોરાવરના ચહેરા હજાર વોલ્ટની બલ્બની માફક ચમકી ઊઠ્યા.

  ઈન્સ્પેકટર વામનરાવ તેમની સામે જોઈને દાંત કચકચાવા લાગ્યો.

  ‘ જજ સાહેબ...!’ સહસા સરોજ પોતાની ખુરેશી પરથી ઊભી થઈને ચીસ જેવા અવાજે બોલી, ‘ કાયદાએ સ્વર્ગીય ગાયત્રીદેવી સાથે ન્યાય નહીં પણ અન્યાય કર્યો છે. આ શયતાનોએ જ ગાયત્રીદેવીનું ખૂન કર્યું છે. તેમને તો ફાંસીની સજા થવી જોઈએ. આપે આ નરાધમોને છોડી મૂકીને કાયદાની મજાક ઉડાવી છે...અપમાન કર્યું છે...’

  મહેશ, રાકેશ, જોરાવર, સારિકા અને અમીચંદ ક્રોધથી સળગતી નજરે સરોજ સામે તાકી રહ્યા.

  લોકોની ભીડ ઉશ્કેરાઈ ગઈ હતી.

  પોલીસે માંડ માંડ ભીડ પર કાબું મેળવ્યો.

 • ***
 • અમીચંદ, મહેશ, રાકેશ અને જોરાવરના ચહેરા પર પ્રસન્નતાના હાવભાવ છવાઈ ગયા.

  ચારેય શરાબના ઘૂંટડા ભરતાં એડવોકેટ પાવાગઢીનાં વખાણ કરતા હતા.

  સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

  અમીચંદે સોફા પરથી ઊભા થઈને રિસીવર ઊંચક્યું.

  ‘ હલ્લો અમીચંદ સ્પીકીંગ...!’

  ‘ અભિનંદન, અમીચંદ...!’ સામે છેડેથી બરફ જેવો અવાજ સાંભળીને એના હોંશ ઊડી ગયા.

  ‘ બ્લેક ટાઈગર...’ અમીચંદનો અવાજ કંપી ઊઠ્યો. ચહેરો પરસેવાથી ભીંજાઈ ગયો.

  એના મોંએથી બ્લેક ટાઈગરનું નામ સાંભળીને ત્રણેય એકદમ ચમકી ગયા.

  ‘ હા...હું બ્લેક ટાઈગર જ બોલું છું અમીચંદ...! મારા અભિનંદન તેં કબૂલ કર્યા! તારા કપૂતો કોર્ટમાંથી નિર્દોષ છૂટી ગયા છે.’

  ‘ તું કહેવા શું માંગે છે બ્લેક ટાઈગર ?’

  ‘ કાયદાએ ભલે તમને માફ કરી દીધા હોય, પરંતુ હુ તમને માફ નહીં કરું...! હું તમને સજા કરીશ...!’

  ‘ ન...ના...’

  ‘ જો તમારે મારાથી બચવું હોય તો બચી જજો...હું અગાઉથી જ તમને ચેતવણી આપી દઉં છું. પછી કહેતા નહીં કે બ્લેક ટાઈગરે પીઠ પાછળ ધા કર્યો છે...’

  સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.

  અમીચંદે ધૂંધવાઈને રિસીવર ક્રેડલ પર પડક્યું.

  ‘ બ્લેક ટાઈગર શું કહેતો હતો સાહેબ...?’ જોરાવરે પૂછ્યું.

  અમીચંદે તેને ફોન પર થયેલી વાતચીતની વિગત જણાવી દીધી.

  ‘ એ બ્લેક ટાઈગરના બચ્ચાનું મોત મારા હાથેથી જ લખાયું હોય એવું મને લાગે છે!’ કહેતાં કહેતાં જોરાવરની આંખોમાં શયતાનીયતભરી ચમક પથરાઈ ગઈ.

  સહસા ફરીથી ટેલિફોનની ઘંટડી રણકી

  ‘ હલ્લો...’ અમીચંદે રિસીવર ઊંચકીને ધૂંધવાતા અવાજે કહ્યું.

  ‘ મિસ્ટર અમીચંદ...હું કરોડીમલ બોલું છું...!’

  ‘ કરોડીમલ સાહેબ...!’ અમીચંદના ચહેરાનો રંગ ઊડી ગયો.

  ‘ મિસ્ટર અમીચંદ...તમારા બે મહિના પણ પૂરા થવા આવ્યા છે. નરોત્તમ શેઠના કહેવાથી જ મેં તમને બે મહિનાની મુદ્દત આપી હતી. બોલો...હવે શું કરવું છે...? પરમ દિવસે મુદત પૂરી થાય છે. આજથી ચોથે દિવસે વ્યાજ સહિત મને રકમ મળી જવી જોઈએ. નહીં તો ન છૂટકે મારે કાયદેસર પગલાં ભરવાં પડશે.’

  ‘ આપને કાયદેસર પગલાં ભરવાની જરૂર નહી પડે કરોડીમલ સાહેબ! મેં કંપની તથા વાડી વેચી નાખવાનો નિર્ણય કરી લીધો છે. આ બાબતમાં મારે નરોત્તમ શેઠ સાથે વાત પણ થઈ ગઈ છે.’

  ‘ એમ...?’

  ‘ હા...’

  ‘ કેટલામાં સોદો પત્યો છે. ?’

  ‘ સીત્તેર લાખમાં...!’

  ‘ ભલે...’ કહીને સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.

  અમીચંદે પણ રિસીવર મૂકી દીધું.

  અને પછી અમીચંદે નરોત્તમ ઝવેરીને કંપની તથા વાડી વેચીને કરોડીમલ તથા અન્ય પરચુરણ કરજ ચુકાવી દીધું. પરંતુ તેમ છતાંય ચમનલાલ જૈનના આઠ લાખ રૂપિયા ચુકવવાના બાકી રહી ગયા. આ રકમના બદલામાં તેમણે ચમનલાલ પાસે બંગલાની ફાઈલ ગિરો મૂકીને ત્રણ મહિનામાં ફાઈલ છોડાવી લેશે એવું વચન આપ્યું.

 • ***
 • મહેશ જ્યારે સુપ્રિમ હોટલના ત્રીજા માળ પર આઠ નંબરના રૂમમાં પહોંચ્યો ત્યારે ત્યાં અગાઉથી જ એના ત્રણ મિત્રો રાજેશ, જોસેફ અને વિલીયમ શરાબ પીતા બેઠા હતા.

  મહેશને જોઈને તેમના ચહેરા પર પ્રસન્નતાના હાવભાવ છવાઈ ગયા.

  ‘ અભિનંદન મહેશ...’ ત્રણેય એકી સાથે બોલી ઉઠ્યા.

  ‘ કેમ...? કઈ ખુશાલીમાં તમે મને અભિનંદન આપો છો ?’ મહેશે એક ખુરશી પર બેસતાં પૂછ્યું.

  ‘ તું કોર્ટમાંથી નિર્દોષ છૂટી ગયો એની ખુશાલીમાં...!’ રાજેશે જવાબ આપ્યો.

  ‘ ઓહ...કહીને મહેશ પોતાને માટે વ્હીસ્કીનો પેગ બનાવવા લાગ્યો.

  ‘ પેલાં કમજાત ઈન્સ્પેકટરે તો તને તથા તારા કુટુંબીજનોને ફસાવવામાં કોઈ કસર બાકી નહોતી રાખી.’

  ‘ એ લબાડની વાત જવા દે રાજેશ...! એનો વિચાર આવતાં જ મારું મગજ ગરમ થઈ જાય છે.’ મહેશે એક જ શ્વાસમાં પોતાનો પેગ ખાલી કરી નાખતાં કહ્યું.

  ‘ તારે અમારી યોજનામાં સામેલ થવું છે કે નહીં ?’

  ‘ પહેલાં તો તારી યોજના શું છે એ જાણવા! જો યોજના ગમશે તો હું તેમાં સામેલ થઈશ નહીં તો, નહીં...!’

  ‘ તું પાંચ લાખ રૂપિયાની વ્યવસ્થા કરી શકે તેમ છે કે નહીં ?’ વિલીયમે પૂછ્યું.

  ‘ પાંચ લાખની વ્યવસ્થા થઈ જશે. પણ એ પહેલાં હું યોજના વિશે જાણવા માગું છું.’

  ‘ તો સાંભળ...’ રાજેશ ગળું ખંખેરીને બોલ્યો, ‘ આપણે નરોત્તમ ઈન્ડસ્ટ્રીઝની ફેકટરીમાં વાત લૂંટવાની છે.’

  ‘ એટલે...?’

  ‘ નરોત્તમ ઝવેરીનું નામ તો સાંભળ્યું છે ને ?’

  ‘ હા, આગળ બોલ...’

  ‘ દર મહિનાની છેલ્લી તારીખે નરોત્તમ ઈન્ડસ્ટ્રીઝની વાન સ્ટેટ બેંક ઓફ વિશાળગઢમાંથી દોઢ કરોડ રૂપિયા લઈને કંપનીએ જાય છે.પહેલી તારીખે ઈન્ડસ્ટ્રીના કર્મચારીઓને આ રકમમાંથી પગાર ચુકવવાનો હોય છે. આપણે આ પગારની રકમ લૂંટી લેવાની છે...અર્થાત્ રસ્તામાં જ વાન લૂંટવાની છે...!’

  ‘ તારો વિચાર ઉત્તમ છે રાજેશ, પણ...’

  ‘ પણ, શું...?’

  ‘ વાનમાં આટલી જંગી રકમ લઈ જવામાં આવતી હોય, ત્યારે તેની સલામતી માટેની પણ પૂરતી વ્યવસ્થા હશે જ!’

  ‘ જરૂર...’

  ‘ એ વ્યવસ્થા વિશે મને જણાવ!’ કહીને રાજેશે એક સિગારેટ સળગાવી.

  ‘ વાનમાં એક તિજોરી ફીટ કરવામાં આવેલી છે અને એ તિજોરીમાં જ રકમ રાખવામાં આવે છે. એની ચાવી વાનમાં મોઝુદ ગાર્ડ પાસે નહીં પણ કંપનીમાં જ હોય છે.! અર્થાત્ તિજોરીનું બારણુ બંધ થતાંની સાથે જ તેમાં ઓટોમેટીક તાળું લાગી જાય છે અને પછી એ તાળું કંપનીમાં પહોંચ્યા પછી જ ઉંઘડે છે!’

  ‘ પરંતુ આને માટે તો આપણને ઘણા સમયની જરૂર પડશે.’

  ‘ હા...પહેલાં મારી વાત નિરાંતે સાંભળી લે...પછી તારે જે કંઈ કહેવું હોય તે કહેજે.’

  ‘ ભલે...બોલ...’

  ‘ આ વાન મોટે ભાગે એમ.જી.રોડ પરતી જ પસાર થઈને બેંકમાંથી કંપનીમાં પહોંચે છે. વાનના પાછળના ભાગમાં તિજોરી પાસે ચાર સશસ્ત્ર ગાર્ડ મોઝુદ હોય છે તથા એક ગાર્ડ આગળના ભાગમાં ડ્રાઈવરની કેબિનમાં તેની સાથે બેઠો હોય છે. એમ.જી.રોડના વળાંક પર લૂંટના દિવસે હું એક્સીડેન્ટનો દેખાવ ઊભો કરીને લોહીલુહાણ હાલતમાં સડક પર પડ્યો હોઈશ. એ રોડ શહેરથી દૂર હોવાને કારણે ત્યાં ટ્રાફિક નહીંવત્ જ રહેછે. ખેર, મને ઈજાગ્રસ્ત જોઈને વાનનો ડ્રાઈવર વાન જરૂર રોકશે. બસ, એ વખતે તમારું કામ શરૂ થઈ જશે. તમારે પાંચેય ગાર્ડ અને ડ્રાયવરને ઠેકાણે પાડી દેવાના છે. ત્યારબાદ આપણે વાનને જંગલમાં લઈ જઈ, ગોળીથી તિજોરીનું તાળુ તોડી, રકમ લઈને રફુચક્કર થઈ જવાનું છે.’

  ‘ તારી યોજના ઘણી શાનદાર છે...!’

  ‘ તો તું આમાં સામેલ થવા માટે તૈયાર છો ને ?’

  ‘ હા...’

  ‘ રકમની વ્યવસ્થા થઈ જશે ને ?’

  ‘ જરૂર...’ મહેશે હકારમાં માથું હલાવ્યું.

  ત્યારબાદ થોડીવાર રોકાઈને મહેશ વિદાય થઈ ગયો.

  ઘેર પહોંચીને એણે અમીચંદ તથા રાકેશને યોજના વિશે જણાવી દીધું.

  એની વાત સાંભળીને અમીચંદની આંખોમાં ચમક પથરાઈ ગઈ.

  ‘ તું સાચું કહે છે મહેશ...?’

  ‘ હા, પિતાજી...જો પાંચ લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ શકે તો આપણને લગભગ સાડત્રીસ લાખ રૂપિયા મળી શકે તેમ છે.’

  ‘ મહેશ...’ સહસા રાકેશ બોલ્યો.

  મહેશ પ્રશ્નાર્થે નજરે તેની સામે જોયું.

  ‘ તારી યોજના સફળ થશે જ એવી કોઈ ખાતરી નથી. જો સફળ નહીં થાય તો પાંચ લાખની રકમ તો ડૂબશે જ ઉપરાંત તું કાયદાની ચુંગાલમાં ફસાઈ જઈશ.’

  ‘ રાકેશ, હું તને તથા પિતાજીને અમારી યોજના વિશે જણાવી જ ચૂક્યો છું. અમારી યોજના સોએ સો ટકા સફળ થશે જ એવી આશા છે...! નિષ્ફળ થવાનો સવાલ જ ઊભો નથી થતો.’

  ‘ તમારી યોજના સફળ થશે એવું મને પણ લાગે છે. પરંતુ...’

  ‘ પરંતુ, શું પિતાજી...?’

  ‘ મુદ્દાની વાત તો હજી ત્યાં જ ઊભી છે...’

  ‘ કઈ...?’

  ‘ પાંચ લાખની...! પાંચ લાખ રૂપિયાની વ્યવસ્થા કેવી રીતે કરીશું...? આપણા સંજોગો એવા છે કે અત્યારે આપણને કોઈ પાંચ રૂપિયા પણ ઉછીના આપે તેમ નથી તો પછી પાંચ લાખની વાત જ ક્યાં કરવી...!’

  ‘ પિતાજી...’

  ‘ બોલ, રાકેશ...!’ કહીને અમીચંદે પ્રશ્નાર્થ નજરે રાકેશ સામે જોયું.

  ‘ રકમની વ્યવસ્થા હું કરી આપીશ!’ રાકેશ વિચારવશ અવાજે બોલ્યો.

  ‘ તું વ્યવસ્થા કરીશ...?’

  ‘ હા...’

  ‘ કેવી રીતે...?’

  ‘ સરોજ પાસેથી લઈ લઈશ...’

  ‘ તારું દિમાગ તો નથી ફરી ગયું ને રાકેશ...?’

  ‘ ના...’

  ‘ જરૂર ફરી જ ગયું છે...રાકેશ, સરોજ આપણને નફરત કરે છે...જો તું તેની પાસે રકમ લેવા જઈશ, તો એ પૈસાને બદલે તારા ગાલ પર બે-ચાર તમાચા ઝીંકી દેશે. એ તને એક પૈસો પણ નહીં આપે!’

  ‘ પિતાજી...સરોજ પાંચ લાખ તો શું...દસ લાખ પણ આપી દેશે...!’ રાકેશ મક્કમ અવાજે બોલ્યો.

  ‘ એ તને શા માટે પૈસા આપશે ?’

  જવાબમાં રાકેશ તેમને સરોજ પાસેથી પૈસા મેળવવાની યોજના જણાવી દીધી.

  એની યોજના સાંભળીને બંનેની આંખમાં ચમક પથરાઈ ગઈ.

  ‘ બોલો...મારી યોજના કેવી છે...?’

  ‘ અતિ ઉત્તમ...!’ કહીને અમીચંદે દીવાલ પર ઘડિયાળમાં સમય જોયો.

  રાતના દસવાગીને ઉપર પાંચ મિનિટ થઈ હતી.

  ત્યારબાદ ત્રણેય શરાબ પીવા લાગ્યા.

  સહસા શાંત વાતાવરણને કાપતી ચીરતી એક ચીસ બંગલાના એક ખૂણાથી બીજાં ખૂણામાં ફેલાઈ ગઈ.

  ત્રણેય પરસ્પર એકબીજાંની સામે જોયું.

  ‘ અરે, આ તો સારિકાની ચીસ છે...!’ મહેશ વ્યાકુળ અવાજે બોલ્યો.

  ‘ હા...’

  ત્રણેય ઝડપથી નીચે આવીને સારિકાના શયનખંડ પાસે પહોંચ્યા.

  પરંતુ ખંડમાં પ્રવેશતાં જ તેમના પગ ધરથી સાથે જડાઈ ગયા.

  તેમની આંખોમાં નર્યા-નિતર્યા ભય, અને આશ્ચર્યના મિશ્રિત હાવભાવ છવાઈ ગયા.

  મહેશના મોંમાંથી તો ચીસ નીકળી ગઈ.

  સારિકાના પેટમાં ગોળી લાગી હતી અને ત્યાંથી લોહીનો ફુવારો નીકળતો હતો.

  એ કોઈક શરાબીની માફક આમથી તેમ લથડીયાં ખાતી હતી.

  ગોળી છોડનારનો ક્યાંય પત્તો નહોતો.

  ‘ સારિકા...’ મહેશે ઝડપથી સારિકા તરફ ઘસી ગયો.

  એ જ વખતે સારિકાનો દેહ કપાયેલા વૃક્ષની જેમ જમીન પર પછડાયો.

  ‘ સારિકા...તારા પર કોણે ગોળી છોડી છે...? તારી આવી હાલત કોણ કરી છે...?’ મહેશે અને હચમચાવતાં પૂછ્યું.

  ‘ બ… બ્લે… ક… ટ… ટા… ઈ… ગ… રે...!’ સારિકાએ ત્રુટક અવાજે જવાબ આપ્યો.

  ‘ શું...?’

  ‘ બ્લેક ટાઈગર કોણ છે સારિકા...?’ અમીચંદે આગળ વધીને પૂછ્યું.

  પરંતુ સારિકા આ સવાલનો જવાબ ન આપી શકી.

  વળતી જ પળે તેની ગરદન એક તરફ નમી ગઈ એ હંમેશને માટે આ દુનિયા છોડી ગઈ હતી.

  અમીચંદ ઉદાસ, નિરાશ અને થાકેલી નજરે સારિકાના મૃતદેહ સામે તાકી રહ્યો.

  મહેશ તથા રાકેશ પણ જડવત્ ગયા હતા.

  સારિકાનું ખૂન કોણ કરી ગયું એ તેમને નહોતું સમજાતું.

  તેમની મતિ મુંઝાઈ ગઈ હતી.

  આ દરમિયાન સારિકાની ચીસ સાંભળીને બંગલાના નોકરો પણ ત્યાં એકઠા થઈ ગયા હતા.

  સૌ ભયભીત નજરે સારિકાના મૃતદેહો સામે તાકી રહ્યા હતા.

  ‘ પિતાજી...આપણે પોલીસને આ બનાવની જાણ કરવી પડશે!’ રાકેશ બોલ્યો.

  ‘ હા...તું ફોન કરી દે...!’

  રાકેશ લથડતા પગે ટેલિફોન તરફ આગળ વધી ગયો.

 • ***
 • વામનરાવ જમીને પોતાના રૂમમાં સૂવા જવાની તૈયારી કરતો હતો.

  સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

  ‘ હલ્લો...’ એણે આગળ વધીને રિસીવર ઊંચક્યું.

  ‘ સર...! હું હેટક્વાર્ટરમાંથી અમરજી બોલું છું.’

  ‘ બોલ, કોઈ ખાસ વાત છે ?’

  ‘ હા...’

  ‘ શું...?’

  ‘ સર, સારિકાનું ખૂન થઈ ગયું છે...’

  ‘ સારિકા...?’

  ‘ હા...અમીચંદના મોટા પુત્ર મહેશની પત્ની...!’

  ‘ શું...?’ વામનરાવ એકદમ ચમકી ગયો.

  ‘ હા, સર...! હમણાં મારા પર રાકેશનો ફોન આવ્યો હતો.એના કહેવા મુજબ બ્લેક ટાઈગરનું ઉપનામ ધરાવતો કોઈક માનવીએ સારિકાનું ખૂન કરી નાખ્યું છે...’

  ‘ ખૂન કેવી રીતે થયું છે ?’

  ‘ ગોળી ઝીંકીને...!’

  ‘ એણે બ્લેક ટાઈગર ખૂની હોવાનું જણાવ્યું હતું. ?’

  ‘ હા...’

  ‘ અમરજી...સારિકાનું ખૂન બ્લેક ટાઈગરે નહીં, પણ એ લોકોએ જ કર્યું હોય એવું મને લાગે છે!’

  ‘ આ બાબતમાં ખાતરીપૂર્વક કશું જ કહી શકાય તેમ નથી સર!’

  ‘ તું બે સિપાહીઓ, ફોટોગ્રાફર, ફીંગર પ્રિન્ટ એકસ્પર્ટ અને એમ્બ્યુલન્સને લઈને અમીચંદના બંગલે પહોંચી જા...હું પણ સીધો ત્યાં જ આવું છું.’

  ‘ ઓ.કે...સર...’

  વામનરાવે રિસીવર મૂકી દીધું.

  ‘ તમે ક્યાંય બહાર જાઓ છો...?’ એની પત્નીએ પૂછ્યું.

  ‘ હા...અમીચંદની પુત્રવધુનું ખૂન થઈ ગયું છે.’

  ‘ ઓહ...’

  ‘ વામનરાવ ઝડપથી વસ્ત્રો બદલવા લાગ્યો.

  બે મિનિટ પછી એનું મોટરસાયકલ પૂરપાટ વેગે અમીચંદના બંગલા તરફ દોડતું હતું.

  થોડીવારમાં જ એ ત્યાં પહોંચી ગયો હતો.

  અમરજી પણ લાવ-લશ્કર સાથે પહોંચી ગયો. હતો.

  અમીચંદ, તેને સારિકાના શયનખંડમાં લઈ ગયો.

  વામનરાવે સારિકાના મૃતદેહનું નિરીક્ષણ કર્યું.

  પછી તે બહાર નીકળી ગયો.

  ફોટોગ્રાફર વિગેરે પોતાના કામે વળગી ગયા.

  વામનરાવ ડ્રોંઈગરૂમમાં પહોંચ્યો.

  ત્યાં અમીચંદ, મહેશ તથા રાકેશ બેઠા હતા.

  વામનરાવ પણ તેમની સામે બેસી ગયો.

  ‘ તો તમે, સારિકાને પણ મારી નાખી એમ ને...?’ એણે વેધક નજરે એ ત્રણેય સામે જોતાં પૂછ્યું.

  ‘ ઈન્સ્પેકટર સાહેબ, આ તમે શું બોલો છો એનું તમને ભાન છે ?’ અમીચંદે ચીસ જેવા અવાજે કહ્યું, ‘ તમારું માથું તો, નથી ભમી ગયું ને...? અમે સારિકાનું ખૂન કરીએ ખરા ?’

  ‘ મિસ્ટર અમીચંદ, જે લોકો પોતાની માનું ખૂન કરતાં પણ ન અચકાય, શું તેઓ પોતાના કુટુંબની વહુનું ખૂન નથી કરી શકતા ?’ વામનરાવે એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો.

  ‘ તમે અમારા પર ખોટો આરોપ મૂકો છો ઈન્સ્પેકટર સાહેબ!’ મહેશે ઉત્તેજીત અવાજે કહ્યું.

  ‘ ઈન્સ્પેકટર સાહેબ, સારિકાભાભીનું ખૂન અમે કર્યું છે, એવો કોઈ પૂરાવો છે તમારી પાસે ? રાકેશે તીવ્ર અવાજે પૂછ્યું.

  ‘ તમે નથી કર્યું તો કોણે કર્યું છે ?’

  ‘ બ્લેક ટાઈગર!’

  ‘ તો સારિકાનું ખૂન બ્લેક ટાઈગર જ કર્યું છે, એનો કોઈ પૂરાવો છે તમારી પાસે ?’ વામનરાવે પૂછ્યું.

  ‘ હા...’

  ‘ શું ?’

  ‘ સારિકાએ પોતે જ અમને જણાવ્યું હતું કે એના પર બ્લેક ટાઈગરે ગોળી છોડી હતી.’

  ‘ બ્લેક ટાઈગર કોણ છે એ વાત એણે તમને નહોતી જણાવી ?’

  ‘ ના...’

  ‘ કેમ...?’

  ‘ એ જણાવે તે પહેલાં જ મૃત્યુ પામી હતી.’

  ‘ મને તમારી આ વાત પર ભરોસો નથી બેસતો.’

  ‘ આ બાબતમાં તમે અમારા નોકરોને પૂછીને ખાતરી કરી શકો છો...! સારિકાનું ખૂન થયું, ત્યારે અમે ઉપરના રૂમમાં બેસીને શરાબ પીતા હતા. સારિકાની ચીસ સાંભળીને જ અમે નીચે, તેના ખંડમાં આવ્યા હતા.’

  સહસા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

  મહેશે આગળ વધીને રિસીવર ઊંચક્યું.

  ત્યારબાદ તે થોડી પળો સુધી સામે છેડેથી કહેવાતી વાતો સાંભળતો રહ્યો.

  ‘ ઈન્સ્પેકટર સાહેબ...! એણે કહ્યું. ‘ તમારો ફેન છે...!’

  વામનરાવે આગળ વધીને એના હાથમાંથી રિસીવર લઈને કાને મૂક્યું.

  ‘ હલ્લો...ઈન્સ્પેકટર વામનરાવ સ્પીકીંગ...!’

  ‘ ઈન્સ્પેકટર સાહેબ...!’ સામે છેડેથી બરફ જેવો ઠંડો અવાજ તેના કાને અથડાયો.

  ‘ તમે કોણ બોલો છો...?’

  ‘ બ્લેક ટાઈગર...!’

  ‘ તું...?’

  ‘ હા...તમે કદાચ સારિકાના ખૂનની તપાસ કરવા માટે આવ્યા છો ખરું ને ?’

  ‘ હા...’

  ‘ સારિકાનું ખૂન અમીચંદ, મહેશ અને રાકેશે કર્યું છે, એમ તમે માનો છો બરાબર ને ?’

  ‘ હા...’

  ‘ તમારી માન્યતા ખોટી છે ઈન્સ્પેકટર સાહેબ

  ‘ એટલે...?’ વામનરાવની આંખો ઝીણી થઈ.

  ‘ એટલું ય ન સમજ્યા...?’

  ‘ ના...તું જ સમજાવી દે!’

  ‘ તો સાંભળો...સારિકાનું ન મેં ખૂન કર્યું છે...! એટલું જ નહીં...હું અમીચંદના કુટુંબમાં કોઈનેય જીવતાં નહીં રાખું...એક એક કરીને બધાને સ્વધામ પહોંચાડી દઈશ...તમે એને બચાવી શકો તેમ હો તો બચાવી લેજો. પરંતુ નહીં બચાવી શકો એની મને ખાતરી છે’

  ‘ શટ અપ...’ વામનરાવ જોરથી બરાડ્યો.

  ‘ વધારે પડતો ગુસ્સો તબીયત માટે હાનિકારક છે. ઈન્સ્પેકટર સાહેબ!’

  ‘ બ્લેક ટાઈગર...તું મારા પંજામાંથી નહીં બચી શકે...હું તને પકડીને જ જંપીશ!’

  ‘ મને પકડવાનું તમારું સપનું, સપનું જ રહી જશે ઈન્સ્પેકટર સાહેબ....! તમે ગમે તેટલા ધમપછાડા કરશો તો પણ મને નહીં પકડી શકો...! બ્લેક ટાઈગર પોતાની મરજીનો માલિક છે...એની મરજી વિરુદ્ધ કોઈજ તેને પકડી શકે તેમ નથી. સારું ત્યારે...ભવિષ્યમાં પણ આ રીતે ફોન પર આપણી મુલાકાત થતી રહેશે...!’ કહીને સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.

  વામનરાવે રિસીવર મૂકી દીધું.

  ‘ ઈન્સ્પેકટર સાહેબ, હવે તો તમને ખાતરી થઈ ગઈ ને કે સારિકાનું ખૂન અમે નથી કર્યું ? મહેશે પૂછ્યું.

  વામનરાવે કંઈ જવાબ ન આપ્યો.

  એજ વખતે અમરજીએ આવીને ફોટોગ્રાફર વિગેરેનું કામ પતી ગયાની સૂચના આપી.

  ત્યારબાદ સારિકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો.

  વામનરાવ અમીચંદ, રાકેશ તથા મહેશ પર ઊડતી નજર ફેંકીને ડ્રોંઈગરૂમમાંથી બહાર નીકળી ગયો.

  એના ચહેરા પર ક્રોધ મિશ્રિત લાચારીના હાવભાઈ છવાઈ ગયા હતા.

 • ***
 • રાકેશે વગાડેલી ડોરબેલના જવાબમાં સરોજે બારણું ઉઘાડ્યું.

  રાકેશને જોઈને સરોજના ચહેરા પર ક્રોધમિશ્રિત નફરતના હાવભાવ છવાઈ ગયા.

  એનાં જડબાં એકદમ ભીંસાયા

  ‘ તું...? એણેઁ ક્રોધથી તમતમતા અવાજે કહ્યું, ‘ તારી અહીં આવવાની હિંમત જ કેમ ચાલી...?’

  ‘ તને મારા પ્રત્યે નફરત થઈ ગઈ છે ખરું ને ?’ રાકેશે પૂછ્યું.

  ‘ હા...હું તારુ મોં પણ જોવા નથી માંગતી ‘

  ‘ ગમે તેમ તોય હું તારો પતિ છું...!’

  ‘ હા...તું મારો પતિ છે, એ વાતનો મને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અફસોસ રહેશે! કાશ...તું મારો પતિ ન હોત...મેં તારા જેવા નીચ માણસ સાથે લગ્ન કર્યા હોત તો મારી જિંદગી આ રીતે બરબાદ ન થાત!’

  ‘ મને મૂરખ બનાવવાનો પ્રયાસ ન કર...! તારા સાચા રૂપની મને ખબર છે. તે મા જીનું ખૂન કર્યું છે! તારા આ ગુના માટે ભગવાન ક્યારેય તને માફ નહી કરે રાકેશ! તારા શરીરમાં કીડા પડશે...મને કોઢ નીકળશે. તું રીબાઈ રીબાઈને કૂતરાના મોતે મરીશ!’

  ‘ બકવાસ બંધ કર તારો...!’ રાકેશ જોરથી બરાડ્યો.

  ‘ તારું ભલું ઈચ્છતો હો તો અત્યારે, આ પળે જ અહીંથી ચાલતી પકડ. નહીં તો...

  ‘ નહીં તો તું શું કરી લઈશ!’ રાકેશ વચ્ચેથી જ તેની વાતને કાપીને બોલ્યો.

  ‘ હું કંઈ નહીં કરું...જે કંઈ કરવાનું હશે, તે નોકર જ કરશે...! તેઓ ધક્કા મારીને તને બહાર કાઢી મૂકશે’

  ‘ હું અહીં કાયમને માટે રહેવા નથી આવ્યો...હું ગુડ્ડીને લેવા માટે આવ્યો છું.’

  ‘ શું...?’ સરોજનું જાણે કે કાળજુ ચીરાઈ ગયું.

  ‘ જરૂર...પરંતુ તું એનું ભવિષ્ય બનાવી શકે તેમ નથી. માટે તેને મારી પાસે જ રહેવા દે!

  ‘ એ મારા માથાનો દુ:ખાવો છે! હું ગુડ્ડીનો બાપ છું, કંઈ દુશ્મન નથી.’

  ‘ બાપ જરૂર છો...પરંતુ કસાઈ બાપ છો!’

  ‘ તું મારું અપમાન કરે છે...?’

  ‘ ના...’

  ‘ તો...?’

  ‘ જે માણસનું કોઈ સન્માન ન હોય, ઈજ્જત કે આબરૂ ન હોય, એનું કોઈ અપમાન પણ નથી હોતું!’

  ‘ શટ અપ...’ રાકેશ ચીસ જેવા અવાજે કહ્યું, ‘ તું ગુડ્ડીને મારે હવાલે કરે છે કે નહીં?’

  ‘ ના...’

  ‘ બરાબર વિચારી લે...’

  ‘ મેં બરાબર વિચારીને જ કહ્યું છે!’

  ‘ હું કોર્ટ મારફત ગુડ્ડીનો કબજો મેળવી લઈશ.!’

  ‘ ના...’ કહેતાં કહેતાં સરોજના ચહેરા પર ભય ફરી વળ્યો.

  ‘ તો તું જોઈ લેજે...હું આજે જ કોર્ટમાં અરજી કરી દઈશ.’

  ‘ રાકેશ...!’ સરોજ ધીમેથી બોલ્યો, ‘ તું કોઈ રીતે ગુડ્ડીને મારી પાસે રહેવા દઈ શકે તેમ નથી ?’

  ‘ જરૂર રહેવા દઈ શકું છું. પણ એમાં મારી એક શરત છે.’

  ‘ બોલ...તારી શરત યોગ્ય હશે તો હું જરૂર તેનો અમલ કરીશ!’

  ‘ તો તારે મને ગુડ્ડીની કિંમત ચુકવવી પડશે.’ રાકેશે ખંધુ સ્મિત ફરકાવતાં કહ્યું.

  ‘ એટલે...?’ સરોજે મુંઝવણભર્યા અવાજે પૂછ્યું.

  ‘ તારે ગુડ્ડીના બદલામાં મને દસ લાખ રૂપિયા આપવા પડશે!’

  ‘ દસ લાખ...?’

  ‘ હા...દસ લાખ જ માંગ્યા છે...દસ કરોડ નથી માંગ્યા...! સ્મિત ફરકાવતાં કહ્યું.

  ‘ રાકેશ...મારે દસ લાખ રૂપિયા આપવા પડે એમાં મને કોઈ વાંધો નથી..તેમ મને એનો કોઈ અફસોસ પણ નથી...અફસોસ તો એ વાતનો છે કે આજે બાપ ઊઠીને જ દિકરીની કિંમત માગે છે!’ સરોજ નફરતભર્યા અવાજે બોલી.

  ‘ મને પૈસાની ખૂબ જ જરૂર છે...તું આપે છે કે નહીં...? મારે માત્ર હા, અથવા ના માં જ જવાબ સાંભળવો છે!’

  ‘ હું તને દસ લાખ રૂપિયા આપીશ પણ...’

  ‘ પણ શું...?’

  ‘ તારે મને સ્ટેમ્પ પેપર પર લખી આપવું પડશે કે તું દસ લાખ રૂપિયાના બદલામાં ગુડ્ડીને મારે હવાલે કરે છે. અને ભવિષ્યમાં ક્યારેય તેને મારી પાસેથી પરત મેળવવાનો પ્રયાસ નહીં કરે! આ શરત મંજૂર હોય તો જ હું તને દસ લાખ રૂપિયા આપી શકું તેમ છું...’

  ‘ મને તારી શરત મંજૂર છે સરોજ!’

  ‘ તો પછી તું કાલે આવી જજે...હું મારા એડવોકેટ પાસે સ્ટેમ્પપેપર તૈયાર કરાવી રાખીશ!’

  ‘ ભલે...’ કહીને રાકેશ વિદાય થઈ ગયો.

  સરોજના ચહેરા પર રાહતના હાવભાવ છવાઈ ગયા.

  ***

  ***

  રેટ કરો અને રિવ્યુ આપો

  Verified icon

  shah arpan 1 અઠવાડિયા પહેલા

  Verified icon

  Vasu Patel 3 અઠવાડિયા પહેલા

  Verified icon

  Haresh Siddhapura 3 અઠવાડિયા પહેલા

  Verified icon

  Hemant Dharangu 2 માસ પહેલા

  Verified icon

  Jigar Shah 2 માસ પહેલા

  શેર કરો