શૈવલ
(God of mountains~Himalaya)
નિરાલી મનિષ પટેલ (ગાંધી)
આ કોઈ સાંભળેલી કે ઊપજાયેલી વાર્તા નથી, એક જીવની સાંભરેલી આત્મકથા છે. જેની સાથે હું નિરાલી પણ બાળપણથી ગુંથાયેલી વણાયેલી છું. થોડા અમથા શબ્દો માં તો આખી જીવન ઘટમાળ કેમ કરી સમાવું? કઈ કેટલીયે લાગણીઓ નો સમાવેશ કરું ..વ્યથા, હિમ્મત, પ્રાર્થના, આજીજી, આશા એ તો માત્ર શબ્દ છે. અનુભવાય તો મારી ખુશી સમજીશ. એ સિવાય તો ખાલી એક જ કારણ છે, લોકો ને જીવન જીવવા માટે પ્રેરણાં આપું.
સામાન્ય ઘરમાં ઘણાં વર્ષો બાદ એક દીકરી જન્મે ને આનંદ ઉલ્લાસથી ઘરનું વાતાવરણ તો બદલાય પણ દીકરો જ ઘરનો દિપક એ વલણ કેમ કરીને બદલાય. આમ તો દીકરી ને વ્હાલનો દરિયો નામ આપનાર પણ હવેના જમાનામાં મળી રહે છે. અહીં વાત જુદી જ છે. દીકરો તો જોઈએ જ એમ માની ભગવાન પાસે નસીબમાં ના હોવા છતાં માગેલું મળે તો કેવું મળે? એમ માગેલાં પ્રસાદ રૂપે થેલેસેમિયા ગ્રસ્ત બાળકનો જન્મ થયો. શરૂઆતમાં તો સામાન્ય સંતાન છે એમ માની ખુશીની લહેર ફરી વળે છે. પણ જો લોહી જ ના બને શરીર માં તો!?? બાળક રડતું રહે તો કઈ કેટલાય વિચારો, અનુભવો, ને સુઝાવો નો રેલો પગતળે આવે. સૌથી ટોચ ના ડોક્ટરો સુધી પહોંચ્યા ને ડૉક્ટરે નિદાન કર્યું, લોહી ઓછું છે. માબાપ ના પગતળે થી જમીન ખસી ગઈ. પહેલા તો એક વાર લોહી ચડાવ્યું સારું લાગ્યું. અસલ નિદાન છેક 6 મહિને થયું કે આ બાળક થેલેસેમિયા નું દર્દી છે. દર એક બે મહિને એક વાર લોહી ચડાવી જીવન કેટલું નિકળે? ફરી આંખે અંધારા આવી ગયા આ વિચાર થી. વર્ષો સુધી લોકોના લોહીના સહારે મોટો તો થયો પણ આ સામાન્ય જીવન કેવું હોય વળી!? છતાંય જ્યોતિષના કેહણ ખોટા પણ પાડતો રહ્યો. સામાન્ય જીવો હરીફો બન્યા , પણ સ્કૂલમાં હંમેશા પહેલો નંબર આવે. આવા લોકો આમેય કંઈક આગવું પરિબળ લઈને આવતા હોય છે. પણ શું કામનું જ્યાં શરીર સાથ ના આપે..
પ્રાર્થનાઓ પણ ભાગ ભજવે છે જો આશા સાથ આપે. મનમાં જીવવાની તો આશા ભરપૂર હતી જ. ને મૃત્યુની વ્યાખ્યા તો ક્યાં ખબર જ હતી! જીવ માં જીવ આવ્યો જ્યારે મુંબઈમાં લોહીમાંથી આયર્ન કાઢવાની દવાની શોધ થઇ છે ને દર્દીઓને મફત દવાના ટ્રાયલ અપાયાની જાણ થાય છે. વાહ! નસીબ પણ જ્યારે જાગે ત્યારે ગગન ની વાદળીઓનીએ સેર કરાવે છે. અને જુઓ, નંબર પણ લાગી ગયો જાણે કે સોનામહોર નો ખજાનો મળ્યો હોય. સદભાગ્યે તે દવા લેતા તેને રાહત પણ થાય છે પણ લોહીની જરૂરિયાત દિવસે દિવસે વધતી જાય છે. કારણ જીવ મોટો થાય હલનચલન વધે એમ લોહી પણ વધુ જોઈએ. મહિને એકવાર લોહી ચઢાવું પડતું હતું એ ધીમે ધીમે હવે દસ દિવસે એક વાર થયું.
દયા નામ નો શબ્દ પ્રભુની પોથીમાં પણ હોવો જોઈએ. ને જાણ થઈ કે વેલોર (મદ્રાસ પાસે) BMT ઓપરેશન થાય છે જેમાં બો્નમેરો આપવી પડે જે ચારમાંથી એક જણ સાથે મેચ થાય જે એજ કુટુંબમાંથી હોય. ને અમે તો રહ્યા બે. માત્ર ભાઈ ને બહેન. પછી શું મેં વાળી મુઠ્ઠી ને મન મક્કમ કર્યું કે મને જન્મ મળ્યો છે તો આજ કારણે. અને મને પ્રભુએ જાન બચવાની તક આપી જે મારા ભાઈની હતી તો ના તો કેમ પડાય!! રિપોર્ટ કઢાવ્યા ને બોનમેરો મેચ થઇ.. ફરી એક વાર આશાનું કિરણ ચમકતું જીવનના ઓરડામાં પ્રવેશ્યું. ત્યાં તો ખબર પડી ત્યાં ચાર મહિના રોકાવું પડે. હોસ્પિટલ માં જ , એક મહિનો તો ખાલી એક રૂમ માં એકલા દર્દી ને રહેવાનું, એ પહેલાં ની કાર્યવાહી માટે બીજો એક મહિનો રોકાણ, એ પછી ઓબ્ઝર્વેશન માટે ફરી જનરલ રૂમ માં 1 મહિનો. લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ જીવ પાછો આવશે જ એની કોઈ જ જાતની ગેરેન્ટી નહીં. ઓહ! પાછો જીવ તાળવે..
એક વાર જો મક્કમ મન કરી પગલું ભરો તો ભગવાન ને પણ સાથ આપવાનું મન થાય ખરું. એમ વિચારી ડગ પર ડગ ભરવા મથ્યા. પહેલા પૈસા નું આયોજન કર્યું ત્યાં ઘર માડી રહેવાનું પણ હતું. સહકાર આપવા સગાનીયે જરૂર પડી. સઘળું જોર એક જીવ ને બચાવાં મથી પડ્યું . ને જાણે સીડીઓ આપોઆપ દેખાવા માંડી. આશું!?? આતો મધદરિયે આવી પહોંચ્યા. હવે તો હલેસા મારે જ છૂટકો. વેલોર તો આવી ગયા. બધી પ્રક્રિયાઓ ચાલવા માડી. દિવસ ની રાત ને રાત નો દિવસ . મને પણ દાખલ કરી ને બીજે દિવસે બૉનમેરો આપવાની હતી. ભગવાન નું નામ દઈને ઑપરેશન પણ થયું. સમય નીકળતો ગયો જાણે એક ક્ષણ માં તો પેલો દિવસ આવી ગયો જ્યાં અમારે એક જીવ હૈયા થી અળગો કરી એક ઓરડામાં પુરી દેવાનો છે.
આજ છે ને કાલ નથી એવી બીક સાથે આંખમાં આંસુ આવી ગયા, એક જ રૂમમાં ડૉક્ટર અને નર્સની વચ્ચે મશીનો સાથે કલેજાનો ટુકડો કેમ રોપી દેવાય!! તોયે હૈયા પર પથ્થર મૂકી એ વ્યથાનો પણ સામનો કર્યો. એટલું સાંત્વન મળ્યું એ લોકો પાસેથી કે રોજ એક કલાક મળવા જવા દેશે માસ્ક ને ઓવર ગાઉંન પહેરીને. એનો બધો સામાન , રમકડાં, ખાવાનું બધું સ્ટેરાઇલ કરી મોકલવાનું. એક ડરામણી વાસ્તવિકતા એ છે કે ત્યાં અરીસો નથી રાખતા. કારણ ત્યાં ચામડી, વાળ બધું ખરી નવું આવે ત્યાં સુધીનો વચ્ચેનો સમય દર્દી જો પોતાનો ચહેરો જોવે તો ક્યાંક ડરી ના જાય . અને નવાઈ ની વાત તો એ છે મારો ભાઈ ત્યાં બીજા દર્દીઓ કરતા મોટો હતો. વય કુમળી હોય તો વાળો એમ વળે પણ મોટી થતા..... ? દવા નું પણ કંઈક એવું જ હોય છે. ગમે એવી સ્ટીરોઇડ્સ કેમ ના હોય ભગવાનની મરજી વગર પાંદડું ના હાલે તો આ તો જીવ છે. જીવ સાથે ચેડાં કરીએ તોય કેટલા? એક દિવસ સવારે જાણવા મળ્યું કે બોનમેરોએ કામ અટકાવી દીધું. એક શરીરમાં કોઈ બીજાની મજ્જાની મજાલ છે કે ફાવે એમ વર્તે. એક વાર તો થયું કે દીવો પ્રગટાવેલ બુઝાવી દઉં આ વળી શુ ભગવાન ભગવાન. ભગવાનને પણ દિલ હોય છે પીગળવા માટે એ દિવસે મેં જાણ્યું. ચમત્કાર થયો, લોહી બનવા માંડ્યું. માથાની લકીરો અદ્રશ્ય થઈ ને ફરી મો પર લાલી આવી.
હું વેલ્લોરથી પાછી આવી. મારા અભ્યાસ પર માંડ ધ્યાન આપ્યું પણ જીવ તો ભાઈમાં હતો. રક્ષાબંધન નજીક માં હતી. જીવ કચવાયેલ રહેતો હતો. પાછા સમાચાર આવ્યા તાબડતોબ આવે તો સારું. ડૉક્ટર બોલાવે છે પાછી અહીં . એ શબ્દો તો હજુય ઉડે સંભળાયે રાખે છે. જીવ ઊંચો શ્વાસ ઊંચો. . અરે વિમાન તો ક્યારેય જોયું નહોતું ને એમાં બેસવાનું આવ્યું. એટલે તો લાગ્યું ભઈબહેન બેય જોડે ઉપર પહોંચીશું. હેમખેમ હોસ્પિટલ તો પહોંચી ગયા ભઈ ને હેમખેમ જોવા ને રાખવા. ત્યાં તો ખબર પડી કે ફરી બોંનમેરો આપવી પડશે. ને ફરી એકવાર નિસાસો નાખ્યો. દર વખતે થોડા ચમત્કાર થાય...
રાખડી તો હું લઈને જ ગઈ હતી. થયું છેલ્લીવાર બાંધી દઉં કદાચ કાલે મોં જોવા ન મળે ભાઈનું તો...કંકુ તો લગાડવાની ડૉક્ટરે ના પાડી હતી. હાથ માંડ પકડ્યો ને ઝટ રાખડી બાંધી દીધી. પણ મન તો ખુશ હતું જાણે એને બધી ખબર. એને કહેવાય છઠ્ઠી ઇન્દ્રિ. અરે, સાચે ચમત્કાર થયો બીજે દિવસે જ્યારે ડોક્ટર કહેવા આવ્યા, ત્યારે મોંમા આંગળા નાખી ગયા. રિપોર્ટ નોર્મલ ક્યાંથી આવે હજુ ઓપરેશન તો ફરી કર્યું નથી. વાર્તા નથી કાંઈ કે કહો ત્યારે ડિરેક્ટર ચમત્કાર કરે. આતો ડૉક્ટર હતા. ને એ ભૂલી ગયા કે એમનાથી ય ઉપર કોઈ બેઠું છે જેને ખબર છે કે રાખડી ના ધાગા પર લોકોનો વિશ્વાસ બનાવી રાખવો પડશે. રાખડી સાથેનું એ કાર્ડ પણ મેં હજુય સાચવી રાખ્યું છે. એ ભગવાન ને યાદ કરવા જેણે મારો હક્ક છીનવ્યો નથી.
ગુણગાન તો આપણે એના જ ગાઈએ જે આપણું કામ પાર પાડે. બાકી તો બધાને ગાળો જ આપીએ. અરે ! માનવસહજ પ્રકૃતી છે ભાઈ. શુ કરીએ? અંતે હિમ્મત અને આશાની જીત થઈ. ડોક્ટરે બીજા 6 મહિના સાચવવાનું કીધું . અમે એવા પણ કિસ્સાં જોયા છે જેને ઓપરેશન કરાવ્યા પછી સાચવ્યું ના હોય ને રોગ પેસતા મોત ને ભેટયા હોય. ખરી પરીક્ષા તો હવે હતી... વિના હોસ્પિટલ, વિના કોઈ ડોકટર, વિના કોઈ નર્સ. જે હતી એ માં જ હતી. પાછા આવીને પણ આઇસોલેશન માં રહેવું ને રાખવો બેય એટલા જ કઠિન હતા જેટલું સમાજ માં રહીને પણ પર રહેવું. પણ હિમ્મતે મર્દા તો મદદે ખુદા. અક્ષરોસહ સાચું ઠર્યું. અને એ નિરોગી બન્યો એ પણ એવો કે મારા કરતાંય વધારે લોહી મારી જ બોનમેરો એના શરીર માં બનાવે છે. અંતે સૌ સગાને મીઠાઈ, એને લોહી આપનારાં દેવો સમાં માનવો અને ડોક્ટરો જેમણે આગવી ભૂમિકા ભજવી હતી અહીં સુધીનું જીવન સરળ બનાવવા એમને ભગવાનની છબીનું અર્પણ કર્યું. એ સૌએ પોતાની ફરજ છે એમ સમજાવ્યું પણ ફૂલ નહીતો ફૂલની પાંખડી કહીને યાદગીરી માટે સ્વીકાર કરાવ્યો.
અહીંથી વાર્તા થોડી અટકે? શ્વાસ ચાલે ત્યાં સુધી કંઈક તો લખાયેલું હોય છે જ. અભ્યાસ જ્યાંથી અટક્યો હતો ત્યાંથી જ તો હાથમાં લેવાનો હતો. ફરી એકવાર હલેસુ માર્યું ને એવું માર્યું કે MBA થઈને જ બહાર આવ્યો. હવે તો વરસાગત જે પુલી બનાવાનું કારખાનું હતું એ સંભાળવાનું હતું. પણ એકવાર બહાર પણ જોવું જોઈએને માર્કેટમાં પોતાની વેલ્યુ શું છે. લાગ્યો નોકરીએ. ખાવાનું બનાવવાનો ય શોખ ખરો પછી આવ્યું 3 idiots મૂવી. ને લાગ્યું કે હોટલ મૅનેજમેન્ટ એના માટે જ હતું પણ સમય તો ગયો. ફરી આવ્યો કારખાનામાં.
ત્યાં તો વિધાતાએ લેખ લખ્યા કે સમાજમાં રહેતા જવાનીમાં પ્રવેશેલા લોકો પરણે પણ ખરા. પણ ભૂતકાળમાં દર્દી હોય એને કોણ પોતાનું કુમળું નિરોગી ફૂલ આપે? એમ વિચારી ખોડવાળી વ્યક્તિઓ ના જન્માક્ષર જોવા માંડ્યા. ત્યાંતો નસીબ આકર્ષાય એમ બન્યું. એક કિડની ટ્રાસપ્લાન્ટ થયેલની કુંડળી મળી. જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ ચુકેલો જીવ હોવા છતાં વિધાતા એ જીવ ની પરણવાની વિધિયે લખી જ દીધી. મનમેળ સાથે દવાનોય મેળ ખાતી જોડી તો કદાચ આ એક જ હશે. મેઘના નામની છોકરી કિડનીની દર્દી હોવા છતાંય એને જ જીવનસાથી બનાવવાનું અઘરું પગથિયું એ ચડી ગયો.
જીવન ને નવી દિશા અને ગતિ મળી, બેઉ એકમેકમાં ખોવાયેલ રહેતા. મેઘના ને એનું C.A. પૂરું કરવું હતું એણે ભણવાનું ચાલુ કર્યું. એની જીદગીમાંયે ચમત્કાર ઓછા નહોતા થયા. એ પણ પડતા આખડતાં જ અહીં સુધી પહોંચી હતી. બંનેને એકબીજાનો ભૂતકાળ ખબર હતી એટલે બંને વર્તમાનમાં જ જીવતા. એક એક પળ જાય લાખની એમ માનીને મનભરી જીવતા. લોકો ને પણ ઈર્ષ્યા આવે એવું મહાલતા. જાણે કે ખૂટતી કડી મળી ને રમત પુરી કરી જીત મેળવી હોય. એક બાજુ જોબ ચાલુ કરી અને ઘરે જ ભણાવા માટે ટ્યૂશન ચાલુ કર્યા . ને પોતાનું અધૂરું ભણતર પૂરું કરવા મથી. આ બાજુ ભાઈએ પણ પોતાનું અધૂરું સપનું પૂરું કરવા અમુલ નું પાર્લર ખોલ્યું. બેય એકબીજા ને મદદ પણ કરતા. હવે તો વાર્તા પુરી કરવી જોઈએ . ખાધું પીધું ને મઝા. પણ લો ..એમ તો ભગવાન માને!??
નજર જેવું કંઈક કામ તો કરતુંજ હશે. ફરી એકવાર તોફાન આવ્યું. મેઘનાને એક પછી એક તકલીફો પડવા માંડી. વંશવેલો? એ તો વળી વિચારવાનુજ શુ? ફરી પાછા ડોક્ટરો જિંદગીમાં આવી ચડ્યા. લીવર સાચવીએ કે કિડની એવો પ્રશ્ન કદી કોઈએ પૂછ્યો છે? અરે, શરીર ના અવયવો છે બંને જોઈએ જ ને. પણ બેમાંથી એક જ બચાવી શકાય એવું બને તો? હવે તો આંગળી કાપોને લોહી ના નીકળે એ વાત થઈ. એક એક અવયવ બંધ પડતું જાય તો શું થાય? પહેલા ગર્ભાશય, પછી કાન , આંખો, વાળ ... બસ હવે આગળ લખાશે પણ નહીં ને વંચાશે પણ નહીં. આ બધું જાણવા છતાં પણ આંખમાં એક આંસુ પણ નહીં ને મો પર સ્મિત!! ભલે એ લાલીત્યમય જાજરમાન સ્મિત ના હોય પણ એનું દર્દ તો છુપાવી દેતી હતી. બાકીના અડધા અંગનેય ખબર સુદ્ધાં નથી પાડવા દીધી કે શું અનુભવાય છે. ભલે ને બધા અંદરથી જાણતાં હોય.
એકબાજુ ડાયાલિસિસ ચાલતું ને બીજી બાજુ શ્રીમદ ભાગવત. પૈસા કમાવા કરતા વ્યક્તિ મહત્વનું લાગ્યું એટલે ખાણીપીણીનું પાર્લર બંધ કર્યું. જ્યારે કોઈ મૃત્યુશૈયા પર હોય તો મહામૃત્યુંજય જાપ કરતા જોયા છે પણ ભાગવત? પૂછતાં જાણવા મળ્યું કે જ્યારે આત્મા પીડાતો હોય ને મોક્ષ ના મળતો હોય તો શ્રીમદ ભાગવત વંચાય. ઓહ! ભગવાન! હાય રામ, આ હું શું સાંભળું છું. . હું તાડુકી ઉઠી.. એટલે શું તું મોક્ષ અપાવવાની વાત કરે છે એના છતે શ્વાસે! દ્રડ મક્કમથી હું એક વાર તો ભાભીને યમરાજ થી છીનવી લાવી . પણ નક્કી કરેલી ઘડી? ભલે થોડો સમય યમરાજ પણ થંભી ગયા અમારા પ્રેમને જોઈને. પણ શરીર સાથ ના આપે તો ઝૂકે જ છૂટકો. અને અંતે એક રાતે એમ્બ્યુલન્સ બોલાવી એટલે મારો ફોન પણ રણક્યો ને ત્યાં પહોચતાંવેંત હોસ્પિટલવાળાએ કહી દીધું. Sorry, She is no more. એક પળમાં એ ખુશીના પાંચ વર્ષની શોર્ટ ફિલ્મ બતાવી અદ્રશ્ય થઈ ગઈ. ઘણી વાર આત્મા ડંખે છે બોનમેરોની જેમ કિડની આપી હોત તો કદાચ જીવી ગઈ હોત. પણ નિસાસો નાખી બોલાઈ જાય છે હવે શું!
આખી જિંદગીના એ ખુશીની ટોચના પાંચ વર્ષ વીત્યા પછીયે પ્રભુને આંખમાં એ ટોચ ખૂંચી, પાસું ફેરવી જીવનસાથીના શ્વાસ ધીરે ધીરે કરી છીનવી લીધા તેમ છતાંય હજુ જોર રાખ્યું છે એની બાજુઓમાં..
ફરી એકાકી જીવન જીવતો માબાપના અને દીદીના પ્રેમને સહારે ઉભો થયો. પ્રભુની લાખ અવગણના છતાંયે શ્રીમદ ભાગવતને ભગવાન ગણી 'સેવા' એ એમનો જ અંશ છે એમ માની, થેલેસેમિયાથી પીડિત અસહાય દર્દીઓનો સહારો બની ગયો. હાલમાં CIMS હોસ્પિટલના BMT સેન્ટરમાં (સૂચિત) એ 'પ્રોજેક્ટ કોઓર્ડીનેટર' તરીકે ફરજ બજાવે છે. જે બૅંગ્લોરની સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન સાથે ટાઇ-અપ થયેલ છે. આ એ જ જીવ, જે જીવન માં મેરુ પર્વત ની જેમ અડગ રહેલો છે. નામ છે શૈવલ કમલભાઈ ગાંધી.
***