કૃત્ય / કર્મ
નિરાલી મનિષ પટેલ
આમ જોવાં જઈએ તો કંઈ નવું નથી હજુંય આવા પ્રકરણ અહીં નહીં તો તહીં જોવા મળે છે અને આંખ આડા કાન પણ થાય છે. લોકો ને જાણે ખોટું થતું જોવા-સહેવાનું કોઠે પડી ગયું.
એક મોટા વકીલના સુકુમારની આ કહાની છે. શહેરથી 7 km દૂરની એન્જીનીયરીંગ કોલેજમાં ભણતો જોવામાં હીરો લાગતાં પહેલીજ નજરે મનમાં જેની તસ્વીર છપાઈ જાય એવો. કદ 6 ફૂટ, બોડી તો માનો હૃતિક રોશન, વાળની રંગેલી પાંચ છો લટ,સાઈડમાંથી આછા કરેલા વાળ, કાનમાં એક નંગ વાળી બુટ્ટી, સિગરેટની લતને લીધે થયેલા શ્યામ હોઠ, ગળે ચિતરેલ મોટું વીંછીનું ટેટુ, સ્લીવલેસ ટી-શર્ટ, ચુડીદાર પેન્ટ,આંખે રાતાપિળા ગોગલ્સ, હાથમાં સોનાની વીંટી અને રત્ન જડિત બ્રેસલેટ. ચાલ તો મનો અજય દેવગણ જેવી જ. શું પર્સનાલિટી છે બોસ! કાંઈ કેટલાય ઉદગાર અને હાર્ટવાળા સ્માઇલી ઉડાવતી નાજુક કન્યાઓની એના પર જ નજર. એક નજર માટે તરસતી મેનકાઓ જાણે એનું તપ તોડવા હોડમાં ઉતરે. એના એક સ્મિત માટે શરતો લગાવતી એ છોકરીયું. એ જ્યારે હસે તો ગાલમાં ખનજન પડે. નજર પણ ચપળ કોણ ક્યાં શુ કરે છે બધી એને ખબર. અત્યારની જનરેશનને બીજું શું જોઈએ. દેખીતો પ્રેમ અને પૈસો બસ બહુ થઈ ગયો. બાપનો પૈસો આપણો માનનાર અનિરુધ્ધ કંઈ કેટલાંય પૈસા ઉડાવે અને ના કરવાનાં ખોટાં કામ પણ કરે. બાપ વકીલ છે તો કોના માટે એમ માનનાર માં વિહોણાં પુત્રને એકલે હાથે જુવાન કરનાર અને પોતાનાં જમણા હાથ સમા કાળજાનાં ટુકડાં ને પિતા શું બોલે?
એકવાર એની વેલસેટ દાઢીની જેમ અનિરુધ્ધ જાણે સેટ થયેલો એક ખૂણામાં બાહોમાં બાહો નાખીને બેઠો. લવારી ઓછી અને કામ ઝાઝું એનો મૂળ મતલબ. આવી તો કંઈ કેટલીય આવી ને ગઈ. એ એની બેસ્ટ ફ્રેન્ડને ખબર જાણે કે શાહરુખ અને કાજોલ. અનિરુધ્ધ તો માત્ર એને એની સેવિકા ગણતો. કંઈ બાજી બગડે કે કામકાજ પડે તો જ યાદ કરતો. જોકે દેખાવે તો એ પણ અલ્લડ. છોકરાં એનાથી ડરે એવી એનીય પર્સનાલિટી. બસ રાની ને આવવાની જ વાર હતી. લો! નામ દીધું ને હાજર. 'અલા. . પેલા ને ઉભો કર!! આવી ગયા ભાભી. '
એ. . ક્યાં છે? અહા! શું સ્વર છે નમીતાનો. કોયલ જેવી બોલી અને રૂપ અપ્સરાનું. માનો સાક્ષાત્ જમીન પર ઊતરી આવી. શ્વેત કોલ્ડ શોલ્ડર ટોપ અને ફિટ જીન્સમાં આવી ઉભી એ નાજુક નાર. હાથમાં અનિરુધ્ધની જ ગિફ્ટ માં આપેલ મોબાઈલ અને કાનમાં એજ નવરાત્રિવાળા એના ફેવરિટ ઝૂમખાં. એ અનિરુધ્ધનાં અસલી ચેહરાથી અજાણ દેખીતા પ્રેમમાં ફસાઈ . જાણે મોંમાં જીભ ના હોય એમ એના બધા દોસ્તારો એકબીજાની સામે જોવા માંડયા. ત્યાંતો નબીરો આવી પહોંચ્યો. હેય !! માય સ્વીટ હાર્ટ! આઇ એમ હિયર બેબે! લેટ્સ ગો ફોર રાઈડ. . બાઈક સ્ટાર્ટ થયું ને પહોંચ્યા પીવીઆર થિયેટર. આતો રોજીંદો કાર્યક્રમ એમનો. અને એમની પાછળ આપડી કાજોલ ઉર્ફ સુહરિતા. એના ઊરમાં ઈર્ષ્યાની આગ કોઈને દેખાઇ નહોતી. પ્રેમવશ એ એમનો કાયમ પીછો કરતી. ક્યારેક અનિરુધ્ધની ખુલ્લી કારની ઝડપ સાથે વાતો કરતી તો ક્યારેક એના બાઈકની રેખાઓને શોધતી એમની જોડે જઈ ચઢતી.
એક વાર આખો દિવસ જોડે ફરતા ફરતાં રોજિંદી ઘટમાળ પછી તે ત્રણેય પહોંચ્યા એજ થિયેટર . પણ હા,આગળ પાછળ. પણ નમીતાને એની ખબર આજેય નહોતી. કોર્નર સીટ પર નમીતા અને અનિરુધ્ધ બેઠા. એમની પાછળનીજ સીટ પર સુહરિતા. ઈન્ટરવલમાં જ્યારે નમીતા ફ્રેશ થવા ગઈ તો સુહરિતા પણ પાછળ ગઈ અને થમ્સઅપનું ટીન લેતી આવી. પડીકી નાખીને નમીતાની સીટ પાસે મૂક્યું. મુવી પતતામાં તો એને લાગતા સાચા પ્રેમીના આગ્રહથી પીણું પીને બેભાન થયેલ નમીતા સામે રાતે દોઢ વાગે કોઈનું ધ્યાન પણ ના ગયું. ભીડ ગઈ ને પેલા બે ઉભા થયા. નમીતાને ઠીક નથી એમ લોકોને મનાવીને ઉચકી ને કારની પાછલી સીટ પર સુવાડી. સુહરિતાના રોમ રોમ ખડા થઈ ગયા. 'લો! પત્યું આનુય કામ! આ તો તને પોલીસ ભેગો જ કરત,આવી સીધી સાદી છોકરીઓને શું કામ ભરાવે છે,એજ પોલીસ સુધી પહોંચે. કોઈ આઈટમ ના મળી તને! હવે ભોગવ! આગળ શું કરવું છે એ વિચાર હવે. કાલે કોલેજ જવાનું છે? અરે કોઈ તો જવાબ આપ અનિરુધ્ધ'. બે મિનિટના લાંબા મૌન પછી નીકળ્યું એનું કે 'સારું, ચાલ આગળની રેલવે ટ્રેક પર પાર પાડી દઈએ. બે જ મિનિટનો રસ્તો છે. પુલ નીચે ગાડી વાળી લેજે. હા અને તું તારા એકટીવાને ક્યાં મુકીશ?' એકી શ્વાસે બોલી ગયો એ. એમનું નસીબ જોર કરી ગયું ને ટ્રેન સમયસર આવી જોતજોતામાં તો બેભાન નમીતાના શ્વાસ અટકી ગયા. કામ પતાવી ઘરે પહોંચી ગયા બંને. રસ્તામાં સારું છે કોઈએ જોયા નહીં મોબાઈલમાં મેસેજ આવી ગયો. રાત વીતી ગઈ જ્યાં ત્યાં ને બીજે દિવસે સવારે કોલેજમાં દાખલ થયા.
રોજની જેમ આજેય આવીને બાંકડે બેસી ગયા. હવે કોઈની બીક રાખવી હોય તો પ્રિન્સિપાલની. એમને તો જાણ થાય જ ને બે દિવસ એ નહીં દેખાય ને એને ઘરે ફોન કરશે તો? એ વિચાર સાથે જ ઓફિસમાં ગયા ને સરસ બહાનું બનાવી બિન્દાસ નીકળી ગયા. પોલીસ સાથે પિતાના નામથી હાથ મિલાવી લીધા અને ચા-પાણી તો શું ખવાપીવાના ય પૈસા આપ્યા. રહ્યા નમીતાના માં-બાપ એમને તો ચપ્પાની ધારે મોં બંધ કરાવી દીધું ને ગામડે રવાના કર્યા. આ સાથે એલોકો થકી થયેલ એક વધુ કતલનો પડઘો ભગવાનના ચોપડે બોલ્યો. પણ એ બિન્દાસ જીવન જીવતા રહ્યાં.
કમોત પામેલ દીકરીની યાદમાં વ્યાકુળ મનની હૈયા વરાળ તો પ્રભુ સુધી પહોંચેજ. અને એ યજ્ઞમાં હોમવા કાતીલોના સુખ પણ જોઈએ. વખત જતાં દેશમાં નવા નિયમ લાગુ પડ્યાં. જેમકે નોટબંધી, દેશમાં મળતી સુવિધાઓ માટે લાગુ પડતું ફરજીયાત આધાર કાર્ડ, નવી ચલણી નોટો વગેરે નિયમ આવતાં વકીલનું કાળું નાણું ચાલ્યું ગયું. અનિરુધ્ધના ચાલચાલનને લીધે હવે કોઈ સુકન્યા સામે જોવા તૈયાર નથી. એથી એય કુંવારો વિદેશ જવાના સપના જોવે છે. અને આ બાજુ સુહરિતાના લગ્ન બાદ એના વરનું પણ કંઈ એવું જ થયું. એ દારૂ અને બીજા ગેરકાનૂની કામ ને લીધે કેટલીય વાર જેલમાં જતો એથી પૈસાના ફાંફાં પડ્યા. અનિરુધ્ધ અને સુહરિતાને કોલેજમાંથી બાતમી મળતાં નામ રદ કરેલ હોવાથી અધૂરા ભણતરે ક્યાંય નોકરી ના મળી. કોલેજમાં માત્ર કાંડ કરેલા અને પોતાના ક્ષેત્રમાં કે બીજી રીતે માહેર ના હોતાં ઘરે બેસી રહેલને હવે પોતાનાં કર્મોનો અને વહી ગયેલ સમયનો પસ્તાવો થવા લાગ્યો
દેશના નવા નિયમ અને કાયદાથી દેશ જાગ્રુત થયો છે. સ્ત્રીઓની સુરક્ષા માટે પોલીસ ની નવી હેલ્પલાઇન ચાલુ કરાઈ. મીડિયા, સોશ્યિલ મીડિયા અને મોબાઈલ સૌ એક થયાં છે. મોબાઈલ માં પણ સુરક્ષા એપ એ સારો એવો ભાગ ભજવ્યો છે. વ્યક્તિ ને ટ્રેક પણ કરી શકાય છે. અને માહિતી સેકન્ડની ઝડપે ચાલે એવામાં એ કોલેજના કિસ્સા વહેતાં વહેતાં દેશની દરેક સરહદ વટાવી ચૂક્યાં. કોઈ ફરિશ્તાએ આ તકની લાભ લેતાં કોર્ટ પાસે એ બંને કાતિલની તપાસ કરવાની અને એમના આધાર કાર્ડના બાયોમેટ્રિક સેટિંગ્સને લોક કરવાની ભલામણ કરી. જેથી એ દેશ બહાર ન જાય કે ના તો પોતાના દેશનાં હક મેળવી શકે. ને આ બાજુ અનિરુધ્ધ ના પિતા પણ હવે વકીલ નું પદ ગુમાવી ચૂક્યાં હતાં. એટલે ફાઇલ બંધ થવાનો પણ સવાલ રહ્યો ન હતો. ભગવાનને ત્યાં દેર છે અંધેર નહીં.
હે ભગવાન! કર્મ એવા ફળ એ વાત સાચી. આ જન્મ નહીં તો આવતા જન્મમાં ફળ મળે જ છે. જન્મ-મૃત્યુની ઘટમાળ તો કર્મો અને ઋણ સંબંધી જ છે એ માનવું રહ્યું.
***