વૃંદાવન - ‘National Story Competition-Jan’ Hitendrasinh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વૃંદાવન - ‘National Story Competition-Jan’

વૃંદાવન

હિતેન્દ્રસિંહ પરમાર

“ચાલ જલદી કપડાં બદલી ખાવા.... ”

મમ્મી પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલા જ ડોર બેલ વાગી. બારણું ખોલતા જ સામે સોસાયટી નો ચોકીદાર શંભુ ઊભો હતો.

“આવ શંભુ” મમ્મી એ એને આવકાર્યો.

“બસ માસી એ જ કેહવા આવ્યો છું કે રમેશ ભાઈ એ આજે રાત્રે નવ વાગે એક આકસ્મિક મીટિંગ બોલાઇ છે જેમાં દરેક ઘર માં થી એક સભ્ય એ હાજર રેહવાનુ છે.

“કેમ આમ અચાનક” મમ્મી એ સ્વભાવ ગત પ્રશ્નોત્તરી શરૂ કરી.

“એ તો ખ્યાલ નથી. મને તો બસ આટલી ખબર છે”

“સારું સારું એના પપ્પા તો ઘરે નથી,હિતુ આવી જશે”

“ભલે” કહી ને શંભુ એ લિફ્ટ તરફ પગ ઉપડ્યા

“અરે શંભુ ઉભો’રે” મમ્મી એ એને રોક્યો

“ઢોકળા બનાવ્યા છે. તારા ટેનિયા ને બઉ ભાવે ને. લેતો જા”

શંભુ ઢોકળા લઈ ને રવાના થયો

ગાંધીનગર માં વૃંદાવન નામ ની અમારી સોસાયટી. છેલ્લા ત્રણ એક વર્ષ થી અમે અહી રેહવા આવેલ. ત્રીસ ફ્લેટ ની અમારી સોસાયટી માં ચોથા માળે અમારો ફ્લેટ. હાલ તો રમેશ ભાઈ ને સર્વાનુમતે સોસાયટી ના સેક્રેટરી નિમવા માં આવેલ. આજે પપ્પા બહારગામ ગયા હોવાથી સોસાયટી ની મિટિંગ માં જવાનો ભાર મારા માથે આવેલ.

ઠીક નવ વાગે હું નીચે હૉલ માં પોહચી ગયેલ. પણ મારા સિવાય હજુ કોઈ આવેલ નહીં. નવ ને દસ થઈ હશે ત્યાં પહેલા માળે રહેતા તેજસ ભાઈ અને દાસ કાકા આવી પહોંચ્યા. સાડા નવ સુધી માં સૌએ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું.

“હા તો સીધા મુદ્દા પર આવીએ” રમેશ ભાઈ એ પોતાના થોડા ખારાશ ભર્યા શ્વરે મિટિંગ ની સરૂઆત કરી.

“ તો આ તાત્કાલિક મિટિંગ પાછળ નું કારણ ચોથા માળે રેહવા આવેલ ભાડુઆત છે. તમને ખ્યાલ હશે એમ છેલ્લા એક અઠવાડિયા થી એ લોકો આપણી સોસાયટી માં રહી રહ્યા છે. અને મારી જાણ માં આવેલ છે એ મુજબ એ ફ્લેટ માં રેહવા આવેલ છોકરો અને છોકરી લગ્ન વગર જ એક સાથે રહે છે. સોસાયટી ના નિયમ મુજબ દરેક મકાન માલિક પોતાનું મકાન આવી કોઈ વ્યક્તિ ને આપી જ ના શકે. તો મેં આપ સૌને એટલા માટે જ અહી બોલાવ્યા છે કે આપણે સૌ ભેગા થઈ ને આ પર નિર્ણય લઈએ. ”

“આમાં નિર્ણય શું લેવાનો હોય. સરાસર ખોટી વસ્તુ છે આ. કાલે જ એમનું મકાન ખાલી કરાવો” નિવૃત દાસ કાકા એ ગણતરી ની સેકંડો માં જ પોતાનો નિર્ણય સંભળાવી દીધો.

“હા. ,આ ચર્ચા નો વિષય જ નથી” બીજા માળે રેહતા કિરણ ભાઈ એ પણ દાસ કાકા ના સૂર માં સૂર મિલવ્યો.

“બિલકુલ. આ આપની સંસ્કૃતિ છે જ નહીં. આપણાં બાળકો પર આની શું અસર થાય. હું તો કહું અબ ઘડી ખાલી કરવો મકાન” હાર્દિક ભાઈ એ કડકાઇ થી પોતાનો નિર્ણય સંભળાવ્યો.

હું શાંતિ થી બધા ના પ્રતિભાવો સાંભળતો રહ્યો. દરેક જણ મકાન ખાલી કરાવવા ના જ પક્ષ માં હતા. પણ મારો વિચાર જરા અલગ હતો.

“જી હું આપ બધા કરતાં સૌથી નાનો છુ. પણ આ બાબત માં મારો અભિપ્રાય જરા અલગ છે. ”

“અહી બધા ને પોત પોતાના વિચાર કેહવા જ બોલાવ્યા છે,બોલ શું કે’વું છે તારે. ” રમેશ ભાઈ એ એક સેક્રેટરી ના અંદાજ માં કહ્યું.

“મારા મત મુજબ એમને પણ તેમનો પક્ષ રાખવા અહી બોલાવવા જોઈએ. એક વાર એમની વાત સાંભળી લઈએ પછી કોઈ નિર્ણય લઈએ તો સારું રહશે” મેં થોડી હિમ્મત કરી ને મારી વાત મૂકી.

“અરે આમાં વાત સાંભળવાની વાત જ ક્યાં આવે છે. જે વસ્તુ ખોટી જ છે એમાં ચર્ચા સાની?” હાર્દિક ભાઈ તડૂકયા

“જો હિતુ,સમજ. હાર્દિક ની વાત બરાબર છે. દરેક આ જ મત માં છે કે આ વસ્તુ ખોટી છે. પછી નાહક ની ચર્ચા કરી ને ટાઈમ શું કામ બગાડવો” બાજુ માં બેઠેલ તેજસ ભાઈ એ મને સમજાવવાની કોશિશ કરી.

મારે હજુ ઘણું કેહવું હતું. પણ દરેક સભ્યો એ પોતાનો આખરી નિર્ણય સંભળાવી દીધો હતો. પછી મારે કાઇ કેહવાનું રહ્યું નહતું.

ભાડુંઆત અનિકેત અને શ્વેતા દીદી નો ફ્લૅટ અમારી બાજુ માં જ હતો. ગણતરી ના કલાકો માંજ એ લોકો અમારી સાથે સારી રીતે હળી મળી ગયા હતા. મમ્મી નો અને શ્વેતા દીદી નો વાટકી વ્યવહાર પણ ચાલુ થઈ ગયેલ. બંને જણ મળતાવડા સ્વભાવ ના. એક દિવસ મમ્મી ને તબિયત ખરાબ હોવાથી સવાર – સાંજ દીદી એ આવી ને ખાવા નું બનાવેલ.

ઘરે આવી ને જ્યારે મમ્મી ને મિટિંગ ની વાત કરી ત્યારે એમનું પણ મોઢું ઉતરી ગયું.

“બિચારાઑ ને માંડ માંડ મકાન ભાડે મળ્યું હતું. શ્વેતા ના ઘરે થી તો બધા માની ગયા છે. પણ અનિકેત ના ઘરે કોઈ અન્ય સમાજ ની છોકરી માટે તૈયાર નથી. એટ્લે અનિકેત ના ઘરે બધા રાજી થઈ ને લગ્ન ના કરાવે ત્યાં સુધી આમ બહાર એકલા રહવાનું પસંદ કર્યું છે” મમ્મી ઉદાસ ચહેરે વાત કહી રહ્યા હતા.

બીજા દિવસે જયારે કોલજ થી ઘરે આવ્યો શ્વેતા દીદી ના ઘરે તાળું હતું. મમ્મી એ માહિતી આપી કે એમને તો આજે બપોરે જ ઘર ખાલી કરાવી દીધું.

થોડા દિવસો પછી એ જ ઘર માં એક “પતિ-પત્ની” રેહવા આવ્યા. લગ્ન ને ચાર એક વર્ષ થયેલા. થોડા દિવસ તો બધુ ઠીક લાગ્યું પણ પછી સમસ્યા બહાર ઉપસવા લાગી. એમની વચ્ચે અવાર નવાર બોલા ચાલી થતી રહેતી. ઘણી વાર એ અમારા ઘર સુધી પણ સાંભળવા મળતી. મમ્મી તરફ થી માહિતી પણ મળતી કે ઘણી વાર એનો પતિ દારૂ પી ને મારજૂડ પણ કરતો. આ વાત મેં એકવાર સોસાયટી ની મિટિંગ માં બધાને કહી પણ ખરી.

“અરે બેટા આ એમનો અંગત મામલો કે’વાય. આમાં આપણાં થી કાઇ ના બોલાય. ” દાસ કાકા મને સમજાવી રહ્યા હોય એમ બોલી રહ્યા હતા અને બીજા અન્ય સભ્યો પણ આ જ મત માં હતા.

આજે પણ ઘણી વખત અનિકેત અને શ્વેતા દીદી ને હાથ માં હાથ નાખી ને પ્રેમ થી વાત કરતા કોઈ જગ્યા એ જોઉ છું. પણ મળવાની હિમ્મત થતી નથી. સમાજ જેના થી વિરુદ્ધ છે એ અને સમાજ ના પ્રયાસો થી બનેલ આ બે અલગ અલગ જિંદગીઑ ને એક ત્રાજવા માં મુકતા ત્રાજવું એક બાજુ નમેલું દેખાય છે.

***