ઝુબેદા માસી - National Story Competition January 2018 Valibhai Musa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝુબેદા માસી - National Story Competition January 2018

ઝુબેદા માસી

વલીભાઈ મુસા

તમે બરાબરનાં એવાં સલવાયાં હતાં, ઝુબેદા માસી, કે ધોબીના પોઠિયા જેવી તમારી દયામણી વલે થઈ ચૂકી હતી! એક તરફ પુતરપ્રેમ પાંગર્યો હતો, ફરીકો તમારા વેરાન હઈડામાં; અને, બીજી તરફ ઘરમના માનેલા તમારા ભઈલા મામદના નજર સામેના ચહેરાની કલ્પના માત્રથી તમે શરમિંદગી અનુભવી રહ્યાં હતાં. ગમે તે ગણો, ઝુબેદા માસી, પણ આજે તમે તમારી વધારે પડતી સંવેદનશીલતાની કિંમત જાણે કે ચૂકવી રહ્યાં હતાં! બાલ્યવયે જે લાડલો હતો અને વચાળે પાછો વેરીડો બની ગએલો એ જ તમારો સાવકો પુતર અબ્દો વળી ફરીવારકો યુવાનવયે આવતાં તમારો લાડકવાયો બની ગયો હતો. તમે તેનાથી રિસાઈને તમારી આકરી શરતોએ ભાઈ મામદના ઘરે આશરો લીધો હતો અને તે વાતને પાંચેક વરહનાં વહાણાં વાઈ ચૂક્યાં હતાં. હવે અબ્દાના ઘોડે બેસવાના દિવસો નજીક આવી રહ્યા હતા અને, તમે ઝુબેદા માસી, તેના વિવાહનાં ગાણાં ગાવા અને તેના લગનમાં મહાલવા હરખપદુડાં થઈ રહ્યાં હતાં.

હવે ઘટના એમ આકાર લઈ રહી હતી હતી કે છેલ્લી કેટલીક રાત્યુંથી ભાઈ મામદને અંધારામાં રાખીને તમે બેઉ માદીકરો મધ્યરાત્રિનાં કાળાં ડિબાંગ અંધારાં ઓઢીને એકબીજાંને મળતાં હતાં, એટલા માટે કે ગૂંચવાઈ ગએલી સૂતરની આંટીમાંથી દોરો કઈ રીત્યે ઉકેલવો! તમે ઝુબેદા માસી, તમારી જીદને અબ્દા પ્રત્યેની નફરતનાં પાણીડાં પાઈપાઈને એવી વકરાવી દીધી હતી કે એ દિવસોમાં તો તે માપમાં આવવા માગતી ન હતી અને હવે એ જ જીદ અચાનક ઢીલીઢસ થઈ ગઈ હતી! આમ તો તમે બેઉ માદીકરા વચ્ચે પડેલી આંટી તો સાવ ક્ષુલ્લક હતી. એ રાતે પોતાના ગોઠિયાઓ સાથે મોડી રાત સુધી રખડીને ઘરે આવેલા અબ્દાને તમે રડમસ અવાજે, તે ખરાબ સોબતે વંઠી જશે તેવા ભય હેઠળ, એક જ સવાલ કર્યો હતો કે તને મા વ્હાલી કે તારા ભેરુડા?’. રોજનો ટિટિયારો સાંભળતો આવતો એ અબ્દો તે રાતે મર્યાદા વળોટી બેઠો હતો અને તોછડાઈથી બકી ગયો હતો, ‘ભેરુડા, ભેરુડા, ભેરુડા…, સાડી સત્તર વાર, ભેરુડા! લ્યો, હવે શું ક્યો છો!

અણધાર્યો અબ્દાનો જવાબ સાંભળીને ડઘાઈ ગએલાં, તમે ઝુબેદા માસી, તે રાત્રે ઊંડો નિસાસો નાખતાં હાયકારા સોતાં બેસી ગએલા સાદે એટલું જ બોલી શક્યાં હતાં, ‘અરર…, આંગળીથી નખ વેગળા તે વેગળા! તું મારો જણ્યો હોત તો આવું ન બોલત!આમ કહેતાં ઘરના વચલા બારણાની પોતાના તરફની સાંકળ ચઢાવી દઈને ઘરના પછવાડાના ભાગે તમે તમારી રોજિંદી પથારીએ જઈ સૂઈ ગયાં હતાં. અબ્દાને પણ ગુસ્સામાં એ ભાન રહ્યું ન હતું કે હંમેશાં આડા રહેતા વચલા કમાડને તે રાતે તમે સાંકળ વાળી દીધી હતી!

એ રાત તમારા માટે નિંદર કાજે વેરણ બની ચૂકી હતી. અવિરત વહ્યે જતાં આંસુડાંએ તમારા તકિયાને ભીંજવી નાખ્યો હતો. રોજીરોટીની તલાશમાં વર્ષો પહેલાં દેશવટે નીકળી ચૂકેલા તમારા મરહુમ ખાવિંદ ઈભુને તમે સ્મરી રહ્યાં હતાં. તેમના કોઈક મેમણ દોસ્તે દરિયાઈ માર્ગે મોકલેલી રખડતી રખડતી આવેલી એ ટપાલ થકી જ તમને જાણવા મળ્યું હતું કે તેઓ ટૂંકી માંદગી ભોગવીને અલ્લાહને પ્યારા થઈ ચૂક્યા હતા અને ઈરાકના બસરામાં દફન થઈ ગયા હતા. તમારી ઐરાકી શોક્ય અને અબ્દાનો મોટો ભાઈ કે જેનું તમે નામ પણ ભૂલી ગયાં હતાં એવાં તે બેઉની તમને વર્ષોથી કોઈ ભાળ પણ ન હતી.

ઝુબેદા માસી, તમારે વતનમાં માથું ઢાંકવા માટેનું નળિયાંવાળું સાદું મકાન હતું અને તમને માદીકરાને ખાવા માટે પૂરતું થઈ રહે તેટલું વડીલોપાર્જિત એક ખેતરના ટુકડામાંથી ઘેરબેઠે આવ્યે જતું અનાજ હતું. રેંટિયાકામ અને ખાખરા-પાપડ વણવાના ગૃહકાર્ય થકી અને કોઈકવાર તમારા ખાવિંદે કોઈ ઈરાકની ઝિયારતોએ ગએલા હમવતની સાથે થોડાંઘણાં મોકલી આપેલાં નાણાં થકી તમારી અન્ય આર્થિક જરૂરિયાતો સંતોષાતી હતી. તો વળી વર્ણભેદ વગર ગામની સ્ત્રીઓની સુવાવડ કરાવી આપવાના સેવાકાર્ય થકી તમારી આત્મસંતોષની લાગણી પણ પરિતૃપ્ત થતી હતી અને તેથી જ તો લોકોએ તમને માસીનું બિરૂદ આપ્યું હતું. જિંદગીભર સંતાનવિહીન સ્થિતિમાં પતિથી દૂર રહીને એકલવાયું જીવન વ્યતીત કરી ચૂકેલાં તમે એવાં સંવેદનશીલ બની ચૂક્યાં હતાં કે તમે કોઈ વાતે જ્યારે મનોમન હિજરાયે જતાં, ત્યારે કદીય પોતાની વ્યથામાં કોઈને સહભાગી પણ બનાવતાં ન હતાં. તમારી દાયણ તરીકેની સેવાઓથી ઉપકૃત એવી સ્ત્રીઓ તમારી લાગણીઓ ન ઘવાય તે માટે હંમેશાં ખામોશ રહેતી હતી. ગામમાં ભિક્ષાવૃત્તિ માટે આવતા ભરથરીઓનાં ભાઈબહેન, પિતાપુત્રી, માદીકરા કે પતિપત્નીના લાગણીસભર સંબંધો ઉપરનાં સદીઓથી ચાલ્યાં આવતાં વિરહગીતો સાંભળવાની, તમે ઝુબેદા માસી, હિંમત કરી શકતાં ન હતાં. તેવા ટાણે તમે ઘરનાં આગળપાછળનાં કમાડ બંધ કરી દઈને ઘરમાં ભરાઈ જતાં હતાં અને હૈયાફાટ રડી લેતાં હતાં.

વતન છોડ્યા પછી તમારા ખાવિંદ ઈભુ ઈરાકના બસરામાં કોઈક આરબણને પરણ્યા હતા, જેના થકી બે જોડિયા છોકરા જન્મ્યા હતા. સાંભળવા મળતું હતું કે ઈભુ આર્થિક રીતે તંગ હાલતમાં જીવતા હતા અને તેથી જ તો તેમણે, ઝુબેદા માસી તમને, કાગળ લખીને તમારી સંમતિ જાણ્યા પછી અબ્દાને તેની ત્રણેક વર્ષની ઉંમરે તમારી પાસે છોડી ગયા હતા. પેલી આરબણ અરબી ભાષા જ જાણતી હોઈને અથવા તો નાના અબ્દાને ભારત છોડી જતાં તેને અપાર વેદના થશે તેવા બહાના હેઠળ કે પછી આખા કુટુંબનું મુસાફરીનું ખર્ચ પોષાય નહિ તેવાં કોઈ કારણ કે કારણો હેઠળ ઈભુ અને અબ્દો બંને જણ જ વતનમાં આવ્યા હતા.

અબ્દા સાથેની તે રાતે ચકમક ઝર્યા પછી તમે ઊંઘી શક્યાં ન હતાં. તમારી વેદનાને હળવી કરવા તમે આખી રાત ઈબાદતમાં ગાળી હતી અને વ્હેલી સવારની નમાજ પઢી લીધા પછી ઘર પાછળના વાડાના છીંડેથી તમે બેએક જોડ કપડાં સાથે અને ઓઢણાના છેડે થોડુંક પરચુરણ બાંધીને ગૃહત્યાગ કરી લીધો હતાં.

તમારા ધર્મના માનેલા ભાઈ મામદ માટે આંગળીથી નખ વેગળાઉક્તિ લગીરેય લાગુ પડતી ન હતી; કેમ કે માત્ર મામદ જ નહિ, પણ તમારી ભાભી સુકયના અને તેનાં છોકરાં પણ જનમદુ:ખિયારાં એવાં તમને તમારી લાગણીઓ ન દુભાય એ રીતે કાચના વાસણની જેમ સાચવતાં હતાં. તમે જે રાત્રિએ ગૃહત્યાગ કર્યો હતો, તેની વહેલી સવારે અબ્દો રડતો રડતો તેમની પાસે આવ્યો હતો. મામાભાણેજે અને ગામના કેટલાય માણસોએ દિવસો સુધી દૂરદૂર સુધી જઈ આવીને તમને શોધવામાં કોઈ કસર બાકી છોડી ન હતી. આખું ગામ હાથવણાટ કાપડઉદ્યોગમાં પરોવાયેલું હતું અને ગામના કેટલાયે ફેરીઆઓને ભાઈ મામદે તાકીદ કરી હતી કે તેઓ પોતાની કાપડની ફેરીની સાથેસાથે તમારી શોધખોળ કરવાનું ચાલુ રાખે.

* * *

આખરે ગામ આખાયના સહિયારા પુરુષાર્થ થકી તમારા ગામથી થોડેક જ દૂર આવેલા એક નાનકડા શહેરમાંથી, ઝુબેદા માસી, તમારી ભાળ મળી ગઈ હતી. એક દિવસે તમને ભાળી ગએલો પેલો ફેરીઓ અને તમારો ભાઈ મામદ એમ બેઉ જણ જ તમને મનાવીને ઘરે પાછાં લાવવા પેલા શહેરે આવ્યા હતા. વાત વણસી ન જાય તેની સાવચેતીરૂપે અબ્દાને એ લોકોએ સાથે લીધો ન હતો. કોઈક વ્હોરાજીના ત્યાં ઘરકામે લાગી ગએલાં એવાં, ઝુબેદા માસી તમે, બજારમાંથી શાકભાજી ખરીદીને તમારા શેઠિયાના ઘર તરફ જઈ રહ્યાં હતાં. તમને ખબર ન હતી કે તમારો ભાઈ મામદ અને પેલા ફેરીઆભાઈ તમારો પીછો કરી રહ્યા હતા. તમે ઘરમાં દાખલ થઈને દરવાજો બંધ કર્યો કે તરત જ પેલાઓએ કોલબેલ વગાડી અને તમે જ એ દરવાજો ખોલતાં પૂછ્યું હતું, ‘ટમારે લોકોને કોનું કામ છે?

અમારે શેઠ કે શેઠાણી જે કોઈ ઘરમાં હાજર હોય તેમને મળવું છે!મામદે કહ્યું.

માલકિન, કોઈક ટમને મલવા આવ્યું છે!એમ કહીને પેલા બંનેને સોફા ઉપર બેસાડીને, તમે ઝુબેદા માસી, પાણિયારે પાણી લેવા ગયાં હતાં.

મામદે પેલા ફેરીઆભાઈ સામે આંખ મટમટાવતાં હળવા અવાજે જણાવી દીધું હતું કે મારી બહેન કેવી અજાણી થઈ રહી છે! વળી જૂઓ તો ખરા, એ લોકો જેવું બોલતાં પણ શીખી ગઈ છે!

થોડીવારમાં શેઠાણી બેઠકખંડમાં આવીને એક ખુરશી ઉપર બેઠાં અને તેઓની વચ્ચે વાતચીત શરૂ થઈ.

બોલો ભાઈઓ, ટમારે લોકોને કેમ આવવાનું ઠિયુ?’’

જૂઓ ને બહેનજી, તમારા ત્યાં કામ કરતી આ બાઈ કેવી ચાલાકી કરી રહી છે?

કેમ વલી સાની ચાલાકી? એનું નામ સોફિયા છે અને છેલ્લા પાંચેક મહિનાથી અમારા ટ્યાં કામ કરે છે અને બિચારી નિરાધાર છે. પન, સાચ્ચું કહું તો હવે ટે નિરાધાર નઠ્ઠી! સોફિયા અમારા ઘરનું ફેમેલી મેમ્બર ઠઈ ગઈ છે!

બહેનજી, તેનું નામ સોફિયા નહિ, પણ ઝુબેદા છે અને હું તેનો ભાઈ મામદ છું અને સાથેવાળા મારા ગામના ફેરીઆભાઈ છે!

ઓ સોફિયા, આ લોકો કેછે ઈ વાત સાચ્ચી છે?’

નહિ, માલકિન! એ લોકોને કંઈક ગેરસમજ ઠઈ લાગે છે! હું એવનને ઓલખતી નઠી!

જૂઓ ભાઈઓ, અમારી સોફિયા કડ્ડી જૂઠ્ઠું બોલે નહિ. વલી, અમે બાઈ માનસો છીએ; બપ્પોરે સેઠજી આવે ટ્યારે ફરી આવજો. બીજી વાત કે ટમારા લોકનું જમવાનું કેમનું છે, ટે કહી દો. ટમે લોકો એટલી વાર બજારમાં ફરી આવો અને અમારી સોફિયા ટમારું ખાવાનું પણ બનાવી દેસે!પેલા બેઉને પ્રતીતિ થઈ ચૂકી હતી કે તેમના ચહેરાનો હાવભાવ પારખીને શેઠાણી વાતનો કંઈક મર્મ પામી ગયાં હતાં!

ના બહેનજી, અમારું કામ પતે નહિ ત્યાં સુધી અમે જમવાના નથી. વળી અમને તમારી દુકાનનું સરનામું બતાવો તો અમે શેઠજીની પાસે જઈને અમારી કેફિયત રજૂ કરીએ!

સોફિયા, આપની દુકાનનું વિઝિટીંગ કાર્ડ આ લોકોને આપ ને!

* * *

સોફિયા, આ લોકોએ ડુકાને આવીને મને સઘલી વાટ કહી સંભલાવી છે. આ મોમના લોક છે, વેપારી લાઈનના માનસો છે. એવન વરસોઠી આપના સહેરમાં હાથવનાટના કાપડની ફેરી કરવા આવટા હોય છે. મને ટેમની વાટ ઉપર યકિન ઠૈ ગ્યું છે. જો ટું અમારા ટ્યાંથી જાય ટે અમને ગમે બી નંઈ; પન, ઈન્સાનિયટનો ટકાજો ટો એ કહે છે ટારે ટારા ભાઈ સાથે જટા રેવું જોયેં. ટારું મન નોં માને ટો ટારા ડીકરા પાસે નંઈ જતી, પન મારા ડીકરા, ટારા વગર ટારું આખું ગામ ઝૂરે છે!

તમારા માલિક તૈયબઅલી શેઠની વાત સાંભળીને, તમે ઝુબેદા માસી, પોક મૂકીને એટલું બધું રડ્યાં હતાં કે તમારાં શેઠશેઠાણી, ભાઈ મામદ અને પેલા ફેરીઆભાઈ એ સઘળાં પણ પોતાના રૂદન ઉપર કાબૂ રાખી શક્યાં ન હતાં. તૈયબઅલી શેઠે તેમનાં પત્નીને સંબોધીને જ્યારે એમ કહ્યું હતું કે ઝુબેડા બેટીને રોઈ લેવા ડે કે જેથી ટેના ડિલનો ભાર હલવો ઠઈ જાય!’, ત્યારે, તમે ઝુબેદા માસી, પામી ગયાં હતાં કે હવે ખુદ તમારા શેઠ તમને ઝુબેદા નામે બોલાવે છે તો તમારી બનાવટ લાંબી નહિ ચાલે. આમ છતાંય તમે તમારા શેઠ અને શેઠાણીને હાથ જોડીને માફી માગતાં હવે તમારી પોતાની મૂળ બોલીમાં તમે આમ કહ્યું હતું કે, ‘હું મારી આખી જિંદગીમાં તમારા લોક આગળ પહેલીવહેલી મારા સંજોગોને કારણે જૂઠ્ઠું બોલીને નોકરીએ લાગી હતી! તમે લોકો મને માફ કરો અને ખુદા તઆલાને પણ મારી માફી માટેની દુઆ કરજો. હવે તમે બધાં કહો છો તો તમારી વાતની શરમ ભરું છું અને મારી આકરી શરતોને મારો ભાઈ મામદ માને તો તેની સાથે જવા હું તૈયાર છું.

મામદ અને તેમના સાથીની ખુશીનો પાર ન રહ્યો, કેમ કે તેમના મતે એકદમ પેચીદો મામલો સાવ સરળતાથી પતી ગયો હતો. મામદે કહ્યું, ‘જો ઝુબેદા, અમે તને જીવતી જોઈ એટલે અમે ખુદાનો જેટલો શુક્રિયા માનીએ તેટલો ઓછો જ છે. તારી શરતો બોલ અને તૈયબઅલી શેઠ અને શેઠાણીજીની સાક્ષીએ હું ખાત્રી આપું છું કે મારા જીવના ભોગે પણ તારી શરતોનું પાલન કરીશ અને તને જીવનભર દુ:ખી નહિ કરું!

જો સાંભળ, મારા ભઈલા. મારી પહેલી શરત એ છે કે હું મારા ઘરે હરગિજ પાછી નહિ ફરું! બીજી શરત એ કે હું તારા ત્યાં જ રહીશ, પણ તારે મને તારા રહેવાના ઘરની સામેના પડતર ઘરમાં રહેવા દેવી પડશે. ત્રીજી શરત એ કે હું તારું રેંટિયાકામ કે અન્ય જે કંઈ કામ કરું તેનું તારે મને મહેનતાણું આપવું પડશે અને હું તંદુરસ્ત હાલતમાં હોઈશ ત્યાં સુધી હું જાતે જ રાંધીને ખાઈ લઈશ. હું પેલાનું નામ લેવા માગતી નથી; પણ તને કહી દઉં છું કે જો તેની સાથેનો રાજીપો કરવાની તું મને ક્યારેય પણ વાત કરીશ, તો ફરી પાછી મારાં માવતર સમાં આ શેઠશેઠાણીને ત્યાં પાછી આવી જઈશ.’’

હા, મારી મા, હા! તારી બધી શરતો મને મંજૂર છે. જો મારાથી કુદરતી રીતે જ તને માકહેવાઈ ગયું, તેનો મતલબ તું એમ સમજી લે કે હું મારી માનું વેણ કદીય ઉથાપું ખરો!

* * *

એ રાત્રે અબ્દો તેના પિતૃપક્ષનાં સગાંવહાલાંને લઈને, ઝુબેદા માસી, તમને મનાવવા ભાઈ મામદના ત્યાં આવી પુગ્યો હતો. એકાદ મહિના પછી તેનાં લગન લેવાવાનાં હતાં. સામાન્ય રીતે દરેક સમાજમાં ખુશીના પ્રસંગોએ દુભાએલાં સગાંવહાલાંને મનાવી લેવાના પ્રયત્નો થતા હોય છે, બસ તેમ જ અબ્દો તમને, માસી, મનાવીને ઘરે તેડી જવા આવ્યો હતો. તમે ભાઈ મામદના રહેવાના ઘરની વચલી ખૂંભીને અઢેલીને બેઠાં હતાં. સામેની દિવાલની ભીંતે દેખાતા ઘડિયાળમાં આઠના ટકોરા પડ્યા હતા. તમને શરમમાં નાખી શકાય તે હેતુસર અબ્દો સ્ત્રીપુરુષો મળીને દસેક સગાંવહાલાં લઈને આવ્યો હતો. અડધાએક કલાક સુધી ખૂબ જ રકઝક ચાલી હતી. અબ્દાએ કાકલૂદીઓ કરીને હાથ જોડ્યા હતા અને એક વખત તો ખાટલેથી નીચે ઊતરીને ફરસ ઉપર બેઠેલાં એવાં, ઝુબેદા માસી, તમારા પગે પડીને તમને વીનવ્યાં હતાં, પણ તમે ટસનાં મસ થતાં ન હતાં. અબ્દો મામદ મામા અને મામીને કરગરતો હતો કે તેઓ તમને સમજાવે. મામાએ તો ચોખ્ખું કહી દીધું હતું કે, ‘મારે તો તારી મા સાથે એવા આકરા કોલકરાર થયા છે કે મારા મોંઢે તો તેમને તારા ત્યાં આવવાનું કહીશ નહિ, અને હા, તેમની રાજીખુશીથી તેઓ આવવા તૈયાર થતાં હોય તો મારો કોઈ વિરોધ પણ નથી.

મામદે બરાબર અવલોકન કર્યું તે મુજબ બરાબર સાડાઆઠના એક ટકોરે, તમે ઝુબેદા માસી, તમારી અબ્દા સાથેની કડકાઈને ઢીલી પાડવાનું શરૂ કરી દીધું હતું. વળી પાછી નવી પંદરેક મિનિટ સુધી થોડીક રોકકળ અને થોડાંક મેણાંટોણાં ચાલ્યાં. આખરે અબ્દાએ, ઝુબેદા માસી, પોતાનો આખરી દાવ ફેંકતાં તમને કહી દીધું હતું કે જો તમે મારાં લગનમાં નહિ આવો, તો મારી સગાઈ તોડી નાખીશ અને હું આજીવન કુંવારો રહીશ!

ના, અબ્દા બેટા ના, એવું ન કરતો!એવા તમારા કથનમાંના અબ્દા બેટાએવા સંબોધનથી, ઝુબેદા માસી, હાજર સૌના આનંદનો પાર રહ્યો ન હતો. બરાબર નવ વાગવાની થોડીક જ સેકંડો પહેલાં તમે અબ્દા સાથે ઘરે જવાના તમારા નિર્ણયની જાહેરાત કરી દીધી હતી અને એ ખુશખબરીની જાણે કે ખુશાલી અભિવ્યકત કરવા ઘડિયાળે તરત જ નવના ટકોરા વગાડવા શરૂ કરી દીધા હતા.

ઝુબેદા માસી, આમ તમે માદીકરાએ તમારી વચ્ચેની અણબનાવની પડેલી સૂતરની આંટીની ગૂંચને સમયસર ઊકેલી તો જરૂર હતી, પણ તમને એક વાતની ખબર પડી ન હતી કે તમારા ભાઈ મામદ તમારી માદીકરાની પૂર્વયોજનાને પહેલેથી જ જાણતા હતા. તમે માદીકરો ખાનગીમાં એકબીજાને મળો છો તેવી પાકી બાતમી મળતાં, તેમણે તમારી વાતને આગલી જ રાતે તમારા નિવાસના પછવાડાના ભાગે હાજર રહીને શબ્દશ: સાંભળી લીધી હતી. આમ રમતગમતની દુનિયામાં આજકાલ અગાઉથી નિયત થઈ જતી હારજીતની જેમ તમે અબ્દાને જીતાડ્યો હતો અને તમે રાજીખુશીથી હારી ગયાં હતાં; એટલા માટે કે તમે અબ્દાનાં દેવકીમાતા સમાં જન્મદાત્રી ભલે ન હતાં, પણ યશોદામાતા સમાં પ્રેમાળ પાલકમાતા તો જરૂર હતાં!

***