Aangadione sahare - 1 books and stories free download online pdf in Gujarati

આંગળીઓને સહારે

આંગળીઓને સહારે

તેજસ પટેલ

ભાગ 1

“આ બધુ મારા જ કારણે થઈ રહ્યુ છે. ”આરતી જોરથી બોલી પડી. તેણે પોતનો ચહેરો પોતાની હથેળીઓમા છુપાવી લીધો અને તેની આંખોમાથી આંસુ વહેવા લાગ્યા પણ અત્યારે રાતના દસ વાગ્યે જ્યા તે બેઠી હતી તે સુરતના બસ સ્ટેન્ડના ઘોંઘાટમા તેના તે આંસુઓ કે તેનો તે અવાજ સાંભળવાની નવરાશ કોઈની પાસે પણ ન હતી. તેના તે આંસુ અને તેનો તે અવાજ તે ઘોંઘાટમાં એમજ ઓગળી જાવા પામ્યા જેમ સુરજના પ્રકાશમા અંધકાર ઓગળીને રહી જતો હોય છે પણ તેના તે આંસુઓમા રહેલુ દર્દ કે તે અવાજમા રહેલી સચ્ચાઇને કોઇ રીતે ઓગાળી શકાય તેમ ન હતુ. તે તો તેટલા જ સાચા હતા જેટલુ સાચુ રોજ સવારમા સુર્યનુ પૂર્વ દિશામાથી ઉગવુ.

આરતી, એક સીધી સાદી અને સુંદર સાડા સત્તર વર્ષની છોકરી. તારીખ ૧૩/૦૫/૨૦૧૭ના રોજ તેણે પોતાના પ્રેમી નિલય સાથે લગ્ન કરવા માટે તેણે પોતાનુ ઘર છોડ્યું તે વાતને આજે પંદર દિવસ વીતી ચુક્યા હતા અને છેલ્લા પંદર દિવસોથી તે બસ અહીથી તહીં ગોથા જ ખાઈ રહી હતી. કારણ, તેણે તો એક એવા વ્યક્તિના આંધળા પ્રેમમા પડીને પોતાનુ ઘર છોડ્યુ હતુ જે માત્ર ને માત્ર તેના સુંદર શરીરનો જ ભૂખો હતો પણ તેણે જ તેના તે બદઇરાદાને સમજવામા ખુબ મોડુ કરી નાખ્યુ હતુ અને પોતે તે મુસીબતમાં ફસાઈ હતી.

પોતાના પ્રેમીના બદઇરાદાને જાણ્યા પછી જ્યારે તે પાછી પોતાના ઘરે આવી હતી ત્યારે તેના દાદા અને તેના મા-બાપ દ્વારા પણ તેને જાકરો આપી દેવામા આવ્યો હતો અને એટલે જ છેલ્લા પંદર દિવસથી પોતાના માટે એક આશરો શોધવા માટે તે પોતાના સગા-સંબધીઓના ઘરે ભટકી રહી હતી. ક્યારેક તેના કાકાને ત્યા, તો ક્યારેક તેની ફોઇને ત્યા, તો ક્યારેક તેની માસીને ત્યા, તો ક્યારેક પોતાની મોટી બહેન જ્યા ભણતી હતી ત્યા સુરતમા. પણ કોઇએ પણ તેને તેના દાદાના કહેવાના કારણે તેને બે દિવસથી વધારાનો આશરો આપ્યો ન હતો અને આજે છેલ્લા બે દિવસથી તેના જે ફ્રેન્ડ કરણે તેના રહેવા માટે સુરતમા એક રૂમની વ્યવસ્થા કરી આપી હતી તેની સાથે પણ ઝઘડો થઈ જતા તેણે તે રૂમ છોડી દેવો પડ્યો હતો. કરણ સાથેના ઝઘડાના કારણે આરતીએ પોતાનો છેલ્લો આશરો પણ જરૂર ગુમાવ્યો હતો પણ છેલ્લા પંદર દિવસોમા તેની જિંદગીમા થયેલી તે એક છેલ્લી ઘટના જ એક એવી હતી જેના માટે તેને કોઇપણ પ્રકારનો અફસોસ ન હતો અને તેના માટે અફસોસ ન કરવાનું એક સચોટ કારણ પણ તેની પાસે હતુ.

કરણ ખાલી આરતીનો ફ્રેન્ડ જ ન હતો પરંતુ આરતીનો પહેલો પ્રેમ પણ હતો પણ આરતીનો ફ્રેન્ડ કે પ્રેમી બનવા પહેલા તો તે તેની મોટી બહેન સરીતાનો બેસ્ટ ફ્રેન્ડ હતો. કરણ આરતીના બાજુના ગામમા રહેતો હતો અને તે અને સરીતા બન્ને આરતીના ગામમા આવેલી સ્કૂલમા સાથે જ એક જ ક્લાસમા ભણતા હતા. આરતી પણ તે જ સ્કૂલમા તેમના પછી બે ધોરણ છોડીને ભણતી હતી એટલે તે પણ કરણને નાનપણથી જ ઓળખતી હતી. સરીતાનો ફ્રેન્ડ હોવાના કારણે કરણનુ તેમના ઘરે આવવાનુ તેમના નાનપણથીજ હતુ પણ ચાર વર્ષ પહેલા જ્યારે આરતી નાનપણના ઉબરાને વટાવીને કિશોરાવસ્થાની કુમળી વયમા પહોચી હતી ત્યારે આરતી અને કરણ વચ્ચે પ્રેમના અંકુર ફુટ્યા હતા. તેમનો તે પ્રેમ એટલો તો પ્રચલીત થયો હતો કે તેમના તે પ્રેમના ચર્ચા તેમની સ્કૂલ અને ગામની સાથે સાથે આજુબાજુના ગામો સુધી પણ ફેલાયા હતા પણ જ્યારે તેમના તે પ્રેમ વિષે આરતીના દાદાને ખબર પડી હતી ત્યારે તેમણે આરતીને ખુબ મારી હતી અને કરણનુ પણ તેમના ઘરે આવવાનુ બંધ કરાવી દીધુ હતુ. ત્યારબાદ કરણે પણ પોતાની સ્કૂલ બદલી નાખી હતી અને તે બંનેનુ મળવાનુ સદંતર બંધ થઈ ગયુ હતુ.

કરણથી અલગ થવાનુ દુ:ખ આરતી માટે અસહેનીય હતુ પણ જેમ જેમ સમય આગળ વધતો ગયો હતો તેમ તેમ આરતીને તે સમજાતુ ગયુ હતુ કે તેણે કરણને કરેલો પ્રેમ એ તેની કાચી ઉમરે કરેલી નાદાની સિવાય બીજુ કઈ પણ ન હતુ અને ધીરે ધીરે તે કરણને પોતાની જિંદગીની એક મીઠી યાદ સમજીને ભુલી ગઈ હતી.

આ બધુ થયાના ચાર વર્ષ પછી કરણ બે જ દિવસ પહેલા આરતીને સરીતાની કોલેજમા મળ્યો હતો જ્યા આરતી સરીતા પાસે મદદ માંગવા આવી હતી. કરણ પણ તે જ કોલેજમા સરીતાની સાથે જ ભણતો હતો. જ્યારે સરીતાએ તેમના દાદાને કારણે આરતીની કોઇપણ પ્રકારની મદદ કરવાની ના પાડી દીધી હતી ત્યારે કરણે તેને પોતાની એક ફ્રેન્ડના રૂમમા રહેવાની વ્યવસ્થા કરી આપીને તેની મદદ કરી હતી. આરતીને આમ તો તે મદદ લેવાનુ સારૂ લાગ્યુ ન હતુ અને તેનુ કારણ તેનો અને કરણનો ભુતકાળ જ હતો અને તેના પરીવારનુ તેને નફરત કરવાનુ એક કારણ કરણ પણ હતો તે વાત આરતી ખુબ સારી રીતે સમજતી હતી પણ તેની મદદ લેવા સિવાયનો બીજો કોઇ રસ્તો તેની પાસે ન હતો એટલે નાછુટકે પણ તેણે તેની તે મદદ સ્વિકારી હતી પણ તે પણ તેની એક ભૂલ જ સાબિત થઈ હતી અને બે જ દિવસમા એટલે કે આજે તેની તેની તે ભુલ સમજાઈ પણ ગઈ હતી જ્યારે કરણે તેની સામે લગ્નનો પ્રસ્તાવ મુકી દીધો હતો.

કરણ સાથેના પોતાના ભુતકાળના પ્રેમની જે આગને આરતી પોતાના દિલમા ક્યારનીય બુઝાવી ચુકી હતી તે પ્રેમની આગને હજુ પણ કરણના દિલમા તેટલી જ હદે પ્રજ્વલીત જોઇને આરતીને ખરેખર આંચકો લાગ્યો હતો. કરણનુ હજુ પણ પોતાના ભુતકાળને ન ભુલવુ અને તેની પરિસ્થિતિ સમજ્યા વગર કે તેના દિલની વાત જાણ્યા વગર આમ સાવ અચાનક પોતાની સાથે લગ્ન માટે કહેવુ આરતી માટે ખરેખર ખુબ જ આશ્ચર્યજનક હતુ. તેણે કરણને તેની સાથે લગ્ન કરવાની સ્પષ્ટપણે ના પાડી. આરતીને લાગ્યુ હતુ કે તે તેની વાતને સમજશે પણ તેના મોઢે ના સાંભળતાની સાથે જ તેણે તેના વિશે મનમા આવે તેવુ બોલવાનુ શરુ કરી દીધુ હતુ અને આરતી માટે તે વાત અસહ્ય બની રહી હતી અને એક સેકન્ડનુ પણ મોડુ કર્યા વીના તે કરણની મદદને ઠુકરાવીને ત્યા સુરતના બસ સ્ટેન્ડ પર આવી ગઈ અને હવે છેલ્લા બે કલાકથી તે ત્યા જ બેસીને વિચારી રહી હતી કે પોતે પોતાની જિંદગીના આ દુ:ખના વમળમાથી બહાર કઈ રીતે આવે.

આરતી કરણની મદદને ઠુકરાવીને ત્યા આવી તો ગઈ હતી પણ હવે એવી કોઇ વ્યક્તિ બાકી બચી ન હતી કે જેની પાસે તે તેની આ મુશ્કેલ પરિસ્થિતિમા મદદ માંગી શકે. તેના ઘર કે પરિવારમાથી પણ કોઇ તેનો ફોન ઉપાડી રહ્યુ ન હતુ પણ તેમ છતા પણ તેણે હજુ પણ પોતાની હિંમતને ટકાવી રાખી હતી અને પોતે આ દુ:ખમાથી કઈ રીતે બહાર આવી શકે તેનો કોઇ રસ્તો વિચારી રહી હતી પણ જેમ જેમ તેના વિચારો વધી રહ્યા હતા તેમ તેમ તેની નિરાશા પણ વધી રહી હતી કારણકે તેનો દરેક વિચાર હવે તેના મગજમા બસ એક જ વાતને દ્રઢ કરી રહ્યો હતો કે આ જે કઈ પણ થયુ હતુ તેમા વાંક બસ તેની એકલીનો જ હતો પણ ખરેખરની સચ્ચાઈ તો કઈક જુદી જ હતી. હા, તેની આજની પરિસ્થિતિ માટે વાંક તેનો હતો જ પણ તે સિવાયનુ એક એવુ પણ કારણ હતુ જે તેના તે વાંક કરતા ઘણુ જ મોટુ હતુ પણ નિરાશાના અંધકારમા ડુબેલી આરતી તે કારણને સમજવાની સમજશક્તિને ગુમાવી ચુકી હતી.

સત્તર વર્ષ પહેલા તારીખ ૨જી ઓગષ્ટ, ૧૯૯૯ના રોજ નવસારીથી વીસ કિલોમિટર દુર આવેલા કરંજ ગામમા આરતીનો જન્મ થયો હતો. તેના દાદા રમણીકભાઇ કરંજ ગામના પહેલા ડૉક્ટર બનવાવાળા વ્યકતિ હતા અને તેની દાદી નીલીમાબેન તે જ ગામમા હાઇસ્કૂલ ટીચર હતા. તેમના સંતાનો એટલે કે આરતીના પપ્પા અને ફોઇ પણ તેમનો તે ભણતરનો વારસો જાળવી રાખતા ડૉક્ટર બન્યા હતા જ્યારે તેના કાકા એન્જિનીયર બન્યા હતા. આરતીના પપ્પા વિક્રમભાઇ અને તેની ફોઇ ઇલાબેનના ડૉક્ટર બની ગયા પછી આરતીના દાદા રમણીકભાઇએ તે બંનેને નવસારીમા એક બહુ જ મોટી હોસ્પિટલ બનાવી આપી હતી અને પછી તેમના ત્રણેય સંતાનોના લગ્ન કરાવીને તેઓએ અને નીલીમાબેને નિવૃત જીવન ગાળવાનુ શરૂ કર્યુ હતુ. ટુંકમા કહી શકાય તેમ હતુ કે આરતીનો જન્મ એક ખૂબ જ સુખી અને સમૃધ્ધ પરિવારમા થયો હતો જે તેને ખુબ જ સુખ આપી શકે તેમ હતુ પણ આરતીના નસીબ આડે રહેલા પાંદડાએ તેને તે સુખ ક્યારેય પામવા જ દીધુ ન હતુ.

પોતાના બધા જ ભાઇ-બહેનોમા સૌથી રૂપવાન એવી આરતી તેના મા-બાપ સરોજબેન અને વિક્રમભાઇના ત્રણ સંતાનોમા વચલી હતી અને અહિયા જ તેના નસીબે તેની સાથે સૌથી ખરાબ રમત રમી હતી. આરતીના પિતા વિક્રમભાઇ સંતાન તરીકે હંમેશા એક દીકરી ઝંખતા હતા જ્યારે સરોજબેને પોતાના સંતાન તરીકે હંમેશા એક દીકરાની કામના રાખી હતી. આરતીના પિતાની ઝંખના તો તેમના પહેલા સંતાન તરીકે આરતીની મોટી બહેન સરીતાને પામીને સંતોષાય ગઇ હતી એટલે તેમને તો તેમના બીજા સંતાન તરીકે દીકરો આવે કે દીકરી, તેનાથી કોઇ ફેર પડે તેમ ન હતો. અલબત તેમને તો બીજુ સંતાન જોઇતુ જ ન હતુ કારણકે તેમનો બધો પ્રેમ તો બસ તેમની દીકરી સરીતા માટે જ હતો પણ જ્યારે પોતાના બીજા સંતાન તરીકે સરોજબેને આરતીને જન્મ આપ્યો હતો ત્યારે તેમનુ મન પણ ખૂબ ઘવાયુ હતુ. એક બાજુ જ્યા આરતી જન્મ પહેલા જ પોતાના પિતાનો પ્રેમ ગુમાવી ચુકી હતી ત્યા બીજી તરફ તેને તેની મા નો પ્રેમ પણ કમને જેવો જ પ્રાપ્ત થયો હતો અને બે વર્ષ પછી જ્યારે પોતાના ત્રીજા સંતાન તરીકે સરોજબેને આરતીના નાના ભાઈ રોનકને જન્મ આપ્યો હતો ત્યારે તો તેની હાલત મા બાપ હોવા છતા પણ અનાથો જેવી થઈ ગઈ હતી જેણે તેના કોમળ મન પર ખૂબ જ ખરાબ આઘાત પહોચાડ્યો હતો.

માત્ર બે વર્ષની કુમળી વયે મા બાપના પ્રેમને ગુમાવી ચુકેલી આરતી માટે હજુ પણ તેના પરિવારનો પ્રેમ હતો પણ અહિયા પણ તેના નસીબમા રહેલી કાળાશે પોતાનો રંગ બતાવી જ દીધો હતો. ત્રણ વર્ષ પછી જ્યારે આરતીને ભણવા માટે શાળામા મુકવામા આવી ત્યારે ભણવામા તે તેના બધા ભાઇ બહેનોમા સૌથી નબળી સાબિત થઈ હતી. પહેલા પહેલા તો તેના પરિવારે અને તેના મા બાપે પણ તેની તે કમજોરીને દુર કરવાનો બનતો પ્રયત્ન કર્યો હતો પણ ત્રણ વર્ષના પ્રયત્નના અંતે પણ તે બધાનો જ પ્રયત્ન પથ્થર પર પાણી રેડવા સમાન જ સાબિત થયો હતો. આરતી ભણવામા એટલી તો નબળી હતી કે તેને ગમે તેટલુ શિખવવામા આવે તો પણ તેના મગજમા કઈ ઉતરતુ જ ન હતુ અને તેની તે જ અણઆવડતે તેને તેના પરિવારના દરેક સભ્યથી ધીરે ધીરે દુર કરી દીધી હતી બસ એક તેના દાદી નીલીમાબેન જ હતા જેમણે તેની તે અણઆવડતને ક્યારેય ધ્યાનમા લીધી ન હતી અને તેને ખુબ પ્રેમ કરતા હતા.

આરતીના નસીબમા અમાસની રાતના કાળા અંધારીયા આકાશની જેમ ભણતરની અણઆવડત હતી પણ સામે તે જ અંધારીયા આકાશમા ચમકતા તારાઓની સુંદરતાની જેમ એવી આવડતોની સુંદરતા પણ હતી જેને આરતીની કુમળી વયની આંખોએ તો નહી પણ તેની દાદીની ઉમરદરાજ અનુભવી આંખોએ બહુ સારી રીતે જોઇ હતી. હા, આરતી ભણવામા ઠોઠ હતી પણ તે ખાલી ભણવામા જ ઠોઠ હતી બાકી બીજી કોઇ વાતમા નહી અને તેનુ ભણવામા પણ નબળુ હોવાનુ સૌથી મોટુ કારણ તેની બીજી પ્રવૃતિઓમા રહેલી અદમ્ય રુચી જ હતી. રમત ગમત, ચિત્રકામ, ડાન્સ, નિબંધ લેખન, વકૃત્વ સ્પર્ધા. એવી કોઇ સ્પર્ધા ન હતી જેમા તે ભાગ ન લેતી હતી અને સંગીત, સંગીત તો તેનો જીવ હતો. ભગવાને જેટલુ સુંદર તેને રૂપ આપ્યુ હતુ તેનાથી અનેકગણુ સુંદર તેને ગળુ આપ્યુ હતુ અને જો રૂપની બાબતમા તે તેના પરીવારમા સૌથી સુંદર હતી તો ગળાની સુંદરતાની બાબતમા તેના જેવી સુંદરતા ગોતવી તે ઘાસના પૂળામાથી સોઇ શોધવા જેવુ હતુ.

આરતીને પોતે પણ સંગીતમા જ વધારે રસ હતો અને માત્ર દસ વર્ષની ઉમરમા જ તેણે તેની દાદીના સાથથી સંગીત શીખીને તેમા એવી તે મહારત હાસીલ કરી લીધી હતી કે તેની દાદી તેના પરીવાર અને આખા ગામ સામે કહેતી હતી કે આરતી એક દિવસ બહુ મોટી ગાયીકા બનશે અને તેમનુ નામ ખુબ ઊચુ કરશે. આરતી પણ પોતાની દાદીના તે વિશ્વાસ માટે ખુબ જ મહેનત કરતી હતી અને મહેનત કરતી પણ કેમ નહી, એક તેની દાદી જ તો હતી જે તેને સૌથી વધારે પ્રેમ કરતી હતી, જેની સામે તે પોતાના દિલની કોઇપણ વાત વગર વિચાર્યે કરી શક્તી હતી, જેની સાથે મસ્તી મજાક કરી શકતી હતી, હસી શકતી હતી, રડી શકતી હતી, જિદ કરી શકતી હતી બાકી બીજા પરિવારવાળા સામે અને તેના મા બાપ સામે તો તેનુ ભણવા સિવાયનુ બીજુ કઈપણ કરવુ તે તો તેનો એક ગુનો જ હતો. તેનુ સંગીત માટે મહેનત કરવુ અને તેની દાદીનો તેમા તેને સાથ આપવો તે તો તે બધાને આંખમા કણાની માફક ખુંચતુ હતુ પણ પોતાની દાદી માટે તે બધાને નજરઅંદાજ કરીને આરતીએ સંગીત શીખવામા પુષ્કળ મહેનત કરી હતી પણ અહિયા પણ અંતે તેના નસીબે તેનો સાથ છોડી જ દીધો હતો.

આરતી બાર વર્ષની હતી જ્યારે તેની દાદીનુ હાર્ટ એટેકથી અવસાન થયુ હતુ જે ઘટનાએ તેની જિંદગી સાવ બદલી નાખી. અવસાનની આગલી રાતે જ તેમનો આરતીના દાદા સાથે આરતી માટે ઝઘડો થયો હતો. તેઓ આરતીને વધુ સંગીત શીખવવા માટે અમદાવાદ લઈ જવા માંગતા હતા પણ આરતીના દાદાએ તેના માટે ચોખ્ખી ના પાડી દીધી હતી અને જ્યારે તેમણે જિદ કરી હતી ત્યારે ગુસ્સામા એમ પણ કહી દીધુ હતુ કે જો આરતી હવે ભણવા સિવાયનુ બીજુ કઈપણ કરશે તો તે તેનુ મરેલુ મોઢુ જોશે. તેઓ તે આઘાત સહન કરી શક્યા ન હતા અને રાત્રે ઊંઘમા જ તેમનુ હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયુ હતુ. આરતી તેમની બાજુમા જ સુતી હતી પણ તેને પણ તેની ખબર રહી ન હતી અને સવારે જ્યારે તે ઊઠી હતી ત્યા સુધીમા તેનો હાથ તેમના હાથમા જકડાઇ ચુક્યો હતો.

નીલીમાબેનનો સાથ આરતીની ઉમરના તે પડાવમા આવીને છુટ્યો હતો કે જ્યા આરતી ન તો સમજદાર હતી કે ન તો નાદાન. તેની તે ઉંમરમાં તેનામા તેના જીવનના નિર્ણયો લેવાની નિર્ણયશક્તિ તો હતી પણ તે નિર્ણય પોતાના માટે સાચા છે કે ખોટા તે સમજવાની સમજશક્તિ ન હતી અને એટલે જ આરતી માટે તે ઘટના તેની જિંદગીને જડમૂળથી બદલી નાખવાવાળી સાબિત થઈ હતી.

આરતીના દાદીના અવસાને તેના અને તેના પરિવાર વચ્ચે નફરતના ઝેરનુ તે બી વાવ્યુ હતુ જે આજે તેમની વચ્ચે વૃક્ષ બનીને ઊભુ હતુ. આમ પણ તેનુ સ્વછંદીપણુ તો પહેલેથી જ કોઇને ગમતુ ન હતુ અને તેના દાદીના ગયા પછી જ્યારે તેની બધી જ જવાબદારીઓ તેના દાદા અને તેના મા બાપના હાથમા આવી હતી ત્યારે તો તેની આઝાદી બીલકુલ જ છીનવાઇ ગઇ હતી. તે આગળ સંગીત શીખવા માંગતી હતી પણ હવે ભણવા સિવાયનુ તેનુ બીજુ કઈપણ કરવુ તે તેના દાદાને મંજુર ન હતુ અને અંતે તેમની તે જિદ સામે તેણે નમતુ જોખવુ જ પડ્યુ હતુ. આમ જોતા તો તે તેના માટે એટલું પણ ખરાબ ન હતું પણ આટલી નાની અમથી વાતને પણ આરતી પોતાની કાચી ઉમરની નાદાનીમા સમજી શકી ન હતી. તેને તો એમ જ લાગ્યુ હતુ કે તેના દાદા અને તેના મા બાપ બસ તેની આઝાદી છીનવીને તેને ડૉક્ટર કે એન્જીનીયર બનાવીને દુનિયાને બતાવવા માંગે છે કે તેમના ખાનદાનમા દરેક વ્યક્તિ ડૉક્ટર કે એન્જીનીયર છે. આરતીના પરિવારમા પણ એવી કોઇ વ્યક્તિ ન હતી જે તેની તે મનોસ્થિતિને સમજીને તેને સમજાવી શકે કે તે જે વિચારી રહી હતી તે ખોટુ હતુ અને એટલે જ અંતે તેના તે એક ખોટા વિચારના કારણે તે ધીરે ધીરે પોતાના પરિવારથી દુર થઇ બહારની દુનિયાના પ્રેમ તરફ આકર્ષાઇ હતી અને કરણના પ્રેમમા પડી હતી.

કરણ સાથેનુ આરતીનુ પ્રેમ પ્રકરણ બે વર્ષ સુધી ચાલ્યુ હતુ પણ જે રીતે તેના દાદાએ અને તેના મા બાપે તેના પર હાથ ઉપાડીને તેનો અંત કર્યો હતો તે ઘટનાએ આરતીના દિલમા રહેલી તેમના પ્રત્યેની નફરતને અનેકગણી કરી નાખી હતી. તે ઘટના થયા બાદ તો આરતી એકદમ જ સ્વછંદી બની ગઇ હતી અને પોતાના મનનુ ધાર્યુ જ કરવા લાગી હતી. દિવસેને દિવસે તેનુ ધ્યાન ભણવા પરથી હટવા લાગ્યુ હતુ અને ઘરમા તેના દાદા અને તેના મા બાપ સાથેના તેના ઝઘડાઓ વધવા લાગ્યા હતા અને હદ તો ત્યારે થઈ ગઈ હતી જ્યારે તેના મા બાપ અને દાદાના લાખ સમજાવવા અને તેને મારવા છતા પણ તેણે અગિયારમા ધોરણમા સાઇન્સ છોડીને આર્ટસમા એડમીશન લઈ લીધુ હતુ.

આરતીની તે હરકત બાદ તો તેની તેના પરિવાર સામે રહેલી તેની થોડી ઘણી ઇજ્જત પણ ખાખમા મળી જવા પામી હતી. તેના દાદાએ અને તેના મા બાપે પણ હવે તેને કઈપણ કહેવાનુ બંધ કરી દીધુ હતુ. આરતીને પણ તેટલુ જ જોઇતુ હોય તેમ તે પણ પોતાની જિંદગી પોતાની રીતે જીવવા લાગી હતી અને આમ પણ જ્યારે તેની દાદીના ગયા બાદ તેને તેના પરિવારની ખરેખર જરૂર હતી ત્યારે તો તેના મા બાપ કે તેના પરિવારમાથી કોઇએ પણ તેને સમજતુ ન હતુ અને હવે તે પોતાને તેટલી સમજદાર સમજવા લાગી હતી કે તે પોતાના જીવનનો દરેક નિર્ણય પોતે લઇ શકે પણ પંદર વર્ષની આરતી પોતાની જુવાનીના જોશમા તે ન સમજી શકી હતી કે પોતાના પરિવારથી વિમુખ થઈને તે પગ પર કુહાડી નહી પણ કુહાડી પર જ પગ મારવા જેવુ કામ કરી રહી હતી અને તેવુ જ થયુ પણ હતુ જ્યારે બે વર્ષ પછી જ નિલયને પ્રેમ કરવાના ખોટા નિર્ણયને કારણે તે પોતાના પરિવારનો રહ્યો સહ્યો સાથ પણ ગુમાવી બેઠી હતી અને હવે અત્યારે રાતના દસ વાગ્યે ત્યા સુરતના બસ સ્ટેન્ડમા બેસીને પોતાની દરેક ભુલ માટે પસ્તાઇ રહી હતી અને વિચારી રહી હતી કે જે કઈપણ થયુ હતુ તેમા બસ તેનો જ વાંક હતો જે પણ તેની એક ભુલ જ હતી.

હા, આરતીનુ પોતાના પરિવારની વિરુદ્ધ જવુ તે તેની ભુલ હતી પણ તેનાથી વધારે ભુલ હતી તેના મા બાપની કે જેમણે પોતાના જ સંતાનોમા એકને ગોળ અને બીજાને ખોળ જેવુ વર્તન કર્યુ હતુ, તેના તે પરિવારની જેણે બસ તેની ભણતરની અણઆવડતને જ ધ્યાનમા લીધી હતી અને સૌથી વધારે ભુલ હતી તેના તે દાદાની જે ઘરના વડીલ હોવા છતા પણ પોતાની પૌત્રીની ભુલોને માફ ન કરી શક્યા હતા અને આજે તે બધાની ભુલોનુ પરિણામ હતુ કે આરતી રાતના દસ વાગ્યે એક એવા અજાણ્યા શહેરમા એકલી બેઠી હતી જ્યા તેની સાથે કઈ પણ ખરાબ થઈ શકતુ હતુ.

***

છેલ્લા ત્રણ કલાકમા આરતીએ પોતાના ઘરે સો થી વધારે ફોન કર્યા હતા પણ કોઇએ તેનો ફોન ઉપાડ્યો ન હતો અને અંતે જ્યારે રાતના અગિયાર વાગ્યે તેના દાદાએ તેનો ફોન ઉપાડ્યો ત્યારે તેને બસ એટલુ જ કહ્યુ કે તે ઝેર ખાઇને મરી જાય પણ અહિયા પાછી ન આવે અને જો તે પાછી આવશે તો તેઓ ઝેર ખાઇને મરી જશે અને તે સાંભળીને હવે આરતીની હિમ્મત પૂરી રીતે તુટી ગઈ. તેની આંખોમાથી આંસુ વહેવા લાગ્યા. તેની આંખો સામે અંધારુ છવાઇ ગયુ તેના વિચારો સુન મારી ગયા અને હવે આત્મહત્યા કરવા સિવાયનો કોઇ રસ્તો જ તેની સામે બાકી રહ્યો ન હતો.

લગભગ બીજી બે મિનિટ સુધી તે તેની જગ્યાએ જ વિચારશુન્ય બનીને બેસી રહી અને પછી પોતાના આંસુઓ લુછતા આત્મહત્યા કરવાના ઇરાદા સાથે ઊભી થઈ પણ ત્યા જ તેણે એક નામ સાંભળ્યુ.

“એય તન્મય!”

આરતીએ તે અવાજની દિશામા જોયુ પણ તેને તે ચહેરો ન દેખાયો જે તે જોવા માંગતી હતી પણ તે નામ સાભળતાની સાથે જ તેની આંખોમા એક ચમક આવી ગઈ. તે ફરીથી પોતાને જગ્યા પર બેસી ગઇ અને પોતાના ફોનમા એક મેસેજ શોધવા લાગી અને બે મિનિટ પછી તેના હોઠ ફફડી ઊઠયા.

“વડોદરા.” આરતી ધીમેથી બોલી.

To be continue…

બીજા રસપ્રદ વિકલ્પો