Aangadione sahare - 2 books and stories free download online pdf in Gujarati

આંગળીઓને સહારે Bhaag 2

આંગળીઓને સહારે

ભાગ 2

તેજસ પટેલ

તન્મય, આરતીની જિંદગીનું એક એવું નામ જે તેના પરિવાર કે તેના ગામના લોકો માટે અજાણ્યું તો ન હતું પણ વધારે જાણીતું કહી શકાય તેમ પણ ન હતું અને આરતી ખુદ પણ તે નામને પોતાની જિંદગીમાંથી ભુલાવવાનો પ્રયત્ન કરી ચુકી હતી પણ તે નામે તેની જિંદગીમાં એવી તે છાપ છોડી હતી કે કદાચ તે પોતે ચાહે તો પણ તે નામને ભૂલી શકે તેમ ન હતી; અને કદાચ એટલે જ જે છોકરાને તે છેલ્લા પોણા ચાર મહિનાથી મળી ન હતી કે જેની સાથે તેણે વાત પણ ન કરી હતી તે છોકરાનું નામ સાંભળતાની સાથે જ આજે તેને તેની જિંદગીની સૌથી મોટી મુસીબતોમાંથી બહાર નીકળવાનો એક આખરી રસ્તો મળી ગયો અને આપોઆપ તેના મનમાં તેની તે નામ સાથે જોડાયેલી દરેક યાદો તાજા થવા લાગી.

તન્મય, આરતીના કાકાના દીકરા આકાશની પત્ની આકાંક્ષાના કાકાનો દીકરો; સગાઈ ઘણી લાંબી હતી એટલે પોતાની ભાભીનો તેના સગા ભાઈ સિવાયનો પણ એક બીજો ભાઈ છે તેની જાણ આરતીને તેમના લગ્નના એક વર્ષ પછી થઈ હતી.

આમ તો તન્મય આરતી કરતા ખાલી અઢી વર્ષ મોટો હતો એટલે તેનો હમઉમર જ કહી શકાય તેમ હતો પણ આરતીનું આટલા લાંબા સમય સુધી તેના તે હમઉમર સંબંધી વિશે ન જાણવાનું મુખ્ય કારણ આરતીનું તેના પરિવારથી અળગા રહેવાનું હતું.તેની તન્મય સાથેની તે મુલાકાતના એક વર્ષ પહેલા જ્યારે તેના ભાઈ-ભાભીના લગ્ન થયા હતા ત્યાં સુધીમાં તો તે તેના પારિવારિક અણબનાવોને કારણે તેના પરિવારથી અલગ થવાની કદાર સુધી આવી પહોંચી હતી; અને એટલે જ જે લગ્નમાં તે તન્મય વિશે બહુ આસાનીથી જાણી શકતી હતી તે લગ્નમાં તેની હાજરી બસ નામ પૂરતી જ રહી જવા પામી હતી; અને તેમના લગ્ન પછી પણ તે તેના ઘરથી બે જ ઘર છોડીને આવેલા તેના કાકાના ઘરે ભાગ્યે જ બે કે ત્રણ મહિનામાં એક વાર જતી હતી પણ આખરે તેના નસીબના જોરે તેની તેવી જ એક હરતી ફરતી મુલાકાત વખતે આજથી દોઢ વર્ષ પહેલાં તેનો મેળાપ તન્મય સાથે થયો હતો.

જે રીતે આરતી માટે તેની ભાભીનો તેના સાગા ભાઈ સિવાયનો બીજો કોઈ ભાઈ ન હતો તે જ રીતે તન્મય માટે પણ સરીતા અને રોનકની બીજી કોઇ સગી બહેનનું કોઈ અસ્તિત્વ જ ન હતું. તેણે પણ તેમની પહેલી મુલાકાત વખતે જ તેના વિશે જાણ્યું હતું. તેમની પહેલી મુલાકાત વખતે સરીતા પણ ત્યાં જ હતી અને પહેલી જ મુલાકાતમાં આરતીએ તન્મયની આંખોમાં રહેલા સરીતા માટેના પ્રેમના ભાવોને વાંચી લીધા હતા.સામે પક્ષે સરિતાની આંખોમાં પણ તેને તેવા જ ભાવો દેખાયા હતા એટલે તે બંનેની વચ્ચે વધારે ઊભા રહ્યા વગર તે ત્યાંથી જવા લાગી હતી પણ ત્યાં જ તન્મયે તેને રોકીને તેની પાસે તેનો ફોન નંબર માંગ્યો હતો.

તન્મયે એકદમ સહજતાથી તે કામ કર્યું હતું પણ આરતી માટે તે એકદમ અસહજ બની રહ્યું હતું, અને તન્મયની આંખોમાં રહેલા પોતાની સગી બહેન માટેના પ્રેમને જોઈ લીધા પછી તો તેને તે અજુગતું પણ લાગ્યું હતું, પણ વાતને આગળ વધાર્યા વગર તે તેને પોતાનો નંબર આપીને ત્યાંથી જતી રહી હતી.

આરતીને પહેલા તો લાગ્યું હતું કે કદાચ તેની સુંદરતા જોઈને તન્મયે તેનો નંબર માંગી લીધો હતો પણ જ્યારે નંબર આપ્યાના અઠવાડિયા પછી પણ તેનો ફોન નહોતો આવ્યો ત્યારે તેણે વિચાર્યું હતું કે કદાચ બસ સરિતાને જલન મહેસુસ કરાવવા માટે તેણે તેનો નંબર લીધો હતો અને તે તેને ક્યારેય ફોન કરવાનો ન હતો; એટલે તેના વિશે પોતાની ભાભીને પૂછવાનું કે તેના વિશે વધુ કંઈ જાણવાનું તેને વધારે જરૂરી લાગ્યું ન હતું અને બહુ જલ્દી જ તે તેને ભૂલી પણ ગઈ હતી; પણ નંબર લીધાના ઠીક પચ્ચીસ દિવસ પછી તારીખ ૧/૧/૨૦૧૬ની સાંજે તન્મયે તેને પહેલો ફોન કર્યો હતો, તેને હેપ્પી ન્યુ યર કહેવા માટે અને પહેલા જ દિવસે તે બંને વચ્ચે લગભગ એક કલાક વાત થઈ હતી.

"આ કઇ રીતે થઈ ગયું યાર?"તે એક કલાકની વાત પછી આરતીના મનમાં ઉઠેલો, આનંદની અને ઉમળકાની લાગણીથી તરબોળ એવો તે પહેલો સવાલ હતો; અને તે સવાલ, તે લાગણીઓ તેના મનમાં ઉઠતા પણ કેમ નહીં? પહેલી મુલાકાતમાં જે તન્મય તેને એક દમ સીધો સાદો દેખાયો હતો તેની સાથે ફોન પર ચાલેલી એક કલાકની વાતોમાં જે રીતે તેણે તેની સાથે વાત કરી હતી તે રીત તેની તે સાદાઈના વિરુદ્ધમાં એવી તે અજોડ અને અદભુત હતી કે જેની તે પોતે ક્યારેય કલ્પના પણ કરી શકે તેમ ન હતી.

એવું ન હતું કે આરતીએ તે પહેલા કોઈ છોકરા સાથે ફોન પર વાત ન કરી હતી એટલે તે તેનાથી અંજાઈ ગઈ હતી ઉલ્ટું તેને તો તેના સ્કૂલના ઘણા છોકરાઓ ક્યાંકથી ને ક્યાંકથી તેનો નંબર મેળવીને ફોન કરતા રહેતા હતા; પણ તે બધાની વાતોમાં એક સમાનતા રહેતી હતી, તેની સુંદરતાની તારીફો કરવાની, પણ તે જુઠી તારીફોની પાછળ રહેલો તેને પામવાનો ઈરાદો તે સ્પષ્ટપણે મહેસુસ કરી શકતી હતી અને અહીંયા જ તન્મય તે બધાથી અલગ પડ્યો હતો.

તન્મયે આરતી સાથે એક કલાક જેટલા લાંબા સમય સુધી વાત તો જરૂર કરી હતી પણ તે એક કલાકમાં તેના મોઢે આરતીની સુંદરતાની તારીફ કરતો એક શબ્દ પણ નહોતો નિકળ્યો, અલબત પહેલા અડધા કલાકમાં તો તે બસ આરતીને પોતાના વિશે જ અલગ અલગ વાતો કહેતો રહ્યો હતો, જેમકે તે વડોદરામા રહેતો હતો જ્યા તે દોઢ વર્ષ પહેલાં એન્જીનીયરીંગ કરવા માટે ગયો હતો પણ તેને તે ન ફાવતા તેણે ભણવાનું છોડી દીધું હતું અને પછી ત્યાં જ વડોદરામાં રહીને પ્રાઇવેટ જોબ કરવા લાગ્યો હતો; તેના મા બાપ તે દસ વર્ષનો હતો ત્યારે જ અવસાન પામ્યા હતા અને ત્યારથી તે તેના મોટા પપ્પા અને બા સાથે જ રહેતો હતો અને તેના માટે તેની દીદી આકાંક્ષાથી વધીને આ દુનિયામાં બીજું કોઈ ન હતું.તન્મયની તે દરેક વાતોમાં તેનો મજાકિયો સ્વભાવ, તેની લાગણીઓ, તેની પોતાની જિંદગી જીવવાની રીતો અને તેના દરેક શબ્દોમાં રહેલી એક અદમ્ય સચ્ચાઇ, તે બધું જ આરતીની સામે આવી ગયું હતું અને તે, તે બધી લાગણીઓના પ્રવાહમાં એવી તે તણાઇ હતી કે તન્મયે જ્યારે પોતાની વાતો પુરી કરીને ફોન મુકવા માટે કહ્યું હતું તો તેનાથી રહેવાયું ન હતું અને તેણે સામેથી જ તન્મયને પોતાની સાથે વધારે વાત કરવા માટે કહી દીધું હતું.

તન્મય તેની તે ઉત્સુકતા જોઈને એક પળ માટે તો હસી પડ્યો હતો અને આરતીને પણ પોતાની તે વાત પર થોડોક ક્ષોભ થઈ આવ્યો હતો પણ તેનું આવું કહેવું ખરેખર સ્વાભાવિક હતું; કારણકે તન્મય પહેલાં જેટલા પણ છોકરાઓ સાથે તેણે વાત કરી હતી તે બધા જ હંમેશા પોતાના વિશે તેને કઈ ન કહીને, તેના વિશે જાણવાનો પ્રયત્ન કરતા રહ્યા હતા; અલબત, કરણે પણ તેની સાથે આવું જ કઈ કર્યું હતું પણ કરણ તેની જિંદગીમા બહુ નાની ઉંમરમાં આવ્યો હતો એટલે નાદાનીમા તેણે તેના સ્વભાવને કે તેના વિચારોને સમજ્યા વગર પોતના વિશે બધું જ કહી નાખવાની ભૂલ કરી નાખી હતી પણ તેના ગયા પછી આરતીએ ક્યારેય કોઈ છોકરા સામે તે ભૂલ દોહરાવી ન હતી પણ તન્મયની સામે તે સામેથી જ તે ભૂલ કરવા માટે તૈયાર થઈ ગઈ હતી અને તેનું કારણ હતું કે તન્મય તેની જિંદગીમાં આવેલો પહેલો એવો છોકરો હતો જેણે તેને પોતાના વિશે તો બધું જ કહી દીધું હતું પણ તેના વિશે એક શબ્દ પણ જાણવાનો પ્રયત્ન કર્યો ન હતો અને તેની તે વાતે તેને એવી તે મંત્રમુગ્ધ કરી હતી કે તેણે સામેથી જ તેને ફોન ન મુકવાનું કહીને તેને પોતાના વિશે બધું જ કહેવાનો નિર્ણય લઈ લીધો હતો અને જ્યારે તન્મયે એક પળ માટે તેની તેના પ્રત્યેની તે મંત્રમુગ્ધતા જોઈને હસીને બીજી પળે તેને પોતાની વાતો કહેવા માટે કહ્યું હતું ત્યારે ખરેખર આગલા અડધા કલાકમાં તેણે તેને પોતાની જિંદગીની તે વાતો પણ કહી દીધી હતી જે તેણે ક્યારેય પણ કોઈને પણ નહોતી કહી.

પહેલા ફોનના તે રોમાંચકારી અને અદભુત અનુભવ પછી તો આરતી તન્મયના ફોનની આતુરતાથી રાહ જોવા લાગી હતી અને તન્મય પણ જાણે તેની તે આતુરતાને જાણી ગયો હોય તેમ બે જ દિવસ પછી તેણે તેને ફરીથી ફોન કર્યો હતો અને તે દિવસે તો તે બંને વચ્ચે પહેલા દિવસ કરતા પણ વધારે લાંબા સમય સુધી વાત થઈ હતી અને પછી તો તેમની તે વાતોનો સિલસિલો આમ જ આગળ વધતો રહ્યો હતો.તન્મય દર બીજા કે ત્રીજા દિવસે આરતીને ફોન કરતો હતો અને કોઈ કારણસર તેનો ફોન ન આવતો તો આરતી સામેથી જ તેને ફોન કરી દેતી હતી અને કોઈ પણ કામ વગર કોઈને સામેથી ફોન કરવાના મામલામા પણ આરતી માટે તન્મય તેની જિંદગીનો પહેલો અને છેલ્લો શખ્સ જ રહ્યો હતો.

આરતી અને તન્મયનો ફોન પરની વાતોનો તે સિલસિલો તેમજ આગલા બે મહિના સુધી ચાલ્યો હતો અને તે બે મહિનામાં તે બંને જણા એકબીજા વિશે લગભગ બધું જ જાણી ચુક્યા હતા પણ આરતીને તન્મય વિશે સૌથી વધારે ખુશી તો તે જાણીને થઈ હતી કે તેના દિલમાં સરિતા માટે એવી કોઈ લાગણીઓ ન હતી, જેવું તે તેમની પહેલી મુલાકાત વખતે સમજી હતી.આમ તો આરતીએ તે વાત આડકતરી રીતે જ જાણી હતી પણ તન્મય વિશે તે જાણી લીધા પછી તો તેણે તેના દિલમાં રહેલી તેના માટેની દરેક લાગણીઓને તેની સામે ખુલીને વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું હતું અને સામે છેડે તન્મય તરફથી પણ તેને એવા જ પ્રતિભાવો આવતા રહયા હતા પણ બંનેમાંથી એકે પણ તે બે મહિનામાં પોતાના પ્રેમનો એકરાર ખુલીને કર્યો ન હતો.

એવું ન હતું કે તે બે મહિનામાં તે બંને વચ્ચે ખાલી ફોન પર જ વાત થઈ હતી; ઉલ્ટું તે બે મહિનામાં તો તે બંને વચ્ચેની રૂબરૂ મુલાકાતનો આંકડો કુલ નવ નો હતો જે તેમની તે બે મહિના પછીના કુલ અગિયાર મહિનાની મુલાકાતો કરતા પણ વધારે હતી.એક રીતે તો તેમની તે મુલાકાતો ખાલી એક જ મહિનામાં થઈ હતી અને તેમની તે એક મહિનામાં આટલી વધારે રૂબરૂ મુલાકાતોના કુલ બે કારણો હતા; પહેલું કારણ હતું કે ફેબ્રુઆરી મહિનાની પહેલી તારીખે તન્મયનો જન્મદિવસ હતો અને આરતીએ ફોન પર તેની સામે તેને વડોદરાથી મળવા આવવાની જીદ કરી હતી અને ત્યારબાદ પણ તે તેની સામે તેવી જીદ કરતી રહી હતી અને બીજું કારણ હતું કે માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં તન્મયના મોટા પપ્પાના દીકરા અરુણના લગ્ન હતા; જેની તૈયારીઓ માટે તન્મયે વારંવાર વડોદરાથી તેના ઘરે આવવું પડ્યું હતું.

એક મહિનાની તે રૂબરૂ મુલાકાતોને કારણે તે બંને એકબીજાના એવા તે બેસ્ટ ફ્રેન્ડ બની ગયા હતા કે આરતી તન્મયને વ્હાલથી તનું અને તન્મય તેને વ્હાલથી અનુ કહેવા લાગ્યો હતો.સાથે સાથે જ તે ફ્રેન્ડશિપને કારણે આરતી સામે તન્મયની થોડીક બીજી ખૂબીઓ પણ આવી ગઈ હતી જેમકે, તેની પહેલી ખૂબી હતી કે તે મજાકિયા સ્વભાવનો હતો પણ સાથે સાથે જ તેનાથી વિરુદ્ધ એવી શરમાળ પ્રકૃતિ પણ તેનામાં ખૂબ જ પ્રમાણમાં હતી; જેના કારણે તે બહુ ઓછા લોકો સાથે વાત કરતો હતો પણ તે જે પણ વ્યક્તિ સાથે વાત કરતો હતો તેની સાથે એવા ભરપૂર આત્મવિશ્વાસ સાથે વાત કરતો હતો કે સામેવાળો વ્યક્તિ આપોઆપ તેની વાત કરવાની છટાથી અંજાઈ જતો હતો અને એવું જ કઈ તેણે આરતી સાથે પણ કર્યું હતું.તેની બીજી ખૂબી હતી કે તે કોઈની સાથે પણ એવી મજાક ક્યારેય કરતો ન હતો જેનાથી કોઈના દિલને ઠેસ પહોંચે; પણ જ્યારે કોઈ તેની તેવી મજાક ઉડાવવાની કોશિશ કરતું, ત્યારે તેનામા રહેલો હાજરજવાબીનો પણ એક અદભુત ગુણ સામે આવતો હતો અને તેનો જવાબ સામેવાળી વ્યક્તિ માટે હંમેશા એવો સટીક રહેતો હતો કે તે વ્યક્તિ બીજી વખત તેની સાથે કોઈ પણ પ્રકારની મજાક કરવાની હિંમત કરી શકતો નહીં.તેની ત્રીજી અને આરતીને સૌથી વધારે પસંદ આવવાવાળી ખૂબી હતી તેનો તેના પરિવાર પ્રત્યેનો પ્રેમ.આમ તો તન્મય માટે તેની દીદી આકાંક્ષા સૌથી વધારે મહત્વ રાખતી હતી તે વાત તો આરતી તેમના પહેલા ફોન વખતે જ સમજી ગઈ હતી; પણ ધીરે ધીરે તે બે મહિનાની વાતચીત દરમિયાન તેને તન્મયના દિલમાં રહેલા તેના મોટા પપ્પા, બા અને તેના ભાઈ અરુણ પ્રત્યેનો પ્રેમ અને સન્માન પણ જોવા મળ્યા હતા અને તેની તે ખૂબી આરતીને સૌથી વધારે પસંદ આવી હતી.

આ ત્રણ ખૂબીઓની સાથે-સાથે તે બે મહિનામાં આરતીની સામે તન્મયની બે ખરાબ આદતો પણ આવી હતી; પહેલી તો એ કે તે તેના જીવનમાં પોતાના કરિયર પ્રત્યે બિલકુલ પણ ગંભીર ન હતો અને તેના કારણે જ તેણે ભણવાનું પણ છોડી દીધું હતું અને બીજી એ કે તે કોઈપણ વાતમાં બહુ જ જલ્દી ગુસ્સે થઈ જતો હતો.તેની પહેલી ખરાબ આદત તો આરતી તેના મજાકિયા સ્વભાવના કારણે સ્પષ્ટપણે મહેસુસ કરી શકી હતી પણ તેની બીજી ખરાબ આદત આરતીએ ક્યારેય પ્રત્યક્ષ જોઈ ન હતી બસ તેના વિશે આકાંક્ષાના મોઢે સાંભળ્યું હતું અને તેમાં પણ આકાંક્ષાએ તેને એમ કહેલું કે હવે તેની તે બંને ખરાબ આદતો ધીરે ધીરે છૂટી રહી હતી.આમ તો તે વાત આરતી માટે એક આશ્વાસન હતી પણ કદાચ તે આશ્વાસન તેને ન મળ્યું હોત તો પણ ચાલે તેમ હતું કારણકે તન્મયની તે ત્રણ ખૂબીઓને કારણે અને ખાસ કરીને તેની ત્રીજી ખૂબીને કારણે આરતી પહેલા જ તે બે મહિનામાં તેના તરફ આકર્ષિત થઈ ચૂકી હતી અને તેને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો.

આમ તો તે એક મહિનામાં આરતી અને તન્મયને એકબીજા સાથે સમય વિતાવવાના ઘણા મોકા મળ્યા હતા પણ તે દરેક મોકામા જ્યારે પણ તે બંનેમાંથી કોઈ એક, બીજા સામે પોતાના પ્રેમનો એકરાર કરવા જતું તો કોઈને કોઈ ત્રીજી વ્યક્તિ વચ્ચે આવી જ જતી હતી; ક્યારેય સરિતા, ક્યારેક આકાંક્ષા, ક્યારેક રોનક તો ક્યારેક બીજું કોઈ અને તે દરેક પરિસ્થિતિ વખતે આરતીને તે બધા એટલો ગુસ્સો આવતો હતો કે તેના મનમાં થતું હતું કે તે તે બધાનું ખૂન કરી નાખે પણ આખરે તો તેને તેનો તે ગુસ્સો તેના મનમાં જ દબાવીને રાખવો પડ્યો હતો.તે એક મહિનામાં પ્રેમનો એકરાર કરવા માટેના દરેક નિષ્ફળ પ્રયાસને જોઈને આખરે આરતીએ અરુણના લગ્નમાં જ તન્મયની પાસે પ્રેમનો એકરાર કરાવવાનું નક્કી કરી નાખ્યું હતું અને જો તે તેવું ન કરી શકે તો તે સામેથી જ તેની સામે પોતાનો પ્રેમનો એકરાર કરી દેશે તેવું પણ તેણે મનોમન વિચારી રાખ્યું હતું.

આરતીએ પોતાની આખી જિંદગીમાં જો કોઈના લગ્નમાં તૈયાર થઈને સારું દેખાવા માટે સૌથી વધારે મહેનત કરી હતી તો તે લગ્ન અરુણના હતા; એક એવી વ્યક્તિના લગ્ન જેનું તે ખાલી નામ જાણતી હતી અને તેનો પોતાની સાથેનો સંબંધ જાણતી હતી અને તેમ છતાં પણ તેણે તે બધું જ કર્યું હતું તેનું એક માત્ર કારણ તન્મય હતો અને તે લગ્નમાં તેની તે સુંદરતાનો જાદુ તન્મય પર બખૂબી ચાલ્યો હતો.લગ્નમા સગાઈના પહેલા જ દિવસે જ્યારે આરતી ખૂબ જ સરસ રીતે તૈયાર થઈને તેના ઘરેથી તે સગાઈમાં ગઈ હતી ત્યારે તે સગાઈમાં તેને જોતાંની સાથે જ તન્મયના ચહેરા પર તેનો પ્રેમ સ્પષ્ટપણે આવી ગયો હતો અને તે જોતાંની સાથે જ આરતીને તે વાતનો વિશ્વાસ થઈ ગયો હતો કે હવે તન્મય તેની સામે પ્રેમનો એકરાર કરવા માટે વધારે સમય લગાડવાનો ન હતો.

આરતીનો તે વિશ્વાસ લગ્નમાં સગાઈના અને મંડપના બે દિવસોમાં તો તન્મયની કામોની વ્યસ્તતાના કારણે પૂરો થયો ન હતો અને લગ્નના ત્રીજા અને જાન જવાના છેલ્લા દિવસે પણ જ્યારે તન્મયને તેના કામોની વ્યસ્તતામાંથી છુટકારો મળ્યો હતો અને તે તેની સામે પોતાના પ્રેમનો એકરાર કરવાનો જ હતો ત્યારે પણ આકાંક્ષાએ તેને કોઈ કામથી બોલાવી લીધો અને તે પોતાની વાત અધૂરી છોડીને કમને પણ ત્યાંથી જતો રહ્યો હતો.આમ તો આવું તે પહેલા એક મહિનામાં ઘણી વાર થઈ ચૂક્યું હતું એટલે આરતીને તે વાત વધારે અજુગતું ન લાગી હતી અને તેણેે વિચાર્યું હતું કે ક્યારેક ને ક્યારેક તો તન્મય તેની સામે પોતાના પ્રેમનો એકરાર કરી જ શકશે પણ જ્યારે તે તેને ત્યાંથી જતા જોઈ રહી હતી ત્યારે તેને તે વાતનો અંદાજો ન હતો કે તન્મયના ત્યાંથી જવાથી તે બંનેના સંબંધના એક એવા અણધાર્યા અંતની શરૂઆત થવાની હતી જેની તે ક્યારેય કલ્પના પણ કરી શકે તેમ ન હતી.

તે લગ્ન પુરા થયાના બીજા જ દિવસે તન્મય વડોદરા પાછો જતો રહ્યો હતો અને સંજોગોવશાત બન્યું એવું હતું કે તે જ દિવસે આરતીનો ફોન પણ બગડી ગયો હતો જેને રિપેર કરવામાં આગલા બે મહિના જેટલો સમય નીકળી જવાનો હતો.આમ તો તે બે મહિના આરતી માટે સામાન્ય જ વીત્યા હતા પણ તે બે મહિનામાં તેની જિંદગીમાં નાની-નાની પણ ખૂબ અસરદાર એવી ત્રણ ઘટનાઓ બની હતી જેના કારણે તેની જિંદગી જડમૂળથી બદલાઈ જવાનો પાયો નંખાયો હતો.પહેલી ઘટના હતી કે તે બે મહિનામાં આરતીની તન્મય સાથે ફોન પર એક પણ વખત વાત થઈ શકી ન હતી અને તે બે મહિના પછી પણ જ્યારે તેનો ફોન રિપેર થઈને આવ્યો હતો ત્યારે તેમાંથી બધાના જ નંબર નીકળી ચુકવાના કારણે તે તેને ફોન કરી શકી ન હતી, બીજી ઘટના હતી કે તે બે મહિનામાં જ આરતીની દોસ્તી તેની જિંદગીના સૌથી મોટા વિલન નિલય સાથે થઈ હતી અને ત્રીજી અને સૌથી મહત્વની ઘટના એ ઘટી હતી કે જ્યારે બે મહિના પછી તેની તન્મય સાથે એક આકસ્મિક એવી બે મિનિટની મુલાકાત થઈ હતી ત્યારે તે બે જ મિનિટમા તન્મયે પોતાના વર્તનથી તેને તે વાતનો અહેસાસ અપાવી દીધો હતો કે તે બે મહિનામાં તે ભલે તેને ન ભૂલી હતી પણ તે તેને જરૂર ભૂલી ચુક્યો હતો અને તે પણ બહુ જ સારી રીતે.

તન્મયના તેવા રૂક્ષ વર્તન છતાં પણ આરતીએ તે મુલાકાતમાં સામેથી તેની પાસે તેનો ફોન નંબર માંગ્યો હતો પણ 'તે જાતે જ તેને ફોન કરશે' એમ કહીને તે ત્યાંથી જતો રહ્યો હતો.એવું ન હતું કે આરતીએ તેની તે વાત પર વિશ્વાસ નહોતો કર્યો પણ જ્યારે તે વાતને સમય વીતતો ગયો હતો અને તન્મયે વડોદરાથી ત્યાં આવીને તેને તેના ઘરે મળવા આવવાનું પણ સદંતર બંધ કરી દીધું હતું ત્યારે તેનો તે વિશ્વાસ ડગમગાઇ ગયો હતો.તેના પોતાના પ્રત્યેના આવા વર્તન પછી પણ આરતીએ ઘણી વાર આકાંક્ષા કે સરીતા પાસે પણ તેનો નંબર માંગીને તેના આવા વર્તન વિશે તેની સાથે વાત કરવાનું વિચાર્યું હતું પણ તે લોકો તેના વિશે કંઇક ખોટું વિચારી લેશે અને તેના કારણે તન્મયને કંઇક પ્રોબ્લેમ થઈ જશે એમ વિચારીને તે પોતાના મનમાં જ ઘૂઘવાતી રહી હતી.બીજી બાજુ નિલયનો તેની જિંદગીમાં ધીરે ધીરે પ્રવેશ થવા લાગ્યો હતો.તેના ફોન અને મેસેજો એકાંતરેથી વધીને દરરોજના થવા લાગ્યા હતા અને તેના કારણે આરતીના મનમાં પોતાના કરતા આઠ વર્ષ મોટા તે વ્યક્તિ માટે પણ કૂણી લાગણીઓ જન્મ લેવા લાગી હતી પણ તે કૂણી લાગણીઓ તેના મનમાં રહેલા તન્મય માટેના પ્રેમ પર ત્યારે જ હાવી થઈ શકી હતી જ્યારે તન્મય તેની જિંદગીમાં ફરી પાછો આવ્યો હતો.

તન્મયના પોતાના પ્રત્યેના ખરાબ વલણ અને પોતાની જિંદગીમાં નિલયના આવી ચૂકવા છતાં પણ આરતીને મનમાં ક્યાંક ને ક્યાંક એક એવો ઊંડો વિશ્વાસ હતો કે તન્મય તેની જિંદગીમાં ફરી પાછો આવશે જ; અને આખરે ત્રણ મહિના પછી તેનો તે વિશ્વાસ ફળીભૂત થઈ જ ગયો હતો અને તે પણ તેના જન્મદિવસના દિવસે.આરતીને તે દિવસે બે સૌથી મોટી ખુશીઓ મળી હતી, પહેલી તો એ કે તે તે દિવસે તે સત્તર વર્ષની થઈ ગઈ હતી અને બીજી એ કે તે તન્મયને એકલી મળી શકી હતી અને મોકો જોઈને આખરે તન્મયે તેની સામે પોતાના પ્રેમનો એકરાર કરી જ દીધો હતો.આમ તો તેણે તે બધું મજાક કરતા કરતા જ કહ્યું હતું પણ આરતી તેની તે મજાક પાછળ રહેલા પ્રેમને બહુ જ બખૂબી રીતે સમજી ગઈ હતી અને એટલે જ તેણે તેની પાસેથી તેનો ફોન નંબર પણ જબરદસ્તી કરીને પણ લઈ લીધો હતો જેથી તે તેની સાથે ફરીથી વાત કરી લેશે.

આરતીના જન્મદિવસના બીજા જ દિવસે તન્મય પાછો વડોદરા જતો રહ્યો હતો અને તે જ દિવસથી આખરે પાંચ મહિના પછી તે બંને વચ્ચે ફરીથી ફોન પર વાતો શરૂ થઈ ગઈ હતી; પણ તન્મય સાથેની ફોન પરની તે નવી શરૂઆત એક ભૂલ હતી તેનો અછડતો અહેસાસ આરતીને તે પહેલા જ ફોનમા આવી ગયો હતો જ્યારે પાંચ મહિના પછીના તે પહેલા જ ફોનમાં તન્મયે તેને તેના વિશે નહીં પણ નિલય વિશે પૂછ્યું હતું.આરતીને તે વાતથી થોડોક ધક્કો લાગ્યો હતો કારણકે તન્મયે પહેલા બે મહિના સુધી જ્યારે તેની સાથે વાતો કરી હતી ત્યારે તેણે ક્યારેય પણ તેના વિશે કઈ પણ જાણવાની કોશિશ કરી ન હતી અને તેની આ જ વાત તેને સૌથી વધારે ગમી પણ હતી પણ પાંચ મહિના પછીના તે પહેલાં જ ફોનમાં તેની વાતો જે રીતે બદલાઈ હતી તે વાતે તેને નવાઈ પમાડી હતી અને તેનું દિલ પણ દુખાવ્યું હતું.પહેલા ફોનની તન્મયની તે નવાઈ ભરેલી અને દિલને ઠેસ પહોંચાડતી વાતો છતા પણ આરતીએ તેને હળવાશમાં લઈને તેની સાથે ફોન પરની વાતો શરૂ રાખી હતી પણ ત્યારબાદના દરેક ફોનોમાં પણ તે તેને નિલય વિશે કંઈક ને કંઈક કહેતો રહ્યો હતો અથવા તો તેના વિશે જ તેને બધું પૂછતો રહ્યો હતો.આમ તો આરતીને તેના નિલય વિશે પૂછવા બાબતે પણ વાંધો ન હતો પણ જે રીતે તે તેને નિલય વિશે પૂછતો હતો તેમાં તેનો તેના પ્રત્યેનો અવિશ્વાસ અને શંકા સ્પષ્ટપણે મહેસુસ થઈ જતા હતા અને આરતીને પોતના વિશે તેનું બધું જ જાણવા છતાં પણ તેના તે અવિશ્વાસ અને શંકા બાબતે વાંધો હતો.

તન્મયની ફોન પરની આવી વાતો બાદ પણ આરતીએ તેને પોતાના પ્રેમ ખાતર માફ કર્યો હતો પણ હદ તો ત્યારે થઈ ગઈ હતી જ્યારે પંદર દિવસ પછી તન્મય વડોદરાથી પોતાના ઘરે પાછો આવ્યો હતો અને ત્યારે થયેલી તેમની એક રૂબરૂ મુલાકાતોની વાતોમાં પણ તે દર ત્રીજી કે ચોથી વાતમાં નિલયનો ઉલ્લેખ કરતો રહ્યો હતો અને તેની પાસેથી બસ નિલય વિશે જ જાણવાનો પ્રયત્ન કરતો રહ્યો હતો.તેની તે હરકત પર આરતીને ગુસ્સો તો બહુ જ આવ્યો હતો પણ પોતાના ગુસ્સા પર કાબુ રાખીને તેણે તેને સ્પષ્ટપણે કહી દીધું હતું કે તેનો નિલય સાથે તેવો કોઈ સંબંધ ન હતો જેવું તે વિચારી રહ્યો હતો પણ જ્યારે વડોદરા પાછા જઈને કરેલા પહેલા ફોનમાં પણ તેણે તે જ વાતો કરી હતી ત્યારે આખરે આરતીને તે વિશ્વાસ થઈ ગયો હતો કે હવે તન્મયને તેના પર કે તેની વાતો પર રતીભારનો પણ વિશ્વાસ રહ્યો ન હતો અને એટલે જ આખરે આરતીએ તે ફોનમાં તન્મયને શાંતિથી અને સ્પષ્ટપણે કહી દીધું હતું કે હવે તે તેની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવા માંગતી ન હતી.

***

આરતીએ ટાઈમ જોવા માટે પોતાના મોબાઇલની ડિસ્પ્લે ઓન કરી.રાતના બાર વાગી ચુક્યા હતા.ટાઈમ જોઈને તે સીધી જ ઇન્કવાઈરી કાઉન્ટર પાસે જવા માટે ઊભી થઇ.એક પળ માટે તો તેણે પોતાની જગ્યા રોકી રાખવા માટે પોતાનું બેગ ત્યાંજ તેની જગ્યા પર છોડી જવાનું વિચાર્યુ; આમ પણ તેની બેગમાં તેના ત્રણ જોડી કપડા સિવાય બીજું કાંઈ ન હતું અને રૂપિયા તો તેની પાસે જ હતા પણ બીજી જ પળે તેને ધ્યાન આવ્યું કે તેના જરૂરી ડોક્યુમેન્ટ્સ જેમકે તેનો આધાર કાર્ડ, તેની સ્કુલ લિવિંગ સર્ટી અને તેની માર્કશીટ બધું જ તે બેગમાં જ હતું એટલે ત્યાં બેગ મૂકી જવું તેને હિતાવહ ન લાગ્યું અને તેનું બેગ લઈને તે સીધી જ ઇન્કવાઈરી કાઉન્ટર પાસે પહોંચી.

"વડોદરા જવા માટે સવારે ચાર વાગ્યા પછી ક્યારે બસ આવશે?"આરતીએ કાઉન્ટર પાસે પહોંચતાની સાથે જ પૂછ્યું.તેને ખબર હતી કે સુરતથી વડોદરા ચાર કલાકનો રસ્તો છે એટલે તેણે સમજીને સવારમાં વહેલું પહોચાય તે રીતની જ બસનો ટાઈમ પૂછ્યો.

"સવારે ચાર વાગ્યા પછી તો ઘણી બસ આવશે."ઇન્કવાઈરી કાઉન્ટર પર બેસેલા આધેડ ઉંમરની વ્યક્તિએ તેને જવાબ આપ્યો.

"ઓકે!થેન્ક યુ!"આરતીએ તે વ્યક્તિનો આભાર માનતા કહ્યું અને પછી તે સીધી જ પાછી પોતાની જગ્યા પાસે આવી પણ ત્યાં પહેલીથી જ કોઈ બીજુ બેસી ગયું હતું અને આખા બસ સ્ટેન્ડમાં બેસવાની બીજી કોઈ જગ્યા પણ ખાલી ન હતી એટલે તે ત્યાં જ બસ સ્ટેન્ડમાં આમથી તેમ આંટા મારવા લાગી.

આરતી કરણની મદદ ઠુકરાવીને ત્યાં બસ સ્ટેન્ડમાં આવી તેને ચાર કલાકનો સમય વીતી ચુક્યો હતો અને છેલ્લા ચાર કલાકથી તેનું મગજ બસ તેની મુસીબતોના વિચારોમાં જ અટવાયેલું હતું પણ હવે તેનું મગજ અને શરીર બંને થાક્યા હતા.તેનું માથું દુખવા લાગ્યું હતું અને સવારના નાસ્તા બાદ આખો દિવસ કઇ ન ખાવાના કારણે હવે તેને ભૂખ પણ બહુ જ લાગી હતી પણ તેની પાસે ખાલી પાંચસો જ રૂપિયા હતા અને તેમાંથી જ તેણે હજુ વડોદરા પણ જવાનું હતું એટલે કકડીને ભૂખ લાગી હોવા છતાં પણ તેણે ઊભા ઊભા જ ખાલી દસ રૂપિયાના બિસ્કિટ ખાધા અને વીસ રૂપિયાની પાણીની બોટલ લઇ તે બધું જ પાણી પીને પોતાની ભૂખને સંતોષી લીધી અને પછી ફરી જગ્યા ન મળવાના કારણે ત્યાંજ આમથી તેમ આંટા મારવા લાગી.

લગભગ અડધો કલાક બસ સ્ટેન્ડમાં આંટા માર્યા બાદ આખરે તેને બેસવા માટે પાછી જગ્યા મળી.આમ તો જગ્યા મળતાની સાથે જ આરતીને તેના છ કલાકના વિચારોના બોજના કારણે ઊંઘ આવી જવી જોઈતી હતી પણ પોતાની મુસીબત અને તે અજાણ્યા શહેરના ડરને કારણે તેની આંખોમાં દૂર દૂર સુધી ઊંઘનું નામોનિશાન ન હતું અને તે જ કારણે બેસતાની સાથે જ તેનું મગજ ફરીથી તેના અને તન્મયના ભૂતકાળમાં સરી પડ્યું.

***

તન્મય સાથેના તે છેલ્લા ફોન બાદ આરતી ખરેખર ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી.તેનું દિલ એ હદે ઘવાયું હતું કે ફોન મુકતાની સાથે જ તે રડવા લાગી હતી અને યોગનુંયોગ તે જ સમયે નિલયે તેને ફોન કર્યો હતો.નિલયે તેને તેનું રડવાનું કારણ પૂછ્યું હતું અને આરતીએ લાગણીઓના પ્રવાહમાં વહીને તેને તન્મય સાથેની પોતાની બધી જ વાતો કહી દીધી હતી.તેની વાતો સાંભળીને પહેલા તો નિલયે તેને બહુ જ સાંત્વનાઓ આપી હતી અને પછી મોકાનો ફાયદો ઉઠાવતા તેની સામે પોતાના પ્રેમનો એકરાર કરી દીધો હતો.આરતીના મનમાં તેના માટે કૂણી લાગણીઓ તો પહેલેથી જ હતી અને પોતાના દુઃખી મનના કારણે તેણે વધુ વિચાર્યું પણ ન હતું અને નિલયના તે પ્રેમ પ્રસ્તાવનો બહુ આસાનીથી સ્વીકાર કરી લીધો હતો.

તન્મયના તે ફોન પછી કે નિલય સાથેના તે પ્રેમની શરૂઆત પછી પણ આરતી તન્મયને ભૂલી ન હતી પણ તેના દિલમાં તેના માટે નફરતનું એક બી જરૂર વાવાઈ ગયું હતું અને કહેવાય છે ને કે જ્યારે તમે કોઈને નફરત કરવા માંગો ત્યારે તમને તે નફરતના કારણો મળી રહે છે.તન્મય સાથેના તે આખરી ફોન બાદ આરતીએ તેના ફોન ઉપાડવાના તો સદંતર બંધ જ કરી દીધા હતા પણ ધીરે ધીરે તેની સામે તેના પરિવાર અને તેના ગામના લોકો દ્વારા તેની ખરાબ વાતો પણ આવતી ગઈ હતી જેમકે, તન્મયના તેના અને તેના આજુ બાજુના ગામની પણ ઘણી બધી છોકરીઓ સાથે અફેર હતા, તે દારૂ પીતો હતો, તે જુગાર રમતો હતો અને તેણે પોતાનું ભણવાનું પણ પોતાની ઐયાશીઓ માટે જ છોડ્યું હતું અને પોતાના દાદાના મોઢે તો આરતીએ ત્યાં સુધી સાંભળ્યુ હતું કે તન્મય જેવો છોકરો કોઈ છોકરી માટે ક્યારેય સારો બની શકે તેમ જ ન હતો.

તન્મય વિશેની તે ખરાબ વાતો સાંભળ્યા બાદ તો આરતીના મનમાં તેના માટે કોઈ માન રહ્યું ન હતું અને તેમનો સંબંધ બસ નામ પૂરતો જ રહી જવા પામ્યો હતો અને તે નામ પૂરતો સંબંધ પણ એટલા માટે હતો કારણકે તેના ફોન ન ઉપાડવા છતાં પણ ક્યારેક ક્યારેક તન્મય તેના ઘરે ખાસ તેને મળવા માટે આવતો રહ્યો હતો પણ આરતીને તેનું ત્યાં ખાસ તેને જ મળવા આવવાનું પણ ગમ્યું ન હતું અને આખરે સાડા ચાર મહિના પહેલાની એક મુલાકાતમાં તેણે શાંતિથી તન્મયને તેને મળવા આવવાની ના પાડી દીધી હતી અને તે જ તેમની આખરી મુલાકાત બની રહી હતી.

***

તન્મય સાથેની તે આખરી મુલાકાત બાદ આરતી ન તો તેને ક્યારેય મળી હતી કે ન તો તેણે તેને ક્યારેય જોયો હતો અને આજે પણ તે વડોદરા જઈ રહી હતી તેનું કારણ તન્મય પાસેથી કોઈ મદદ માંગવાનું નહીં પણ તેના ફોનમા વડોદરાના એક કોલ સેન્ટરની નોકરી માટે ઇન્ટરવ્યૂ લેવા બાબતે આવેલો એક મેસેજ હતો.આમ તો તે મેસજ તેના ફોનમાં દસ દિવસ પહેલા આવ્યો હતો અને ત્યારે જ તેણે ત્યાં જવાનો વિચાર પણ કર્યો હતો પણ પોતાના પરિવાર પાસેથી મદદની આશાએ અને વડોદરા દૂર હોવાને કારણે તેણે ત્યાં જવાનું ટાળ્યું હતું અને તે તે વાતને ભૂલી ગઈ હતી પણ આજે તેને ત્યાં બસ સ્ટેન્ડ પર તન્મયનું નામ સાંભળતા જ તે મેસજનું ધ્યાન આવ્યું હતું અને પોતાની તે મુસીબતમાથી બહાર નીકળવા માટે તે વડોદરા જવાની હતી.

બીજા ચાર કલાક સુધી આરતી ત્યાં જ પોતાની જગ્યાએ બેસી રહી અને પછી સવારે ચાર વાગ્યે ત્યાંથી વડોદરા જવાની બસમાં બેસી ગઈ.

સવારે સાત વાગ્યે આરતી વડોદરા બસ સ્ટેન્ડમાં હતી.

***

બીજા રસપ્રદ વિકલ્પો