એ બે આંખો…. - National story competition jan Ekta nirav doshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ બે આંખો…. - National story competition jan

એ બે આંખો….

એકતા દોશી

આજે ખબર નહીં કેમ યાદ આવી ગઈ મોટી મોટી, દુઃખી, પાણી ભરેલી એ બે કથ્થાઈ આંખો ….

મારી ઉંમર હશે એ વખતે લગભગ સોળ વર્ષ. મુગ્ધાઅવસ્થાની શરૂઆત. અગિયારમાં ધોરણનો, જુનિયર કોલેજનો પહેલો દિવસ. પહેલીવાર સ્કૂલબસ છોડી સીટી બસમાં મુસાફરી. એક જાતનો ઉત્સાહ, રોમાંચ અને મોટા થયાની લાગણી, બધું એક સાથે ઉછાળા મારતું હતું મારી અંદર. રોજ દેખાતું મારું મુંબઇ શહેર આજે સાવ અલગ દેખાતું હતું, ગગનમાં ઉન્મુક્ત વિહરતા વિહંગો આજે જાણે વધારે આઝાદ ભાસતાં હતાં. રસ્તામાં ક્યાંક ક્યાંક દેખાઈ જતો દરિયો મારી જેમ જ અનેરા ઉત્સાહથી ઘૂઘવતો હતો. ઝાડ-પાન પણ જાણે મને જોઈ હસું હસું થતાં હતાં. ઊંચી ઊંચી ઇમારતો પણ સુંદર અને રંગીન લાગતી હતી. આખું શહેર મારી જેમ જ નવા ઉમંગથી ભરેલું હતું. બસમાં કોઈ ઓળખીતું સાથે નહોતું એટલે મારી નજર આજુબાજુ ઉડતી હતી. એવામાં લગભગ મારી જ ઉંમરની એક છોકરી બસમાં ચડીને ભીખ માંગવા લાગી.

“માઇ ! કુછ દે દો ના, બહોત ભૂખ લગી હૈ. ઓ બાબુ…. ઓ ભૈયા … કોઈ તો મુજ બેચારી પર તરસ ખાઓ!”

હજારવાર ન ઇચ્છવા છતાં, મારી દ્રષ્ટિ વારેવારે એ છોકરી ઉપર જ અટકતી હતી. એક ઘસાઈ ગયેલું ફ્રોક, તેમાં પડેલા કોઈક કોઈક છિદ્રો, એ છિદ્રોમાંથી ડોકાતું એનું મેલું શરીર. કેટલાંય દિવસથી નાહી ન હોય તેવી. સાવ લુખ્ખા-સુક્કા વાળ, જે મેલથી એટલા ભરાઈ ગયા હતાં કે ખુલ્લા હોવા છતાં બિલકુલ ઉડતાં નહોતા. ટૂંકમાં, એ છોકરી મને ગંધાતી ગરીબીનો સાક્ષાત્કાર લાગતી હતી. આમ છતાં પણ એનામાં કંઈક અકથ્ય આકર્ષણ હતું અને હતી ખૂબ સુંદર બે કથ્થાઈ આંખો.

“જો આ સાફ સુથરી હોય અને સારા કપડાં પહેરે તો સારી લાગે એવી છે.”

મારા મન સાથે નો સંવાદ જાણે એ સાંભળી ગઈ, અને મારી સામે એક લાચારીથી જોવા લાગી. મારા ખિસ્સામાં બસનો પાસ હતો, પૈસા તો હતાં નહીં. મેં મારું ટીફીન કાઢી એમાંથી એક રોટલી એની તરફ લંબાવી. એ મારી પાસે લેવા આવે એ પહેલાં તો કન્ડક્ટરે તેને ધક્કો મારીને બસની નીચે ઉતારી દીધી. મેં બારીમાંથી રોટલી બહાર લંબાવી પણ બસ આગળ વધી ગઈ અને મારી સ્મૃતિમાં જડાઈ ગઈ, રોટલી તરફ જોતી તેની બે ભૂખી આંખો.

પછીના બે વર્ષમાં મેં કોઈ દિવસ તેને મારી બસમાં જોઈ નહીં. આ વાત હું લગભગ ભૂલી પણ જાત. અમે બધા મિત્રો બારમાં ધોરણ પાસ કર્યાની ખુશાલીમાં પાર્ટી કરવા નીકળ્યા. ભારતમાં મોલ કલચરની શરૂઆતના દિવસો એટલે અમે એક મોલમાં ગયા, ત્યાં જ એ મોલમાં મને એક છોકરી ભટકાઈ, તેને પડતી બચાવવા મેં તેના હાથ પકડી લીધા. તે યુવાવસ્થામાં પગ મૂકતી, સુંદર મજાની પાતળી અને ઊંચી દેહયાષ્ટિ ધરાવતી છોકરી હતી. ફેશનને અનુરૂપ વેશભૂષા, પરંતુ લુખ્ખા વાળ અને માપ વગરના ચંપલ એની આર્થિક સ્થિતિનો ચિતાર આપી દેતાં હતાં.

“પકડો….પકડો! છોકરી ચોર હૈ.” ના સમૂહ પોકાર પાછળ આવી રહ્યા હતાં.

“પ્લીઝ! મુજે જાને દો.” કહેતાં તેણે મારી સામે જોયું. અરે! આ તો એજ ભૂખી આંખો, આજે ભૂખી નહોતી, એમાં થોડી આજીજી, થોડો ક્રોધ અને કદાચ થોડું કપટ પણ હતું. બરોબર જોયું, પાક્કું આતો એ જ ભિખારી છોકરી છે! મને થોડીક આત્મગ્લાનિ થઈ આવી.એક રોટલી માટે ભટકતી છોકરીને જાણે ચોર બનવવામાં મારો પણ ફાળો હતો. તે મારો હાથ છોડાવવા કસમસતી હતી અને હું મારા વિચારોમાં મગ્ન!

લોકો અમારી પાસે પહોંચી ગયા, છોકરીની જડતી લેવામાં આવી, બે બ્રાન્ડેડ ગોગલ્સ, થોડી બ્રાન્ડેડ ઘડિયાળો, એકાદ સોનાની બુટ્ટી વિગેરે મળી આવ્યું. પોલીસ આવી અને તેને પકડી ગઈ, જતાં જતાં તેણે મારી સામું જોયું ત્યારે એ આંખોમાં મારા પ્રત્યે ગુસ્સા કરતાં મજબૂરી વધારે હતી. રાત્રે ઊંઘમાં પણ એ કથ્થઈ આંખો મને દેખાઈ જાતી.

આ વાતને પાંચ-છ મહિના થયા હશે.એક દિવસ મારે કોલેજથી પાછા ફરવામાં મોડું થઈ ગયું. જે વિસ્તારમાં મુંબઈના સારા ઘરની વ્યક્તિઓ દિવસના આજવાળામાં પણ જવાનું ધૃણાસ્પદ ગણે તે વિસ્તારમાંથી મારે નીકળવાનું થયું. મારી બસ કમાઠીપુરા પાસે જ બગડી. રાહ જોવા સિવાય બીજો વિકલ્પ નહોતો. બસમાં બેઠાં બેઠાં નજર બહાર ગઈ, ત્યાં અનેક લલનાઓ દેહવ્યાપાર માટે સજીધજીને ઉભી હતી. તેમના કપડાં, સાજ શૃંગાર ચીતરી ઉપજાવે તેવા હતાં. મને થતું હતું કે જલ્દી બસ ઠીક થાય અને ઝટ અહીંથી દૂર જાઉં. ત્યાં કાંઈક કોલહાલ સંભળાયો.

“સાલી! ઇતના નાટક કાયકો! જેલસે બહાર નિકાલને કો પૈસા લગા હૈ. તેરે કો મૈ પહેલેહીચ બોલીથી કી તું મુજે કમાકે દેગી, આજ-કલ કરતે કરતે પાંચ મહિના હો ગયા. આજસે તું ધંધા કરેગી. સમજી ક્યાં?”

“ મૌશી! મેં પેસા દે દેગી. મુજે ઇસ દલદલમેં મત ડાલ.”

થોડી રકઝક પછી ત્યાંથી એક ચમકીલા, કાળા રંગના કપડામાં, જુગુપ્સાપ્રેરક મેકઅપના થથેડા કરી એક છોકરી બહાર આવી. રસ્તામાં ઉભી રહી ગઈ, મેં થોડું તાકીને જોયું તો પ્લાસ્ટિકયા સ્મિત મઢયા ચહેરા પર આંસુ તગતગતી આંખ હતી. હા! એ જ મોટી મોટી, દુઃખી, કથ્થાઇ આંખો.

મને થયું તેને ત્યાંથી ખેંચીને લઈ આવું, પણ નહોતી તે વિસ્તારમાં ઉતરવાની હિંમત, કે નહોતી તેને છોડાવવા ચુકવવાની કિંમત. બસ ઉપડી ગઈ, પરંતુ છેલ્લા ચાર વર્ષથી એ આંખોએ અનેકવાર મારી ઊંઘ ઉડાડી દીધી છે. આવડા મોટા શહેરમાં તે વારે વારે મને જ કેમ મળે છે? શું કુદરતનો કોઇ સંકેત છે? શું મારે તેની સાથે કોઈ ઋણાનુબંધન છે? આજે પણ એ આંખોએ, મારા સવાલોએ મારી ઊંઘ ઉડાડી દીધી છે.

હવે હું સક્ષમ છું, માસ મીડિયામાં મારી એક ઓળખ છે, હવે એ છોકરીને હું છોડાવીને જ રહીશ.એવા મક્કમ નિર્ધાર સાથે મેં કેમરો લઈ બે ચાર મિત્રો સાથે કમાઠીપુરામાં પગ મૂક્યો. પરિસ્થિતિનો ચિતાર આપતો વીડિયો બનાવવાની કોશિશ કરી પણ ત્યાંતો એક સ્ત્રી મારી સન્મુખ થઈ. ઝગમગતું લાલ મીની સ્કર્ટ એના ઉપર એક વેંત જેટલું જ સ્લીવલેસ કાળું ચમકીલું ટોપ, ગોગલ્સ અને લાલ હાઇહિલ મોજડી અને જુગુપ્સાપ્રેરક મેકઅપ.

“ યહાઁ સે હટો! કોઈ ચૈન સે જીને ભી નહીં દેતા.”

“દેખો ! હમ તુમ સબકો ઇસ કીચડસે નિકાલને આયે હૈ. શર્મિન્દગીકી ઝીંદગી છોડો.”

“અબ તુમ સબ હમારી રોટી ભી છીનોગે ક્યાં! એ... લાડકીઓ! ચાલો રે , મિલકે ઈન સબકો ભગાઓ. સુનાઈ નહીં દેતા ક્યાં!”બોલતા તેણે ગોગલ્સ ઉતાર્યા. અરે! આ તો હતી એ જ કથ્થાઈ આંખો.

પણ આજે એ આંખોમાં કાંઈ જ નહોતું, ન ભૂખ, ન લાચારી, ન ગુસ્સો કે ન કપટ. સાવ ભાવવિહીન, લાગણીશુન્ય. જાણે કે પથ્થરની થઈ ગઈ હતી “એ બે આંખો…”

***