દીકરીવહુ! - National Story Competition January 2018 Valibhai Musa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીકરીવહુ! - National Story Competition January 2018

દીકરીવહુ!

વલીભાઈ મુસા

આ છે મુકુંદરાય. તેમના હાથમાં બકાલું ખરીદવા માટેની લાકડાની દાંડીવાળી થેલી છે. એકધારી ધીમી ગતિએ પોતે શાકમારકીટ તરફ જઈ રહ્યા છે. સફાઈદાર પાટલી પાડેલી ધોતી અને લોનના શ્વેત ઝભ્ભામાં તેઓ સજ્જ છે. ભદ્ર ગુજરાતી પોષાકમાં માથે સફેદ ટોપી માત્ર જ ખૂટે છે. છતાંય સંપૂર્ણ સફેદ થઈ ગએલા માથાના વાળ કદાચ ટોપીની જ ગરજ સારી રહ્યા છે. પોતે વન વટાવી ચૂક્યા છે.

થોડુંક ચાલ્યા પછી ચોક આવે છે. ત્યાંથી જમણી તરફ વળતાં આગળ શાકમારકીટ આવે છે. વચ્ચે આવે છે, તેમની હંમેશની પ્રાત:કાલીન પ્રથમ ખરીદી માટેની પાનની દુકાન. ખરીદી થતી આવી છે, મસાલેદાર ‘મિલન’ મુખવાસની બે પડીકીની ! બીજી દુકાનેથી નહિ,વળી ‘મિલન’ જ. દુકાનદાર કદી ખૂટવા દેતો નથી. અઠવાડિક ગુમાસ્તા ધારાની રજાના આગલા દિવસે તો ચાર પડીકી !

મુખવાસની બંને પડીકીઓ ગજવામાં સરકાવતા પોતે આગળ સરકે છે. વચ્ચે બસસ્ટૉપ આવે છે. પગ થંભી જાય છે. બાંકડા પર થેલી બિછાવીને બેસે છે. નજર મંડાઈ રહે છે, પોતે જે દિશામાંથી આવ્યા છે તે દિશા તરફ.

ઓચિંતુ તેમના ચહેરા ઉપર સ્મિત તરવરી ઊઠે છે. આંખો ઘેલછાભરી રીતે ક્ષણભર નાચી ઊઠે છે. વુદ્ધનું મન જાણે બોલી ઊઠે છે, એક કાવ્યપંક્તિના થોડાક ફેરફાર સાથેના શબ્દો : ‘તારા મારા મધુર મિલનનું હંમેશનું આ પ્રભાત !’

આગંતુક બાંકડા સમીપ આવે છે. આખો બાંકડો ખાલી હોવા છતાં વૃદ્ધ થોડા સરકીને જગ્યા આપે છે. આવનાર નિ:સંકોચપણે પાસે ગોઠવાઈ જાય છે. ચાલવાના પરિશ્રમને કારણે થોડીક હાંફ ચઢી ગઈ છે. મુકુંદરાયની નજર આવનારના ચહેરા ઉપર ખોડાયેલી રહે છે અને હાથ યંત્રવત્ ગજવામાં લંબાય છે. ‘મિલન’ મુખવાસની બે પડીકી સાથે એ હાથ બહાર આવે છે. હથેળી સમતલ થઈને લંબાય છે. આગંતુકનાં આંગળાં વૃદ્ધની હથેળીને ક્ષણભર સતાવીને એક પડીકી ઊઠાવી લે છે. ચાર આંખો ભેગી થાય છે. આંખો સ્નેહ વરસી જાય છે.

થોડીક ક્ષણો ચૂપકીદીમાં અને પછી ઔપચારિક વાતચીત શરૂ થાય છે :

‘આજે તારે કયું શાકભાજી…?’

‘ભીંડા, તમારે ?’

‘મારી વાત પછી. પહેલાં મને જવાબ આપ કે ભીંડા તો તને ભાવતા નથી !’

‘પણ દીકરાને, વહુને અને નાનાં છોકરાંને તો ભાવે છે ને !’ કથનમાં માર્મિક વ્યંગ છે.

મુકુંદરાય ઠાવકા થઈને આંખો ઉલાળતા બોલે છે, ‘આપણે તો વંત્યાક ! પણ હું નહિ હોં કે ! હવે મને પણ ભાવવા માંડ્યાં છે !’

બંને જણ હસી લે છે, હસી જવાય છે. રુચિ વિરુદ્ધની ખરીદીઓ અનિવાર્ય છે. રસોડાની રાણીઓના હૂકમ છે. હસી કાઢવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ નથી. વૃદ્ધોની રસના (જીભ) નાનાં બાળકોના જેવી થઈ જતી હોય છે. ભાવવા- ન ભાવવાના પ્રશ્નો વૃદ્ધો અને બાળકો માટે સરખા જ હોય છે. બાળકો રડીને કે જીદ કરીને ધાર્યું કરે-કરાવે; પણ મુકુંદરાય અને પાર્વતી જેવાં વૃદ્ધોએ ચલાવી લેવું પડે, હસી લેવું પડે. માત્ર શાકભાજી જેવી સામાન્ય રુચિ પૂરતાં જ નહિ, ઘણીબધી. જૂની અને નવી પેઢીનાં મતમતાંતર સહી અને હસી લેવાં પડે.

થોડીકવારની વળી પાછી ચૂપકીદી. મુકુંદરાય તો ‘હવે મને પણ ભાવવા માંડ્યાં છે !’ બોલીને મરકમરક હસી રહ્યા છે, પણ પાર્વતી ક્ષણભર વિચારોમાં ખોવાઈ જાય છે. તેમનો ચહેરો ગમગીનીની ચાડી ખાધા વગર રહેતો નથી.

મુકુંદરાયની પૃચ્છા થતાં પાર્વતી કદાચ યુવાનોને મોંઢે જ શોભી શકે તેવા શબ્દોમાં ગંભીરતાપૂર્વક વાત છેડે છે, ‘આખી રાત ઊંઘ આવતી નથી. બસ, એમ જ થયા કરે છે કે ક્યારે સવાર પડે અને તમારી મુલાકાત થાય ! દીકરાઓએ આપણને ભયંકર સજા કરી છે, પણ વ્યથા કોને કહેવી ? હું પૂછું છું, તમને કંઈ લાગણી નથી થતી ?’

‘અરે ભલી, સુગંધીદાર મુખવાસ અનેક કંપનીઓનો મળતો હોવા છતાં હું આપણા માટે ‘મિલન’ જ પસંદ કરું છું, તે ઉપરથી તને નથી સમજાતું !’ છેલ્લા કેટલાક મહિનાથી ‘મિલન’ની જ ખરીદીના રહસ્યને મુકુંદરાય ગર્વભેર છતું કરે છે.

મુકુંદરાયના રમતિયાળ સ્વભાવની ઈર્ષા કરતાં પાર્વતી નિસાસો નાખી દેતાં બોલે છે, ‘હું અભાગણી તમારી જેમ બદલાતી પરિસ્થિતિમાં અનુકૂલન સાધી શક્તી નથી. જવા દો આડી અવળી વાત. મારા મનમાં કેટલાય સમયથી ઘોળાયા કરતી વાત મૂકું ?’

‘’બોલ.’

એ પછી; પણ હું કહું છું કે દીકરાઓ વહુઓના કંકાસના કારણે જુદા થયા, આપણી વચ્ચે તેમણે કેમ દિવાલ ઊભી કરી દીધી ?’

મુકુંદરાયનો પ્રફુલ્લ મિજાજ ગંભીર બની જાય છે. ઊંડો શ્વાસ લેતાં તેમનાથી બોલી જવાય છે, ‘બે કુટુંબો વચ્ચેની દિવાલ ચણી છે તેમના કંકાસે, પણ આપણા બેની વચ્ચે ચણાઈ છે; તેમના આર્થિક સંજોગોના કારણે ! આપણે બંને કોઈ એકના ત્યાં સાથે રહીએ તો તેને ભારે પડીએ. તેમણે આપણને જુદાં પાડીને માત્ર આર્થિક સમજૂતિ સાધી લીધી છે, વિશેષ કંઈ કર્યું નથી.’

‘એટલે શું તેઓ એમ માનતાં હશે કે વયોવૃદ્ધ દંપતીનો પ્રેમ પણ વયોવૃદ્ધ થઈ જતો હશે ! હવે જવા દો એ લાંબીપહોળી વાત, પણ મને દુ:ખ એ વાતનું છે કે નાનાની વહુનો મારી સાથેનો વર્તાવ બરછટ છે. ખેર, હવે દીકરાને શી ફરિયાદો કરવી ?’

પાર્વતીનું છેલ્લું વાક્ય મુકુંદરાયના હૃદયતલને હચમચાવી દે છે. એમનો વડીલશાહી જુસ્સો અવાજમાં થોડા કંપ સાથે તેમની પાસે બોલાવે છે, ‘તો મારે નાનાને ટકોર કરવી પડશે. એ બધાં શું સમજતાં હશે એમના મનમાં ? એ પારકીજણીઓ તારા હૃદયને જરાપણ ઠેસ પહોંચાડે તે મારાથી સહન નહિ થાય, સમજી ?’

પાર્વતી સજળ નયને બોલી ઊઠે છે, ‘ભગવાનને ખાતર એમ કરશો નહિ. વાત આગળ વધે તો મારે ક્યાં જવું ? તમારી મોટી વહુ અને મારે તો એક પળવાર પણ ન બને, નહિ તો આપણે અદલબદલ થઈ જાત !’

વૃદ્ધા ‘તમારી મોટી વહુ’ શબ્દો ઉપર ભાર મૂકે છે. વાતવાતમાં સ્વાભાવિક રીતે જ દીકરા અને દીકરાવહુઓ બંનેનાં હોવા છતાં ‘મારા’ અને ‘તમારા’માં વહેંચાઈ જાય છે.

મુકુંદરાય વાતને વાળવાનો પ્રયત્ન કરતાં પાર્વતીને યાદ અપાવે છે, ‘પેલી તારા મનની વાત તો તેં કહી નહિ !’

પાર્વતી પોતાની વાતની યાદ અપાતાં ઓચિંતી અને કોઈપણ પૂર્વભૂમિકા વગર સહજ ભાવે જ બોલી જાય છે, ‘આપણે બંને ક્યાંક ભાગી જઈએ તો !’

મુકુંદરાય બેવડા વળીવળીને ખડખડાટ હસી પડે છે. હસવામાં જાહેર સ્થળનો ખ્યાલ પણ વીસરી જાય છે. પરંતુ પાર્વતીની આંખોમાં ધસી આવેલાં આંસુ જોઈને તેમનું હાસ્ય છોભીલું પડીને સંકેલાઈ જાય છે. ચોતરફ નજર ફેરવી લેતાં મુકુંદરાય એકીશ્વાસે બોલી દે છે, ‘આંસુ લૂછી નાખ, ભલી; કોઈ જોઈ જશે તો વરવું લાગશે. એક કામ કર, તું દેવમંદિરે જવાના બહાને અને હું લાયબ્રેરીના બહાને ઘરેથી નીકળીએ. આપણે પાર્કમાં મળીએ અને શાંતિથી વિચારીએ.’

* * * * *

પાર્કના એકાંત બાંકડા ઉપર મુકુંદરાય અને પાર્વતી એકબીજાંને એકદમ અડીને બેઠાં છે, પોતાની ઉંમરને પણ ભૂલી જઈને ! મુકુંદરાયના બંને હાથ પાર્વતીના જમણા હાથને ગુંગળાવવા મથી રહ્યા છે. પાર્વતી નવોઢાની જેમ શરમના ભારથી પોતાની પાંપણો ઢાળી દે છે. તેમને પોતાનો હાથ છોડાવવાની ઇચ્છા થતી નથી લાગતી. પતિની સુંવાળી અને શીતળ હથેળીઓનો રોમાંચક સ્પર્શ તેમની મહિનાઓની હૃદયવ્યથાને હળવી બનાવતો હોય તેમ લાગે છે. છતાંય આ સ્પર્શમાં યૌવનસહજ ઘેલછા નથી; પણ છે નિર્ભેળ, નિખાલસ અને પરિપક્વ દાંપત્યપ્રેમ.’

મુકુંદરાયની સાંત્વનાપૂર્ણ વાચા ઊઘડે છે, ‘તારામાં અને મારામાં ફરક એટલો કે તું તારા દુ:ખને વ્યક્ત કરી શકે છે, જ્યારે હું મૂંગા મોંઢે સહી લઉં છું; પણ સાચું કહું તો આ વિરહ મારાથી પણ નથી જીરવાતો. સંયુક્ત કુંટુંબવ્યવસ્થા સંતાનો અને વૃદ્ધો માટે આશીર્વાદરૂપ હોવા છતાં નવી પેઢીના ગળે આ વાત ઊતરતી કેમ નહિ હોય !’

‘પણ મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે આપણે સંયુક્ત હતાં, ત્યારે દેરાણીજેઠાણી વચ્ચે કંકાસ હતો તે માની લીધું; પણ હવે વિભક્ત થયા પછી શું ? છતાંય છેલ્લા ત્રણેક મહિનાથી તેમની એકબીજાના ત્યાંની અવરજવર બંધ, એકાદ મહિનાથી તો છોકરાં ઉપર પણ પ્રતિબંધ ! વળી અધૂરું હોય તેમ આપણા …’ પાર્વતીની આંખો વરસી જાય છે.

‘રડીશ નહિ, પારૂ. આપણા ઉપર પ્રતિબંધ ક્યાં છે ? આપણું તો સાહજિક જ એકબીજાના ત્યાં જવુંઆવવું ઓછું થયું છે. વળી દરરોજ સવારે આપણે મળીએ તો છીએ જ. આંખોના તેજના કારણે રાત્રે હું બહાર નીકળતો નથી; છતાંય જો તને વસવસો રહેતો હોય, તો હું દરરોજ તારા ત્યાં આવું.’

‘તમારી વાત ખરી; પણ મારા ત્યાં તમે આવો, ત્યારે વહુનું મોં ચઢેલું કે ઊતરેલું દેખાય નહિ અને મારું તો કાળજું કપાઈ જાય ! વળી મારાથી તમારા ત્યાં તો પગ જ મૂકી શકાય તેમ નથી. કંઈક એવો માર્ગ કાઢો ને કે આપણે બંને સાથે રહી શકીએ.’

‘માર્ગ તો એક જ બાકી રહે છે અને તે છે, ત્રીજું રસોડું ! પણ આ પોષાય ખરું ? વળી જ્ઞાતિમાં અને સમાજમાં કેવું ખરાબ દેખાય ! બબ્બે દીકરાઓ હોવા છતાં આપણે જુદાં રહીએ તે ન શોભે. આ બધીય વાતોને આપણે કદાચ અવગણીએ, પણ આપણી આજીવિકાનું શું ? તું માને છે કે હું છોકરાઓનાં સાલિયાણાંની આશા રાખું ! તો પછી આપણાથી કામ ધંધો પણ શો થાય ? કદાચ પેટિયું રળવા આપણે કંઈક કરીએ તેની લાજ આપણને તો શી આવવાની છે, પણ તારા જણેલાઓને તો આવે જ ને ! સગાંવહાલાં તેમના તરફ આંગળી ચીંધ્યા સિવાય રહે ખરાં ? માટે મને એ તો ઠીક નથી જ લાગતું કે આપણે આ સ્થળે જુદાં રહીએ !

બસસ્ટૉપવાળી વાતનું પુનરાવર્તન કરતાં પાર્વતીથી બોલી જવાય છે, ‘તો આપણે ભાગી જઈએ, અહીંથી અથવા આ જગતમાંથી ! પણ હવે આ વિયોગ મારાથી તો સહન નહિ જ થાય.’ પાર્વતીના શબ્દોમાં ભારોભાર વેદના છે.

‘આ સ્થળેથી ભાગી જવાની તારી વાત વિચારી શકાય, પણ જગતમાંથી શા માટે ? એનો અર્થ એ થાય કે આત્મવિલોપન ! મુર્ખાઈભરી વાત ન કર. આત્મવિલોપન એ કાયરતા અને પાપ બંને છે.’

‘દીકરીના આશ્રયે જઈએ તો !’

‘એ હરગિજ ન બને. દીકરીને સાસરિયે વળાવી, એટલે તે પરાઈ થઈ ચૂકી. પછી તેના ઉપર આપણો કોઈ હક્ક ચલે નહિ. વળી એના સંજોગોનો તો વિચાર કરવો પડે ને !’

‘એના સંજોગો તો અનુકૂળ છે. જમાઈ એકલવાયા જીવ છે. કુટુંબમાં માતાપિતા કે ભાઈબહેન કોઈ નથી. વળી સુશીલા અને તેમના જીવ મળેલા છે. પોતે સારું કમાય પણ છે. જમાઈ આપણને પોતાનાં જ માબાપ ગણીને સાચવે તેવા ગુણિયલ છે. મારું માનો તો એ જ ઉત્તમ માર્ગ છે.’

‘તારી વાત સાચી. પરંતુ આપણે એ ચેક નાછૂટકે જ વટાવવાનું રાખીએ, બાકી આ સ્થળેથી ભગવાનભરોંસે ભાગી જવાની વાત હાલ પૂરતી વિચારી શકાય.

‘તો પછી વિચારવાનું શું હોય, નિર્ણય જ કરી લઈએ !’ પાર્વતીના શબ્દોમાં મક્કમતાનો રણકો છે.

‘પણ આપણે ભાગીને કેટલે દૂર જઈશું ? વળી આપણા પરાક્રમને દુનિયા જાણતી થાય તે નફામાં !’ મુકુંદરાયના વિધાનમાં આવેગ નહિ, પણ વ્યાવહારિકતા છે.

‘તો પછી યાત્રાએ જવાના બહાને ઘર તજીએ અને દૂરદૂર આવડા વિશાળ દેશના કોઈક ખૂણાના ગામડામાં ખોવાઈ જઈએ !’

‘તારો એ વિચાર ગમ્યો, પણ મને ડર છે કે કદાચ ફોટાઓ સાથેની સમાચારપત્રોમાં જાહેરાત અપાય તો ગમે તે માણસ આપણને ઓળખી ન પાડે ?’

‘આપણે આપણા ફોટાઓને પણ અહીં રહેવા ન દઈએ તો !’

‘તું ટૂંકું વિચારે છે, ભલી ! ફોટાઓ વગરની માત્ર વર્ણનાત્મક જાહેરાતો ક્યાં નથી અપાતી ! વળી આપણે જ્યાં હોઈએ ત્યાં સાથે જ હોઈએ, તેથી પકડાયા વિના રહીએ ખરાં ! આમ છતાંય તારી વાતમાં તથ્ય ખરું. ફોટા વગરની જાહેરાતથી જલ્દી પકડાઈ જવાની ભીતિ ઓછી.’

‘તો એવા પહાડી વિસ્તારમાં કે જ્યાં સમાચારપત્રો જતાં ન હોય ! આપણાં આદિ માનવ ભાઈબહેનોની વચ્ચે કે જે બિચારાં આપણી કહેવાતી ભદ્ર સંસ્કૃતિમાં વટલાયાં નહિ હોય ! અને, નહિ તો છેવટે જંગલમાં આપણને વાઘવરુ તો ભેટશે ને !’ આમ કહેતાં પાર્વતીથી ડૂસકું મૂકી દેવાય છે.

મુકુંદરાયની પાંપણો પણ ભીની થાય છે. એમનો અંતરાત્મા પાર્વતીની વાતને સમર્થન આપે છે કે સંયુક્ત કુટુંબવ્યવસ્થાની આપણી પ્રાચીન પરંપરા આ દેશમાંથી મરી પરવારશે. કહેવાય છે કે પશ્ચિમના દેશો આપણી ભારતીય સંસ્કૃતિ તરફ આકર્ષાવા માંડ્યા છે, જ્યારે આપણે તેમનું ફેંકી દીધેલું અપનાવી રહ્યાં છીએ. વ્યક્તિલક્ષી કુટુંબભાવના કદાચ આ દેશનાં લાખો વયોવૃદ્ધોને ભરખી તો નહિ જાય !’

આમ વિચારતાં છેવટે મુકુંદરાય ચૂકાદાની આખરી મહોર મારી દે છે, ’આપણે ભાગી જઈશું; બહુ જ નજીકના ભવિષ્યમાં ભાગી જઈશું, ક્યાંક યાત્રાએ જવાના બહાને !’

આ સાંભળતાં પાર્વતીનો ચહેરો પ્રસન્નતાથી છલકાઈ જાય છે.

* * * * *

આખરે અઠવાડિયા માટે યાત્રાએ જવાનો કાર્યક્રમ યોજાય છે. રેલવે સ્ટેશન ઉપર પુત્રો, પૂત્રવધૂઓ અને પૌત્રપૌત્રીઓ મુકુંદરાય અને પાર્વતીને વળાવવા માટે આવ્યાં છે. ઘણા મહિને રેલવે સ્ટેશન ઉપર આખા પરિવારને સાથે જોઈને પાર્વતીની આંખોમાં આંસુ ઉભરાઈ જાય છે. પુત્રો રડે છે. પુત્રવધૂઓનાં હૃદયોનાં ઊંડાણમાં છુપાઈ રહેલી સુષુપ્ત લાગણીઓ ઝળહળિયાંરૂપે આંખોમાં ડોકાઈ જાય છે. ભુલકાં પણ ગંભીર બની ગયાં છે. એક માત્ર મુકુંદરાયે જ લાગણી સાથેનો છેડો જાણે કે ફાડી જ નાખ્યો છે. તેઓ બ્રહ્માની જેમ નિર્લેપભાવે પોતાની કુટુંબસૃષ્ટિને નિહાળી રહ્યા છે !

યાત્રાગમનને અઠવાડિયું પૂરું થાય છે, દસ દિવસ પૂરા થાય છે. મુકુંદરાયના પુત્રોનાં ઘરોમાં સૌ કોઈની માનસિક ત્રાણ વધી ગઈ છે. મુંબઈ રહેતી બહેન સુશીલાને જણાવાય છે, એમ ધારીને કે બાબાપુજી તેના ત્યાં ગયાં હોય, પણ વ્યર્થ ! પ્રત્યુત્તરરૂપે તે પોતે જ બિચારી દોડતી આવે છે. સમાચારપત્રોમાં જાહેરાત આપવાનું વિચારાય છે, ત્યારે જ સૌના ધ્યાન ઉપર આવે છે કે બાબાપુજીના ફોટાઓને તેમના ઓરડાઓની દિવાલો ગળી ગઈ છે. સૌનો અંતરાત્મા શંકા અનુભવે છે કે માતાપિતાએ કદાચ ગૃહત્યાગ જ કર્યો છે !

સુશીલાનો ગુસ્સો ભભૂકી ઊઠે છે. તે કલ્પાંત કરીકરીને ભાઈઓ અને ભાભીઓને ઉપાલંભ આપે છે. જાહેરખબર આપવાનું વિચારતા ભાઈઓનો ઉધડો લઈ નાખતાં સુશીલા કહે છે, ‘જગત આખાયમાં બદનામીનો ઢંઢેરો પિટાવવો હોય તો તેમ કરી શકો છો !’

સુશીલા આગળ પૂછે છે, ‘તમે લોકોએ તેમને દુભવેલાં ખરાં ?’

આ પ્રશ્નનો કોઈનીય પાસે જવાબ નથી, છે માત્ર બધાંયની આંખોમાં આંસું ! વયોવૃદ્ધ અવસ્થાએ માતાપિતાને વિખૂટાં પાડવાં એટલે એક જ દેહને ઊભો ચીરવા બરાબર છે, તેવી પ્રતીતિ સૌને થાય છે. પરંતુ હવે ઢોળાયેલા દૂધ અને વેડફાએલા પાણી ઉપરનો અફસોસ નકામો છે.

ઓશિયાળા ચહેરા લઈને સામે બેઠેલી ભોજાઈઓને સુશીલાનો એક જ પ્રશ્ન છે, ‘તમારે લોકોને માતાપિતા છે કે નહિ ?’

પરંતુ સુશીલાને તેમની પાસેથી પશ્ચાત્તાપરૂપે રૂદનનાં ડૂસકાં સિવાય કંઈ જ સાંભળવા મળતું નથી. શાણી સુશીલા બાળકોની ઉલટતપાસમાંથી જાણી લે છે કે તેમની માતાઓનો દાદાદાદી સાથેનો વર્તાવ સારો ન હતો. બાલમંદિરે જતા એક ભુલકાની શાકમારકીટ પાસેના બસસ્ટૉપના બાંકડે દરરોજ દાદાદાદીને સાથે જોયાની માહિતી મળતાં સુશીલા ભાઈભાભીઓ સામે સૂચક નજરે જોતી જાય છે. ચારેય જણની આંખો અપરાધભાવે વારાફરતી ઢળતી જાય છે.

ભાઈઓથી આ વેદના સહન ન થતાં સુશીલાના ચરણોમાં પોતાનાં મસ્તક ઢાળી દેતાં નાનાં છોકરાંની જેમ બેઉ જણ કલ્પાંત શરૂ કરે છે. મોટાભાઈ વ્યથિત અવાજે છતાંય મક્કમ ભાવે બોલી નાખે છે, ‘સુશી, અમને માફ કર. દુનિયાદારીના વ્યવહારમાં પરોવાયેલા અમે માબાપની હૃદયવ્યથાથી અજાણ જ રહ્યા ! હવે બદનામીનો ઢંઢેરો પિટાવ્યા વગર આખી ધરતી ખૂંદી વળીને તેમને શોધવાનો પ્રયત્ન કરીશું. સફળતા મળશે તો સંયુક્ત કુટુંબમાં ફેરવાઈ જવાની ખાત્રી સાથે તેમને મનાવીને પાછાં તેડી લાવીશું. જો એકાદ મહિનામાં તેમનો પત્તો નહિ લાગે તો તારી સામે અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે નાનાં છોકરાંથી માંડીને અમારા સુધીનાં બધાંય સામૂહિક આત્મહત્યા કરીશું !’

‘નહીં…નહીં !’ કાળજાં ચીરી નાખતી એક કારમી ચીસ સુશીલા પાડી દે છે. તેની નજર સામે તરફડિયાં ખાતી લાશોનો ઢગલો તરવરી ઊઠે છે. તેનાથી એકી શ્વાસે બોલી જવાય છે, ‘બાબાપુજી સલામત છે; મુંબઈ છે, મારા ત્યાં જ છે ! બાની હઠ આગળ બાપુજી પાસે બીજો વિકલ્પ જ ક્યાં હતો !’

આટલું સાંભળતાં જ બધાંયનાં મોં પહોળાં થઈ જાય છે. વહેતાં અશ્રુ ઘડીભર થંભી જાય છે. બધાંયના ચહેરા ઉપરનું રૂદન પશ્ચાદભૂ તરફ સરકી જાય છે અને તેમની આંખોમાં અકથ્ય એવો આનંદ તરવરી ઊઠે છે. છોકરાં પણ હર્ષોલ્લાસથી ઘેલાં બની જાય છે.

પરંતુ સુશીલા બધાંનાં દિલોને હચમચાવી દેતી એક વાત તો નાછૂટકે હવે જ છેડે છે, ‘બાબાપુજીએ અમારા ઘરમાં પ્રવેશતાં જ એક આકરી શરત મૂકી હતી કે મારે ત્રાહિતોની હાજરીમાં તેમની લાજ કાઢવી અને તેમની ઓળખ સાસુસસરા તરીકેની આપવી ! આમ હું આટલા દિવસ તેમની દીકરીવહુ બનીને રહી. બિચારાંને તેમનું સ્વમાન…!’. સુશીલા આગળ ન બોલી શકી.

ફરી એકવાર સૌ મોકળા મને રડી લે છે.

***