પેડમેન
(રીવ્યુ)
મનન બુદ્ધદેવ
જે વિષય પર ડોક્યુમેન્ટ્રી જ બનાવી શકાય એવું આજદિન સુધી આપણે સમજતાં હતાં, એ વિષય પર મોટા ફલક પર ફિલ્મ બનાવવી એ સાહસનું કામ છે. આ કામ કર્યું છે, Mrs. Funny Bones ટ્વીન્કલ ખન્ના અને ‘ધ’ અક્ષયકુમારએ. ટ્વિન્કલે પોતાના પુસ્તક ‘ધ લેજન્ડ ઓફ લક્ષ્મીપ્રસાદ’માં કોઈમ્બતુરના રીઅલ પેડમેન અરુણાચલમ મૃગુનાથમની રીઅલ લાઈફ સ્ટોરી લખી અને અંગત મિત્રો તથા વાચકો તરફથી ખુબ જ સારો પ્રતિસાદ મળતાં તેણીએ આ કહાણીને કચકડે કંડારવાનું નક્કી કર્યું, સાથે બીજા પ્રોડક્શન હાઉસ પણ જોડાયા અને ભારતનાં ઇતિહાસમાં ‘પ્રથમ વખત સેનેટરી નેપ્કીન પહેરનાર પુરુષ’ પર ફિલ્મ બની પેડમેન.
ફિલ્મમાં એક મીડલ ક્લાસમેન ‘લક્ષ્મીપ્રસાદ ચૌહાણ’ પોતાની પત્નીની કાળજી લેતા પતિ તરીકે દર્શાવાયો છે. તેની પત્ની ગાયત્રી (રાધિકા આપ્ટે) પતિને સમર્પિત ગૃહિણી છે. બન્નેનાં લગ્નનાં સીન સાથે ફિલ્મની શરૂઆત થાય છે, અને ગીત ‘આજ સે તેરી....’ સાથે લગ્ન પછીની નવદંપતિની કહાણી ફાસ્ટ-ફોરવર્ડમાં આગળ વધે છે. ‘લક્ષ્મી’ એક લુહારીકામની દુકાનમાં કામ કરે છે. તેનું કામ તે પેશનથી કરતો દર્શાવાયો છે. તે ઇનોવેટીવ પણ છે, ડુંગળી સુધારવાનું મશીન કે સાઈકલની પાછલી સીટ તેના કેરીંગ હસબંડ તથા ક્રીએટીવ ક્રીએચરના ગુણને દર્શાવે છે. તેની પત્નીને એકવાર જમતાં જમતાં માસિક સ્ત્રાવ આવે છે અને તેણીને બહાર જમવાનું આપવામાં આવે છે, પાંચ દિવસ ઘરની બહાર જ રહેવું પડે છે. એ દરમિયાન તેણી દ્વારા વાપરવામાં આવતું કપડું લક્ષ્મીપ્રસાદ જોઈ જાય છે. એ તેણી માટે ઉછીના પૈસા લઈને સેનેટરી પેડ લઇ આવે છે, પણ તેની પત્ની આ મોંઘી વસ્તુ સ્વીકારતી નથી, કારણ કે ઘરમાં તેની બે નાની નણંદો પણ છે, બધા અપનાવે તો ખર્ચો ખુબ થઇ જાય એમ તે દલીલ રજુ કરે છે. ડોકટર પાસેથી લક્ષ્મીપ્રસાદને જાણવા મળે છે કે ગંદા કપડાનો ઉપયોગ કરવાથી સ્ત્રીઓ ખુબ બીમાર પડે છે અને ક્યારેક મૃત્યુ પણ પામે છે. આ સાંભળીને તે વિચારમગ્ન થઇ જાય છે. અહીંથી શરૂ થાય છે, લક્ષ્મીપ્રસાદની જાતે સેનેટરી પેડ બનાવવાની સફર.
તે સેનેટરી પેડને તોડીને તેનો અભ્યાસ કરે છે, તેમાં કોટન(રૂ) અને કાપડ જોઈ તે જાતે બનાવવાનો પ્રત્યન આરંભે છે. (જોકે, રીઅલમાં તો મૃગુનાથમ વપરાયેલાં પેડનો પણ(!) ઉપયોગ રીસર્ચ માટે કરે છે, પણ ફિલ્મમાં તે દર્શાવી શકાયું નથી.) અનેકવાર નિષ્ફળ જાય છે, તેની પત્ની પણ તેને હવે સહકાર આપવાનો બંધ કરે છે. તે હાંસીપાત્ર બની રહે છે. ફિલ્મમાં ગાયત્રી બોલે છે, ‘હમ ઔરતો કે લિયે બીમારી સે મરના શર્મસે મરને સે જ્યાદા બહેતર હૈ’. ફિલ્મમાં એક ગીત ‘લડકી સયાની હો ગઈ’માં પ્રથમ માસિક આવ્યાની ખુશીમાં થતો ઉત્સવ ઉજવાય છે. કેવી વક્રતા! જે બાબતને જાહેરમાં ચર્ચામાં ન લઇ શકાય એનો જ ખાનગીમાં સ્ત્રીઓ ઉત્સવ ઉજવે !
લક્ષ્મીનું આ સમર્પણ ધીમે ધીમે જીદ બની જાય છે. લક્ષ્મી વધુ બહેત્તર પેડ બનાવે છે, પણ તેનો ફીડબેક કોઈ આપતું નથી. એટલે જાતે જ પહેરીને ટ્રાય કરે છે અને ન થવાનું થાય છે, આ ઘટનાથી તેની પત્ની તેને છોડીને જતી રહે છે, તે પોતે પણ ગામ છોડીને જતો રહે છે. કોઈને કોઈ રીતે તે સેનેટરી નેપ્કિન બનાવવાનું મશીન બનાવી લ્યે છે. તેની પ્રથમ ગ્રાહક બને છે, સોનમ કપૂર. એક કાર્યક્રમમાં પરી વાલિયા (સોનમ) તબલાં વગાડતી હોય તેવી રીતે તેની એન્ટ્રી થાય છે કાર્યક્રમ બાદ અચાનક જ તેને પેડની જરૂર પડે છે. અહીં (અ)તાર્કિક રીતે લક્ષ્મીનું બનાવેલું પેડ તેના સુધી પહોંચે છે. બીજા દિવસે લક્ષ્મી પરીને પેડનો અભિપ્રાય આપવા કહે છે અને થોડી આનાકાની પછી આપવામાં આવેલો ‘ઓકે’નો અભિપ્રાયવાળો સીન અક્ષય શું કામ અક્ષય છે તે સાબિત કરી આપે એવો ભજવાયો છે!
લક્ષ્મીપ્રસાદનું આ કાર્ય નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન સુધી પહોંચે છે. લક્ષ્મી તેનું દેણું ઉતારવા ઘણી આશા સાથે અહીં ભાગ લે છે. ચીફ ગેસ્ટ અમિતાભ સુપર્બ સ્પીચ આપે છે, “પુરસ્કાર મિલે યા ના મિલે આવિષ્કાર કરતે રહેના ચાહિએ”. ભારતની સમસ્યા લાગતી વસ્તીવધારો એ જ તો ભારતની તાકાત છે, કેમ કે ભારત પાસે ૧૨૫ કરોડ માઈન્ડ છે! ‘ઇનોવેશન્સ ઇન ગ્રાસરૂટ લેવલ’નો એવોર્ડ અમિતાભ બચ્ચનના હસ્તે લક્ષ્મીપ્રસાદને અપાય છે. અહીં તેનું નામકરણ થાય છે, ‘પેડમેન’! પછી તો તે નેશનલ સેલિબ્રિટી બની જાય છે, પરી એક મેનેજમેન્ટ સ્કોલર છે, તે તેની પ્રોડક્ટને લોકભોગ્ય બનાવવા મદદ કરે છે. યુનાઇટેડ નેશન્સથી માંડી પદ્મશ્રી સુધી તેને સન્માનો મળે છે. આમ, પેડમેન સુપરહીરો બને છે. યુનાઇટેડ નેશન્સમાં અક્ષયની સ્પીચનો ૯ મિનીટનો ‘મોનોલોગ’ ખુબ હદયસ્પર્શી છે. રીઅલમાં મૃગુનાથમે આપેલી સ્પીચ પણ એટલી જ સુંદર છે. ફિલ્મમાં મૃગુનાથમે ઘણાં ઈનપુટ આપ્યા છે, કેરેક્ટરને ન્યાય આપવા તે જરૂરી હતા. આમ, એક સફળ માણસની કહાની, તેનો સંઘર્ષ અને પેશન બખૂબી બતાવાયું છે.
ફિલ્મમાં ઈ.સ.૨૦૦૧ આસપાસનો સમય દર્શાવાયો છે. એ સમયમાં સેનેટરી નેપકીનની સ્વીકૃતિ આજ જેવી ન્હોતી. ટી.વી. પર એડ આવતી તોય તે ચેનલ બદલવામાં આવતી હતી. આજે પણ એડમાં ‘ઉન દિનોમેં’ કહીને દર્શાવાય છે. આજે પણ આ બાબતે પ્રવર્તતી કેટલીક ગેરમાન્યતાઓ આપણી આસપાસ જોવા મળે છે. ગુજરાતીમાં આપણે માસિકધર્મ કહીએ છીએ ધર્મ કઈ રીતે અપવિત્ર હોઈ શકે ? ફિલ્મમાં ઘણાં સીનમાં દરેક ધર્મમાં આ અંગેની ઉદાસીનતા વિશે કહેવાયું છે, અક્ષય એકવાર તો એમ પણ બોલે છે, ‘અગરમેં બાબા(સંત) હોતા તો સબ મુઝસે યે પેડ લે લેતે’. મૃગુનાથમ સાઉથનાં હોવા છતાં ફિલ્મમાં મધ્યપ્રદેશ બેક્ગ્રાઉન્ડ બતાવ્યું છે, તેમજ નર્મદાકાંઠો સતત આપણી સાથે રહે છે. ફિલ્મના ડાયલોગ પણ આપણને ચિત પર ચોંટી જાય એવા છે.
‘એક ઔરત કી હિફાઝતમેં નાકામિયાબ ઇન્સાન અપને આપ કો મર્દ કૈસે કહે સકતા હૈ’
અમિતાભ કે સાથ ફોટો ખીંચવાલી તો હીરો બન ગયા ક્યા, યે પન્દ્રદ રૂપયે તો ગાંવ આકર હી લૌટાના’ (આવું એક ખરો દોસ્ત જ કહી શકે, જેનો હેતુ તેને ગામમાં સન્માન અપાવવાનો હોય)
‘કામ તબ ખતમ હોતા હૈ, જબ વો ઠીક હોતા હૈ, ઠીક લગતા નહિ’
‘તુમ ગાંવ હો, મેં શહેર, ઇન દોનોકો આજતક ડીજીટલ ઇન્ડિયા ભી નહીં જોડ પાયા’
‘વુમન સ્ટ્રોંગ, મધર સ્ટ્રોંગ, સિસ્ટર સ્ટ્રોંગ ધેન કન્ટ્રી સ્ટ્રોંગ!’
‘ઔરતોવાલી બાત ઔરત કો ઔરત હી બતા સકતી હૈ’
અક્કીએ જ આ મેઈન કેરેક્ટર(ફિલ્મમાં લક્ષ્મીપ્રસાદ ચૌહાન)નો રોલ કરવો એવું ફિલ્મના ડાયરેક્ટર આર.બાલ્કીને ફરજ પાડવામાં આવી ન હતી. પણ ખુદ ડીરેક્ટરે જ અક્ષયકુમારની ‘ટોઇલેટ-એક પ્રેમકથા’ પરથી બનેલી ઈમેજને કારણે તેની પસંદગી કરી છે. આ ફિલ્મ એક બાયોપિક છે, એટલે સ્ટોરી કરતાં ડીરેક્શન વધુ અગત્યનું બની જાય છે.
‘દાગ અચ્છે હૈ’ અને ‘એક આઈડિયા જો બદલ દે આપકી દુનિયા’ જેવી ક્લાસિક ટીવીએડ માટે જાણીતા આર.બાલ્કીએ આ ફિલ્મને સરસ તાણાવાણાની જેમ ગુંથી છે, સ્ટોરીને જસ્ટીફાય કરે એવી મોમેન્ટસ ફિલ્મમાં સતત આવતી રહે છે. ક્યાંક ક્યાંક એડીટીંગનું આવરણ દેખાય જાય, તેમ છતાં ફિલ્મ આપણને જકડી રાખે છે. કેટલીક સિક્વન્સમાં ‘વાહ’ તો, ક્યાંક ‘આહ’ પણ નીકળી જાય છે. આર.બાલ્કી એ ફિલ્મમાં દરેક સીન કોઈને કોઈ કારણથી જ મુક્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો દરેક સીનનો સ્ટોરી આગળ વધારવા પુરેપુરો ઉપયોગ કરી લીધો છે, જેમકે પતિનો જાતે ઇન્શર્ટ ન કરવાનો સીન રોમાન્સ માટે અગાઉ આવે, એ જ મોમેન્ટ પતિ પર શંકા માટે પણ વપરાય!
ફિલ્મ આપણને ઘણું શીખવી જાય છે. નવું વિચારવાની વૃત્તિ, સમસ્યાઓ સામે ઝઝૂમવું એ જ ઉકેલ, ઘરથી માંડીને સમાજ બધા વિરોધમાં હોય ત્યારે કામ પર ફોકસ, જે વખોડે એ જ એકવાર ખભે ઉપાડે, બિઝનેસ મેનેજમેન્ટ, પૈસા કરતાં કામ કર્યાનો સંતોષ વધુ આનંદદાયક, સ્ત્રીસન્માન, સ્વાસ્થ્ય અંગે જોવા મળતી આપડી જ બેદરકારી, શાળા કોલેજનો તારુણ્યશિક્ષણમાં રોલ, નિષ્ફળતા અંગેની ‘કરોળિયો’ ટર્મ, ધીરજ અને સાહસવૃત્તિ, પ્રેમનું જિંદગીમાં સ્થાન અને બીજું તો ઘણું બધું.....
:: ગમતો_શેર ::
આજા નઝરમેં બસા લું,
આજા નઝરસે બચા લું
ચ્હેરે કે સંગ સંગ કિસ્મત ભી ચમકે
બિટિયા રી છમ છમ રાની સી ઠુમકે
કાલા મૈ ટીકા લગા દું.
- કૌશર મુનીર
(આ જ ફિલ્મના ગીત ‘લડકી સયાની હો ગઈ’માંથી)
***