"પણ શિખા હવે શું? ઘણું મોડું થઇ ગયું શિખા. મેં જીવનની ખુબ મોટી ભૂલ કરી પ્રજય સાથે લગ્ન કરીને."
"હજુ પણ મોડું નથી થયું મનસ્વી."
"એટલે? તું કહેવા શું માંગે છે શિખા?"
"એટલે એમ મનસ્વી કે હજુ તું માનસને મળી શકે છે. વધુ નહિ તો તમે સારા મિત્રો બનીને તો એકબીજા સાથે વાત કરી શકો છો, પોતાની લાગણીઓ શેર કરી શકો છો."
"પણ.."
"પણ શું મનસ્વી? આ જો. આ માનસનું ફેસબુક આઈ. ડી. છે. તું એને મેસેજ કર. તમે બંને આના દ્વારા મેસેજથી એકબીજાનાં સંપર્કમાં રહી શકો છો. લાંબા સમય પછી માનસ સાથે વાત કરી તને પણ સારું લાગશે મનસ્વી. "
અને મનસ્વીએ માનસ ને "હાય" મેસેજ કર્યો. ધીમે ધીમે માનસ અને મનસ્વીની વાતો વધવા માંડી. માનસ સાથે વાત કરીને મનસ્વી ફરી ખુશ રહેવા માંડી. એનો ખોવાયેલો ઉત્સાહ જાણે માણસે એને ફરી આપ્યો હોય એમ એને જીવન જીવવાનું ફરી ગમવા માંડ્યું.
અઠવાડિયા પછી શિખા તો જતી રહી. પણ મનસ્વીને એની ખુશીઓ આપતી ગઈ. માનસ સાથેની વાતો મનસ્વીને નવી ઉર્જાથી ભરી દેતી. મેસેજની વાતો ક્યારે કલાકોના ફોનકોલ્સ અને વીડિયોકોલ્સમાં ફેરવાય ગયા એનું ભાન ન તો મનસ્વીને રહ્યું કે ના તો માનસને. મનસ્વીનો ખોવાઈ ગયેલો આત્મવિશ્વાસ અને હિંમત બંને માનસનાં કારણે ફરી આવી ગયાં.
માનસે જયારે પ્રજયના સ્વભાવ વિશે જાણ્યું ત્યારે એને ખુબ જ દુઃખ થયું. એને હંમેશા લાગતું કે મનસ્વી પ્રજય સાથે ખુબ ખુશ છે આથી જ એણે ક્યારેય મનસ્વીનો સંપર્ક કરવાનો પ્રયાસ સુધ્ધાં ન કર્યો. માનસે ધીરે ધીરે મનસ્વીને હિંમત આપવા માંડી. મનસ્વીએ માનસના કહેવાથી ઘરની નજીક ડાન્સ-એકેડેમીમાં જવા માંડ્યું. અને આથી એ ખુશ પણ રહેવા માંડી. પણ પ્રજયને આ વાતની બિલકુલ જાણ ન હતી. કેમકે પ્રજયને જો જાણ થાય કે મનસ્વી ડાન્સ-ક્લાસમાં જાય છે તો એ આખું ઘર માથે લઇ લે.
***
આજે મનસ્વી ખુબ ઉત્સાહિત હતી. સાથે સાથે થોડી ઘભરાયેલી પણ હતી. કેમકે આજે લગ્ન બાદ એ પ્રથમ વખત માનસને મળવા જઈ રહી હતી. પહેલાં તો એણે ઘણી આનાકાની કરી પણ અંતે માનસે એને મનાવી જ લીધી. આજે ઘણાં સમય બાદ એ પોતાની જાતને અરીસામાં નિહાળી રહી અને સુંદર લાગે એ રીતે તૈયાર પણ થઇ. પ્રજયનાં જતાં જ મનસ્વી પણ માનસને મળવા માટે નીકળી.
માનસે મનસ્વીને ચોપાટી પાસે ઉભા રહેવા જણાવ્યું હતું. આથી મનસ્વી ચોપાટી પાસે જ માનસની રાહ જોતી ઉભી રહી. એવામાં જ ત્યાં માનસની ગાડી આવીને ઉભી રહી. ડાર્ક બ્લુ કલરનાં શર્ટમાં માનસ ખુબ જ સોહામણો લાગી રહ્યો હતો. મનસ્વી થોડી વાર માટે તો માનસને જોતી જ રહી ગઈ.
"મનસ્વી... ચાલને. તારે ગાડીમાં નથી બેસવું? ગાડીમાં બેસી જા મનસ્વી."
મનસ્વી જાણે ઝબકીને જાગી.. "હા.. હા આવું છું." કહેતાં મનસ્વી ગાડીમાં બેઠી.
આજનો દિવસ મનસ્વી માટે ખુબ જ યાદગાર રહ્યો. માનસ અને મનસ્વી પહેલાં હોટેલમાં જમવા ગયાં. ત્યાંથી બંને વી.આર. મોલમાં ફરવા ગયાં. બંનેએ આજે એટલી બધી વાતો કરી કે સમય ખૂટ્યો પણ બંનેની વાતો ન ખૂટી. પ્રજયનાં આવવાના સમય પહેલાં માનસે મનસ્વીને ઘરે મૂકી અને ફરી મળવાનું વચન આપ્યું. મનસ્વી ખુબ જ ખુશ હતી. એની ખુશી એના વર્તનમાં પણ છલકતી હતી. પ્રજયે પણ આ વાતની નોંધ લીધી પણ એને લાગ્યું કે ગઈકાલે શોપિંગ માટે આપેલા પૈસાને લીધે મનસ્વી ખુશ છે.
ધીમે-ધીમે મનસ્વી ફરી જીવનને માણતી થઇ ગઈ. દરરોજ એ ખુશ રહેવા લાગી. અને હંમેશા એ માનસનાં આવવાની અને એને મળવાની રાહ જોવા લાગી. માનસે આપેલી હિંમતના પરિણામે જ હવે એ પ્રજયને એની મરજી વિરુદ્ધ એની પાસે ન આવવા દેતી. ક્યારેક એની ઈચ્છા ન હોય અને પ્રજય રસોડામાં કંઈક બનાવવા માટે ફોન કરે તો મનસ્વી વિવેકથી ના પાડી દેતી. પ્રજયને પણ મનસ્વીમાં આવેલ આ ફેરફાર જોઈ આશ્ચર્ય થતું. પણ પરિસ્થિતિ હજી પોતાના તાબે હોવાનું લાગતાં એણે એ તરફ વધારે ધ્યાન ન આપ્યું. કોઈ એમને સાથે જોઈ ન જાય એ માટે ઘણી વાર માનસ અને મનસ્વી બંને માનસ જ્યાં રોકાયો હોય એ હોટેલમાં જ મળતા. જેથી બંને નિરાંતે બેસીને વાતો પણ કરી શકે અને પ્રજય કે એનો કોઈ મિત્ર જોઈ જવાની બીક પણ ના રહે.
***
આજે સ્પેશ્યલ દિવસ હતો. મનસ્વીએ પ્રજયના જતાં જ ફટાફટ માનસનો પ્રિય ગાજરનો હલવો બનાવ્યો. અને પછી જલ્દી જલ્દી તૈયાર થઇ એ માનસને મળવા નીકળી પડી. રસ્તામાંથી માનસ માટે રેડ રોઝીસનો ગુલદસ્તો લેવાનું એ ન ભૂલી.
"સરપ્રાઈઝ માનસ.. હેપી બર્થ-ડે ટુ યુ.."
અને માનસ આશ્ચર્યમાં ગરકાવ થાય ગયો.
"તને હજુ મારો બર્થ-ડે યાદ છે મનસ્વી?"
"હાસ્તો વરી.. સ્પેશ્યલ વ્યક્તિનો બર્થ-ડે તે વળી ભુલાતો હશે? ચાલ જો હું તારા માટે શું લાવી છું?. તારો ફેવરિટ ગાજરનો હલવો."
અને સાચે જ માનસની આંખમાં પાણી આવી ગયા. એને નહોતી ખબર કે મનસ્વીને હજી પણ એની નાની નાની દરેક વાતો યાદ હશે.
તે દિવસે મનસ્વીએ પોતાની જાતને પણ માનસને સોંપી. ખરેખર જેને સાચા દિલથી પ્રેમ કર્યો હોય એની સાથે એક્યની અનુભૂતિ કેટલી અદભુત હોય છે એનું ભાન મનસ્વીને આજે થયું.
મનસ્વી જાણતી હતી કે માનસ સાથેનો એનો સંબંધ આ સમાજ નહિ સ્વીકારે. પણ હવે એને સમાજની પરવાહ ન હતી. કહેવાતા સમાજની બીકે જ તો એના માં-બાપે એના લગ્ન માનસ સાથે ન કરાવ્યા અને પ્રજય સાથે એની મરજી પૂછ્યા વિના એને પરણાવી દેવામાં આવી. હવે એ પોતાના માટે જીવવા માંગતી હતી. એને અહેસાસ થઇ ગયો હતો કે એની સાચી ખુશી શેમાં છે?
***
અંતે એ દિવસ પણ આવી જ ગયો. મનસ્વી ડાન્સ-ક્લાસમાં હતી અને અચાનક પ્રજય ત્યાં આવી ચડ્યો.
"મનસ્વી... તું કોને પૂછીને ડાન્સ-કલાસિસમાં આવી?"
"પ્રજય.. તું? અહીંયા?”
“કેમ? મને જોઈને ચોંકી ગઈ તું?”
“પ્રજય, ચાલ આપણે બહાર જઈને વાત કરીએ."
"બહાર શું કામ મનસ્વી? અહીંયા જ વાત કરીશ હું. કેટલા સમયથી મારી પીઠ પાછળ તું આ ઉછળ-કૂદમાં સામેલ છે?"
"પ્રજય પ્લીઝ.."
"પ્લીઝ શું મનસ્વી? તને ના પાડી હતી ને આવા ડાન્સમાં જોડાવાની? કેટલી વાર કીધું છે કે સંસ્કારી છોકરીને ડાન્સ કરવું ન શોભે. આ તો સારું થયું કે આજે હું જલ્દી આવ્યો અને મેં તને નીકળતા જોઈ અને તારી પાછળ-પાછળ હું અહીં આવ્યો. નહિ તો તું તો ક્યારેય મને કહત જ નહિ."
"હું જો તમને કહી દેતે તો તમે મને નૃત્ય કરવા દેત?"
"કદાપિ નહિ મનસ્વી. નૃત્ય સંસ્કારી લોકોને ન શોભે.”
“પણ પ્રજય..”
“પણ-બણ કંઈ નહિ મનસ્વી. મારે કંઈ જ સાંભળવું નથી. હું કહું એમ તારે કરવાનું છે. ચાલ તું ઘરે. તારા માં-બાપને જાણ કરું છું કે જુઓ તમારી દીકરી કેવા ધંધા કરી રહી છે?."
ગુસ્સામાં ને ગુસ્સામાં પ્રજય મનસ્વીને લઈને ઘરે આવ્યો. સતત આખા રસ્તે એ મનસ્વીને સંભળાવતો રહ્યો. મનસ્વી રડતી રહી. રાત્રે પણ કંઈ જ ખાધા વગર એ સુવા જતી રહી. બીજે દિવસે મનસ્વીના મમ્મી-પપ્પા આવનાર હતાં. રડી-રડીને થાકી ગયા બાદ મનસ્વી મક્કમ થઇ અને એણે પાક્કો નિર્ધાર કરી લીધો.
***