An afair books and stories free download online pdf in Gujarati

એન અફેર

એન અફેર

“નવ વાગ્યા... સાંભળો છો..! હજુ કેટલી વાર નાહતાં તમારે..! ઝટ કરો ઝટ...” કામિનીએ જરાક અકળાયેલા અવાજમાં બાથરૂમના દરવાજે બે-ત્રણ ટકોરા માર્યા.

બાથરૂમનો નળ બંધ થતાં જ પાણી દદડવાનો અવાજ શાંત થયો.

નિલેશે અંદરથી કહ્યું, “બસ આ દસ જ મિનિટ... તું ચા મૂકી દે...”

કામિની રસોડામાં જતાં નિસાસો નાંખતાં બબડી: ઓફિસે જવાનું મોડું થશે એટ્લે ઉતાવળમાં ને ઉતાવળમાં કશુંક ભૂલીને જ જશે... શી ખબર આટલો સમય અંદર કોણ જાણે શું કરે છે...!? કહીને તેણે ગેસ પર ચા બનાવવા મૂકી.

નળમાંથી નીકળતા ગરમ પાણીની વરાળોથી બાથરૂમમાં જાણે શિયાળાની વહેલી સવાર જેવો ધુમ્મસ છવાઇ ગયો હતો. નાહી લઈ નિલેશ સફેદ રૂમાલ વીંટી બહાર નીકળ્યો. આછી ગ્રીન શેડ વાળી દાઢી અને ભીના વાળમાં તેનો ચહેરો સોહામણો દેખાતો હતો. લગ્ન પછી તેના પેટ પર નાનકડી ફાંદ ઉપસી આવેલી અને છાતી વાળના ગુચ્છાથી ભરેલી હતી.

બાથરૂમનો દરવાજો ખૂલતાં જ કામિની રસોડામાંથી તાડૂકી, “દોઢ કલાક સુધી અંદર પુરાઇને શું કરતાં હતા આટલો સમય..? ઊંઘી ગયા હતા કે શું??”

નિલેશે જવાબ આપવાનું ટાળ્યું. રૂમાલથી માથું કોરું કરતાં પૂછ્યું, “ચા-નાસ્તો બની ગયો?”

“હા, આ રહ્યો... પહેલા ચા-નાસ્તો કરી લો... કપડાં પહેરવા રહેશો તો ચા ઠંડી થઈ જશે...” તેણે ચા-નાસ્તો ડાઈનિંગ પર પીરસી અણીયાળી આંખે નિલેશ સામે જોયું.

કામિનીના અવાજમાં ભળેલી અકળામણ અને ધારદાર વીંધતી નજર સામે નિલેશની નજર ટકરાતાં જ તે ભોંઠો પડી ગયો. ગઈકાલ રાતનો કામિનીનો ધૂંધવાયેલો ચહેરો અને તેના અસંતુષ્ટ હાવભાવ નિલેશના હ્રદય પર તીક્ષ્ણ સોયની જેમ ઘોંચાતા હતા. કામિનીના આડકતરા હાવભાવ અને શબ્દો તેને અંદર કોતરી ખાતાં હતા. નિલેશને તેની પોતાની જાત પર ગુસ્સો ચડી જતો, પણ પોતે મજબૂર હતો એનો ઓફસોસ તે દાઢ ભીંસીને કચડી નાંખતો. કામિનીના અસંતુષ્ટ હાવભાવ જાણે ફરિયાદ કરતાં કહેતા કે: શી ખબર શું થઇ ગયું છે તમને! પહેલા તો એવું બિલકુલ પણ નહતું થતું. હાથમાં લઈને જરાક પંપાળું છું ને તમારા પગ ઢીલા પડી જાય છે. સમુદ્રના મોજાની જેમ ઉછાળા મારતું કૌવત ગોકળગાયની જેમ કોકડું વળીને સંકોરાઈ જાય છે! – નિલેશે વાળ ખંખેરી ગઈ રાતના વિચારોને ફંગોળી નાંખ્યા. રૂમાલ કમર પર પાછો વીંટી દઈ ઊંચા ટેકા વાળી ડાઈનિંગ ખુરશી પર ચા-નાસ્તો કરવા બેઠો.

કામિની રસોડામાં એંઠા વાસણો તગારામાં મુકતા ખિન્ન અવાજે બોલી, “...જરા વહેલા ઉઠતાં હોવ તો તમે... મોડી રાત સુધી કોમ્પ્યુટર પર બેઠા બેઠા દોઢ-બે વગાડો છો, અને સવારે ઢંઢોળીને ઉઠાડીએ ત્યારે ધાબળામાંથી મોઢું બહાર કાઢો છો... તમારા લીધે મારેયે કામનું મોડું થાય છે... હવે જરા વહેલા ઉઠવાની ટેવ પાડો...”

“હા અવે... સવાર સવારમાં શું માથે ચડી છે...” નાસ્તો કરતાં નિલેશે અકળાઈને કહ્યું. કદાચ કામિનીના આ આડકતરા શબ્દો જ તેના વિચારોને તોફાને ચડાવતા હતા. તેણે તેના વિક્ષુબ્ધ મનને શાંત પાડવા જરાક ઠમઠોર્યું.

થોડીક વાર બન્ને વચ્ચે થીજેલું મૌન પથરાયેલું રહ્યું; પણ મનમાં ગઈ રાતના એજ વિચારોનું ચકડોળ ઘૂમતું હતું...

કામિની રસોડાનું કામ આટોપી બાથરૂમમાં કપડાની ડોલ ભરવા ગઈ ત્યાં જ... નિલેશના મોબાઇલની રિંગ રણકી...

ચાની ચૂસ્કી લેતા નિલેશની આંખો રઘવાઈ થઈ આમતેમ ફોનને શોધવા લાગી. મનમાંથી તરત જ મેસેજ છૂટ્યો – મોબાઈલ તો બાથરૂમમાં જ રહી ગયો છે!! કામિની બાથરૂમમાં સાડી, બ્રા, બ્લાઉઝ, જાંગિયા ગરમ પાણીની ડોલમાં દબાવી દબાવીને ભરતી હતી. જાણે હમણાં જ પોતાનું છૂપું અફેર પકડાઈ જશે એવા ડરની રેખાઓ તેના ચહેરા પર તણાઇ આવી. મોબાઇલની રિંગ સંભળાતા જ કામિની સાડીના પાલવથી હાથ લૂછી ઊભી થઈ. બાથરૂમના ખૂણે કાચની પ્લેટ પર મૂકેલા મોબાઈલને કોરા-ભીના હાથમાં સાચવીને લીધો. સ્ક્રીન પર લાલ અને લીલા બટન સાથે એક સુંદર સ્ત્રીનો હસતો ચહેરો દેખાઈ રહ્યો હતો. કામિનીએ આંખો ઝીણી કરીને નામ વાંચ્યું – અદિતિ શર્મા.

દોઢ વર્ષનું સિક્રેટ અફેર ખુલ્લુ પડી જશે એવા ભયથી નિલેશ ચાનો મગ પડતો મૂકી બાથરૂમ તરફ દોડ્યો. કામિની ફોન આપવા બાથરૂમમાંથી બહાર નીકળી ત્યાં જ... નિલેશે ધડકતા હૈયે બાથરૂમ પાસે આવીને કહ્યું, “લાવ... ઓફિસથી ફોન હશે...”

કામિનીએ કશું બોલ્યા વિના ફોન આપી દીધો. તે થોડીક ક્ષણ ત્યાં જ ઊભી રહી. નિલેશના ચહેરા ઉપર ઉપસી આવેલા અજાણ્યા હાવભાવ તેણે સ્કેન કરી મનમાં સેવ કરી લીધા. બાથરૂમનું કામ આટોપતા પણ તેના સતેજ કાન ફોન પર ચાલતી વાતચીત સાંભળી રહ્યા હતા. નિલેશે ફોન મૂક્યો ને તરત જ કામિનીના મનમાં સળવળતા સવાલે દેડકાની જેમ બે હોઠ વચ્ચેથી કૂદકો માર્યો,

“કોણ હતી એ...?” તીક્ષ્ણ આંખોથી નિલેશના ઝંખવાઇ ગયેલા ચહેરાના એકએક હાવભાવને સ્કેન કરતી નજરે પૂછ્યું.

“ઓફિસથી કોલ હતો... બોસ છે મારી...” કહીને તે બેડરૂમમાં જતો રહ્યો.

કામિની જાણે બધું જ સમજી ગઈ હોય એમ માથું હકારમાં હલાવતી ત્યાં જ તેને નિરીક્ષણ કરતી નજરે ઊભી રહી. બીજા રૂમમાંથી અઢી વર્ષના દિપુના રડવાનો અવાજ તેના કાનમાં રેલાયો... તે ઉતાવળા પગે દિપુ પાસે પહોંચી. તેનું ભીનું ડાઇપર બદલાવી નવું પહેરાવ્યું. દિપુને તેડી લઇ ચૂમીઓ ભરીને નવડાવ્યો. દિપુનો રડતો ચહેરો મમ્મીને જોઈને જ ગલગોટાની જેમ ખીલી ઉઠ્યો. બન્ને રતુંબડા ભરાવદાર ગાલ પર ભીની ચૂમીઓ ભરતાં તે ખિલખિલ હસવા લાગ્યો.

“કામિની... હું નિકળું છું...” નિલેશ ફોરમલ પેન્ટ-શર્ટમાં તૈયાર થઈ, ખભે ઓફિસ બેગ ભરાવતા કહ્યું.

કામિની દિપુને લઈને બહાર દરવાજે આવી.

નિલેશે દિપુને હસાવવા તેના ગળા પર, પેટ પર આંગળીઓ ફેરવી ગલીપચી કરી. દિપુનો ગોળમટોળ ચહેરો હાસ્યની છોળો ઉડાડતો ખિલખિલાટ હસી પડતો અને મમ્મીના ગળે નાનકડા હાથ ભેરવી હસતાં હસતાં ઢળી પડતો. કામિની પણ દિપુને ગેલમાં આવી જતો જોઈને હસી પડી. નિલેશે કામિની સામે જોયું. કામિનીની આંખોમાં કશુંક કહેવાનો આછો અણસાર ઝળકતો હતો. બિડાયેલા હોઠ જરાક ખોલી, નિલેશના હોઠ પર નજર ફેરવી તેની આંખમાં જોયું. નિલેશે કામિની સામે જરાક સ્મિત કર્યું. તે બહાર નીકળવા જતો હતો ત્યાં જ કામિનીના અધખુલ્લા હોઠ વચ્ચે દ્રીઅર્થી શબ્દો સરી પડ્યા, “કશું ભૂલતા તો નથીને તમે?”

નિલેશ કામિનીના દ્રીઅર્થી શબ્દ પાછળનો મર્મ તેની આંખો અને હોઠના ઇશારા પરથી જ સમજી ગયો હતો. તે ઓફિસ બેગ અને હાથમાં પકડેલા હેલ્મેટ સામે જોઈને માથું નકારમાં ધૂણાવ્યું. ગ્રાઉન્ડફ્લોરની સ્વિચ દબાવી તે લિફ્ટમાં જતો રહ્યો. કામિની બહાર નીકળી લિફ્ટનો દરવાજો વખાય ત્યાં સુધી બહાર ઊભી રહી.

કામિનીના મનમાં લગભગ બે વર્ષથી નિલેશ વિશેના અજાણ્યા પ્રશ્નો તેને મૂંઝવતા હતા. તે એ વિશે ક્યારેક પૂછતી તો નિલેશ મોબાઇલમાં આંખો ડુબાડી દેતો અથવા તો ગોળગોળ જવાબ આપતો. કામિનીને ક્યારેક ખૂબ ગુસ્સો આવતો, પણ એ કશું કરી શકે એમ નહતી. પહેલા તો બન્ને એકબીજાને કેટલો બધો પ્રેમ કરતાં, કેટલું આત્મીય જોડાણ હતું. પણ હવે...? હવે નિલેશનો સ્વભાવ-વર્તન બદલાઈ ગયો હતો. બન્ને કોલેજ સમય દરમ્યાન એકબીજાના પ્રેમમાં ગૂંથાયેલા હતા. બન્નેએ તેમના પરિવારની સંમતિ લઈને લવ મેરેજ કર્યા હતા.

~

કામિની દરવાજો વાખીને ઘરમાં આવી. દરરોજની જેમ બાલ્કનીમાં ઊભી રહી નિલેશને બાઇક લઈને ઓફિસે જતા જોઈ રહી – આંખો સામેથી તે અદ્રશ્ય ન થાય ત્યાં સુધી તેને દેખતી રહી. કામિનીનું મન અંદરોઅંદર ખૂબ દુભાતું અને અનેક વિચારોમાં ગૂંચવાતું હતું.

કામિનીએ દિપુને નવડાવી, નવા કપડાં પહેરાવી તૈયાર કર્યો. દિપુ દરરોજ બાજુમાં રહેતા દાદીમાની આંગળી પકડી નીચે ગાર્ડનમાં રમવા જતો રહેતો. જેના લીધે કામિનીને ઘરકામ કરવામાં ઓછી તકલીફ પડતી. તેને રંગબેરંગી ફૂલોનો ખૂબ શોખ હતો. બાલ્કનીમાં મૂકેલા કુંડાઓમાં જાત જાતના સુંદર ફૂલોને તે દરરોજ ફુવારાથી પાણી પાતી. પાંચમા માળથી કામિનીએ નીચે નજર કરી જોયું. ગાર્ડનની નજીક પહોંચતા જ દિપુ દાદીની આંગળી છોડી, તેના જેવડા જ નાના બાળકોના ઝૂમખામાં ઉમળકાભેર દોડી તેમની સાથે ખેલવા-કુદવા લાગ્યો. કામિની દિપુને રમતો જોઈને હસતી અને ફુવારાથી ફૂલ-છોડને પાણી છાંટતી વખતે તેનું વિક્ષુબ્ધ મન વિચારોના ચકડોળમાં બેસી ઘુમવા લાગ્યું : દિપુને રમવામાં કંપની આપે અને એને ઘરમાં એકલવાયું પણ ન લાગે એ માટે એક બાળક હોય તો કેવું સરસ. બે બાળકો તો હોવા જ જોઈએ. થોડુંક લડે-ઝઘડે, પણ સાથે રમે તો ઘર કેવું ભરેલું ભરેલું લાગે.

બીજા બાળક માટેના વિચારમાં ચક્કર ખાતું મન અટવાયું ત્યાં જ... વાસ્તવિક પરિસ્થિતિની ઠેસ વાગી. મન ચકડોળમાંથી ઉછળીને નીચે પડ્યું! મનમાંથી નીકળેલી વિચારોની વેલ નિલેશના પગ ફરતે વીંટળાઇને ધીરે ધીરે ઉપર પર ચડવા લાગી... વિચારમાં ખોવાયેલી કામિની અજાણતા જ ફુવારાનું હેન્ડલ આગળ-પાછળ દબાવતી ને પીચકારી ફોર્સ સાથે છૂટતી... પાણીની ધાર ખીલેલા પુષ્પોની રેશમી પાંદળીઓ પર અથડાતી... પાંદળીઓમાં ભરાયેલું પાણી ઝાકળની જેમ ડોલતું પડ્યું રહેતું ને લસરીને નીચે ઢળી પડતું. કામિનીની વિચારમગ્ન આંખો ગાર્ડનમાં સ્થિર હતી, પણ મન હજુ નિલેશના વિચારોમાં જ ખોવાયેલું હતું : લગ્નની પહેલા તો એ મારી કેટલી કાળજી રાખતા. બર્થડે પર, વેલેન્ટાઇન ડે પર સરસ ગિફ્ટ્સ અને ગુલાબ આપતા. સાંજે ડિનર કરવા પિક અપ કરવા આવે ત્યારે ગ્રીટિંગ કાર્ડમાં પ્રેમભીના શબ્દોનો પ્રેમપત્ર જરીવાળી ગુલાબી શાહીથી લખતા. ન જાણે કેટલીયે વાર એ પ્રેમભીના શબ્દોને પૂરા દિલથી વાંચેલા, માણેલા, અનુભવેલા અને દિલની દીવાલો પર ગૂંથેલા... હંમેશા માટે. ડિનર કરી છૂટા પડતી વખતે ગાડીમાં મારા ગાલ પર નજાકતથી અંગુઠો પસવારી, આંખમાં આંખ પરોવી, મદહોશ કરી મૂકે એવું ચુંબન ભરી લેતાં. મનમાં ન જાણે કેટલીયે સુષુપ્ત ઝંખનાઓ એક સાથે જાગી ઉઠતી. દિલમાં તેમના નિતાંત પ્રેમનું ખળખળ કરતું શુદ્ધ ઝરણું ફૂટી નીકળતું. પ્રેમનું પુષ્પ સોળે કળાએ ખીલીને મઘમઘતી સુગંધ તન-બદનમાં ફેલાવી મુકતું. લગ્ન પછી તો ઘરમાં બન્ને એકલાં જ. દસ-સાડા દસ થાયને રંગીન વિચારોની રિલ મનમાં ચાલુ થઈ જતી. શ્વાસ તેજ થઈ જતાં. ઇન્દ્રિયોના અશ્વો હણહણાવતી સવારી લઈને રૂંવેરૂંવે ઉત્તેજનાના પાટા પાડતી. ધસમસતા પૂરની જેમ લોહીનો વેગ નસેનસમાં તોફાન મચાવતું ને છેક બેડમાં તાણી લઈ જતું. અધૂરી કામુક ઝંખનાઓ સંતોષવા એકમેકમાં પરોવાઈ જાણે ઓગળીને એક થઈ જતાં. ચરમસીમાની ટોચે ચડાવી સ્ત્રી હોવાનો અહેસાસ કરાવતું પરમઆનંદનું મોજું અણુંઅણુંમાં ફરી વળી, સંતૃપ્તતાથી છલોછલ કરી મુકતું. સળવળતી બધી જ કામનાઓ સંતોષાઈને શાંત પડી જતી પણ હવે, હવે તો...,

દિપુના જન્મ પછી તો જાણે એ બધા અનુભવો માત્ર છબીની જેમ સ્મૃતિ બનીને રહી ગયા છે. પહેલા તો ઓફિસે જતાં રોજ હળવી કિસ કરી, આઈ લવ યુ સ્વીટહાર્ટ... કહ્યા પછી જ આલિંગનમાંથી મને છોડતા. અને હવે તો અછડતા સ્મિતમાં જ બધું પતાવી દે છે. બેડમાં સૂતી વખતે કસ્સીને બાહોમાં જકડી લેતા, ફોરહેડ પર હળવી કિસ કરતાં... અને હવે તો પડખું ફેરતા જ નસકોરાંનું રણશિંગુ બોલવા લાગે છે. રાત્રે મોડે સુધી કોમ્પ્યુટર પર ચોંટ્યા રહે છે. પહેલ કરીને એમને લોભાવું તો પણ એમનામાં પહેલાની જેમ લોહી ભરાતું-ઊછળતું નથી... બધું સાવ ફિક્કું પડી નિષ્ક્રિય થઈ ગયુ છે. પણ એનું કારણ શું હશે? પહેલા તો એમને એવું બિલકુલ નહતું. હવે કદાચ હું, હું એમને પહેલા જેવી આકર્ષક નહીં લાગતી હોવ?!

પાંપણો પલકાવી કામિની વિચારોના વનમાંથી બહાર નીકળી...

(નિલેશ અને કામિની વચ્ચેનું સેક્સ્યુઅલી રિલેશન અસંતુષ્ટ હોય એવું લાગે છે. લગ્ન પછી કામિનીને નિલેશનો સ્વભાવ અને વર્તન બદલાયેલું લાગે છે. બંને વચ્ચેના સંબંધોમાં પહેલા જેટલી આત્મીયતા અને સ્નેહભાવ રહ્યો નથી એવું કામિનીને લાગે છે. શું એ કામિનીનો વ્હેમ છે કે પછી સત્ય? શું નિલેશ ખરેખર કોઈ બીજી સ્ત્રી સાથે અફેર કરી રહ્યો છે કે પછી કંઈક બીજી જ વાત પડદા પાછળ રંધાય છે?? બાથરૂમમાં કામિનીએ ફોન લીધો ત્યારે નિલેશ તરત જ ચા-નાસ્તો પડતો મૂકી કેમ અચાનક ફોન લેવા દોડ્યો હતો? નિલેશ અને કામિની વચ્ચે આ અદિતિ શર્મા શું ખરેખર નિલેશની બોસ છે....કે પછી...?) આગળ જાણવા વાંચો પાર્ટ – ૨

~

( ક્રમશ: )

A/N:- Dear readers, please please please… don’t judge the writer for being way too much bold in some scene… further in story, I promise you’ll understand my reason why I wrote this short story in such a bold and arouse way. In the end you’ll find this story unique and something different than you have read yet… Please don’t be judgmental and don’t rate till you read the entire story. Thanks for understanding…

બીજા રસપ્રદ વિકલ્પો