એક ખાનગી સમાચાર! Valibhai Musa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ખાનગી સમાચાર!

એક ખાનગી સમાચાર!

હું પ્રસુતિગૃહના લેબર રૂમ સામેના બાંકડે બેઠો હતો. મારી પાસે અનસૂયા બેઠી હતી, મારી બહેન. બનારસથી તેના હઠાગ્રહથી તેની ભાભીની સુશ્રૂષા કરવા અને ઘર સંભાળવા આવી હતી.

ત્રણેક વર્ષ પહેલાંનો મલ્લિકાનો પ્રથમ પ્રસુતિ વખતનો એ સમય મને યાદ આવી ગયો. અસહ્ય પ્રસવપીડા અને સિઝેરિયનની સલાહ છતાં મલ્લિકાએ કુદરતી રીતે પ્રસુતિ થવા દીધી હતી. એણે ગર્ભાવસ્થાના એ દિવસોમાં માતૃત્વઅંગે વિપુલ પ્રમાણમાં વાંચન કર્યું હતું અને મારી સાથે શેર પણ કર્યું હતું. ઔષધશાસ્ત્રના પિતા ગણાતા હિપોક્રેટ્સનું કુદરત એ શ્રેષ્ઠ તબીબ છેઅવતરણ તેને પ્રિય હતું અને એને એ અનુસરવા માગતી હતી. કુદરતી પ્રસુતિ થવા દેવા માટે એ ત્રણત્રણ દિવસ સુધી ઝઝૂમતી રહી હતી અને અફસોસ કે આખરે તેણે મૃત બાલિકાને જન્મ આપ્યો હતો. આ દુ:ખદ ઘટનાથી એને, મને અને અમારાં સઘળાં સ્નેહીજનોને ખૂબ જ આઘાત તો લાગ્યો હતો; પણ અમે ઈશ્વરેચ્છાને આધીન થઈ ગયાં હતાં. આમ છતાંય આ વખતે બીજી પ્રસુતિએ પણ એ એના કુદરતી પ્રસુતિના ઈરાદામાં મક્કમ હતી.

એક પરિચારિકાએ અમને ભાઈબહેનને ખુશખબરી સંભળાવી, ‘કન્હૈયો અવતર્યો છે.

તમે લોકોએ નામ પણ આપી દીધું!મેં કહ્યું.

અમારી સાંકેતિક નામ જણાવવાની પ્રથા છે. દીકરી હોત તો રાધા કહેત!

કોઈ અન્ય ધર્મી પ્રસુતા હોય, તો પણ!

ના. એમને પૂછી લઈએ છીએ, એમને પસંદ એવા સાંકેતિક નામ માટે. અમારાં મેડમને છોકરો-છોકરી, બાબો-બેબી, પેંડા-જલેબી જેવા નીરસ અને ભેદભાવસૂચિત શબ્દોમાં ખુશખબરી અપાય તે પસંદ નથી.

થોડીવાર પછી ગાયનેક ડોક્ટર સુશીલા આહિરે અમને બેઉને પોતાના કન્સલ્ટીંગ રૂમમાં બોલાવ્યાં અને અમારા કન્હૈયાના જન્મ વખતનાં તેમણે અનુભવેલાં ચાર આશ્ચર્યો કહી સંભળાવ્યાં. એક, પીડારહિત પ્રસુતિ; બે, બાળક રડ્યું નહિ; ત્રણ, તેણે સમજદાર બાળકની જેમ ખુલ્લી આંખે ચોતરફ નજર ફેરવ્યા કરી; અને ચાર, તેના ચાંદી જેવા ચમકતા બધા જ શ્વેત બાલ! એક બોનસ ખુશખબરી પણ હતી કે સંપૂર્ણ રીતે વિકસિત પૂરેપૂરા બત્રીસ ચમકતા દાંતની શૃંખલા!વધારામાં એમણે એ પણ કહ્યું કે, ‘મેડિકલ વર્લ્ડમાં આ એક મોટા સમાચાર છે. તમારા કન્હૈયાની જન્મગત ખાસિયતો અંગે હું, મિડવાઈફ ઝરીના અને બે નર્સ એમ અમે ચાર જણ; તમારી બહેન, બાળકની માતા અને તમે એમ ત્રણ મળીને બધાં કુલ્લે સાત જણ જ જાણીએ છીએ. વધુમાં અમેરિકા ખાતેના મારા પિતા સમાન અને ગાયનેક ફેકલ્ટીમાં વિશ્વભરમાં માંધાતા ગણાતા ડૉ. ફ્રેડરિક સાથે હું આ વાત શેર કરવાની છું. આમ આપણે આઠ જણ જ થોડાક સમય પૂરતાં આ ઘટનાનાં સાક્ષી હોઈશું. તમે તમારાં અન્ય સગાંવહાલાંને પણ આ અંગે કશું જ ન કહો તેવી મારી સલાહ છે. હા, તેનું સંપૂર્ણ રીતે માથું ઢંકાયેલું રહે તેવી કેપ સાથેનો તેનો ફોટોગ્રાફ મોબાઈલમાં લઈને તે લોકો સાથે જરૂર શેર કરી શકો છો. વળી હા, ફોટો લેતાં તેના દાંત દેખાઈ ન જાય તેની કાળજી રાખજો. જો એટલું પણ નહિ કરો તો એ લોકો જાતજાતની અટકળો બાંધશે. બીજું એમને જણાવી દેવાનું કે ત્રણ દિવસ સુધી બાળક કે તેની માતાને મળી શકાશે નહિ. આ બધી અગમચેતીનું કારણ એ છે કે જો આ વાત જાહેર થઈ જાય તો મિડિયાવાળાઓનાં ધાડાં ઊતરી પડે. હાલ તો માદીકરાને સંપૂર્ણ આરામની જરૂર છે.અમને વધામણી આપનાર નર્સને કન્હૈયોથી વિશેષ અમને કંઈપણ ન કહેવાનું જણાવાયું હશે, જેની અમને હવે ખબર પડી હતી.

હું તો આ બધું સાંભળીને અવાક્ બની ગયો હતો, પણ અનસુયા તો બોલી પડી હતી, ‘વાહ, ગ્રેટ. ઈટ્સ ક્યુટ, મેમ!

અમારી હાજરીમાં જ એમણે કેલિફોર્નિયા યુનિવર્સિટીના મેડિકલ રિસર્ચના ગાયનેક વિભાગના પ્રિન્સીપલ ડાયરેક્ટર ડૉ. ફ્રેડરિકને ત્યાંની રાત્રિ હોવા છતાં ઉત્સાહ છલકતા ચહેરે સેલફોન જોડ્યો. તેમણે સ્પીકર ઑન રાખીને વાતચીત આરંભી, કે જેથી અમે પણ એ વાતચીત સાંભળી શકીએ. સ્વાભાવિક છે કે વાત અંગ્રેજીમાં જ હોય અને અમે બંને ભાઈબહેન અંગ્રેજી ઉપર સારું એવું પ્રભુત્વ ધરાવતાં હોઈ અમેરિકન ઉચ્ચારવાળું અંગ્રેજી પણ આસાનીથી સમજી શકતાં હતાં. એમની વાતચીત કંઈક આ પ્રમાણે રહી હતી.

સર, અડધી રાત્રે ડિસ્ટર્બ કર્યા એ બદલ દિલગીર છું.

નો પ્રોબ્લેમ.સામેથી જવાબ મળ્યો.

ઓળખાણ પડી?’

બાપ દીકરીને ન ઓળખી શકે? બોલ, માય ડૉટર.

આપની સાથે હું જ્યારે ગાયનેકમાં સુપર સ્પેશ્યાલિટી કરતી હતી, ત્યારે આપે એક વાત કહેલી યાદ અપાવું. આપે કહ્યું હતું કે અમારા પૂર્વના કોઈક ધર્મસંસ્થાપક જન્મ્યા હતા, ત્યારે તેમના માથાના બાલ સફેદ હતા અને એમને વૃદ્ધ રાજકુમારનું લાડલું નામ આપવામાં આવ્યું હતું. વળી આપે એ પણ કહ્યું હતું કે હજારો વર્ષોના આંતરે અબજો બાળકોના જન્મના કિસ્સાઓમાં કોઈ એકાદ જવલ્લે જ આવું બાળક જન્મે. મારા મેટરનિટી હોમમાં હમણાં જ એવું માથે સફેદ બાલવાળું એક બાળક જન્મ્યું છે. વળી બીજી ત્રણ વિશેષતાઓ એ છે કે એ બાળકે જન્મતાં તેની માતાને કોઈ વેદના આપી નથી, તે રડ્યું પણ નથી અને સૂમસામ સમજદાર બાળકની જેમ આસપાસ ઊભેલાંઓ સામે પોતાની નજર ફેરવ્યે જાય છે. આપ સમજી શક્યા હશો કે મેડિકલ સંશોધનના ક્ષેત્રમાં આ એક ટિપીકલ કેસ કહેવાય અને એનો અભ્યાસ થવો જોઈએ. અને હા, એક વાત તો કહેવાનું ભૂલી જ ગઈ કે તે દાંતની પૂરેપૂરી બત્રીસી ધરાવે છે.

એ બાળકનાં પેરન્ટ્સ હાજર હોય તો હું તેમની સાથે વાત કરી શકું?’

યેસ, યેસ, વ્હાય નોટ? હોલ્ડ ઓન, પ્લીઝ; એન્ડ ટૉક વિથ મિ. રણબીર ચાવલા.

કોન્ગ્રેટ્સ મિ. ચાબલા. આપના ત્યાં દિવ્ય બાળક અવતર્યું છે. તે જન્મથી જ જિનિયસ છે. અભિનંદન. અમે તેના ઉપર રિસર્ચ કરવા માગીએ છીએ. મારી પાસે મિ. બિલ ગેટ્સ અને મિ. વૉરન બફેટના સંયુક્ત ચેરિટી ફંડમાંથી અસાધારણ એવી કોઈ મેડિકલ રિસર્ચ માટે અનલિમિટેડ ગ્રાન્ટની ઑફર છે. આપના બાળકના સમાંતરે અને ઉપલાં સ્તરે લોહીના સંબંધે જોડાયેલાં તમામ સગાંવહાલાંને પરમેનન્ટ અમેરિકન વિઝા, રોજગાર, નિવાસસ્થાન અને એ બાળકના ભણતરના તમામ ખર્ચને પૂરું પાડવામાં આવશે. અમારે બાળકની સાથે બ્લ્ડ રીલેટેડ તમામ સગાંઓને પણ ચકાસવાં પડશે અને એટલા માટે જ અમે તેમને બોલાવીએ છીએ. આ ખુલાસો એટલા માટે કે આપ આને પ્રલોભન ન સમજી બેસો. આ રિસર્ચ અમે જગતનાં તમામ જન્મનારાં બાળકો જન્મથી જ જિનિયસ હોય એ માટે નથી કરતા અને એ થઈ શકે પણ નહિ. અમે તો કંઈક એ શોધવા માગીએ છીએ કે જેના થકી ઓછામાં ઓછું મંદબુદ્ધિ ધરાવતાં બાળકોને નોર્મલ બનાવી શકીએ. આપને આ બધી જે ઑફર કરી રહ્યો છું તે માટેનો સત્તાવાર અધિકાર મારી પાસે ન હોવા છતાં મને વિશ્વાસ છે કે એ બધું હું મંજૂર કરાવી શકીશ. વધારામાં અમારી એક મુખ્ય ઑફર કે એ બાળકના નામે તમે કેટલા ડોલર રિઝર્વ કરાવવા માગો છો તે અમે આપના ઉપર છોડીએ છીએ. મેડિક્લ રિસર્ચમાં આપ સહકાર આપશો એ અમારે મન મોટી વાત છે અને તેથી જ એક બિલિયન ડૉલર સુધીની આપની માગણી અમે હોંશેહોંશે સ્વીકારી લઈશું. હવે આપ ડૉ. સુશીલાને ફૉન આપશો, મિ. રાનબીર?’

અમે હજુસુધી અમારા કન્હૈયાને જોયો પણ ન હતો અને આ બધું જે થઈ રહ્યું હતું તેનાથી હું તો સ્તબ્ધ બની ગયો હતો. મારે કબૂલ કરવું પડશે કે મારી બહેન અનસૂયા કે જે મારી પાસે જ બેઠેલી હતી, તે મારા કરતાં વધારે પરિપક્વ, શાંત અને સ્વસ્થ લાગતી હતી. તેણે સહજભાવે ડૉ. સુશીલાને મિ. ફ્રેડરિક સાથે વાતચીત ચાલુ રાખવાનું કહીને અને મને ઊભા થવાનો ઈશારો કરતાં કહ્યું, ‘અમે અમારા ક્ન્હૈયાને જોઈ તો લઈએ, એ પહેલાં કે દુનિયા આખીયમાં…!’. ગોપનીયતા જાળવવાનો ખ્યાલ આવી જતાં તેણે વાક્ય કાપી નાખ્યું.

ડૉ. સુશીલાએ ભલેકહીને પોતાની ફોન ઉપરની વાત ચાલુ રાખી હતી.

અમે ડૉ. સુશીલાની ઑફિસમાં હતાં તે દરમિયાન મલ્લિકા અને અમારા કન્હૈયાને લેબર રૂમમાંથી ડીલક્ષ રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવ્યાં હતાં.

ચેમ્બરમાંથી બહાર નીકળતાં જ બહાર ઊભેલી મિડવાઈફ મિસિસ ઝરીના પઠાણ અમને ડીલક્ષરૂમ ભણી લઈ જવા માંડી. રસ્તામાં તેણે કહેવા માંડ્યું, ‘મેડમની સૂચનાથી રૂમની બહાર ત્રણેય શિફ્ટ માટેના વૉચમેન નિયુક્ત થઈ ગયા છે. એ લોકોને પણ રૂમની અંદર જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. તમારાં બંને માટેના આ સ્પેશ્યલ પાસ છે. મેડમે કહ્યા મુજબ ત્રણ દિવસ સુધી સઘળી વાતને ગુપ્ત રાખવાની છે, એની ખબર છે ને ! આશા રાખું કે આપ બાળક અને તેની માતાના હિતમાં આ બાબતે સહકાર આપશો જ. કોઈ પ્રશ્ન છે?’

ના’, મેં જવાબ વાળ્યો.

જેવાં અમે રૂમમાં દાખલ થયાં કે તરત જ મલ્લિકા રાડ પાડતાં બોલી ઊઠી,’જો જો, રણબીર! પ્રભુએ આપણને દિવ્ય બાળકની ભેટ ધરી છે! અનસૂયા, મારી બહેના! હવે ફોઈ તરીકે તારો હક્ક બને છે, આપણા લાડલાના નામકરણનો! હાલથી જ વિચારવા માંડ, કેમ કે ડૉ. સુશીલાના આ ક્લિનિકમાં નવજાત બાળકનું નામ ચોવીસ કલાકમાં આપી દેવું પડતું હોય છે.

* * *

આજે અમારી ડૉ. સુશીલા સાથેની મિટીંગ મલ્લિકાના રૂમમાં જ ચાલી રહી હતી. અમે ડૉ. ફ્રેડરિકની ઑફરને સ્વીકારી લેવાના નિર્ણય ઉપર આવી ગયાં હતાં. અમારાં મધ્યસ્થી તરીકે મેડમ જ હોઈ અમારે કેટલાક અગત્યના ખુલાસા કરવાના હતા. હું અને મારું કુટુંબ તો તાત્કાલિક અમેરિકા જઈ શકીએ તેમ હતાં. આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજરપદે હું હતો અને આ બેંકની ઓવરસીઝ ઘણી શાખાઓ પૈકી કેલિફોર્નિયામાં પણ એક શાખા હતી. અમારાં બ્લડ રિલેટેડ સગાં માટે તો અમેરિકન ગવર્ન્મેન્ટ તરફથી સઘળી કાર્યવાહી થવાની હતી એટલે એમની અમને ચિંતા ન હતી. અમારી મૂંઝવણ તો અમારા કન્હૈયા અંગેની હતી. જો અમારે એ લોકોને રિસર્ચ માટે કન્હૈયાને સોંપી જ દેવાનો હોય તો આ ઑફર અમને માન્ય ન હતી. મેં ડૉ. સુશીલાને પૂછ્યું, શું અમેરિકા ગયા પછી અમારે અમારા દીકરાથી છૂટાં પડી જવું પડશે?’

હું વધુ અભ્યાસ અર્થે અમેરિકા રહી ચૂકી છું. આ પ્રકારનું રિસર્ચનું કામ કેવી રીતે થતું હોય છે તેનો મને પ્રત્યક્ષ પરિચય છે અને મેં ડૉ. ફ્રેડરિકને ઝીણામાં ઝીણી વાતો પૂછી પણ લીધી છે. તમારે ત્યાં નોર્મલ ફેમિલી લાઈફ જીવવાની છે. તમને ખબર પણ નહિ પડે કે તમારા દીકરા ઉપર કોઈ રિસર્ચનું કામ થઈ રહ્યું છે. તમારા નિવાસસ્થાને તમામ ઓરડાઓમાં ક્લોઝ સર્કિટ કેમેરા થકી ખૂણેખૂણામાં તમારા બાળકની થતી પ્રત્યેક હિલચાલની માહિતી એ લોકોને મળતી રહેશે. બાળકના મેડિકલ રિપોર્ટ્સ પણ ઘરમાં ગોઠવાયેલાં વિવિધ ઉપકરણો પાસેથી રિમોટ કન્ટ્રોલ દ્વારા મેળવી લેવામાં આવશે. ત્યાંની મેડિકલ એન્જિનિયરીંગ સિસ્ટમ અહીંના કરતાં એટલી બધી એડવાન્સ છે કે બાળકના કે તમારાં સગાંસંબંધીના લોહીના પરીક્ષણ માટે એક ટીપુંય બ્લડ પણ લેવામાં નહિ આવે. આ બધી અમારી મેડિકલની વાતો છે, જે આપને નહિ સમજાય. બીજું અમેરિકનો વ્યક્તિની પ્રાયવસીને બહુ જ માનસન્માન આપતા હોય છે. આપ ચોવીસે કલાક દરમિયાન જ્યારે અને જેટલા સમય માટે પ્રાયવસી ઇચ્છો ત્યારે જામર ઉપકરણ દ્વારા બધીજ સિસ્ટમને સ્થગિત કરી શકશો. દીકરાની અભ્યાસકીય કારકિર્દી અંગે તમારે કશું જ કરવાનું નહિ રહે. તમારે તો એને માત્ર પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ આપવાનો છે. તમારો કન્હૈયો, સોરી હવે તો પલ્લબીર’! તમે લોકો પણ ઓછાં જિનિયસ તો નથી જ હોં ! કેવું તમારાં બંનેનાં નામોને જોડીને બનાવેલું સંયુક્ત શબ્દીય નામ! એકદમ અનન્ય! હું કહેતી હતી કે પલ્લબીર એવો જિનિયસ છે કે તેને એકલાને એજ્યુકેશનના નિષ્ણાતોની એક મોટી ફોજ એ જે દિશામાં ભણવા માગશે તેમાં ભણાવશે. કોને ખબર કે એ પલ્લબીર કોણ જાણે કેટકેટલાય આવિષ્કારો જગતના ચરણે ધરીને ભારતનું નામ રોશન કરશે, જેનો તમામ જ્શ પહેલો ઈશ્વરને અને પછી તમારા લોકોના ફાળે જશે.

અને એ જશ આપને, ડૉ. ફ્રેડરિકને અને પેલા બિલ ગેટ્સ તથા વૉરન બફેટ જેવા મહાનુભાવોને નહિ?’

મને બાદ કરતાં એ લોકોને તો ખરો જ!

આપને બાદ કરીને કેમ? આ સઘળી પ્રક્રિયામાં આપ જ તો મુખ્ય ચક્ર છો ને!

ના, બિલકુલ નહિ. હું તો નિમિત્ત માત્ર જ છું. જે કંઈ થયું તે હરીચ્છાએ જ તો!

* * *

એ દિવસે અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી અમેરિકા માટેનું એર ઇન્ડિયાનું બોઈંગ-૭૦૭ વિમાન ટેક-ઓફ તો થયું અને બાવીસ કલાકે કેલિફોર્નિયા લેન્ડ પણ થયું હશે; પરંતુ દઈ જાણે કે એમાં પેસેન્જર તરીકે ચાવલા દંપતી અને એમનો જિનિયસ પુત્ર પલ્લબીર હશે કે કેમ અને વળી મિ. ફ્રેડરિક અને તેમની ટીમ તેમને રિસીવ કરવા માટે એરપૉર્ટ ઉપર આવ્યાં હશે કે કેમ !!!

* * *

આંતરરાષ્ટ્રીય રીતે ખ્યાતનામ એવા લાઈફઅને ટાઈમમેગેઝિનના જોડાણથી બનેલા નવીન મેગેઝિન લાઈમદ્વારા આયોજિત ઈન્ટરનેશનલ એબ્સર્ડ સ્ટોરી કૉમ્પિટિશનમાં આ વાર્તા મોડી પ્રસ્તુતિથી કમનસીબ પુરવાર થઈને સ્પર્ધાની બહાર રહી જવા પામી છે. એક ખાનગી સમાચાર!

-વલીભાઈ મુસા